Shree Navpad Dhyan Surat Vachana – 42

8 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો

આત્માનુભૂતિ બે પ્રકારે થાય: ગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. સમભાવ, વીતરાગદશા, આનંદ – આ બધા આત્માના ગુણો છે. એ ગુણોની અનુભૂતિ થવી એ આત્મ-ગુણાનુભૂતિ. અને આત્મ-સ્વરૂપની અનુભૂતિ થાય; નિર્મલ, અખંડાકાર ચેતનાનો અનુભવ થાય એ આત્મ-સ્વરૂપાનુભૂતિ કહેવાય.

જો તમારી પાસે અનુભૂતિ નથી, તો તમારું જ્ઞાન બીજાને કદાચ કામમાંય આવે પરંતુ એ જ્ઞાન તમારા માટે તો નકામું જ થઇ ગયું. ગમે એટલું જ્ઞાન મેળવો, જ્યાં સુધી અનુભૂતિ નથી થઇ, ત્યાં સુધી મોહ તો અકબંધ જ રહેવાનો છે. મોહને શિથિલ કરવો હોય, તો એના માટે એક જ માર્ગ છે: અનુભૂતિ.

એવા શુદ્ધ આત્મતત્ત્વની અનુભૂતિ સિદ્ધ-ધ્યાન માં છે. તે ધ્યાતા નિજ આતમા, સિદ્ધ હોય ગુણખાણી રે. સિદ્ધ ભગવંતોનું ધ્યાન એવી રીતે થાય કે અત્યારે પણ તમારી ચેતના સિદ્ધ ભગવંતોની ચેતના સાથે જોડાઈ જાય અને એમનો જે આનંદ છે, એ આનંદની એક આંશિક રેખા તમને પણ મળે.

પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના ૪૨ (દિવસ ૮)

અરિહંત ધ્યાન પછી, સિદ્ધ ધ્યાન. પદોને ધ્યાનના સ્તર પર મુકવાની વાત શ્રીપાળ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી. અદ્ભુત એ વાત છે. શ્રીપાળરાસ શરૂ કર્યો વિનયવિજય મહારાજે. બહુ જ સરસ કથારસની એમની જમાવટ હતી. અધવચ્ચે રાસ આવ્યો; એમની તબિયત લથડી, ત્યારે એમને થયું; કે શું આ રાસ અધુરો રહી જશે? એમણે પોતાના મિત્ર મહોપાધ્યાય યશોવિજય મહારાજાને કહ્યું; કે અધુરો રાસ તમે પૂરો કરી આપજો. વિનયવિજય મ.સા. ના ગયા પછી શ્રીપાળ રાસ યશોવિજય મહારાજના હાથમાં આવ્યો. પછી તો એ ગુજરાતી ભાષાની સશક્ત સાધના કૃતિ બની ગયો. 

શ્રીપાળ રાસમાં છેલ્લે બહુ જ મજાની કડીઓ આવે છે; “તુઠ્યો તુઠ્યો રે, મુજ સાહિબ જગનો તુઠ્યો; એ શ્રીપાળનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુઠો” ઉપાધ્યાયજી ભગવંત કહે છે; “તુઠ્યો તુઠ્યો રે, મુજ સાહિબ જગનો તુઠ્યો” પરમાત્મા મારા ઉપર રીઝી ગયા. પરમાત્માનો પ્રસાદ મને મળ્યો. એ પરમાત્માનો પ્રસાદ કેવી રીતનો હતો? એની વાત એમણે કરી; “એ શ્રીપાળનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુઠો” આ શ્રીપાળ રાસ લખતા લખતા પ્રભુનો એવો પ્રસાદ, પ્રભુનો એવો પ્રેમ મારા પર વરસ્યો, કે મને અનુભૂતિની પ્રાપ્તિ થઇ. 

ઉપાધ્યાયજી ભગવંતે એમના જીવનમાં બીજે ક્યાંય statement નથી આપ્યું. કે મને આ ક્ષણે અનુભૂતિ થઇ. પણ, પહેલું જ statement આ આવ્યું; “એ શ્રીપાળનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુઠો” આ શ્રીપાળનો રાસ લખતાં લખતાં પ્રભુનો પ્રસાદ એવો તો ઉતર્યો, કે મને આત્માનુભૂતિ થઇ. શું થયું હશે? આપણે કલ્પી શકીએ, કે શ્રીપાળ કુમારની અદ્બુત સમતાનું આલેખન કરતાં કરતાં એ સમભાવની ધારામાં પોતે ચાલ્યા, એ સમભાવની અનુભૂતિ એમને થઇ. અને એમણે કહ્યું; કે મને આત્માનુભૂતિ થઇ. આત્માનુભૂતિ બે પ્રકારે થાય. ગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. સમભાવ, વિતરાગદશા, આનંદ આ બધા આત્માના ગુણો છે. એ ગુણોની અનુભૂતિ થઇ એ આત્મ-ગુણાનુભૂતિ. અને આત્મ-સ્વરૂપની અનુભૂતિ થાય, નિર્મલ ચેતના, અખંડાકાર ચેતના એનો અનુભવ થાય ત્યારે આત્મ-સ્વરૂપાનુભૂતિ કહેવાય. 

તો શ્રીપાળનો રાસ રચતા રચતા સમભાવની અનુભૂતિ એવી રીતે થઇ કે એમણે લખ્યું; કે મને આત્મ-ગુણાનુભૂતિ થઇ ગઈ. એ પછી અનુભૂતિનું માહાત્મ્ય એમણે બતાવ્યું. જ્યાં સુધી અનુભૂતિ ન મળે, ત્યાં સુધી મંડી પડો. કુદી પડો. અનુભૂતિ એ જ લક્ષ્ય છે. 

ઘણીવાર હું કો’ક મુનિરાજને પૂછું; શું ભણો છો? ત્યારે એ કહે; સાહેબ! પ્રશમરતિ પુરી થઇ હવે. એ વખતે હું કહું; કે ભાઈ તારા મોઢા ઉપર તો પ્રશમરતિ દેખાતી નથી. પ્રશમરતિનો શાબ્દિક અભ્યાસ તું કરી ચુક્યો છે પણ એ પ્રશમનો આનંદ તારી ભીતર આવ્યો નથી. આવેલો હોત તો તારા ચહેરા ઉપર એ દેખાત. તમને જ્ઞાનીના આનંદની અનુભૂતિનો ખ્યાલ બીજી રીતે ન આવે. પણ, એમનો ચહેરો જોઇને જરૂર આવે. 

આનંદમાં ડૂબેલ વ્યક્તિત્વ જે છે, એનો ચહેરો સદાય નિર્ભાર હોય છે. સતત પ્રસન્નતા.. એવું વ્યક્તિત્વ જ્યાં બેઠેલું હોય, એની આજુબાજુના વ્યક્તિઓ પ્રસન્ન બની જાય. તો અનુભૂતિ કરવી છે. સામાયિક કર્યા, બહુ સરસ. તમને ધન્યવાદ આપું. પ્રભુએ કહેલ અમૃત અનુષ્ઠાન તમે કર્યું. પણ, સમભાવની અનુભૂતિ કેટલી થઇ? કોઈ નિમિત્ત મળે અને તમે ગુસ્સે ન થાવ, સામી વ્યક્તિને નવાઈ લાગે, કે આટલું મોટું નિમિત્ત મળ્યું, અને આ માણસ શાંત કેમ છે? ત્યારે તમે કહો; કે પ્રભુની કૃપા, કે સામાયિક કરતાં કરતાં સમભાવની અનુભૂતિ થઇ છે. સમભાવની સ્પર્શના થઇ છે. અને એ સમભાવ એટલો તો સરસ લાગ્યો છે કે ક્રોધની ક્ષણોમાં જવાનું હવે શક્ય બનતું નથી. 

ઝુંપડામાં એક માણસ રહેતો હોય. પણ, લોટરી લાગી. બંગલો એને મળી ગયો. એ બંગલામાં રહેવા જાય છે. પછી મારું ઝુંપડું જતું રહ્યું; એ વાત એના હૃદયમાં હોતી નથી. ઝુંપડાની સામે એને બંગલો મળ્યો છે. ક્રોધની પીડાની સામે સમભાવનો આનંદ તમને મળે, પછી ક્રોધમાં જવાય ખરું? પેલાને કોઈ કહે; બંગલામાં રહેલો છે. કે ભાઈ ચાલ ને બંગલો છોડી દે, ઝુંપડામાં આવી જા. એ સ્વીકારશે? તો તમને એકવાર સમભાવના આનંદની અનુભૂતિ થવી જોઈએ. તો રોજ પ્રભુને પ્રાર્થના કરો; કે પ્રભુ! તારી કૃપાથી સાધના મને મળી. હવે એ સાધનાનો આનંદ પણ તારે મને આપવાનો. હું પૂજા કરતો જાઉં, અને મારો રાગ ખરતો જાય. 

આ અનુભૂતિનું માહાત્મ્ય બતાવતાં શ્રીપાળરાસમાં કહેવાયું; “પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો; જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે” હું આટલી હિંમત ન કરી શકું હો. કે તમારું જ્ઞાન બધાનું નકામું છે. પણ ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; “તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે” રસોઈ કેમ બનાવવી એનું જ્ઞાન છે. રસોડામાં બધી સામગ્રી હાજર છે. અને એ બેન જમવાનું બનાવતી નથી. ખાતી નથી. એમાં વાંક કોનો? અનુભૂતિ માટેનું રૉ મટીરીયલ પ્રભુએ તમને આપ્યું. 

૨૪ કલાકનું તમારું સામાયિક. આ સામાયિક શું કરે એમ નહિ, શું ન કરે એમ. એવી સમભાવની અનુભૂતિ તમારી પાસે હોય, કે નોકર ટી-પોટ લઈને આવતો હોય, સહેજ ઠોકર લાગી પડી ગયો. ટી- પોટ ફૂટી ગયો. ચા ગરમ-ગરમ હતી. એ વખતે તમે તમારા કર્મચારીને શું કહો? ભાઈ! ગરમ-ગરમ ચા હતી તારા શરીરે ક્યાંય બળતરા થતી નથી ને? શું પૂછો? મારો કિંમતી ટી-પોટ તે ફોડી નાંખ્યો. ચિનાઈ માટીનો હતો. કેટલો સરસ હતો. અને એ તે ફોડી નાંખ્યો. એ વાત નહિ. તને ક્યાંય ગરમ ચા નો સ્પર્શ થયો નથી ને? 

અમારી નવો નકોર તરપણી કોઈ મહાત્મા લઇ જાય વહોરવા માટે, એ વહોરીને આવતાં હોય, ગરમ ચા અંદર હોય, સહેજ પડી ગયા. તરપણી ફૂટી ગઈ. પણ અમે લોકો શું પૂછીશું? કે ભાઈ! આ ગરમ ચા થી તારી ચામડીને ક્યાંય નુકશાન થયું નથી ને? તું ક્યાંય બળ્યો નથી ને? બરોબર ને? મારી નવી નકોર તરપણી ફૂટી ગઈ. આ વાત જ ન આવે મનમાં. મારી ક્યાં છે? સંઘે વહોરાવેલી છે. અને સંઘે શા માટે વહોરાવેલી? મહાત્માઓના ઉપયોગમાં આવે માટે. 

તો સામાયિક કરતાં કરતાં આવો સમભાવ તમને સ્પર્શયો ખરો? નુકશાન જે થઇ ગયું તે થઇ ગયું. એ કંઈ પાછું આવવાનું નથી. પણ તમે એને પ્રેમ આપશો તો બીજીવાર એ ચીવટથી કામ કરશે. પત્નીના હાથે ઘીની બરણી છટકી ગઈ. કાચની બરણી હતી. ટુકડે-ટુકડા થઇ ગયા. ઘી આખું ફેલાઈ ગયું. એ વખતે પણ તમારો સમભાવ સહેજ પણ ઓછો થવો ન જોઈએ. 

ચાલો એક વાત તમને પૂછું; તમે કહો સાહેબ! ગુસ્સો આવે એ વખતે. બરોબર…! ગુસ્સો આવે. હવે એ ગુસ્સાથી થાય શું? મને કહો…! તમે પત્નીને પા કલાક ગુસ્સાથી કંઈક કહેશો; તું ખબર નથી રાખતી. ધ્યાન નથી રાખતી. આમ નથી કરતી. આમ નથી કરતી. પણ એનાથી તૂટી ગયેલી બરણી સાજી થવાની? તો તમને ક્રોધ કરવાની છૂટ આપું ચાલો. હું છૂટ આપું. શરત આટલી જ કે બરણી સાજી થવી જોઈએ. અને ઘી જે જમીન પર ફેલાઈ ગયું છે એ બરણીમાં પાછું આવી જવું જોઈએ. તો બરણી ફૂટી ગઈ એ ફૂટી ગઈ. ઘી ફેલાઈ ગયું એ ફેલાઈ ગયું. તમે એ વખતે પત્નીને એક જ વસ્તુ કહો; કે તને ક્યાંય લાગે નહિ એ જોજે. સાફ કરવા જાય ક્યાંય કાચની બરણીનો કાચ, એનો ટુકડો તને ક્યાંક લાગી ન જાય એની તું ખબર રાખજે. બોલો! આ બોલો, ને આ બોલો, સારું શું લાગે બોલો? સારું શું લાગે? 

“પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો” ગૌતમસ્વામી ભગવાન પાત્રીમાં ખીર લઈને આવ્યાં, અંગુઠો મુક્યો, પંદરસો તપસ્વીઓને ખીર વપરાવી દીધી. તો ખીરની અંદર ગૌતમસ્વામીનો અંગુઠો ગયો. અને એ ખીર વધવા જ લાગી. વધવા જ લાગી, વધવા જ લાગી. “જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો” જેમ-જેમ તમે જ્ઞાન પ્રાપ્ત કરો, તેમ અનુભૂતિ તમને થવી જોઈએ. જ્ઞાનસાર ભણ્યાં. એના એક-એક અષ્ટક પ્રમાણે અનુભૂતિ તમને થવી જોઈએ. પહેલું અષ્ટક જ્ઞાનસારનું “પૂર્ણાસ્ટક” તમે પૂર્ણ છો. આ પૂર્ણતાની અનુભૂતિ તમને થવી જોઈએ. તમે બધા સ્વયં સંપૂર્ણ છો. અને તમે તો છો જ. બરોબર?

તમારા શરીરને રોટલી દાળ જોઈએ, અપાઈ જાય. તમારા મનને કશું જ જોઈતું નથી. જેને કંઈક જોઈએ છે એ માણસ દરિદ્ર છે. આ જોઈએ છે મળતું નથી. હીનતાનો ભાવ આવી ગયો. પણ જેને કંઈ જોઈતું જ નથી એ? સમ્રાટ… તમે બધા સ્વયં સંપૂર્ણ છો. તો “જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો” જેમ-જેમ જ્ઞાન પ્રાપ્ત કરો, એ જ્ઞાનની ખીરમાં અનુભવનો અંગુઠો મુકાય, એટલે ખીર વધતી જ ચાલે, ખીર વધતી જ ચાલે, ખીર વધતી જ ચાલે. “જ્ઞાનમાંહી તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે”. જો તમારી પાસે અનુભૂતિ નથી. તો જ્ઞાન તમારા માટે તો નકામું થઇ ગયું. તમારું જ્ઞાન બીજાને કદાચ કામમાં ય આવે. પ્રવચન આપો તો. પણ  તમારા માટે શું? 

પછી બહુ મજાની વાત કરી. કે મોહ અનંતા જન્મોથી આપણને હેરાન-પરેશાન કરે છે. અને મોહને કારણે જ સાધના દિશામાં આપણે આગળ વધી શકતા નથી એ મોહને પરાસ્ત કોણ કરે? બહુ જ પ્યારા શબ્દો ગુજરાતી ભાષામાં. “હરવ્યો અનુભવ જોર હતો જે, મોહ મલ્લ જગ બાઠો; ફરી ફરી તેહના મર્મ દાખવી, ભારે કીધો ઉપરાઠો રે” અનુભવ મોહને હરાવી નાંખે. એટલે જ્ઞાન ગમે એટલું મેળવશો, અનુભૂતિ નથી થઇ તો મોહ જે છે એ એમને એમ રહેવાનો છે. અકબંધ. મોહને શિથિલ કરવો હોય, તો એના માટે એક જ માર્ગ છે; અનુભૂતિ. આત્માની અનુભૂતિ થાય, તો પર પ્રત્યેનો રાગ છૂટી જાય. હું એટલે ચૈતન્યઘન આત્મા છું. આ પણ હું નથી. તો આના પરનો રાગ પણ જતો રહે. તો મોહ ગયો કેમ? આત્માનુભૂતિ થઇ માટે. 

એ શુદ્ધ આત્મ-તત્વની અનુભૂતિ સિદ્ધ ધ્યાનમાં છે. એની કડી શ્રીપાળ રાસમાં આવી; “રૂપાતીત સ્વભાવ જે, કેવલદંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, સિદ્ધ હોય ગુણખાણી રે” સિદ્ધોનું ધ્યાન કરો ! તમે સિદ્ધ બની જાવ. 

ગીતમાં શબ્દો છે; “અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. પણ અરિહંતનું ધ્યાન કરો અને અત્યારે તમારી ચેતના અરિહંત પ્રભુ સાથે જોડાઈ જાય. સિદ્ધ ભગવંતોનું ધ્યાન એવી રીતે થાય, કે અત્યારે તમારી ચેતના સિદ્ધ ભગવંતોની ચેતના સાથે જોડાઈ જાય. સિદ્ધ ભગવંતોનો જે આનંદ છે, એ આનંદની એક આંશિક રેખા તમને મળે. 

યોગશાસ્ત્રમાં આપણે શરૂઆત કરીએ; પહેલા-બીજા પ્રકાશોથી. બારમો પ્રકાશ અદ્ભુત છે. બારમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞે પહેલાં જ કહ્યું; કે અત્યાર સુધી ગુરુ પાસેથી મળેલું, અને સાંભળેલું મેં કહ્યું છે. હવે મેં જે અનુભવ્યું છે, એની વાત હું કહું છું. અને એમાં એમણે કહ્યું; “મોક્ષોસ્તુ યદિ વા મા વા” મોક્ષ હમણાં હોય કે અથવા ન હોય. હું અત્યારે ધ્યાનદશામાં સિદ્ધ ભગવંતોના આનંદનો એક આંશિક અનુભવ કરી શકું છું. કોઈ ચિંતા હવે નથી કે મોક્ષ ક્યારે મળશે? આ જ જીવન મુક્તિ. સ્વશરીર મુક્તિ. એ જીવન મુક્તદશાની વાત પણ ક્યારેક કહીશ. બહુ જ મજાની છે. 

પંચવિંશતિકા મહોપાધ્યાયજીએ તો કહ્યું; કે એક વર્ષનો દીક્ષા પર્યાય થાય, એટલે જીવન મુક્તદશા મળી જાય. એટલે હું ઘણીવાર કહું છું; કે જીવન મુક્તદશા ન મળી હોય તો આપણો દીક્ષા પર્યાય એક વર્ષનો નથી થયો એવું માનવાનું. વ્યવહારથી ભલે ૨૫ વર્ષ થયા, નિશ્ચયથી એક પણ વર્ષ થયું નથી. 

સિદ્ધ ભગવંતોના ધ્યાન માં આપણે જવું છે. આંખો બંધ. શરીર ટટ્ટાર. એક કડી હું બોલવું છું, તમારે બોલવાની. “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે” “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે” “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” મારું સ્વરૂપ કેવું છે? હું શરીર નથી. હું મન નથી. Beyond the body. Beyond the mind. હું શરીર નથી. હું મન નથી. હું શબ્દ નથી. અને કોઈ પણ પુદ્ગલ એ મારું સ્વરૂપ નથી. એ મકાનના પુદ્ગલો હોય, કે સંપત્તિના પુદ્ગલો હોય, એક પણ પુદ્ગલ એ મારું સ્વરૂપ નથી. “કર્મથી ભિન્ન મુજ રૂપ રે”. કર્મ પણ મારા મૂળભૂત સ્વરૂપને લાગી શકતું નથી. મારું મૂળ સ્વરૂપ કર્મથી પણ પર છે. એટલે કે રાગ-દ્વેષથી પણ પર છે. રાગ અને દ્વેષ મનને થાય છે. મને નહિ. હવે પાંચ મિનિટ શાંત ચિત્તે બેસવું છે. એક પણ વિચાર ન આવવો જોઈએ. વિચાર આવશે ને તો તમને કોઈ પણ પુદ્ગલમાં લઇ જશે. આપણે પુદ્ગલમાં જવું નથી અત્યારે. અને વિચાર પોતે પણ પુદ્ગલ છે, મનોવર્ગણાનું. એટલે શાંત ચિત્તે બેસો. શ્વાસ ધીમે ધીમે લો, શ્વાસ ધીમે ધીમે છોડો. પણ એના ઉપર પણ ધ્યાન નથી આપવાનું. એ શ્વાસની રીધમ ચાલ્યા કરશે. તમારું મન પાંચ મિનિટ માટે બિલકુલ શાંત જોઈએ. 

યાદ રાખો તમારી જાગૃતિ, તમારી awareness એ જ ધ્યાન માટે બહુ જ જરૂરી છે. એક પણ વિચાર આવે, એને હટાવી દેવાનો. ન હટે એ વિચાર તો એક ઊંડો શ્વાસ લઇ, જોરથી એને છોડવાનો. બીજો ઊંડો શ્વાસ લઇ, જોરથી એને છોડો. એટલે વિચારની સાઈકલ તુટી જશે. ન વિચાર. ન નિદ્રા. જ્યાં સુધી ચિત્ત શાંત નહિ થાય, વિચારો વગરનું નહિ થાય, ત્યાં સુધી ધ્યાન નહિ થઇ શકે. એટલે મેં પહેલા તમને દસ મિનિટવાળી પ્રક્રિયા બતાવેલી. કે વિચારોથી મુક્ત કઈ રીતે થવાય. તો અત્યારે શાંત ચિત્તે બેઠા છો. કોઈ ઘટના ઘટિત થતી નથી. એટલે એમ વિકલ્પો, વિચારો નહિ આવે. પણ ભૂતકાળની સ્મૃતિમાંથી કોઈ વિચાર આવશે. ભવિષ્યકાળનો કોઈ આવશે. એક પણ વિચાર આવે, સાવધાન બની જાવ. જાગૃત બની જાવ અને વિચારને તોડી નાંખો. વિચાર જ્યાં પૂરો થાય છે, ત્યાંથી ધ્યાન શરૂ થાય છે. 

હવે બીજા કોઈ વિચારો નથી. અને શ્રીપાળ રાસની કડી આપણી સામે છે; “રૂપાતીત સ્વભાવ જે” હું અરૂપી છું. જ્યોતિર્મય છું. ચૈતન્યદશા છું. પણ, અરૂપી છું. ‘રૂપાતીત સ્વભાવ જે’ હું અરૂપી છું. અને મારે મારા એ અરૂપી પણાનો, એ જ્યોતિર્મયતાનો, એ ચૈતન્યદશાનો આનંદ અત્યારે અનુભવવો છે. જો વિચાર નથી. નિદ્રા નથી, તો તમે આ ધ્યાનદશામાં તમારી ચેતનાને સિદ્ધ ભગવંતો સાથે જોડી શકશો. અને સિદ્ધ ભગવંતોનો જે આનંદ છે, એ આનંદની એક નાનકડી આવૃત્તિ તમારા હૃદયમાં અંકિત થશે. તમને અનુભવ થશે. અત્યાર સુધી પીડાનો અનુભવ કર્યો છે. હવે આનંદનો અનુભવ કરવાનો છે. ધ્યાન એટલે જ આનંદ. 

તમે આનંદઘન છો ! અને સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરતાં તમારી એ આનંદઘનતા એકદમ સહજ રીતે પ્રગટ થશે. તમે આનંદઘન છો. તમે જ્યોતિર્મય છો. તમે શરીર નથી ! મન નથી ! વચન નથી ! તમે બધાથી પર છો ! તમે માત્ર જ્યોતિર્મય છો ! તમે માત્ર ચૈતન્યદશામાં વિહરી રહ્યા છો. આ અનુભવ એક મિનીટ – બે મિનીટ કરો ! 

ઊંઘ ન આવે એની બરોબર સાવધાની રાખો. તમે અરૂપી છો ! જ્યોતિર્મય છો ! ચૈતન્ય-સ્વરૂપ છો ! શરીર તો જડ છે. ચૈતન્ય-રૂપ તો તમે જ છો. તમારા કારણે જ શરીરમાં હલન-ચલન થાય છે. જ્યારે આપણે શરીરમાં નહિ હોઈએ ત્યારે શરીર જડ પડ્યું રહેવાનું છે. તમે શરીરથી ઉપર, મનથી ઉપર, શબ્દોથી ઉપર, જ્યોતિર્મય છો ! આ તો બહુ થોડા સમય માટે લીધું. દસ – પંદર – વીસ મિનિટ આ ધ્યાન ચાલે તો તમને એવો અનુભવ થાય, કે કમસેકમ બે-ચાર દિવસ સુધી તો તમે એ આનંદને ભૂલી ન શકો. આંખો ખોલી શકો છો…..! 

સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. 

આવતી કાલથી ત્રણ દિવસ માટે વાચના માંગલિક છે. પ્રવચન રાબેતા મુજબ ચાલશે. આઠમના આપણી વાચના પાછી શરૂ થશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *