વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાનની તારી રે લાગી નેહ સું
તારી એટલે તન્મયતા. ધ્યાનની તન્મયતા આપણને મળે એના માટે શું કરવાનું? ભક્તિયોગની અંદર એક જ માર્ગ છે: નેહ. પ્રભુ સાથેની પ્રીતિ. પ્રભુ સાથેની પ્રીતિ પ્રભુના ગુણો પ્રત્યેની પ્રીતિમાં ફેરવાય.
પ્રભુના ગુણો વીતરાગદશા, પ્રભુનો પરમ સમભાવ વગેરે ગમી જાય. એ ગુણોની અનુપ્રેક્ષા કરતા ખ્યાલ આવે કે એ જ ગુણ મારી ભીતર પણ છે; માત્ર ઢંકાયેલા છે અને મારે એમને પ્રગટ કરવાના છે.
તમે સમભાવની ધારામાં આગળ વધો એટલે તમારી ચેતનામાં સમભાવનું ઝરણું પેદા થાય. એ ઝરણું પ્રભુના પરમ સમભાવરૂપી સમુદ્રમાં ભળી જાય એટલે ધ્યાનની તારી લાગી જાય!
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૩૮ (દિવસ – ૪)
અરિહંત પરમાત્માનું ધ્યાન કરીને પરમાત્મા સાથે અભેદ અનુભૂતિ કઈ રીતે કરવી, એની વાત આપણે ચાલુ છે.
એક મજાનું ધ્યાન સૂત્ર ગુજરાતીમાં છે. બહુ જ નાનકડું, બહુ જ મજાનું. ભક્તિયોગાચાર્ય મોહનવિજય મહારાજે અજીતનાથ પ્રભુના સ્તવનમાં આ ધ્યાન સૂત્ર આપ્યું છે; “ધ્યાનની તારી રે, લાગી નેહશું” આટલું જ સૂત્ર છે! “ધ્યાનની તારી રે, લાગી નેહશું” તારી એટલે તન્મયતા. ધ્યાનની તન્મયતા આપણને મળે એના માટે શું કરવાનું?
ભક્તિયોગની અંદર એક જ માર્ગ છે; પ્રભુ સાથેની પ્રીતિ. પ્રભુ સાથેની પ્રીતિ પ્રભુના ગુણોની પ્રીતિમાં ફેરવાય. પ્રભુની વિતરાગદશા ગમે, પ્રભુનો પરમ સમભાવ ગમે, તો પ્રભુ પરની પ્રીતિ, પ્રભુના ગુણની અંદર convert થાય. એ પ્રભુના ગુણની અનુપ્રેક્ષા કરતાં ખ્યાલ આવી જાય કે એ જ ગુણ મારી ભીતર છે; માત્ર એ ઢંકાયેલો છે. એને મારે પ્રગટ કરવાના છે. તમે સમભાવની ધારામાં આગળ વધો, તમારી ભીતર, તમારી ચેતનામાં સમભાવનું એક ઝરણું પેદા થયું; અને એ ઝરણું પ્રભુના પરમ સમભાવ રૂપી સમુદ્રમાં ઠલવાયું. ઝરણું સમુદ્રમાં ઠલવાયું, એ જ ક્ષણે એ સમુદ્ર સાથે એકાકાર થઇ ગયું. એ જ રીતે સમભાવની ધારામાં તમે આવ્યાં, એ જ ક્ષણે પરમ ચેતના સાથે તમારી ચેતનાનું જોડાણ થઇ ગયું. “ધ્યાનની તારી રે, લાગી નેહશું”
આ ધ્યાનના ઊંડાણમાં પૂજ્યપાદ બાપજી મ.સા. ગયેલા. અમદાવાદની અંદર આવેલી વિદ્યાશાળામાં, જ્યાં ગુરુદેવ ૪૦-૫૦ વર્ષ રહ્યા, ત્યાં નીચે એક ભોંયરું છે. એ ભોંયરામાં દાદા ધ્યાન કરતાં. બહુ મજાની વાત એ થઇ કે દાદાના ગયા પછી એ ભોંયરાને સીલ કરી દેવામાં આવ્યું. આજે પણ સામાન્ય visitor માટે એ ભોંયરામાં પ્રવેશ શક્ય નથી. મહાત્મા છે, ધ્યાનનો રસ છે એમને, અને ટ્રસ્ટીઓને લાગે કે બરોબર છે, તો જ ભોંયરામાં પ્રવેશવાની અનુમતિ મળે છે. પણ, એ ભોંયરામાં પ્રવેશીએ, જે ક્ષણે આપણે અંદર જઈએ, એ જ ક્ષણે દાદાની નિર્મળ ઉર્જા આપણને મળતી જાય. આપણે ત્યાં પહેલાં ઉપાશ્રયો પણ એવા હતાં, જેની ચારે બાજુ ભીંત હોય. એક બારણું હોય, બારી એકેય નહિ. વચ્ચે થોડું ખુલ્લું રાખ્યું હોય ઉપર એમાંથી હવા આવે. કારણ એક જ હતું; કે ઉપાશ્રયમાં રહેલા ગુરુદેવની સાધનાની, ધ્યાનની જે vibrations છે, એ ફેલાઈ ન જાય; એ ત્યાં ને ત્યાં બરોબર સંગ્રહિત થઈને રહે.
તો આજે પણ દાદા નથી. દાદાની ઉર્જા આપણને માણવા મળે છે. એક મજાની ઘટના યાદ આવે. હમણાં જ જર્મનીની યુનિવર્સીટીમાં એક મહિલા પ્રોફેસર બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતાં. એમાં એક ગુરુના ગ્રંથો એમને ખુબ ગમી ગયા. અને એ વખતે એમને થયું; કે ચારસો વર્ષ પહેલાં આ ગુરુ થયેલા છે. હું ચારસો વર્ષ મોડી જન્મી. જો એ વખતે હું જન્મી હોત, તો એ સદ્ગુરુના જીવંત સાનિધ્ય માં હું બેસી શકત. અત્યારે માત્ર એમના શબ્દો મારી પાસે છે. અને એ શબ્દોને વાંચતા મને આટલો આનંદ આવે છે, તો એ સદ્ગુરુનું જીવંત સાનિધ્ય મને મળ્યું હોત તો કેટલું સારું હોત! મને પણ ઘણીવાર થાય હો.! તમને થાય છે કે નહિ ખબર નથી..
હરીભદ્રસૂરિ મ.સા. ને વાંચતો હોઉં અને એ વખતે થાય કે સાહેબના વચનોની અંદર આટલી નિર્મળતા છે, તો એમનું જીવન કેવું તો નિર્મળ હશે ! અને એ વખતે મને પણ એમ જ થાય કે હું મોડો જન્મ્યો! પણ, પેલા મહિલા પ્રોફેસર તંત્ર, યંત્ર બધાના જાણકાર હતા. હવે બૌદ્ધ ગુરુ હતા, લખનાર અને બૌદ્ધ ગુરુ જીવંત પર્યંત એક જ મઠમાં રહેલા હોય. તો મહિલા પ્રોફેસરને થયું; કે મારે એ સદ્ગુરુની ઉર્જા મેળવવી જોઈએ. સદ્ગુરુનું સાનિધ્ય મને ન મળે, એમની ઉર્જા મને મળે. એટલે એ મઠના સત્તાધીશો જોડે વાતચીત ચાલુ કરી. પણ એ લોકો કોઈ ક્રિશ્ચયનને પ્રવેશ આપવા માટે તૈયાર નહતા. છેલ્લે આ યુનીવર્સીટીની પ્રતિષ્ઠા ઘણી હતી, તો જર્મનીના જે પ્રમુખ હતા, એના ઉપર દબાણ લાવ્યું. એમણે તિબેટમાં જે આ મઠ છે, એ તિબેટના સત્તાવાળા ઉપર દબાણ લાવ્યું. અને આખરે પ્રોફેસરને એક મહિના માટે એ મઠમાં રહેવાની પરવાનગી મળી.
પ્રોફેસર તિબેટ પહોંચી ગયા. લાસા એરપોર્ટ પર ઉતર્યા. Hotel નક્કી કરેલી હતી, ત્યાં પહોંચી ગયા. હોટલમાં બધી વિધિ પતાવી, જમવા – કરવાની. પછી મઠ પર ગયા. હોલ ખુલ્લો હતો. બધા સાધકો ત્યાં બેઠેલા હતા. એ હોલમાં પ્રોફેસર બેઠા. અડધો કલાક – કલાક ધ્યાનમાં બેઠા, પણ એમને જે ઉર્જા જોઈએ છે, એ ઉર્જા અહીંયા નથી. પછી મઠ બહુ મોટો હતો. એક પછી એક રૂમમાં ગયા. ધ્યાન કર્યું; પણ એ ઉર્જા મળતી નથી જે પેલા ગુરુની હતી. એમાં એકવાર મઠમાં એ ફરે છે. પાછળની બાજુએ એક રૂમ, બંધ કરેલી, તાળું લગાવેલું, એટલું જ નહિ, તાળા ઉપર સીલ લગાવેલું, સીલ પર ટ્રસ્ટીઓના હસ્તાક્ષર હતાં કે આ રૂમ ક્યારે પણ ખોલવાની નથી. એ રૂમની situation જોતાં પ્રોફેસરને લાગ્યું; કે આ જ રૂમમાં ગુરુ રહેતાં હોવા જોઈએ. અને એમની ઉર્જા બહાર ફેલાઈ ના જાય એના માટે આ રૂમને બંધ કરવાનું કો’કે નક્કી કર્યું હશે. હવે આખા મઠને એ ફરી વળ્યા છે. આ એક જ રૂમ બાકી છે. હવે એ રૂમને કેમ ખોલાવવી? વાત કરી, તો સ્પષ્ટ ના આવી કે એ રૂમ તો ક્યારે પણ ખોલવાની નથી. એના ઉપર સીલ મારેલું છે. એ ક્યારેય ખુલશે પણ નહિ. હવે શું કરવું? ફરી જર્મનીના ચાન્સેલર પર દબાણ લાવ્યું. એને તિબેટના શાસક પર દબાણ લાવ્યું. તિબેટના શાસકે મઠ પર દબાણ લાવ્યું. કે પ્રોફેસર માટે એક દિવસ માટે પણ એ રૂમ ખોલી આપવી પડશે. ઘણી મિટિંગો થઇ પણ દબાણ એટલું બધું ઉપરથી હતું, કે છેવટે એક દિવસ માટે એ રૂમ ખોલવાનું નક્કી થયું. એ રૂમ ખોલવામાં આવી. પ્રોફેસર અંદર ગયા. પાછી રૂમ બંધ કરી દીધી. પ્રોફેસર જ્યાં ધ્યાનમાં બેઠા, ત્યાં જ એ ગુરુની ઉર્જા પકડાવવા લાગી.
ગુરુ જોડે, ગુરુના શબ્દો જોડે કેટલું તાદાત્મ્ય થયું હશે. તમે જેમ કહો ને, કે આ પેલાનો અવાજ નથી, ફોન આવ્યો હતો, આ બીજાનો આવાજ છે, તમે પારખી લો ને..? એમ બધે ફર્યા, એ ગુરુની ઉર્જા નથી આ! એ ગુરુની ઉર્જા અલગ જ હોય.! જ્યાં બેસીએ ને; આપણે નિર્મળ થઇ જઈએ! એ દિવસે પ્રોફેસરે ખાધું નથી. વોટરબેગ લાવેલા. થોડું પાણી પી લીધું. સવારથી સાંજ સુધીની permission હતી. તો આખો દિવસ પ્રોફેસર એ રૂમમાં બેઠા રહ્યા. અને એ પ્રોફસરે પછી લખ્યું છે; કે સદ્ગુરુનું જીવંત સાનિધ્ય મળ્યું હોય, એવો આનંદ મને આજે થયો છે.
તો સદ્ગુરુ બહુ જ મોટી ઘટના છે. આપણે કહીએ સદ્ગુરુની પુણ્યતિથી. હવે પુણ્યતિથી કોની? સદ્ગુરુના દેહના વિલયની. એમની ઉર્જાનો વિલય ક્યાં થયો છે? આપણે ત્યાં સમાધિતીર્થો આટલા માટે જ રચાયા. હું વારંવાર કહેતો હોઉં છું; કે ગુરુ ક્યારેય જતા જ નથી. બાપજી મ.સા. ૧૦૫ વર્ષની વયે પણ અપ્રમત્ત હતાં. બધાને વાસક્ષેપ આપતાં. પણ ધારો કે કોઈ ગુરુદેવ છે. ૧૦૦ વર્ષની વય છે. શરીર અશક્ત છે. વાસક્ષેપ આપી શકતા નથી. માંગલિક સંભળાવી શકતા નથી. છતાં આપણે એમની પાસે જઈશું, એમના ચરણનો સ્પર્શ કરીશું. કે એમના પવિત્ર દેહમાંથી વહેતી ઉર્જા આપણને મળે. તો સદ્ગુરુ જીવંત છે. પણ આપે છે માત્ર ઉર્જા. ન માંગલિક. ન વાસક્ષેપ. ન કાંઈ. તો દેહની વિદાય પછી ઉર્જાનો પ્રવાહ તો ચાલુ જ છે..
બાપજી મ.સા. ના દેહનો વિલય જ્યાં થયેલો, એ જમાલપુરમાં આજે દર ગુરુવારે દસ-દસ હજાર માણસો દર્શન માટે આવે છે. ચાર વાગ્યાથી લાઈન લાગવી શરૂ થઇ જાય છે, સવારે. તો એ શું હતું? સદ્ગુરુની ઉર્જાને પકડવાની એક વાત હતી. બાપજી મ.સા. ની આ તિથિએ વિદ્યાશાળાની અંદર ગુણાનુવાદ સભા હોય છે સવારે, અને બપોરે ધ્યાન હોય છે. બાપજી સાહેબની મૂર્તિ સમક્ષ. તો હું એ વખતે ગયેલો, એકવાર. સવારે પ્રવચન આપ્યું. બપોરે મેં જોયું; ધ્યાનમાં અંદરનો ખંડ, બહારનો મોટો ખંડ બધું જ ચિક્કાર! અને એમાં ૧૮-૨૦ના યુવાનો ઘણા. જેમણે દાદાને જોયા જ ન હતા. મેં એક યુવાનને બોલાવ્યો. મેં કહ્યું; તે દાદાનું દર્શન કરેલું? મને કહે; ના. મેં કહ્યું; આજે તું ધ્યાનમાં આવ્યો છે. મને કહે સાહેબ ! દાદા ગયા પછી દાદાના મહિમાનો ખ્યાલ આવ્યો. અને આજે દાદાની ઉર્જા એવી મળે છે કે દાદા નથી, એનો અસંતોષ મને જરાક પણ નથી. આ સદ્ગુરુ ધ્યાનમાં બહુ જ ઊંડા ઉતરેલા હતા, ૧૦૫ વર્ષની વય સુધી.
વર્ષીતપ એમનો ચાલ્યો, ૪૦ વર્ષ, એ તો આપણને ખ્યાલ છે. અને વર્ષીતપ શરૂ કઈ રીતે થયો ખબર છે? એકવાર વિહારમાં ક્યાંક હશે સાહેબ.. એક બહેને, શ્રાવિકા બહેને ઉપવાસનું પચ્ચક્ખાણ માંગ્યું. કોઈ તિથી નહતી. તો સહજ સાહેબજીએ પૂછ્યું; કે આજે શેનો ઉપવાસ? તો સાહેબજી મારે વર્ષીતપ ચાલે છે. અને દાદાને strike થયો કે મારે પણ વર્ષીતપ કરવો છે. એ શરૂ થયો એ શરૂ થયો, પૂરો થયો જ નહિ પછી.. ચાલુ ને ચાલુ રહ્યો..! આપણે તો બધું પૂરું કરી દઈએ હો…! આ થઇ ગયું. આ થઇ ગયું. આ થઇ ગયું. થઇ ગયું નહિ, વારંવાર એને કરવાનો. તો ૪૦ વર્ષ અખંડ વર્ષીતપ રહ્યો. એ મોટી વાત નહતી. પણ ઠેઠ સુધી ધ્યાન સાધના એમની ચાલી.! શરીર પણ એકદમ સ્વસ્થ. અને ધ્યાનના કારણે જ શરીરની એટલી સ્વસ્થતા હતી. અને વિદાય કેવી લીધી દેહમાંથી? પડીલેહણ કરવાનો સમય. પડીલેહણ થયું.. બેઠા.. બસ..!
અરવિંદસૂરિ દાદાનું છેલ્લી ક્ષણો યાદ આવે. અમે બધા જ પાલીતાણામાં. નવ્વાણું, ઉપધાન બધું ચાલતું હતું. લગભગ આખો સમુદાય પાલીતાણામાં. અમે લોકો ચેન્નાઈ ભવનમાં હતા. દાદાએ સવારે નવકારશી કરી અને પછી ડોકટરે કહ્યું; કે થોડુંક એમને ફેરવવાના, એટલે સાહેબ walk કરતાં હતાં. બહુ મોટો હોલ છે ચેન્નાઈ ભવનનો. એ આખા હોલમાં સાહેબજીએ ચક્કર લગાવ્યું. જે-જે મળ્યા એને સુખ શાતા પૂછી. Walk કરીને આવ્યાં. બેઠા.. સૂઈ ગયાં.. બસ..! સાહેબજીને બોલાવ્યા તો બોલે નહિ. તરત જ અમે લોકો બધા આવી ગયા. એટલું મોઢું પ્રસન્ન.! કે સહેજ પણ કલ્પના ન આવે કે સાહેબજી ગયા છે.! ડોક્ટર આવ્યાં, ડોકટરે નાળ જોઇને કહ્યું; સાહેબજી નથી. અપાર દુઃખ તો જરૂર થયું. પણ એક વસ્તુ હતી. આ ખ્યાલ હતો કે સદ્ગુરુ ની ઉર્જા જે છે, એ ઉર્જા સતત ચાલુ રહેવાની છે.
વાવપંથકમાં જ્યાં સાહેબનો દેહ વિલય થયેલો. એ જગ્યાએ ઉર્જા એકઠ્ઠી થયેલી છે. અને ત્યાં ખાલી બેસીએ, એટલે સીધી સાહેબની ઉર્જા મળવી ચાલુ થઇ જાય. એટલે આખું જ એક ઉર્જાનું શાસ્ત્ર આપણે ત્યાં છે. ગુરુદેવની જન્માન્તરીય સાધનાની ધારા આ હતી અને એટલે ધધકતો વૈરાગ્ય એમની પાસે હતો. વૈરાગ્ય, પણ કેવો? ધધકતો..
કચ્છી સંત ડાડા મેકરણે કહ્યું છે; કચ્છી ભાષામાં. “બાફ નીકંદી બારણે, તો ઠામ પક્ન્દો કિમ?” કુંભારે ઘડા-માટલા તૈયાર કર્યા. હવે એને પકવવા માટે નીંભાણામાં મુકે છે. નીંભાણાને બહારથી બિલકુલ pack કરી નાંખે. નીચેથી આગ પેટાવે. એ આગ એની વરાળ, એ અંદર ને અંદર રહે. અને એ વરાળ થી, ગરમ ગરમ વરાળથી એ ઘડા જે છે એ એકદમ પરિપક્વ બને.
તો ડાડા મેકરણ કહે છે; “બાફ નીકંદી બારણે, તો ઠામ પક્ન્દો કિમ?” નીંભાણામાં કાણેકાણા હોય, અને વરાળ નીકળી જતી હોય તો એક પણ ઘડો પાકી શકે ખરો? એટલે વૈરાગ્ય – ધધકતો વૈરાગ્ય જોઈએ.
હું ઘણીવાર કહું છું; એક પરમાત્માનું સંમોહન; લાગી ગયું; દુનિયા છૂટી જાય.! પરમાત્મા.! અનંત ગુણોથી સમૃદ્ધ! અરિહંત પરમાત્મા! એમનો સાથે આપણું attachment થાય, જોડાણ થાય તો સંસાર સાથે પૂરું detachment થઇ જાય. પ્રભુ સાથે attachment; સંસાર સાથે detachment.
એટલે જ હરીભદ્રસૂરિ મહારાજે ચોથા પંચસૂત્રમાં બહુ સરસ વાત કરી; “ स एवमभिपव्वइए समाणे सुविहिभावओ किरिआफलेण जुज्जइ” ત્યાં એમણે બે શબ્દો આપ્યા. અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે પરમાત્માનો સંમોહન. એવું સંમોહન પરમાત્માનું કે પરમાત્મા વિના બીજું કંઈ ગમે નહિ. એની આજ્ઞા વિના બીજું કંઈ ગમે નહિ. અને એના વિના બીજું કશું ન ગમે, એની આજ્ઞા વિના બીજું કંઈ ગમે નહિ; સંસાર છૂટી ગયો.! સંસાર છોડ્યો કે છૂટી ગયો હતો? છોડવામાં તકલીફ થાય છે હો…!
મારી પાસે મુમુક્ષુઓ હોય ને એમને હું ઘણીવાર કહું; કે સંસારને છોડવાનો નથી. તમે સંસારને છોડશો; તો મેં સંસારનો ત્યાગ કર્યો.! આ અહંકાર આવશે.. પછી અમારે દંડો લઈને તમારા ‘હું’ ને કાઢવો પડશે. પ્રભુ મળી જાય, પ્રભુ ગમી જાય, આપણી ચેતનામાં માત્ર ને માત્ર પ્રભુની પ્રીતિ છવાઈ જાય, સંસાર છૂટી જાય.! છોડવો ન પડે.!
એક માણસ જંગલમાં ગયેલો. ત્યાં રંગબેરંગી પથ્થર જોયા એને. થેલી એની પાસે હતી. તો કહે ચાલો દીકરાઓને રમવા માટે કામ આવશે. એ રંગબેરંગી પથ્થર લીધા. થોડીક આગળ ગયો અને સોનામહોરોનો ઢગલો જોયો. થેલી એ જ છે. હવે શું થાય? કાંકરા ઠલવાઈ જાય. સોનામહોર ભરાઈ જાય. આગળ ગયો અને હીરાનો ઢગલો જોયો. હવે સોનામહોર કાઢી નાંખી. હીરા ભરી લીધા! હવે એ માણસ કહે ખરો? કે મેં કાંકરા નો ત્યાગ કરેલો..! ભાઈ તને હીરા મળ્યાં, કાંકરા તો છોડી દે ને? છૂટી જ જાય.! છોડવા પણ ન પડે! છૂટી જાય.!
એમ દાદાનો વૈરાગ્ય એટલો તો અદ્ભુત હતો. ઘરેથી રજા મળે એવી હતી નહિ. અને એમના પિતા એટલા કડક માણસ કે એ યુગમાં કોઈ મ.સા. દીક્ષા આપવાની હિંમત કરે નહિ, કે ભાઈ તારા પિતાની સંમતિ લાવ, બાકી એમનેમ નહિ. તો કોઈ દીક્ષા આપે એમ નથી. દીક્ષા લેવી ‘જ’ છે. આપણે શું કહીએ? દીક્ષા તો લેવી હતી, પણ હવે શું કરીએ, ઘરવાળા ના પાડી એટલે…! એ સંકલ્પ અધૂરો છે. પૂરો સંકલ્પ હોય. દ્રઢ સંકલ્પ હોય. તો આ પાર કે પેલે પાર પછી. લાગ્યું કે કોઈ દીક્ષા નહિ આપે.
એકવાર બહાર ગયા. ઉપકરણભંડારમાંથી ચોલપટ્ટો અને કપડો, ઓઘો, મુહપત્તિ બધું લઇ લીધું. મુંડન કરાવી લીધું અને સાંજના થોડા અંધારામાં ઘરમાં આવી અને ગુપચુપ પોતાની રૂમમાં જતાં રહ્યા. રૂમ અંદરથી બંધ કરી દીધી. ધ્યાનમાં બેસી ગયા. સવારે નાસ્તાનો ટાઈમ. ભાઈ દીકરો ક્યાં? એ તો એની રૂમમાં હશે. બારણે ટકોરા લગાવ્યાં. કોઈ જવાબ નહિ. ધ્યાનમાં હતાં. બપોરે જમવાના ટાઈમે બહાર નહિ નીકળવાનું, સાંજે નહિ. એક દિવસ. બે દિવસ. પણ બાપા કડક પાછા હો. ક્યાં સુધી ભૂખ્યો રહેવાનો છે? કહે છે… એ રવાડે ચડ્યો છે સાધુઓના. દીક્ષા. દીક્ષા. દીક્ષા. એમ કંઈ દીક્ષા સહેલી છે? હું દીક્ષા નહિ આપવાનો. ત્રીજો દિવસ. અઠ્ઠમ થઇ ગયો. ઘરવાળા પીગળ્યા. ઘરવાળા કહે; આ છોકરો મરી જશે. કેટલા ઉપવાસ કરાવવા છે? ત્રીજા દિવસે સાંજે પૂછ્યું; ભાઈ બહાર નીકળ તું હવે. ક્યાં સુધી રૂમમાં? તો સ્પષ્ટ જવાબ આવ્યો. જ્યાં સુધી દીક્ષાની પરવાનગી તમારા બધાની ન મળે, ત્યાં સુધી આ રૂમ ખુલવાની નથી, હું બહાર આવવાનો નથી. કેવો આ વૈરાગ્ય! મારે પૂછવું છે? એક પ્રભુનું સંમોહન. પ્રભુ ગમી ગયા. પ્રભુની આજ્ઞા ગમી ગઈ. હવે બીજું કંઈ ગમતું નથી. પર છુટી જાય.! છોડવું પડે?! પર છૂટી જાય..!
છેવટે દીક્ષાની બાહેદારી આપી. પિતાએ કે; હા, તારી ઈચ્છા છે તો દીક્ષા અપાવશું પણ તું હવે રૂમ ખોલ. પછી રૂમ ખોલી અને દીક્ષા મળી. દીક્ષા મળ્યા પછી ગુરુ સમર્પણ કેવું? હું વારંવાર કહું છું; એક સમર્પણ તમારી પાસે આવ્યું; તમારે બીજું કંઈ કરવાનું નથી. કેવું સમર્પણ હશે? દીક્ષાને દોઢ મહિનો થયેલો. વડી દીક્ષા થઈ ગયેલી અને મણીવિજય દાદા ગુરુ તરીકે હતાં. એ પુરા જિનશાસનના નેતા હતાં. એમણે બૂમ મારી. સિદ્ધિવિજય ! ગુરુ પાસે આવ્યા સિદ્ધિવિજયજી. ચરણોમાં પડ્યા. ગુરુદેવ ફરમાવો. અને ગુરુ કહે છે; સુરત પાસે રાંદેરમાં ખડતર ગચ્છના મુનિરાજ રત્નવિજયજી જે છે, એમની સેવામાં તારે જવાનું છે. સ્વીકારી શકો? આવી ગુરુની આજ્ઞા સ્વીકારી શકો? મેં તો તમને જોઇને દીક્ષા લીધી છે. હજુ દીક્ષાને દોઢ મહિનો થયો છે અને બહાર ફેંકી દો છો તમે! No argument. Total surrender. સાહેબજી ક્યારે જવાનું? આવતી કાલે સવારે નીકળી જા.! તહત્તિ ગુરુદેવ.! સમર્પણ જે હતું, એ સમર્પણ મળી ગયું. પછી? ગુરુ સાથે ને સાથે હોય.! તમારે ગુરુની સાથે રહેવું હોય ને…? “ગુરુણંતિએ સિયા” (“निसीए सगासे गुरुणो” “चिट्ठिज्जा गुरुणंतिए”) ગુરુની નજીક રહેવું જોઈએ. પણ, કોની નજીક? ગુરુના દેહની નજીક કે ગુરુના આજ્ઞાદેહની નજીક? કોની નજીક?
એક હિંદુ સંન્યાસી હતાં. શિષ્ય હતો એમનો એક. પગ બહુ દુઃખતા હતાં. એવા પગ ગુરુના દુઃખે છે કે શિષ્ય હાથથી દબાવે તો પણ કંઈ અસર થાય એમ નથી. એટલે ગુરુએ શિષ્યને કહ્યું; મારા પગ પર ચડી જા અને ખુંધ. અને શિષ્ય કહે છે; શું કહો છો ગુરુદેવ ! તમારા આસનને મારો પગ લાગે તો ય મને પાપ લાગે. તમારા પગને અડાય મારાથી? અને તમારા પગ પર મારો પગ મુકું શી રીતે બને? ગુરુએ કહ્યું; હરામખોર ! મારી જીભ ઉપર તો પગ મુક્યો. હવે પગ પર પગ મુકવામાં શું વાંધો છે? હું કહું છું અને તું સ્વીકારતો નથી. એટલે મારી જીભ ઉપર તે પગ મુક્યો.
પણ આ જે સમર્પણ દાદાની પાસે હતું, એ સમર્પણને કારણે દાદાને ક્યારેય લાગ્યું નથી કે ગુરુની જોડે હું નથી. એમને લાગે છે કે સદ્ગુરુ સતત મારું યોગક્ષેમ કરી રહ્યા છે. અહીંથી આપણે બધા જ દાદાની મૂર્તિ પાસે જઈશું. અને સમુહમાં ત્યાં પણ વંદન કરીશું. આવતી કાલથી બે દિવસ વાચના માંગલિક છે. અમાવસ્યા ને એકમ. બીજના સવારે આઠ વાગ્યાથી ચાલુ થઇ જશે.
હોમ વર્કમાં શું હવે? બે દિવસ હોમ વર્ક કરશો. આ ટાઇમે બેસી જવાનું કરવા. યા તો સમર્પણને ઘૂંટો. યા તો ધ્યાનને ઘૂંટો. એક દિવસ સમર્પણને ઘૂંટવાનું. એક દિવસ ધ્યાનમાં જવાનું. બરોબર.?
ધ્યાનની પદ્ધતિ આખી બતાવી છે. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત” તો દાદાના ચરણોમાં આજે શ્રદ્ધાંજલિ આપીએ કે દાદા! તમારી પાસે જે પ્રભુ આજ્ઞા અને ગુરુ આજ્ઞા પ્રત્યેનું સમર્પણ હતું, એનો એક નાનકડો અંશ પણ અમને આપો.!