વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ગુણકામી ગુણકામી ગુણવંતા
સિદ્ધ ભગવંતો પૂર્ણ આનંદમાં બિરાજમાન છે. એવો પૂર્ણ આનંદ અત્યારે તમારી ભીતર પણ છે જ; માત્ર કર્મના આવરણને કારણે એ થોડોક ઢંકાઈ ગયેલો છે. આ જન્મમાં કદાચ એ પૂર્ણ આનંદ ન મળે, પણ થોડોક આનંદ તો ચોક્કસ મળી શકે.
આનંદ ગુણ હોય કે વીતરાગદશાનો ગુણ હોય કે સમભાવનો ગુણ હોય – કોઈ પણ ગુણની પ્રાપ્તિ કરવી હોય, તો એના માટેનો માર્ગ બતાવ્યો : ગુણકામી ગુણકામી ગુણવંતા. ગુણાનુરાગ અને ગુણની પ્રાપ્તિ. ગુણાનુરાગ પર ભાર મૂકવા માટે ત્યાં ગુણકામી શબ્દ બેવડાયો!
કોઈ પણ ગુણની પ્રાપ્તિ માટે બીજી કોઈ જ મહેનત કરવાની નથી. માત્ર ગુણાનુરાગ. કોઈનો સમભાવ તમને ગમી ગયો, તો પૂરા હૃદયથી, અસ્તિત્વના એક-એક ખૂણાથી એની અનુમોદના કરો અને તમને એ સમભાવ મળી જાય. ગુણાનુરાગમાં આ તાકાત છે!
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૪૦ (દિવસ – ૬)
સિદ્ધપદની પૂજાના પ્રારંભમાં પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. કહે છે; “સિદ્ધ ભજો ભગવંત, પ્રાણી પૂર્ણાનંદે”. સિદ્ધ ભગવંતો પૂર્ણ આનંદમાં બિરાજમાન છે. એ સિદ્ધ ભગવંતોની પૂર્ણ આનંદમય સ્થિતિને જોતા આપણને વિચાર આવે કે હું પણ પૂર્ણ આનંદમય કેમ ન બનું? પૂર્ણ આનંદ અત્યારે તમારી ભીતર જ છે. માત્ર કર્મના આવરણને કારણે એ થોડોક ઢંકાઈ ગયેલો છે.
ચાલો આ જન્મમાં પૂર્ણ આનંદ આપણને ન પણ મળે. થોડોક આનંદ તો મળે ને? એ આનંદ કઈ રીતે મળે? એ માટેનો માર્ગ એ જ પૂજાની અંદર આપણને આપવામાં આવ્યો છે. આપણી આ પૂજાઓ એ ગુજરાતીમાં આવેલ સાધના ગ્રંથો છે. એકેક પૂજા, એટલે એક-એક સાધના ગ્રંથ. તો હવે સવાલ એ થયો કે પૂર્ણ આનંદ આ જન્મમાં મને નહિ મળે. પણ, આંશિક આનંદ તો મળી શકે? માત્ર રતિ અને અરતિ ના ચક્કરમાંથી આપણે બહાર આવીએ. અને આપણા પોતાના આનંદને સ્પર્શીએ. એ ઘટના ઘટી શકે એમ છે. બોલો આનંદમય બનવું છે?
આજે જીવન કેવું થઇ ગયું છે? એક વકતૃત્વ કળાના શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કહેલું; કે તમે જ્યારે સ્વર્ગની વાત કરો ને ત્યારે તમારા ચહેરા ઉપર એકદમ આનંદ ઝળકવો જોઈએ. પણ, પછી એ શિક્ષકે મજાની comment કરી કે હા, સ્વર્ગની વાત તમારે કરવી હોય, તો તમારે તમારા ચહેરાને આનંદથી સભર બનાવવું પડશે. પણ નરકની વાત કરવી હોય ને તો તમારો original face ચાલશે.
માણસ ઉદાસ થોબડું લઈને ૨૪ કલાક ચાલે છે. ઘણીવાર પૂછવાનું મન થાય, કેટલા સદ્ગુરુઓને જોયા? દરેક સદ્ગુરુના ચહેરા પર માત્ર અને માત્ર આનંદ હતો. એ આનંદ જોયા પછી શું થયું? એક વાત તમને કહું; તમારો અહોભાવ એકદમ શ્રેષ્ઠ કક્ષાનો છે. એટલે એક પણ સાધુ ભગવંત કે એક પણ સાધ્વીજી ભગવતીને તમે જોશો, તમારો અહોભાવ સોળે કળાએ ખીલી ઉઠશે. પણ, અમને જોઇને ઈર્ષ્યા આવે કે નહિ? ઈર્ષ્યા ના આવે?
ઈર્ષ્યા ક્યારે આવે ખબર છે? એક વસ્તુ આપણને ગમે છે. એ આપણી પાસે નથી. અને બીજાની પાસે છે. તો આપણને ઈર્ષ્યા આવે. આનંદ તમારે જોઈએ છે, એ આનંદ અમારી પાસે સભર છે. તમારી પાસે એ નથી. તો તમને અમારા આનંદની ઈર્ષ્યા આવે કે ન આવે? બોલો? તમે પૂછો ને કે સાહેબ! કેવો આનંદ તમારી પાસે છે? તો મારે કહેવું પડે. Beyond the words. શબ્દોની અંદર એ આનંદને હું અભિવ્યક્ત કરી શકું એમ નથી. I can’t say it but you can experience it. હું એને કહી શકતો નથી, પણ તમારે અનુભવ કરવો હોય તો અનુભવ કરાવી દઉં.
તો સિદ્ધ પદની પૂજામાં આનંદની પ્રાપ્તિનો બહુ જ મજાનો સરળ માર્ગ બતાવ્યો. નાનકડી જ પંક્તિ છે. યાદ રહી જાય એવી; “ગુણકામી ગુણકામી ગુણવંતા” આનંદ ગુણ હોય કે વિતરાગદશાનો ગુણ હોય, કે સમભાવનો ગુણ હોય, કોઈ પણ ગુણની પ્રાપ્તિ કરવી હોય તો એના માટેનો આ માર્ગ બતાવ્યો. ગુણાનુરાગ અને ગુણની પ્રાપ્તિ. ‘ગુણકામી’ શબ્દ બેવડાયો છે. “ગુણકામી ગુણકામી ગુણવંતા” એટલે પદ્મવિજય મ.સા.એ ગુણાનુરાગ ઉપર ભાર મુક્યો.
હરીભદ્રસૂરિ મ.સા.ને વાંચો. એમનો આખો જ ઝોક ગુણાનુરાગનો છે. પહેલી દ્રષ્ટિ મિત્રાદ્રષ્ટિ. એ દ્રષ્ટિ ક્યારે આવે? જ્યારે બધાના ગુણો તમને ગમવા લાગે ત્યારે. ગુણો ગમ્યા એટલે ગુણો મળ્યાં. દોષો ડંખ્યા તો દોષો ગયાં. આપણને કોઈનો પણ ગુણ ખરેખર ગમે છે? ક્યારેક તો ગુણાનુરાગ એ આપણો વહેમ, આપણો ભ્રમ હોય છે. એક વ્યક્તિ, એમાં રહેલા ગુણો, એની તમે અનુમોદના કરશો. ભરપેટે. એની જ બાજુમાં એવા જ ગુણવાળી બીજી વ્યક્તિ બેઠેલી છે, તમે એના માટે એક શબ્દ પણ નહિ બોલો. તો આ વ્યક્તિ માટે આટલી બધી અનુમોદના તમે કેમ કરી? કારણ એક જ છે; કે એ વ્યક્તિ તમારા અહંકારને થાબડે છે. એ વ્યક્તિ કહે છે; તમે બહુ સારા, બહુ સારા, બહુ સારા. એટલે આ સામે કહે છે કે તમારા ગુણ બહુ સારા. તો તમે એના ગુણો પ્રત્યે અનુરાગ કરતાં હતાં કે તમારા અહંકાર પ્રત્યે અનુરાગ કરતાં હતાં? ખરેખર ગુણાનુરાગ બહુ જ અઘરો છે.
અનંત જન્મોથી બે જ કામ કર્યા છે; પોતાના ન હોય એ ગુણોને પણ પ્રકાશિત કરવા. અને બીજાના ન હોય એ પણ દોષોને ખુલ્લા કરવા. એટલે જ પંચસૂત્રમાં હરીભદ્રસૂરિ મ.સા.એ અનુમોદના ધર્મને દુષ્કરથી પણ દુષ્કર બતાવ્યું છે. ધર્મ કરવો સહેલો. ધર્મ કરાવવો સહેલો. તમે ઉપધાન કરાવો ૧૦૦૦ લોકોનું. સંઘ કઢાવો ૨૦૦૦ લોકોને લઇ જાવ. એ સરળ છે, ધર્મ કરવો સરળ છે. બીજાને ધર્મ કરાવવો સરળ છે પણ, બીજાના ધર્મની, સુકૃતની અનુમોદના કરવી એ અઘરામાં અઘરું છે. કારણ, એમાં તમારા અહંકાર ને તમારે તોડવો પડશે.
તમે ઉપધાન કરાવ્યું, ૫૦૦ આરાધક હતા. તમારી જ બાજુની ફ્લેટમાં રહેનાર એક મહાનુભાવે ઉપધાન કરાવ્યું, ૨૦૦૦ આરાધકોનું. તમે પણ કરાવ્યું, ૫૦૦ આરાધક હતાં. પેલા ભાઈએ કરાવ્યું ૨૦૦૦ આરાધકો હતાં. કોઈ તમને કહે; કે તમારું ઉપધાન તો સારું હતું જ. પણ એકવાર આ ઉપધાન જોવા જેવા છે. શું વ્યવસ્થા! ૨૦૦૦ લોકો એકસાથે નીવી કરી શકે એવો ભોજન મંડપ છે. રહેવા માટે કુટીરો મહેલ જેવી બનાવી છે. ત્યારે તમે શું કહો? હવે એ તો બરોબર સંખ્યા ભેગી કરવી હોય તો આવું કરવું પડે. બાકી ૨૦૦૦ લોકો ભેગા થયેલા હોય, ક્રિયા સરખી કઈ રીતે થાય? મારા ઉપધાનમાં ક્રિયા એકદમ સરસ થઇ. તો ધર્મ કરવો સરળ. કરાવવો પણ સરળ, પણ બીજાના ધર્મની અનુમોદના અઘરી છે. કારણ તમારા અહંકારને ચીરવો પડે.
મેં કરેલું સુકૃત બરોબર નહતું, મારા કરતાં પણ ચડિયાતું સુકૃત આનું છે. ખરેખર જવાબ શું હોય તમારો? કોઈ કહે; કે તમારા ઉપધાન તો બહુ સરસ હો, ત્યારે તમે કહો; એ ઉપધાન તો સારા હતા. ૫૦૦ આરાધકોએ આરાધના કરી. પણ ખરેખર ઉપધાન જોવા હોય તો શંખેશ્વરમાં જાવ. ૨૦૦૦ આરાધકોને જે રીતે આરાધના એ શ્રેષ્ઠી કરાવી રહ્યા છે, અદ્ભુત આરાધના. એટલે પંચસુત્રમાં કહ્યું ; “હોઉ મે એસા અણુમોયણા, જીણાણં મણુભાવઓ” અનુમોદના ધર્મ મને પ્રાપ્ત થાઓ. પ્રભુની કૃપાથી. એ પ્રભુની કૃપા ન ઉતરે તો બીજાના ધર્મની અનુમોદના મારા માટે શક્ય નથી. પણ અનુમોદના જ કરવી છે. કારણ એથી તમારો અહંકાર તૂટશે. અને સાધના જગતમાં સૌથી મોટો અવરોધ હોય, તો એ અહંકારનો છે. જ્યાં અહંકાર આવ્યો, તમારી સાધના ઠપ્પ થઈને બેસી ગઈ.
તો હરીભદ્રસૂરિ મ.સા. કહે છે કે પ્રભુની કૃપાથી આ અનુમોદના ધર્મ મળો. અને પછી તો અદ્ભુત વાત લખી; “હોઉ મે એસા સુપત્થણા” “હોઉ મે એસા અણુમોયણા” પહેલા કહ્યું. “હોઉ મે એસા સુપત્થણા” મને અનુમોદના ધર્મની પ્રાપ્તિ થાવ. એવી પ્રાર્થના પણ પ્રભુની કૃપાથી થાવ. એ પ્રાર્થના પણ હું કરી શકવાનો નહિ. પણ એ અનુમોદના મળે તો અનુમોદના ધર્મ અસીમ ધર્મ છે. હું સાધના કરું. કેટલી કરું? એક દિવસમાં? સાધના કરાવરાવું, કેટલી કરાવરાવું? કેટલાને કરાવરાવું? પણ જ્યાં અનુમોદનાનો લય ખુલે, મહાવિદેહમાં વિહરતા કરોડો સાધુ ભગવંતોના સંયમી યોગોની અનુમોદના આપણે કરી શકીએ. એટલે ગુણાનુરાગ અઘરો પણ છે. અને બહુ જ ફાયદાકારક છે. જ્યાં પણ સારું જુઓ અનુમોદના કરજો.
આપણી તકલીફ ક્યાં હોય? આફ્રિકાવાળો માણસ એની જોડે આપણને કોઈ વિરોધ નથી. કોઈ અમેરિકામાં રહે છે; અપરિચિત વ્યક્તિ. એની જોડે કોઈ વિરુદ્ધ નથી. ચેન્નાઈમાં કે બેંગ્લુરુ માં કોઈ રહે છે. અપરિચિત વ્યક્તિ છે. એની જોડે પણ વાંધો નથી. વાંધો કોની જોડે છે? જેની જોડે રહો છો એની જોડે. કોઈ તમને કહે; કે તમારા સંઘમાં પેલા આરાધક મેં જોયા. શું એમની આરાધના, અદ્ભુત આરાધના. લગભગ લોકોનો ઉત્તર શું હોય? હવે એ તો તમે અજાણ્યા રહ્યા, તમને ખ્યાલ ન હોય, એ સામાયિક કરીને, કટાસણા ઘસી-ઘસીને ઉપાશ્રયની લાદી ઘસી નાંખી. પણ, એમનો સ્વભાવ સુધર્યો નથી. એટલે જ્યાં સુધી ગુણાનુરાગ નહિ આવે ત્યાં સુધી આગળના પગથિયાં પર જવું અશક્ય છે.
હું ઘણીવાર મિત્રાદ્રષ્ટિની વાત કરતો હોઉં છું. મિત્રાદ્રષ્ટિની ટીકાની અંદર એક સરસ વાક્ય છે. “तत्रापि करुणांशस्य एव उद्गम:” હું એની સમજુતી આપતો હોઉં છું. કે પાંચ મહાત્મા હોય છે. વિહાર કરતાં હોય છે. એક ગામમાં ગયા પછી ખબર પડી; કે રોડ રસ્તે સામે ગામ જઈએ તો ૨૦ થી ૨૨ કિલોમીટર છે. અને જંગલમાંથી short cut જાય છે એ ખાલી દસ કિલોમીટરમાં. તો દેખીતી રીતે ઈચ્છા થઇ કે જંગલના short cut પર ચાલીએ. પણ કહેવામાં આવ્યું; કે એટલી બધી કેડીઓ આમથી આમ ફંટાતી હોય છે, કે જોડે માર્ગદર્શક તો જોઈએ જ. હવે ૧૦ – ૧૨ – ૧૫ કિલોમીટર જવાનું હતું. ઉનાળાનો સમય હતો, તો ચાર મહાત્માઓએ વિચાર્યું કે; આપણે સવા પાંચ – સાડા પાંચ વાગે નીકળી જઈએ. એક મહાત્મા હતાં, જે સૂર્યોદય પહેલા નીકળતા નહિ. પ્રભુની આજ્ઞા પ્રમાણે વિહાર કરતાં. તો આ લોકોએ કહ્યું કે; ભાઈ! અપવાદ પણ હોય છે. માર્ગદર્શક એક મળ્યો છે. અને બીજો મળે ને તો પણ તમે તમારી જોડે રાખવાના નથી. કારણ કે તમારી જોડે એ ચાલે, પાછો બસ વિગેરેમાં આવે, એ તમારાથી ચાલી શકે એમ નથી. તો આવતી કાલે અમારી સાથે તમે નીકળી જાવ. એ વખતે પેલા મહાત્મા કહે છે; કે ધૂળિયો રસ્તો હશે, તમારા પગલાંની છાપ પડી હશે. એ પગલાંની છાપે છાપે હું આવતો રહીશ. પણ સૂર્યોદય પહેલા તો વિહાર હું નહિ જ કરું. હવે બધા ગુરુ ભાઈઓ હતા. ગુરુ હોય તો આજ્ઞા કરી શકે. અને ગુરુની આજ્ઞા માનવી જ પડે. ત્યાં દલીલ નહિ કરવાની હો…! રોજ એકાસણું કરતાં હોવ, અને ગુરુ બેસણાનું પચ્ચક્ખાણ આપે તો શું કરો? સ્વીકારી લેવાનું. ગુરુ જે આપે તે સ્વીકારવાનું. આ ગુરુ ભાઈઓ છે પાંચ.
તો મહાત્માએ ના પાડી. પેલા લોકો સાડા પાંચે નીકળ્યા. આઠ વાગે પહોંચી ગયા. રસ્તો અડાપી એટલે થોડી વધારે વાર લાગી. હવે વિચારી લો, કે એ મહાત્મા સાડા છ એ નીકળે તો નવ વાગે આવી જાય. નવ ના બહુ બહુ તો સાડા નવ થાય. સાડા નવ થયા. દસ થયા, સવા દસ થયા, મહાત્માનો પત્તો નહિ. જરૂર રસ્તો ભુલી ગયા છે. પણ એ વખતે આ ચારેય મુનિ ભગવંતો મિત્રાદ્રષ્ટિમાં આવેલા હતા. એટલે તમારો અભિપ્રાય હોય એવો અભિપ્રાય એમનો નહતો. તમારો શું હોય? આ પુંછડું પકડેલું હોય એ છોડે જ નહિ. કહ્યું કે એક દિવસ અપવાદ સેવી લો. તો આવી જવું જોઈતું હતું. હવે આ રસ્તો ભૂલ્યા હશે. ક્યાં શોધવા માટે મોકલવા? પણ એ મુનિ ભગવંતો મિત્રાદ્રષ્ટિમાં હતા. તો એમનો અભિપ્રાય શું હતો? કે આપણે તો અનુકુળતાના અર્થી છીએ. એ મહાત્મા આજ્ઞાના અર્થી છે. નવ – સાડા નવે આવવા જોઈતા હતા. શું થયું હશે? ક્યાં રસ્તો ભૂલ્યા હશે? સહેજ પણ એ મહાત્મા પ્રત્યે આક્રોશ નથી. સહેજ પણ વિદ્વેષ નથી. એ મહાત્માના ગુણોનું ચિંતન એ વખતે થાય છે. અને શ્રાવકોને બોલાવ્યા. કે ભાઈ! અમારા એક મહાત્મા પાછળ રહેલા છે. એ આવ્યા નથી. ક્યાં તપાસ કરીશું? શ્રાવકો ઉત્સાહી હતા. સાહેબ કંઈ વાંધો નહિ. બે ચાર જણા જઈશું, એક આમ, એક આમ, એક આમ. ૧૨ વાગે એ મહાત્મા આવી ગયા. અને ચારેય મહાત્મા સામે જાય છે. ચારેયની આંખમાં આંસુ છે. કે અમે તો અનુકુળતાને માટે પ્રભુની આજ્ઞાને સહેજ આમ-તેમ કરી નાંખી. પણ તમે શરીરને પણ બાજુમાં રાખીને, અનુકુળતાને બાજુમાં રાખીને, પ્રભુની આજ્ઞાનો આટલો આદર કર્યો. ધન્ય છે તમને. આવું બને?
અને આવું ન બને ને તો મિત્રાદ્રષ્ટિ આવી છે એવું નહિ માનવાનું. વ્યવહારથી તમે અત્યારે છટ્ઠી દ્રષ્ટિમાં. નિશ્ચયથી ક્યાં? યોગદષ્ટિ સમુચ્ચય અદ્ભુત ગ્રંથ છે. જે-જે લોકો એ વાંચે છે, એ બધાને લાગે કે સાહેબ પહેલી દ્રષ્ટિમાં અમે નથી. તો પહેલી દ્રષ્ટિમાં આવવા માટે ગુણાનુરાગ જોઈએ. તમારી પાસે સમ્યગ્દર્શન હોય તો તમે પાંચમી દ્રષ્ટિમાં. અને એના પછી ઉદાસીન દશા ગહેરી બને, ત્યારે છટ્ઠી દ્રષ્ટિ આવે. તો “ગુણકામી ગુણકામી ગુણવંતા” સૂત્ર યાદ રહી ગયું? હવે બીજામાં શું દેખાશે?
આજે એક ચશ્મા નવા આપી દઉં? કે બધાના ગુણ જ દેખાય. મારી વાત કરું ને તો તમને જોઈને કેટલો બધો આનંદ થાય. રોજ સાંજે મુનિઓની સંગોષ્ઠીમાં હું એમને કહું છું; કે તમને જોઇને મને ખુબ આનંદ થાય છે. કે આટલી નાની વયમાં પ્રભુનું શ્રામણ્ય તમને મળી ગયું. તમને જોઇને પણ આંખો ભીની બને છે. એમાં પણ કોઈ નાનકડી સાધ્વીજી હોય એને જોઇને તો મારી આંખોમાં આંસુ છલકાય છે. કે કેટલું પુણ્ય એણે કર્યું હશે, ગયા જન્મમાં કે આટલી નાની વયમાં પ્રભુનું શ્રામણ્ય મળી ગયું. એના માત-પિતા કેવા હશે! કે નાનકડી દીકરીનું પ્રભુના ચરણે સમર્પણ કરી દીધું. એક-એક શ્રાવકને આરાધના કરતો જોઉં, એક શ્રાવિકાને ઉપધાનમાં જોઉં, મારી આંખો ભીની બને છે. આ જ પ્રભુનું વરદાન છે. એ પ્રભુનું વરદાન તમને બધાને મળ્યું છે, ઝીલી લો હવે. પ્રભુ સતત આ વરદાન તમને આપવા માંગે છે. એ વરદાનને આજે ઝીલી લો. બધાને જોઇને માત્ર અને માત્ર આનંદ જ થાય.
મારી દ્રષ્ટિ તો એથી પણ આગળ છે. કોઈ પણ વ્યક્તિ એ જૈન નથી. પણ એની અંદર એક પણ ગુણ દેખાય મારી આંખો ભીની બને છે. પાલીતાણાથી શંખેશ્વર આવીએ, વચમાં લખતર ગામ આવે. લખતરમાં સરસ દેરાસર છે. બે ઉપાશ્રય છે. એક આપણો, એક સ્થાનકવાસીનો પણ કોઈ ભેદભાવ નથી. આપણા મહાત્મા વધી જાય તો સ્થાનકના ઉપાશ્રયમાં ઉતરવાનું. અમે ગયા ત્યારે ઘણા બધા મહાત્મા આવેલા હતાં. એટલે અમને સ્થાનકના ઉપાશ્રયમાં ઉતારો આપ્યો. સ્થાનકનો ઉપાશ્રય રોડ ઉપર. નવકારશી વાપર્યા પછી હું walk કરતો હતો. ત્યાં મારી નજર રોડના ફૂટપાથ ઉપર પડી. એક મોચી ભાઈ, નાનકડું એમનું box એ લઈને બેઠેલા. થોડીવારમાં ઉપાશ્રય ખુલ્લો જોઇને એ મોચીભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને બધા જ મહાત્માઓને કહ્યું; કે આપ વિહારમાં છો. આપના મોજાં ફાટી ગયા હશે! મને રીપેરીંગનો લાભ આપો. કોઈ મહાત્માએ ના પાડી તો પણ પરાણે લઇ ગયો. અને મોચીભાઈને ખ્યાલ હતો કે લગભગ સવારે આવેલા મહાત્મા સાંજે પાછા વિહાર કરી જતા હોય છે. અને સાંજે ૪ વાગે બધાના મોજાં તૈયાર કરી એ ઉપાશ્રયમાં આવે છે. કેટલો ખ્યાલ; આ મોજાં આ મહાત્માના. આ મોજાં આ મહાત્માના. તે – તે મહાત્માને તે – તે મોજાં પકડાવ્યા. અને આંખમાં આંસુ કે મને ભક્તિનો લાભ મળ્યો. એ વખતે એક ભક્ત ગાડીમાં જતાં હતાં વિરમગામ થઈને. એમને સમાચાર મળ્યાં, કે સાહેબજી લખતર છે. એટલે લખતર આવ્યાં. એ વંદન કરીને બેઠેલા હતાં અને આ મોચીભાઈ આવેલાં. એ મોચીભાઈનો ભાવ જોઇને પેલા શ્રાવકભાઈ અભિભૂત થઇ ગયા. આટલો બધો ભાવ. એમણે સીધી જ ૨૦૦૦ની નોટ કાઢી. ઉભા થયાં. હાથ જોડ્યા. અને પ્રેમથી કહ્યું; આ સ્વીકારો. મોચીભાઈએ પણ એટલા જ પ્રેમથી કહ્યું; આપ આપો છો એ બરોબર છે. પણ, સંતોની સેવાના બદલામાં હું કશું જ લઇ શકતો નથી. મારે નિયમ છે. સંતોની સેવાના બદલામાં હું કંઈક મેળવું તો મારી સેવા નિષ્ફળ જાય. એટલે આપ પ્રેમથી આપો છો. મારે સ્વીકારવું પણ જોઈએ. પણ, મારો આ નિયમ છે માટે હું સ્વીકારી શકતો નથી. એટલા બધા પ્રેમથી, નહિ હું નહિ લઉં. આવી કોઈ વાત નહિ. ના પણ કેમ પાડવી? એ શીખવું જોઈએ.
પછી એ મોચીભાઈએ કહ્યું; મારું box સામે ફૂટપાથ પર છે. તમે બહાર નીકળો, તમારા બુટને પોલીસ કરવાના હોય, બીજું કંઈ કરવાનું હોય તો કરી આપું. અને એના બદલામાં તમે આપશો, એ સ્વીકારી લઈશ. પણ સંતોની સેવાના બદલામાં તો હું કંઈ જ સ્વીકારીશ નહિ.
તો ગુણાનુરાગ અને ગુણની પ્રાપ્તિ. કોઈ પણ ગુણની પ્રાપ્તિ માટે બીજી કોઈ જ મહેનત કરવાની નથી. માત્ર ગુણાનુરાગ. કોઈનો સમભાવ તમને ગમી ગયો, પૂરા હૃદયથી, અસ્તિત્વના એક-એક ખૂણાથી એમની અનુમોદના કરો. તમને એ સમભાવ મળી જશે. ગુણાનુરાગમાં આ તાકાત છે.
ક્યારેક વિચારું ને ત્યારે આંખો ભીની બને કે કેવું પ્રભુનું શાસન મળ્યું છે. કેટલી અદ્ભુત વાતો અહીંયા કહેવામાં આવી છે. સાધના સરળ નહિ, સરળતમ. Easy નહિ easiest. પ્રભુની સાધનાને હું ત્રણ વિશેષણો આપું છું; easiest, sweetest, shortest. Easiest – ગુણાનુરાગ કર્યો મનમાં, ગુણ મળી ગયા. Easiest. Sweetest – આના જેવી મધુરતા બીજે ક્યાંય નથી. એ ગુણની પ્રાપ્તિ તમને થાય અને તમને જે આનંદ મળે. Sweetest. અને પ્રભુની સાધના shortest છે. એકદમ short મોક્ષ આ રહ્યો.
પંચસૂત્રમાં હરીભદ્રસૂરિ મ.સા. ને પૂછવામાં આવ્યું; મોક્ષ જોઈએ છે કઈ રીતે મળે? તો એમણે કહ્યું; “ આયઓ ગુરુબહુમાણો” સદ્ગુરુ પ્રત્યે તું બહુમાન કર. મોક્ષ મળી જશે. સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન, સદ્ગુરુ પ્રત્યેના ગુણોના બહુમાનમાં ફેરવાશે. ગુણો પ્રત્યેનું બહુમાન જે છે એ ગુણો પ્રત્યેના અનુરાગમાં ફેરવાશે. અને એ અનુરાગ જે છે, એ ગુણની પ્રાપ્તિ માં આવશે. ગુરુ ગમે બરોબર! પછી ગુરુનું બધું જ ગમે ને? ગુરુ આખે આખા ગમે ને કે partially? આખે આખા ગમે. અને ગુરુનું બધું જ ગમે. ગુરુ કડવા વચનો કહે તો પણ એટલા જ મજાના લાગે. કેમ….! બરોબર ને…! ગુરુ તરફથી જે પણ મળે એ મજાનું મજાનું લાગે. તો જ ગુરુ બહુમાન સાચું. નહીતર તો ગુરુ શિષ્યને પંપાળે. તો એ શિષ્ય કહે તમે બહુ સારા છો. આ તો વર્તુળ બનાવ્યું.
તો આ સૂત્ર યાદ રાખજો. “ગુણકામી ગુણકામી ગુણવંતા” આવતી કાલે વાચના ૮.૧૫ વાગે શરૂ થશે. સાધ્વીજી શ્રી રાજયશાશ્રીજી ને ભદ્રતપનું પારણું સુમેરૂ રેસીડેન્સીમાં આવતી કાલે છે. એટલે આવતાં થોડું મોડું થશે એટલે સવા આઠ વાગે આવતી કાલે વાચના છે.