વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત
અરિહંત પરમાત્મા જ્યોતિર્મય છે. એમની ચેતના સાથે આપણી ચેતનાનું અનુસંધાન કરવા માટે આપણે આપણી ચેતનાને જ્યોતિર્મય બનાવવી પડશે. શબ્દો પૌદ્ગલિક એટલે કે અજ્યોતિર્મય ઘટના છે. વિચારો પણ અજ્યોતિર્મય ઘટના છે. માત્ર તમારા ગુણોની કે તમારા સ્વરૂપની અનુભૂતિ એ જ જ્યોતિર્મય ઘટના.
માટે અરિહંત પરમાત્માના ગુણોનું માત્ર શ્રવણ કે માત્ર ચિંતન નહિ ચાલે; એ ગુણોની અનુભૂતિ જોઇશે. શબ્દોની ભૂમિકાથી ઉપર ઊઠવું પડશે, વિચારોની ભૂમિકાથી પણ ઉપર ઊઠવું પડશે અને અનુભૂતિની ધારામાં જવું પડશે.
શબ્દોની ભૂમિકાથી ઉપર ઊઠવું – શબ્દોનું મૌન – તો સરળ છે. વિચારોના મૌન માટે એક દસ મિનિટની સાધના હું આપું છું. શરીર ટટ્ટાર અને આંખો બંધ કરીને એક-બે મિનિટ એકદમ એકાગ્રતાપૂર્વક નવકાર મંત્રનો જાપ કરવાનો. મંત્રમાં મન એકાગ્ર બને એ પછી જાપ છોડીને માત્ર બેસવાનું; Just sitting and nothing to do.
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૩૬ (દિવસ – ૨)
અરિહંત પરમાત્માના ગુણોનું, એમના સ્વરૂપનું શ્રવણ ઘણીવાર થયું. કદાચ ક્યારેક ચિંતન પણ થયું હશે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજા શ્રીપાળરાસમાં કહે છે; કે માત્ર શ્રવણ નહિ ચાલે, માત્ર ચિંતન નહિ ચાલે; અનુભૂતિ જોઇશે. ચા નો વિચાર કરી લો એટલે ચાલે? ‘ચા’ શબ્દ સાંભળી લો એટલે ચાલે? કે ચા પીવી પડે? નવાઈમાં આપણે ડૂબી જઈએ કે શું અરિહંત પરમાત્માના ગુણોની અનુભૂતિ અત્યારે અમને થઇ શકે? સ્પષ્ટ પ્રતિપાદન આવ્યું; “ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” તમારો આત્મા અત્યારે અરિહંતમય બની શકે છે. અરિહંત પ્રભુની ચેતના સાથે તમારી ચેતનાનું મિલન. કઈ રીતે આ થાય?
એના માટેનું સાધના સૂત્ર મહોપાધ્યાયજીએ જ શીતલનાથ દાદાના સ્તવનમાં આપ્યું; “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” જ્યોતિર્મય અરિહંત પરમાત્મા છે. એમની સાથે એમની ચેતના સાથે, આપણી ચેતનાનું આપણે અનુસંધાન કરવું છે. તો એના માટે આપણે આપણી ચેતનાને જ્યોતિર્મય બનાવવી પડશે. શબ્દ પૌદ્ગલિક – અજ્યોતિર્મય. વિચાર પૌદ્ગલિક – અજ્યોતિર્મય. તમારા ગુણોની કે તમારા સ્વરૂપની અનુભૂતિ એ જ તમારી પોતાની માલિકીની વસ્તુ અને એ જ જ્યોતિર્મય સંઘટના.
તો હવે સીધી વાત એ થઇ, કે જ્યોતિર્મય પ્રભુની ચેતના છે. એ ચેતના સાથે મારે મારી ચેતનાનું મિલન કરવું છે. આપણે પ્રભુમિલન યોજીએ ને, એ બધું શબ્દોના સ્તરનું. આજે વાસ્તવિક પ્રભુમિલન આપણે કરવું છે. અરિહંત પ્રભુની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ થાય. ભલે એ થોડા સમય માટે હશે, પણ એ થોડો સમય એવો અદ્ભુત હશે કે પાછળથી તમે એનું સ્મરણ કર્યા જ કરશો. તો હવે શરત એક થઇ કે જ્યોતિર્મય પ્રભુની ચેતના સાથે તમારી ચેતનાનું મિલન ક્યારે થાય? તમારી ચેતના જ્યોતિર્મય બને ત્યારે. તો શબ્દોની ભૂમિકાથી ઉપર ઉઠવું પડશે, વિચારની ભૂમિકાથી ઉપર ઉઠવું પડશે અને અનુભૂતિની ધારામાં જવું પડશે.
ઘણા બધા પુસ્તકો, મેગેઝીનસ્, હું જોતો હોઉં છું. જેમને લૌકિક શાસન મળ્યું છે, એવા લોકો યોગ અને ધ્યાનમાં એટલા બધા આગળ ગયા છે, કે લોકોત્તર શાસન જેમને મળ્યું છે, એ આપણે, યોગ અને ધ્યાનથી વંચિત છીએ.
ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું છે. આપણી દિનચર્યા બતાવી. “पढमं पोरिसि सज्झायं बीए झाणं झियायए” પહેલી પોરિસીમાં : ગોખવાનું, સુત્રપોરસી. બીજી પોરિસી : ધ્યાનની પોરિસી. તો ધ્યાન એ આપણી પરંપરા હતી. સમજી શકીએ કે હીરસૂરિદાદા પછી યતિઓનું સામ્રાજ્ય ફેલાયું, એ વખતમાં આ ધારા લુપ્ત થઇ. માત્ર ૪૦૦ વર્ષથી. તમે બધા જ જો ધારો, તો એ ધારાનું અનુસંધાન કરી શકાય એમ છે.
તેરાપંથના બે સાધ્વીજી માસકલ્પ માટે ક્યાંય રોકાય તો પણ એ ધ્યાન કરાવે જ. એ લોકો ધ્યાનમાં ઊંડા ઉતરેલા છે અને ધ્યાન બધાને શીખવાડે છે. આજનો યુગ ધ્યાનનો યુગ છે. પૂરા વિશ્વની અંદર ધ્યાન ફેલાઈ રહ્યું છે. અને એ વખતે ધ્યાન જેની પરંપરામાં હતું, ધ્યાન જેના મૂળમાં હતું, એ આપણે લોકો ધ્યાનથી વંચિત છીએ. તો ધ્યાન માટે શું કરવું પડશે? શબ્દોથી ઉપર ઉઠવું પડશે. એટલે કે મૌનમાં જવું પડશે. મૌનમાં તો તમે જઈ શકો. પણ શબ્દોનું મૌન સહેલું છે. વિચારોનું મૌન કઈ રીતે મળે? ચાલતાં જ હોય છે કેમ? Non – stop! હું ઘણીવાર કહું; કે કોઈ પણ ફેક્ટરીવાળો પોતાના માલનું production કેટલું કરે? સામે સેલ હોય એટલું. બરોબર ને? તમારી આ ફેકટરીમાંથી વિચારોનું production ૨૪ કલાક ચાલે. લેનાર કોઈ નહિ.!
હું ઘણીવાર સાધના શિબિરોમાં સાધકોને પૂછું; કે તમારા ૯૯% વિચારો નકામાં કે ૧૦૦ % વિચારો નકામાં? ત્યારે બધા જ કહેતાં હોય છે, કે સાહેબ ૧૦૦% વિચારો નકામાં છે. પણ એ વિચારમય જ અમારું જીવન છે. તો જ્યાં સુધી તમે વિચારોથી ઉપર ન ઉઠી શકો ત્યાં સુધી અનુભૂતિની દુનિયા સંભવિત નથી. મનને શું છે એક ટેવ પડેલી છે અને એક જ ધારામાં એ દોડ્યા કરશે. વધુ જોઈએ. વધુ જોઈએ. વધુ જોઈએ. આ એક મંત્ર એની પાસે છે. એટલે તમે દોડ્યા જ કરો, દોડ્યા જ કરો, વસ્તુઓને ભેગી કરવા. સંપત્તિને ભેગી કરવા. મનની પાસે કોઈ સૂઝબૂઝ નથી. તમે છે ને મનના માલિક બનો તો વાંધો નથી. પણ મન તમારું બોસ બને એ ન ચાલે.
કોઈ પણ ઓફિસમાં બોસ પાસે સેક્રેટરી આવે અને કાગળિયાં ઉપર સહી કરાવવાની હોય. બની શકે કે સેક્રેટરી ફૂટી ગયેલો હોય, સામાં પક્ષે એને ફોડી નાંખેલો હોય અને એવા ખોટા કાગળિયાં લઈને આવે કે જેના ઉપર સહી થાય એટલે બોસ ફસાઈ ગયો. હવે બોસ કાગળિયાં વાંચે નહિ, અને signature કરી નાંખે તો શું થાય? કરોડો-અબજોના દેવામાં આવી જાય. મન તમને સૂચના આપે. મનનું સ્થાન સેક્રેટરીનું છે. તમે બોસ છો. સેક્રેટરી તમને બધું આપે, તમે જોઈ લો, ઠીક લાગે એ સ્વીકારો, બીજું ફેંકી દો.
વિચારોથી ઉપર ઉઠવા માટે એક દસ મિનીટની હું સાધના આપું છું. માત્ર દસ મિનીટની. આંખો બંધ કરવાની. શરીર ટટ્ટાર કરી દેવાનું. પહેલી એક-બે મિનીટ નવકાર મંત્રનો જાપ, એકદમ એકાગ્રતાપૂર્વક કરવાનો. એટલે મન નવકાર મંત્રમાં એકાગ્ર બને. મન એકાગ્ર બન્યું. હવે નવકાર મંત્રને છોડી દઈએ. હવે માત્ર બેસવાનું છે. Just sitting and nothing to do.
ઝેન ગુરુઓ પોતાની સાધનાને આ રીતે સમજાવે છે; “Just sitting and nothing to do.” માત્ર બેસી રહો. કદાચ વિચાર આવી જાય તો એને જોઈ લો. વિચારમાં ભળવાનું નહિ. રાગનો વિચાર છે, તો રાગનો વિચાર મન સુધી, ચિત્ત સુધી, તમારા સુધી નહિ. તમે તો માત્ર એ વિચારના પણ દ્રષ્ટા છો. ખાલી દસ મિનીટની સાધના. જે લોકોએ આ દસ મિનીટની સાધના રોજના ત્રણથી ચાર વાર એક મહિના સુધી ઘૂંટી છે, એમનો અનુભવ એ જ રહ્યો કે વિચાર, વિચાર છે. હું, હું છું. આખું division પડી જાય છે. વિચાર અલગ પડી જાય છે. તમે અલગ પડી જાવ છો.
તો રાગનો વિચાર આવ્યો, એ વિચાર મન સુધી, ચિત્ત સુધી, તમારા સુધી નહિ. તમે એ વિચારના પણ દ્રષ્ટા છો, જોનાર છો. આ સિંહાસન છે. હું એને જોવું છું, તો એ દ્રશ્ય છે. હું જોનાર છું; તો જોનાર અને દ્રશ્ય બેય એક હોય ખરા? તો વિચારોથી તમે છુટા પડી જાવ. હવે આટલું જો થઇ શકે, પછી અનુભૂતિની દુનિયા શરૂ થાય.
દરિયો છે, એમાં ગંગા નદીનું પાણી ગયું. એક ક્ષણમાં એ ગંગા નદીનું પાણી અને દરિયાનું પાણી એક થઇ જાય છે. પણ દરિયાને કિનારે થોડે દૂર પાણીમાં પથ્થર પડેલો હોય તો…? પથ્થર દરિયાના પાણી સાથે એકમેક નહિ થાય. ગંગા નદીનું પાણી દરિયાના પાણી સાથે એકમેક થઇ જશે. તો પ્રભુની નિર્મલ ચેતના એ સમુદ્ર જેવી છે. એમાં આપણે ઝરણું થઈને અંદર પડીએ તો પણ એકાકાર થઇ જઈશું. નદી થઈને અંદર પડશું, તો પણ એકાકાર થઇ જઈશું. પણ પથ્થર હશે તો…? અત્યાર સુધી શબ્દ હતાં, વિચારો હતાં, એટલે પથ્થર હતા. અનુભૂતિ આવે, પ્રભુ પાસે સમભાવનનો સમુદ્ર છે, એ સમભાવની આંશિક અનુભૂતિ તમને થાય, તો એ ક્ષણોની અંદર તમારી ચેતના પ્રભુચેતના સાથે એકાકાર થઇ જાય.
સામાયિક કરો ને… સામાયિકમાં સ્વાધ્યાય પણ કેવો કરવાનો? એવો સ્વાધ્યાય જે તમારા સમભાવને પુષ્ટ કરે. ગજસુકુમાલ મુનિની વાર્તા વાંચીએ અને એ વખતે થાય કે આટલો બધો સમભાવ.! એક માખી બેઠેલી હોય ને ખાલી, મધમાખી નહિ, ખાલી માખી, તો ય આપણાથી સહન થતી નથી! આપણો સમભાવ તૂટી જાય છે. એક નાનકડી ઘટના પ્રતિકૂળ બને છે, અને તમારો સમભાવ ડગી જાય છે. સામાયિકમાં આવી કથાઓ વાંચી, સાંભળી, સમભાવને પુષ્ટ કરવાનો છે. એ સમભાવ તમારી ચેતનામાં આવ્યો, તમારી ચેતના સમભાવમયી થઇ; તો એક ઝરણું ચાલુ થયું અને એ ઝરણું દરિયામાં પડી ગયું; એટલે બે ચેતના એકાકાર થઇ ગઈ.
આમ પણ છે ને સમભાવ લાવવો જ પડશે. અત્યારે તમે stress age માં છો. મનોવૈજ્ઞાનિકો કહે છે, કે આજનો માણસ stress age માં છે. તણાવમાં.. એ તણાવમાંથી બહાર આવવું હોય તો આ સમભાવ જોઇશે.
અમે લોકો કચ્છમાં ગયેલા. ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની ભૂમિ મનફરા. ત્યાં ચોમાસું હતું. ગુરુદેવ સાથે અમે બધા જતાં હતા. કટારિયાજી તીર્થે આવ્યા. બીજા દિવસે સામખીયાળી જવાનું હતું. તો સામખિયાળી સંઘવાળા આવી ગયા. સામૈયા વિગેરેની વાત થઇ. નવ – સાડા નવા વાગે સામૈયું હતું. સામખિયાળી ની બહાર રોડ પર એક બહુ મોટી ફેક્ટરી હતી. ફેકટરીના માલિક જૈન હતા. એમને ખબર પડી કે ગુરુદેવ કટારિયા છે, એ દોડતા આવ્યા કે સાહેબ આપનો પ્રોગ્રામ મારા ખ્યાલમાં છે. કાલે ૯.૩૦ વાગે સામખિયાળીમાં સ્વાગત યાત્રા છે. મારી ફેક્ટરી સામખિયાળીની બહાર રોડ ઉપર જ છે. તો આપ પધારો. મને લાભ આપો. નવકારશીનો પણ મને લાભ આપો. આઠસો કર્મચારીઓ મારે ત્યાં છે. અને એ બધાની રસોઈ ત્યાં જ બનતી હોય છે. એટલે નિર્દોષ ગોચરી આપના માટે છે. આપ પધારો. હા પાડી. ગયા.. સ્વાગત થયું. માંગલિક સંભળાવ્યું. નવકારશી વાપરવા બેઠા. નવકારશી વાપરીને હું બહાર આવ્યો. ત્યારે એ ભાઈ પરિચિત હતા, માલિક, મારી જોડે બેઠા. એમણે મને એક સરસ વાત કરી. એ કહે સાહેબ! અત્યારે એક યોગના આચાર્ય આવ્યા છે અને મારા ૮૦૦ કર્મચારીઓને એ યોગા શીખવાડે છે. એમણે મને કહ્યું; કે સાહેબ આપણે તો ખ્યાલ જ છે બધો. એ યોગ શીખશે. એ તણાવ મુક્ત બનશે. તો મારું કામ વધુ સારું કરશે. એટલે મને પણ લાભ થશે. એના જીવનમાં પણ એ સુખી થશે.
આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજનો માણસ કોઈ પણ કાર્ય પૂરું કરતો નથી. એક કાર્યમાં એનું મન પૂરેપૂરું હોતું નથી. એ દસ વાગે જમતો હોય, તો જમવામાં એનું મન નથી. ઘરમાં એનું મન નથી. ઓફિસમાં એનું મન છે. શરીર ઘરમાં છે. મન ઓફિસે પહોંચી ગયું છે. ઓફિસેથી રાત્રે ૮ વાગે આવે છે. પણ ઓફિસની ફાઈલ એ બંધ કરતો નથી. અને એટલે ઘરમાં આવીને મુક્ત રીતે પોતાના બાળકો સાથે એ વાતો કરી શકતો નથી. એ ઘરની અંદર કોઈને પ્રેમ આપી શકતો નથી. ઘરે છે તો ઓફિસની ચિંતા. ઓફિસે આવ્યો, ઘરની ચિંતા. ફરી ઘરે આવ્યો, ઓફિસની ચિંતા. એટલે આજનો માણસ ‘only work’ કશું જ કરતો નથી. એ બધું ભેગું-ભેગું જ કરે છે. એટલે મનને એકાગ્ર બનાવવું એ તમારા સ્વાસ્થ્ય માટે, તમારા જીવન માટે પણ ઉપયોગી છે.
અમારા લોકોના શરીરમાં પણ બીમારીઓ તો આવે જ છે. મારા તો પગથી માથા સુધીના બધા જ મેજર અંગોમાં ઓપરેશનો થઇ ગયા છે. બીમારીઓ છે પણ એ શરીરમાં, મનમાં નહિ. કેન્સર આવી શકે. ટી.બી પકડાઈ શકે. પણ એને શરીરમાં રાખો, મનમાં નહિ.
ધર્મધુરંધરસૂરિ મહારાજ નેમિસૂરિ સમુદાયના એક પ્રમુખ વિદ્વાન આચાર્ય માં રહ્યા. એમને કેન્સર detect થયું. એ અમદાવાદમાં હતા. હું અમદાવાદ ગયેલો. સાહેબ પાસે ગયો. સુખશાતા પૂછી. એ યુગની અંદર પેઈન કિલરો પણ એટલા સારા ન હતા. સાંજે ચોવિહાર વખતે પેઈન કિલર લે, ત્રણ કલાક અસર રહે. પછી જે વેદના થાય, અસહ્ય. સવારે નવકારશીનું પચ્ચક્ખાણ સાહેબે પારી લીધેલું. દુધની સાથે pain killer લઇ લીધેલું. હું ગયો. એકદમ સ્વસ્થ હતા. મેં ધીરેથી કહ્યું; સાહેબ આપને કેન્સર? મને ઝાડે છે! મને કહે; યશોવિજય તું બોલે છે? મને કેન્સર થયું છે કે આને કેન્સર થયું છે? મને કેન્સર નથી થયું…! આને કેન્સર થયું છે..! આ જે છે ને એને ભેદજ્ઞાન કહેવામાં આવે છે.
શરીરથી, મનથી, આ બધાથી તમે તમારી જાતને અળગી જ્યારે માનો છો; ત્યારે એક ભેદજ્ઞાન થાય છે કે આ ભિન્ન છે, હું ભિન્ન છું. અને આ ભેદજ્ઞાન આવ્યા પછી જ આત્માનુંભૂતિ થાય છે. જ્યાં સુધી શરીર એ જ હું… આ બુદ્ધિ હોય ત્યાં સુધી તમે આગળ શી રીતે વધી શકો?
એક મંત્ર જપવો જોઈએ; નવકારવાળી. આ શરીર તે હું નહિ. આ શરીર તે હું નહિ… તમારે તો થઇ ગયું છે ને, ભેદજ્ઞાન?
આપણે ગ્રંથીભેદ કહીએ એ જ ભેદજ્ઞાન. બિલકુલ અલગ છે. દર્દ આવ્યું તો શરીરમાં. મનમાં એ જ પ્રસન્નતા છે. મારા મનની પ્રસન્નતાને કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ લઇ ન શકે. કારણ, મારી પ્રસન્નતા ક્યાંથી આવી છે? “ચિત્ત પ્રસન્ને પૂંજન ફળ કહ્યું” પ્રભુની આજ્ઞાના પાલનમાંથી ચિત્તની પ્રસન્નતા મને મળી છે. એ પ્રભુની આજ્ઞાનું પાલન મારું ચાલુ છે. તો મારી ચિત્તની પ્રસન્નતા ક્યારે પણ ઓછી થવાની નથી.
તમે ક્યારેય moodless બનો આમ? ક્યારે? સદાય હસતાં.. તમારી શાતા પૂછવા કોઈ આવે ને, તો એને થાય કે આમને શાતા શું પૂછવી? આ તો પરમ શાતામાં છે. તમે moodless કેમ થાવ છો? ઘટના જોડે સંબંધ બાંધો છો. કો’કે મને કંઈક કહ્યું. અરે કો’કે કહ્યું તો એ જાણે. એમાં તમારે શું છે?! તમારે તમારી પ્રસન્નતા ખોવાની જરૂર ક્યાં છે? એણે કહ્યું, તો એ જાણે! આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે. એનો અભિપ્રાય એવો છે. પણ મારે કોઈ વ્યક્તિના અભિપ્રાય જોડે સંબંધ નથી. મને તો મારા ગુરુ, મારા માટે જે અભિપ્રાય આપે એ જ સાચો છે.
ધ્યાનની વાત મારે એ રીતે કરવી છે, કે તમારા જીવનને એ સ્પર્શે. તમારા જીવનને જો આનંદમય કરવું હોય તો ધ્યાન વિના નહિ ચાલે. મન ક્યાંય સ્થિર નહિ હોય. દર્શન કરવા ગયા. મન એકાગ્ર નથી. પૂજા કરવા ગયા. મન એકાગ્ર નથી. વ્યાખ્યાનમાં ય નવી નવી વાત આવે તો મન હજુ જરા એકાગ્ર રહે. પણ કલ્પસૂત્ર સાંભળવાનું હોય ત્યારે? તમારું મન કોઈ પણ શુભ યોગમાં સ્થિર રહી શકે છે? એટલે આપણી સાધનાનું પહેલું પગથિયું એ છે; કે મનને શુભ યોગોમાં રાખવું. શરીર ખાશે, પીશે, બધું જ કરશે. પણ મનને માત્ર શુભ યોગોમાં રાખવું છે. કદાચ નાસ્તો કરીને આવ્યા હશો. કદાચ કરવાનો બાકી હશે. પણ એ નાસ્તો શરીર કરે. મનને કોઈ સ્તવનમાં મૂકી દો. એવી રીતે મન સ્તવનમાં મુકાઇ જાય, કે નાસ્તો કરીને ઉઠો, કોઈ પૂછે; શું હતું નાસ્તામાં? તો માથું ખંજવાળો, યાદ નથી કહે. આવું બને? વ્યાખ્યાન પછી તો આવું બને. શ્રાવિકા ન આવ્યા હોય વ્યાખ્યાનમાં, પૂછે, આજે વ્યાખ્યાનમાં શું આવ્યું? બહુ સરસ હતું. હા, સરસ તો હતું. પણ શું હતું? હવે એ તો મ.સા. જાણે. આપણને કંઈ ખબર નથી.
એટલે તમે શ્રવણથી આગળ વધ્યા નથી. સાંભળવા આવો છો, એ બદલ તમને ખરેખર ધન્યવાદ આપું; કે જિનવાણી શ્રવણ માટે તમને આટલી તડપન હજુ છે. નહિતર, પર્યુષણ પત્યું એટલે ઉપાશ્રય ખાલી. પણ પાલની આ વિશેષતા છે. હું હમણાં અઠવાલાઇન્સ જઈ આવ્યો પ્રવચન આપવા, વેસુ જઈ આવ્યો. બધે એક જ વાત, હવે ઉપાશ્રયો ખાલી થઇ ગયા છે. ક્યાંય ૧૦૦ જણા આવે, ક્યાંય ૫૦ જણા આવે, ક્યાંય ૧૫૦ જણા.. આ પાલની વિશેષતા છે કે વાચનામાં, વ્યાખ્યાનમાં, રાત્રિ પ્રવચનમાં બધે જ તમે પ્રેમથી ઉમટી રહ્યા છો. એટલે first step તો બહુ સરસ છે. બરોબર. પણ આ પહેલા પગથિયે રોકાઈ જવાનું નથી. બીજા પગથિયે જવાનું,
ચિંતન, આ home work છે. વ્યાખ્યાનમાં જે આવ્યું, એમાં એકાદ પદાર્થ હોય, એ તમે નોંધી રાખો. અને એના ઉપર ચિંતન કરો. અને એ ચિંતન પછી એ પગથિયે પણ આપણે રોકાવાનું નથી. આપણે અનુભૂતિમાં જવાનું છે.
વિચારો એ આપણો સ્વભાવ નથી. યોગ એ આત્માનો સ્વભાવ નથી. આત્મા અયોગી થઈને જ મોક્ષે જવાનો છે. આત્મા ઉપયોગવાળો છે. યોગવાળો નથી. ગરબડ શું થઇ? કે દુષિત યોગોની સાથે રહેવાથી ઉપયોગ પણ દુષિત થઇ ગયો છે. અને એથી યોગોને ગમે તેવા ખરાબ માર્ગમાં જવા માટે ઉપયોગ હા પાડે છે. ઉપયોગ જો પોતાની શક્તિ ન આપે, તો એક પણ યોગ પ્રવાહિત થઇ શકે નહિ. એટલે આપણે આપણા ઉપયોગને શુદ્ધ બનાવવો છે. ઉપયોગ શુદ્ધ બનશે એટલે યોગો શુભ બની જ જવાના છે.
આમ જુઓ, તો સાધના કેટલી સરળ છે. હવે મેં દસ મિનીટની સાધના આપી તમને, એ કરવાના આજથી? નક્કી? મહિના સુધી કરવાની હો….! રોજ ત્રણથી ચાર વાર. પછી મને અનુભવ કહેજો તમારો. તમે કરવાના? કરવાના?
તો અનુભૂતિ “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” જ્યોતિર્મય પરમાત્માની સાથે આપણી જ્યોતિર્મય ચેતના મળે તો અભેદ અનુભૂતિ થઇ જશે. પ્રભુની ચેતના જ્યોતિર્મય. તમારી ચેતના જ્યોતિર્મય. તો જ્યોતિર્મય અને જ્યોતિર્મય એ બેય એકાકાર થઇ જશે. ભલે પ્રભુની ચેતના જ્યોતિર્મય છે, એ સમુદ્ર જેવી છે અને આપણી નિર્મળ ચેતના નાનકડા ઝરણા જેવી છે. પણ ઝરણું દરિયામાં પડશે, એટલે એ દરિયામય બની જશે. તો આપણા ઉપયોગને આપણે અરિહંતમય બનાવવો છે. અત્યાર સુધી આપણો ઉપયોગ પરમાં રહ્યો. એ પરમાં રહેલા ઉપયોગને ખેંચવો છે. Recall કરવો છે. અને એ ઉપયોગને સ્વની અંદર, પરમાત્માની અંદર મૂકી દેવો છે. અનુભૂતિ માટેની એક પ્રાયોગિક સાધના આવતી કાલે કરાવવાનો છું. પંદરેક મિનીટની સાધના છે. પણ એકદમ practically જ કરવાની છે. તો આ દસ-દસ મિનીટવાળી સાધના ચાલુ રાખજો. અને કાલે આપણે અનુભૂતિ માટેની ખાસ પંદર મિનીટની જે સાધના છે. એ કરાવશું.