વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સિદ્ધ પદ
કોઈના પર સહેજ પણ તિરસ્કાર ક્યારે થાય? જ્યારે એને વ્યક્તિ રૂપે જોઈએ ત્યારે. પણ જો એને ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે જોઈએ તો? તો માત્ર અહોભાવ જ છલકાવવાનો છે. નમો સિદ્ધાણં પદ તમારા આખા vision ને ફેરવી નાંખે.
એ વ્યક્તિ ભવિષ્યમાં સિદ્ધ બનવાની છે અને અત્યારે પણ અનંત ગુણો એની અંદર છે. કર્મના ઉદયથી રાગ-દ્વેષની રજ લાગી ગઈ અને એનું સ્વરૂપ વિકૃત બન્યું. પણ એ ક્યાં સુધી? એ સાધના ન કરે અને નિર્મળ ન થાય, માત્ર ત્યાં સુધી.
આ જ સિદ્ધ પદને ધ્યાનના સ્તર પર ખોલીએ, તો સિદ્ધ ભગવંતના કેવળજ્ઞાનના CCTV માં સચરાચર લોકમાં ઘટી રહેલી ઘટનાઓ જણાયા કરે છે. આ સર્વજ્ઞતા નું નાનું edition આપણે પણ આપણામાં ઊતારવાનું છે: બધું જણાયા કરે છે; હું જાણતો નથી.
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૪૧ (દિવસ – ૭)
સિદ્ધપદની પૂજામાં પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. એ બહુ જ મજાનું સાધના સૂત્ર આપ્યું. ગુજરાતી ભાષામાં આવેલું નાનકડું સાધના સૂત્ર : “ગુણકામી ગુણકામી ગુણવંતા” બીજાના ગુણો પ્રત્યેનો અનુરાગ તમને ગુણવંત બનાવે છે. કોઈ પણ ગુણ આપણે જોઈએ છે તો એની પ્રાપ્તિનો short cut કયો? એ ગુણ જેમનામાં છે એ મહાપુરુષની આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ અને એમના આશીર્વાદથી આપણને એ ગુણની પ્રાપ્તિ થઇ જાય.
ગુણાનુરાગના ક્ષેત્રે શ્રીપાલ મહારાજા ટોચની કક્ષા પર છે. શ્રીપાલ મહારાજા ધવલ શ્રેષ્ઠીને પોતાના ઉપકારી તરીકે જોવે છે. ઓળીના પ્રવચનોમાં એક પ્રશ્ન આ હું અચૂક પૂછતો હોઉં કે ધવલશેઠે શ્રીપાલજી ઉપર શું ઉપકાર કર્યો? એક જ જવાબ હજી સુધી મળ્યો છે; કે સાહેબજી ધવલશેઠના વહાણમાં શ્રીપાલજી ગયા ને…! હું કહું છું ok, Accepted. તમારી વાત સ્વીકારીએ. પણ એ સિવાયનો બીજો કોઈ ઉપકાર તમારી નજરમાં આવે છે? બહુ જ ઊંડી અને મજાની વાત છે. શ્રીપાલકુમારના હૃદયમાં એક ઘમ્મર વલોણું ચાલતું હતું. કે આ જન્મની અંદર મને સમ્યગ્દર્શન મળવું જ જોઈએ. મારો આ જન્મ સફળ ત્યારે જ જ્યારે મને સમ્યગ્દર્શન મળે.
પણ, હું સમ્યગ્દર્શનની નજીક છું એ પણ કોઈ ગુરુ ભગવંત કહી શકે. મને તો ખ્યાલ આવે નહિ. પણ, એ વખતે થયું; કે સમ્યગ્દર્શન જેને મળેલું હોય, એ આત્માની પાસે પૂર્ણ સમભાવ હોય. હવે એ સમભાવ મારામાં છે કે નહિ એ મારે જોવું જોઈએ. પણ, શ્રીપાલ કુમારનું પુણ્ય એવું હતું; કે જ્યાં જાય ત્યાં ડગલે ને પગલે નવનિધાન. બધે જ એમનું માન અને સન્માન. બધા આપણને સારી રીતે બોલાવતાં હોય, ત્યારે આપણામાં સમભાવ છે કે નહિ એની ખાતરી કઈ રીતે કરવી? કો’ક રફ્લી બોલે, કો’ક ગાળોનો વરસાદ વરસાવે, અને એ વખતે તમે શાંત રહી શકો, તો તમારા મનમાં થાય કે સમભાવ મારી પાસે છે. આ ઘમ્મર વલોણું શ્રીપાલ કુમારના હૃદયમાં ચાલી રહ્યું છે. એ જ અરસામાં ધવલ શેઠે એમને દરિયાની અંદર નાંખ્યા. પુણ્યપ્રભાવે શ્રીપાલજી દરિયાકાંઠે પણ આવી ગયા. અને નજીકના રાજ્યના રાજાના અધિકારી પણ બની ગયા. હવે ધવલ શેઠ ફરતાં ફરતાં ત્યાં આવે છે. એ રાજાના બંદરમાં પોતાને વેપાર કરવો છે. તો રાજાની અનુમતિ લેવી પડે. રાજાની પાસે અનુમતિ લેવા ધવલશેઠ આવે છે. સોનામહોરોનો થાળ ભરીને. રાજાને તો જોયા, જોયા…! બાજુના એક સિંહાસન ઉપર શ્રીપાલ કુમારને જોયા. અને શ્રીપાલને જોતાં પેટમાં તેલ રેડાયું કે આ હરામખોર ક્યાંથી અહીંયા આવી ગયો. દરિયામાં ફેંકેલો, એ અહીંયા અને રાજ્યના અધિકારી તરીકે! પણ એ વખતે ધવલશેઠને જોતાં શ્રીપાલકુમારના હૃદયમાં સહેજ પણ તિરસ્કારનો ભાવ ઉઠતો નથી. આંખોમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. એ વખતે ધવલશેઠને પોતાના ગુરુ તરીકે શ્રીપાલ કુમારે બેસાડ્યા; કે મારા સમભાવની પરીક્ષા તમે કરી. પરીક્ષક હોય એ ગુરુ જ હોય ને!
પોતાને દરિયામાં ફેંકનાર, પોતાને મારવાની ચેષ્ટા કરનાર ઉપર પણ શ્રીપાલ કુમારનો પ્રેમ છે. આ પ્રેમ બીજાને આપવો એ જ જિનશાસન. જિનશાસન એટલે શું? બધાને પ્રેમ આપો. આપણે લોકો ઘણીવાર દલીલ શું કરીએ? સાહેબ એ વ્યક્તિ ખરાબ હોય, ઠીક છે ખરાબ છે. પણ અમારી જોડે ખરાબ behavior કરે તો પછી અમને ગુસ્સો એના પર આવે જ ને? બરોબર ને? આ તમારી દલીલ છે ને?
એ અમારી સાથે ખરાબ behavior ન કરે ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી. એ ગમે એવો રહ્યો. પણ, એ માણસ મારી સામે શિંગડા ભરાવે અને મને પાડવાની કોશિશ કરે, ત્યારે મને એના ઉપર ગુસ્સો આવે કે નહિ? બરોબર સવાલ? તમારા મનમાં આ જ વાત છે ને? હવે શું કરવું જોઈએ તમને સમજાવું. એ વ્યક્તિ ખરાબ છે કે એનામાં આવેલો કર્મનો ઉદય ખરાબ છે?
કોઈને તાવ આવ્યો. તાવ ખરાબ. પણ તાવ જેને આવ્યો એ માણસ ખરાબ ખરો? એને ઘરમાંથી કાઢવાનો? તાવને કાઢવાનો. તાવવાળાને કાઢવાનો નહિ. ખરાબ શું? તાવ. એમ અહીંયા દોષ ખરાબ કે દોષવાળો માણસ ખરાબ?
હું ઘણીવાર કહું; ઝરીયામાં કોલસાની ખાણો છે. એક કર્મચારી છગન એકદમ ગોરો ગોરો છે. એ કોલસાની ખાણમાં અંદર ઉતર્યો. સાંજે બહાર આવ્યો. એના કપડાં કાળા કાળા થઇ ગયેલા. કોલસાની રજથી. એનું મોઢું કાળું હબસી જેવું થઇ ગયેલું. તમે એને ઓળખો છો કે આ છગન છે. અને એકદમ ગોરી ચામડી એની છે. અત્યારે એની કાળી ચામડી જોઇને તમને ગુસ્સો આવે ખરો? સાલો કાળિયો. નહિ થાય ને? કારણ કે ખબર છે.
એમ શ્રીપાલ કુમારની દ્રષ્ટિ આ હતી; કે ધવલશેઠ સિદ્ધનો આત્મા છે. ભવિષ્યમાં એ સિદ્ધ બનવાના છે. અને અત્યારે પણ અનંત ગુણો એની અંદર છે. તો કર્મના ઉદયથી રાગ-દ્વેષની રજ લાગી ગઈ અને એનું સ્વરૂપ વિકૃત બન્યું. પણ એ ક્યાં સુધી? એ સાધના ન કરે, અને નિર્મળ ન થાય ત્યાં સુધી. પેલો છગન સાંજે બહાર નીકળ્યો. કાળો હબસી જેવો છે. બાથરૂમમાં ગયો. નળ ચાલુ કર્યો. પાણી ધોધમાર વરસવા માંડ્યું. કાળી રજ બધી જતી રહી. એકદમ ગોરો ગોરો થઈને બહાર આવ્યો. તો એ વ્યક્તિ ગોરી છે. કાળાશ જે છે એ ઉપરથી આવેલી છે. બરોબર? એમ દરેક આત્મા સિદ્ધના આત્મા ખરા? નવકાર મંત્ર તો આપણને ગળથુથીમાંથી મળેલો છે. અત્યારે નાના નાના દીકરાઓને, દીકરીઓને લઈને લોકો આવે છે. સાહેબ! વાસક્ષેપ આપો. સાહેબ નવકારમંત્ર સંભળાવો. ગળથુથીમાંથી નવકારમંત્ર આપણને મળેલો છે. “નમો સિદ્ધાણં” અને એનું જ વિસ્તૃતીકરણ નમુત્થુંણં માં થયું: “જે અઈયા સિદ્ધા, જે અ ભવિસ્સંતીણાગએ કાલે; સંપઈઅ વટ્ટમાણા; સવ્વે તિવિહેણ વંદામિ” ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, નમસ્કાર. વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધિપદને કોઈ પામે નમસ્કાર. પણ, ભવિષ્યમાં સિદ્ધ બનવાનો છે એને નમસ્કાર ખરો?
નમુત્થુણંમાં શું કીધું? સવ્વે તિવિહેણ વંદામિ – મન, વચન અને કાયાથી હું એ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરું છું. આ બધા સિદ્ધ ભગવંતો છે ને? તમને શું લાગે આમ? સિદ્ધ ભગવંત લાગે? વેશ પરમાત્મા લાગે કે વ્યક્તિ લાગે? કોઈ પણ મહાત્મા પર સહેજ પણ તિરસ્કાર ક્યારે થાય? જ્યારે એમને વ્યક્તિ રૂપે જોઈએ ત્યારે. વેશ પરમાત્મા કે ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે જોઈએ ત્યારે તો અહોભાવ જ છલકાવવાનો છે. તો આપણી જીવનની ચાદર નિર્મળ નિર્મળ બને, એના માટે આ સાધના કેટલી સરસ છે. તમારી આલોચનાઓને વાંચીએ, લગભગ એમાં શું હોય? જીવદ્વેષ. એક ‘નમો સિદ્ધાણં’ ની સાધના જીવદ્વેષને ઉડાડી મુકે.
તો ફરી આપણે આગળ આવીએ; રોગ ખરાબ કે રોગી ખરાબ? ક્રોધ ખરાબ કે ક્રોધી ખરાબ? એની પાસે જવાનું? સાલો ક્રોધીયો છે. એની પાસે કોણ જાય? એટલે ક્રોધી ખરાબ લાગે છે. ક્રોધ સારો લાગે. એ જ ક્રોધ તમારામાં હોય તો વાંધો નહિ.
એક ફિલોસોફરે કહેલું કે; આજના માણસ પાસે પારસમણી હોય એવું લાગે છે. કારણ, પારસમણી શું કરે? લોઢાને સોનું બનાવી દે. તો જે દોષો બીજામાં હોય ત્યારે ખરાબ લાગે છે? એ જ દોષો એની પાસે આવે એટલે…! પારસમણીની અસર થઇ ગઈ. ક્રોધી ખરાબ કેમ છે? ક્રોધને કારણે. એટલે ખરેખર તો ક્રોધ ખરાબ ને? હવે એ ક્રોધ તમારામાં હોય તો… તમે ખરાબ કે ક્રોધ ખરાબ? બોલો હવે? તમે તમારી જાતને ખરાબ તરીકે માનશો?
તો દોષો જે છે એ કર્મના ઉદયે આવ્યા છે. હું ઘણીવાર કહું છું કે તમારો દીકરો છે, દીકરી છે, એનામાં સામાન્ય દોષો તમને દેખાયાં, પિતા તરીકે તમે દોષોને કાઢવાની મહેનત કરો. પણ તમારું પુણ્ય ન પહોંચતું હોય. અને એ દોષો ન નીકળે તો તમે શું કરો? એ વખતે તમારે બે કામ કરવા છે; એક તો પ્રભુને પ્રાર્થના કરવી છે. કે પ્રભું! આ મારો દીકરો, આ મારી દીકરી, એનામાં જે નાના – નાના દોષો છે, એને પણ તું લઇ લે. મારું પુણ્ય ચાલતું નથી. મારું કહ્યું એ માનતો નથી, માનતી નથી. પણ તું તો શક્તિનો સાગર છે. તારા માટે અશક્ય કશું જ નથી. તો પ્રભુ તું મારા દીકરાને, દીકરીને દોષમુક્ત બનાવી દે. એક બાજુ આ પ્રાર્થના કરો. બીજી બાજુ પ્રેમ આપો.
યાદ રાખો કુટુંબ જીવન આજે એકદમ પડી ભાંગવાની અણી ઉપર છે. મેં એકવાર કહેલું; કે ૧૦૦ વર્ષ પહેલાં આ જ કુટુંબજીવન હતું. ફરક શું પડતો? પતિ કહેતો કે મારી પત્ની કેટલું બધું કામ કરે છે; એને સાંજે પ્રતિક્રમણ માટે જવું હોય તો હું કહી દઉં કે બીજું બધું કામ સાંજનું હું કરી લઈશ. તું પ્રતિક્રમણ માટે જા. હું એને help કરું. પત્ની કહેતી કે પતિ ઓફિસેથી થાકીને આવે, એમને ઘરમાં શાંત વાતાવરણ મળવું જોઈએ. દીકરાઓ વિચારતાં કે માતા અને પિતાની તીર્થની જેમ અમે ભક્તિ કરીએ. એટલે બધાની નજર એ હતી કે બીજાને મારે કંઈક આપવું છે. હવે શું થયું? પતિને પત્ની પાસેથી કંઈક લેવું છે. એ કેમ મારી ખબર ન રાખે? કેમ મારા કપડાં બરોબર નથી? મારું આમ કેમ ઠેકાણે નથી રાખ્યું? અરે પણ એટલા કામમાં વ્યસ્ત હતી; કે આ કામ ન થઇ શક્યું તો હું કરી લઉં. આ વિચાર નથી આવતો. એટલે પતિ પત્ની પાસેથી કંઈક લેવા ઈચ્છે છે. પત્ની ઈચ્છે છે કે પતિએ કંઈક આપવું જોઈએ. દીકરાઓ કહે છે; કે માતા-પિતાએ અમને શું આપ્યું? સારી કોલેજમાં જઈએ કપડાં ક્યાં એવા છે? અમારા શોખ પુરા થાય એટલી રકમ અમને આપતાં નથી. માત-પિતા અમને કશું જ આપતાં નથી. શા માટે અમને જન્મ આપ્યો? ત્યાં સુધી કહે છે; આજના દીકરા.
હવે આજ કુટુંબ જીવનને પાછું વ્યવસ્થિત બનાવવું હોય તો આ બે તત્વો લાવી દો. એક બાજુ પ્રેમ. મારે ત્યાં આવેલા આત્મા મારો કલ્યાણમિત્ર છે. તમારી પત્ની તમારી કલ્યાણમિત્ર છે. પત્ની માટે પતિ કલ્યાણમિત્ર છે. તમારા દીકરા પણ તમારા માટે કલ્યાણમિત્ર છે.
ઉનાળાનો સમય હોય, કેરી આવવી શરૂ થઇ ગઈ હોય. કેરી ઘરે લાવ્યાં. એટલે પહેલો કરંડિયો દેરાસરે હોય કે પહેલી કેરી? પહેલી કેરી. પછી રસ કાઢેલો હોય, ફ્રીજમાં ન મુકેલો હોય, મ.સા. કોઈ પધારે, અને કૃપા કરીને લાભ આપે, તો મ.સા. નો લાભ મળે. એટલે પહેલા નંબરે પરમાત્મા. બીજા નંબરે સદ્ગુરુ. ત્રીજા નંબરે તમારા એપાર્ટમેન્ટમાં રહેતાં સાધર્મિકો. બરોબર? અને ચોથા નંબરે તમે? બરોબર? બોલો? એમાં લોચો પડ્યો ને?
એકવાર મેં પ્રવચનમાં કહેલું; એક ભાઈ મારી સામે. મોઢું હસતું. મને કહે સાહેબ ! તમે કહો છો એમ છે અમારે. ત્રીજા નંબરે સાધર્મિકો-કલ્યાણમિત્રો જ છે અમારે. એનું હસવું જોયું ને હું સમજી ગયો, કંઈક દાળમાં કાળું છે. મેં કહ્યું; તમે શું કહેવા માંગો છો? મને કહે; કેમ સાહેબ! મારી પત્ની, મારા દીકરા એ કલ્યાણમિત્ર નહિ? ત્રીજા નંબરે એ. ચોથા નંબરે હું. પણ, ખરેખર તમારી પત્ની, તમારા દીકરાઓ તમારા માટે કલ્યાણમિત્રો છે. એ દીકરાઓનું પુણ્ય હશે કે તમારે ત્યાં જૈન કુળમાં અવતર્યા. હવે તમારી ફરજ બને છે કે તમે એને સારામાં સારા સંસ્કારો આપો. તો તમારું કુટુંબ જીવન જે છે ને, બહુ મજાનું બનશે. અહીંયા નાના-નાના દીકરાઓ આવે, વાસક્ષેપ લેવા માટે એ ત્રણ વર્ષના કે ચાર વર્ષના દીકરાઓને જોઇને ખરેખર આનંદ થાય કે કેવા કુળમાં એ જન્મ્યા છે કે જ્યાં એને આટલા સરસ સંસ્કારો મળ્યા છે.
તો ‘નમો સિદ્ધાણં’ પદ શું કરે? આખા vision ને ફેરવી નાંખે. દ્રષ્ટિને ફેરવી નાંખે. તો જીવાતા જીવન માટેની એક મજાની સાધના ‘નમો સિદ્ધાણં’ પદ દ્વારા પદ્મવિજય મ.સા. એ આપી. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ જ ‘નમો સિદ્ધાણં’ પદને ધ્યાનના સ્તર પર ખોલ્યું; “રૂપાતીત સ્વભાવ જે, કેવલદંસણ નાણી રે; તેહ ધ્યાતા આતમા સિદ્ધ થાય ગુણખાણી રે” એ રૂપાતીત સ્વભાવનું ધ્યાન કઈ રીતે કરવું? એનું થીયરીકલ અને પ્રેક્ટીકલ આવતી કાલે. આજે થોડું કરાવી દઈએ ધ્યાન. પહેલા થીયરીકલ.
“રૂપાતીત સ્વભાવ જે” સિદ્ધ પરમાત્મા કેવા છે? અરૂપી. ત્યાં આગળ જ્યોતમાં જ્યોત રૂપે વિલીન થતાં હોય છે. અરૂપી છે. અને આનંદઘન નિર્મલ ચૈતન્ય છે. ‘કેવલદંસણ નાણી રે’ કેવલજ્ઞાન અને કેવલદર્શન સિદ્ધ ભગવંતો પાસે છે. એક મજાની વાત કરું; આપણે કેવલજ્ઞાની શબ્દનો અર્થ એવો કરીએ છીએ કે પ્રભુ બધું જાણે છે. પ્રભુ બધું જાણે છે. એ નાના બાળકોને સમજાવવા માટે છે. પ્રભુ જાણતાં નથી. આ લોકમાં, સચરાચર લોકમાં જે ઘટનાઓ ઘટી રહી છે, એને પ્રભુ જાણે છે એમ નહિ. પણ, એમના કેવલજ્ઞાન રૂપી સીસીટીવીમાં એ જણાયા કરે છે. પ્રભુનો ઉપયોગ માત્ર સ્વમાં છે. તેરમાં ગુણઠાણે વિતરાગ બન્યા પ્રભુ. ચૌદમાં ગુણઠાણે અરૂપી બન્યા. પણ, ઉપયોગ માત્ર સ્વની અંદર. ઉપયોગ ક્યાંય પરમાં જતો નથી. એ સર્વજ્ઞતાનું નાનું એડીશન આપણે આપણા જ્ઞાનમાં ઉતારવાનું છે. કે બધું જણાય છે. હું જાણતો નથી. હું જાણીશ તો અનાદિની સંજ્ઞાઓ પાછળથી આવશે. આ સારું. આ ખરાબ.
બાળક કાળું હોય તો ગમે નહિ. ગોરું ચિટ્ટુ હોય તો ગમે. આ શું થયું? આપણા મનની એક ભ્રમણા. એક નક્કી કર્યું કે સફેદ રૂપ સારું. કાળું ખરાબ. પણ, બોલો સફેદ રૂપ તમને ગમે? અમેરિકન કે યુરોપિયન કોઈ આવે, એની એકદમ white ચામડી જુઓ ગમે? આપણે ત્યાં રક્તપિત્તવાળા ની જેવી ચામડી હોય એવી ચામડી આપણને લાગે. એટલે શું સારું? શું ખરાબ કશું જ નક્કી નથી. માત્ર સોસાયટી આપણા ઉપર માસ હિપ્નોટીઝમ કરે છે. આ સારું. આ ખરાબ.
હું હસ્તગીરીમાં હતો. પાલીતાણામાં રાજસ્થાની ભક્તો આવેલાં. એમણે પાલીતાણા યાત્રા કરી. હસ્તગિરિ આવ્યાં. હસ્તગિરિ પણ ઉપર યાત્રા કરી આવ્યાં. પછી અગિયાર- સવા અગિયારે મારી પાસે બેઠાં. થોડીવાર થઇ. અને તીર્થના સંચાલક કાંતિભાઈ પટણીને ખ્યાલ આવ્યો કે સાહેબ પાસે કોઈ મહેમાન આવ્યાં છે. એટલે દોડતા આવ્યાં મહેમાનોને વિનંતી કરી; કે ભોજનશાળામાં જમવા માટે પધારો. આ લોકોએ ના પાડી. એમણે કહ્યું; કે અમે તખતગઢ ધર્મશાળામાં પાલીતાણા ઉતર્યા છીએ. અને ત્યાં જમવાનું કહીને આવ્યાં છીએ. એટલે એક – દોઢ વાગે પહોચીશું તો પણ વાંધો નથી. પણ જમવાનું અમારું ત્યાં કીધેલું છે. કાંતિભાઈ ગયા. પોણા બાર લગભગ થઇ ગયેલા. મારી ગોચરી આવવાની તૈયારી હતી. મેં એમને કહ્યું; મારી ગોચરી હમણાં આવશે. હું વાપરવા જઈશ. તમે જમવા જઈ આવ્યા હોત તો બેય કામ પતી જાત. પછી થોડીવાર બેસાત. મને કહે સાહેબજી ! આપ આરામથી ગોચરી કરો. પછી આપની અનુકુળતા હોય એટલું બેસજો. આપ આરામ કરજો. અમે જમવા કેમ ન ગયા. એનું કારણ અલગ છે. અમે કોઈ તખતગઢમાં કહીને આવ્યાં નથી. ટાઈમસર પહોચશું એટલે જમવાનું મળી પણ જશે. પણ, અમે અહીં કેમ ન જમ્યા? અહીં ગુજરાતી ટેસ્ટની રસોઈ હશે. તુવેરની દાળ ગોળ નાંખેલી હશે. ટામેટાનું શાક હશે તો એમાં ય ખાંડ નાંખેલી હશે. અમે રોટલીનો ટુકડો દાળમાં ડબોળીએ, અને મીઠી દાળ હોય તો રોટલીનો ટુકડો ગળે ઉતરે જ નહિ. હવે વિચારો આ કોણે નક્કી કર્યું? તુવેરની દાળ મીઠી હોય તો સારી એવું ગુજરાતી લોકોએ નક્કી કર્યું. રાજસ્થાની કહે છે; તીખી દાળ જ હોવી જોઈએ. મીઠી દાળ હોઈ જ ન શકે. અને મીઠી દાળ એને ભાવે જ નહિ. આ શું થયું? નાનપણથી એ સમાજમાં જન્મ્યા, જ્યાં તીખી દાળ એમને મળતી હતી, અને એ ટેસ્ટથી એમનું મન જે છે એ ટેવાઈ ગયું. હવે તુવેરની દાળ મીઠી હોય તો સારી કે તીખી હોય તો સારી આવું તો કંઈ છે નહિ. પણ, તમને આવું લાગે એનું કારણ શું છે? તમારું મન એ રીતે projected થયું છે.
તો આ જે મનના projections છે ને એ તકલીફ ઉભી કરે છે. તો કંઈ જ સારું નથી. કંઈ જ ખરાબ નથી. અમારા લોકો માટે ગોચરીએ જાય ને તો સાધુ ભગવંતોને શું પૂછે? કેટલો આહાર લાવવાનો છે? પછી. રોટલી મળે તો રોટલી લાવે. રોટલા મળે તો રોટલા. ભાખરી મળે તો ભાખરી. ભાખરો મળે તો ભાખરો. બસ આટલો આહાર લાવવાનો છે. એ પ્રમાણે રોટલો, ભાખરી, ભાખરો બધું જે છે તે adjust કરી લઈએ. અને એની સાથે શું જોઈએ એ નક્કી નહિ. દાળ મળી જાય તો ઠીક છે. શાક મળી જાય તો ઠીક છે. નહીતર એમને એમ પાણી સાથે.
તો આપણે બધાથી પર છીએ. શરીરથી પર. મનથી પર. વચનથી પર. આ ધ્યાનને જ્યારે practically ઘૂંટવાનું થશે ત્યારે એક કડી બોલવાની થશે; અમૃતવેલની સજ્ઝાયમાં એ કડી આવે છે. બહુ સરસ છે. આજે કહી દઉં; કાલે યાદ રહે તો ભલે, નહિ તો ફરીથી બોલીશ; “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” એક શબ્દ ફેરવ્યો. ‘તુજ’ છે મેં ‘મુજ’ કર્યું. “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” હું બધાથી ભિન્ન છું. શરીર મારો સ્વભાવ નથી. મન એ પણ મારું સ્વરૂપ નથી. વચનયોગ એ મારું સ્વરૂપ નથી. કોઈ પણ પુદ્ગલ જે જડ છે એની જોડે મારે કોઈ સંબંધ નથી. અને છેલ્લે કહ્યું; “કર્મથી ભિન્ન મુજ રૂપ રે” કર્મ કોને લાગે? કોને લાગે? મારા ઉપર કર્મ બહુ લદાયેલા છે. ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે; “કર્મથી ભિન્ન મુજ રૂપ રે” કર્મ કોને ચોંટે? નિર્મલ આત્માને ચોંટે? આ કાર્મણ વર્ગણા બધે જ ફરતી હોય. સિદ્ધાત્માંને એ કાર્મણ વર્ગણા જે છે એ touch કરશે? કેમ? નિર્મળ આત્મતત્વ જે છે, એ કર્મથી ભિન્ન છે. રાગ-દ્વેષથી પણ ભિન્ન છે. રાગ અને દ્વેષ પણ તમારામાં નથી, તમારા મનમાં છે, તમારા ચિત્તમાં છે. તમારા સ્વરૂપની અંદર તમારા શુદ્ધ સ્વરૂપની અંદર નથી રાગનો ડાઘ. નથી દ્વેષનો ડાઘ.
રોજ સવારે બે હથેળી ભેગી કરો. સિદ્ધશીલાનો આકાર થાય. ‘નમો સિદ્ધાણં’ બોલો. સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ મારું છે. સિદ્ધ ભગવંત પાસે રાગ-દ્વેષ નથી. તો મારો જે શુદ્ધ આત્મા છે એમાં પણ રાગ-દ્વેષ નથી. મારા મનમાં, ચિત્તમાં રાગ-દ્વેષ આવે છે. આત્મા ઉપયોગ રૂપે છે. એ મનોયોગ સાથે ભળી જાય છે. અને એટલે કહે છે કે મને કર્મો લાગ્યા. મને રાગ-દ્વેષનો સ્પર્શ થયો.
તો બહુ મજાનું સિદ્ધ ભગવંતોનું ધ્યાન આવતી કાલે આપણે જોઈશું.