વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શક્તિપાત
Very first time તમે સદ્ગુરુ પાસે આવો, એ જ ક્ષણે સદ્ગુરુ તમારી સાધનાના stand-point ને જોઈ લે છે અને તમને આ જન્મની અંદર ક્યાં સુધી આગળ વધારી શકાય એમ છે, એ પણ સદ્ગુરુ જોઈ શકે છે. પછી સદ્ગુરુનું dual action શરુ થાય છે: શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવા અને જે ક્ષણે તમે તૈયાર થાવ, એ ક્ષણે શક્તિપાત કરી દેવો!
શક્તિપાત એટલે શું? સદ્ગુરુ પોતાની શક્તિ સીધી જ તમને આપી દે; તમારામાં સંક્રમિત કરે – એ શક્તિપાત. રાગ-દ્વેષ-અહંકારમાં સતત ઘૂમી રહેલા આપણા જેવા વ્યક્તિત્વો સાધનાની ટોચ પર ક્યારે પહોંચી શકે? સદ્ગુરુનો શક્તિપાત મળે, તો.
જો શક્તિપાત ઝીલાઈ જાય, તો તમે એક ક્ષણ માટે વિભાવોમાં, રાગ-દ્વેષમાં ન જાઓ એમ નહિ… જઈ શકો નહિ. જે ક્ષણે તમારી પાસે સદ્ગુરુના શક્તિપાતને ઝીલવાની ક્ષમતા આવી, on that very moment; બીજી ક્ષણ નહિ – on that very moment સદ્ગુરુ શક્તિપાત કરી દેશે!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
સત્ત્વાનાં પરમાનંદ, કંદોદભેદ નવામ્બુદ:
સ્યાદ્વાદામૃત નિસ્યંદી, શીતલ: પાતુ વો જિન:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયે સ્તુ વઃ
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો
ઇષદ્દભાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
यस्याभिधानं मुनयोsपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले,
मिष्टान्नपानाम्बरपूर्णकामा:, स गौतमो यच्छतु वान्छितं मे ॥
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ;
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ.
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:
પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી. કેટલા બધા બડભાગી આપણે કે દુનિયામાં કોઈને જે ન મળે એ આપણને મળ્યું! એ પ્રભુની સાધના આપણને મળી તો ગઈ, પણ એનું જે પરિણામ આવવું જોઈએ એ કેમ નહિ આવ્યું…? એક સવાલ તમને કરું, પ્રભુનું શાસન, પ્રભુની સાધના પદ્ધતિ પહેલીવાર આપણને મળી છે? કેટલાય જન્મોની અંદર પ્રભુનું શાસન મળ્યું. પ્રભુની આ મજાની સાધના પદ્ધતિ મળી, તો પણ મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો?! where is the fault? ક્યાં આપણે ચૂકીએ છીએ? એ ચુકનો, એ અવરોધનો ખ્યાલ સદ્ગુરુને જ આવી શકે. આપણે સદ્ગુરુ પાસે જવું જોઈએ, અને પૂછવું જોઈએ કે ગુરુદેવ! મારી સાધના પદ્ધતિમાં ચૂક ક્યાં છે?
આનંદમયી માઁ ની પાસે એક ભક્ત આવતો હતો. દર મહિને એકવાર અચૂક એ સદ્ગુરુના દર્શન માટે આવતો, વીસ વર્ષ સુધી લગાતાર દર મહિને એ સદ્ગુરુના ચરણોમાં ઝૂકવા માટે આવે છે ! સદ્ગુરુના ઉપનિષદમાં આવ્યા ને, એને વીસ વર્ષ જ્યારે થયા, ત્યારે એને સદ્ગુરુને પૂછ્યું; કે ગુરુદેવ! વીસ-વીસ વર્ષથી તમારી પાસે આવું છું, અને છતાં મારામાં સહેજ પણ પરિવર્તન આવ્યું નથી ! ગુરુદેવ એનું કારણ શું? મજાનો ભક્ત હતો ! એણે કહ્યું: ગુરુદેવ! વીસ વર્ષથી તમારી પાસે આવું છું, અને મારામાં પરિવર્તન ન હોય તો શરમાવવાનું મારે કે તમારે? તમે પણ અમને challenge મારી શકો !
જો તમે સમર્પિત થયા, તો તમે કહી શકો કે ગુરુદેવ મારામાં પરિવર્તન નહિ આવ્યું; એનું કારણ શું? તમે કેમ શોધી ન શક્યા ! હું તમારા ચરણોમાં ઝૂક્યો, પછી મારે કંઈ કરવાનું રહેતું નથી, જે પણ કરવાનું છે એ તમારે કરવાનું છે! એ વખતે સદ્ગુરુએ કહ્યું કે બેટા! તું પહેલીવાર મારી પાસે આવ્યો, ત્યારે જ મેં જોયેલું કે અહંકાર તારા કેન્દ્રમાં ખીચોખીચ ભરાઈને પડેલો છે ! પહેલી જ વખતે મેં તારા અહંકારને જોયેલો ! અને મેં તને કહેલું કે બેટા! આ અહંકારને કાઢી નાંખ ! તું અહંકારને કાઢી શકતો નથી, તો હું શું કરું ? ભક્ત પણ મજાનો હતો ! એ કહે, સાહેબ! તમે મારી માઁ છો ! મારો ‘હું’ હું છોડી શકતો નથી; તમે છીનવી લો ! પડાવી લો ! તમે પણ આવી તૈયારી સાથે જ આજે અહીંયા આવી ગયા છો!
સદ્ગુરુ face reading ના master ! for had reading ના master! third eye reading ના master! જે ક્ષણે તમે સદ્ગુરુ પાસે આવો, એ જ ક્ષણે સદ્ગુરુ તમારી સાધનાના stand point ને જોઈ લે છે ! જોયા પછી આ જન્મની અંદર તમને ક્યાં સુધી આગળ વધારી શકાય એમ છે, એ પણ સદ્ગુરુ જોઈ શકે છે! તમારી સંભાવનાઓ થોડી કાચી પડતી હોય, તો એને પાકી કેમ બનાવવી એ પણ સદ્ગુરુ જાણે છે ! very first time સદ્ગુરુ પાસે તમે આવ્યા, સદ્ગુરુ તમારા પૂરા હૃદયને, પૂરા અંત:સ્તરને જોઈ શકે છે ! સદ્ગુરુ સાધના આપે; સાધનાને કેમ ઘૂંટવી, એ પણ સમજાવે ! સદ્ગુરુ બધું જ કરવા તૈયાર છે ! અમારો કોલ તમને: We are ready… તમારા માટે અમે બધું જ કરવા તૈયાર છીએ! મજાની વાત તો એ છે કે સદ્ગુરુ સાધનાના ગિરિને ચડીને શિખર ઉપર જાય ! પણ, પ્રભુ કહે છે, કે તારે શિખર ઉપર લાંબો સમય રહેવાનું નથી. તળેટીએ જા ! અને બીજા ૨-૪ જણાને ઉપર લઈને આવ ! એટલે અમે તમારા માટે તળેટીએ આવવા તૈયાર છીએ ! તમે જ્યાં છો ત્યાં આવીને વાતો કરીએ ! વાચનામાં કોઈ જ અઘરી વાતો કરવી નથી ! તમે જ્યાં છો, ત્યાંથી તમને ઊંચકવા છે ! માત્ર તમારી ઈચ્છા જોઈએ ઊંચકાવવાની ! તો તમે આવ્યા, સદ્ગુરુએ નક્કી કર્યું; કે આને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે; સીધો શક્તિપાત કરી દે !
સ્થૂલભદ્રજી શય્યંભવ ગુરુ પાસે આવ્યા. આવીને કહ્યું કે ગુરુદેવ! મને દીક્ષા આપો ! સ્થૂલભદ્રજી ની બાયોડેટા કોઈ પણ જાણે, તો એને દીક્ષા આપવાનું સાહસ કરી શકે? વેશ્યાને ત્યાં પડ્યો અને પાથર્યો રહેનારો માણસ, એનો સગો બાપ મરવા પડ્યો, સમાચાર મળ્યા તો પણ કહે છે કે એમાં વૈદ્યનું કામ છે; મારું શું કામ છે? એ માણસ સદ્ગુરુને કહે છે, ગુરુદેવ મને દીક્ષા આપો ! એ વખતે સદ્ગુરુ એના face ને જોવે છે. સદ્ગુરુ જોવે છે કે આ મારા શક્તિને ઝીલી શકે એમ છે! શક્તિપાત કરી દે! અમારું છે ને duel action હોય છે: શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવા, અને જે ક્ષણે તમે તૈયાર થાવ; એ ક્ષણે શક્તિપાત કરી દેવો ! શક્તિપાત એટલે શું? સદ્ગુરુ પોતાની શક્તિ સીધી જ તમને આપી દે ! તમારામાં સંક્રમિત કરે!
શક્તિપાતને હું લીફ્ટ કહું છુ. મુંબઈ તમે ગયા, ૭૨માં માળે જવું છે. લીફ્ટમાં બેઠા, બટન દબાવ્યું; લીફ્ટ ૭૨માં માળે! પણ electricity fail થયેલી હોય તો? દાદરા ચડતાં નાકે દમ આવી જાય ! રાગ અને દ્વેષમાં અને અહંકારમાં સતત ઘૂમી રહેલા આપણા જેવા વ્યક્તિત્વો સાધનાની ટોચ પર ક્યારે પહોંચી શકે? સદ્ગુરુનો શક્તિપાત મળે તો…! સદ્ગુરુ ચેતના શક્તિપાત ઝીલવા માટે, તમને તૈયાર કરવા માટે જન્મોથી મહેનત કરી રહી છે!
આ વાત આનંદઘનજી ભગવંતે ૧૫માં સ્તવનમાં કહી : “પ્રવચન અંજન જો… સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન” જે ક્ષણે સદ્ગુરુ શક્તિપાત કરે.. એ જ ક્ષણે! તમે પરમાત્માનું દર્શન કરો છો! હૃદય નયણ નિહાળે જગધણી..! પણ એ કડીના પહેલા ચરણમાં ‘જો’ શબ્દ મુક્યો છે. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે ! જો સદ્ગુરુ શક્તિપાત કરે, તો એ જ ક્ષણે ભક્ત પ્રભુનું દર્શન કરી શકે છે! સવાલ થાય કે ‘જો’ શબ્દ કેમ આવ્યો? સદ્ગુરુ તો કરૂણાવતાર છે! પ્રેમાવતાર છે ! એ કંડીશનલી કેમ ચાલે? હું શક્તિપાત કરું તો કરું, નહીતર ન પણ કરું ! કેમ? કંડીશનલી વાત કેમ આવી? શરતી વાત કેમ આવી? કારણ એક જ હતું; કે તમે શક્તિપાત ઝીલવા માટે તૈયાર હોવ તો, ગુરુ તો તૈયાર જ છે! પણ તમે જો શક્તિપાત ઝીલવા માટે તૈયાર નથી, તો સમર્થ સદ્ગુરુના હાથ પણ બંધાયેલા છે ! We can’t do anything for you..!
તો હવે સવાલ એ થાય કે સદ્ગુરુના શક્તિપાતને ઝીલવા માટે આપણી સજ્જતા શું હોય? બરોબર…? જે ક્ષણે તમારી પાસે સદ્ગુરુના શક્તિપાતને ઝીલવાની ક્ષમતા આવી, on that very moment… બીજી ક્ષણ નહિ! On that very moment; સદ્ગુરુ શક્તિપાત કરી દેશે! મારો એક ભક્ત ત્રણ દિવસ પ્રવચનમાં દેખાયો નહિ; મેં એને પૂછ્યું ચોથા દિવસે આવ્યો ત્યારે, કે ક્યાં ગયો હતો તું? મને એણે નામ આપ્યું કે આ ગુરુ પાસે શક્તિપાત કરાવવા ગયેલો! મેં કહ્યું, અમે શેના માટે બેઠા છીએ ! તારે ત્યાં સુધી લાંબા થવું પડ્યું ! શક્તિપાત કરવા માટે તો અમે બેઠા જ છીએ!
તો મારે આ મોટી મજાની ભાવુક સભાને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવાની! જે ક્ષણે તમે તૈયાર થયા; સમુહમાં શક્તિપાત ! એકીસાથે ! કાલે માસક્ષમણના ફોર્મ માટે પડાપડી થતી હતી ને? એવી જ પડાપડી શક્તિપાત માટે થવી જોઈએ! ક્યારે સદ્ગુરુ શક્તિપાત કરી આપે? ચાલો હું તમને પૂછું, તમે સાધના કરી રહ્યા છો, ૨૧મી વર્ધમાન તપની આયંબિલની ઓળી તમે કરી, પારણામાં રાબડી, શિરો, આવે તો તમને ગમતાં નથી, બરોબર…? પેલો કેફ ન હોય? ૨૧ દિવસનો કેફ ! એ વિગઈ વગરનું ખાધેલું, અને આ વિગઈવાળું ખાવાનું…! ખ્યાલ આવ્યો? ૨૧ દિવસ સાધના કરી ! ૨૨માં દિવસે ઉપવાસ કર્યો, પણ, ૨૩માં દિવસે આસક્તિમાં આપણે જતાં રહ્યા! રાબડી તો બરોબર હતી, પણ થોડી ખાંડ ઓછી હતી, ઉપરથી થોડી નાંખો! પણ ટેસ્ટી બનાવીને ખાવ ! તો લાગે છે કે આપણે આપણી શક્તિથી રાગ, દ્વેષ અને અહંકારને શિથિલ કરી શકીએ?
પહેલી જ સાધના છે: રાગ, દ્વેષ અને અહંકારને શિથિલ કરવા. એક જ્ઞાની ગુરુ પાસે એક શિષ્ય આવ્યો ! ફાગણ મહિનો હતો અને વર્ષીતપના ઢોલ બધે વાગતાં હતાં. એ શિષ્યે ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ! હું વર્ષીતપ કરું? હવે આમાં કંઈ ના પડાય કંઈ? વર્ષીતપની સાધના કરવા સાધક તૈયાર થયો છે! એને ના પડાય? પણ, ગુરુ મર્મી સાધક છે ! ગુરુએ શિષ્યને પૂછ્યું, કે વર્ષીતપની તારી વિભાવના શું છે? એટલે આપણને ખ્યાલ છે કે ઉપવાસ, બેસણું, ઉપવાસ, બેસણું, ક્યારેક છટ્ઠ આવે.. પણ, ગુરુ પૂછે છે, કે તારી વર્ષીતપ માટેની વિભાવના શું છે? બે ઉપવાસની વચ્ચે બેસણું કે બે બેસણાની વચ્ચે ઉપવાસ? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? ગુરુ પૂછે છે કે તું કઈ રીતે વર્ષીતપ કરવા માંગે છે? તારા વર્ષીતપમાં બે ઉપવાસ વચ્ચે બેસણું રહેવાનું, કે બે બેસણા વચ્ચે ઉપવાસ રહેવાનો? અહીંયા તો સરખું જ છે ને પણ ! એમાં ક્યાં ફરક પડે? શિષ્ય પણ સાધક છે! એ સમજી ગયો કે સદ્ગુરુ શું કહેવા માંગે છે!
સદ્ગુરુ એ કહેવા માંગે છે કે તારે અનાસક્તિની ધારામાં જવું છે કે આસક્તિની ધારામાં જવું છે? આજે પણ ઉપવાસ, પરમદિવસે પણ ઉપવાસ, ઠીક છે શરીરને ટેકો આપવા બેસણું કે એકાસણું કરી લઈએ! આ એક વિચારણા થઇ. બીજી વિચારણા; આજે પણ બેસણું, સવારે ચકાચક ! સાંજે પણ ચકાચક ! વચ્ચે ઉપવાસ આમ પણ જરૂરી બને કે પેટ જરા બરોબર થઇ જાય; પાછું પરમદિવસે બેસણું.. શિષ્યએ કહ્યું, ગુરુદેવ! આપે મારી ભ્રમણાને તોડી! હું વર્ષીતપ કરવા માંગતો પણ હતો અને મારી આસક્તિને સહેજ પણ ખેરવવા માંગતો નહોતો! અને પછી શિષ્ય ગુરુના ચરણોમાં પડે છે, ગુરુદેવ હું શું કરું? ત્યારે ગુરુએ કહ્યું, વર્ધમાન તપની આયંબિલની ઓળી ચાલુ રાખ ! સદ્ગુરુ વિના, સદ્ગુરુના સુપર વિઝન વિના, રાગ અને દ્વેષ, અને અહંકારથી આપણે સહેજ પણ વિમુક્ત બની શકીએ એ શક્યતા નથી!
એટલે સૌથી પહેલું સદ્ગુરુ સમર્પણ.! ગુરુએ જોયું; સ્થૂલભદ્રજીના ચહેરા ઉપર, ચહેરો જોતાં લાગ્યું; આ મારા શક્તિપાતને ઝીલી શકે એમ છે. અમે પણ ચહેરા જોતા હોય હો…! એટલે બરોબર ચહેરો લાગે ત્યાં વરસી પડીએ! અમને કોઈ ભેદભાવ નથી! પણ તમારી સજ્જતા હોય, એ પ્રમાણે તમે લઇ શકો છો!
એકવાર હું રાજસ્થાન જશવંતપુરામાં ચાતુર્માસ હતો ! દેરાસરે ગયેલો ! દેરાસરની બહાર નીકળ્યો ! આકાશ ઘનઘોર.. પાણી ભરેલાં વાદળાંઓ.. ઉપાશ્રય થોડો દૂર.. તો મને થયું કે ઉપાશ્રય પહોંચાશે કે કેમ? પણ, હું તો કંઈ ક્યારેય કરતો પણ નથી; પ્રભુને બધું સોંપી દઉં! પ્રભુનું નામ લઇ અને નીકળ્યો ! ઉપાશ્રયે પહોંચી ગયો ! ઈરિયાવહિયા કરી મારા આસન ઉપર બેઠો; અને મેં જોયું કે પાણી ભરેલા એ વાદળો દૂર ને દૂર ખસકી રહ્યા છે, વરસતા નથી; અને એકાદ કિલોમીટર દૂર એક પહાડી હતી- લીલીકૂંજાળ… હરિયાળી… ત્યાં જઈને વાદળાં વરસી ગયાં! વાદળને કોઈ ભેદભાવ નહોત; પણ, રાજસ્થાનની એ ધરતી, સવારના પહોરમાં પણ તપી રહી હતી; અને એથી એ વાદળાં વરસી ન શકયા.. પહાડી ઉપર હરિયાળી હતી; તો ત્યાં વરસાદ વરસી ગયો. કારણ કે એની જે વરાળ છે એ વરાળને પાણી થઈને ટપકવા માટે નીચે ભીનાશ હોવી જરૂરી છે.
તમે જેટલા ભીના એટલો જલસો ! ખરેખર, તમારી ભીનાશ અદ્ભુત્ત છે ! મુંબઈ, અમદાવાદ, સુરત કોઇ પણ મહાનગર હોય, લોકોનો જે ભક્તિભાવ વધ્યો છે અકલ્પનીય ! તમારી આંખોમાં પૂજનીય સાધુ-સાધ્વીઓ પ્રત્યે જે ભાવ ઉમટ્યો છે, એની કલ્પના પણ ન કરી શકાય ! મુંબઈ જ્યારે પહેલીવાર અમે ગયા, વૃંદ મોટું હતું- ૧૦૦-૧૫૦ નું ! બધાને બધા પરામાં દર્શન કરવા હોય.. એવા શ્રાવકો તૈયાર.. એવી શ્રાવિકાઓ તૈયાર.. કે જ્યાં સાધ્વીજી મહારાજ તૈયાર થયા, ૧૦-૧૨, ચાલો તમને દર્શન કરવા લઇ જઈએ ! ૯ – ૯.૩૦ – ૯.૪૫ થાય, સાધ્વીજીઓ કહે; કે ભાઈ ! તમારે ઓફિસે જવાનું હશે; તમે જાઓ ! એ વખતે એ કહે છે; સાહેબ ! ઓફીસ તો રોજની છે; આ સેવા રોજની નથી ! મુંબઈમાં અને સુરતમાં પણ આપણી બહેનો સાધ્વીજી ભગવતીઓની વ્હીલચેર ચલાવે છે. એમને ધન્યવાદ આપું. શું એમની ભક્તિ છે! એક જ વાત, અમે દીક્ષા નથી લઇ શક્યા, પણ જેમણે દીક્ષા લીધી છે; એ બધાની સેવા કરવી છે; અને એ સેવા દ્વારા અમારું ચારિત્ર મોહનીય કર્મ શિથિલ બને અને અમે આ જન્મમાં કે આવતાં જન્મમાં પ્રભુના માર્ગ ઉપર ચાલવા લાગીએ.
દીક્ષાનો તો એક સુવર્ણકાળ આવ્યો છે ! પાંચ દીક્ષા! દસ દીક્ષા! પંદર દીક્ષા! અને એ પણ M.B.A થયેલ ! C.A થયેલ ! યુવાન અને યુવતી દીક્ષા લે છે ! સમજીને…! વૈરાગ્યપુર્વક ! ત્યારે થાય કે કેવી સજ્જતા આવી ગઈ કે આ સદ્ગુરુએ આ રજોહરણ એમને આપ્યું. નજર બીજે ક્યાંય રાખતા નહિ, અહીંયા રાખજો ! અત્યારે મારા ઉપર પણ નહિ, રજોહરણ ઉપર ! આ કાળની અંદર સેંકડો યુવાનો અને યુવતીઓ આ પ્રભુના પ્યારા-પ્યારા વરદાનને ઝીલી રહ્યા છે ! કેવો સુવર્ણયુગ આવ્યો છે! અને એ યુવા એકનો એક દીકરો હોય અને છતાં માતા અને પિતા એને હોંશથી પ્રભુશાસનને સમર્પિત કરવા માટે તૈયાર છે.! આ જે સમર્પણ છે, આ જે ભીનાશ છે, એ જ શક્તિપાતને ઝીલવા માટેની સજ્જતા છે! પણ છતાં વાત થોડીક ઊંડી છે અને આપણે એને ધીરે-ધીરે ખોલવાની છે..
સ્થૂલભદ્રજી ઉપર ગુરુએ શક્તિપાત કર્યો. તમને બધાને ‘કરેમિ ભંતે’ મળ્યું, એ શું હતું? સદ્ગુરુનો શક્તિપાત હતો! એ શક્તિપાત ઝીલેલો હોય તો; તમે એક ક્ષણ માટે વિભાવોમાં- રાગ-દ્વેષમાં, ન જાઓ, એમ કહેતો નથી.. તમે જઈ શકો નહિ! આ સદ્ગુરુનો શક્તિપાત એ રક્ષાકવચ છે! એવું રક્ષાકવચ કે જેને ભેદીને રાગ કે દ્વેષના વિચારો આવી ન શકે. જે મળ્યું છે આપણને અદ્ભુત્તથી પણ અદ્ભુત્ત મળ્યું છે. આપણે ખુબ બડભાગી છીએ. પણ થોડાક ઊંડા એટલાં માટે ઉતરવું છે કે પ્રભુની સાધનાની જે શક્તિ છે એ આપણા ઉપર સક્રિય રીતે કામ કરવા માંડે. પ્રતિક્રમણ થયું. પાપો ઉપર તિરસ્કાર કેટલો આવ્યો? વર્ષોથી પ્રતિક્રમણ તમે કરતા હોવ, એમાં ૧૮ પાપસ્થાનક સેવ્યાં હોય, સેવરાવ્યા હોય, સેવતાં પ્રત્યે અનુંમોદ્યા હોય એનું તમે ‘મિચ્છામિ દુક્કડમ્’ દો. એ ૧૮ પાપસ્થાનકમાં એક પાપસ્થાનક છે પર-પરિવાદ. એટલે કે બીજાની નિંદા. તમે ક્યારેય પણ કોઈની નિંદા ન કરો, એવી મારી અપેક્ષા છે. પણ આજે તમને કહું કે જીનશાસનના એક પણ અંગની નિંદા, તમે ક્યારેય પણ નહિ કરો, એવી તમારાં માટેની મારી શ્રદ્ધા છે!
મયણાસુંદરી લગ્ન પછીની પહેલી સવારે શ્રીપાળને સાથે લઈને દેરાસરે જાય છે. અજ્ઞાની લોકો બોલે છે, જોયું આ ધરમનું ઢીંગલુ…! ધરમ-ધરમ કરતું રહ્યું, એના બાપે કોઢિયો વળગાડી દીધો! મયણાજી દેરાસરે ગયા, પ્રભુની ભક્તિ થઈ, ગુરુદેવ પાસે આવ્યા અને મયણા સુંદરી જીંદગીમાં પહેલી વાર ધ્રુસકે – ધ્રસકે રડી પડ્યા છે.! એમણે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ! મારા નિમિત્તે પ્રભુશાસન પર, પ્રભુના આ ધર્મ ઉપર આંગળી ચિંધાય, એની નિંદા થાય એ મારાથી સહન થાય એમ નથી! મયણાસુંદરી કહે છે કે ગુરુદેવ! કોઈ મયણાને કુળકલંકીની કહે ને મને વાંધો નથી! મયણા માટે જેટલી ગાળોનો વરસાદ વરસાવવો હોય, એટલો લોકો વરસાવે મને એની કોઈ ફિકર નથી ! પણ મારા નિમિત્તે પ્રભુશાસનની નિંદા થાય એ મારાથી સહન થતું નથી. તમારા માટે મારી આ શ્રદ્ધા છે કે જિનશાસનના એક પણ અંગની- સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ક્યારેય પણ તમે નિંદા કરો નહિ, નિંદા સાંભળો નહિ! કોઈ વ્યક્તિ તમને કહે આ મહારાજ સાહેબ આવા; તરત જ તમે કહેશો પ્લીઝ, પ્રભુશાસનના એ મહાત્મા છે અને એ મહાત્માની નિંદા હું સાંભળી શકીશ નહિ! આ પહેલો નિયમ.. આપણે સજ્જતા પ્રાપ્ત કરવી છે.. સદ્ગુરુ તૈયાર છે, તમને તૈયાર કરવા છે.. અને તમે તૈયાર થશો, એની મને ખાતરી છે…! કારણ કે વહેલી સવારમાં તમે આટલી મોટી સંખ્યામાં આવી ગયા છો !
તો સ્થૂલભદ્રજી ઉપર જે શક્તિપાત થયો એ શક્તિપાત કેવો હતો? અને એ શક્તિપાતે સ્થૂલભદ્રજીના હૃદયમાં આમૂલચૂલ ક્રાંતિ કેવી રીતે લાવી? એની વાત અવસરે…