Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 13

9 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અનુષ્ઠાન પરમાત્મા

પાંચ ચરણોવાળી પ્રભુની સાધના. આપણે માત્ર સાધના નથી કહેતાં; પ્રભુની સાધના કહીએ છીએ. પ્રભુની સાધના તમે કરો એટલે તમને ફળ મળે જ એની સદ્ગુરુની guarantee. તમે જો પ્રભુની સાધના સદ્ગુરુએ કહ્યું તેમ કરવા લાગો; તો મોક્ષ આ રહ્યો! સદ્ગુરુ આજે તમને મોક્ષ આપી શકે તેમ છે; બસ, પ્રભુની સાધના તમારી પાસે હોવી જોઈએ.

સાધનાની ટોચ પર પહોંચેલો માણસ અને સામાયિક અને પૌષધ કરનાર સામાન્ય સાધક જે છે, એ બધા જ અનુષ્ઠાન પરમાત્મા. માસક્ષમણના તપસ્વીઓ એટલે વિશેષ અનુષ્ઠાન પરમાત્મા! પ્રભુ તમારી જોડે છે અને પ્રભુ જેની સાથે હોય, એને તપમાં અશક્તિ લાગે જ નહિ કારણ કે પ્રભુની પૂરી energy અત્યારે તમને મળે છે.

૫૦ કે ૧૦૦ વરસ પહેલા કુટુંબનો દરેક સભ્ય બીજા સભ્યનો વિચાર કરતો. પતિને પત્ની પર કલ્યાણમિત્ર તરીકેનો ભાવ હોય. પત્નીને પતિ ઉપર એવો ભાવ હોય. અને દીકરાઓને પણ માતપિતા પ્રત્યે પૂજ્યભાવ હોય. આવા ભાવ હોય, પછી ઘરમાં ઝગડો થાય જ શી રીતે? એકબીજા પ્રત્યે એકબીજાને પ્રેમ હોય, ત્યાં ગુસ્સો આવે જ શી રીતે?

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૩

પાંચ ચરણોવાળી પ્રભુની સાધના. આપણે માત્ર સાધના નથી કહેતાં; પ્રભુની સાધના કહીએ છીએ. તમારા બધાની દીક્ષા થઇ, પત્રિકામાં દીક્ષા અંગીકાર પ્રસંગે આમંત્રણ એવું લખાયેલું નહોતું. ભાગવતી દિક્ષાના અંગીકાર પ્રસંગે આમંત્રણ. દીક્ષા નહિ ભાગવતી દીક્ષા. પ્રભુની દીક્ષા. સાધના નહિ, પ્રભુની સાધના.

શું ફરક પડે? ફરક એ પડે, કે પ્રભુની સાધના તમે કરો છો, તમને result મળે છે. પ્રભુનું ફળ (મળશે જ), સદ્ગુરુની ગેરંટી. તમે જો પ્રભુની સાધના, સદ્ગુરુએ કહ્યું, તેમ કરવા લાગો; તો મોક્ષ આ રહ્યો! ગુરુ તમને કહી દે, કે મોક્ષ મોક્ષ શું કરે છે! લે! તને મોક્ષ આપી દઉં! સદ્ગુરુ આજે તમને મોક્ષ આપી શકે તેમ છે! પણ, પ્રભુની સાધના તમારી પાસે હોવી જોઈએ. પ્રભુની સાધના ઉત્તરોત્તર આપણને આપણા સ્વરૂપ તરફ લઇ જાય છે. જેમ-જેમ સાધનામાં આગળ વધીએ, તેમ-તેમ ભીતરનો આનંદ આપણે અનુભવી શકીએ.

પહેલું ચરણ સાધનાનું – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીઓની પ્રાપ્તિ.

હમણાં તો માસક્ષમણના તપસ્વીઓને જોઈએ, એમની શ્રદ્ધાને જોઈએ.. આપણું હૈયું ઝુકી જાય, મસ્તક ઝુકી જાય. આ શ્રદ્ધા! પિત્ત થયું છે, vomiting ચાલુ છે, પાણી પીવાતું નથી. એ સંયોગોમાં પણ નિર્ધાર તો એક જ છે, મારે પ્રભુએ કહેલી આ સાધનાને કરવી છે. અગણિત જન્મોમાં શરીરની સુખશીલતાને અને મનની પ્રસન્નતાને વશ થઈને સાધના છોડી દીધેલી. આ વખતે નિર્ધાર છે, પ્રભુની સાધના કરવાની જ છે. કારણ, તમારે ક્યાં કરવું છે..! સાધના તમારે કરવાની કે પ્રભુ કરાવે?

મારો તો પૂર્ણ અનુભવ છે કે પુરી ને પુરી સાધના પ્રભુ જ કરાવે છે. અને એ શ્રદ્ધા, તમારામાં જ્યારે જોઉં છું, ત્યારે લાગે કે પ્રભુની સાધના તમારી પાસે આવી ગઈ છે. પહેલાં ચરણે રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્માને જોઇને હૃદયમાં એક ઓચ્છવ જાગે. મારા ભગવાનનો શબ્દ! મારા ભગવાનનું રૂપ!

હિંદુ પરંપરામાં સંન્યાસીઓ માટે એક બહુ સરસ શબ્દ છે. અમે પણ કોઈ જગ્યાએ ગયેલા હોઈએ, કોઈ હિંદુ ભાઈ આવે તો તરત પૂછે, કેટલી મૂર્તિ પધારી છે? આપણે પૂછીએ કેટલા ઠાણા આવ્યા છે? હિંદુ ભાઈ પૂછશે, કેટલી મૂર્તિ પધારી છે? એ મજાનો લય છે કે આ વેશ પરમાત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આ હરતાં – ફરતાં પરમાત્મા! વેશ પરમાત્મા અને એ પછી અનુષ્ઠાન પરમાત્મા. માસક્ષમણના તપસ્વીઓ અનુષ્ઠાન પરમાત્મા છે. તમે બધા અનુષ્ઠાન પરમાત્મા છો.

એક ઘટના યાદ આવે. પરમપાવન પાલીતાણામાં પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમે લોકો ચાતુર્માસ માટે રહેલા. આચાર્ય રત્નસુંદરસૂરીજી પણ અમારી જોડે હતાં. પન્નારૂપા ધર્મશાળામાં ચાતુર્માસની યાત્રા ચાલતી હતી. હિંમતભાઈ બેડાવાલા પણ એ ચાતુર્માસની અંદર સાધક તરીકે આવેલા. ચોમાસાની અધવચ્ચ એમને ૭૮મી ઓળી પુરી થઇ. ઓળી પુરી થવાના દિવસો આવ્યા. એમણે વિચાર્યું, કે શરીરની શક્તિ સારી છે તો પારણું શા માટે કરું? એ આયંબિલની ઓળી પુરી થાય, લાગલોગ જ નવો સાધનાનો પ્રારંભ એમને કરવો છે. જે દિવસે ૭૯મી ઓળી શરૂ કરવાની હતી; પરમાત્મા પાસે વિશેષ રૂપે પ્રાર્થના કરી કે પ્રભુ! મારે કશું કરવાનું નથી, તારી કૃપાથી આ સાધના થવાની છે; તો કૃપા કરજે.! સદ્ગુરુઓ પાસે વાસક્ષેપ લીધો. યાદ રાખો, વાસક્ષેપ એ શક્તિપાત છે.

માસક્ષમણના તપસ્વીઓને કહું, વાસક્ષેપ લેવા આવજો અને એક વાસક્ષેપ; શક્તિપાત થઇ જશે! તમને લાગશે કે નવી શક્તિ તમારી ભીતર આવવા લાગી. મેં પહેલા પણ કહેલું કે યશોવિજય એમ માને, કે યશોવિજયનો વાસક્ષેપ પડે, અને પેલાનું કામ થઇ જાય; તો એ વખતે યશોવિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી ખરતી હોય, એનર્જી-બેનર્જી કંઈ નહિ.. હું વાસક્ષેપ આપું; હાથ આ છે, પણ એનર્જી એની છે! સદ્ગુરુનું અનુસંધાન પરમાત્મા સાથે છે ૨૪ કલાક. અને એથી પ્રભુ કહે છે, તારે તો હાથ વાપરવો છે, એનર્જી તો મારી છે. યશોવિજયની એનર્જી કોઈ જ નથી. પણ જે એનર્જી છે, એ પ્રભુની છે; અને પ્રભુની એનર્જી મળે તો શું બાકી રહે? એક કુદકો મારો ને અહીંયા આવતાં રહો. પેલી જાળીને કુદાડીને તો અંદર આવી ગયા છો. હવે એક ધક્કો લગાવિ દઈએ એટલે ઉપર.

એટલે વાસક્ષેપ શક્તિપાત છે. આપણી શક્તિથી કોઈ જ સાધના થઇ શકે નહિ. એક બાજુ વાસક્ષેપ, બીજી બાજુ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે પ્રભુ! મારે માસક્ષમણ કરવાનું નથી; તારે કરાવવાનું છે! હું કરવા જઈશ તો એમાં મજા આવવાની જ નથી.. અને તું કરીશ તો મજાનો કોઈ પાર નહિ રહે!

પહેલાં હું બોલતો. યશોવિજય નામની વ્યક્તિ બોલતો. ત્યારે મને પણ મજા નહિ આવતી સાંભળવામાં. તો શ્રોતાઓને તો ક્યાંથી આવે? પણ, જે ક્ષણે પ્રભુએ યશોવિજય નામની ઘટનાને વિલુપ્ત કરી નાંખી, પછી બધી જવાબદારી પ્રભુએ સંભાળી લીધી. હવે મારે બોલવાનું જ નથી. સાંભળવાનું છે. તો મજા જ મજા. જલસો. કેવો જલસો અહીંયા છે, એકવાર જરા આવીને જુઓ તો ખરા.. ગઈ કાલે એક દીકરાની birthday હતી. તો સવારે 6 વાગે એના પપ્પા એ દીકરા સાથે ઉપાશ્રયમાં આવ્યા. અને એ ભાઈએ કહ્યું, કે સાહેબ! આખો દિવસ આ દીકરો તમારી જોડે રહેશે. માત્ર જમવા માટે ઘરે આવશે. બાકી આખો દિવસ તમારી જોડે રહેશે. આજે સ્કૂલમાંથી પણ drop લઇ લીધો છે. અને આ દીકરાને તમારી જોડે રાખવો છે. ઈચ્છા એવી છે કે એને આ ગમી જાય તો સ્કુલ છોડાવી પણ દઉં. અને તમારી પાસે એને મૂકી પણ દઉં. પણ એના માટે પહેલું પગથિયું આજે ભરું છું કે આજે એની birthday છે, આજે સવારથી સાંજ સુધી એ તમારી જોડે રહેશે. અને પછી મેં જોયું એ દીકરો મારી રૂમમાં જ બેઠો રહે. કંઈક વાંચતો હોય, કંઈક કરતો હોય. પણ, પપ્પાએ કહ્યું છે કે સદ્ગુરુના ઉપનિષદમાં રહેવાનું તો સદ્ગુરુના ઉપનિષદમાં રહેવું છે. એકવાર આવી જાઓ. એકાદ દિવસ માટે. ઉપધાન માટે આવો ત્યારે તો ઓર જલસો.

અમારી પાસે જે સુખ છે, જે આનંદ છે, એની કલ્પના પણ તમે કરી શકો એમ નથી.. એવો આનંદ પ્રભુએ અમને આપ્યો છે. અને કોઈ પણ ગુરુ ભેદભરા હોય ખરા? મને મળ્યું છે તો મારે આપવું છે. હવે મારે શબ્દો આપવા નથી. બહુ બોલ્યો. 40વર્ષથી બોલ્યાં કરું છું. બોલવાનું ખુબ કર્યું. હવે શબ્દો દ્વારા મારા આનંદને, શબ્દો દ્વારા પ્રભુના પ્રેમને જે મેં માણ્યો છે, એને મારે તમને આપવો છે. તમને થાય કે પ્રભુએ આપેલો આનંદ કેવો હશે…!

હિંમતભાઈ બેડાવાલાએ સદ્ગુરુઓ પાસે આશીર્વાદ લીધો. હિંમતભાઈની આંતરિક સાધના એટલી ઉંચે ગયેલી કે આચાર્ય ભગવંતો પણ આ સુધર્મા પીઠ ઉપર બેસીને એમની સાધનાની પ્રશંસા કરે. એકવાર હિંમતભાઈ બેડાવાલા, શશીકાંતભાઈ, ચંદ્રકાન્તભાઈ, પ્રાણલાલભાઈ આ બધા પંન્યાસજી ગુરુદેવના ભક્તો, બદ્રી માટે નીકળ્યા. પણ, ડ્રાઈવરને કહેલું કે જ્યાં જ્યાં કોઈ સંતનો આશ્રમ આવતો હોય, ત્યાં ગાડી રોકજે. એ સંતની સાથે થોડી વાર બેસીએ. સત્સંગ કરીએ. એક જગ્યાએ ગાડી ઉભી રહી, ડ્રાઈવરે કહ્યું, ૧૦૦ ડગલાં દૂર પેલી ગુફા દેખાય એમાં એક સંત છે. પણ, ગાડી ત્યાં જાય તેમ નથી. ચાલીને તમારે જવું પડે. બધા તૈયાર થઇ ગયા. ગાડીમાંથી નીચે ઉતર્યા. બધા તો ઝડપથી ચાલે, હિંમતભાઈ ધીરે ધીરે ચાલતાં હતાં. બધા સંતની પાસે પહોંચી ગયા. સંતના ચરણોમાં બેઠા. અને કહ્યું કે અમારા અગ્રણી આવી રહ્યા છે. એ આવે પછી આપ થોડો અમને ઉપદેશ આપો. એમાં જ હિંમતભાઈ ગુફામાં એન્ટર થાય છે. નાનકડી ગુફા અને એમાં હિંમતભાઈ એન્ટર થયા. જેવા એ એન્ટર થયા, સંત ઉભા થઇ ગયા. સંત સામે ગયા. હિંમતભાઈને પ્રણામ કરવા ન દીધા. હાથ પકડી લીધા અને કહ્યું, આપ કયું યહાં આયે? આપ તો મુજસે ભી બડે સંત હો! એક સેકંડ ગુફામાં પ્રવેશ થયો, અને હિંમતભાઈની બોડીમાંથી જે આંદોલનો નીકળતાં હતા, એના પરથી સંતે નક્કી કર્યું, કે ઓહો આમની સાધના તો બહુ જ ઉંચકાયેલી છે. આપ કયું યહાઁ આયે? આપ તો મુજસે ભી બડે સંત હો! બધા બેઠા, ઉપદેશ સાંભળ્યો.

એ પછી આગળ ચાલ્યા, ત્યાં રોડની ધારે એક નાનકડી ગુફા, એક માણસ પણ સરખો સૂઈ ન શકે, એટલી નાનકડી ગુફા, અને એમાં એક સંત રહેતાં હતા. આશ્ચર્ય થયું, હિમાલયમાં ગુફાઓનો કોઈ તોટો નથી. તો આટલી નાની ગુફામાં સંત કેમ રહ્યા છે…! પૂછ્યું, આપ ઇતની શંકરી ગુહાઁ મેં કયું હો? એ વખતે એ સંત કહે છે, કયું બડી ગુહાઁ કા ક્યાં કામ હે? મેં ઓર મેરે ભગવાન, દો તો યહાઁ રહ શકતે હે, ફિર તીસરે કા કામ ભી ક્યાં હે? શું એ ખુમારી હશે..! મેં ઓર મેરે ભગવાન, દો તો યહાઁ રહ સકતે હે, ફિર તીસરે કા કામ ભી ક્યાં હે?

એક પ્રભુ મારી સાથે છે. આ અનુભવ તમને થઇ ગયો, પછી દુનિયાના કોઈ પણ તત્વોની તમારે જરૂરિયાત રહેતી નથી.

માસક્ષમણવાળા તપસ્વીઓને કહું, પ્રભુ તમારી જોડે છે. અને પ્રભુ જેની સાથે હોય એને અશક્તિ લાગે જ નહિ. પ્રભુની પુરી એનર્જી અત્યારે તમને મળે છે. અમે ખાઈ- પી ને બેઠા છીએ, અમને એનર્જી નહિ મળે, એટલી તમને મળશે. મેં ઓર મેરે ભગવાન, દો તો યહાઁ રહ સકતે હે, ફિર તીસરે કા કામ ભી ક્યાં હે? એ ખુમારી જોઈ, બધા મોમાં આંગળી નાંખી ગયા!

બદ્રી પહોંચ્યા એ લોકો. બદ્રીમાં એક સંત છે, જે ઉપર કશું પહેરતાં નથી. માત્ર એક લંગોટી જેવું નીચે વીંટી નાંખે છે, એ પણ કંતાનનું. એ બદ્રીની હિમાલયની ઠંડી, જ્યાં 3 સ્વેટર પહેર્યા હોય તો પણ ઠંડી લાગે, ત્યાં એ ખુલ્લા શરીરે! અને 12 મહિના એ બદ્રીમાં રહે છે! બદ્રીમાં જ્યારે હિમવર્ષા થાય, બધું જ બરફથી ઢંકાવા લાગે, ત્યારે બધા જ નીચે ઉતરી જાય, એટલે ભગવાનને પણ નીચે લઇ જાય. સૂમસામ બદ્રી હોય. પણ એ વખતે આ સંત તો ત્યાં જ હોય! તો નવાઈ થઇ, કે જ્યારે કોઈ છે નહિ અહીંયા, પૂજારી પણ નથી, કોઈ માણસ પણ નથી, તો આ સંત રહે છે શી રીતે? તો પૂછ્યું કે જબ યહાઁ કોઈ મનુષ્ય રહતા નહિ હે, તબ આપકે લિયે ભોજન કા પ્રબંધ કૈસે હોતા હે? એ વખતે એ સંત હસીને કહે છે, ક્યાં સંતો કો ભોજન દેનેવાલે તુમ હોતે હો?! સંતો કો ભોજન દેનેવાલે તુમ હોતે હો?! વો તો ઉપરવાલા દેતાં હે! કેવી શ્રદ્ધા! ઉપરવાલા દેતાં હે!

આપણા મહાત્માઓ જે છે, એ પણ કેવાં? માત્ર પ્રભુ પર આધાર! “કુક્ષી સંબલ મુનિવર ભાખ્યા…..” સવારે આવ્યું છે, સારું; તો સાંજ સુધી રાખી શકાય નહિ. શું પ્રભુએ મજાના આચારો આપ્યાં! એટલે જ નિશ્ચયદ્રષ્ટિની ઘણી બધી સાધનાઓ જોઈ, પણ, વ્યવહારનું આટલું મજાનું સંયોજન પ્રભુની સાધનામાં જ છે. એટલે હું તો પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો માણસ છું! કે આટલી અદ્ભુત સાધના! પ્રભુએ અમને આપી દીધી! અમે તો ન્યાલ થઇ ગયા!

હિંમતભાઈએ ગુરૂદેવોનો આશીર્વાદ લીધો. અમે વાસક્ષેપ આપીએ ત્યારે શું કહીએ ખબર છે? છે ખબર? અમે શું કહીએ? “नित्थार पारगाहो” અમારો આશીર્વાદ એક જ; રાગ-દ્વેષ અને અહંકાર રૂપી સંસારને પેલે પાર તું જા ! આપણે એ જ જોતાં હતાં કે રાગને જોયો. દ્વેષને જોયો. ગુસ્સો થાય છે, પણ શા માટે થાય છે? અને જેના દ્વારા ગુસ્સો થતો હોય, એ કારણને દૂર કરવું પડે.

રાત્રે ઠંડી હવા ખાવી છે. બારી ખુલ્લી રાખી છે. અને સવારે બુમ પાડવી છે કે શરદી થઈ ગઈ. બારી ખુલ્લી રહે અને તને શરદી થાય છે, તો બારી બંધ કરીને સુઈ જા. એમ ગુસ્સો આવે છે, પણ એનું કારણ શું? કારણ છે ‘હું’. હવે તમારા ઘરોની અંદર પતિ ને પત્ની પર કલ્યાણમિત્ર તરીકેનો ભાવ હોય. પત્નીને પતિ ઉપર એવો ભાવ હોય; તો તમારા ઘરની અંદર ક્લેશનું વાતાવરણ સર્જાઈ જ ન શકે.

મને એક જણાએ પૂછેલું કે age is the age, what’s the difference? જમાનો તો આખરે જમાનો છે. તો ગયા જમાનામાં અને આજના જમાનામાં ફરક શો પડ્યો? મેં કહ્યું, ૧૦૦વર્ષ પહેલાનું કુટુંબ જીવન એવું હતું, જેમાં પતિ પત્નીનો વિચાર કરતો કે મારી શ્રાવિકા દિવસભર આટલું બધું કામ કરે છે, સાંજે એને પ્રતિક્રમણ માટે જવું હોય તો હું એને કહી દઉં, કે તું જતી રહે પાછળનું કામ અમે સંભાળી લઈશું. પતિને પત્ની પર આવો ભાવ રહેતો. પત્નીને થતું, કે મારા પતિ ઓફિસેથી, દુકાનેથી, થાકીને આવે ત્યારે ઘરનું વાતાવરણ એકદમ સરસ હોવું જોઈએ. અને દીકરાઓને થતું કે માતા અને પિતા તીર્થ છે. એ તીર્થની સેવા કરવી જોઈએ. એટલે ૧૦૦વર્ષ  પહેલાં કે ૫૦ વરસ પહેલાં કુટુંબનો દરેક સભ્ય બીજાનો વિચાર કરતો. આજે પતિ કહે છે કે પત્નીએ મારા માટે શું કર્યું? પત્ની કહે છે પતિએ મારા માટે શું કર્યું? આટલા વરસ તમે કર્યુ શું? આપણે ત્યાં સ્લિમ ટી.વી. પણ નથી! એક જૈનના ઘરની ઓળખાણ સ્લીમ ટી.વી.થી થવાની છે? પણ આ શ્રાવિકાઓ પ્રત્યે મને વિશ્વાસ છે. શ્રદ્ધા છે. એ 50 વર્ષ પહેલાંના યુગમાં જ છે. એક જ વાત પ્રભુનું શાસન મળ્યું છે અને સાધના કરી લેવી છે. બહેનોમાં વધારે સાધના થઈ જાય. બરોબરને? દીક્ષામાં પણ સાધ્વીજી મહારાજ વધારે હોય. કારણ, તમને લાગે ભાઈઓને કે આપણે તો ઘણી આરાધના કરીને આવીએ છીએ. બેઠા-બેઠા ખાઈએ. એમને થાય છે કે આરાધના ઓછી થઈ, ગયા જનમમાં, અને સ્ત્રીનો અવતાર મળ્યો છે. આ વખતે એવી આરાધના કરીએ કે આગળને આગળ ઊંચકાઈ જઈએ.

તો પતિને પત્ની પર કલ્યાણમિત્ર તરીકેનો ભાવ હોય. પત્નીને પતિ ઉપર એ હોય. અને દીકરાઓને પણ માત-પિતા પ્રત્યે આ ભાવ હોય. આ ભાવ હોય તો શું થાય? ઘરમાં ઝગડો થાય જ શી રીતે? એકબીજા પ્રત્યે એકબીજાને પ્રેમ છે. અહોભાવ છે. તો ગુસ્સો થાય છે…  કેમ થાય છે એને જોઈએ, અને એને કાઢી નાંખીએ. વાર કેટલી લાગે…! અને એમાં તમે ન કાઢી શકો ને અહંકાર તો અમે કાઢી દઈએ બોલો…! તમે ખાલી થઈને આવ્યા હોય ને તો અમે અહોભાવથી ભરી દઈએ. અને ખાલી થયા વગર આવ્યા છો તો ખાલી પણ અમે કરી દઈએ. અમારી બધી તૈયારી છે. તમારી તૈયારી કેટલી બોલો? અત્યારે જે સ્વરૂપે છો એ સ્વરૂપે આવો. વેલકમ. તમારો સ્વીકાર છે. તમારી પાસે સમર્પણ છે, તો તમને સાધનામાર્ગે દોડતા કેમ કરવા એની જવાબદારી અમારી છે. તમારે બહુ જ થોડું કરવાનું છે. માત્ર સમર્પિત થવાનું છે. બાકીનું બધું કામ પ્રભુચેતના અને ગુરુચેતનાએ કરવાનું છે. એક જ ટકો કામ તમારે કરવાનું છે. નવ્વાણું ટકા કામ પ્રભુ અને ગુરુ કરશે.

હિંમતભાઈએ ગુરુદેવોનો આશીર્વાદ લીધો. પછી જે સાધર્મિકો પન્નારૂપા ધર્મશાળામાં સાધના કરતા હતા. એ બધાને એ દિવસે પોતાને ત્યાં જમવા માટે નિમંત્ર્યા. આયંબિલ ઘરે જ કરતાં. પાંચ-સાત સાધર્મિકોને રોજ જમાડતા. જેથી સાધુ-સાધ્વીજીઓનો લાભ પણ મળી શકે. રસોડું પોતાને ત્યાં ચાલુ જ હોય. તો જે દિવસે નવી ઓળી શરૂ કરવી છે, ૪૦૦-૫૦૦ યાત્રિકોને આમંત્ર્યા. મોટો હોલ લીધો. અને બધાને એકાસણું કરાવ્યું. હિંમતભાઈ પોતે પીરસવા માટે નીકળ્યા. ૭૮ આયંબિલ થયેલાં. ૭૯મો ઉપવાસ. આજે ૮૦ માં દિવસે આયંબિલ છે. આયંબિલ કર્યું નથી અને પહેલા એ પીરસવા નીકળ્યા. જમવાનું પતી ગયું. પછી હિંમતભાઈ ઉભા થયા કે મારી ઓળી નવી આજથી શરૂ થાય છે. આપ બધા મને આશીર્વાદ આપો. એ વખતે શ્રાવકોમાં જે અગ્રણી હતા એમણે કહ્યું; કે હિંમતભાઈ! તમે મને આશીર્વાદ આપો ને! અમે તમને કઈ રીતે આશીર્વાદ આપીએ? એ વખતે હિંમતભાઈએ કહેલું કે તમે એટલે કોણ? તમે અનુષ્ઠાન પરમાત્મા.!

સાધનાની ટોચ પર પહોંચેલો માણસ અને એને સામાયિક અને પૌષધ કરનાર સામાન્ય સાધક જે છે, એ અનુષ્ઠાન પરમાત્મા.! તમે બધા જ અનુષ્ઠાન પરમાત્મા છો. એક-એક વ્યક્તિ અહીંયા આવો ત્યારે આટલા અનુષ્ઠાન પરમાત્માના દર્શનનો લાભ મળે છે. એકસાથે આટલા બધા અનુષ્ઠાન પરમાત્માના દર્શનનો લાભ ક્યાં મળે? તો માસક્ષમણના તપસ્વીઓ વિશેષ અનુષ્ઠાન પરમાત્મા છે. પરમાત્મા તમારી સાથે છે. પરમાત્માની શક્તિ તમારી સાથે છે. અને પરમાત્માની શક્તિથી આગળ વધવાનું છે. એટલે ૬ ઉપવાસ થયા કે ૯ ઊપવાસ થયા અને પારણું કરી લઈએ. શરીર કહેશે; પારણું કરવાનું. મન કહેશે; પણ તમે કહેશો કે મારા પ્રભુ શું કહે છે? પ્રભુ કહે એ મારે કરવું છે.

રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે. એ અહોભાવ ઉદ્દીપ્ત થાય પછી શું થાય? એની વાત આવતીકાલે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *