વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સતત જાગૃતિ
જીવન એટલે શું? માત્ર શ્વાસોશ્વાસ ચાલે – એ જીવનની વ્યાખ્યા આપણા માટે નથી. કૉમામાં રહેલો માણસ પણ શ્વાસ લેતો હોય છે. આપણા માટે તો જીવનની વ્યાખ્યા એક જ છે કે જ્યાં પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર છે અને આજ્ઞા પાલનનો આનંદ છે.
તમારી પાસે આજ્ઞા માટેનો આદર હોય અને આજ્ઞા પાલનનો આનંદ હોય તેમ છતાં પણ જો ક્યારેક રાગ કે દ્વેષમાં જતું રહેવાય છે, તો એનું કારણ છે જાગૃતિનો અભાવ. જો તમે સતત જાગૃત ન રહ્યા, તો અનાદિની સંજ્ઞા તમને એ જ ધારામાં લઇ જશે.
જાગૃતિનો ત્રીજો પ્રકાર આ જ છે કે નિમિત્ત હોય તો પણ એ તમને કોઈ અસર કરી શકે નહિ. ખરેખરમાં તો સાધકની dictionary માં નિમિત્ત શબ્દ જ ન હોય. અત્યાર સુધી નિમિત્તને પ્રાધાન્ય આપ્યું છે; હવે ઉપાદાનની શુદ્ધિ કરવી છે.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૬
જાગૃતિ એ જ આપણી સાધના છે. ઘણીવાર સવાલ થાય કે અત્યંત ભાવપૂર્વક પ્રભુના શાસનને આત્મસાત્ કર્યું હોય, પ્રભુના શ્રામણ્યને આત્મસાત્ કર્યું હોય. પ્રભુની આજ્ઞાનો સ્પર્શ સાડા ત્રણ કરોડ રૂવાડામાં થયેલો હોય, છતાં વિભાવોમાં આપણે કેમ જઈએ છીએ. એકમાત્ર જાગૃતિના અભાવે આપણે વિભાવોમાં જઈએ છીએ. પ્રભુની આજ્ઞાને પાળવાનો આનંદ કેટલો બધો અદ્ભુત હોય.
કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં કહ્યું; ‘કદા ત્વદાજ્ઞાકરણાપ્તતત્વ:’ પ્રભુ તારી આજ્ઞાના પાલનમાં ઝૂમીને હું ક્યારે આપ્તતત્વ બનીશ? બે શબ્દો છે. જ્ઞાત તત્વ અને આપ્ત તત્વ. શ્રામણ્યને તમે જાણ્યું ગૃહસ્થપણામાં, તો તમે જ્ઞાત તત્વ બન્યા. પણ પ્રભુનું રજોહરણ મળ્યું, પ્રભુની આજ્ઞાના પથ પર તમે દોડવા લાગ્યા, તમે આપ્ત તત્વ બન્યા. આજ્ઞાનું પાલન તમે બધા જ કરો છો. પણ આજ્ઞા પાલનનો આનંદ કેટલો?
ઈર્યાસમિતિ પૂર્વક તમારા મુકામમાંથી તમે અહીં સુધી આવ્યા હોય, અને આંખોમાંથી આંસુ રેલાય કે પ્રભુ કેવી તારી કૃપા કે તે મને ઈર્યાસમિતિને યાદ કરાવી. બોલવાનું હતું, મોઢે મુહપત્તિ આવી ગઈ, આંખમાં આંસુ છે. પ્રભુ કેવી તારી કૃપા, તે મને કેટલો બચાવ્યો. હું ઘણીવાર કહું છું, કે તમે કોઈને બચાવ્યા, એ ભાવમાં આપણે જવાનું નથી. પ્રભુએ મને બચાવ્યો.
એક પોષાર્થી પૌષધમાં છે, બહાર નીકળ્યો, ઈર્યાસમિતિની practice તો હતી નહિ, એટલે વગર ઈર્યા એ ચાલવા લાગ્યો. પણ બગલમાં ચરવળો દબાણો તરત ખ્યાલ આવ્યો કે હું પૌષધમાં છું… અને એણે નીચે જોયું, જ્યાં પોતાનો પગ મુકાવાનો હતો, ત્યાં જ એક કીડી હતી. હવે પગ તો બાજુમાં મુકાઇ ગયો, કીડીની રક્ષા થઇ ગઈ. પણ એ પોષાર્થીના મનમાં એ ભાવ નથી આવતો કે મેં કીડીને બચાવી. પ્રભુએ મને બચાવ્યો. ત્રસ અને સ્થાવર બધા જ જીવોની હિંસામાંથી પ્રભુએ આપણને બચાવ્યા. વાયુકાયના સૂક્ષ્મ જીવો જે નજરે દેખાતા પણ નથી એમની રક્ષા માટે પ્રભુએ મુહપત્તિ આપી દીધી. તો એક-એક આજ્ઞાનું તમે પાલન કરો, અને આંખો ભીની બને. ગળે ડૂસકાં પ્રગટે, ચરણમાં નૃત્ય પ્રગટે. કે પ્રભુ આવું અદ્ભુત તે મને આપી દીધું.
મેં દુનિયાની બધી જ પ્રમુખ સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. Theoretically અને practically. વ્યવહારથી અને નિશ્ચયથી આપણને જે સાધના મળી છે એ એવી અદ્ભુત છે કે કદાચ એવી સાધના બીજા કોઈને મળી નથી. આટલું સરસ મળ્યું, હવે બસ એના ઉપર તમે development કેટલું કરી શકો છો એ જોવાનું છે. તો તમે બધા આવ્યા છો માત્ર પ્રભુ પ્રત્યેના પ્રેમથી. જેણે જેણે દીક્ષા લીધી એ બધા જ પ્રભુના પ્રેમથી ખેંચાઈને આવ્યા છે. પ્રભુનો પ્રેમ, પ્રભુની આજ્ઞાનો પ્રેમ. એટલે હરીભદ્રસૂરિ મહારાજે ચોથા પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું, કે પહેલા અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા.
અભિવ્રજ્યા એકમાત્ર પરમાત્માના રંગે રંગાઈ જવાની ઘટના. પછી પ્રવ્રજ્યા આવે, એક પદાર્થ પ્રત્યે રાગ નથી. એક વ્યક્તિ પ્રત્યે રાગ નથી, આ શરીર પ્રત્યે પણ રાગ નથી. પ્રેમ છે માત્ર પ્રભુ ઉપર, માત્ર પ્રભુની આજ્ઞા ઉપર. અને એટલે જ દશવૈકાલિક સુત્રના બીજા અધ્યયનમાં કહ્યું: ‘સેયં તે મરણં ભવે’ અર્થ ખ્યાલ છે? ‘સેયં તે મરણં ભવે’ જો તું પ્રભુની આજ્ઞાને છોડીને એક મિનિટ પણ રહેવાનો હોય તો તારા માટે મૃત્યુ એ શ્રેયસ્કર છે. જીવન તો બીજીવાર મળવાનું જ છે. પણ પ્રભુની આજ્ઞા ફરી ક્યારે મળશે? આ જન્મની અંદર એ આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર હોય, તીવ્ર અહોભાવ હોય, આજ્ઞા પાલનની એક-એક ક્ષણે આનંદ આવતો હોય, તો જ આવતાં જન્મની અંદર આ પ્રભુની આજ્ઞાનું પાલન મળશે. એટલે જીવન ગયું, ફરી તરત જ જીવન મળવાનું છે. પણ આજ્ઞા ગઈ તો? એક મુનિ માટે, એક સાધ્વી માટે પ્રાણ એટલે શું? જીવન એટલે શું? માત્ર શ્વાસોશ્વાસ ચાલે એ જીવનની વ્યાખ્યા આપણા માટે નથી. કોમામાં રહેલો માણસ પણ શ્વાસ લેતો હોય છે. આપણા માટે જીવનની વ્યાખ્યા એક જ છે કે જ્યાં પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર છે, અને આજ્ઞા પાલનનો આનંદ છે. બે વસ્તુ: આજ્ઞા પાલન ચાલુ છે ત્યારે આનંદ છે. અને એક આજ્ઞા પુરી થઇ તમે કદાચ વાપરવા માટે બેઠેલા છો. એ વખતે પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર હોય. શરીર ગોચરી વાપરતું હોય, અને મનની અંદર એનું ગાથા સૂત્ર રટાતું હોય:
‘અહો જિણેહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિઆ,
મુક્ખ સાહણ હેઉસ્સ, સાહુ દેહસ્સ ધારણા’
પ્રભુએ કેવી નિર્દોષ ભિક્ષા ચર્યા આપી કે મોક્ષના સાધનરૂપ આ દેહનું પોષણ થાય. વાપરતી વખતે આ ગાથા સૂત્રનો આપણે સ્વાધ્યાય કરવાનો છે. મનને એમાં મુકવાનું. શરીર ગોચરી વાપરે. પછી પૂછવામાં આવે કે શું વાપર્યું? તો કહે મને ક્યાં ખબર છે… શરીરે ખાધું, શરીરને પૂછો, હું ખાનાર નથી. હું તો વિચારનાર છું. અને આપણે તો ખાનાર અને વિચારનારથી પર, જોનાર તરીકે આવવાનું છે – દ્રષ્ટા. વિચારવાનું પણ નથી. માત્ર દ્રષ્ટાભાવ. બધું જોવાનું છે.
તો આપણી વાત આજની એ હતી કે તમારી પાસે આજ્ઞા માટેનો આદર છે. આજ્ઞા પાલનનો આનંદ છે. છતાં પણ ક્યારેક રાગ કે દ્વેષમાં જતું રહેવાય છે, એનું કારણ શું? એનું કારણ આ જાગૃતિનો અભાવ. જો તમે સતત જાગૃત ન રહ્યા તો અનાદિની સંજ્ઞા તમને એ જ ધારામાં લઇ જશે. એટલે મન જે સંજ્ઞાવાસિત છે, એને આજ્ઞાવાસિત બનાવવું છે. સતત જાગૃતિ તમારી પાસે રહેવી જોઈએ. જાગૃતિના બે પ્રકાર આપણે કાલે જોયા.
ત્રીજો પ્રકાર એ છે, કે નિમિત્ત મળે તો પણ રાગ-દ્વેષમાં જવાનું નહિ. હકીકતમાં ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. અને તમે સાધક છો તો સાધકની dictionary માં નિમિત્ત શબ્દ છે જ નહિ. ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે… પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. મેં કંઈ કર્યું નથી. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. શશીકાંતભાઈ મહેતા અમેરિકા પ્રવચનો આપવા માટે ગયેલા. ત્યાં છાતીમાં દુઃખવા આવ્યું. હૃદયની Angiography થઇ. તો એમાં પકડાયું કે blockage ઘણા બધા છે. એટલે open heart surgery કરવી પડશે. એ વખતે heart surgery બહુ જ risky ગણાતી. પણ શશીકાંતભાઈ માત્ર પ્રભુ ભક્ત માણસ. એમને stretcher માં સુવાડવામાં આવ્યા. અને operation theater માં લઇ જવામાં આવે છે. અને એ વખતે પ્રભુને કહે છે કે, પ્રભુ! જીવાડો કે મારવો તારે હાથ છે. ઉપમિતિમાં સિદ્ધર્ષીએ કહ્યું:
तवाSSयत्तो भवो धीर |
भवोत्तारोSपि ते वशः ||
સંસાર પણ તારા હાથમાં છે, મોક્ષ પણ તારા હાથમાં છે. તો શશીકાંતભાઈ કહે છે કે, જીવન પણ તારા હાથમાં છે, મૃત્યુ પણ તારા હાથમાં છે. જીવાડીશ તો તારી વાતો કર્યા કરીશ. અને operation table ઉપર ખલાસ થયો તો તારી પાસે આવું છું. Operation success ગયું, પછીના પ્રવચનોમાં એ કહેતાં, કે ભગવાને એમની વાતો કરવા માટે મને અહીંયા રાખ્યો છે.
એટલે ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ કૃપા કરી. દીક્ષા કોણે આપી તમને? પ્રભુએ આપી. અત્યારે સંયમયોગોની પાલના કોણ કરાવે છે? એની જ કૃપા. આપણને આબુ લઇ આવનાર કોણ? પ્રભુ. ભક્તિ કરાવનાર કોણ? પ્રભુ. તો ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. પણ સાધકની dictionary માં નિમિત્ત છે જ નહિ. પેલાએ મને આમ કર્યું ને પેલીએ મને આમ કર્યું આ વાત જ નથી. ત્યાં વાત એ છે કે મારું ઉપાદાન અશુદ્ધ છે. આપણે આપણા ઉપાદાનની અશુદ્ધિ તરફ નજર નથી નાંખતા, નિમિત્ત ઉપર નજર રાખીએ છીએ.
એક માણસ પેટ્રોલપંપ પાસે ગયેલો. ત્યાં લખેલું no smoking please. પેલાએ વાંચ્યું પણ ખરું. પણ સિગરેટ પીવાની તલપ બહુ લાગેલી. તો દીવાસળીથી સિગરેટ સળાગાવી. ત્યાં સુધી એ ઠીક હતું. પછી સળગતી દીવાસળી નાંખી. નીચે. એટલે પેટ્રોલપંપ ભડકે બળવા લાગ્યો. હવે તમને શું લાગે? બોલો…પેલાએ દીવાસળી ફેંકી માટે પેટ્રોલપંપ બળ્યો. બરોબર… શું લાગે? પણ એ પેટ્રોલપંપ હતો માટે સળગ્યો. એ વાત તમારા ખ્યાલમાં આવે… એ જ માણસ પાણી ભરેલા હોજ પાસે જાય સળગતી દીવાસળી હોજમાં નાંખ્યા જ કરે, નાંખ્યા કરે. બે, ચાર, પાંચ, દસ, પંદર શું થાય? તો દીવાસળી નિમિત્ત રૂપ ખરી પણ એ કામ ક્યાં કરી શકે? પેટ્રોલપંપ હતો ત્યાં. પાણી ભરેલો હોજ હતો ત્યાં નહિ. હવે તમે કેવા? બોલો… તમે બધા પાણી ભરેલા હોજ જેવા ને..? ગમે તેવું નિમિત્ત આવે, તમને અસર ન થાય. બરોબર… આ જાગૃતિનો ત્રીજો પ્રકાર કે કોઈ પણ નિમિત્તની અસર થવાની નહિ.
એક સંન્યાસી હતા, મૌનમાં રહેતા. લોકોએ એમનું નામ મૌની બાબા પાડ્યું. એક સાંજે ફરતાં ફરતાં એક જગ્યાએ આવ્યા. એમને કોઈ મકાનની જરૂરિયાત હતી નહિ. એક ઝાડ નીચે ઉતારો કર્યો. એ વખતે બ્રિટીશરોનું રાજ્ય આપણા દેશ પર. તો બ્રિટીશરોની છાવણી હતી. સૈનિકો ભારતીય હોય, અફસરો બધા બ્રિટીશર હોય. એક સૈનિક round માં હતો. એને સંન્યાસી ને જોયા. ભારતીય હતો એટલે નમસ્કાર કર્યા. પછી પૂછ્યું: બાબા આપ કહાં સે આતે હો? ક્યાં નામ આપ કા? મૌની બાબા બોલે નહિ. હવે એને થયું, સૈનિકને, કે મારી ફરજ છે કે મારે મારા ઓફિસરને વાત કરવી પડે. એને પોતાના ઓફિસરને કહ્યું કે આ રીતે એક સંન્યાસી ઝાડ નીચે બેઠેલા છે. બોલતાં નથી કંઈ… તો બ્રિટીશરોને ૧૮૫૭ ના બળવા પછી બહુ ભય લાગેલો. કે ક્યારેક ભારતીય બળવો કરશે. એટલે ઓફિસરે વિચાર કર્યો, કોઈ જાસુસ હોય તો… તો ઓફિસર પોતે આવ્યા. ભારતમાં રહેતો થોડું હિન્દી બોલતો. તુમ કૌન હો? બાબા બોલે નહિ. તો પેલાએ કહ્યું, દો મિનિટ હૈ, તુમ્હારા નામ બોલ દો, તુમ કહાં સે આયે હો? વો બોલ દો. મેં ઉસકી તાલાશ કર લુંગા કી વહાઁ સે તુમ આયે હો યા નહિ આયે હો…. દો મિનિટ તુમ્હારે પાસ હૈ. બોલ દો. વરના ગોલી દાબ દુંગા. હવે આ બાબાને મૃત્યુનો ભય બતાવે. ગોળી ઠોકી દઈશ. પેલાને ઠોકે ઠોકવી… હું તો અમર છું.
એક સંતની વાત કરું… એ સંત બહુ જ પ્રસિદ્ધ. બીજા કોઈને ઈર્ષ્યા થઇ… ગુંડાને કહ્યું આને મારી નાંખો. ગુંડો મારવા માટે આવે છે, ખુલ્લી તલવાર લઈને. સંત જાગતા જ હોય છે. પેલો જરા ગભરાઈ જાય છે. સંત કહે છે, ગભરાય છે કેમ આમાં, શું કામ કરવું છે બોલ? મારું માથું કાપવું છે? કાપી લે ને, પ્રેમથી કાપ.
તો આ મૌની બાબા જીવન અને મૃત્યુથી પર હતા. તમને રોગનો ભય લાગે? લાગે? કેન્સર થયું અને detect થયું તો શું કરો? મને કેન્સર થયું, કે તારા શરીરને થયું છે. શરીરને થયું એમાં તું શું કરવા રડે છે? મને કાંઈ નથી થયું. હું તો આનંદઘન છું. શરીરને કેન્સર થયું છે મને ક્યાં થયું છે. તો આવા એ સંન્યાસી, જીવન અને મૃત્યુથી પર. પેલો કહે: દો મિનિટ મેં બોલ દો વરના ગોલી દાબ દુંગા. સંત બોલ્યા નહિ પણ મનમાં હસ્યા કે તારે ગોલી ઠોકવી હોય તો ઠોક. આ શરીર તો આમેય પડ્યું જ રહેવાનું છે એક દાહડો. તારી ગોળીથી જવાનું હશે તો ગોળીથી જશે. એમાં શું છે… અને બે મિનિટમાં બોલ્યા નહિ. તો કાયદો આખો બ્રિટીશરો ના હાથમાં હતો. જજીસ પણ એમના હોય બધા. મેજીસ્ટ્રેટ. એટલે કોઈને પણ મારી નાંખે. તો એમાં કોઈ કેસ-બેસ ચાલવાનો હોય નહિ… કે સેફટી માટે મેં એ કરી નાખ્યું. તો છાતી ઉપર બંદુક ભરાવી. બોલ દો વરના ગોળી દાબ દેતાં હૂં. અરે ઠોક ને ભાઈ બોલ-બોલ શું કરે છે? પેલાએ ગોળી છોડી. છાતી ઉપર સીધી જ ગોળી. એ વખતે મૌની બાબા બોલ્યા. અત્યાર સુધી નહિ બોલ્યા. કારણ પેલો શું કરશે? મારશે ને, તો એમાં શું છે? એના માટે મારું વ્રત શા માટે તોડું. પણ છેલ્લી વખતે મોજ આવી, તો પેલા ઓફિસરને કહેશે, ‘તુમ ભી ભગવાન હો’. ભગવાન જીવન-મૃત્યુના પાશ માંથી છોડાવે. તુમ ભી ભગવાન હો. નિમિત્તોની અસરથી કેટલા ય પર થઇ ગયેલા. તો ત્રીજી જાગૃતિ આ છે. કે નિમિત્તો ને અધીન ન થવું. સામા ની દીવાસળી નહિ જોવાની. આપણો પેટ્રોલપંપ હોય તો એને પાણીના હોજમાં ફેરવી નાંખવાનું. બરોબર… અત્યાર સુધી દીવાસળી જ દેખાણી સામે. પેલાએ આમ કર્યું માટે મેં ગુસ્સો કર્યો. હું તો નિરંજન, નિરાકાર. હું વળી ગુસ્સો કરું… એ તો પેલા આમ કર્યું એટલે ગુસ્સો આવ્યો. એટલે અત્યાર સુધી નિમિત્તને પ્રાધાન્ય આપ્યું છે. હવે ઉપાદાનની શુદ્ધિ કરવી છે. હૃદયને એટલું નિર્મળ બનાવીએ કે બસ કોઈ શત્રુ લાગે જ નહિ, બધા મિત્ર લાગે.
તો જાગૃતિના ત્રણ પ્રકાર. મેં આજે પૂછ્યું હતું ઘણાને, તો ઘણા તો બીજા પ્રકારમાં આવી ગયા છે. જાગૃતિ છૂટી જાય. પરભાવમાં ગયા, પાંચ – દસ મિનિટમાં ખ્યાલ આવી ગયો. પાછા ફરી જઈએ. એ તો છે ને? હવે ત્રીજા નંબરની જાગૃતિ લાવવાની. કે નિમિત્ત હોય તો પણ એ તમને કોઈ અસર કરી શકે નહિ. એટલે પ્રભુની પાસે માંગજો કે પ્રભુ! નિમિત્ત જેવું કોઈ છે નહિ. મારા ઉપાદાનની અશુદ્ધિને કારણે મેં બહાર નિમિત્તો કલ્પેલા છે. એ મારી દ્રષ્ટિમાં જે ભ્રમ છે એ ભ્રમને તું કાઢી નાંખ.