વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુ મને ચાહે છે!
પ્રભુનો પ્રેમ અકારણ ઝરી જ રહ્યો છે. સંસારમાં કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ આપે તેમાં કારણ હોય છે કે આ મારો સંબંધી છે; મારો આ છે; મારો તે છે… પણ પ્રભુએ આપણને કેમ ચાહ્યા? આપણી એવી તો કઈ વિશેષતા હતી? વિશેષતા આપણી નહતી; વિશેષતા એની હતી! બધાને ચાહવા એ એનો ધર્મ હતો અને એથી એણે આપણને ચાહ્યા છે!
પ્રભુના એ પ્રેમનો સ્પર્શ થાય, પછી બસ એને જ ચાહવાનું મન થાય છે; એ સિવાયનું બીજું બધું જ છૂટી જાય છે. રાગ-દ્વેષ-અહંકાર ના કચરાને છોડવો પડતો નથી; છૂટી જાય છે. પ્રભુ મને ચાહે છે; પછી એ ના વિના બીજા કોને હવે ચાહી શકાય? આ એક ધારા તમારી પાસે આવી જાય, તો તમે કોઈ પણ દોષમાં જઈ શકો નહીં.
પ્રભુના એ પ્રેમને માણવો છે. જો કે પ્રભુનો પ્રેમ સૂક્ષ્મ છે અને એથી તમે એને સીધો પકડી નહિ શકો. પ્રભુનો પ્રેમ સદ્ગુરુએ આકંઠ માણ્યો છે અને એ જે પ્રેમ માણ્યો છે, એ તમને hand over કરવા માટે – હસ્તાંતરિત કરવા માટે – સદ્ગુરુ તૈયાર છે. સદ્ગુરુના ચહેરા પર, સદ્ગુરુની પૂરી body માંથી એ પ્રેમ ઝરતો હશે, ત્યારે તમે એ પ્રેમને જોઈ શકશો; અનુભવી શકશો.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૩
અદ્ભુત સાધના પ્રભુની, આપણને મળી! એ સાધના મળી તો ગઈ, પણ એના દ્વારા જે પરિણામ ઉભું થવું જોઈએ, એ પરિણામ ઉભું થયું નહિ. શું કારણ? Where is the fault? આપણે ક્યાં ચૂકીએ છીએ?
એક મજાના પ્રાચીન કથાનક દ્વારા આપણી સાધનામાં આવતાં અવરોધોને આપણે જોઈએ-
અરણીક મુનિ વેશ્યાને ત્યાંથી સદ્ગુરુના ચરણોમાં આવ્યા; સદ્ગુરુ પાસે આવ્યા પછી સીધા જ એ સદ્ગુરુના ચરણ પર પોતાના મસ્તકને ટેકવી દે છે.. એ ચરણમાંથી નીકળતી ઉર્જા; અરણીક મુનિને purify કરી દે છે! એક મજાનું પુસ્તક છે- Living With The Himalayan Masters. એમાં ગુરુ – શિષ્યનો એક મજાનો સંવાદ છે. ગુરુ શિષ્યને પૂછે છે, કે કોઈ પણ સદ્ગુરુ પાસે આપણે જઈએ, ત્યારે સદ્ગુરુના ચરણનો સ્પર્શ આપણે કરીએ છીએ, હાથનો નહિ, મસ્તિષ્કનો નહિ, માત્ર ચરણનો.. ગુરુ શિષ્યને પૂછે છે કે માત્ર સદ્ગુરુના ચરણનો સ્પર્શ આપણે કેમ કરીએ છીએ? શિષ્ય કહે છે, ગુરુદેવ મને ખ્યાલ નથી, આપ જ સમજાવો! અને ત્યારે ગુરુએ કહ્યું કે સદ્ગુરુ એટલે શું? સદ્ગુરુ એટલે પ્રભુના ચરણોમાં ઝુકેલું, વિલીન થયેલું એક વ્યક્તિત્વ..!
સપોઝ કલાપૂર્ણસૂરિ દાદા શંખેશ્વર પ્રભુના દરબારમાં હોય, આપણે પણ એ વખતે પહોંચેલા ત્યાં હોઈએ અને સદ્ભાગ્યે દાદાની પાછળ જ આપણને બેસવાનું મળી જાય ! દાદા ઝૂકેલા છે ! પુરેપુરા ઝૂકેલા છે ! ત્યારે દાદાનું કયું અંગ આપણી તરફ લંબાતું હોય? એક માત્ર બે ચરણો ! પણ એ બે ચરણો, સદ્ગુરુના એ બે ચરણો આપણને પ્રભુના ચરણ સુધી લઇ જાય !
તો ગુરુ કહે છે; સદ્ગુરુ એટલે પ્રભુના ચરણોની અંદર ઝુકેલું, વિલીન થયેલું વ્યક્તિત્વ. તમે એ વ્યક્તિત્વની પાછળ બેઠેલા હોવ, ત્યારે તમારી તરફ સદ્ગુરુનું કયું અંગ લંબાતું હોય? માત્ર ને માત્ર બે ચરણો ! તો સદ્ગુરુના બે ચરણો, પ્રભુના ચરણો સુધી આપણને પહોંચાડી આપે છે, માટે આપણે સદ્ગુરુના ચરણોની ઉપાસના કરીએ છીએ. સદ્ગુરુના ચરણોની ઉપાસના, આપણા વ્યક્તિત્વને તોડફોડ કરીને, આપણને અસ્તિત્વના પ્રવાહમાં મૂકી દે.
વ્યક્તિત્વ અને અસ્તિત્વ. સ્વાર્થના, રાગના કે દ્વેષના કોચલામાં તમે રહેતાં હોવ, ત્યારે તમારું વ્યક્તિત્વ તમારી પાસે છે ! પણ જે ક્ષણે પરમચેતનાના પ્રવાહમાં તમારું એ વ્યક્તિત્વ વહી જાય છે, ત્યારે તમે હોતા નથી, તમારો રાગ કે દ્વેષ હોતો નથી; તમે એ વિરાટ અસ્તિત્વની અંદર વિલીન થઇ જાવ છો!
સમી સાંજનો સમય.. મીરાં ગુરુના આશ્રમે ગઈ છે, દરવાજા બંધ છે. ગુરુની ચેમ્બરના દરવાજા ક્યારેક બંધ હોઈ શકે; પણ, ગુરુના હૃદયના દ્વારા ક્યારે પણ બંધ હોતા નથી ! સદ્ગુરુ અસ્તિત્વની અંદર ભળી ગયેલી એક મજાની યાત્રા અને એ પ્રવાહમાં ભળ્યા પછી કશું જ કરવાનું રહેતું નથી! કશું જ નહિ ! ક્યારેક હું બેઠેલો હોઉં ને, ન વાંચતો હોઉં, ન લખતો હોઉં; એમનેમ બેઠેલો હોઉં.. કો’ક જિજ્ઞાસુ આવે, અને પાછળથી પૂછે કે ગુરુદેવ! તમે શું વિચારતાં હતાં? ન લખતાં હતાં, ન વાંચતા હતાં, તમે શું વિચારતાં હતા? મેં કહ્યું, વિચારો તો ગયા.! વિચારો ‘એણે’ છીનવી લીધા! હવે વિચારો છે નહિ.. હવે માત્ર અનુભૂતિનો આનંદ છે! એ આનંદ તમને બધાને ચખાડવો છે ! અનંત જન્મોની અંદર જે રસ આપણને ચાખવા નથી મળ્યો, એ રસ, એનો આસ્વાદ અહીં કરાવવો છે !
માનવિજય મ.સા. ને પૂછવામાં આવેલું કે ગુરુદેવ! પ્રભુના શાસનમાં, પ્રભુની સાધનામાં ડૂબ્યા પછી અત્યારે આપનો આનંદ કેવો છે? ત્યારે એમને સ્તવનમાં કહ્યું; “કહીએ અણચાખ્યો, પણ અનુભવ રસનો ટાણો મિલિયો” અનંત જન્મોની અંદર ક્યારે પણ જેવો રસ આસ્વાદવા ન મળ્યો હોય, એવા રસનો આસ્વાદ અત્યારે હું કરી રહ્યો છું ! એટલી બધી મજા આવે છે, તમે કદાચ કહો કે સાહેબ ! એ આનંદની શબ્દોમાં વ્યાખ્યા તો કરો? ત્યારે મારે કહેવું પડે; કે એ આનંદ.. એ Grace, Beyond The Words..! Beyond the imagination…! I can’t say it! I can’t say it..! But You Can Experience It…! કરવો છે ને અનુભવ? વહેલી સવારના બધા આવી ગયા.. સદ્ગુરુને સાંભળવા કે પીવા? યશોવિજયને બોલવું પણ નથી ! પણ તમે અહીંયા સાંભળવા માટે આવતાં નહિ, પીવા માટે આવજો ! મારે બોલવું નથી, એ બોલશે ! તમે પીજો! પીવો એટલે શું થાય?
એક શરાબી મયખાનામાંથી ચકાચક પીને નીકળેલો હોય ! લડખડાતી એની ચાલ હોય, તમારે એને પૂછવું ન પડે; કે ભઈલા કેટલો પીધો છે? તો આવતી કાલથી વાચના સાંભળવા કોઈએ આવવાનું નહિ; માત્ર પીવા માટે આવવાનું ! ધીરે ધીરે ધીરે પ્રભુએ આપેલો પ્રેમ, પ્રભુએ આપેલો આનંદ એને તમારી ભીતર મારે ઉતારવો છે.. મારે બીજું કંઈ કામ નથી ! પ્રભુના પ્રેમને ઝીલી રહ્યો છું ! અને એ જ પ્રેમને હું pass on કરી રહ્યો છું ! તમને બધાને એ પ્રેમમાં ભીંજવી નાંખવા છે ! દેરાસરે જાવ છો, પ્રભુનો સ્પર્શ કરો છો, પણ પ્રભુના પ્રેમનો જે અનુભવ છે, એ તો અલૌકિક છે ! તો એ જે પ્રેમ છે, પ્રભુનો… એ સદ્ગુરુ બધાને આપવા માંગે છે ! મારે બીજું કંઈ જ આપવાનું નથી.. હું ખીસ્સા ખાલી માણસ છું.. આમેય મારી પાસે કાંઈ નથી. પણ પ્રભુએ જે પ્રેમ આપ્યો છે, એ પ્રેમ મારે તમારા સુધી પહોંચાડવો છે ! શું એ પ્રેમ..!
મેઘકુમાર પહેલીવાર પ્રભુના સમવસરણમાં જાય, very first time ! અને totally clean bawled થઇ જાય ! એક જ પ્રવચન ! થોડીક ક્ષણોનું..! પ્રભુનું ઉપનિષદ! પણ એ જે પ્રેમ આસ્વાદવા મળ્યો, મેઘકુમારને થયું, આવો આનંદ દુનિયામાં ક્યાંય હોઈ શકે, એવું હું માનતો નથી… ઘરે આવીને ધારિણી માઁ ને કહ્યું, માઁ ! હવે પ્રભુ વિના એક ક્ષણ રહેવું મારા માટે અશક્ય છે ! થોડીક ક્ષણો માટે એમની નજીક બેસવા મળ્યું ! એમના પ્રેમને માણ્યો ! મેઘકુમાર કહે છે, પ્રભુના શબ્દો ઉપર મારું ધ્યાન ઓછું હતું; પણ પ્રભુ બોલતાં હતાં, ત્યારે એમના ચહેરા ઉપર જે પરમ પ્રેમ ડોકાતો હતો, એને મેં જોયો ! અને આજે એ પરમપ્રેમમાં હું ઘાયલ બની ગયો છું! હવે એના વિના બીજું કશું જ ચાલશે નહિ ! રાજકુમાર છે.. ઘણી બધી વૈભવની સામગ્રીઓ છે.. ઘણા બધા બાહ્ય સાધનોનો ઉપભોગ એણે કરેલો છે, ભિન્ન ભિન્ન જાતનાં સાંસારિક આનંદોને એણે માણ્યા છે. પણ આજે થોડીક ક્ષણો માટે પ્રભુનો જે taste મળ્યો ! જે fragrance મળી ! મેઘકુમાર કહે છે, પ્રભુ વિના હવે હું રહી નહિ શકું!
આ જ પ્રેમનો અનુભવ આનંદધનજી ભગવંતે કરેલો અને એમણે કહેલું, “આનંદઘન બિન, પ્રાણ ન રહે છીન; કોટિ જતન કરી લીજીયે” પ્રભુ વિના એક ક્ષણ હું જીવી શકું એમ નથી! એ પ્રેમ…! માછલું પાણી વિના રહી શકે? તરફડતું હોય ! એ તરફડાટ, એ વેદના, એ પ્યાસ ભક્તની પાસે છે ! એક ક્ષણ એનો અનુભવ થયો..! અનુભવ ચાલી ગયો..! હવે શું? દરેક ભક્તના હૃદયમાં આ એક ત્રિ-ભેટો આવે છે ! પ્રભુ મળ્યાં ! એક ક્ષણ માટે પ્રભુના પ્રેમનો અનુભવ થયો ! અદ્ભુત ! પણ મન આપણું wavering છે ! સહેજ મન બહાર ગયું, અને એ અનુભવ છૂટી ગયો ! હવે એ અનુભવ મળતો નથી ! અને આમાં રહેવાતું નથી ! એટલે ભક્તોએ કહેલું; ભગવાન! આના કરતાં પહેલાં સારું હતું ! તું નહોતો મળ્યો ને એ જ અવસ્થા સારી હતી કે હું મારા બાહ્ય સાધનોની અંદર મશગૂલ હતો ! અત્યારે તું મળતો નથી; તારા વિના રહેવાતું નથી !
આ ભૂમિકા તમારા જીવનમાં પણ આવે ! એકવાર એ પરમરસનો આસ્વાદ આપવો છે ! વહેલી સવારે બધા આવો છો.. એક જ વાત હૃદયમાં રાખો કે સદ્ગુરુને કોઈ શબ્દો આપવા નથી. મેં પહેલા જ દિવસે સુરતમાં આવતાં કહેલું કે હું વાચના આપવા આવ્યો નથી, પ્રવચન આપવા આવ્યો નથી; હું માત્ર પ્રભુનો પ્રેમ તમને આપવા માટે આવ્યો છું ! તો વહેલી સવારે કદાચ બેડમાંથી ઉઠો અને એક ઝણઝણાટી થાય, જવું છે, શીતલ સ્વાધ્યાય વાટિકામાં.. But why? But why? સારા શબ્દો મળે છે માટે? સારી વાતો કહેવામાં આવે છે માટે? ઠીક છે શરૂઆતમાં તમને ખેંચવા આ બધી ટેકનીક અમે અપનાવતા હોઈએ છીએ ! પણ, આખરે તમને ત્યાં લઇ જવા છે… કે વહેલી સવારે ઉઠીને સદ્ગુરુના પ્રેમને માણવા જવું છે !
પ્રભુનો પ્રેમ સદ્ગુરુએ આકંઠ માણ્યો છે! અને એ જે પ્રેમ માણ્યો છે; એ તમને hand over કરવા માટે-હસ્તારીત કરવા માટે સદ્ગુરુ તૈયાર છે ! તો ધીરે ધીરે; મારે ઉતાવળ નથી, ચાર મહિના છે ને હજુ તો? કે દોઢ મહિનો?! તમારું ચોમાસું દોઢ મહિનો ને? પછીનું અમારું.. ચાર કહો તો ચાર.. અને પાંચ કહો પાંચ.. અને એમાં ય તૃપ્તિ ન થાય તો સાથે લઈને જઈશું !
તો પ્રભુના પ્રેમને માણવો છે ! પ્રભુનો પ્રેમ સૂક્ષ્મ છે ! અને એથી તમે એને સીધો પકડી નહિ શકો; પણ સદ્ગુરુના ચહેરા પર, સદ્ગુરુની પુરી બોડીમાંથી એ પ્રેમ ઝરતો હશે, ત્યારે તમે એ પ્રેમને જોઈ શકશો ! અનુભવી શકશો ! અરણીક મુનિ ગુરુના ચરણ પર મસ્તકને ટેકવે છે.. એક વાત એ હતી કે ગુરુના ચરણ, પ્રભુના ચરણ સુધી આપણને પહોંચાડે ! બીજી વાત એ છે કે ગુરુની પુરી બોડીમાંથી પરમાત્માનો પ્રેમ વહી રહ્યો છે; પણ, જમણા ચરણમાંથી એ પ્રેમ બહુ જ ઝડપથી અને મોટી માત્રામાં વહે છે ! એથી કોઇ પણ શિષ્ય, કોઇ પણ દોષ કરીને આવેલો હોય, એને purify થવા માટે એક જ કામ કરવાનું રહે – ગુરુના ચરણ ઉપર મસ્તકને ટેકવી દેવાનું ! એ ચરણમાંથી જે પ્રભુનો પ્રેમ નીકળે; તમે purify થઈ ગયા ! એક પ્રભુનો પ્રેમ ! એક પ્રભુનો સ્પર્શ ! ગમે એટલાં દોષો તમારી પાસે છે… પ્રભુનો પ્રેમ તમને મળ્યો ! પ્રભુનો સ્પર્શ તમને મળ્યો ! બધા જ દોષો વિલીન થઈ ગયા !
પરમાત્માનો સ્પર્શ…! એનો સ્પર્શ મળે ! અને એનો જે આનંદ ભીતર છવાય ! પછી તમે રાગ અને દ્વેષમાં જાઓ નહિ; એમ નથી કહેતો; તમે રાગ અને દ્વેષમાં જઈ શકો નહિ ! ગુસ્સો આવે છે; અને એ વખતે મનની અંદર પ્રભુના પ્રેમનું સ્મરણ થયું કે પ્રભુએ મારા જેવા ક્રોધી ઉપર પણ પ્રેમ વરસાવ્યો છે ! પ્રભુના પ્રેમની નદીને કિનારા નથી હોતા ! તો પ્રભુએ મને આટલો અફાટ પ્રેમ આપ્યો…!
મારા જીવનની નિર્મળતાનું એક જ કારણ છે – પ્રભુના પ્રેમનો સ્પર્શ ! જે ક્ષણે એના પ્રેમનો સ્પર્શ થયો; ( મને) થયું, મારા પ્રભુ ! આ એક વિરાટ અસ્તિત્વ…! એ મને ચાહે છે ! પહેલા તો અસંભવ વાત લાગી ! પ્રભુ મને શી રીતે ચાહે? પ્રભુ તો વિતરાગ થઈ ગયા. પ્રભુ વિતરાગ થયા છે ! અને છતાં પ્રભુ આપણને ચાહે છે ! અને એટલે જ હેમચંદ્રાચાર્યએ વિતરાગસૂત્રમાં કહ્યું, त्वमकारणवत्सलः (ત્વં અકારણ વત્સલ:). પ્રભુ તારો પ્રેમ અકારણ ઝરી જ રહ્યો છે !
સંસારમાં કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ આપે તેમાં કારણ હોય છે. મારો સંબંધી છે, મારો આ છે, મારો આ છે.. પ્રભુએ આપણને ચાહ્યા! કેમ ચાહ્યા? કઈ આપણી વિશેષતા હતી? આપણી કોઈ જ વિશેષતા નહોતી.! વિશેષતા એની હતી ! બધાને ચાહવા એ એનો ધર્મ હતો ! અને એથી એણે આપણને ચાહ્યા છે ! એક મિનિટ જરા આંખ બંધ કરીને વિચાર કરો- પ્રભુ તમને ચાહે છે… તમે દેરાસરમાં જાઓ છો એમ નહિ ! પ્રભુ તમને ચાહે છે, માટે તમે ત્યાં જાવ છો ! ‘he loves you ’. He loves you. પ્રભુ તમને ચાહે છે! મને તો બસ પહેલીવાર આ અનુભવ થયો કે પ્રભુ મને ચાહે છે ! મારું મન સહેજ વિક્ષિપ્ત થઈ ગયું ! આટલા મોટા પ્રભુ? જગન્નિયંતા ! અખિલ બ્રહ્માંડેશ્વર ! અને એ મને ચાહે?! બસ એ ખ્યાલ ! એ મને ચાહે છે, આ એક વાત પર બધા દોષો નીકળવા લાગ્યા. એ મને ચાહે છે.. તો હું એને ચાહું કે નહિ? બોલો? એ મને ચાહે છે.. તો હું એને ચાહું કે નહિ? હવે આગળ વધો.. હું એને જ ચાહું કે એને ચાહું ? સંભળાય છે ને અવાજ? હું એને ચાહું કે એને ‘જ’ ચાહું?
બસ એ પ્રેમ.. એટલો ભીતર અંદર ઉતરે છે કે એને જ ચાહવાનું મન થાય છે ! એ સિવાયનું બીજું બધું જ છૂટી જાય છે ! રાગ-દ્વેષ-અહંકાર એ કચરાને છોડવો પડતો નથી ! છૂટી જાય છે ! આજના પ્રવચનમાંથી બીજું કંઇ યાદ ન રહે તો વાંધો નથી ! એક જ લીટી- “પ્રભુ મને ચાહે છે!” તમે નાચી ઉઠો! એ મને ચાહે છે !
દીક્ષાના પ્રસંગો ઘણા જોયા. દીક્ષા વખતે સદ્ગુરુ રજોહરણ આપે; અને મુમુક્ષુ નાચી ઉઠે! એ નૃત્ય ક્યાંથી ઉદ્ભવ્યું? અરે વાહ! એણે મને select કર્યો? અબજો માણસોથી છલકાતી આ સૃષ્ટિ. એમાં કેટલાક હજાર જ સાધુ-સાધ્વીઓ છે અને એમાં એણે મારો નંબર લગાવી દીધો ! એ મને ચાહે? એ મને select કરે?
ઉત્તર ગુજરાતમાં ભાભરની પાસે ખેરવાડા ગામ છે. ત્યાં અમારે જવાનું થયું, દીક્ષા પ્રસંગ હતો, પ્રસંગની ૧૫-૨૦ દિવસ પહેલા જવાનું થયેલું. ખેરવાડા પહેલા નવાબી સ્ટેટ હતું. તો ત્યાંના ભૂતપૂર્વ નવાબનો દીકરો જે હતો, એને બધા જ દર્શનો જાણવામાં રસ હતો. એ મારી પાસે આવ્યો. મને કહે; તમે મને જૈનોલોજી ભણાવશો? મેં કીધું ચોક્કસ. એ રોજ મારી પાસે આવતો, એમાં દીક્ષાનો દિવસ આવ્યો. એ દીકરાએ મને પૂછ્યું; કે હું મુસ્લિમ છું, તો દીક્ષાનો પ્રસંગ જોઈ શકું હું? જોવા આવી શકું? તો કે હા, બિલકુલ ! અને મારી જોડે જ બેસજે. મારી પાછળ. એ આવ્યો ! એણે આખી દીક્ષા ધ્યાનપૂર્વક જોઈ ! બપોરે મારી પાસે આવ્યો, ત્યારે એણે મને એક સવાલ કર્યો કે આ રજોહરણ જ્યારે સદ્ગુરુએ એ દીકરીને આપ્યું; ત્યારે દીકરી નાચી ઉઠી ! મને એણે પૂછ્યું કે આ વિધિવિધાન હતું? મેં કહ્યું, એ વિધિવિધાન નહોતું. વિવશતા હતી ! બે વરસથી એ દીકરી ગુરુને કહેતી હતી; ગુરુદેવ ! મને પ્રભુનું વરદાન, રજોહરણ આપો! ગુરુદેવ એની પરીક્ષા કરતા હતા.. અને ગુરુદેવની પરીક્ષામાંથી એ પાસ થઇ; એને પ્રભુનું વરદાન મળ્યું; અને એ નાચી ઉઠી ! પછી મેં એને કહ્યું કે તે તો એને બે ચરણોથી નાચતી જોયેલી ! એ દીકરી સાડા ત્રણ કરોડ રૂંવાડાથી નાચતી હતી !
યાદ આવે છે? તમારી દીક્ષાની ક્ષણો યાદ આવે છે? કેવી રીતે નાચેલા? માત્ર બે ચરણથી કે સાડા ત્રણ કરોડ રૂંવાડાથી? મારા પ્રભુએ મને select કરી?! મારા પ્રભુ મને ચાહે છે?
મારી દ્રષ્ટીએ આ એક ધારા તમારી પાસે આવી જાય; તમે એક પણ દોષમાં જઈ શકો નહિ! રાગના કારણે દોષ થાય ! પણ હવે બીજો રાગ જ ક્યાં રહ્યો! એના વિના બીજા કોને હવે ચાહી શકાય?! “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત”. એના સિવાય કોઈને ચાહી ન શકાય ! કારણ? એ મને ચાહે છે ! પ્રભુ તમને ચાહે છે ! કોઈ કહે કે નરેન્દ્રમોદીએ તમને યાદ કરેલા, તો શું થાય? ૧૭ જગ્યાએ કહેતો ફરે હો..! ખબર છે? નરેન્દ્રમોદીએ મને યાદ કરેલો ! અલ્યા ! એમાં તારો કોઈ સ્વર્ગ થવાનો નથી. પ્રભુ મને યાદ કરે છે ! પ્રભુ મને ચાહે છે !
મીરાં સદ્ગુરુના આશ્રમે ગઈ છે, દરવાજા બંધ છે. પણ કયા દરવાજા બંધ છે? ગુરુની ચેમ્બરના બહારના દરવાજા બંધ છે; ગુરુના હૃદયના દ્વાર ક્યારેય પણ બંધ હોઈ શકતા નથી ! પ્રભુએ સદ્ગુરુને એક કામ સોંપ્યું છે; અને એ કામ સદ્ગુરુએ કરવાનું છે ! તમારા બધા સુધી પરમાત્માના પ્રેમને પહોંચાડવાનો છે ! અને જ્યારે તમને ભીતરથી ખ્યાલ આવશે; કે પ્રભુ મને ચાહે છે ! ત્યારે તમારી આંતરદશા આખી ફરી જશે ! એ મને ચાહે છે?! હું કેવો માણસ કહેવાઉં કે હું એને ચાહતો નથી, એ મને ચાહે છે ! પણ હવે મારે પણ નક્કી કરવું જોઈએ કે હું એને જ ચાહીશ; બીજા કોઈને નહી !
ભલે, આજે તમારી આ ભૂમિકા નથી, પણ મારી ઈચ્છા છે કે જો તમે પ્રભુના પ્રેમને પીધા કરશો ! તો એ ક્ષણ આવવાની જ છે.. કે તમે પ્રભુ સિવાય કોઈને જ ચાહી શકવાના નથી! એકમાત્ર પ્રભુ ! તમારી જાતનું વિલીનીકરણ પ્રભુના પ્રેમમાં થઈ જાય ! આજના પ્રવચનનો ટાઈમ પૂરો થયો..
એટલે એક જ વાક્ય ફરીથી દોહરાવું, ‘એ મને ચાહે છે !’ તમે કેટલા એને ચાહો છો? એ કાલે જવાબ લઈને આવજો..