Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 10

125 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ક્રોધનું પૃથ્થક્કરણ

ચિદાનંદજી મહારાજ કહે છે કે પ્રભુનું દર્શન કરવું કદાચ અઘરું છે; પણ તારું દર્શન તો તું કર! પ્રભુની ઉદાસીનદશાને જોવી કે પ્રભુની વીતરાગદશાને જોવી એ કદાચ અઘરું કામ હશે; પણ તમારી અંદર ઊઠતા રાગને કે દ્વેષને જોવો એ તો કેટલું સરળ છે. તમારા શરીરનું દર્શન તો તમે દર્પણમાં ઘણી વખત કર્યું; પણ તમારા આત્માનું દર્શન ક્યારેય કર્યું છે?

દુનિયાના બધા જ નિમિત્તો એ સામાન્ય નિમિત્તો; પ્રભુના વચનો એ વિશિષ્ટ નિમિત્ત. તમારી ઉપર સામાન્ય નિમિત્તની વધુ અસર થાય કે વિશિષ્ટ નિમિત્તની? ગુસ્સો આવે એવું નિમિત્ત મળ્યું હોય, પણ જો એ જ ક્ષણે પ્રભુનું વચન યાદ આવી જાય કે उवसमेण हणे कोहं; તો તમે તરત જ ગુસ્સાથી અટકી જાઓ ને!

શ્રાવકત્વની ઘણી-ઘણી ઊંડી વ્યાખ્યાઓ છે. પણ આજે એક જ નાનકડી વ્યાખ્યા આપું: જેના હૃદયમાં પ્રભુનો પ્રેમ સંપૂર્ણતયા ભરાઈને રહેલો છે, તે શ્રાવક. સંસારમાં રહેવાનું થાય; ફરજ રૂપે કંઇક કામ કરવું પણ પડે. પણ ત્યારે પણ શ્રાવકનું મન ક્યાં હોય? પ્રભુમાં.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૦

પંચસુત્રીય સાધનાનો એક મજાનો ક્રમ. પહેલા ચરણમાં આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીઓની પ્રાપ્તિ છે.

શબ્દ પરમાત્મા.. પ્રભુનો એક શબ્દ સંભળાય અને આંખોમાંથી આંસુ ઝરે! મારા પ્રભુની વાણી, મારા પ્રભુના પ્યારા શબ્દો મારા સુધી આવી ગયા! ૨૬૦૦ વર્ષનો ફાસલો પસાર કરીને પ્રભુના શબ્દો આપણી પાસે આવ્યા. રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા, અનુષ્ઠાન પરમાત્મા.

પૂજ્યપાદ ચિદાનંદજી મ.સા. એ એક બહુ મજાની વાત કરી. એમણે કહ્યું, કે પ્રભુની ઉદાસીનદશાને જોવી, કે પ્રભુની વિતરાગદશાને જોવી, એ કદાચ અઘરું કામ હશે; પણ, તમારી અંદર ઉઠતાં રાગને કે દ્વેષને જોવો એ તો કેટલું સરળ છે! ચા પીવા તમે બેઠા.. આજે જ તમે કદાચ ચા પીવાના, માસક્ષમણના તપસ્વીઓ સિવાયના, એ ચા પીશો, ત્યારે તમારી હાલત શું હશે…? હાથમાં ચા નો કપ હશે, આંખમાંથી આંસુ ઝરતાં હશે, શી રીતે ચા સીપ કરવી એનો તમે વિચાર કરતાં હશો.. એક હાથે નેપકીનથી આંખના આંસુને લુંછીને, બીજા હાથથી તમે કદાચ ચા સીપ કરશો. એવી વખતે ધારો કે ચા ટેસ્ટી છે, અને તમને એ ચા ગમી ગઈ. તો ચા પ્રત્યે આસક્તિ થઇ, એ આસક્તિને જુઓ.

ચિદાનંદજી મહારાજ કહે છે; કે પ્રભુનું દર્શન કરવું કદાચ અઘરું છે; તારું દર્શન તો તું કર.! તમારા શરીરનું દર્શન તમે કર્યું છે, તમારા આત્માનું દર્શન તમે ક્યારેય કર્યું છે? રીશેપ્શન માટે તૈયાર તમે થઇ ગયા, છેલ્લે દર્પણમાં મોઢું જોયું. રેઝરથી વાળ કાપતાં થોડાક દાઢીના વાળ રહી ગયા છે, કાનમાં સહેજ સાબુ રહી ગયો છે, એ જોયા પછી દર્પણ ઉપર કેટલો ગુસ્સો આવે, સાચું કહો..? પટકો નહિ દર્પણને? કે તું?! મારા દોષોને બતાવે? મારા મોઢા ઉપર વાળ છે, એમાં તારા બાપનું શું ગયું…?! દર્પણ તમને ગમે? ભાઈ, ગમે? અને દર્પણ જેવા માણસો પણ ગમે?

ચૈત્યવંદન તમે કરતાં હતાં. સ્તવન તો એકદમ લલકારીને ગાયું અને નમુત્થુંણં અને જય વીયરાય સૂત્ર ઝપાટાબંધ બોલી ગયા. બાજુવાળા કો’કે કહ્યું,  આવી રીતે નમુત્થુણં સૂત્ર ન બોલાય, ધીરે ધીરે સંપદા પૂર્વક બોલાય; આ દર્પણ જેવો માણસ કેવો ગમે? તમે શું કહો એ વખતે? બેસ! બેસ! હવે તારી બધી ખબર છે મને! તું મને વળી કઈ શિખામણ આપવા આવ્યો છે….! દર્પણ ગમે છે, દર્પણ જેવા માણસો ગમતા નથી.. ક્યારેક વિચાર કર્યો, તમે તો સાંભળવાનું પણ અહીં રાખશો, વિચારવાનું પણ અહીં રાખશો; મને કોઈ વાંધો નથી, આપણે અહીંયા વિચાર કરી લઈએ.

દર્પણ ગમે, અને દર્પણ જેવા માણસો ન ગમે. કારણ શું? દર્પણ ગમે છે એટલા માટે, કે હું સારો દેખાવું છું. રીશેપ્શનમાં, પાર્ટીમાં હું જાઉં, અને આવી રીતે કાનમાં સાબુ હોય, અને ગાલ ઉપર દાઢીના વાળ ચોંટેલા હોય, એ ચાલી શકે નહિ. હું એટલે શરીર… અને ‘હું’ સારું લાગવું જોઈએ… આ જ વાત આપણે થોડી બદલી નાંખીએ. હું એટલે આત્મા.. અને મારા આત્માની અંદર જે-જે દોષો છે એને જે પણ બતાવે તે મજાના લાગે.. પણ મારે તો એ વાત કરવી છે, કે બીજો તમારા રાગને જોવે, અને તમને કહે કે આટલો બધો રાગ પણ! કપડાં ઉપર આટલો બધો રાગ…! અને તમને કદાચ ગુસ્સો આવે, પણ તમે પોતે તમારા રાગને જુઓ તો? તો ચા પીવાની પ્રક્રિયા અલગ પડે; આસક્તિને જોવાની ક્રિયા અલગ પડે. ચા પીવાનું કામ શરીર કરે; આસક્તિને જોવાનું કામ મન કરે. શરીરને શરીરનું કામ કરવા દો.. તમે એમાં વચ્ચે માથું કેમ મારો છો? અને માથું મારો તો વાગવાનું જ છે.!

ઓફિસમાં તમે તમારા પ્યુનને કહ્યું, પાણી લાવ; પેલો ફ્રીજ તરફ જશે, તમે પાછળ જવાના? તમે પાછળ જવાના? તમારું એ કામ નથી. પ્યુન પાણીનો ગ્લાસ તમારા ટેબલ ઉપર મુકે, પછી પીવાનું કામ તમારું છે. અલગ કામ પડી ગયા? ખાવાનું કામ કોનું? તમારું કે શરીરનું? ખાય કોણ? શરીર.. શરીરને ખાવા દો..

એક બહુ જ પહોંચેલા યોગીને પૂછવામાં આવેલું, કે યોગસાધનાના પ્રારંભમાં પણ આપ ખાતા હતાં, પીતાં હતા, સુતા હતાં, કારણ કે શરીર હતું. આજે આપ યોગની ઉચ્ચ કક્ષા ઉપર છો. છતાં આપ ખાવ છો, પીઓ છો, સુઈ જાવ છો, તો ફરક શું પડ્યો? ૨૫ વર્ષ પહેલાં યોગનો પ્રારંભ હતો, ત્યારે પણ ખાવાનું, પીવાનું, સુવાનું ચાલુ હતું. આજે ૨૫ વર્ષ પછી યોગસાધના ઊંચકાઈ ગઈ છે, અને છતાં ખાવાનું, પીવાનું, સુવાનું ચાલુ છે, તો ફરક શું પડ્યો? એ વખતે એ યોગીએ જે કહેલું એને યાદ રાખજો. યોગીએ કહેલું, ૨૫ વર્ષ પહેલાં હું ખાતો હતો, હું પાણી પીતો હતો અને શરીર એટલે ‘હું’ આ મારી માન્યતા હતી; અને એથી હું ખાઉં છું, એવું હું માનતો હતો. ૨૫ વર્ષની સાધના પછી આજે મારો અનુભવ એ છે, કે ખવાય છે, પીવાય છે, સુવાય છે. ‘હું’ નથી. કર્તા તરીકે જે ‘હું’ હતો, એ ઉડી ગયો. તો રાગને જોવો છે, દ્વેષને પણ જોવો છે..

એકવાર પ્રવચનમાં મેં એક સવાલ કરેલો, કે તમને ગુસ્સો ક્યારે આવે? જો કે સવાલ તો એ પૂછવો જોઈએ કે તમને ગુસ્સો ક્યારે ન આવે? બરોબર ને? મેં પૂછ્યું, કે ગુસ્સો કેમ આવે? મારી સામે એક ભાઈ બેઠેલા. મને કહે સાહેબ! નિમિત્ત મળે એટલે ગુસ્સો આવે. બોલો વાત બરોબર ભાઈ? કોઈ નિમિત્ત ન હોય, અને માણસ જોરશોરથી બોલ્યાં કરતો હોય, તો શું કરવું પડે? મેન્ટલ હોસ્પિટલમાં જ મોકલવો પડે ને… બરોબર ને ભાઈ? નિમિત્ત મળે તો ગુસ્સો આવે, બરોબર? બરોબર ને? હવે એ ભાઈને આગળ પૂછ્યું, મેં કહ્યું, તારો દીકરો છે આઠ વર્ષનો, પેટમાં દુઃખાવો ઉપડ્યો, સારામાં સારા નિષ્ણાંત ડોકટર પાસે તું દીકરાને લઈને ગયો. ડોકટરે સોનોગ્રાફી વગેરે રિપોર્ટો કઢાવ્યા, અને પછી કહ્યું, ગાંઠ છે અને immediate ઓપરેશન કરવું જરૂરી છે. છોકરાને immediate ઓપરેશન કરવાનું નક્કી થયું. ઓપરેશન થઇ પણ ગયું. Successfully થઇ ગયું. દીકરાને હોસ્પિટલના કર્મચારીઓ special રૂમની બેડ પર સુવાડીને ગયા. થોડીવાર થઇ અને એનેસ્થેસિયાનું જોર ઉતર્યું, દીકરો ભાનમાં આવ્યો, એને કહ્યું, પપ્પા ! મારે પાણી પીવું છે, તરસ લાગી છે. મેં પેલા ભાઈને કહ્યું, કે હવે તમને ખબર નથી કે ઓપરેશન હમણાં થયું છે, એને પાણી અપાય કે ન અપાય. તમે મોટા ડોક્ટરને ઓળખતાં હતાં, તમે ડોકટર પાસે પહોંચી ગયા, એમની ચેમ્બરમાં, સાહેબ! હમણાં આપે મારા દીકરાનું ઓપરેશન કર્યું ગાંઠનું, એ ભાનમાં આવ્યો છે, એને તરસ લાગી છે, તો એને પાણી અપાય કે ન અપાય? ડોકટર એના વિષયમાં નિષ્ણાંત હતો. પણ, બહુ જ મિજાજી સ્વભાવનો, ડોકટર તાડૂકે છે! કોઈ નર્સ કોરીડોરમાં રખડતી નથી? કોઈ house ડોકટર રખડતો જોયો નહિ? એને પૂછવાને બદલે તમે મને પૂછવા આવ્યા છો…! મારા જુનિયર ડોકટરો પેટ ચીરી નાંખે, પછી હું ઓપરેશન થિયેટરમાં જનારો માણસ અને તમે મને પૂછવા આવ્યા છો! કે પાણી અપાય કે ન અપાય? સાલાએ હા કે ના એક શબ્દ કીધો હોત તો..! આટલું લાંબુ લેક્ચર ફાડવું ન પડત! મેં પેલા ભાઈને પૂછ્યું, કે તમારી વાતમાં કંઈ ખોટું હતું નહિ; તમે ખાલી પૂછવા ગયા છો પ્રેમથી, એને હા કે ના એ રીતે જવાબ આપવો જોઈતો હતો. કારણ એને પૈસા મળવાના છે. એને બદલે એ આટલો ગુસ્સો કરે, મેં કહ્યું, તમને કેટલો ગુસ્સો આવે? મેં કીધું, તમને ગુસ્સો આવે? ડોકટર! કેટલી કમાણી છે રોજની? તારા કરતાં મારી કમાણી વધારે છે. શું આ મિજાજી કરે છે? આવું બોલો? મને કહે કે ના સાહેબ! ત્યાં તો ઠંડાગાર થઇને રહેવું પડે! મેં કહ્યું, કેમ? નિમિત્ત મળ્યું, હવે ગુસ્સો થવો જોઈએ? બરોબરને ભાઈ…? તમારું સૂત્ર શું છે? ઘરમાં નિમિત્ત જોઈએ કે એમનેમ ચાલે?

એક જગ્યાએ એક પતિ-પત્ની રહેતાં ફ્લેટમાં, એની બાજુના ફ્લેટમાં એક ભાઈ પેઈંગ ગેસ્ટ તરીકે આવતાં, પોતાના કામ માટે. રહેતા ગામડે, શહેરમાં આવતાં. એ જ્યારે પોતાના ફ્લેટમાં આવે, ત્યારે બાજુના ફ્લેટમાં પેલા પતિ-પત્નીનું ચાલતું તો હોય. સવારથી મોડી રાત સુધી. પાણીનો ગ્લાસ આમ કેમ મુક્યો? એના ઉપર અડધો કલાક ભાષણ ચાલે! એકવાર પેલો ભાઈ ગયો, બાજુના ફ્લેટમાંથી અવાજ ન આવે; તો એણે પોતાના જજમાનને પૂછ્યું, કે આ બાજુવાળા ઘર બદલીને બીજે ગયા છે? પેલો કહે, ના, એ તો અહીંયા જ છે. અરે પણ અહીંયા હોય, અને અવાજ ન આવે અડધો કલાક સુધી એ શક્ય ખરું…?! ત્યારે એ જજમાનને કહ્યું, કે ભાઈને સિવિયર હાર્ટએટેક આવેલો, આ તો શહેરમાં હતા, ૧૦૮માં તરત જ હોસ્પિટલમાં રવાના કર્યા. ઓપન હાર્ટ સર્જરી થઇ ગઈ, અને જીવતાં પાછા આવ્યા; પણ, ડોકટરે કહ્યું છે, હવે જો ગુસ્સો કર્યો, અને ગુસ્સાથી બોલ્યાં, તો હોસ્પિટલ આવવાની જરૂર નથી. ઘરે ને ઘરે બધું પતાવી દેજો.

બેનને હાઈપર ટેન્શન બહુ વધી ગયેલું. આખા ગામની ચિંતા કરે, એ માણસનું હાઈપર ટેન્શન કેટલું રહે…! એકવાર તો ૨૦૦- ૨૫૦- ૨૭૫ હોસ્પિટલમાં દાખલ કર્યા. દસ દિવસ રાખવા પણ પડ્યા. દવાઓએ કામ પણ કર્યું. અને હોસ્પિટલમાં એકદમ શાંતિ હતી. દસ દિવસે હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ મળ્યો, પણ ડોકટરે એમને પણ કહી દીધું કે હવે જો ઊંચા અવાજે બોલવું હોય, તો ફરીથી હોસ્પિટલના પગથિયા ચડતા નહિ. એટલે પેલા જજમાને આ કહ્યું કે બેય જણા હમણાં ડોકટરની આજ્ઞામાં છે.. તમે કોની આજ્ઞામાં ભાઈ? ગુરુવચન તહત્તિ કરી પડિવજ્યું નહિ. ડોકટર કહે, ક્લોરસ્ટોલ થઇ ગયો છે, ઘી-તેલ બંધ. તો કહે, તહત્તિ. અને અમે કહીએ ભાઈ! વધારે નહિ, વર્ધમાન તપની ઓળી પણ નહિ, મહિનામાં પાંચ આયંબિલ કર! સાહેબ આયંબિલ તો મારાથી ન થાય. તમે કોની આજ્ઞામાં?

મેં પેલા ભાઈને પૂછ્યું કે નિમિત્ત મળ્યું, તમને ગુસ્સો કેમ ન આવ્યો? તો કે સાહેબ! સીધી વાત હતી ને, હું ગુસ્સો કરું, તો મારા દીકરાનું ભાવિ જોખમાય. આપણે ત્યાં કંઇ વિદેશ જેવા કડક કાયદાઓ નથી કે ડોક્ટર સહેજ વાંકમાં આવે અને લાખો ડોલર ઓકવા પડે. અહીં તો પૈસા આપીને માણસ છુટી જઈ શકે છે. એટલે કદાચ હું ગરમ થઈ પણ જાત, પણ મને રોક્યો મારા દીકરાના પ્રેમે. મારા દીકરા પરના પ્રેમે મને ગુસ્સો કરતા રોક્યો. તમારા માટે બને આવું? બને?

હવે આપણે વાતને થોડીક જ આગળ વધારવાની છે. નિમિત્ત મળ્યું. જોરદાર નિમિત્ત.. એટમબોમ્બ ફૂટી ગયો. ગુસ્સે થવાય એવું છે. પેલો ગુસ્સે કેમ ન થયો? દીકરા ઉપર પ્રેમ છે. તમે ગુસ્સે ન થાઓ કારણ કે તમને પ્રભુ ઉપર પ્રેમ છે. તમને પ્રભુ પ્રત્યે પ્રેમ છે… અને એથી મારા પ્રભુએ કહ્યું છે કે ગુસ્સો નહિ કરવો તો મારે ગુસ્સો નથી કરવો.. બોલો શોર્ટકટ આવી ગયો? ગમ્યો? તમારા મનને મારે બદલવું છે. નહિતર શું થાય? વ્યાખ્યાનમાં સાંભળીએ, બહાર નીકળીએ એની અસર જતી રહે છે. કેમ જતી રહે છે? કારણ કે ત્રેવીસ કલાક તમે એ જ વિચારોમાં છો, રાગના.. દ્વેષના.. પેલાએ આમ કર્યું..! એને સરખો કરી નાંખું.! આ વિચારો સતત ચાલતા હોય. હવે મારે તમારા મનને બદલવું છે. જે મનમાં તમારા પ્રત્યે પ્રેમ છે, એ મનની અંદર પ્રભુ પરના પ્રેમને લાવો. આ લોકો તો ગુસ્સે થાય જ નહિ. પ્રભુની આ ચાદર પહેરી હોય એ ગુસ્સે થાય કોઈ દિવસ? ન જ થાય ને! મારા પ્રભુને ગમે એ મારે કરવાનું છે.! એમના જીવનનો એક જ મુદ્રાલેખ. શું કરવાનું? મારા પ્રભુને ગમે તે કરવાનું.!

અને એટલે જ હું ઘણીવાર કહું છું કે પ્રભુને રિઝવવા છે. પ્રભુ પર અત્યંત પ્રેમ કરવો છે. આવું જયારે નક્કી થયું, પછી જ તમારા જીવનમાં સદ્ગુરુ ચેતનાનો વાસ્તવિક પ્રવેશ થાય છે; ત્યાં સુધી સદ્ગુરુ ચેતનાનો વાસ્તવિક પ્રવેશ થતો નથી. પ્રભુને રિઝવવા છે.! હવે તમે સદ્ગુરુ પાસે આવ્યા છો. સાહેબ આ પ્રમાણે કરું છું તો આનાથી મારા પ્રભુ રીઝે કે નહિ? તમારો પણ મુદ્રાલેખ એક જ છે.. શું પ્રભુની તમારા પરની માટે કરુણા? સાચું કહેજો? પ્રભુના પ્રેમનો, પ્રભુની કરુણાનો સ્પર્શ તમને થાય છે? ચરવળો જયારે હાથમાં લો ત્યારે પ્રભુના પ્રેમનો સ્પર્શ થાય છે? અમે રજોહરણને હાથમાં લઈએ અમારી આંખો ભીની બને કે પ્રભુ મારી કોઈ સજજતા નહિ, હેસિયત નહિ અને તારું વરદાન તે મને આપ્યું.!

તમે કહી શકો ચરવળો હાથમાં લેતા કે પ્રભુ તે એમ ન કહ્યું, કે જે સંસારને છોડી દે, મારી આજ્ઞાને સંપૂર્ણતયા માની લે, એ જ મારા શાસનમાં, એ જ મારા ધર્મ સંઘમાં; આવું પ્રભુ તે કહ્યું નહિ! નિર્બળતાને વશ જે સંસારમાં રહ્યો છે, પણ જેની નજર પ્રભુની આજ્ઞા તરફ જ છે; અને એક જ વાત છે કે પ્રભુની આજ્ઞા સંપૂર્ણતયા સાધુ જીવનમાં પળાય, માટે એ જલ્દી જલ્દી કેમ મળે, એવી એના મનમાં ઈચ્છા છે. તો આવી વ્યક્તિને પ્રભુએ પોતાના ધર્મસંઘમાં સ્થાન આપ્યું! એવું ન કહ્યું, કે સાધુ અને સાધ્વી સંસારને છોડીને મારા શરણે આવ્યા છે તો એને મારા ધર્મસંઘમાં સ્થાન આપું. અને જેને જલસો કરવો છે, સંસારમાં રહેવું છે એને મારા ધર્મસંઘમાં સ્થાન કેમ આપું, એવું પ્રભુએ વિચાર્યું નથી.! પ્રભુનો એ પ્રેમ, પ્રભુની એ કરુણા, એ  તમને પણ પ્રભુએ પોતાના ધર્મસંઘમાં સ્થાન આપ્યું છે.!

ચતુર્વિધ સંઘ.. શ્રમણ-શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. તો શ્રાવકત્વની  વ્યાખ્યાઓ ઊંડી ઘણી-ઘણી છે. પણ આજે એક જ નાનકડી વ્યાખ્યા આપું, કે જેના હૃદયમાં પ્રભુનો પ્રેમ સંપૂર્ણતયા ભરાઈને રહેલો છે તે શ્રાવક. સંસારમાં રહેવાનું થાય. ફરજ રૂપે કંઇક કામ કરવું પણ પડે. પણ તમારું મન ક્યાં હોય? અત્યારે ઊંધું થયું; શરીર ધર્મક્રિયામાં, મન રાગ-દ્વેષમાં. જ્યાં સુધી તમારું આ મન સ્પર્શે નહિ, ત્યાં સુધી સાધના અસ્તિત્વના સ્તર સુધી જશે નહિ. અત્યારે આપણી સાધના ક્યાં સુધી છે? પ્રતિક્રમણ વિગેરે કરીએ, મન ક્યાંય ફરતું હોય. તો શરીર સાધનામાં હોય. અત્યારે તમે બેઠા છો. શ્રવણયોગ ચાલી રહ્યો છે. પણ કંઇક અંદરનું હલે, કંઇક અંદરનું ખરે, તો માની શકાય કે અસ્તિત્વના સ્તરની સાધના તમને મળી.

એટલે એક કોશિશ એ કરવી છે કે અગણિત જન્મો બધા જ નિષ્ફળ ગયા. આ જન્મ કોઇ પણ હિસાબે નિષ્ફળ ન જ જવો જોઈએ. આ જ ક્ષણથી કામ કરવું છે! મને તો આવતી ક્ષણ પણ વધારે લાગે છે! From this very moment! આ ક્ષણથી શરૂ કરો.! ભીતર જાઓ.! એકવાર તમે તમારા ભીતરના આનંદને માણશો; બહાર આવવાની ઈચ્છા નહિ થાય.!

આપણે શું વાત કરતા હતા? કે નિમિત્ત મળ્યું; ક્રોધ આવી જાય એમ છે, પણ દીકરા ઉપરના પ્રેમે ક્રોધને આવતો રોક્યો. આપણા બધા માટે શું થાય? કેમ, પેલાએ આમ કીધું ને? તમે શાંત રહ્યા એકદમ.! હા, મને ગુસ્સો આવે એવું થઈ ગયેલું; તમે કન્ફેશન કરો, ઈકરાર કરો, કે ગુસ્સો આવે એવું થઈ ગયેલી, એ જ ક્ષણે પ્રભુની યાદ આવી કે મારા પ્રભુએ આટલી બધી હદે મને ચાહ્યો છે.! અને એ પ્રભુ ઉપર મને પ્રેમ છે.! એ પ્રભુ ના પાડે છે કે ગુસ્સો નહિ કરવાનો; તો મારે નથી જ કરવો…

લોકો મને ઘણીવાર કહે કે સાહેબ આમ ગુસ્સો ન આવે, પણ નિમિત્તથી મળે ત્યારે આવે! ત્યારે હું વાત કરું કે નિમિત્ત બે જાતના આવે; એક સામાન્ય અને એક વિશિષ્ટ. કોઈએ કહ્યું, આના કામમાં ભલેવાર ન હોય, તો સામાન્ય. પણ બીજાએ તો ઉછળી-ઉછળીને કીધું, આ ને? આ ને કામ સોંપાય? સાલું ઓડનું ચોળ કરે એવો જ માણસ! આ બુદ્ધિના બેલને તમે કામ સોંપેલું?! બે નિમિત્ત થયા ને? અસર કોની વધારે થાય? વિશિષ્ટ નિમિત્તની, બરોબર?

આ દુનિયાના બધા જ નિમિત્તો એ સામાન્ય નિમિત્તો; અને પ્રભુના વચનો એ વિશિષ્ટ નિમિત્તો. હવે તમે કયા નિમિત્તને માનશો? ‘उवसमेण हणे कोहं’ આ પ્રભુનું વચન છે. તમે વિશિષ્ટ નિમિત્તમાં જવાના કે સામાન્ય નિમિત્તમાં જવાના? તમારા જ જીવાતા જીવનની આ વાત છે. મારી ઈચ્છા છે કે પ્રભુનો પ્રેમ એ હદે તમારા જીવનની અંદર ઓતપ્રોત થઈ જાય, કે તમે ન રાગ કરી શકો, ન ગુસ્સો કરી શકો. એના માટે આપણે શું-શું કરી શકીએ? એની વાતો અવસરે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *