Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 11

18 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : રાગનું પગેરું

તમારી આખી જ જીવન પદ્ધતિ society ના કહેવા પ્રમાણે ચાલે છે. ચા tasty છે – એવું નક્કી કોણે કર્યું? તમે નથી કર્યું, સમાજે કર્યું છે. તમે ભારતમાં જન્મ્યા, ઊછર્યા, તો કડક અને મીઠી ચા તમને tasty લાગે. ચીન કે તિબેટના લોકો માટે મીઠું નાંખેલી ચા tasty છે. એટલે tasty ચાથી રાગ થયો – એમાં પાયો જ ખોટો છે. ચા plain ચા છે; tasty પણ નહિ, un-tasty પણ નહિ.

તમારી ભીતર જે રાગ પડ્યો છે, એના મૂળ કારણો તમે બરોબર સમજી લેશો, તો એને કાઢવો તમારા માટે એકદમ સરળ બની જશે. રાગનું કારણ સમાજ પ્રભાવિતતા છે; એ જ રીતે તમારો અહંકાર પણ રાગનું કારણ છે. 2BHK થી 6BHK flat માં તમે ગયા. રહેનારા તમે બે જ છો એટલે ચાર bedroom એમને એમ જ પડ્યા રહેવાના છે. છતાં તમને એ flat માં જવું ગમે છે. કેમ? એટલા માટે કે એનાથી તમારો અહંકાર પુષ્ટ થાય છે.

આજે સામાન્ય માણસને ૨૫-૫૦ કરોડ મળે એટલાથી સંતોષ થતો નથી. પણ જિનશાસનને જે પામેલ છે, એની પાસે એક જ ગણિત હોય: દેવ-ગુરુ પસાય હું આનંદમાં છું; મજામાં છું. કારણ? પ્રભુનું શાસન મને મળી ગયું. જો પ્રભુનું શાસન ન મળેલું હોય, તો અબજો રૂપિયા મળે તો પણ શું ને ન મળે તો પણ શું!

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૧

પંચસુત્રીય પ્રભુની સાધના.

પહેલું ચરણ – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીઓની પ્રાપ્તિ.

રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા, અનુષ્ઠાન પરમાત્મા.

શબ્દ પરમાત્મા પ્રભુના પ્યારા – પ્યારા શબ્દો આપણને આનંદલોકમાં પ્રતિષ્ઠિત કરે! ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યામાં એક સરસ વાત કરી કે તું તારી ભીતર ઉઠતાં રાગને જો ! તારી ભીતર ઉઠતાં દ્વેષને તું જો !

ટેસ્ટી ચા છે, તમે પીધી, તમારું મન કહે છે, મજા આવી ગઈ! અહીંયા આપણે થોડા ઊંડા ઉતરીએ.. ચા  ટેસ્ટી છે, એવું નક્કી કોણે કર્યું? એવું નક્કી તમે નથી કર્યું, સોસાયટીએ કર્યું છે. આપણે ભારતમાં જન્મ્યા, ઉછર્યા, તો કડક અને મીઠી ચા એ આપણને પ્યારી લાગે. ચાઈના કે તિબેટની અંદર મીઠું નાંખેલી, salt નાંખેલી ચા પીવે; અને એ એમને મીઠી લાગે. ટેસ્ટી ચા હતી, અને રાગ થયો; પણ, પાયો જ ખોટો છે! ચા, સિમ્પલ ચા છે, એ ટેસ્ટી પણ નથી, અનટેસ્ટી પણ નથી. એના ઉપર લેબલ તમે પણ લગાડ્યા નથી, સોસાયટીએ લગાડ્યા છે. એટલે હું ઘણીવાર કહું છું કે આજના કહેવાતાં બુદ્ધિમાન વ્યક્તિના મનને પણ સોસાયટીએ હાઈજેક કર્યું છે.

એકવાર પરમ પાવન શત્રુંજય મહાતીર્થની બાજુમાં હસ્તગિરિ તીર્થમાં થોડા દિવસ માટે હું રોકાયેલો, ભક્તિ કરવા. રાજસ્થાનનું એક ભક્ત કુટુંબ પાલીતાણા આવેલ. ત્યાં એમને સમાચાર મળ્યા કે ગુરુદેવ હસ્તગિરિ છે. એટલે એ લોકો હસ્તગિરિ આવ્યા. ઉપર યાત્રા પણ કરી આવ્યા. ૧૧.૩૦ – ૧૧.૪૫ વાગે મારી પાસે બેઠા. એ વખતે હસ્તગિરિ તીર્થનું સંચાલન જેઓ કરતાં હતા, એ કાન્તિભાઈ પટણી ને સમાચાર મળ્યા, કે સાહેબ પાસે કોઈ મહેમાનો આવ્યા છે, એ દોડતા આવ્યા. મહેમાનોને વિનંતી કરી, કે અમારે ત્યાં જમવા માટે પધારો, ભોજનશાળામાં. પેલા લોકોએ કહ્યું કે અમે પાલીતાણા ઉતરીને આવ્યા છીએ; અને ત્યાં તખતગઢ ધર્મશાળામાં જમવાનો ઓર્ડર આપીને આવ્યા છીએ. એટલે આપની ઘણી બધી ઈચ્છા છે, પણ અમે સ્વીકારી નહિ શકીએ. કાન્તીભાઈ ગયા, ત્યાં મારી ગોચરી આવી. મેં પેલા લોકોને કહ્યું કે આ વિનંતી કરવા આવ્યા હતાં, તમે જતાં રહ્યા હોત તો…! મારી ગોચરી પતી જાત. તમારું ભોજન પતી, જાત પછી આપણે બેસત. મને કહે, સાહેબજી! પાલીતાણા જમવાનું નક્કી કર્યું છે, એ તો ગપ્પું જ મારેલું હતું. આપ વાપરીને આવો. આપની જેટલી અનુકુળતા હોય, એટલો સમય અમને હિતશિક્ષા આપો. તો મેં કહ્યું, પાલીતાણા જમવાનું નક્કી નહતું, અને આ બોલાવવા આવ્યા હતાં તો ના કેમ પાડી? મને કહે સાહેબજી! અહીંયા ગુજરાતી ટેસ્ટની ભોજનશાળા છે. તુવેરની દાળ હશે ને એમાં ગોળ નાંખેલો હશે. ટામેટાનું શાક હશે તો એમાં ય ગોળ નાંખેલો હશે. અમે લોકો રાજસ્થાની મીઠી દાળ ભાવે જ નહિ. રોટલીનો ટુકડો ને મીઠી દાળમાં નાંખી, અને ખાવાનો; કલ્પના જ અમારા ઉતરે નહિ..

હવે તુવેરની દાળ મીઠી હોય તો સારું, અને ગોળ વગરની હોય તો સારું આવું નક્કી કોણ કરે છે? એ રાજસ્થાની કુટુંબે નક્કી નથી કર્યું; એ જેમાં રહે છે એ સોસાયટીએ નક્કી કર્યું છે. તમારી આખી જ જીવન પદ્ધતિ સોસાયટીના કહેવા પ્રમાણે ચાલે. 2BHK નો ફ્લેટ છે, પોશ એરિયામાં છે, એક દીકરો છે તમારે, એક બેડરૂમ એનો અને એક બેડરૂમ તમારો, મહેમાન આવે તો હોલમાં ઉતરી શકે. પણ, 3BHK, 5BHK, 6BHK એપાર્ટમેન્ટ જે જોઈએ છે, એ કોના માટે? વેસુમાં ફરતાં હોઈએ ને, ત્યાં બોર્ડ શું જોવા મળે આમ? 5BHK લક્ઝરી એપાર્ટમેન્ટ, 6BHK લક્ઝરી એપાર્ટમેન્ટ. પણ, એ 6BHK એપાર્ટમેન્ટમાં રહેનારા બે જ જણા હોય પાછા.! રહેનારા બે જણા; તો 6BHK એપાર્ટમેન્ટ કોના માટે? સોસાયટી જુએ અને કહે કે ના, કંઈ કમાયો તો છે હો!

રાજસ્થાનમાં અમારું ચાતુર્માસ એક જગ્યાએ, ગુરુદેવનું. પર્યુષણની અંદર બાજુના ગામમાં અમે બે મહાત્માઓ આરાધના કરાવવા માટે ગયેલા. નાનકડું ગામ. પણ પર્યુષણ માટે બધા આવી ગયેલા. એમાં એક ભાઈ હતા, એ કાનજીસ્વામી ના અનુયાયી. વ્યવહાર અને નિશ્ચય બેય આપણી સાધનાના આધારો છે. ઉપાધ્યાયજી ભગવંતે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું, “નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજે, જે પાળે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર” વ્યવહાર અને નિશ્ચય બેઉનું બેલેન્સિંગ જેની અંદર હોય એ પ્રભુની સાધના પદ્ધતિ. વ્યવહાર પણ આટલો મજાનો, નિશ્ચય પણ આટલો મજાનો. પણ, વ્યવહાર હોય નહિ, અને નિશ્ચયની હવાઈ વાતો હોય, તો એ નિશ્ચય નહિ, પણ નિશ્ચયાભાસ છે. નિશ્ચય જેવો લાગે છે, પણ નિશ્ચય નથી. તો એ ભાઈ પણ નિશ્ચયાભાસ ના રવાડે ચડેલા. મારી જોડે બેસે. હું એમને સન્માર્ગે લાવવાની કોશિશ કરું, પણ એમના મૂળિયાં બરોબર અંદર પહોંચેલા હતા. એકવાર મને કહે, સાહેબ! તમે મને ટાઈમ આપો, મહિના – દોઢ મહિનાનો… મેં કીધું શેના માટે? તો કહે, મારે ઉપધાન કરાવવા છે. અહીંયા જ ઉપધાન કરાવવા છે. અને તમારી નિશ્રા હોય તો જ કરાવવા છે. મેં હસતાં હસતાં કહ્યું, કે તમે અને ઉપધાન? એકબાજુ બોલે કે ક્રિયા બધી નકામી છે. મેં કહ્યું, તમે અને ઉપધાન…! મને કહે સાહેબ !  એવું છે ને, રહેવું તો છે આ સમાજમાં. મારા દીકરાને સારામાં સારા ઘરની દીકરી આવે એવી તો ઈચ્છા ને મને હોય ને… અને એ ક્યારે બને? ૧૦-૧૫ કરોડ ખર્ચી નાંખું તો લોકોને થાય કે છે તો પાર્ટી હો.! એટલે મારે ઉપધાન કરાવવા છે; પણ આના માટે લોકોને ખબર પડે કે આ માણસ અબજોપતિ છે.

તો આપણને બહુ જ મજાની સાધના મળી છે. એની પાસે નિશ્ચયાભાસ હતો. હવે આપણી પાસે વ્યવહાર હોય, પણ, એ વ્યવહાર દ્વારા આપણે કોઈ મંઝિલે પહોંચી શકતા ન હોઈએ તો વ્યવહારાભાસ થયો. સામાયિક કરીએ, સમભાવ કેટલો આવે…? વ્યવહાર એટલે માર્ગ; નિશ્ચય એટલે મંઝિલ. માર્ગ ન હોય તો મંઝિલ ક્યાંથી મળે? અને મંઝિલ નક્કી ન હોય તો માર્ગ શેનો પછી? તમે બધા છો ને સાધનામાર્ગમાં ચાલો છો, કઈ રીતે ચાલો છો? ચાલનારા બે જાતના હોય; એક તો morning walkers. ડોકટરે કહ્યું છે, દસ કિલોમીટર રોજ ચાલો; તો પાંચ કિલોમીટર દૂર જાય, પાછો back to home. બીજા ચાલનારા એવા હોય કે જેની સામે લક્ષ્ય નક્કી છે, કે મારે મુંબઈ જવું છે, મારે અમદાવાદ જવું છે. તમે morning walkers છો? કે લક્ષ્ય લઈને ચાલનારા?

અદ્ભુત વ્યવહાર સાધના મળી, અદ્ભુત નિશ્ચય સાધના મળી, આપણે લક્ષ્ય લઈને ચાલનારા સાધક બની જવું છે. તમે અમારી પાસે આવો ! તમારી આંખમાં આંસુ હોય, કે ગુરુદેવ! પ્રભુની ભક્તિ બહુ જ કરું છું. અષ્ટપ્રકારી પૂજા રોજ, મારો રાગ ઓછો થાય એના માટે ત્રણ તો સ્વ-દ્રવ્યથી દેરાસર મેં બનાવ્યા છે. પ્રભુની રોજ અષ્ટપ્રકારી પૂજા કરું કે પ્રભુ ! મારો રાગ ઓછો થાય. પણ, ગુરુદેવ ! મારો રાગ ઓછો થતો નથી. મારે શું કરવું જોઉએ? બતાવો ને..? ક્યારેય આવ્યા આ રીતે? અષ્ટપ્રકારી પૂજા કરું છું, પ્રભુની કરું છું! વિતરાગ પ્રભુની કરું છું! તો રાગ મારો ઓછો કેમ નથી થતો….?!

ડોકટરે કહ્યું, 20 ટીકડી લો, એકદમ આરામમાં આવી જશો. 15 ટીકડી ગળાઈ, દર્દ એમનું એમ જ છે. ડોકટર પાસે જવાના કે નહિ..? એમ અમારી પાસે આવો. વંદન કરવા આવો છો. સ્વામી શાતા છે જી? પૂછવા આવો. અમે શાતામાં નહિ, પરમ શાતામાં છીએ. મને તો લાગે છે કે તમારી શાતા પૂછવી જોઈએ. સુરતવાળા બધા શાતામાં છો ને ભાઈ? આજે સવારે જ એક ભાઈ આવેલો, કહે કે મુંબઈમાં પણ ડાયમંડ ખલાસ થઇ ગયું. મેં કીધું સવારના પહોરમાં ડાયમંડની ક્યાં માંડે છે…! તમે શાતામાં છો? અમને તમે પૂછો, સાહેબ! શાતામાં? અમે શું કહીએ? દેવ-ગુરુ પસાય. તમને કોઈ પૂછે, મજામાં છો ને? શું કહો, લક્ષ્મીજી પસાય? શું કહો..? તમારે પણ એક જ વાત કહેવી છે, દેવ-ગુરુ પસાય. એક વાત યાદ રાખો, પૈસાથી સુવિધા કદાચ મળી શકે, સુખ તો પ્રભુ જ આપી શકે.

આજે માણસને ૨૫-૫૦ કરોડ થાય એટલે કંઈ સંતોષ થતો નથી. અને એમાં મીડિયાવાળા અંબાણી પાસે કેટલા કરોડ છે એની વાત કરે. આટલા લાખ કરોડ…! ઓ બાપ રે ! આટલા લાખ કરોડ..! આપણે તો હજાર કરોડ પણ પહોંચ્યા નથી.! ૧૦૦ કરોડ પણ પહોંચ્યા નથી.! પણ, જિનશાસનને જે પામેલ છે, એની પાસે એક જ ગણિત હોય, દેવ-ગુરુ પસાય. હું આનંદમાં છું.. મજામાં છું.. કારણ પ્રભુનું શાસન મને મળી ગયું.. અબજો રૂપિયા મળે તો પણ શું ! ન મળે તો પણ શું ! જો પ્રભુનું શાસન ન મળેલું હોય તો…? આ પ્રભુનું શાસન મળેલું છે, એનો ગર્વ હોય. હું જૈન છું. પ્રભુનું શાસન મને મળ્યું.

તો આપણે ધીરે ધીરે રાગનું પગેરું શોધીએ.. કે રાગ તમને થાય છે બરોબર.. પણ કેમ થાય છે? ડાયાબીટીસ છે, દવા પણ લે માણસ, અને જલેબી ફાફડાથી નાસ્તો શરૂ કરે. બપોરે બે મીઠાઈ લે, અને સાંજે એક મીઠાઈ. ડાયાબીટીસમાં કેમ-કેમ રહેતું હશે.? ડાયાબીટીસ કેમ થયું? એની ખબર તું રાખ. તારી કીડની નબળી પડી ગઈ છે અને સુગર વધુ પ્રમાણમાં નીકળી રહી છે, એના કારણે અશક્તિ થઇ રહી છે; તો તારે ખાવા-પીવામાં નિયંત્રણ રાખવું જોઈએ. આ પગેરું લાગ્યું ને?

આવું જ પગેરું લગાવો કે રાગ થાય છે કેમ? રાગ થાય છે એનું કારણ અહંકાર છે. 2BHK થી 6BHK માં તમે ગયા. એ ચાર બેડરૂમ એમને એમ પડ્યા રહેવાના છે. સાફસુફ માણસ રોજ કરશે. બાકી એમને એમ પડ્યા રહેવાના છે. છતાં તમને એ ગમ્યું. શા માટે ગમ્યું? એટલા માટે કે તમારો અહંકાર પુષ્ટ થયો. પૈસામાં પણ એક સીલીંગ આવી જાય કે આટલા પૈસા, બસ ઘણા થઇ ગયા.

એક નાનો બાબો હતો, તાવ આવેલો, માથું દુઃખે. મમ્મીને વાત કરી, મમ્મીએ સારીડોનની ટેબલેટ આપી. દુખાવો હળવો થઇ ગયો. છોકરાને એકદમ સરસ લાગ્યું. એ કહે, મમ્મા! એક ટીકડી ગળી, અને આટલું બધું સરસ લાગે છે, તો દસ ટીકડી ગળીએ તો કેવું થાય? કેટલી મજા આવે..? ટીકડીએ સુખ આપ્યું નથી. પણ, દુઃખ થતું હતું કેમ? કે નર્વસ સીસ્ટમ – આપણી જ્ઞાનતંતુઓનું ઝુમખું, સક્રિય હતું અને એથી વેદના તંતુઓ આપણા મગજમાં જઈ અને વેદનાનો બોધ કરાવતાં હતા. એ નર્વસ સીસ્ટમને ટીકડીએ થોડી ઢીલી કરી નાંખી. એટલે વેદના છે, પણ એનો બોધ, એની અસર તમારી પાસે નથી. તો મારે એ પૂછવું છે, કે ટીકડીથી શું થાય? સુખ મળે? તમારી સંપત્તિથી સુખ મળે? સુવિધા મળે..

ફ્લેટમાં તમે રહેતા હોય, તમારા દીકરાઓને સારી રીતે ભણાવતાં હોય, સુવિધા છે, સુખ ક્યાં છે? તમારી જોડેના ફ્લેટમાં રહેનારો, અહીંયા પાલમાં કે વેસુમાં બહુ જ મોટા લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં જતો રહે, તમે 2BHK માં છો, પેલો 6BHK કે 7BHK માં ગયો. વાસ્તુપૂજામાં તમને બોલાવે. બોલાવે ને…? એટલે ભગવાનને જોવા માટે કે બંગલાને જોવા માટે…? તમે વાસ્તુ પૂજા શેના માટે ભણાવો? બધા આવે અને મારા ભગવાન પધરાવ્યા છે, એના દર્શન કરે એના માટે? કેવો ફ્લેટ છે, એ જોઇને જાય…! તો એ વખતે તમને શું થાય, બોલો? સાલું મારી જોડે રહેતો ૧૦-૧૫ વર્ષથી, અને ઠેઠ અહીં સુધી પહોંચી ગયો.! પણ આ ભાવ ત્યાં જ આવે ને? તમારો ક્લાસમેટ, તમારો બેચમેટ દીક્ષા લે અને સુધર્મા પીઠ ઉપર બેસી અને પ્રવચન આપતો હોય ત્યારે તમને શું થાય? હું તો અહીં ને અહીં રહી ગયો; અને મારો આ ક્લાસમેટ, બેચમેટ પ્રભુનો અણગાર બન્યો! આ થાય છે ? તમે બહુ મજાના છો. રવિવારની સવારે પણ પથારીનો મોહ છોડીને આવી ગયા છો.. બહુ મજાના છો, અને એટલે જ તમે બહુ મજાના હોવાના કારણે પ્રભુના પ્રીતિપાત્ર છો ! પ્રભુએ તમને પસંદ કર્યા ! મને જ્યારે આ ખ્યાલ આવ્યો, કે પ્રભુએ મને પસંદ કર્યો છે ! He has selected me! એ વખતે મને જે ભાવ થયો, આંખમાં આંસુ, ગળે ડૂસકાં, પ્રભુ તું મને ચાહે છે?! મારામાં કશું જ નથી! તારી આજ્ઞા પ્રત્યેની એટલી વફાદારી પણ કદાચ નથી.. અને તું મને ચાહે છે !

આજે તમને કહું કે પ્રભુ તમને ચાહે છે ! ઉછળો છો ? સાહેબ શું કહો છો? પ્રવચન પછી વાસક્ષેપની લાઈન તો લાગે છે, પણ પૂછનારાઓની લાઈન લાગે સાહેબ ! શું વાત કરી તમે, પ્રવચનમાં?! પ્રભુ અમને ચાહે છે?! તો-તો હું બડભાગી બની ગયો! તમે આ રીતે ચિંતનમાં જશો તો શું થશે.. પ્રભુ પ્રત્યેનો તમારો પ્રેમ વધુ ઉત્કટ બનશે; અને બહારના પદાર્થો ઉપર, બહારની વ્યક્તિઓ ઉપર જે રાગ છે એ ઓછો થશે. રાગ અને પ્રેમ બે અલગ છે. પ્રભુને આપણા ઉપર રાગ નથી; પ્રેમ છે.. જ્યાં માત્ર આપવાની વાત હોય ત્યાં પ્રેમ.. અને જ્યાં લેવાની વાત છે ત્યાં રાગ…

તો તમારી ભીતર જે રાગ પડ્યો છે એને તમે સમજી લો. એકવાર તમે સમજી લેશો, એ રાગને કાઢવો તમારા માટે એકદમ સરળ બની જશે. એક મુમુક્ષુ સંસારને છોડી શકે છે. પુરા સંસારને… કઈ રીતે છોડી શકે છે…? એને લાગ્યું કે પ્રભુ મને પ્રેમ કરે છે ! આવા પ્રભુ ! અને એ મને ચાહે છે ! તો બસ હું હવે એનો જ થઇ જાઉં! બીજા કોઈનો નહિ! હું માત્ર પ્રભુનો હોઉં, બીજા કોઈનો નહિ! એક દીકરી કેટલી ઝડપથી મનને અને ઘરને બદલી શકે છે, લગ્ન નથી થયા, એ પોતાની કોઈ બહેનપણીને કહેતી હોય કે ચાલ હવે મારા ઘરે જવું છે, મારું ઘર એટલે પિતાનું ઘર, લગ્ન થઇ ગયા બે જ દિવસમાં. એ જ બહેનપણીને એ જ દીકરી કહે છે, હવે મારે ઘરે જવું છે. હવે એનું ઘર એટલે, એના પતિનું ઘર. બે દિવસમાં જ ઘર બદલાઈ ગયું! ઘર બદલાઈ ગયું કેમ? મન બદલાઈ ગયું માટે… આ વાત સંયમને લગતી છે.

આ વેશનું પરિવર્તન એટલે ઘર બદલાવવું. પણ ઘર બદલાયેલું સાર્થક ક્યારે? જ્યારે મન બદલાયેલું હોય ત્યારે. તમારા મનની અંદર પ્રભુ સિવાય કોઈનો નિવાસ નથી. તમારા સાડા ત્રણ કરોડ રૂવાડામાં પરમાત્મા પ્રેમ સિવાય બીજી કોઈ વાત દોડતી નથી. અગણિત જન્મોમાં જે નથી મળ્યું, એ આ જન્મમાં મળવાનું. દીક્ષા વખતે ભલે નાચેલા હોય, રોજ નાચો.. રોજ…! આવું પ્રભુનું શ્રામણ્ય મને મળી ગયું.! નાચો.. ચાલો… આવું મને મળી ગયું! તમે કોઈની જોડે વાત કરતાં હોય તો પણ, તમારી આંખો ભીની હોય, શું પ્રભુની કૃપા ! મેં કશું જ કર્યું નથી.! એણે મને પસંદ કર્યો.! એણે મારા ઉપર પ્રેમ કર્યો..! અને હું એના માર્ગ ઉપર આવી ગયો.! આપણે કશું જ કર્યું નથી.! એણે જ બધું કર્યું છે.! એ જ આપણને એના માર્ગ સુધી લઈને આવ્યો.!

આ જ ભૂમિકામાં તમે હોઈ શકો. સંસારમાં છો, સંપત્તિ જોઈએ, કેટલી એ નક્કી નથી કેમ…? તાવ આવેલો હોય, મેલેરિયા, શરીર ધ્રુજતું હોય, કોઈ માણસ દીકરાને કહે કે બ્લેન્કેટ ઓઢાડ. બે બ્લેન્કેટ ઓઢાડ્યા, ઠંડી જતી નથી, ત્રીજો ઓઢાડ્યો, ચોથો ઓઢાડ્યો. બે બ્લેન્કેટ ઓઢાડેલા, થોડું સુખ લાગેલું, ત્રણમાં વધારે સુખ લાગ્યું. ચારમાં થોડું વધારે લાગ્યું. પણ, ૧૦-૧૫ ઓઢાડી દઈએ તો…? ત્યાં નક્કી છે ને? ચાર.. વધારે નહિ.. જમવા માટે બેઠા, ભૂખ લાગેલી છે, પ્રેમથી જમાડનાર છે, ચાર રોટલી, પાંચ રોટલી, છ રોટલી, પછી… સાતમી રોટલી પ્રેમથી જમાડનાર છે, તમે શું કહેશો… ભાઈ નહિ, કેમ? રોટલી સારી પણ અમુક હદ સુધી. બ્લેન્કેટ સારા પણ અમુક હદ સુધી. સંપત્તિ સારી પણ અમુક હદ સુધી. એટલે આ બધા સુરતવાળા રાજી થઇ જાય. કાંઈ નવું મેળવવાનું નથી. તમારી પાસે જે છે એ મજાનું છે. સારા એરિયામાં રહી શકો છો. સારો એરિયા એટલે શું? જ્યાં દેરાસરો ઘણા બધા હોય, ઉપાશ્રયો ઘણા બધા હોય, પાઠશાળાઓ ધમધોકાર ચાલતી હોય, એ એરિયા એ આપણા માટે પોશ એરિયા.

પોશ એરિયાની વ્યાખ્યા શું? મુંબઈવાળાએ ભાયંદરની દોટ મારી. વિરાર, વાલકેશ્વરની ટેકરી ઉપર, પણ હવે ટેકરી પછી શું? તો કહે દરિયો છે હવે… એમ આખરે દોડ તો થોભવાની જ છે. પણ, આપણે થોભી જઈએ ને તો મજા આવે. તો સંપત્તિ જરૂરી પણ પાંચ કરોડ, દસ કરોડ, વીસ કરોડ હોય ત્યાં સુધી. પછીની નકામી. આ તમારું શ્રાવકનું પરિગ્રહ પરિમાણ વ્રત હોય છે. અને વીરવિજયજી મહારાજે ૧૨ વ્રતની પૂજામાં લખ્યું; “જો અધિકુ હોવ, તો તીર્થે જઈ વાપરવું” તીર્થ એટલે જે આસ્થાના કેન્દ્રો છે. સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, દેરાસર.. તમે નક્કી કરો આટલું મારું, પછીનું ભગવાનનું. હું તો કહું છું, બધું ભગવાનનું હોવું જોઈએ. પણ, આપણે ડીસકાઉન્ટ કરીએ, આટલું મારું અને પછીનું ભગવાનનું.

તમે તો સ્તવન ગાઓ ને, ત્યારે અમે લોકો ભીના ભીના થઇ જઈએ. “તું પ્રભુ મારો, હું પ્રભુ તારો” તમે આખા ને આખા ભગવાનના? તમે ભગવાનના ને? તમારી પાસે જે છે એ? એ કોનું? જુના જમાનામાં બહેનો લગ્ન કરીને આવતી ને ત્યારે કહેતી, પતિને, કે અગ્નિની સાક્ષીએ હું તમારી થઇ ગઈ; પણ, પિયરથી લઈને આવેલી છું, એ મારું..! એમ “હું પ્રભુ તારો, મારું છે એ?” બહુ સરસ મજાનું ચિંતન આપણે ચલાવવું છે કે રાગનું મૂળ શું? દ્વેષનું મૂળ શું? અને મૂળ સમજાઈ જાય, રાગ ઓછો થઇ જાય અને વિતરાગની ભક્તિમાં આપણું મન લાગી જાય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *