વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અરિહંત પદ
સાધકની પહેલી સજ્જતા એ કે પોતાની બુદ્ધિ પર, પોતાના જ્ઞાન પર એને આસ્થા ન હોય; સદ્ગુરુના, પ્રભુના જ્ઞાન પર જ એ આધાર રાખતો હોય – બુદ્ધિરહિત. અને બીજી સજ્જતા એ કે પોતાના કર્તૃત્વ ઉપર પણ સાધકને વિશ્વાસ નથી; પ્રભુની અને સદ્ગુરુની કૃપા હોય, તો જ સાધનામાર્ગે ચાલી શકાય – શક્તિવિકલ.
અરિહંત પ્રભુ સાથેની અભેદાનુભૂતિ બે રીતે થાય છે. એક તો જયારે આપણે તેરમે ગુણઠાણે જઈશું, ત્યારે શાશ્વતીના લયમાં અરિહંત પદની અનુભૂતિ આપણને મળશે. બીજો અનુભવ થોડા સમય માટેનો. અરિહંત પરમાત્માનું ધ્યાન કરીને તમે અત્યારે પણ અરિહંત પદની અનુભૂતિ કરી શકો.
તમે અરિહંતપણાનો અનુભવ કરી શકો છો – now and here! તમને થાય કે ક્યાં નિર્મળ હૃદયના સ્વામી એવા અરિહંત પ્રભુ અને ક્યાં મારું ગંદુ ગોબરું હૃદય! એમનો અનુભવ હું કેવી રીતે કરી શકું?! પણ ભેદ છેદ કરી આતમા. આ જે ભેદ છે, એ ભેદની દીવાલને તોડીને તમે અરિહંતપણાનો અનુભવ અત્યારે પણ કરી શકો છો.
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૩૫ (દિવસ – 1)
નવપદજીની ઓળીમાં અને ઓળી પહેલાં મારે વચ્ચે વચ્ચે બહાર જવાનું છે. એટલે આજથી નવપદ વાચના આપણે શરૂ કરીએ છીએ.
પદ્મવિજય મ.સા.એ નવપદ પૂજાના પ્રારંભમાં કહ્યું; “જિનગુણ અનંત અનંત છે, વાચ ક્રમ મિત દિહ; બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જીહ” નવપદ પૂજામાં સૌથી પહેલાં અરિહંત પ્રભુના ગુણોનું વર્ણન એમને કરવું છે. પણ એ વખતે તેઓ કહે છે; જિનગુણ અનંત અનંત છે – પ્રભુના ગુણો અનંતાનંત. એ ગુણોનું વર્ણન કરવું છે, પણ શી રીતે કરવું? જે અવરોધો છે, એ અવરોધોની એમણે વાત કરી.
• પહેલો અવરોધ – ‘વાચ ક્રમ’ શબ્દોનો મોઢામાંથી નીકળવાનો ક્રમ છે. એક પછી એક શબ્દ નીકળે છે. એકસાથે સેંકડો કે હજારો શબ્દો નીકળી શકતા નથી.
• બીજો અવરોધ – ‘મિત દિહ’ આયુષ્યના દિવસો નક્કી થયેલા છે. એટલે એટલા દિવસોની અંદર પ્રભુના ગુણોનું વર્ણન હું શી રીતે કરું?
• ત્રીજો અવરોધ – ‘બુદ્ધિરહિત’ મારી પાસે એવી પ્રગલ્ભ બુદ્ધિ નથી.
• ચોથો અવરોધ – ‘શક્તિ વિકલ’ પાંડિત્યની જે શક્તિ જોઈએ એ મારી પાસે નથી. અને
• છેલ્લો અવરોધ – ‘કિમ કહું એકણ જીહ’ જીભ પણ એક જ છે.
તો જીભથી પ્રભુના ગુણોનું વર્ણન હું શી રીતે કરું? આ કડી બહુ મજાની છે. એમાં જે બે અવરોધોની વાત આવી; એ બે અવરોધ સાધકની સજ્જતાઓ છે. કોઈ પણ સાધકે સાધનામાર્ગમાં જવું હોય તો એણે શું કરવું પડે? પહેલી વાત; ‘બુદ્ધિરહિત’ પોતાની બુદ્ધિ પરની શ્રદ્ધાને એણે છોડી દેવી પડે.
ભગવાન ગૌતમ ગોચરીએ જાય. ૫૦,૦૦૦ [પચાસ હજાર] કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ!, વહોરવા માટે જાય છે! એક જગ્યાએ એક ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો. બહુ જ નાનકડો પ્રશ્ન હતો. અને સામે ભગવાન ગૌતમ ચાર જ્ઞાનના સ્વામી છે. પણ, એ વખતે ભગવાન ગૌતમ કહે છે પેલાને; કે આનો જવાબ પછી આપું તો ચાલે? પેલો કહે, સાહેબ ચાલે. આપની અનુકૂળતા હોય ત્યારે મને આપજો. પ્રભુ ગૌતમ વહોરીને પ્રભુ પાસે જાય, પાત્રા વિગેરે મૂકી દે યથાસ્થાને, ગોચરી આલોચી લે અને પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે, વંદન કરે, અને પૂછે; કે પ્રભુ! આ પ્રશ્નનો ઉત્તર શું?
નવાઈ લાગે ભગવતી સૂત્ર વાંચતા કે આટલા નાનકડા પ્રશ્નો, અને પ્રભુ ગૌતમ પ્રભુને પૂછે છે! પણ, પ્રભુ ગૌતમની મનોદશા શું હતી? હું અનંત જ્ઞાનીના સાનિધ્યમાં રહું છું તો હું મારા જ્ઞાનનો, મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું !
તો પહેલી સાધકની સજ્જતા આ, કે પોતાની બુદ્ધિ પર, પોતાના જ્ઞાન પર એને આસ્થા ન હોય. સદ્ગુરુના / પ્રભુના જ્ઞાન પર જ એ આધાર રાખતો હોય.
બીજી વાત – ‘શક્તિ વિકલ’ પોતાની શક્તિ ઉપર સાધકને સહેજ પણ વિશ્વાસ નથી. હું મારી રીતે સાધનામાર્ગમાં એક ઇંચ કે એક સેન્ટિમીટર પણ ચાલી શકું નહિ. પ્રભુની અને સદ્ગુરુની કૃપા હોય તો જ સાધનામાર્ગે ચાલી શકાય. ભક્ત અસહાય હોય છે. જે ક્ષણે તમે અસહાય બન્યા, નિરાધાર બન્યા એ જ ક્ષણે પ્રભુ તમને ઊંચકી લે છે.
મેં પહેલા પણ કહેલું; નાનકડો દીકરો માઁ ની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ગયો. ગિરિરાજને ચઢવાની વાત આવી. દીકરો કહે છે; માઁ ! મારે ચડીને યાત્રા કરવી છે. માઁ એ કહ્યું; ok. પણ પહેલો હડો આવતાં પહેલાં જ દીકરો થાકી ગયો. એ કહે; માઁ ! હવે હું ચાલી શકું એમ નથી. ચડી શકું એમ નથી. બસ, દીકરો અસહાય બન્યો; માઁ એ પોતાની બાહોમાં એને ઊંચકી લીધો.
તો સાધનામાર્ગના બે મજાના આ પડાવો – તમારા જ્ઞાન પર તમને શ્રદ્ધા ન હોય. તમારા કર્તૃત્વ પર તમને શ્રદ્ધા ન હોય.
વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે; “क्वाहं पशोरपि पशुर्वितरागस्तवः क्वच, उत्तितीर्षुररण्यानीं पद्भ्यां पङ्गुरिवास्म्यतः॥” હેમચન્દ્રાચાર્ય કયા શબ્દો વાપરે છે..! “ક્વાહં પશોરપિ પશુ-ર્” પશુ નહિ..! પશુથી પણ નીચે હું છું..! અને પ્રભુ મારે તારી સ્તવના કરવી છે. પણ પ્રભુ મારા માટે આ અશક્ય કામ છે. હું આ કરી શકું નહિ. તું જ કરાવી શકે. તારો પ્રેમ, તારી કૃપા એ જ આ કાર્ય કરાવી શકે. અને કહે છે; “उत्तितीर्षुररण्यानीं” ઘોર જંગલને પાર કરવું છે, અને હું પંગુ છું, લંગડો છું; કેવી રીતે જંગલને પેલે પાર જાઉં? પ્રભુ તું મને ઊંચકી લે.! એ પ્રભુ નરક અને નિગોદમાંથી આપણને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યા છે. અને એ જ પ્રભુ આપણને મોક્ષ સુધી લઇ જવાના છે. તમે અસહાય બનો. ‘મેં સાધના કરી’ – આ વાત જ તમારા મનમાં ન હોય. હું શું કરી શકું? પ્રભુ કરાવે. સદ્ગુરુ કરાવે.
ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કરેલા. અકબર બાદશાહને ખબર પડી. પોતાને ત્યાં એ બાઈને બોલાવી. અને પૂછ્યું; કે બેટા! છ મહિના સુધી દિવસે પણ નહિ ખાવાનું. રાત્રે પણ નહિ ખાવાનું. કઈ રીતે તું આ તપશ્ચર્યા કરી શકે છે? શું કહેલું એ વખતે ચંપા શ્રાવિકાએ.. એણે એમ ન કહ્યું; કે મહારાજ! અમને તો જન્મથી ટેવ પડેલી ઉપવાસની તો કરી લઈએ. ચંપાનો જવાબ બિલકુલ સ્પષ્ટ હતો. બાદશાહ ! હું એક દિવસ પણ ભૂખી ન રહી શકું. ત્રણ ટાઈમ દિવસમાં ખાઉં. તો પણ વચ્ચે વચ્ચે બીજું કંઈક ખાવાનું જોઈએ. પણ આ મારા પ્રભુની અને મારા સદ્ગુરુની કૃપા છે, કે હું આ કરી શકું છું. અને એ ચંપાના વચનથી બાદશાહે હીરસૂરિ ગુરુનું મિલન કર્યું અને ક્રૂર બાદશાહ અહિંસક બન્યો. ‘બુદ્ધિ રહિત શક્તિ વિકલ’
હવે થોડા આપણે આગળ વધીએ. અરિહંત પ્રભુ બહુ જ મોટી ઘટના. આપણે સિદ્ધ તો થઈશું કદાચ. આપણે બધા અરિહંત બનીશું એવું નક્કી નથી. પણ અત્યારે અરિહંતપણાનો અનુભવ તમારે કરવો છે? અરિહંત પ્રભુ સાથેની અભેદાનુભૂતિ બે રીતે થાય છે. એક તો શાશ્વતીના લયમાં. આપણે પણ તેરમે ગુણઠાણે ગયા, તો અરિહંત પદની જે અનુભૂતિ છે એ આપણને મળશે. અત્યાર સુધી સમવસરણમાં ઘણીવાર આપણે ગયા. પણ, માત્ર પ્રભુના અતિશયો, પ્રભુની પાસે વિંઝાતા ચામરો, દેવદુદુંભિનો અવાજ, સોનાના કમળો પરનો વિહાર આ બધું આપણે જોયું. પણ જે ખરેખર જોવાનું હતું એ રહી ગયું! સમવસરણમાં આ જોવા જવાનું નહતું. ત્યાં ગયા પછી માત્ર અને માત્ર પ્રભુની પરમ ઉદાસીનદશાને જોવાની હતી. ચોસઠ ઇન્દ્રો પ્રભુના ચરણોમાં ઝુકતા હોય; પ્રભુ પોતાનામાં છે! કોઈ ઘટનાની અસર પ્રભુ ઉપર થતી નથી. એ બધું થયા કરે છે, પ્રભુ પોતાનામાં છે..
આ ઉદાસીનદશા જે આપણે જોવાની હતી, એ જોઈ ન શક્યા.! ચાલો કંઈ વાંધો નહિ. શીતલનાથ દાદા પાસે જાવ; એમના મુખને જુઓ અને એમના મુખ પર રહેલી ઉદાસીનદશાને જુઓ.. તમે સોનાનો મુગટ ધરાવો કે હીરાનો મુગટ ધરાવો, દાદાને કોઈ ફરક પડતો નથી. દાદા કહે છે; તારે જે કરવું હોય એ કર. હું મારામાં જ છું. તો પ્રભુની આ ઉદાસીનદશાને જોવાનું આપણે ચુકી ગયા છીએ. પણ હવે જોવાને બદલે અનુભવ કરીએ, ચાલો..! કરવો છે અનુભવ? તો એક અનુભવ શાશ્વતીના લયનો.
બીજો અનુભવ થોડા સમય માટેનો. એની વાત શ્રીપાલ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી; “અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણ પજઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” અત્યારે અરિહંત બની જવાય.! નાની સૂની ઘટના છે આ કોઈ? Now and here..! શું કરવાનું? ‘અરિહંત પદ ધ્યાતો થકો’ અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું..! એટલે કે પહેલા પ્રભુના ગુણોનું ચિંતન કરવાનું, એ પછી ચિંતન પણ છૂટી જાય અને અનુભવ રહે..
કપમાં ચા હોય ત્યાં સુધી વિચાર છે. કેવી ચા હશે? ટેસ્ટી હશે? મારા ટેસ્ટની હશે? પણ જ્યાં કપને હોઠે લગાડ્યો, આસ્વાદ શરૂ થયો; અનુભૂતિ આવી ગઈ.! અનુભૂતિની ક્ષણોમાં વિચાર નથી હોતો.
રામકૃષ્ણ પરમહંસ કહેતાં; કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયેલા હોય. અવાજ, અવાજ, અવાજ હોય. લાડુ-પુરી-શાક-દાળ. પણ જે ક્ષણે હર હર મહાદેવ બોલાય, ચુપ્પી.. કારણ લાડવાનો અનુભવ થઇ રહ્યો છે. વિચારો અટકે, પછી અનુભવ શરૂ થાય છે. ધ્યાન આપણી આખી પરંપરાનું મૂળભૂત વાત છે. એ ધ્યાનને આપણે ભુલી ગયા.! અને વિદેશની અંદર યોગનો, ધ્યાનનો એટલો બધો પ્રચાર થયો છે, એક સેશન દસ દિવસનું હોય, ધ્યાનનું. પાંચ હજાર ડોલરની ફી હોય. રજીસ્ટ્રેશન માટે લોકોની પડાપડી હોય છે. કારણ આજનો માણસ stress age માં જીવે છે. તણાવના યુગમાં. એ લોકોને ખ્યાલ આવી ગયો; કે તણાવમાંથી મુક્તિ જોઈતી હોય, તો માત્ર ધ્યાન જે છે એ ચાલી શકે. તણાવ ક્યાં સુધી? વિચારો ચાલે છે ત્યાં સુધી. ભવિષ્યના વિચારો….! શું કરીશું? કઈ રીતે રહીશું? પણ તમે ધ્યાનમાં બેઠા, વિચાર જ નથી, અથવા વિચાર છે તો પ્રભુનો વિચાર છે. પ્રભુના ગુણોનો વિચાર છે. તો શું થયું? તણાવમાંથી તમને મુક્તિ મળી.
એક અમેરિકન પ્રોફેસર હતાં. અમેરિકામાં શનિ-રવિ આવે એટલે લોકો બહાર નીકળી પડે ફરવા, Weekend માં. પ્રોફેસર અને એમના પત્ની કારમાં બેસીને જંગલમાં જાય છે. નાસ્તો, જમવાનું બધું સાથે લીધું. જંગલમાં ગયા પછી સ્ટેરીંગ પર પ્રોફેસરનો કાબૂ સહેજ ન રહ્યો, અને કાર ઝાડ સાથે જોશથી અથડાઈ. પ્રોફેસરનું માથું સ્ટેરીંગ વ્હીલ સાથે અથડાયું. જોશથી.. એટલે લોહી નીકળવા માંડ્યું. પીડા સખત. આમ તો એ લોકો જ્યારે પણ બહાર નીકળે, ફર્સ્ટ એડ બોક્ષ તો જોડે જ હોય, પ્રાથમિક સારવારનું. પણ એ દિવસે ભુલાઈ ગયું. પ્રોફેસર અને પત્ની બેય બહાર આવ્યા. વૃક્ષની નીચે બેઠા. દુઃખાવો અસહ્ય છે અને pain killer કોઈ ટેબલેટ છે નહિ. એ વખતે પત્નીએ કહ્યું પ્રોફેસરને, કે હું ધ્યાનના કલાસીસમાં જાઉં છું. અને હું ધ્યાનને થોડું થોડું શીખી છું. તો તમે એક કામ કરો! તમારું મન આ પીડામાં છે. માટે તમને પીડાનો અનુભવ થાય છે. તમે વિચારોને બદલી નાંખો. તમારા ક્લાસરૂમમાં તમે ઉભા છો. તમે લેકચર આપી રહ્યા છો. તમારા લેકચરને students બહુ જ પ્રેમથી સાંભળી રહ્યા છે. આ વિચારમાં તમે આવી જાવ. પ્રોફેસરને થયું; બીજું કાંઈ જ નથી તો આ..! ચાલો..! પ્રોફેસરે પોતાના વિચારને પીડામાંથી ઊંચકી અને સીધા જ ક્લાસરૂમમાં મૂકી દીધા. પોતે ભાષણ આપી રહ્યા છે.. કયા વિષય ઉપર બોલે છે.. આ બધામાં એમનું મન ગૂંથાઈ ગયું અને પીડાનો બોધ સમાપ્ત થઇ ગયો.! તો ધ્યાન શું કરે? ઉપયોગને બદલી આપે. જે ઉપયોગ પરમાં છે? પરપદાર્થોમાં, પર વ્યક્તિઓમાં, એ ઉપયોગને , એ મનને ઊંચકીને પોતાના કોઈ ગુણમાં, આનંદગુણમાં લઇ જાય.
તો ધ્યાન એટલે ઉપયોગને પરમાંથી સ્વમાં લઇ જવું.
તો હવે આપણે અરિહંત પ્રભુ જે ગુણોની અનુભૂતિ કરી રહ્યા છે; એ ગુણોની અનુભૂતિ કરવી છે. બરોબર? તૈયાર? વહેલી સવારે બધા આવી ગયા છો. ધ્યાનની વાતો એકદમ સરળતાથી તમે સમજી શકો એ રીતે મારે તમને આપવી છે. તો હવે વાત એ થઇ; કે અરિહંત પદ ધ્યાતો થકો. અરિહંત પદનું તમે ધ્યાન કરો.. અને “ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” આ કોનું વચન છે? મહોપાધ્યાયજીનું. જે પણ વ્યક્તિ અરિહંત પરમાત્માનું ધ્યાન કરે, તે થોડીક ક્ષણો માટે અરિહંત રૂપે થાય.
સાધુ બનવાનું મળે ને, તો ય તમે નાચવા માંડો બરોબર ને? આ તો અરિહંત બનવાનું.! અને કોઈ ફી મોટી નથી. કશું જ અઘરું નથી. માત્ર તમે તૈયાર છો? અત્યાર સુધી નવપદ ઓળીના પ્રવચનો સાંભળ્યા. પણ ક્યારેય અરિહંત પરમાત્માનો અનુભવ હું કરું, આ વાત મનમાં પણ ઉઠી નહિ. વિધિવાળી આયંબિલની ઓળી કરે ને, એ પ્રદક્ષિણા દે, ખમાસમણ દે. તો પ્રદક્ષિણા દે ત્યારે બોલતાં જાય, અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્ઝાય રે – શબ્દ સુધી આપણે આ વાતને લઇ ગયા છીએ. કદાચ વિચાર સુધી પણ આ વાત આવી નથી.! હું અરિહંત પણાનો અનુભવ અહીંયા કરું, આવો વિચાર આવ્યો છે ક્યારેય? કારણ કે તમને લાગે કે ક્યાં અરિહંત પ્રભુ અને ક્યાં હું?! ક્યાં એ નિર્મળ હૃદયના સ્વામી, અને ક્યાં મારું ગંદુ ગોબરું હ્રદય.! કઈ રીતે અરિહંત પરમાત્માનો અનુભવ હું કરી શકું? તો સ્પષ્ટ વચન આપ્યું; “ભેદ છેદ કરી આતમા” અરિહંત પરમાત્મા, અરિહંત પરમાત્મા છે. હું અશુદ્ધ હૃદયનો સ્વામી છું. પણ આ જે ભેદ છે, બે વચ્ચેનો, એ ભેદને તોડીને, એ દીવાલને તોડીને તમે અરિહંત પણાનો અનુભવ કરી શકો છો.
આમ, નાચવાનું મન ન થાય? નાચવાનું મન નથી થતું? સાહેબ શું કહો છો તમે? અરિહંત પરમાત્મા ક્યાં! હું ક્યાં! અને હું અરિહંત પરમાત્માનો અનુભવ કરી શકું? એમના અનંત અનંત ગુણો.. એનો અનુભવ હું કરી શકું?! એમનું જે નિર્મળ આત્મ-દ્રવ્ય છે, એનો અનુભવ હું કરી શકું?!
આશ્ચર્ય છે ને એ સાધનામાર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે.
એક સરસ ગ્રંથ છે. જેમાં પાર્વતીજી પ્રશ્નો પૂછે છે અને મહાદેવજી પોતે ઉત્તર આપે છે. એ ગ્રંથની અંદર એક પ્રશ્ન પાર્વતીજીએ કર્યો છે કે યોગની અંદર પ્રવેશવું હોય, ધ્યાનના જગતમાં પ્રવેશવું હોય તો એના માટેનું પ્રવેશદ્વાર કયું? એ વખતે મહાદેવજીએ આ સૂત્ર આપ્યું; “विस्मयो योगभूमिकाः” આશ્ચર્ય જે છે એ યોગમાં, ધ્યાનમાં, આંતર જગતમાં, પ્રવેશવાનું દ્વાર છે.
મેં આ વાત કરી; કે અરિહંત પણાનો અનુભવ તમને અત્યારે થાય. આશ્ચર્ય થયું? આશ્ચર્ય થાય એટલે શું થાય? Conscious mind જે છે ને, એ બાજુમાં જતું રહે. તમે દર્શન કરો છો પ્રભુના, પણ Conscious mind થી. અને એટલે ઘરે આવીને કોઈ પૂછે તમને કે પ્રભુને કેવી આંગી હતી? તમે કહો છો મને ખબર નથી.! પ્રભુનું દર્શન કર્યું છે એણે. અડધો કલાક બેઠો છે. અને એને ખબર નથી કે આંગી કેવી હતી! શું થયું? એનું મન પ્રભુ સાથે જોડાયું નહતું. શરીર દેરાસરમાં બેઠેલું, મન બહાર હતું. “विस्मयो योगभूमिकाः” આશ્ચર્ય છલકાય.. અરે વાહ! આવા ભગવાન ! ક્યાંક તીર્થમાં ગયા, ભોંયરામાં મોટા ભગવાન, જુઓ અને આનંદ થઇ જાય. અરે વાહ! આવા પરમાત્મા ! એ જે આશ્ચર્ય થાય છે ને, એ આશ્ચર્યની ક્ષણોમાં conscious mind બાજુમાં જતું રહે; ત્યારે તમે હોવ છો…
અત્યારે તમે છો? ૐકારસૂરિ આરાધના ભવનમાં તમે છો? કે તમારું શરીર છે? શરીર તો બેસી ગયું. હવે મનને બેસાડી દો. શરીર બેઠું છે ને બધાનું? ખુરશીવાળાનું ખુરશી ઉપર. નીચેવાળાનું નીચે. પણ શરીર બેઠેલું છે. મનને બેસાડી દો.
ચીનમાં બે દાર્શનિકો હતાં. બંનેનું વય ૮૦-૮૦ વર્ષનું. બહુ મોટા પંડિતો. સેંકડો લોકો એમની પાસે ભણવા-જાણવા માટે આવે. પણ એ બેયને મળવાનું બહુ ઓછું થાય. એકવાર એક પંડિતજી બીજા પંડિતના ઘર પાસેથી જતા હતાં. અને એમણે થયું; કે લાવો પંડિતજીને મળી લઉં. અંદર ગયા. પેલા પંડિતજી ખુશ ખુશ થઇ ગયા. ઓહો તમે મારે ત્યાં પગલાં કર્યા.! પણ બન્યું એવું ઝુંપડીમાં ઘર. એક આસન, એના ઉપર એ બેઠેલા. બીજું કોઈ આસન નહિ. બધા student હોય, એ નીચે બેસે. અને એક પણ student હાજર નહી, નહીતર બાજુમાંથી પણ આસન મંગાવી લે. પેલા પંડિતજીને બેસવું હતું. પણ હવે આસન વગર, ખુરશી વગર બેસાય કેમ? આ પંડિતજીએ કહ્યું; હાથ જોડીને, કે બીજું આસન ઘરમાં નથી. કોઈ વિદ્યાર્થી નથી કે બહારથી હું આસન મંગાવી શકું. આપ જમીન પર બેસવાની કૃપા કરો. પેલા જમીન પર બેસી ગયા. આ પંડિતજી તો ઉભા પણ થઇ શકતા નહતાં. થોડી વાતચીત શરૂ થઇ, પણ પેલા નીચે બેઠલા પંડિતજી હતા ને, એમને થોડું આમ અસુવિધા ભરેલું લાગતું હતું. Un convenient. એટલે આ પંડિતજીએ કહ્યું; કે આપે કૃપા કરી, આપનું શરીર નીચે બેસી ગયું છે. હવે આપના મનને પણ નીચે બેસાડી દો. તો આપણે સરસ વાતો કરીએ.
તો આવતી કાલે જો મનને બેસાડી શકશો, એની પણ વિધિઓ આપીશ. તો અરિહંત પ્રભુના અનંત ગુણોનો આંશિક અનુભવ તમને અહીંયા જ થશે. એટલે જેને જેને અરિહંત પ્રભુના ગુણોનો અનુભવ કરવો હોય, શ્રવણ નહિ, ચિંતન નહિ, અનુભવ કરવો હોય એ બરોબર કાલે ટાઈમસર આવી જજો.