વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ચાર ચરણોની સાધના
મનને પહેલા એકાગ્ર બનાવવું છે. એ એકાગ્રતા જ નિર્વિચારતામાં લઇ જશે. અને જે ક્ષણે તમે વિચારોને પેલે પાર ગયા, અનુભૂતિ આ રહી! એ માટેની practical સાધનાના ચાર ચરણો.
ભાવ પ્રાણાયામ ના ચરણમાં જ્યારે તમે શ્વાસ લેશો, ત્યારે સમભાવના આંદોલનો તમારી ભીતર જશે અને શ્વાસને બહાર કાઢો, ત્યારે તમારી અંદર રહેલો ક્રોધ બહાર નીકળશે. એ પછી ભાષ્ય જાપ ના ચરણમાં જાપનો ધ્વનિ તમારા વિચારોની speed ને તોડી નાંખે અને તમારી સાધનાને ઊંચકે.
માનસ જાપ ના ત્રીજા ચરણમાં જાપના પદમાં મન એવું એકાગ્ર બને કે જ્યાં એ પદ સિવાયની દુનિયાની કોઈ ઘટના તમારી સામે ન હોય. એકાગ્રતાને કારણે વિચારોમાંથી તમને મુક્તિ મળે અને મન સૂઈ જાય એટલે તમારી ભીતર રહેલા સમભાવનો અનુભવ તમને ચોથા ધ્યાનભ્યાસ ના ચરણમાં થાય.
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૩૭ (દિવસ – ૩)
યાજ્ઞ વાલ્ક્ય નામના એક વિદ્વાન અને શ્રીમંત બ્રાહ્મણ. સંન્યાસ લેવાનો વિચાર થયો. પોતાની બંને પત્નીઓને બોલાવીને યાજ્ઞ વાલ્ક્યે કહ્યું; કે મારે સંન્યાસ લેવો છે. મારી જે સંપત્તિ છે, એનો અડધો – અડધો ભાગ તમને બેઉને આપી દઉં. એ વખતે એક પત્નીનું નામ છે મૈત્રયી. એણે બહુ ગજબની વાત કરી; “येनाहं नामृतास्याम् किमहं तेन कुर्याम्” બહુ જ પ્યારા શબ્દો છે. “येनाहं नामृतास्याम् किमहं तेन कुर्याम्” આ સંપત્તિથી મને અમૃતતત્વની આત્મતત્વની પ્રાપ્તિ થશે? જેનાથી આત્મતત્વની પ્રાપ્તિ ન થાય એનું મારે કામ નથી. હું પણ તમારી પાછળ સંન્યાસીની બનીને આવું છું. મૈત્રયી સંન્યાસીની બની. બહુ જ વિદુષી હતી.
ઉપનિષદોની અંદર સ્ત્રીએ લખેલું; કોઈ પણ ઉપનિષદ હોય, તો એ મૈત્રેયી ઉપનિષદ છે. એ મૈત્રેયી ઉપનિષદના પ્રારંભમાં બહુ જ મજાનું સૂત્ર આવ્યું: “आत्मा वा अरे द्रष्टव्य: श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य:” (आत्मा वा अरे श्रोतव्य: मन्तव्य: निदिध्यासितव्य: इति) પહેલાં આત્મતત્વનું શ્રવણ કરો. એ શ્રવણ ચિંતનમાં જશે. અને ચિંતન – thinking એટલું ધારદાર બનશે કે તમને એવી પ્યાસ જાગશે કે અનુભૂતિ ન મળે ત્યાં સુધી તમે બેસી શકો નહિ. શ્રવણ, ચિંતન, અનુભૂતિ.
અત્યારે તમારા વિચારો છૂટ્ટા છવાયા ફરતાં હોય. એ વિચારોને પહેલાં એકાગ્ર બનાવવા છે અને એ એકાગ્રતા જ નીર્વિચારતા માં પરીણમશે. જે ક્ષણે તમે વિચારોને પેલે પાર ગયા; અનુભૂતિ આ રહી! એક વાત યાદ રાખવાની; મન ક્યારે પણ અનુભૂતિનો આસ્વાદ આપણને આપી ન શકે. મનની એ શક્તિ નથી. મન તો માત્ર વર્તુળમાં ફર્યા કરે છે. આ સારું, આ ખરાબ, ફલાણો સારો, ફલાણો ખરાબ. આ એક વર્તુળની અંદર મન ફર્યા કરે છે. એટલે મનને પહેલા એકાગ્ર બનાવવું છે. અને એ એકાગ્રતા જ તમને નિર્વિચારતામાં લઇ જશે. કાલે પૂછ્યું હતું, એ ફરીથી પૂછું; કે દિવસ દરમિયાન અને રાત્રિમાં પણ તમે જે વિચારો કરો છો, એમાંથી કામના કેટલા? અને નકામાં કેટલા? એક ઘટના ઘટી ગઈ. ઘટી ગઈ તો ઘટી ગઈ. હવે તમે એના વિશે વિચાર કરો કે આ આમ કેમ બોલ્યો? આણે આમ કેમ વર્તન કર્યું? તો તમે ગમે એટલા વિચારો કરો, પેલી ઘટના જે ઘટી ગઈ, એમાં ફેરફાર થવાનો છે?
તો જે પણ ઘટના ઘટી ગઈ, એનો સ્વીકાર. એને બદલે એનો વિચાર તમે કર્યા કરો, તો શું થયું? એ વિચારો નકામા થયા. શાસ્ત્રોનો અભ્યાસ કરો. એના પર ચિંતન કરો. એક મજાની ઘટના ઘટશે.
એક સમ્રાટ એક ગુરુનો ભક્ત હતો. ગુરુને ઘણી વિનંતી કરી, પણ ગુરુ નગરમાં આવ્યા જ નહિ. નગરની બહાર એક ઝુંપડી બનાવી અને ગુરુ રહેતાં હતાં. જોડે એક શિષ્ય. એકવાર રાજા ફરવા માટે નીકળેલા. રસ્તામાં જ ગુરુની ઝુંપડી આવતી હતી. એણે થયું; ગુરુને વંદન કરીને જાઉં. રથ ઉભો રખાવ્યો. એ નીચે ઉતર્યો. ઝુંપડીમાં ગયો. શિષ્ય છે. ગુરુ નથી. પૂછ્યું; ગુરુજી ક્યાં ગયા? તો કહે કે બહાર ગયા છે. આપ બેસો અહીંયા, દસ- પંદર મિનીટમાં આવી જશે. શિષ્યે એક નાનકડું આસન બેસવા માટે આપ્યું. સમ્રાટે કહ્યું; આજે મારે ચાલવાનું બાકી રહી ગયું છે, એટલે હમણાં થોડું ચાલી લઉં. ગુરુજી આવે એટલે વંદન કરીને ચાલ્યો જાઉં. પંદર મિનીટ સુધી સમ્રાટે વોક કર્યું. ગુરુ આવ્યાં. ગુરુને પ્રણામ કર્યા. રથ લઈને ઉપડી ગયો.
શિષ્ય ગુરુને પૂછ્યું; કે સમ્રાટને બેસવા માટે મેં આસન આપ્યું તો સમ્રાટ બેઠા કેમ નહિ? ગુરુએ કહ્યું; એ સમ્રાટ હતો. એ સોનાના સિંહાસન પર બેસે. તારા ગંદા ગોબરાં આસન ઉપર બેસે?! તારી પાસે સોનાનું સિંહાસન નથી. આપણી પાસે નથી. સામાન્ય આસન છે, એના ઉપર સમ્રાટ બેસે કેમ? મનની આ જ વાત છે. જ્યાં સુધી તમે એને પરમાત્માનું સિંહાસન ન બતાવો, ત્યાં સુધી એ સામાન્ય આસન ઉપર બેસશે નહિ. અહીંથી અહીં અને અહીંથી અહીં ફર્યા કરશે. તો મનને એકાગ્ર બનાવીએ. એ એકાગ્રતા નિર્વિકલ્પતામાં ફેરવાય અને આત્માનુભૂતિ તરફ આપણે આગળ વધીએ.
આજે આપણે practical સાધના કરવાની છે. Practical સાધનાના ચાર ચરણો છે. પહેલા ચરણમાં ભાવ પ્રાણાયામ છે. દ્રવ્ય પ્રાણાયામ તમારા ખ્યાલમાં છે. ઊંડો શ્વાસ લેવો. ધીરે ધીરે લેવો. ધીરે ધીરે શ્વાસને છોડવો. આ જે deep breathing ની ક્રિયા છે, એ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણે એ દ્રવ્ય પ્રાણાયામ થોડો કરી ભાવ પ્રાણાયામમાં જઈશું.
ભાવ પ્રાણાયામમાં શું થશે; આપણે એવું એક સજેશન આપણી જાતને આપીશું, અને એને કારણે જ્યારે શ્વાસ લઈશું, ત્યારે આ હોલમાં રહેલ સમભાવના આંદોલનો આપણી ભીતર જશે. અને એવું એક સજેશન આપીશું; જેના કારણે શ્વાસને બહાર કાઢીશું. ત્યારે અંદર રહેલો ક્રોધ બહાર નીકળશે. આ પહેલું ચરણ.
એ પછી મનને શાંત કરવું છે. મનને શાંત કરવા માટે બીજું ચરણ આવશે ભાષ્ય જાપ. ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ એક પદ તમને બોલાવવામાં આવશે. તમે મોટેથી એનો જાપ કરશો. તમે એવી રીતે જાપ કરો કે તમારા હોઠ ફફડે અને અને તમારા કાનમાં અવાજ જાય. આને ભાષ્ય જાપ કહેવાય છે. એ શબ્દો જાપના મંત્રના શું કરે? તમારી વિચારની speed ને તોડી નાંખે. આપણે ત્યાં અતિચાર આવે છે. જ્ઞાનનો. ‘ઘોષહીણં’ અવાજ કર્યા વગર તમે ગોખ્યું.
હું નાનો હતો ને ત્યારે talented. એટલે મેં ગુરુદેવને પૂછ્યું; કે ગાથા કરવી એટલે કરવી. પછી મોટેથી બોલીને કરો, રાડો પાડીને, કે ધીમે ધીમે ગોખીને કરો, શું ફરક પડે? ત્યારે ગુરુદેવે આ વાત કરેલી; કે મંત્રનો ઘોષ બે કામ કરે છે. એક તો તમારા વિચારોને તોડી નાંખે. અને બીજું તમારી સાધનાને ઊંચકે.
પક્ખી સુત્રના છ એ છ આલાવામાં એક સરખા શબ્દ ગુચ્છો. એકસરખા શબ્દો શા માટે? પહેલા મહાવ્રતની પ્રાપ્તિ થાય ત્યારે મનની જે ભૂમિકા હોય, એવી જ મનની ભૂમિકા બીજા મહાવ્રતની પ્રાપ્તિ વખતે કરવી છે. એટલે એ શબ્દ – ગુચ્છ વાપર્યો, કે જે શબ્દ – ગુચ્છ તમારી સાધનાને ઊંચકે. એક બાજુ વિચારો તૂટી ગયા અને બીજી બાજુ સાધના ઊંચકાય. એટલે ભાષ્ય જાપ આપણી સાધનાનું બીજું ચરણ છે. એ વિચારોને તોડી નાંખશે.
ત્રીજું ચરણ છે માનસ જાપ. એ જ ‘નમો અરિહંતાણં’ પદનું મનની અંદર જાપ કરવાનો. ભાષ્ય જાપમાં તમે મોટેથી બોલો છો. Loudly. એ મહત્વનું છે. માનસ જાપ જ્યારે થાય ત્યારે એકાગ્રતા આવવી જોઈએ. તમારી સામે ‘નમો અરિહંતાણં’ પદ એક જ હોય, દુનિયાની કોઈ ઘટના ન હોય તમારી સામે.
હિંદુઓની અંદર અને આપણામાં પણ અજપાજપ ની એક વાત આવે છે. સદ્ગુરુ તમને મંત્ર આપે. એ ‘અર્હં’ હોય. ‘અર્હં નમઃ’ હોય. ૐ હોય. કંઈ પણ હોય. પછી એ મંત્રને તમે સતત ઘૂંટ્યા કરો છો. ખાવાનું ચાલુ હોય અને મંત્ર અંદર ઘૂંટાતો હોય. કોઈની જોડે વાતચીત થતી હોય, અને અંદર મંત્ર ઘૂંટાતો હોય.
મારી દીક્ષાને એક વર્ષ થયેલું અને અમારું ચાતુંમાસ મહેસાણા પાસે જોટાણામાં. જૈનોના ઘર ઓછા. પણ પટેલો બહુ જ શ્રવણ રૂચિ વાળા. આખો હોલ વ્યાખ્યાન પહેલા ભરાઈ જાય. ગામના અગ્રણી હતાં હરિભાઈ. એ સંપૂર્ણ મૌનમાં રહેતા. કોઈ પૂછે તો લખીને જવાબ આપતાં. સતત એમના ગુરુએ આપેલ ‘રામ’નો મંત્ર એ જપ્યા કરતાં. એકવાર બપોરે સાહેબ પાસે કંઈક જાણવા માટે આવ્યા. પછી સાહેબે સામેથી પૂછ્યું; કે હરિભાઈ દિવસે તો તમારો મંત્ર ચાલતો હશે. રાત્રે તમે સૂઈ જાવ પછી શું થાય? શું એ ભક્તનો જવાબ હતો! એ કહે છે સાહેબ! શિયાળાની રાતમાં ત્રણ-ચાર વાર બાથરૂમ જવા માટે, જવું પડે છે- ઉઠવું પડે છે. પણ જે વખતે હું ઉઠું; એ ક્ષણે ‘રામ’, ‘રામ’, ‘રામ’ ચાલુ હોય છે. એટલે કદાચ ઊંઘમાં પણ રામ – રામ ચાલુ રહેતું હશે. પણ એ તો ઉપરવાળો જાણે. તો ત્રીજું ચરણ છે માનસ જાપ. એમાં મનને એકદમ એકાગ્ર બનાવી દેવાનું છે. માત્ર ‘નમો અરિહંતાણં’. બીજે ક્યાંય મન લઇ જવાનું નહિ.
અને ચોથું ચરણ છે; ધ્યાનાભ્યાસ. ત્યાં મંત્રને પણ છોડી દેવાનો છે. હવે વિચારો લગભગ નથી. તમે એટલા બધા એકાગ્ર બની ગયા છો, કે એકાગ્રતાને કારણે વિચારોમાંથી તમને મુક્તિ મળી ગયેલી છે. હવે વિચારો જ તમને બહાર લઇ જતાં હતા. તમે સૂઈ ગયા હોવ અને કોઈ ઘટના ઘટી. શું થાય? એના પર કોઈ વિકલ્પ આવે? એ વખતે? તમને ખબર જ નથી તો..! પણ મન ખબર આપે કે આ ઘટના ઘટી. એટલે મન પછી વિચારોને દોડાવે. આ કેમ ઘટ્યું? પેલાએ આમ કેમ કીધું? તો મન સૂઈ ગયું. વિચારો છે નહિ. એટલે ઉપયોગ જે પરમાં જતો હતો, એ ઉપયોગ સ્વમાં આવશે. એટલે સમભાવનું એક ઝરણું સતત તમારી ભીતર ચાલી રહ્યું છે. સતત..! પણ અત્યાર સુધી તમને ખ્યાલ નહતો આવતો, કારણ તમારું મન પરમાં હતું.
હું ઘણીવાર કહું; ઝરણાં કાંઠે કોઈ બેઠો હોય, ઝરણાં મીઠો- ખળખળ અવાજ સંભળાતો હોય. પણ ત્યાં મોટું સરઘસ આવે અને જોશથી ઢોલ- ધબાકા વાગે, તો એમાં ઝરણાંનો અવાજ દબાઈ જાય. એમ તમે પરમાં ગયા, અને તમારી અંદર જે સમભાવનું ઝરણું હતું, એનો અનુભવ તમને નહતો થયો. તો ચોથા ચરણમાં તમારી અંદર રહેલ એ સમભાવનો અનુભવ કરવાનો છે. તો ચાલો આપણે practical કરીએ.
યોગ અને ધ્યાનને શીખવા માટે લોકો હજારો રૂપિયાની ફી આપી અને યોગસાધનાના કેમ્પસમાં જાય છે. તમને વિના મૂલ્યે પ્રેમથી અમે એ જ યોગા, એ જ ધ્યાન આપવા માંગીએ છીએ. પહેલા ચરણમાં આપણે મનને સજેશન આપેલું કે શ્વાસ લઉં ત્યારે સમભાવના આંદોલનો અંદર જાય, શ્વાસ છોડું અને અંદરથી ક્રોધના આંદોલનો બહાર નીકળે.
આજનો મનોવૈજ્ઞાનિક એક બહુ સરસ વાત કરે છે. તમે સવારે ઉઠ્યા. ‘પ્રભાતે કર દર્શનમ્’ બે હથેળી ભેગી કરો. સિદ્ધશિલાનું દર્શન થાય. ત્યાં રહેલા પરમાત્માને વંદન કરો. એ પછી તમારે શું કરવું જોઈએ, તમારી આજુબાજુમાં બે એનર્જીઓના પ્રવાહ વહી રહ્યા છે. Negative energy અને positive energy. અમારા લોકો જેવાએ છોડેલ positive energy પણ અહીંયા છે અને નિરાશ લોકોએ છોડેલ Negative energy પણ અહીંયા જ છે. બેઉની frequency અલગ છે. કઈ frequency પકડવી એ તમારા હાથમાં છે. તો સવારે પાંચ મિનીટ તમે positive thinking કરો. હકારાત્મક વિચારો. બહુ સારું છે. બહુ સારું છે. કોઈ negative વાત નહિ. માત્ર positive વાત. પ્રભુનું શાસન મળ્યું. આટલી સરસ જગ્યાએ રહેવાનું મળ્યું. જ્યાં ધાર્મિકતાનું વાતાવરણ છે. પાંચ મિનીટ તમે તમારા મનને positive thinking માં લાવો. તો positive energyની frequency પકડાય અને અનેક મહાત્માઓએ છોડેલ positive આંદોલનો તમને મળ્યા જ કરે. મળ્યા જ કરે. આખો દિવસ.
અને સવારના પહોરમાં જો નિરાશાના ભાવો આવ્યાં, negative thinking થયું. આપણી પાસે તો કંઈ નથી. આપણે તો આમ છીએ. આપણે આમ છીએ તો એ negative thinking ને કારણે frequency પેલી પકડાશે- Negative energyની. એટલે પછી આખો દિવસ negative વિચારો જ આવ્યા કરશે. એટલે આખો દિવસ હકારાત્મક વિચારોમાં રહેવું કે નકારાત્મક વિચારોમાં રહેવું એ તમારા હાથમાં છે.
આજે આવા પ્રવચનકારોનો રાફડો ફાટ્યો છે. કારણ, લોકો નિરાશામાં એટલા ડૂબી ગયા છે, કે એમને કઈ રીતે ઊંચકવા. હવે ઘટના ગઈ, અને તમે એનો બે કલાક સુધી વિચાર કરો તો આ તમારી energy નો દુરુપયોગ નથી? જે તમારી energy તમે શુભ ચિંતનમાં વાપરી શકવાના હતાં એને નકામી વાપરી નાંખી! દિવસે અજવાળું બરોબર હોય. અને નાનો છોકરો બધી લાઈટો જલાવે તો તમે શું કહો? અલ્યા મીટર ચડશે, બિલ આપણે ભરવું પડશે. ત્યાં તમારી સાવધાની છે. અને અહીંયા એક ઘટના ઘટી ને બે કલાક negative વિચારોમાં?
તમને ખ્યાલ છે? તમે negative વિચારો કરો કે positive વિચારો કરો, તમારો ઉપયોગ જે છે, એ એમાં ભળે ત્યારે જ મનોયોગ પ્રવાહિત થઇ શકે. એટલે તમારા ઉપયોગને તમે બહુ જ દુષિત કરી નાંખ્યો..
વિનોબાજી એક સરસ વાત કહેતાં; એક ખેડૂત હતો. એને બે ખેતર હતાં. કૂવો એક હતો. પાઈપલાઈન બિછાવેલી બે ખેતરમાં પાણી જાય. એકમાં શેરડી ઉગાડેલી. એકમાં રાઈ ઉગાડેલી. પાણી એક જ છે. એ શેરડીના ખેતરમાં જાય છે. તો શેરડીની મીઠાશને વધારે છે. અને રાઈના ખેતરમાં જાય છે, તો રાઈની તીખાશને વધારે છે. એમ તમારો જે ઉપયોગ છે, એ ઉપયોગ તમારે શેરડીના ખેતરમાં લઇ જવું કે રાઈના ખેતરમાં, તમારે નક્કી કરવાનું.
તો આ એક પ્રયોગ રોજ કરજો. સવારે ઉઠ્યા પછી, સિદ્ધ ભગવંતોનું દર્શન કર્યા પછી પહેલો જ પ્રયોગ આ. પાંચ મિનીટ તમારા મનને હકારાત્મક વિચારોથી ભરી દેવાનું. આ તો ફાવે ને? Easiest.. Easy નહિ; Easiest. સરળમાં સરળ. અને એ પાંચ મિનીટ તમે સરસ ચિંતનમાં રહ્યા, એટલે frequency પેલી પકડાઈ ગઈ. એ frequency પકડાઈ, positive energy ની કે જે મહાપુરુષોએ આપેલી છે. તો એમના જે શુભ વિચારો છે, એ સતત તમને મળ્યા કરશે. તો બહુ મજાની આપણી સાધના હતી. આ જ ધારામાં આપણે આવતી કાલે પણ જઈશું.આવતીકાલે પૂજ્યપાદ બાપજી મ.સા. ની પુણ્યતિથી છે. એટલે એમના ગુણાનુવાદ પણ કરશું. આ સાધનાની વાતો પણ સાથે ચાલશે. આવતી કાલનો દિવસ છે. પછી બે દિવસ હું બહાર જાઉં છું. મેં ઓળીના પ્રવચનો શરૂ પહેલેથી આટલા માટે કર્યા છે. બે દિવસ બહાર જઈશ. બીજથી પાછો આવી જાઉં છું. તો કાલે home work એવું આપી દઈશ કે બે દિવસ home work કર્યા કરો તમે…! બરોબર…?