વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભક્તના સંદર્ભમાં અસંગ
ભક્તના સંદર્ભમાં પરનો અસંગ=પરમનો સંગ, સદ્ગુરુનો સંગ. ભક્તના સંદર્ભમાં અસંગ કેવો હોય? નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે. માત્ર એ ના ચરણોમાં ઓગળી જવાનું છે, પીગળી જવાનું છે. તમારા હું ને એના ચરણોની અંદર ધરી દેવાનું છે.
કેટલા બધા જન્મોમાં પરમાત્મા મળેલા? સદ્ગુરુ કેટલા જન્મોમાં મળેલા? અને છતાં આપણી ચેતનાની કાયાપલટ કેમ ન થઇ? પ્રભુની કે સદ્ગુરુની અસંગ પ્રતિપત્તિ ન થઇ, માટે. અપેક્ષા આવી ગઈ, એટલે અસંગ પ્રતિપત્તિ ન થઈ.
સદ્ગુરુની અસંગ પ્રતિપત્તિ કરવાની છે. માત્ર સમર્પણ. માત્ર સમર્પણ. સદ્ગુરુને તમારા વિશે બધો જ ખ્યાલ છે અને તમને જે સમયે જે જોઇશે, એ સદ્ગુરુ આપ્યા જ કરશે.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૦
સામાયિકની વ્યાખ્યા યોગપ્રદીપમાં આપી. ‘નિઃસંગં, યન્નનિરાભાસં, નિરાકારં, નિરાશ્રયં પુણ્ય-પાપ વિનિર્મુક્તં મન: સામાયિકં સ્મૃતં’. મનને પાંચ વિશેષણો આપ્યા. એ નિઃસંગ હોય, નિરભાસ હોય, નિર્વિકલ્પ હોય, નિરાશ્રય હોય, અને પુણ્ય-પાપથી મુક્ત હોય. તો એવું મન એ સામાયિક.
સૌથી પહેલા આપણે ‘નિઃસંગં મન: સામાયિકં’ આ વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છે. ભક્તના સંદર્ભમાં પરનો અસંગ=પરમનો સંગ, સદ્ગુરુનો સંગ. સાધકના સંદર્ભમાં પરનો અસંગ = સ્વનો સંગ. પહેલા આપણે ભક્તના સંદર્ભમાં અસંગ કેવો હોય એ જોઈ રહ્યા છીએ. એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા અસંગની કરવામાં આવી છે કે તમે સદ્ગુરુ પાસે જાવ અને સદ્ગુરુએ મારી સામે જોયું નહિ. એવો મનમાં ભાવ આવે, તો પણ એ તમારી સસંગ પ્રતિપત્તી થઇ. અસંગ પ્રતિપત્તી નહિ. એટલે પંચસૂત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું કે સદ્ગુરુની અસંગ પ્રતિપત્તી કરવાની છે. માત્ર સમર્પણ માત્ર સમર્પણ. સદ્ગુરુને બધો જ ખ્યાલ છે. તમને જે સમયે જે જોઇશે એ સદ્ગુરુ આપ્યા કરશે. પણ તમારી અપેક્ષા સદ્ગુરુ પ્રત્યેની હોય કે પ્રભુ પ્રત્યેની હોય તો એને ચલાવી ન શકાય. એટલે જ આનંદઘનજીએ પરમની પ્રીતિને વાસ્તવિક ક્યારે કહી? જ્યારે એ નિરૂપાધિક હોય ત્યારે. દેવચંદ્રજી ભગવંતે એને નિર્વિષ પ્રીતિ કહી. અને મહોપાધ્યાયજીએ બારમાં સ્તવનમાં એને અકુંઠિત ભક્તિ કહી.
તો અસંગમાં જઈએ તો જ પરમનો સંગ, તો જ સદ્ગુરુનો સંગ. એક સવાલ ઘણીવાર થાય કે પરમાત્મા કેટલા જન્મોમાં મળેલા? સદ્ગુરુ કેટલા જન્મોમાં મળેલા? અને છતાં મારી ચેતનાની કાયા પલટ કેમ ન થઇ? બસ આ જ વસ્તુ આવી ગઈ. પ્રભુની કે સદ્ગુરુની અસંગ પ્રતિપત્તી ન થઇ, સસંગ પ્રતિપત્તી. માત્ર સમર્પણ આવી જાય, અસંગ પ્રતિપત્તી. સહેજ પણ અપેક્ષા રહી ગઈ તો સસંગ પ્રતિપત્તી. પરમની પ્રીતિ, સદ્ગુરુની પ્રીતિ, કેવી કરવી છે? એક પરમની પ્રીતિ એક સદ્ગુરુની પ્રીતિ તમને મોક્ષ આપી દે. સદ્ગુરુ પાસે તમે જાવ, અને સદ્ગુરુ કહી દે, લે મોક્ષ તને આપી દઉં. ‘આયઓ ગુરુબહુમાણો’ પણ તમે જો સમર્પિત નથી, તો ગમે તેવા સક્ષમ સદ્ગુરુ હોય, પણ એમના હાથ બંધાયેલા છે. We can’t do anything absolutely. અમારી ઘણી ઈચ્છા છે, ખુબ ઈચ્છા છે કે તમે બધા જ પરમની પ્રીતિની ધારામાં આવી જાવ. પણ બે હાથે તાળી વાગે, તમારી પણ ઈચ્છા થઇ જાય, કે ગુરુદેવ મને બતાવો કે મારે પરમની પ્રીતિ કરવી જ છે. તમે કહો તે.. મારો કોઈ વિચાર નથી. મારી કોઈ ઈચ્છા નથી… હું બિલકુલ કોરા કાગળ જેવો થઈને આવેલો છું. મને છે ને કોરા કાગળ બહુ ગમે. કોરો ચેક હોય ને પછી આંકડો અમે મોટો જ ભરવાના છીએ હો… તમારે વિશ્વાસ રાખવાનો. કેટલાની પાસે કોરો ચેક છે બોલો? સાહેબ! આ જીવન પ્રભુનું, જીવન સદ્ગુરુનું, મારું નહિ. મારે કશું વિચારવું નથી. મારે કશું કરવું નથી. તમારી જે આજ્ઞા, એ આજ્ઞા પ્રમાણે મારે એક-એક ડગ ભરવું છે.
હું ઘણીવાર કહું, કે અમે લોકો કાચા નીકળ્યા કે તમે પાક્કા નીકળ્યા ખબર નથી પડતી. તમારે totally choice less થઈને અહીંયા આવવાનું હતું. બધી જ ઈચ્છાઓને ઘરે મુકીને આવવાનું હતું. કેમ લઈને આવ્યા? કાલે કહ્યું હતું ને શુભ ઈચ્છા તમે કરી શકો, પણ conditionally. Unconditionally નહિ. શુભ ઈચ્છા સદ્ગુરુના ચરણોમાં મૂકી, સદ્ગુરુએ એને સ્વીકારી તો બરોબર, સદ્ગુરુએ ના પાડી તો મનની અંદર સહેજ પણ વિચાર આવવો ન જોઈએ.
હમણાંની એક ઘટના છે, એક સાધકે દીક્ષા લીધી, ત્રણ દિવસ થયા. ગુરુએ એની સામે જોયું જ નહિ. તમારા માટે આવું કરીએ તો? શું થાય? પેલો ગુરુ પાસે ગયો, રડ્યો, સાહેબ મેં તમને જીવન સોંપ્યું. સોંપ્યું ખરેખર? જીવન સોંપ્યું હોય તો વિચાર ક્યાંથી આવે? પણ એ કહે છે મેં તમને જીવન સોંપ્યું. તમે મારી નોંધ પણ ન લો એ કેમ ચાલે? અને નોંધ લેવી એટલે તારા અહંકારને પુષ્ટ કરવો. તમારી નોંધ લેવી એટલે શું? ગુરુ હસ્યા, ગુરુએ કહ્યું, પહેલા મારી વાત તું સાંભળ… મેં દીક્ષા લીધી રોજ સવાર-સાંજ ગુરુને વંદન કરવા જતો. ત્રણ વર્ષ સુધી ગુરુએ મારી નોંધ લીધી નહોતી. તમારા જેવો માણસ કોઈ ઉપાશ્રયમાં છે. દિક્ષાને ચોથું વર્ષ શરૂ થયું, ત્યારે એકવાર મારી સામે આંખ માંડી. બે સેકંડ મને જોઈ લીધો બસ. બીજા ત્રણ વર્ષ. છ વર્ષ થયા દીક્ષાને.. સહેજ સ્મિત આપ્યું બસ પૂરું. નવ વર્ષ પુરા થયા, ત્યારે ગુરુએ એક વાક્ય એને કહ્યું, તારી સાધના બરોબર ચાલે છે હું જોઉં છું. તમને એમ લાગે, કે સદ્ગુરુએ મારી નોંધ નથી લીધી. સદ્ગુરુ મારી care કરતાં નથી. અને અમે લોકો તમારા દરેકની personal care કરવા તૈયાર છીએ. એટલા માટે તો તમને લાવ્યા છીએ અહીંયા. અમારી પણ એક જવાબદારી છે.
ભગવદ્દગીતાના બે વાક્યો બહુ મજાના છે; અર્જુન શિષ્ય છે. ઋજુ ઋજુ હોય તે અર્જુન. શિષ્ય કેવો હોય? ઋજુ. ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ. કશું જ છુપાવવાનું નથી. અર્જુન શ્રીકૃષ્ણને કહે છે, ‘કરિષ્યે વચનં તવ’ અને એ વખતે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘યોગક્ષેમં વહામ્યહમ્’ તને અપ્રાપ્ત સાધનાની પ્રાપ્તિ, અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ હું કરાવીશ. જે સાધનાથી ગુણો મળેલા છે, સહેજ ઝંખવાઈ ગયેલા છે એને ઉત્તેજિત પણ હું કરીશ. તમારા તરફથી અર્જુન વાક્ય આવવું જોઈએ. ‘કરિષ્યે વચનં તવ’ સાહેબ આપણું વચન મળ્યું, પછી argument તો ન જ હોય એ તો હું સમજુ છું. પણ મનની અંદર પણ એક વિચાર ન આવે. કે સદ્ગુરુએ મને આવી આજ્ઞા કેમ આપી? તમારે એ વિચારવાનું નથી. શ્રીકૃષ્ણ ગુરુ ચેતના છે. ક્રિશ એટલે ખેંચવું. જે તમારા conscious mind ને, unconscious mind ને ખેંચી લે એ સદ્ગુરુ.
તમને અસ્તિત્વની ધારા ઉપર લઇ જવા છે. રાગ અને દ્વેષ અસ્તિત્વની ધારા ઉપર છે. સાધનાને તમે ક્યાં લઇ ગયા? conscious mind ના સ્તર પર… દુશ્મન બંકરમાં અને બહાર કોઈ ભડાકા કરે શો અર્થ થાય? જ્યાં રાગ-દ્વેષ છે, ત્યાં સાધનાને લઇ જવી પડશે ને. એટલે ગુરુ શ્રીકૃષ્ણ છે. તમારા conscious mind ના સંસ્કારોને, unconscious mind ના સંસ્કારોને, subconscious mind ના સંસ્કારોને ખૂંચવી લેવા છે. ઝુંટવી લેવા છે. તમે ક્યારેક કહો તો ખરા હો.. સાહેબ લઇ લો ને બધું. પછી હું કહું, હું તો લઇ લઈશ હમણાં, પણ બહાર જઈને પાછુ નવું લઇ આવીશ તું પાછો… અમે રેઇનકોટ કઢાવીએ બહાર જઈને નવો રેઇનકોટ લઇ આવશો. ગુર અને તમારી વચ્ચે આ લુકાછીપીનો ખેલ અગણિત જન્મોથી ચાલે છે. ગુરુ તમારી બુદ્ધિના, અહંકારના રેઇનકોટને કાઢવાની વાત કરે છે. તમે નવો નવો કોટ લઇ આવો છો અને પહેર્યા કરો છો. તો પરનો અસંગ = પરમનો સંગ, પરમની પ્રીતિ. સદ્ગુરુની પ્રીતિ. બે તમને મળ્યા, સંસાર શું છે? સંસાર કાંઈ જ નથી.
મીરાંએ કહેલું: ‘ભવસાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહિ મોહે તરનન કી’ સંસારનો સાગર જે ક્યારેક દૂસ્તીર્ણ લાગતો હતો, એ સુકાઈ ગયો, અને સાગર સુકાઈ ગયો તો તરવાની ચિંતા ગઈ. કો’કે પૂછ્યું; આ ચમત્કાર શી રીતે સર્જાયો? ત્યારે એણે કહ્યું, ‘મોહે લાગી લગન પ્રભુ ચરનન કી’ ‘મોહે લાગી લગન ગુરુ ચરનન કી’ તો આજે એ પ્રીતિની ધારે થોડાક ડગ માંડીએ.
કબીરજીનું એક સરસ પદ છે, બહુ જ મજાનું… કબીરજીના ઘણા બધા પદો વાંચ્યા છે, પણ આ પદ મને બહુ જ ગમી ગયેલું છે. શરૂઆત થાય છે, ઉઘાડ કેટલો મજાનો છે. ‘ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે’ પ્રીતિનો માર્ગ, ભક્તિનો માર્ગ અઘરો છે. અને એ માર્ગની દુર્ગમતાની ચર્ચા આનંદઘનજી ભગવંતે ચૌદમાં સ્તવનના પ્રારંભમાં કરી. “ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિન તણી ચરણસેવા”. તલવારની ધાર પર ચાલવું સહેલું પણ પ્રભુની સેવા કરવી, પ્રભુની આજ્ઞાનું પાલન કરવું અઘરું છે. તલવારની ધાર ઉપર કોઈ ચાલે, કદાચ આંગળીઓ તૂટી જાય, પગમાંથી લોહીનો ફુવારો નીકળે. પણ પ્રભુના માર્ગ ઉપર તમારે ચાલવું હોય તો તમારા ‘હું’ ના ટુકડે-ટુકડા કરી નાંખવા પડે. તમારો હું ન હોય, વૈભાવિક ‘હું’ ન હોય તો જ તમે પ્રભુના માર્ગ ઉપર એક પણ ડગ મૂકી શકો. ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે.
પછી કહે છે, ‘નહિ અચાહ નહિ ચાહના’ અઘરો કેમ છે? બતાવે છે, કે અહીંયા કોઈને ચાહવાની પણ વાત નથી, કોઈને ધિક્કારવાની પણ વાત નથી. અનંત જન્મોથી આ આત્મા બે જ ધારામાં વહી આવ્યો છે. ચાહત-અચાહત. મનગમતી વ્યક્તિઓ છે એ સારી લાગે છે. અણગમતી વ્યક્તિઓ ખરાબ લાગે છે. ચાહત અને અચાહત. આ બે ની ધારામાં અગણિત જન્મોથી આપણે વહી આવ્યા છીએ અને એટલે જ ભક્તિનો માર્ગ અઘરો છે પણ પ્રભુની કૃપા થાય તો સરળ. ‘દર્શન દુર્લભ સુલભ કૃપા થકી’. ‘નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે’ માત્ર એના ચરણોમાં ઓગળી જવાનું છે, પીગળી જવાનું છે. તમારા ‘હું’ ને એના ચરણોની અંદર ધરી દેવાનું છે. ઘણીવાર લોકો મને કહે, કે સાહેબ તમે તો હસતાં હસતાં વાત કરો સમર્પણ કરી દો બધું. પણ સમર્પણ તો કેટલું અઘરું પડે? કેટલું અઘરું પડે? ત્યારે હું કહું, જો સાધુ-સાધ્વી હોય તો. ભાઈ તારે છોડવાનું શું એ મને કહે પહેલા? જે હોય એ છોડી શકે ને? એક ગંદુ શરીર છે, એક ગંદુ મન છે. આ બે તારી પાસે છે. એ તું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દે એટલે પ્રભુ તને મોક્ષ આપી દે. અને બે ઉપર તું મમત્વ રાખે તો નરક અને નિગોદ તૈયાર છે. NOW CHOICE IS YOURS. અનાદિની જે ધારા હતી, એ ધારામાં જ રહેવું છે કે પ્રભુની ધારામાં વહેવું છે? પ્રભુનો વેશ મળવો સુલભ છે. પ્રભુનો માર્ગ મળવો બહુ જ દુષ્કર છે. અહંકારના ચૂરેચુરા ન થાય, ત્યાં સુધી પ્રભુના માર્ગે ચાલવાની વાત…
માસક્ષમણ કર્યું. પણ મેં માસક્ષમણ કર્યું એ અહંકાર આવ્યો તો એ સાધના ન થઇ. જે પણ સાધના તમે કરો પ્રભુને સમર્પિત કરો. શક્રસ્તવમાં છેડે સિદ્ધસેનદિવાકરસૂરીએ શું લાવ્યું? ‘ગૃહાણાસ્મત્ કૃપં જપમ્’ પ્રભુ મેં ૧૦૮ વાર ‘ૐ હ્રીં શ્રીં અર્હં નમઃ’ એ પદનો જાપ કર્યો એ જાપને પણ તું સ્વીકારી લે. એ જાપનું પુણ્ય, એ જાપની નિર્જરા, ભલે મારી પાસે રહે, પણ કર્તૃત્વ તું સ્વીકારી લે. કર્તૃત્વ મારી પાસે નહિ રાખ. અને એ જ વાત ઉપાધ્યાયજી ભગવંતે અરનાથ પ્રભુના સ્તવનમાં કરી, “તપ જપ મોહ મહા તોફાને નાવ ન ચાલે માને રે” પ્રભુ સંસારમાં હતો ત્યારે તો અહંકાર હતો. સંયમી બન્યો તપ અને જપનો અહંકાર આવ્યો. શું શબ્દો વાપર્યા છે! ‘તપ જપ મોહ મહા તોફાને’. તપ કર્યો હોય અને જપ કર્યો એનો મોહ એટલે અહંકાર. અહંકારનું મહા તોફાન ઉપડ્યું. દરિયામાં તોફાન ઉપડે તો શું થાય? વહાણોના વહાણો ક્યા ના કયાંય જતા રહે. તો નાનકડી નાવડીનું શું થાય? તપ જપ મોહ મહા તોફાને નાવ ન ચાલે માને રે, પણ નવિ ભય મુજ.. પણ નવિ ભય મુજ… કેમ? હાથો હાથે તારે, તે છે સાથે રે. તું મારી સાથે છે તો મને કોઈ ભય નથી. નાવડી ગઈ તો ગઈ તું મને હાથ પકડીને ઉગારી લેશે. મને નાવની ચિંતા નથી. તું જો મારી સાથે છે. હકીકતમાં કહીએ હું તારી સાથે છું તો મને કોઈ ભય નથી. એ તો તમારી સાથે છે જ. ઘણા લોકો શું કહે? પ્રભુનું મિલન કરવું છે. અલ્યા પ્રભુ તો તને મળેલા જ છે તારે પ્રભુને મળવાનું છે. એ તો તમારી સાથે છે જ. તમે એની સાથે છો? એકેક પળ? ચોવીસ કલાક? ભગવાને કેવી સરસ વાત કરી કે, તું મારી આજ્ઞામાં છે તો બધા જ તારા કલાકો હું સાધનામાં ગણી લઉં છું. મોક્ષના સાધન રૂપ દેહ અને એને પુષ્ટ કરવા માટે તું આહાર લઈશ, તો એ વાપરવાના સમયને પણ હું સાધનામાં ગણીશ. અને રાત્રે મેં જે નિંદ્રા કહી છે એ બે પ્રહરની નિંદ્રા તું લઈશ તો ઊંઘનો સમય પણ તારો સાધનાના સમયમાં હું ગણીશ. ચોવીસ કલાક તમે પ્રભુની સાધનામાં રહી શકો. પણ ક્યારે? પ્રભુની આજ્ઞામાં હોવ ત્યારે. એમાં એક મજાની વિભાવના કરું, કે પ્રભુની આજ્ઞાને પૂર્ણતયા હું પણ પાળી શકતો નથી. પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો, એક-એક આજ્ઞા પ્રત્યેનો પૂર્ણ આદર તમારી પાસે જોઈએ. અને એ આદર હશે તો શક્યનું આચરણ થવાનું જ છે. ઘણા લોકો કહે કે સાહેબ, પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર કેમ ન હોય? પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર તો હોય જ. તો જ દીક્ષા લીધી. ત્યારે હું કહું કે, પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર તમને છે, એની પારાશીશી શું? પારાશીશી એ છે કે પ્રભુની આજ્ઞાના જેટલા પાલકો છે, એ બધા જ પાલકો પ્રત્યે તમને આદરભાવ આવે છે? જે-જે પંચ મહાવ્રતધારીઓ છે, જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે છે, એ બધા પ્રત્યે તમને એકસરખો આદર છે? જો પ્રભુની આજ્ઞા પ્રત્યે તમને તીવ્ર આદર હોય, તો પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર આવી જ જાય. એટલે ઘણીવાર છે ને આપણું મન આપણી સાથે cheating કરતું હોય છે. હા, આ તો હોય જ ને? દીક્ષા લીધી છે તો પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર ન હોય? પણ પારાશીશી આ છે. આ જોવું પડે કે નિરપવાદ રીતે જ્યાં-જ્યાં પંચમહાવ્રતનું પાલન છે એ બધા જ મહાત્મા પ્રત્યે આપણા મનની અંદર આદરભાવ છે? તો ‘નહિ અચાહ નહી ચાહના, ચરનન લય લીના રે’ આ એક જ સાધના આવી જાય ને – સમર્પણ. બધું મળી ગયું. એક સમર્પણ મળે ને તમને? તો તમારે કંઈ કરવાનું નથી. તમારા માટેની appropriate સાધના સદ્ગુરુ તમને આપશે. તમને વિનયની ધારામાં લઇ જવા. વૈયાવચ્ચની ધારામાં લઇ જવા, સ્વાધ્યાયની ધારામાં લઇ જવા, એ સદ્ગુરુ નક્કી કરશે. એટલે પહેલું કામ તમને appropriate સાધના આપવાનું કામ સદ્ગુરુ કરશે. પછી એ સાધનાને ઘુંટાવાનું કામ પણ સદ્ગુરુ કરશે. ધન્ના અને શાલિભદ્ર મુનિને વૈભારગિરિની ગુફામાં સાધનાને ઘૂંટવા માટે જ મોકલવામાં આવેલા. તો ગુરુ તમને સાધના ઘૂંટાવરાવશે. પછી એ સાધનાને ઘૂંટવા માટે જે વાતાવરણ જોઈએ એ વાતાવરણ સદ્ગુરુ આપશે. સદ્ગુરુનું ઉપનિષદ એ બહુ જ મોટામાં મોટી વસ્તુ છે. સદ્ગુરુના ઉપનિષદમાં તમે રહો, એટલે સાધના માટેનું એક atmosphere તમને મળે છે. ભલે ગુરુ એક શબ્દ પણ ન બોલે.
હું ઘણીવાર કહેતો હોય છું. રેલ્વેનો એક કંપાટમેન્ટ હોય, એમાં એક પાટિયા પર એક માખી બેઠેલી છે. એને ૩ મીટર દૂરના એક પાટિયા પર જવું છે, એ હવામાં ઉડે છે. ગાડી દોડી રહી છે. તો ગાડીમાંનું અવકાશ પણ દોડી રહ્યું છે. એ ત્રણ મીટરની journey પાર કરે ત્યાં સુધીમાં ડબ્બો ૫૦ મીટર ખસકી ગયેલો હોય. તો માખીને ૫૦+૩ ની journey મળે. ૫૦+૩. એ જ વાત છે, તમારી સાધના ભલે આટલી નાનકડી છે, પણ સદ્ગુરુનું ઉપનિષદ જે છે, એ તમારી સાધનાને એકદમ spread out કરી દે. તો સદ્ગુરુ તમારી સાધનાને માટેનું યોગ્ય atmosphere આપે. અને છેલ્લે તમારી સાધનામાં ક્યાંય અવરોધ આવેલો હોય તો એ અવરોધને હટાવવાનું કામ પણ સદ્ગુરુ કરે. તમારે તો અવરોધ આવે જ નહિ કોઈ હો… અવરોધ આવે? રસ્તામાં કોઈ ચાલે ને તો ઠેસ વાગે, ડોક્ટર પાસે જાય પાટાપિંડી કરાવવા. પણ સુઈ જ રહેવાનું હોય એને…
આપણી આખી પરંપરામાં એક બુદ્ધ ઉપદ્રવી શિષ્ય બન્યા. કોઈ પણ ગુરુ પાસે ગયા, તમે કહો એ કરું… કહે કે તડકામાં રહેવાનું… ૪ કલાક, ok, ઉપવાસ કરવાના ઉપવાસ કરી લઉં, હવે આથી વધારે શું? બોલો. આથી વધારે મારી પાસે નથી. બીજા ગુરુ પાસે, તમે કહો એમ કરું, result મને આપો. અમને લોકો ને નિરૂપદ્રવી શિષ્યો મળે છે. સરસ સાંભળી લે, મજાથી સુઈ જાય. અવરોધ આવે જ નહિ… કે ગુરુને હેરાન કરવા આવી મંડે. સાહેબ આમ કરું, સાહેબ આમ કરું… સાધના કરે તો તકલીફ પડે ને… તો નહિ અચાહ, નહિ ચાહના, ચરનન લય લીના રે.