Aatmatatvanu Anusandhan – Vachana 4

15 Views
13 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : જાગૃતિને આત્મસાત કરવાના માર્ગો

ધ્યાન એટલે જાગૃતિ. વિકલ્પો ન ચાલતાં હોય અને સ્વગુણમાં કે સ્વરૂપદશામાં તમે ગયેલા હોવ – એ જાગૃતિ. એના માટે એક વ્યવહાર જાગૃતિ જોઇશે કે એક ક્ષણ માટે પણ મારે વિભાવમાં જવું નથી. અને વિભાવમાં ન જવું હોય, તો એ માટે વિચારો ઉપર તમારું નિયંત્રણ જોઈએ.

જાગૃતિને આત્મસાત્ કરવા માટેના ઘણા માર્ગો. રાત્રે સૂતા પહેલા મનને suggestion આપીને સ્વપ્ન દશામાં જાગૃતિ લાવી શકાય. જાગ્રત અવસ્થામાં પણ જગત મિથ્યા છે, ભ્રમણા છે – એ ભાવથી જાગૃતિ લાવી શકાય.

ભક્તિથી પણ જાગૃતિ મળે. ભક્તિની ક્ષણોમાં પ્રભુની વીતરાગદશા જોઈને – મારી ભીતર પણ એ જ વીતરાગદશા છે – એવી જાગૃતિ આવે. પ્રભુમાં પરમ ઉદાસીનદશા છે એવી જ પરમ ઉદાસીનદશા મારી ભીતર પણ છે – આવી જાગૃતિ આવે.

આત્મ તત્વનું અનુસંધાન વાચના –

ધ્યાન એટલે જાગૃતિ. એ જાગૃતિ ભીતર કઈ રીતે પ્રવેશે? અથવા તો એમ કહો, કે એ જાગૃતિને આત્મસાત્ કઈ રીતે કરવી? એના માટે ઘણા બધા માર્ગો છે. એક માર્ગ યોગાચાર્ય ગુર્જિએફે આપ્યો છે. ગુર્જિએફે કહ્યું; રાત્રે સુતાં પહેલાં મનને એક suggestion આપો કે સ્વપ્ન એ ભ્રમણા છે, સ્વપ્ન એ ભ્રમણા છે, સ્વપ્ન એ ભ્રમણા છે. એ suggestion તમે આપેલું હશે, બે-ચાર દિવસ સુધીમાં કંઈ result ન પણ મળે. પણ એકાદ મહિનો થાય ત્યારે એવું થાય કે સ્વપ્ન ચાલુ થાય. એની સાથે આ વિચાર આવી જાય કે સ્વપ્ન ભ્રમણા છે. અને સ્વપ્ન ભ્રમણા છે એ ખ્યાલ આવે એટલે સ્વપ્ન જતું રહે.

એટલે જ્યારે conscious mind લગભગ સુતેલું છે, એ વખતે પણ suggestion દ્વારા એને આ રીતે તૈયાર કરી શકાય છે. અને જાગૃતિ ચેતન મનમાં, અવચેતન મનમાં અને તમારા સ્વરૂપમાં લઇ જવાની છે. પહેલા conscious mind માં આવશે, પછી unconscious mind માં અને પછી સ્વરૂપદશામાં. ગુર્જિએફ કહે છે કે ૨-૩ મહિના થયા પછી તો તમારું મન એટલું તૈયાર થઇ જશે, કે સ્વપ્ન આવ્યું નથી, ભ્રમણા છે એમ વિચાર આવ્યો નથી, સ્વપ્ન ગયું નથી. પછી એમણે આગળનો પ્રયોગ આપ્યો, કે તમે જાગતા છો, અને વિચારો કે આ ભ્રમણા છે. ‘બ્રહ્મસત્ જગન્મિથ્યા’ આ બધું મિથ્યા છે. ભ્રમણા છે. તો જાગતાં પણ તમે જાગૃતિને બરોબર માણી શકશો. આપણે ત્યાં જાગૃતિની વ્યાખ્યા આ જ કરી છે. જ્ઞાનસારમાં કે વિકલ્પો ન ચાલતાં હોય, અને સ્વગુણમાં કે સ્વરૂપદશામાં તમે ગયેલા હોવ, એ જાગૃતિ છે.

હિંદુ પદ્ધતિમાં એ જ ઉજાગર છે, જેને આપણે જાગૃતિ કહીએ છીએ, એને એ લોકો ઉજાગર કહે છે. આપણે જાગૃતિ સાતમા ગુણઠાણે, અને ઉજાગર તેરમાં ગુણઠાણે છે. તો આ રીતે જાગૃતિને અંદર, અંદર, અંદર લઇ જવાની છે. બોલો આમાં શું અઘરું છે… અઘરું છે કંઈ? અઘરું તો તમે કરો છો એ છે. વિહાર, લોચ. અઘરું તમે કરી શકો છો. સહેલું નથી કરી શકતાં. મૂળ શું થયું? દીક્ષા વખતે અને દીક્ષા પછી એક મનમાં નિર્ધાર થયો, કે એક દીક્ષા લીધી, એટલે આ રીતે સ્વાધ્યાય કરવાનો, આ રીતે ભક્તિ કરવાની. આ રીતે જાપ કરવાનો. અને એ રીતે પ્રભુની આજ્ઞા પાળવાની. જરૂર એ પણ પ્રભુની આજ્ઞા જ છે. પણ એ પ્રભુની વ્યવહાર આજ્ઞા છે. પ્રભુની નિશ્ચય આજ્ઞા શું છે? તું તારા સ્વરૂપમાં સ્થિર થા. તો આખરે સ્વાધ્યાય દ્વારા, ભક્તિ દ્વારા, જાપ દ્વારા આપણે આપણા સ્વરૂપમાં લીન થવાનું છે. અને એ સ્વરૂપદશાના આનંદને આપણે માણવાનો છે.

તો ધ્યાન એટલે જાગૃતિ. સ્વ અને પરના ખાના એટલા તો છુટા પડી ગયેલા હોય, કે પર એટલે જવાનું જ નથી એમાં… સ્વ છે તો એમાં જ મારે જવાનું છે. આબુ આવ્યા છીએ આપણે, ભગવાને આપણને બોલાવ્યા છે. તો આ એક સાધના તમને મળી જવી જોઈએ – જાગૃતિની. હું ઘણીવાર હસતાં હસતાં કહું છું, કે તમને બધાને એક શિષ્યા મારા તરફથી ભેટ. જાગૃતિ નામની. બીજી શિષ્યા જોડે રહે કે ન રહે આને ૨૪ કલાક જોડે રાખવાની. અને તમારા માટે જાગરણ નામનો શિષ્ય. સતત એને સાથે રાખવાનો. આ જાગૃતિની સાધના અહીંયા આપણે કરવાની છે. ભક્તિમાં પણ જાગૃતિ આવશે, ભક્તિની ક્ષણોમાં, પ્રભુની વિતરાગદશા જોઈ. મારી પણ એ જ વિતરાગદશા છે. પ્રભુમાં પરમ ઉદાસીનદશા છે. એ જ પરમ ઉદાસીનદશા મારી ભીતર છે. જાગૃતિ આવી ગઈ. સ્વ તરફની યાત્રા શરૂ થઇ ગઈ. ભગવાને આપણને ન્યાલ કરી દીધા છે.

તમે તો ૨૪ કલાક સ્વમાં કેમ ન હોવ એ સવાલ મારે તમને પૂછવો છે. મે આગળ કહ્યું હતું એમ, સ્વના આપણે ૨ રૂપ કલ્પીશું. શુભ અને શુદ્ધ. શુભ કારણ છે, શુદ્ધ કાર્ય છે. ૨૪ કલાક શુભ અને શુદ્ધ વિના તમે ક્યાંય હોઈ શકો ખરા? શુભ એ તળેટી, શુદ્ધ એ શિખર અને અશુભ એ ખીણ. કોઈના પ્રત્યે તિરસ્કાર થયો, તમે ખીણમાં પટકાયા. ખ્યાલ આવે છે, ખીણમાં પટકાશો તમે, કોણ તમને લેવા આવશે? ચૂરેચૂરા થઇ જશે અસ્તિત્વના. અશુભમાં મારે જવાનું જ નથી. આટલું નક્કી કર્યું છે? ન આસક્તિ મારી પાસે જોઈએ, ન જીવદ્વેષ મારી પાસે જોઈએ, ન અહંકાર કે ઈર્ષ્યા મારી પાસે જોઈએ. કદાચ તમે ઊંઘતા ઝડપાઈ જાવ, જાગૃતિને ક્યાંક મૂકી દીધી હોય, શિષ્યાને. તમે એકલા હોવ અને ઊંઘતા ઝડપાઈ જાવ, તો પણ તમે સાધિકા છો. સાધક છો. એક મિનિટથી વધારે એ વિભાવ તમારી ભીતર ચાલવો ન જોઈએ. આ બહુ જ શક્ય વાતો કરું છું. કોઈ અશક્ય વાતો નથી કરતો. આ તમે કરી શકો એમ છો પણ કરતાં નથી કારણ કે કરવાની કોઈ ઈચ્છા નથી. વાચના સાંભળવાની જેટલી ઈચ્છા છે, એટલું વાચનામાં જે આવે એને કરવાની ઈચ્છા ખરી? આજે નક્કી કરો, મારે અશુભમાં, પરમાં જવું જ નથી. એક પદાર્થ, એક વ્યક્તિ કે આ શરીર એના પ્રત્યે રાગ મને ન હોય. એક વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર ન હોય. અહંકાર મારી ભીતર ન હોય. ઈર્ષ્યા મારી ભીતર ન હોય. ચાલે જ નહિ. સીધું જ તમારું કરેમિ ભંતે તૂટી જાય. ખ્યાલ આવે છે? સહેજ તિરસ્કાર કોઈના ઉપર કર્યો, તો કરેમિ ભંતે તૂટ્યું કે નહિ તૂટ્યુ? પ્રતિજ્ઞા શું છે? બે કલાક સામાયિકમાં રહીશ એવું? બે કલાક સમભાવમાં રહીશ એવી પ્રતિજ્ઞા છે? કે ૨૪ કલાક સમભાવમાં રહીશ એ પ્રતિજ્ઞા છે? પ્રતિજ્ઞા કઈ તમારી? બોલો… ૨૪ કલાક સમભાવમાં રહેવાની… એક મિનિટ પણ તમે જીવદ્વેષમાં ગયા, તો કરેમિ ભંતે તૂટી ગયું. ચાલશે તમને? કરેમિ ભંતે નહિ રહે તો ચાલશે? તૂટી જશે તો ચાલશે? શેનાથી ચાલશે તમને? તો કરેમિ ભંતે ને અખંડ રાખવું હોય, તો સતત શુભમાં મન જોઈએ. એમાંથી પછી શુદ્ધમાં જશે. પણ અશુભમાં તો મન એક સેકંડ માટે પણ જવું ન જોઈએ. અને જ્યાં ગયું કરેમિ ભંતે તૂટ્યું.

શ્રાવકના સામાયિકના જે ૩૨ અતિચાર આવે છે એમાં કહ્યું… કહે આવો જાવો, બોલે ગાળ… સામયિકમાં ઉપાશ્રયમાં બેઠેલો હોય, વેવાઈ આવ્યા, એમને ફટાફટ નીકળી જવું છે. ક્યાં ગયા શેઠ? તો કહે ઉપાશ્રયમાં સામાયિક કરે છે. ઉપાશ્રયમાં વેવાઈ આવ્યા, ઘણા વખતે આવેલા હોય. ઓહો તમે આવ્યા? સરસ, આટલું બોલે એટલે સામાયિકમાં વચનના દોષનો અતિચાર લાગી જાય. એક પણ સાધક કે મહેમાન તમારી પાસે આવે એ એના તરફ ખુલતી વાત છે. પણ એ આવે અને તમે એને સારું માનો, તો તમને સીધો દોષ લાગી જાય. ચોમાસામાં વિરાધના કરીને એ આવે તમે કહો ઓહો આવી ગયા બહુ સરસ… ખલાસ… કરેમિ ભંતે ગયું.

તો શુભ અને શુદ્ધમાં આપણે સતત રહેવાનું છે. એના માટે આ જાગૃતિ જોઇશે. કે એક ક્ષણ માટે, એક સેકંડ માટે પણ મારે વિભાવમાં જવું નથી. વિભાવમાં તમારે ન જવું હોય, તો શું કરવું પડે? વિચારો ઉપર તમારું નિયંત્રણ જોઈએ. ઘણા સાધકોની ફરિયાદ હોય છે. કે આમ બેઠેલા હોઈએ એમ મન ક્યારનું ય બહાર ભાગી ગયેલું હોય ખબર જ ન પડે. કમસેકમ બહાર ભાગે તો ખબર તો પડવી જોઈએ. ચોર ઘરમાં આવી ગયો અને ચોરી કરી ગયો. તો ય ખબર ન હોય.

પેલા શેઠની વાત આવે છે, શેઠ-શેઠાણી બેય ફાર્મ હાઉસમાં રહેતાં હતાં. એક  રાત્રે બંગલાના એક રૂમની પાછળ અવાજ આવવા માંડ્યો. કોઈ પાછળથી ભીંત તોડી રહ્યું છે. શેઠાણી જાગી ગયા. એમણે કહ્યું આ અવાજ છે ને, ભીંત તોડવાનો અવાજ છે. કોઈ ચોર આવતું લાગે છે. શેઠ કહે આવવા તો દે પછી વાત. હું બેઠો છું ને.. ચોર અંદર આવ્યો. તિજોરી તો તોડી ન શક્યો પણ, જે કંઈ આજુબાજુમાં હતું, એ બધું નાંખ્યું પછેડીમાં અને પછેડી બાંધી ઊંચકીને જાય છે. શેઠાણી કહે, આ તો આવી ગયો, લઈને જાય છે. જવા દે ને કેટલે દૂર જશે. અને પેલો દૂર ગયો ને શેઠ રાડો પાડવા માંડ્યા ચોર આવ્યો, ચોર આવ્યો દોડો… દોડો… કમસેકમ એણે તો પછી પાછળથી એ બુમ મારી. તમે તો પાછળથી એ બુમ મારતા નથી. મારો છો? બુમ મારી ક્યારે કહેવાય? ખ્યાલ છે કે રાગ થઇ રહ્યો છે, ખ્યાલ છે કે જીવદ્વેષ થઇ રહ્યો છે. તોય થવા દો… એટલે શું થયું? ચોર આવે છે તો કે આવવા દો. પોટલું  બાંધ્યું, બાંધવા દો કહે છે, કેટલે જશે…. છેવટે દૂર ગયો ને ત્યારે બુમ તો મારી. શેઠ એટલો સારો કહેવાય. તમે પાછળથી બુમ મારો એવા છો એકેય… 

ભગવાનની પાસે રડતી આંખે આજે માંગજો. હે પ્રભુ! બીજું કાંઈ જોઈતું નથી. તું મારા હૃદયમાં પ્રવેશી જા. તું મારા રોમ-રોમમાં પ્રવેશી જા. અને એવી રીતે તું પ્રવેશી જા, કે તારા સિવાય બીજા કોઈનો પ્રવેશ એમાં હોય નહિ. ભગવાન ક્યારે આવશે અંદર ખબર છે, તમારા હૃદયમાં? તમારા હૃદયમાં કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે આસક્તિ નહિ હોય. શરીર પ્રત્યે આસક્તિ નહિ હોય. તો જ પ્રભુ તમારા હૃદયમાં આવશે. પ્રભુ સ્પષ્ટ કહે છે કે તારે બીજાને પણ ચાહવા હોય તો હું નવરો નથી. તું બીજાને ચાહ. તારે એ જ કરવું હોય તો બીજાને ચાહવા મંડી પડ.

 તું જ્યારે નક્કી કરે કે કોઈને પણ મારે ચાહવાના નથી. પ્રભુ મારી ચાહત માત્ર તારા તરફ છે. એ વખતે હું તારા હૃદયમાં પ્રવેશ કરીશ. પ્રભુ જોઈએ છે બોલો? પ્રભુ જોઈએ? જોઈએ? જોઈએ? તો એના માટે આ કરવું પડશે. હૃદયને સાફ-સુફ કરી નાંખો. કોઈનો પણ પ્રવેશ મારા હૃદયમાં ન જોઈએ. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર, ન ઈર્ષ્યા કશું જ નહિ. માત્ર પ્રભુ. માત્ર પ્રભુની આજ્ઞા. આ જાગૃતિ મેળવવી છે. આ વ્યવહાર સ્તરની જાગૃતિ પણ નહિ હોય તો નિશ્ચયની જાગૃતિ ક્યાંથી આવવાની હતી? એટલે વ્યવહાર પહેલા, પછી નિશ્ચય. તો વ્યવહારના સ્તર પર આટલી સાફ-સુફી કરી નાંખો હૃદયની, કે મારા હ્રદયમાં બીજા કોઈનું સ્થાન નથી. અને આવા જેટલા હોય ને એટલા મારી પાસે આવજો ચિઠ્ઠી લઈને. કે સાહેબ મારા હૃદયમાં બીજા કોઈનો પ્રવેશ નથી. સિવાય કે ભગવાન.

આટલું અણમોલ પ્રભુ શાસન મળ્યું, પ્રભુ શ્રામણ્ય મળ્યું. અને આપણે ખાલી હાથે જઈએ કેમ ચાલે? તમારી એક-એક ક્ષણની પ્રભુને કિંમત હતી. તમને નથી. ‘ખણમ વિ ગોયમ મા પમાયએ’ પ્રભુએ કહ્યું; ગૌતમસ્વામીનું નામ લીધું. આપણે બધાને કહ્યું છે કે એક પણ ક્ષણ, એક પણ મિનિટ કે સેકંડ તું પ્રમાદમાં ન જા. પ્રમાદ એટલે શું? આ જ… રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા.. એ પ્રમાદ. ઊંઘી જાવ એ પ્રમાદ એમ નહિ માનતા. ઊંઘેલો જાગતો હોય, જાગતો ઊંઘતો હોય. સાતમાં ગુણઠાણે રહેલો મુનિ ઊંઘે તો પણ જાગતો હોય. આપણે જાગતા હોઈએ પણ ઊંઘતા હોઈએ. રાગ દ્વેષ માં હોઈએ. આજે આ જાગૃતિ લાવવી છે કે રજોહરણ મારા હૃદયમાં પ્રવેશે, મારા રોમ-રોમમાં પ્રવેશે, મારા વ્યક્તિત્વમાં, મારા અસ્તિત્વમાં કોઈનો પણ પ્રવેશ ન હોવો જોઈએ. માત્ર એ જ. તો અનંતા જન્મોમાં નથી ઘટી એવી ઘટના તમારા જીવનમાં ઘટશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *