વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ક્રોધનું પગેરું
પ્રભુની સાધનાની વિશેષતા એ છે કે અહીં મંઝિલ તો મજાની છે જ; માર્ગ પણ મજાનો છે! બીજી જગ્યાએ મંઝિલ કદાચ મજાની હોય, પણ માર્ગ કાંટાળો હોઈ શકે; કાંકરાઓથી ભરાયેલો હોઈ શકે. ત્યાં તો મંઝિલ દેખાય ત્યારે મજા આવે. જયારે પ્રભુના સાધનામાર્ગમાં તો ચાલીએ અને મજા આવે; મંઝિલ જ્યારે મળવી હોય ત્યારે મળે!
ચિદાનંદજી મહારાજ કહે છે કે તારી ભીતર ઊઠતા દ્વેષને પણ તું જો. તમે ક્યારેય તમારી ભીતર ઊઠતા ગુસ્સાનું પગેરું લીધું કે એ કેમ આવે છે? તમે બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેશો કે પેલાએ આમ કર્યું, માટે મને ગુસ્સો આવ્યો. પણ હકીકતમાં અહંકારને કારણે ગુસ્સો પ્રજ્વલિત થાય છે. મારું કહ્યું એણે ન માન્યું… ગુસ્સો આવે.
હું ના ત્રણ રૂપ છે. પહેલું અહંકારવાળું હું. બીજું અહોભાવના લયનું હું. મેં પ્રભુનો અભિષેક કર્યો અથવા મેં પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો સાંભળ્યા – એમાં અહંકારના લયનું હું નથી; અહોભાવના લયનું હું છે. અને ત્રીજું છે આનંદઘન હું. અહોભાવના લયનું હું અને આનંદઘનતાના લયનું હું આવે, એટલે ક્રોધને વિદાય થવું જ પડે.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૧૨
પાંચ ચરણોવાળી પ્રભુની મજાની સાધના. પ્રભુની સાધનાની એક મજાની વિશેષતા છે. બીજી જગ્યાએ માર્ગ કદાચ કાંટાળો પણ હોઈ શકે. માર્ગ કાંકરાઓથી ભરાયેલો હોઈ શકે. મંઝિલ દેખાય ત્યારે મજા આવે. એટલે માર્ગ મજાનો હોય કે ન હોય, મંઝિલ મજાની હોવી જોઈએ. પ્રભુની સાધનાની વિશેષતા આ છે, કે અહીંયા માર્ગ પણ મજાનો છે.
૧૫ કિલોમીટરનો વિહાર કરીને મહાત્મા ઉપાશ્રયમાં પધારેલા હોય, અને તમે પૂછો, ગુરુદેવ શાતામાં? એ કહેશે, દેવ-ગુરુ પસાય. સાધનામાર્ગમાં ચાલીએ ને મજા આવે.. ચાલીએ ને મજા આવે.. મંઝિલ જ્યારે મળવી હોય ત્યારે મળે; માર્ગ મજાનો છે.
રામાયણની એક સરસ ઘટના છે. રામચંદ્રજીને પિતાએ વનવાસની આજ્ઞા આપી. સીતામાતા તૈયાર થઇ ગયા. જ્યાં પતિ ત્યાં સતી. રામચંદ્રજી સીતામાતાને સમજાવે છે કે દેવી ! એ જંગલોમાં તમારું કામ નથી. કાંટા અને કાંકરાઓથી ઘેરાયેલો માર્ગ તમે શી રીતે એના ઉપર પગ મૂકી શકશો! તમે અહીંયા જ રહો, મહેલમાં.. એ વખતે સીતામાતા કહે છે કે આપની જે પણ આજ્ઞા હોય એ મારા માટે શિરોધાર્ય છે. મારે કોઈ વિચાર કરવાનો હોતો પણ નથી. પણ એક વાત આપના ધ્યાન પર મુકું. પછી આપની જે પણ આજ્ઞા હશે, એને સ્વીકારવા હું તૈયાર છું. રામચંદ્રજીએ કહ્યું, બોલો. ત્યારે સીતામાતાએ જે કહ્યું, એને રામચરિત માનસમાં તુલસીદાસજી લઈને આવ્યા. શું કહ્યું સીતામાતાએ? “હોઈ મમ મગન ઠેઉ, ચરણ ચરણ ક્ષણ ક્ષણ ચરણ સરોજ નિહારી, મોહી મગ ચલત ન હોઈહી હારી” (मोहि मग चलत न होइहि हारी, छिनु छिनु चरन सरोज निहारी।) મને જંગલમાં ચાલતાં સહેજ પણ થાક નહિ લાગે, સહેજ પણ કંટાળો નહિ આવે. કેમ? શું કારણ મજાનું આપ્યું; “ખીણ ખીણ ચરણ સરોજ નિહારી” દેવ! આપ આગળ જતા હશો, હું આપની પાછળ હોઈશ, એક-એક ક્ષણે આપના ચરણકમળને હું જોતી હોઈશ, મને થાક ક્યાંથી લાગશે ! કાંટાનો ખ્યાલ ક્યાંથી આવશે? મારું ધ્યાન માત્ર આપના ચરણકમળમાં હશે! અને એ વાત સાંભળી રામચંદ્રજીએ સીતામાતાને જંગલમાં આવવાની હા પાડી. મોહી મગ ચલત ન હોહી હી હારી. માર્ગ મજાનો છે. પ્રભુના માર્ગે એક-એક ડગલું ભરીએ અને આનંદની છોળો ઉછળે.
અમને લોકોને જે આનંદ છે, એ આનંદને અમે ક્યારે પણ શબ્દોમાં અભિવ્યક્ત ન કરી શકીએ. કોઈ પૂછે તો પણ એક જ વાત કહેવી પડે, I can’t say it! બીજો કોઈ જવાબ હોઈ જ ન શકે! શબ્દોની અંદર એ આનંદને મૂકી શકાય એમ છે જ નહિ.. તો એવો મજાનો માર્ગ આપણને મળ્યો.
પાંચ ચરણોવાળી આપણી સાધના. પહેલું ચરણ છે – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવા સાધનોની પ્રાપ્તિ.
શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા, અહોભાવ પરમાત્મા. અહીંયા તમે આવો અને આ સફેદ ચાદરના દરિયાને જુઓ, શું હાલત થાય તમારી? તમારી આંખોમાંથી દરિયો છલકાઈ ઉઠે. એક દરિયો બહાર, એક દરિયો તમારી આંખોમાં. એક સંયમીને જોઇને આપણી આંખો ભીની બને.
મારી વાત કરું. એક બાલમુનીને હું જોઉં, અને મારી આંખો ભીની બને છે. હું પ્રેમથી એને પંપાળું છું અને એ વખતે થાય, કે કેવી આની જન્માન્તરીય સાધના હશે, કે પ્રભુનું શ્રામણ્ય બાળવયમાં એને મળી ગયું! તો પહેલાં ચરણે આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવા સાધનોની પ્રાપ્તિ.
શબ્દ પરમાત્મા. ચિદાનંદજી મહારાજે જે મજાના શબ્દો આપ્યા છે, એ શબ્દોની આરપાર આપણે જઈ રહ્યા છે. એ કહે છે કે તારી ભીતર રહેલા, તારી ભીતર ઉઠતાં રાગને તું જો ! દ્વેષને પણ તું જો ! ગુસ્સો આવે ને ભાઈ… આમ કારણની જરૂર ખરી? ઘણા તો champion હોય, જેમને કોઈ કારણની જરૂર ન પડે! તમે પણ કહેશો, સાહેબ ગુસ્સો આવે છે, દરેકની આ ફરિયાદ છે. પણ તમે ક્યારેક તમારી ભીતર ઉઠતાં ગુસ્સાનું પગેરું લીધું? કેમ આવે છે? ગુસ્સો આવ્યો કેમ? તમારા અહંકારની ક્ષતિ થઇ માટે. મારું કહ્યું એણે ન માન્યું! ન ચાલે! ગુસ્સો! મારું કહ્યું તો માનવું જોઈએ! તો અહંકાર ને કારણે ગુસ્સો પ્રજ્વલિત થાય છે. બરોબર? ખ્યાલમાં આવ્યું…? અત્યાર સુધી છે ને બહુ સરળતા રહેતી હતી. બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો. મને ગુસ્સો આવ્યો, કેમ? પેલાએ આમ કર્યું માટે…!
એક માણસ પેટ્રોલપંપે ગયેલો, કો’કને મળવા માટે. ત્યાં લખેલું- no smoking please. પણ, એનાથી રહેવાયું નહિ. સિગરેટ પીવાની તલપ ઉપડી. એને તો દીવાસળી સળગાવી, સિગરેટ સળગાવી, ત્યાં સુધી પણ ઠીક હતું, સળગતી દીવાસળી પેટ્રોલપંપમાં નાંખી! શું થાય? પેટ્રોલપંપ ભડકે બળે ને? હવે તમે શું માનો? અત્યાર સુધી તમે ઊંધા ગણિતમાં ચાલ્યા, તમે કહો છો, કે દીવાસળીએ પેટ્રોલપંપને સળગાવ્યો. બરોબર ને…? તમે તો નિરંજન નિરાકાર…! તમને વળી ગુસ્સો આવે! આ તો પેલાએ આમ કર્યું માટે…! આ તે ભડકો કેમ લીધો? તમે શું કહેશો? દીવાસળીને કારણે, સળગતી દીવાસળી આવી રીતે ફેંકાય?! ચાલો સળગતી દીવાસળીમાં આગ લગાવવાની તાકાત હોય; એ જ માણસ પાણી ભરેલા હોજ પાસે જાય, અને સળગતી દીવાસળી હોજમાં નાંખ્યા જ કરે, એક, બે, ત્રણ, ચાર, પાંચ. શું થાય? એ સળગતી દીવાસળી થી આગ લાગે ખરી? એટલે દીવાસળીની જ તાકાત છે, એવું નહિ માનવાનું. તમે પણ તાકાતવાળા છો.. સમજી ગયા?
પેલાએ સળી કરી; એ તો ગુનેગાર છે જ. પણ તમે એની અસરમાં આવ્યા, એ તમારો પણ ગુનો છે. એકવાર કંડલા હાઈવે ઉપર વિહાર ચાલુ હતો, ટેન્કરો ઘણા બધા નીકળે ઓઈલના, પાછળ લખેલું હોય, highly inflammable – અત્યંત જ્વલંતશીલ. મને એકવાર વિચાર આવેલો કે એવા માણસો હોય; કે તમે પૂછો કેમ છો મજામાં? તને શું લાગે છે, મજામાં નથી લાગતો?! આવા માણસોએ ઝબ્ભાની પાછળ કે શર્ટની પાછળ સ્ટીકર ન લગાડવું જોઈએ?! Highly inflammable. તમે જો સહેજ દીવાસળી ચાંપી દો, સીધું ભડકો થાય એવું છે. આજે તમે નક્કી કરો, દીવાસળીનું બાકસ લઈને ભલે કોઈ આવે, મને એ બિલકુલ ચલાયમાન ન કરી શકે. ફક્ત તમારા ઘરમાં રોજ આ વસ્તુ repeat થયા કરે, ગુસ્સો આવે છે, ગુસ્સામાં તમે કંઈક બોલો, સામે કંઈક બોલાય છે, અને એ રીતે વરઘોડો આગળ ચાલે છે. અંગ્રેજીમાં બે શબ્દો છે: રિએક્શન અને એન્ટી-રિએક્શન. (action અને reaction) એક્શન સામે રીએક્શન. કોઈએ કંઈક કહ્યું; તમે જો કંઈક કહેશો, તો ગાડી ચાલી. એક્શન ને રીએક્શન બેઉ ભેગા થઇ ગયા એટલે વરઘોડો ચાલ્યો. પણ પ્રભુએ એક શબ્દ આપ્યો – નોનએક્શન. એક્શનની સામે નોનએક્શન. કોઈએ કંઇક કહ્યું, તો કહ્યું..
બુદ્ધ ભગવાનના જીવનની એક ઘટના આવે છે. બુદ્ધ ભગવાન જંગલમા હતા. એક વૃક્ષ નીચે ધ્યાન કરવા માટે બેઠા. જોડે પટ્ટશિષ્ય આનંદ છે, એ પણ બેઠો. ત્યાં એક માણસ આવ્યો. એને કહ્યું, આ મારા ખેતરમાં જવાનો રસ્તો છે. રસ્તા વચ્ચે બેસી ગયા છો, શરમ નથી આવતી? ઉભા થઈ જાઓ ! હવે જંગલનો મામલો હતો. ગમે ત્યાંથી એના ખેતરમાં જવાય એમ હતું. પણ અનાડી માણસ કોને કહેવાય? પણ સામે બુદ્ધ હતા. પ્રેમથી ઉભા થઈ ગયા ! પચાસ મીટર દુર બીજું એક વૃક્ષ હતું, ત્યાં જઈને બેઠા. હવે ધ્યાન જ કરવું છે, તો આ જ વૃક્ષની નીચે થાય એવું તો નથી. ત્યાં ગયા; બેઠા. ત્યાં પેલો માણસ પાછો આવી ગયો! મોઢા પરથી તમે બહુ હોંશિયાર માણસ લાગો છો, તો તમને એટલી ખબર ન પડી કે એ મારો ખેતરમાં જવાનો રસ્તો હતો? આનંદને તો ગુસ્સો એટલો આવ્યો! મનમાં કહે, અહીંયા તારા બાપનું ખેતર નથી, અહીંયા ખેતરમાં જવાનો રસ્તો નથી! હવે શું છે તારે? પણ પેલાએ તો ૧૫-૨૦ મિનીટ સુધી ગાળોનો વરસાદ કર્યો..! પણ એક્શન હતું ત્યાં; બુદ્ધની બાજુ નોનએક્શન હતું.. બુદ્ધ હસતા જ રહ્યા. હવે એક્શનની સામે રીએક્શન નહિ મળ્યું, પેલો થાકીને ગયો.. આ બની શકે હોં, તમારાથી. થોડા શાંત રહી શકો; તો સામેવાળો શાંત થઈ જ જવાનો. પણ તમે બોલો એટલે પેલાને પેટ્રોલ પૂરો. પણ ઉદાર માણસ કોને કહેવાય આમ? પેલો ભડકો શાંત થયો હતો, તો પેલાએ ઉછાળ્યો. ૧૫ મિનિટે એ ગયો, પછી પટ્ટશિષ્ય આનંદે પૂછ્યું, કે ભગવાન! આપણો કોઈ વાંક નહતો, કોઈ અપરાધ નહતો, અહીંયા આવીને આપણે બેઠા હતા; અને ત્યાં પેલો આવીને પેલો અટસંટ બોલી ગયો, અને તમે હસતાં ને હસતાં રહ્યા! માસ્ટર કી કઈ તમારી પાસે? મને તો આપો. તમારે જોઈએ? કોઈ ગાળોનો વરસાદ વરસાવે. તમે મજામાં રહી શકો.
અત્યારે ૩૫ ડીગ્રી ગરમી હોય લગભગ. તમે a.c રૂમમાં હોવ તો? તમે ટેમ્પરેચરને ધારો એટલું નીચું લાવી શકો છો. તમારા હાથમાં એક શક્તિ આવી ગઈ, એવી જ શક્તિ પ્રભુ તમને આપે છે, કે સામેવાળાનું ટેમ્પરેચર ભલે ને ઊંચકાયું. તારે શું કરવા ઉંચકાવું પડે? તું શાંત થઈ જા! તો આનંદ કહે છે, બુદ્ધ ભગવાનને કે તમે શાંત કેમ રહી શક્યા? મને માસ્ટર કી આપો ને. જોઈએ..? જોઈએ..? બહેનોને ખાસ પૂછું છું.. માસ્ટર કી મળી જાય. ભલે ને ૫૦ ડીગ્રી ગરમી હોય, a.c. રૂમમાં પહોંચી ગયા, ટવેન્ટી ઉપર મૂકી દીધું; ઠંડી હવામાં તમે સુઈ જાવ. આવી માસ્ટર કી પ્રભુ તમને આપવા તૈયાર છે. જોઈએ? મને ખબર છે, નવકારશી કર્યા વગર આવ્યા છો. પણ, આ ખરેખર જોઈતું હોય ને તો હા કેવી નીકળે..! ખરેખર થાક્યા છો આમ? રોજ ઘરમાં ચાલતું હોય. બહાર તો ગમે તેવું મોઢું સારું રાખો. ઘરમાં શું ચાલે, અમને બધી ખબર હોય! અને છતાંય તમે થાકતા નથી, નવાઈ અમને લાગે છે! તો માસ્ટર કી જોઈએ? હવે બરોબર… પણ હજુ આ બાજુથી રણકો નહિ આવ્યો.
બુદ્ધ કહે છે, કે આનંદ ! તું ભિક્ષા માટે જાય. આપણા બે માટે તારે આઠ રોટલી અને થોડું શાક લાવવાનું. રોટલી અને શાક આવી ગયા. અને તું આપણા ઉપાશ્રય તરફ આવતો હોય. ત્યાં એક ભક્ત મળે. મારે ત્યાં તો આવવું જ પડશે. અરે ભાઈ, ગોચરી પૂરી થઈ ગઈ આજની. એ કહે, પૂરી થઈ કે ખાખરો થયો, તમે જાણો! મારે ત્યાં આવવું જ પડશે! બુદ્ધ કહે છે કે તું એને ત્યાં જાય. એ ભક્ત છે. રોટલીનો થપ્પો ઉઠાવે. અને એ વખતે તું કહી દે કે ભાઈ! એક રોટલી પણ નહિ, અડધી પણ નહિ, અને પા પણ નહિ, તારું મન સાચવવા આવ્યો છું, એક ગોળની કાંકરી થોડી લઇ લે, અને એ ગોળની કાંકરી લઇ, તું ત્યાંથી વિદાય થાય. હવે બુદ્ધ આનંદને પૂછે છે; એણે રોટલીનો થપ્પો ઓફર કર્યો, તે લીધો નહિ, હવે કોની પાસે રહ્યો? તારા પાત્રામાં આવ્યું કે એના વાસણમાં રહ્યો? ક્યાં રહ્યો? એમ બુદ્ધ કહે છે, આ માણસ આવ્યો હતો, હવે એની પાસે જે હોય એ ઓફર કરે ને! રોટલી ના હોય તો ખાખરા, ખાખરા ન હોય તો મીઠાઈ, જે હાજર હોય એ કરે.
તો એની પાસે હતું એ, એણે ઓફર કર્યું. મેં કીધું કે મારે જોઈતું નથી. મારે ખપ નથી. હવે ક્યાં રહ્યું? હવે મારી પાસે આવ્યું જ નથી તો હું મજામાં જ હોઉં ને? હવે માસ્ટર કી મળી ગઈ?! કોઈ ગમે તેટલાં ઉછાળાથી બોલતો હોય; તમારે મનમાં શું કહેવાનું? ખપ નથી.. No please.. આમ ઉતાવળું નહિ બોલવાનું પાછું હો! તો પાછો ઓર ઝગડો થાય! પણ મનની અંદર કહેવાનું, નો please. જોઈએ નહિ. તો ગુસ્સો આવે છે, પણ એનું કારણ શું? પકડાયું? તમારો અહંકાર. મને કેમ કીધું? મને કહેનાર એ કોણ?
તો હવે આપણે એ જોવું છે, કે ગુસ્સાનું કારણ અહંકાર છે. તો અહંકારને શિથિલ કરવા માટે શું કરી શકાય? ‘હું’ ના ત્રણ રૂપ છે. પહેલું રૂપ: અહંકારવાળું ‘હું’. બીજો હું છે, અહોભાવના લયવાળો ‘હું’. મેં પ્રભુનો અભિષેક કર્યો; અને મને આનંદ મળ્યો, ત્યાં ‘હું’ છે, પણ અહંકારનો લય નથી, અહોભાવનો લય છે.
સવારે સમયસર જાગી ગયા. પ્રવચન મંડપમાં પહોંચી ગયા. અને પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો સાંભળવા માંડ્યા. એ જે આનંદ છે. એ હું અહોભાવમાં ઝબોળાયો, એનો આનંદ છે. તો ‘હું’ નું બીજું રૂપ અહોભાવમાં ઝબોળાઈ જવું. અને ત્રીજું રૂપ છે – આનંદઘન ‘હું’. તમે બધા કોણ છો?
300 વરસ પહેલા આનંદઘનજી ભગવંત થયા. પણ તમે બધા કોણ છો? તમે બધા આનંદઘન છો. માત્ર તમે આનંદઘન છો, એનો ખ્યાલ તમને નહિ આયો. અને એથી કરીને પીડાની અંદર સતત તમે જાઓ છો. એક ઘટના આમ ઘટી ગઈ અને ઊંચા-નીચા થઈ જાઓ. તમારો આનંદ કિરકિરા થઈ જાય. તમારો આનંદ ચોવીસ કલાક કંટ્રોલમાં રહે. અને એના માટે બે જ વસ્તુ છે. યા તો તમારો ‘હું’ અહોભાવના લયમાં ઝબોળાયું અથવા તો તમારો હું આનંદઘનતામાં લયમાં જાય. આ બે વસ્તુ તમને આવડી જાય તો તમે સતત આનંદમાં રહો.
બહુ મજાની વાત કરું કે આપણા ઘરોની અંદર ૧૦૦-૨૦૦-૫૦૦ વરસ પહેલા ઝગડા જેવું કંઇ હતું નહિ. કેમ ન હતું? એક પરંપરા. પત્ની માટે પતિ પરમેશ્વર હતા. દીકરા માટે માતા અને પિતા તીર્થ જેવા હતા. હવે આટલો અહોભાવ મનની અંદર હોય તો ઝગડો કોની સાથે થાય?
૧૦૦ વરસ પહેલા દક્ષિણ ભારતમાં એક કવિ થયેલા. થિરુવલ્લૂઅમ, એમનું નામ.. સતત કાવ્યો લખવામાં મશગુલ. લગ્ન થયા, જે દિવસે લગ્ન થયા. એ દિવસે એમને પત્નીને કહ્યું કે હું જમવા માટે બેસું ત્યારે બીજું બધું તો તું રાખીશ જ, એક સોયો પણ મારા પાટલા ઉપર મુકી દેવાનો. દક્ષિણ ભારતમાં ભાતનો ખોરાક. દસ વાગે દાળ ભાત ખાય. સાંજે પાંચ વાગે ખાય. તો પત્ની રસોઈ તૈયાર કરે, પાટલા ને સ્વચ્છ કરે, થાળી વગેરે ને સ્વચ્છ કરે. અને તપેલીઓ લઈને ત્યાં આગળ ગોઠવે. સોયો પણ જે છે એને પણ ગરમ પાણીમાં ઉકાળીને મૂકી દે. અને પતિ જમવા માટે બેસે, દાળ-ભાત ખાઈને ઉભા થઇ જાય. થાળીનો ઉપયોગ, વાટકીનો ઉપયોગ, પાણીના ગ્લાસનો ઉપયોગ પણ સોયાનો ઉપયોગ થતો નથી. મારે એ જ કહેવું છે, કે જ્યાં સુધી આપણી સંસ્કૃતિમાં એક અહોભાવની ધારા વણાયેલી હતી, ત્યાં સુધી ક્રોધને, ગુસ્સાને ઘરમાં પ્રવેશવાનો અધિકાર નથી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, બીજું બધું બરોબર, ગરમ સોયો, સવારે પણ ગરમ પાણીમાં ઉકાળીને મુકવો, સાંજે ગરમ પાણીમાં ઉકાળીને મુકવો અને એનો ઉપયોગ કોઈ નહિ! એમ કરતાં ૫૦ વર્ષ થઇ ગયા! આજે આવું થાય ખરું? બે દાડા થાય ને ત્યાં તો કહી દે, છે શું પણ આ…! આ શેનો સોયો મુકાવો છો? તમારે તો ઠીક છે બોલી નાંખવું. અકર્મીની જીભ અને સકર્મીના ટાંટિયા! અમારે બધું કરવું પડે છે! ૫૦ વર્ષ લગ્નજીવનને થયા. કેટલીવાર સોયો મુકાવ્યો… આપણા માણસનું આવું મન છે, થાળી ધોવી પડે એનો વાંધો નહિ, વાટકી ધોવી પડે એનો વાંધો નહિ, ગ્લાસ ધોવો પડે એનો વાંધો નહિ. પણ, સોયો… કામનો તો છે નહિ, તો શા માટે મુકાવો છો? ૫૦ વર્ષ લગ્નજીવનના જે દિવસે પુરા થયા, એ દિવસે પતિએ પત્નીને પૂછ્યું; કે રોજ સોયો મુકાવું, પણ સોયાનો ઉપયોગ કોઈ છે નહિ, તો તને વિચાર નથી આવતો કે કેમ સોયો હું મુકાવું? ત્યારે એ પત્ની કહે છે કે તમારી આજ્ઞા – મારા માટે જીવનમંત્ર છે. તમે કહ્યું; કે સોયો મુકવાનો એટલે મુકવાનો. મારી પાસે બુદ્ધિ છે જ નહિ! અમારા શિષ્યો પાસે પણ બુદ્ધિ નથી હોતી, કેમ બરોબર ને? મેધા હોય; બુદ્ધિ નહિ. કેમ સાહેબે મને આ કામ કીધું, અને પેલાને આ કહ્યું. પેલાને સરળ કામ કીધું, મને અઘરું કામ કીધું. આવી બુદ્ધિ શિષ્યો પાસે ન હોય. તમારી પાસે પણ ન હોય. કામ ઓછું મળ્યું એની ફરિયાદ હોય ને, વૈયાવચ્ચ ઓછી થાય. કામ વધારે મળે કેટલો આનંદ થાય…
પત્ની કહે છે, કે તમારી આજ્ઞા મારા માટે જીવનમંત્ર. હવે આ પત્નીને પતિ ઉપર ક્યારેય ગુસ્સો આવે ખરો? પતિ પૂછે છે, પત્ની જાણવા માંગતી નથી કે શા માટે મુકાવે છે… હું તો મુક્યા જ કરીશ. આ મારો ધર્મ જ છે. તમારી આજ્ઞા એ મારો ધર્મ. અમારે ત્યાં હતું, અને આ બધા અમારે ત્યાં આવતાં ને, તો બહુ મજા આવતી અમને પણ. ત્યાં સમર્પણ હતું; માત-પિતા પ્રત્યેનું, વડીલો પ્રત્યેનું, અને એ સમર્પણનો લાભ અમને મળે.. કે અમારે ત્યાં એક શિષ્ય આવે એ સમર્પિત જ આવે. કારણ કે તમારે ત્યાં સમર્પણના પાઠ શીખીને જ આવેલો છે.
પત્ની કહે છે, મારે કંઈ જાણવું નથી. ઈચ્છા નથી. તમને ઈચ્છા થઇ ગઈ ને…? એ લોકો બ્રાહ્મણ હતાં, અને આપણી હિંદુ સંસ્કૃતિમાં અન્ન ને આપણે દેવ સમાન ગણીએ. એ લોકોને જમવાની જગ્યા હોય એમાં લીંપણ કરેલું હોય. તો પતિએ એ વિચારથી કહેલું કે હું હાથથી કોળિયો લઉં, ખાવું, તો એકાદ ચોખાનો દાણો નીચે પડી જાય તો, લીંપણવાળી જમીન છે, એટલે સીધી આંગળી touch થાય નહિ ક્યાંય, ત્યારે વિચાર કરેલો કે સોયો હોય તો સોયામાં ચોખાના દાણાને પરોવી દઉં, એને પાણીના ગ્લાસમાં નાંખી, શુદ્ધ કરી અને એને ખાઈ જાઉં. પણ ૫૦ વર્ષની અંદર એકેય વાર ચોખાનો દાણો નીચે નહિ પડ્યો. પણ, એમાં કોઈ તમારી કુશળતા નથી. કુશળતા આ લોકોની થઇ કે ૫૦ વર્ષ સુધી સોયો મુકવાનો હતો, અને છતાં સવાલ પણ નહિ!
તો અહોભાવના લયનો ‘હું’ અને આનંદઘનતાના લયનો ‘હું’ આવે એટલે ગુસ્સાને વિદાય થવું જ પડે. આવતી કાલે આ જ વિષય છે કે ગુસ્સાને કેવી રીતે ઘરમાંથી કાઢવો, કે પાછો ફરીથી આવે નહિ.