Niranjan Nath Mohe Kaise Milenge – Guru Purnima

176 Views
14 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ગુરુપૂર્ણિમા

દરેક પહોંચેલા સદ્ગુરુની એક સરખી સુગંધ છે; એક સરખો આસ્વાદ છે! તમે કોઇ પણ ગુરુ પાસે જાઓ અને જતાંની સાથે જ અકારણ મનમાં આનંદની ભરતી આવે, તો તમે માનો શકો કે જન્માન્તરીય ધારાના આ મારા સદ્ગુરુ છે. અને એ સદ્ગુરુના ચરણોમાં તમે સમર્પિત થઇ જાઓ!

આપણી અતીતની યાત્રામાં કેટલીવાર આપણને સદ્ગુરુઓ મળ્યાં. પણ એ સદ્ગુરુઓ આપણા પર કશું જ કામ કરી શક્યા નહિ. કારણ કે તમે જો સમર્પિત નથી તો ગમે તેવા પહોંચેલા સદ્ગુરુના હાથ પણ બંધાયેલા છે. મોક્ષ કોઈ દૂરની ઘટના નથી; દૂરની ઘટના સમર્પણ છે.

જ્યાં સુધી સમર્પણ ન થયું; ત્યાં સુધી બધી જ સાધના શૂન્ય. અને જો એક સમર્પણ તમારી પાસે આવી ગયું, તો you have not to do anything absolutely. પછી તમારે કશું જ કરવાનું રહેતું નથી; પછીનું બધું જ કામ સદ્ગુરુનું છે. સદ્ગુરુ તૈયાર છે; Are you ready?!

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ ગુરુપૂર્ણિમા સાહેબ

કૃતાપરાધેSપિ જને, કૃપામંથરતારયો:;
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:.

यस्याभिधानं मुनयोsपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले ।
मिष्टान्नपानाम्बरपूर्णकामा:, स गौतमो यच्छतु वान्छितं मे ॥

ગુરુપૂર્ણિમાના આજના દિવસે એકલવ્યની યાદ આવે. એકલવ્ય ભીલનો દીકરો હતો. ગુરુ દ્રોણ પાસે ગયો અને વિનંતી કરી; મને ધનુર્વિદ્યા શીખવાડો. ગુરુએ ના પાડી. એકલવ્ય ગુરુની ‘ના’ નો સ્વીકાર કરે છે. સદ્ગુરુ આપણી અતીતની યાત્રામાં કેટલીવાર આપણને મળ્યાં.

હેમચંદ્રાચાર્ય જેવાં કે હરીભદ્રાચાર્ય જેવાં સદ્ગુરુઓ આપણને મળ્યાં. પણ એ સદ્ગુરુઓ આપણા પર કશું જ કામ કરી શક્યા નહિ. કેમ? તમે સમર્પિત હોવ તો સદ્ગુરુ કહી દેશે, ‘લે આ તને મોક્ષ આપું’ અને તમે જો સમર્પિત નથી તો ગમે તેવા પહોંચેલા સદ્ગુરુના હાથ પણ બંધાયેલા છે. સદ્ગુરુ તૈયાર છે; Are you ready? We are ready.  Are you ready?

એટલે જ ગઈ કાલે કહેલું કે તમારો હું અમને આપી દો. એક હું તમે જો અમને આપી દીધું, તો અમે કહીશું ‘લે બેટા મોક્ષ, આ રહ્યો!’ મોક્ષ કોઈ દૂરની ઘટના નથી; દૂરની ઘટના સમર્પણ છે.

લોકો મને ઘણીવાર પૂછે, કે સાહેબ સમર્પણ કરવું…? બધે બધું સદ્ગુરુને સોંપી દેવું…?!  ત્યારે હું હસવા લાગું… કોઈ સાધુ-સાધ્વી પૂછનાર હોય તો હું એમને કહું, કે તમારી પાસે છે શું? એક શરીર, એક મન.. સતત ગંદકીને વહાવે એવું આ શરીર એ તમારી માલીકીયતની વસ્તુ; રાગ અને દ્વેષથી, અહંકારથી ખદબદતું મન એ તમારી માલીકીયતની વસ્તુ; એ શરીર અને મન સોંપી દો. શું સોંપવાનું છે ? તમારે પણ શું સોંપવાનું છે? સંપત્તિ મળી છે, કોના પ્રભાવે? કોના પ્રભાવે? પ્રભુના પ્રભાવે; એટલે સંપત્તિ તો પ્રભુની છે, તમારી નથી હવે! તો શરીર અને મન એ પ્રભુને, સદ્ગુરુને સોંપી દો ! આમ પણ મન તમારાં કબજામાં ખરું?

અરબસ્તાનમાં મુલ્લાજી ક્યાંક જઈ રહ્યા છે. અરબસ્તાનમાં ઘોડા નથી, ગધેડા છે. ગધેડા ઉપર મુલ્લાઈ બેઠા છે. ગધેડો ચાલી રહ્યો છે… એક ક્લોઝ- ફ્રેન્ડ સામે મળ્યો. એણે પૂછ્યું: મુલ્લા ક્યાં ઉપડ્યા? મુલ્લાજી કહે: ગધેડાને પૂછો. પેલો બગડ્યો ! ગધેડો કંઇ બોલતો હશે! તું બોલ ક્યાં જાય છે? મુલ્લાજીની વાત એવી છે, ઘોડાને લગામ હોય, ગધેડાને લગામ હોય નહિ. હું ગધેડા ઉપર ચડું; મારે જવું હોય પૂર્વમાં અને ગધેડો ચાલે પશ્ચિમમાં…! અને ભરી બજારે ગધેડા જોડે કુસ્તી કરીએ તો સારા શું લાગવાના હતાં! એટલે નક્કી કર્યું ગધેડા ઉપર બેસી જવાનું; એને જ્યાં જવું હોય ત્યાં જાય! આ જ હાલત છે ને?!

તો આવું મન એ અમને આપી દો ને? તમે અમને રાગ-દ્વેષ અને અહંકારવાળું મન આપો; અમે તમને fresh mind આપી દઈએ! એવું મજાનું મન; જેમાં પ્રભુની ભક્તિની અને સાધનાની ધારા સતત ચાલતી રહે! સદ્ગુરુઓ અગણિત મળ્યા, પણ મારો અને તમારો સંસાર દૂર ન થયો! અને એટલે જ જયવીયરાય સૂત્રમાં આપણે માંગીએ છીએ; સુહગુરુજોગો. સદ્ગુરુ માંગતા નથી આપણે ! પ્રભુ તું મને સદ્ગુરુ આપ એવું આપણે કહેતા નથી! આપણે કહીએ છીએ કે પ્રભુ સદ્ગુરુના ચરણોમાં તું મને ઝુકાવી દે!

એક સૂત્ર હું ઘણીવાર કહું છું: There is the same fragrance and same taste in all the respected sadgurus. દરેક પહોંચેલા સદ્ગુરુઓમાં એક જ સરખી સુગંધ હોય છે. એક જ સરખો આસ્વાદ હોય છે. નામ જુદા હોય; આસ્વાદ એક જ! કારણ? સદ્ગુરુએ પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું ! અને એ ખાલીપામાં, એ વિભાવ શૂન્યતામાં પરમચેતનાનો આસ્વાદ હોય છે. એટલે દરેક સદ્ગુરુ પાસે જાઓ અને તમને જે સુગંધ મળે, તમને જે આસ્વાદ મળે; એ સુગંધ પરમચેતનાની છે! એ આસ્વાદ પરમચેતનાનો છે!

કલાપૂર્ણસૂરી દાદા, વાવમાં ચાતુર્માસ હતા. સવારે ૬-૬.૩૦ વાગે સાહેબજીનો જાપ અને ધ્યાન પૂરું થઈ જાય એટલે સાહેબજીને રૂમ ખુલે, અને એ વખતે એક દિવ્યસુગંધનો આસ્વાદ! દિવ્યસુગંધ! એક ભાઈ હતા ત્યાં આગળ. એમને વિચાર કર્યો કે આ સુગંધ શેની છે? સાહેબ જે વાસક્ષેપ વાપરે છે, એની તો આ સુગંધ નથી ને? એટલે એણે કલાપ્રભસૂરી મહારાજને કહ્યું કે મારા એક સંબંધી સુરતમાં બિમાર છે. સાહેબનો સુરીમંત્રવાળો વાસક્ષેપ મને આપો. એની પડીકી આપી; પડીકી લઈને ભાઈ ઘરે ગયા. પાંચ-સાત વાર એ સુગંધ માણી! પછી તિજોરીમાં પેકેટ મૂકી દીધું. બીજી સવારે ૬ વાગે તિજોરી ખોલી અને પેકેટમાંથી જે વાસક્ષેપ હતો, એની સુગંધ ફરી લીધી,અને તરત જ ઉપાશ્રય આવ્યો. એ જ વખતે દ્વાર ખુલેલા, પણ એને ખ્યાલ આવી ગયો કે એ વાસક્ષેપની સુગંધ નહોતી, કંઈક અલગ જ સુગંધ હતી! સદ્ગુરુના દેહમાંથી પરમચેતનાની સુગંધ નીકળે. સદ્ગુરુના દેહમાંથી પરમચેતનાનો આસ્વાદ નીકળે.

ગુરુએ ના પાડી; હું તને નહિ ભણાવું! એકલવ્યે ગુરુની ‘ના’ નો સ્વીકાર કર્યો! કારણ, એ બુદ્ધિ અને અહંકારને ઘરે છોડીને માત્ર સમર્પણનો ભાવ લઈને ગુરુ પાસે આવેલો! Guru is the supreme boss. ગુરુને બધું જ કહેવાની છૂટ છે. ના પણ કહે અને હા પણ કહે! તમે વિચારો કે ગુરુએ આમ કહેવું જોઈએ… હું તમને મોટામાં મોટી પદવી આપું; ગુરુના પણ ગુરુ! બરોબરને? ગુરુએ શું કરવું, એ ગુરુ નક્કી કરે કે તમે નક્કી કરો? બસ આમાં જ આપણી આખી યાત્રા અટવાઈ ગઈ. અગણિતવાર પ્રભુનું રજોહરણ મળ્યું; છતાં કોરા કટ રહ્યા. યાદ રાખો! આ જન્મમાં પણ સમર્પણ ન થયું; તો બધી જ સાધના શૂન્ય છે!

તમે કેમીસ્ટ હોવ, અને મેડિકલ સ્ટોર તમારો છે. એટલે કોઇ પણ દવા ફાંકવાની તમને છૂટ મળતી નથી. અને ફાંકો તો સીધા હોસ્પિટલ ભેગા કરવા પડે. એટલે કોઈ પણ સાધના સદ્ગુરુ આપે! સદ્ગુરુ તૈયાર છે! તમે સમર્પિત ક્યાં છો? તો દરેક પહોંચેલા સદ્ગુરુ(માં) એક સરખી સુગંધ છે! એક સરખો આસ્વાદ છે! તમે કોઇ પણ ગુરુ પાસે જાઓ, જતાંની સાથે, અકારણ મનમાં આનંદની ભરતી આવે. તમે નક્કી કરી શકો કે જન્માન્તરીય ધારાના આ મારા સદ્ગુરુ છે. અને એ સદ્ગુરુના ચરણોમાં તમે સમર્પિત થઇ જાઓ!

જો તમારી પાસે સમર્પણ આવ્યું; you have not to do anything absolutely. પછી તમારે કશું જ કરવાનું રહેતું નથી. એક સમર્પણ આવી ગયું. પછીનું બધું કામ સદ્ગુરુનું છે. સદ્ગુરુ તૈયાર છે! તમારે તો માત્ર ગાડીમાં બેસી રહેવાનું છે! સદ્ગુરુ ગાડી ચલાવશે!

યોગના એક પ્રોફેસર હતા. એમને યોગમાં સારી રુચિ હતી. યોગના પણ ભિન્ન-ભિન્ન પ્રકાર હોય છે! એક છે ક્રિયાયોગ. એ પ્રોફેસરને ક્રિયાયોગમાં વધારે રૂચિ હતી. એકવાર ઈન્ટરનેટ પર સર્ચિંગ કરતા હોય છે અને ત્યાં અચાનક એક નામ ઝળકી ઉઠ્યું કે ક્રિયાયોગની અંદર આજના યુગમાં જેની માસ્ટરી હોય, એવા ગુરુ આ ! ખુશ થઇ ગયા! તરત જ જોવે છે, ક્યાં છે એ સદ્ગુરુ? બાંગ્લાદેશની પાટનગરી ઢાકા, એ ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂર એક ગામ અને એ ગામથી બે કિલોમીટર દૂર જંગલ, એમાં એમનો આશ્રમ. પ્રોફેસરે લખી લીધું. ગામનું નામ પણ લખી લીધું. યુનીવર્સીટીમાં રજા મૂકી દીધી, એક મહિનાની! વિમાન પકડી લીધું, ઢાકા એરપોર્ટ પર.

ઢાકા એરપોર્ટ પર આવીને ટેક્ષી સ્ટેન્ડ પાસે ગયા અને ટેક્ષી ડ્રાઈવરોને આ ગામના નામની ચિટ્ઠી બતાવી. બધા ડ્રાઈવર ખભા ઊંચકે છે, we don’t know. આ ગામનું નામ અમે જાણ્યું જ નથી; ક્યાં છે અમને ખ્યાલ નથી. પ્રોફેસર મૂંઝાઈ ગયા; ત્યાં જ એક ગાડી આવી. ગાડીનો સોફર પ્રોફેસરને પૂછે છે, તમારે આ ગામ, આ ગુરુ પાસે જવું છે? તો કહે, હા. બેસી જાવ. પ્રોફેસર બેસી ગયા. ગાડી ચાલી. ૧૦ એક કિલોમીટર તો સારો રોડ હતો, પછી તો ઉબડ-ખાબડ રોડ, અને પછી તો રસ્તો જ નહિ ! ધૂળિયા રસ્તા પર ગાડી ચાલી. પણ સવારે ૧૦ વાગે નીકળેલા, સાંજે ૪ વાગે પહોંચી ગયા. ૪ વાગે પહોંચ્યા પછી સોફરે કહ્યું; તમે રૂમ લઇ લો અહીંયા, નાહી-ધોઈને fresh થાવ. હું અહીંયા જ છું. એટલે bill ચુકાવાવની કોઈ ચિંતા નથી. પ્રોફેસર fresh થયા. ગુરુ ક્યારે મળશે એ પૂછે છે? રાતના ૮ નો ટાઈમ મળ્યો. ૮ વાગે પ્રોફેસર ગુરુ પાસે ગયા, ગુરુની ચેમ્બરમાં; ગુરુની ચેમ્બરમાં કોણ બેઠેલું હતું? પેલો સોફર! જે ડ્રાઈવર ઢાકા એરપોર્ટ પરથી એમને આ આશ્રમ સુધી લઇ આવેલો, એ ડ્રાઈવર ગુરુ તરીકે બેઠેલા. પ્રોફેસર કહે, તમે?! ગુરુ કહે, હા, તમારા જેવા માણસો વિદેશ છોડીને અહીં સુધી આવે, તો મારે પણ થોડા લાંબા થવું પડે ! થવું પડે ને?

સુરત અમારી પાસે આવે, નહિતર અમે સુરત પાસે આવીએ! બેય રીતે અમે તૈયાર ! આખું ચોમાસું તમારા માટે, બરોબર …? તો આ ચોમાસું એવા પરિવર્તનનું ચોમાસું થાય, માત્ર ભીનાશ તમારી પાસે આવે ! માત્ર સમર્પણ તમારી પાસે આવે!

ગુરુએ ‘ના’ પાડી ! એકલવ્ય સ્વીકાર કર્યો ! સપોઝ એકલવ્યની જગ્યાએ તમે હોવ તો શું કરો? ભાઈ ! આ તો મોટા ગુરુ, રાજકુમારોને ભણાવે, મને ક્યાંથી ભણાવે?!

દ્રૌણ ગુરુ જંગલમાં આવેલા, અને જંગલમાં જ રાજકુમારોને ધનુર્વિદ્યા શીખવે છે. હવે ૧૦૦ જણા શીખતાં હતાં, એમાં ૧૦૧ મો ભેગો હોત તો વાંધો શું હોત? આપણા જેવા માણસો બુદ્ધિ અને અહંકાર લઈને ગુરુ પાસે જાય, તો આપણો વિચાર શું? ગુરુએ ના પાડી, કેમ ના પાડી? ભાઈ ! ગુરુને તો રાજકુમારો ગમે ! સંપત્તિવાન ગમે ! આપણા જેવા ભૂખડીબારસ માણસો ક્યાંથી ગમે? તમારી બુદ્ધિ શું કામ કરે? તમારી બુદ્ધિ શું કરે? અત્યાર સુધી સદ્ગુરુને પણ બુદ્ધિની ફ્રેમથી જોયાં છે. સદ્ગુરુને માત્ર સમર્પણની ફ્રેમથી જોવાનાં!

સંત દરિયા એક રૂપક વાત લખી. એક બિલાડી હતી, ભારતની જ હશે કદાચ.. એટલે એને ગુરુ કરવાનો વિચાર આવ્યો ! આપણી હિંદુ સંસ્કૃતિમાં ગાળનું extreme point કયું? નગરાં હોવું તે ! સાલો આ તો નગરો છે! હવે એનું નામ નહિ લઉં ! બે શબ્દો- સગરો, નગરો. જેના માથે ગુરુ હોય તે સગરો ! જેના માથે ગુરુ નથી; એ નગરો. તો વાત ઊંડી છે- નગરો તો સહેજે સમજાઈ જશે ! સગરા હોવું એટલે શું? ખાલી નામ ધરાવી દો, કે હું યશોવિજય મહારાજનો શિષ્ય છું, એથી કંઈ કામ થવાનું નથી. કામ કઈ રીતે થાય? એ જ વાતો આપણે જોવાની છે.

“નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે” આ કોણે કહ્યું, આનંદઘનજીએ! પણ ક્યારે કહ્યું છે…? મહોપાધ્યાય યશોવિજય અને આનંદઘનજી બેઉ ભેગા થયા છે ત્યારે એમણે કહ્યું છે; “આનંદઘન કહે,જશ સુનો બાતા; એહી મિલે તો મેરી ફેરી ટળે” એ પણ આખી સમર્પણની કથા છે, અને એ સમર્પણની કથા શરૂ થશે અને એ પછી આપણો ગ્રંથ યશોવિજય ચોવીશી શરૂ થશે !

તો સંત દરિયાએ વાત કરી કે બિલાડીની ઈચ્છા થઇ કે ગુરુ કોકને બનાવું! બુદ્ધિ તો બિલાડીની! એક તળાવના કાંઠે બગલા મહારાજને જોયાં, બરોબર ધ્યાનમાં, ક્યારે માછલું આવે, ને ક્યારે પકડું…! બિલાડીની બુદ્ધિએ કહ્યું, ગુરુ હો તો એસા! ગુરુ હો તો એસા! તમારી પાસે સમર્પણ છે, પણ એ સમર્પણ અત્યારે જે છે એ મોક્ષ માટે કામ આવે એવું નથી. અમારી પાસે પણ જે સમર્પણ છે, એ પણ કામ આવે એવું નથી! નહિતર, પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું; “આયઓ ગુરુબહુમાણો” એક ગુરુ સમર્પણ અને મોક્ષ. પણ એ સમર્પણ એટલે શું? આપણે આ કથા દ્વારા, આગળની કથા દ્વારા ભીજાઉં છે; અને સમર્પણની ધારા તમારી બરોબર વિકસી જાય પછી ભક્તિની ધારામાં સ્તવનો દ્વારા તમને લઇ જવા છે !

એકલવ્યની પાસે બુદ્ધિ નથી, અહંકાર નથી; સમર્પણ છે! ખરેખર એની આ જન્મોની સાધના છે. જન્મોની સાધના વિના આ આ સ્તર સુધી પહોંચી શકાતું નથી. આજે ગુરુપૂર્ણિમા! આજે તમે જે આપો તે ચાલે હો! તમારો કચરો પણ અમને સ્વીકાર્ય છે! અમારે તમારી સોનામહોર જોઈતી નથી! તમારો કચરો આપો! તમારા ‘હું’ ને આપો! તમારા ક્રોધને આપો! તમારી આસક્તિને આપો! ગુરુ ચરણે જાવ!

આજે માસક્ષમણના કાર્ડ આપવાના છે. આ પણ એક મજાની વાત થઇ કે ગુરુના ચરણોની અંદર મારે કંઈક ધરવું છે…! તો એક મહિના સુધી આ તપશ્ચર્યા, મૃત્યુંજય તપશ્ચર્યા કરી, અને સદ્ગુરુના ચરણોની અંદર એને સમર્પિત કરી અને હું ગુરુ પૂર્ણિમાને ઊજવું. એ રીતે પણ ગુરુપૂર્ણિમા ઉજવાશે. સમર્પણ દ્વારા ગુરુપૂર્ણિમાને ઉજવી અને બધા ખૂબ આગળ વધો..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *