વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આચાર્ય પદ
આગમધર. સદ્ગુરુ માત્ર મનના સ્તર પર નહિ, પણ પૂરા અસ્તિત્વના સ્તર પર પ્રભુના આગમોને ધારણ કરનારા હોય છે. મનના સ્તર પર, સ્મૃતિના સ્તર પર, આગમોને કંઠસ્થ કરી લેવા એ બહુ મોટી વાત નથી; સદ્ગુરુના તો અસ્તિત્વમાં પ્રભુના એ શબ્દો જડાઈને જીવનમંત્ર બની ગયા હોય છે.
સમકિતી. ચોથા ગુણઠાણે પણ સમ્યગ્દર્શન, પાંચમે પણ, છઠ્ઠે પણ અને સાતમે પણ સમ્યગ્દર્શન છે. ફરક ઉદાસીનદશાનો છે. સદ્ગુરુ છઠ્ઠા કે સાતમા ગુણઠાણે છે. સાતમે ગુણઠાણે સંપૂર્ણ ઉદાસીનદશા. જગતની કોઈ ઘટના જોડે કોઈ જ સંબંધ નથી. કોઈ ઘટના એમને સ્પર્શતી નથી. સબમેં હૈ ઔર સબમેં નાહી, તું નટરૂપ અકેલો.
_ કિરિયા સંવર સાર. આશ્રવની કોઈ ક્રિયા ત્યાં નથી; માત્ર સંવર, માત્ર નિર્જરા. વળી, સદ્ગુરુ સંપ્રદાયી_ એટલે કે પરંપરાને ચુસ્ત વફાદાર છે. જેને કંઈ જ જોઈતું નથી, એવા નિઃસ્પૃહ – અવંચક – છે. અને પવિત્ર એવી આત્માનુભૂતિને ધારણ કરનારા – શુચિ અનુભવ ધાર – છે.
પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના – ૪૩ (દિવસ – ૯)
શાશ્વતી નવપદજીની ઓળીમાં દેવતત્વની આરાધના થયા પછી ગુરુતત્વની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે.
આચાર્ય ભગવંત એક સદ્ગુરુ કેવા હોય, એની મજાની વાત પૂજ્યપાદ આનંદઘનજી મહારાજે પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં એક કડીમાં આપી; “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે” “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે” છ વિશેષણો દ્વારા સદ્ગુરુનો મહિમા આપણને બતાવ્યો.
પહેલું વિશેષણ – આગમધર ગુરુ. સદ્ગુરુ પ્રભુના આગમોને ધારણ કરનારા હોય છે. માત્ર મનના સ્તર પર નહિ, પણ પૂરા અસ્તિત્વના સ્તર પર પ્રભુના આગમોને ધારણ કરનારા સદ્ગુરુ હોય છે. મનના સ્તર પર, સ્મૃતિના સ્તર પર, આગમોને કંઠસ્થ કરી લેવા એ બહુ મોટી વાત નથી. પણ પ્રભુના એ શબ્દો અસ્તિત્વમાં જડાઈ જાય. એ પ્યારા શબ્દો પ્રભુના એ જીવન મંત્ર બની જાય!
પૂજ્યપાદ જયઘોષસૂરિ દાદા આવા જ આગમધર મહાપુરુષ હતાં. અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દો ઉતરેલા હતાં અને એથી આટલું જ્ઞાન હોવા છતાં અહંકારની રેખા એમના જીવનમાં જોવા ન મળે. એકવાર ગુરુદેવ પટ્ટની આરાધના કરવા માટે બેઠા છે, સૂરિમંત્રનો પટ્ટ ખોલેલો છે, વાસક્ષેપ એના ઉપર નંખાઈ ગયો છે, સાહેબજીના હાથમાં નવકારવાળી છે, સાહેબજી મંત્ર ગણવાની તૈયારીમાં છે, એ વખતે એક મુનિરાજ આવે છે, ગુરુદેવને વંદના કરે છે. આ ગીતાર્થ ગુરુદેવ face reading ના master હતાં. સાહેબને એ મુનિરાજનો ચહેરો જોતા ખ્યાલ આવી ગયો કે આ કોઈક પ્રશ્ન પૂછવા માટે આવ્યો છે. એટલે પેલા મુનિરાજ વંદન પૂરું કરીને બેઠાં. ગુરુદેવે કહ્યું; બોલ તારે શું પૂછવું છે? મુનિરાજે કહ્યું; આપ સાહેબજી પટ્ટ ગણવા માટે બેઠા છો. આપનું એ આરાધનાનું કામ પતી જાય પછી હું આવું. એ વખતે એ ગુરુદેવના શબ્દો હતાં, કે મારા પટ્ટમાં પરમેષ્ઠી છે, પણ તું જીવંત પરમેષ્ઠી છે.
તમે પરમેષ્ઠી ને? સંસ્કૃત ભણેલા છો બધા. ‘પરમે તિષ્ઠતિ ઇતિ-પરમેષ્ઠી’ જે માત્ર પરમમાં જ રહે, જેનું મન, જેનું હૃદય, જેનું અસ્તિત્વ માત્ર અને માત્ર પરમમાં રહે, શરીર કદાચ પરમાં હોય, પણ મન તો નહિ જ. મન તો માત્ર પરમમાં, માત્ર એની આજ્ઞામાં જ હોય. 24 કલાક. તો તમને અને તમને કેટલી મોટી પદવી આપવામાં આવી! પરમેષ્ઠી! હવે તમારે માત્ર પરમમાં રહેવાનું.
તો ગુરુદેવે કહ્યું; તું જીવંત પરમેષ્ઠી છે. હું તારી અવગણના કરું તો પટ્ટમાં બેઠેલા મારા પરમેષ્ઠી જતાં રહે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની અવગણના શી રીતે થઇ શકે?! તારો પ્રશ્ન મજાથી બોલ, હું જવાબ આપુ. આ શું હતું? પ્રભુના શબ્દો હાડોહાડ પરિણમેલા હતાં. તો પહેલું વિશેષણ – આગમધર ગુરુ.
બીજું વિશેષણ છે – સમકિતી, સમ્યગ્દર્શનથી યુક્ત. તમને થાય કે ચોથે ગુણઠાણે સમ્યગ્દર્શન મળી જાય. સાહેબજી તો છટ્ઠે અને સાતમે છે. તો અહીંયા સમ્યગ્દર્શનની વાત કેમ કરો છો? તો બહુ જ ઊંડાણ છે આમાં. વ્યવહાર સમ્યક્ત્વથી નિશ્ચય સમ્યક્ત્વ સુધીની આખી યાત્રાનું આમાં વર્ણન છે. સમ્યગ્દર્શન મળે એટલે પ્રભુએ કહ્યું છે, એવી જ રીતે પદાર્થોને, વ્યક્તિઓને તમે જુઓ. એટલે પદાર્થોમાં રાગ ન હોય, વ્યક્તિઓ પ્રત્યે ક્યારેય પણ તમને તિરસ્કાર ન હોય. હવે ચોથા ગુણઠાણે દર્શનમોહનીયનો ક્ષયોપશમ કે ક્ષય થયો, ચારિત્ર મોહનીય બેઠેલું છે. એ ચારિત્ર મોહનીય જે છે, એ ધીરે ધીરે ધીરે ક્ષયોપશમ ભાવમાં ન જાય, ત્યાં સુધી જડ પ્રત્યેનો રાગ સદંતર જતો નથી. માન્યતાના સ્તરે આવી ગયું કે જડ પરનો રાગ ન જોઈએ. આવી ગયું ને? દીક્ષા લીધી ત્યારથી? અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સંયોગોમાં ધિક્કારવાનો નથી.
તો ચોથા ગુણઠાણે પણ સમ્યગ્દર્શન, પાંચમાં ગુણઠાણે પણ સમ્યગ્દર્શન છે. ફરક શો પડ્યો? ઉદાસીનદશા ઉમેરાઈ. છટ્ઠે એથી પણ વધુ ઉદાસીનદશા ઉમેરાઈ. સાતમે સંપૂર્ણ ઉદાસીનદશા. જગતની કોઈ ઘટના જોડે કોઈ સંબંધ નથી.
આપણે ત્યાં પરંપરામાં એક મજાની ઘટના આવે છે. એક સાધ્વી વૃંદ પાંચ – સાત ઠાણાનું એક નગરમાં ચાતુર્માસ માટે આવે છે. એ નગર નાનકડું રજવાડાનું પ્રમુખ કેન્દ્ર હતું. રાજા પણ એ નગરમાં હતો અને પ્રશાસન પણ ત્યાંથી ચાલતું. સાધ્વીજી ભગવતીઓ બહેનોની સામે પ્રવચન આપતાં. એમાં રાજકુમારી પ્રભંજના એમના પ્રવચનમાં આવવા લાગી. પછી એમની પાસે તત્વજ્ઞાન શીખવા લાગી. દીકરી ઉંમરલાયક થયેલી. એટલે રાજાએ વિચાર કર્યો કે એને લાયક મૂરતિયો ક્યાંય મળતો નથી. તો શું કરવું? એ યુગમાં સ્વયંવરની પ્રથા પ્રચલિત હતી કે સ્વયંવર મહોત્સવ માટે રાજકુમારોને-રાજાઓને આમંત્રણ આપવામાં આવે. રાજકુમારી એ મંડપમાં ફરે અને જેના કંઠમાં વરમાળા આરોપે એ રાજકુમારીનો પતિ બને. સ્વયંવર મંડપની તારીખ નક્કી થઇ ગઈ. આમંત્રણ બધે મોકલાઈ ગયું. અને એ નાનકડા નગરની અંદર સેંકડો રથો રાજાઓના, રાજકુમારો ફરવા લાગ્યાં. ગામ બહાર મોટા મોટા સામિયાણા, મંડપો બંધાવવા લાગ્યાં. સાધ્વીજી ભગવતીઓ દેરાસરે કે વહોરવા માટે જાય, ત્યારે જુએ સેંકડો રથો આમથી આમ ફરી રહ્યા છે. ગામ બહાર જવાનું થાય ત્યારે પણ ખ્યાલ આવે કે મોટા મોટા મંડપો બંધાઈ રહ્યા છે. પણ, એક પણ સાધ્વીજીને એ જાણવાની ઈચ્છા નથી થતી કે આ શું છે? પરની દુનિયામાં બધું બન્યા કરે. પરની દુનિયા જોડે મુનિને કોઈ સંબંધ નથી.
જ્ઞાનસારમાં કહ્યું; “मन्यते यो जगत्तत्वम्, स मुनि: परिकीर्तित” જે જગતની ઘટનાઓને માત્ર જાણી લે, એ ઘટનાઓનો સ્પર્શ જેને ન થાય- એ મુનિ. ઘટનાઓમાં involve થવાની વાત તો છે જ નહિ, પણ ઘટનાનો સ્પર્શ પણ થવો ન જોઈએ!
જે દિવસે સ્વયંવર મહોત્સવમાં જવાનું હતું. એ દિવસે રાજકુમારી દેરાસરે ગઈ, આંખમાં આંસુ છે કે પ્રભુ તારા માર્ગ ઉપર હું આવી શકતી નથી, સંસારમાં પડી રહી છું, પણ તું મને સાચવજે. સાધ્વીજી ભગવતી પાસે આવ્યાં. વંદન કર્યું. રાજકુમારીની એક સખીએ કહ્યું; કે આજે બેન બા નો સ્વયંવર મહોત્સવ છે અને એમાં એ જઈ રહ્યા છે. મુખ્ય સાધ્વીજીએ એટલું જ કહ્યું; કે આ જન્મ માત્ર અને માત્ર પ્રભુને પામવા માટે છે. કદાચ સંસારમાં પડવું પડે તો પણ શ્રાવકના ચહેરા ઉપર એ વખતે ખુશી ન હોય. આટલા જ વાક્યો..! રાજકુમારી ત્યાં ને ત્યાં બેસી ગઈ. હું શું કરું છું? આવો જન્મ મને મળ્યો ! અને એ જન્મને મારે વેડફી નાંખવો છે ! એ જ ધારામાં…. ત્યાં ને ત્યાં કેવલજ્ઞાન…!
પણ એ સાધ્વીજી ભગવતીઓ દુનિયાથી કેટલી બેખબર હતી! હવે મારું એક સૂત્ર છે- તમે દુનિયાથી જેટલા બેખબર, દુનિયાથી જેટલા દૂર, તેટલા જ તમારી અંદર. તમારે તમારી ભીતર પણ જવું છે અને દુનિયામાં પણ involve થવું છે; બે તો સાથે શક્ય છે જ નહિ! એક જ વસ્તુ પસંદ કરો. બહાર અનંતા જન્મોમાં રહ્યા. શું આ એક જન્મ આપણે પ્રભુને નહિ આપીએ? તમે ત્યાં રહીને, શ્રાવકપણામાં રહીને પણ એવી આરાધના કરો, કે પરમાત્મા સાથેનો તમારો સંબંધ અવિચ્છિન્ન બને અને એટલે ઘટનાઓ સાથેનો સંપર્ક તમારો તૂટી જાય.
‘આગમધર ગુરુ સમકિતી’ તો સદ્ગુરુ છટ્ઠા કે સાતમા ગુણઠાણે છે. ઉદાસીનદશામાં. દુનિયાની કોઈ ઘટના એમને સ્પર્શતી નથી. આનંદઘનજી ભગવંતે કહ્યું; “સબ મેં હે ઔર સબ મેં નાહી, તું નટ રૂપ અકેલો” એક સાધકને ખ્યાલ છે કે આ મારું વસ્ત્ર છે. એટલા માટે ખ્યાલ છે કે એણે બે ટાઈમ પ્રતિલેખન એનું કરવાનું છે. પણ, મમત્વના સંદર્ભમાં, એક પણ પદાર્થમાં કે એક પણ વ્યક્તિમાં સાધક નથી.
ત્રીજું વિશેષણ આપે છે – કિરિયા સંવર સાર. આશ્રવની ક્રિયા ઉપર ચોકડી મુકાઈ ગઈ. માત્ર સંવર. માત્ર નિર્જરા. સંવર એટલે આવતાં કર્મોને અટકાવવા અને નિર્જરા એટલે આત્મપ્રદેશો સાથે ચોંટેલા કર્મના અણુઓને દૂર કરવા. આશ્રવની કોઈ ક્રિયા અહીંયા નથી.! ‘કરેમિ ભંતે સામયિઅં’ લીધું, સામાયિકમાં અમે આવી ગયા. સામાયિકમાં આશ્રવ હોતો નથી. સામાયિકદશામાં માત્ર સંવર હોય. કારણ કે ત્યાં માત્ર આત્માનુભૂતિ છે. સમભાવ એ આત્માનો ગુણ છે. તમે એ ગુણનો અનુભવ કરો છો. એટલે એ રીતે તમે આત્માનુભૂતિ કરી રહ્યા છો. તમે પણ સામયિકમાં બેસો. બધા જ સંપર્કો છોડીને બેસી જાવ. શર્ટ કાઢેલું છે, સામયિક લેતાં પહેલા. ખિસ્સામાં મોબાઈલ છે. Off કરવાનું ભુલી ગયા. સામાયિક લેવાઈ ગયું. અને મોબાઈલની ઘંટડી વાગવા લાગી. એ વખતે તમારા મનમાં એક જિજ્ઞાસા પણ થવી ન જોઈએ, કે કોનો ફોન આવ્યો હશે? જેનો હોય તે. અત્યારે હું બધાથી પર છું. સામાયિકનો આનંદ તમને પણ મળે. ક્યારે મળે? જ્યારે તમે બિલકુલ પરભાવથી દૂર થઇ જાવ ત્યારે. તો ત્રીજું વિશેષણ – કિરિયા સંવર સાર રે.
ચોથું વિશેષણ – સંપ્રદાયી. પરંપરાને ચુસ્ત રીતે વફાદાર. બહુ મજાની વાત છે. કોઈ પરંપરા આપણે ત્યાં ચાલતી હોય, તો બુદ્ધિને બહાર લાવીને એ પરંપરાને તોડવાનું પાપ ક્યારેય પણ કરતાં નહિ. કેટલી સરસ પરંપરાઓ આપણી પાસે છે.
રાજસ્થાન સિરોહી જીલ્લામાં પાડીવમાં મારું ચાતુર્માસ હતું. સંવત્સરી પર્વના દિવસે એક ચડાવો બોલ્યો કે આવતી કાલે દ્વાર પૂજનનો ચડાવો. ચડાવો બોલાઈ ગયો. સર્વમંગલ થઇ ગયું. પછી મેં અગ્રણી ભાઈને પૂછ્યું; કે આ પરંપરા તમારા ત્યાં કેટલા વર્ષોથી ચાલુ છે? કારણ કે ગુજરાતમાં ક્યાંય પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન હોતું નથી. મને કહે સાહેબ! જુના ચોપડાઓ નીકળ્યા. એમાં ૧૦૦ વર્ષ પહેલાં ના ચોપડામાં પણ આ ચડાવો લખેલો છે. એ ભાઈને ખબર નહતી કે શા માટે પારણા પાંચમના દિવસે દ્વાર-ઉદ્ઘાટન કરવું? હું એકદમ TRADITINALIST છું. પરંપરાવાદી. કોઈ પરંપરાને સમજ્યા વિના ક્યારેય પણ એના વિશે કંઈ બોલું પણ નહિ. કંઈ કરું પણ નહિ. માત્ર પરંપરાને સમજવાની કોશિશ કરું. તો એ દિવસે મેં વિચાર કર્યો; કે શા માટે પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન? તરત જ જવાબ મળી ગયો કે પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદ્ઘાટન કેમ કરીએ છીએ? પ્રતિષ્ઠાના દિવસે હજારો લોકો પ્રભુની પાસે આવેલા હોય. કહેવાતો નાસ્તિક હોય, એ પણ આવેલો હોય અને પ્રભુના ચરણોમાં પોતાની શ્રદ્ધાના પુષ્પો એણે અર્પિત કર્યા હોય. રાત્રે વિધિપૂર્વક મંદિરને બંધ કરવામાં આવે. આખી રાત શું થાય? પ્રભુના દેહમાંથી નીકળતી ઉર્જા, અને હજારો ભકતોની શ્રદ્ધાની ઉર્જા, એ બેય ત્યાં આગળ રહ્યા કરે. સવારે જેણે લાભ લીધો હોય દ્વારોદ્ઘાટનનો, એ જ પહેલા જાય. વિધિકારક પણ કહી દે, મ.સા. પણ અંદર હમણાં નહિ જાય. પહેલાં લાભાર્થી પરિવાર જશે, કાજો લઇ લેશે, અને પછી બધા જશે. આશય એ હતો, કે જે પેલા પરમાણુઓ આખી રાત ઘુમરાઈ – ઘુમરાઈને એકદમ સશક્ત બનેલા એનો સ્પર્શ સીધો લાભાર્થી પરિવારને મળે.
તો મને જવાબ મળી ગયો કે સંવત્સરીક પર્વના દિવસે આ જ રીતે હજારો લોકો આવેલા હોય, પોતાની શ્રદ્ધા પ્રભુના ચરણોમાં અર્પિત કરી હોય. એ શ્રદ્ધાના આંદોલનો મંદિરમાં ઘુમરાતા હોય.. પ્રભુની ઉર્જા તો સતત નીકળે છે, એ તો નીકળવાની જ છે. પણ, એ દિવસે વધારામાં હજારો ભક્તોની શ્રદ્ધાના આંદોલનો પણ ઉમેરાયા. એટલે એક નવો ચાર્મ. નવો ટેસ્ટ પેદા થયો. તો સંવત્સરીક પર્વના દિવસે હજારો લોકો આવેલા હોય. બીજા દિવસે દ્વારોદ્ઘાટન થાય તો લાભાર્થી પરિવારને આ લાભ મળે. તો પરંપરાને સમજવાની કોશિશ કરવાની, પણ કોઈ પરંપરાને ઉખાડવાની કોશિશ કયારેય પણ નહિ કરવી. સંપ્રદાયી; સંપ્રદા એટલે પરંપરા, અને એ પરંપરાને વફાદાર.
પાંચમું વિશેષણ – અવંચક સદા. બિલકુલ નિ:સ્પૃહ. જેમને કંઈ જોઈતું જ નથી. તમે આગ્રહ કરીને પૂછો; સાહેબજી કંઈક તો લાભ આપો. ત્યારે કહેશે; ધર્મલાભ. તમે કહો સાહેબજી એ તો છે જ, પણ આપની સેવાનો વિશેષ લાભ મને આપો. એવી કોઈ વસ્તુ હું લાવી શકું; કે જેનાથી આપનું સંયમી જીવન વધુ સારી રીતે ચાલી શકે. તો આવો કોઈ મને લાભ આપો. તો ગુરુદેવ કહી દે; પ્રભુએ એટલું બધું અનહદ આપ્યું છે કે હવે કંઈ જોઈએ એમ છે નહિ.
અને છેલ્લું વિશેષણ – શુચિ અનુભવ ધાર રે. પવિત્ર જે આત્માનુભવ, આત્માનુભૂતિ એને ધરનારા આ સદ્ગુરુ છે. ઉપાધ્યાય પદની પૂજામાં એક બહુ સરસ સાધના અપાઈ છે. અમારા માટે તો એ છે જ. તમારા માટે પણ એ સાધના છે. પદ્મવિજય મ.સા લખે છે. “સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો” ગુરુ કોઈ શિષ્યને સ્મારણા કરાવે. બેટા! આજે તારો સ્વાધ્યાય થઇ ગયો? આજે ધ્યાન તારું થઇ ગયું? પ્રેમથી પૂછે; સ્મારણા. ક્યારેક ગુરુને લાગે; કે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈક એ કરે છે, તો તરત કહી દે, “નહિ બેટા! એ નથી કરવાનું, ત્યાં નથી જવાનું, પ્રભુની આજ્ઞામાં જ રહેવાનું છે.” એ વારણા. કદાચ એવું કહેવા છતાં પણ એ ન માને તો ચોયણા. કડક શબ્દોમાં. દીક્ષા કેમ લીધી છે? શાના માટે દીક્ષા લીધી છે? સુખશેલિયા પણાથી માણવા માટે દીક્ષા લીધી છે? કે કષ્ટો વેઠવા માટે દીક્ષા લીધી છે? આ રીતે કડક શબ્દોમાં કહે અને ક્યારેક તો સદ્ગુરુ આપણને સ્પર્શ આપે. ગાલ પર તમાચ આપે એટલે શું થાય? સદ્ગુરુનો સ્પર્શ.! ગમે ને? સદ્ગુરુ બોલે ત્યારે તો કાનને સ્પર્શ થાય, શબ્દોનો. પણ ઠોકે ત્યારે? મજા આવી જાય. આખી પરિભાષા બદલી નાંખો. સદ્ગુરુએ લાફો માર્યો એમ નહિ. સદ્ગુરુનો સ્પર્શ મને મળ્યો. એ આખો દિવસ આમ આનંદમાં એવો જાય કે વાહ ! સદ્ગુરુની કેવી કરુણા! મને સ્પર્શ આપ્યો!
સ્વામી દયાનંદજી હતાં ને, એમના ગુરુ હતા વીરજાનંદજી. એકવાર વીરજાનંદજી સ્નાન કરીને આશ્રમે આવ્યાં. આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ હતાં. વારાફરતી એક વિદ્યાર્થી આશ્રમની સાફ-સૂફી કરતો. ગુરુ આવ્યાં આશ્રમમાં, પહેલાં જ જે રૂમમાં ગયાં, કચરો દેખાણો. અમને practice પડી ગયેલી હોય ને આમ… તમારા દોષો જોઈ-જોઇને, કચરો ક્યાં છે, એ ખબર પડી જાય તરત. ગુરુએ કચરો જોયો; પૂછ્યું, આજે સાફ-સૂફીનો વારો કોનો હતો? દયાનંદનો. બોલાવો એને. દયાનંદને બોલાવ્યાં. હાથમાં સાવરણી, ગુરુ પાસે આવ્યાં. ઝુક્યાં. ગુરુએ એ જ સાવરણી હતાં લીધી અને એના પાછળના ભાગથી એની પીઠ ઉપર ૫ – ૭ – ૧૦ વાર જોરથી લગાવી. આ રીતે આશ્રમ સાફ કરે છે! આ રીતે કચરો રહી ગયો.!
પછીની વાત બહુ મજાની છે. ચકામાં પડી ગયા. લોહી નીકળવા માંડ્યું ઘા માંથી. અને દયાનંદ પોતાના ગુરુ બંધુઓને ખેસ ઉંચો કરીને બતાવે ઘા. જુઓ ગુરુનું વરદાન કેવું મળ્યું મને.! સદ્ગુરુનો સ્પર્શ મને કેવો મળ્યો !
તો ગુરુ સ્મારણા, વારણા, ચોયણા કે પડીચોયણા કરે, પણ પોતાના ઘરમાં રહેવાનું ચાલુ છે. શિષ્યને કહી પણ દીધું, ફટકારી પણ દીધો, પણ ગુસ્સો તો અંદર છે જ નહિ. પાછા તરત જ અંદર. “પણ રમતાં નિજ ઘર હો” તમારે પણ આવું જ કરવાનું છે ઘરમાં. એક મંત્ર આપું પહેલાં. ઘરમાં રહેવું હોય ને તો મંત્ર આપું. Stay as a guest at home. Stay as a guest at home. ૪૦ – ૫૦ કે ૫૦ થી ઉપર તમે ગયા એટલે ઘરમાં મહેમાન તરીકે રહેવાનું. બે જણાએ હો પાછું. તમારે બધી જ ચાવીઓ વહુઓને સોંપી દેવાની કે લો બેટા! બે ટાઈમ રોટલી અને બે ટાઈમ ચા અમને આપી દેજો. બાકી અમે અમારામાં છીએ.
એક બનેલી ઘટના કહું. એક કરોડપતિ શેઠ એ જમાનાનાં. ધંધો બહુ મોટો. ચાર દીકરાઓ. ૫૫ વર્ષની વય થઇ. એક દિવસ ચારે દીકરા, દીકરાની વહુઓ, બધાને ભેગા કર્યા. અને કીધું; આજથી અમે ધંધાના કારોબારમાંથી અને ઘરના કારોબારમાંથી નિવૃત્તિ લઈએ છીએ. આ મોટા બંગલાની અંદર આ એક રૂમ જેમાં અમે બે જણા રહીએ છીએ. એ રૂમ અમારો. બાકીનો બંગલો તમારો. દીકરાઓને કહી દીધું; રોજ સવારે તમે પગે લાગવા આવો છો. પગે લાગવાનું. હિતશિક્ષા પણ તમને આપશું. પણ તમારા ધંધામાં શું ચડ-ઉતર થઇ એ તમે જાણો, મને જણાવવાનું પણ નહિ. દીક્ષા આ ઉંમરે લઇ શકતો નથી. શરીર અશક્ત છે. પણ, દીક્ષા નથી લઇ શકતો તો શ્રાવકપણાની અંદર મારે આ ભૂમિકામાં રહેવું છે. અને એ ભાઈને જોયેલા, એક જ રૂમ, એમાં રહેવાનું. વહુ ઓ ખુબ જ ભક્તીવાળી. તિથી ન હોય, નવકારશી હોય, તો નવકારશી પછીના ટાઈમે ગરમાગરમ ચા-નાસ્તો આપી જાય. બપોરે- સાંજે જમવાનું. બપોરે ચા. પણ એ બંને જણાએ નક્કી કર્યું; કે આપણે હવે ઘરમાં મહેમાન છીએ. આ ઘર જોડે આપણને કોઈ સંબંધ નથી. તો કેવી સરસ સાધના થઇ? Stay as a guest at home. આ પદ્મવિજય મહારાજની પૂજામાં છે.
ઉપાધ્યાયજી ભગવંની પૂજામાં બહુ સરસ વાત આવે છે; “તપ સ્વાધ્યાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે” દ્વાદશ અંગના ધ્યાતા કહે છે – જ્ઞાતા નહિ. દ્વાદશાંગીના જ્ઞાતા છે, ઉપાધ્યાયજી ભગવંત, એમ નથી કહેતા. દ્વાદશાંગીનું પણ ધ્યાન કરનારા છે. એ દ્વાદશાંગીનું ધ્યાન શું હોય? એની વાત આવતી કાલે.