Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 14

67 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : દોષમુક્તિ

પરમાત્મા તમને દોષમુક્ત કરે. સદ્ગુરુ પણ તમને દોષમુક્ત કરે. પ્રભુનું આપણને દોષમુક્ત કરવાનું કામ alarm clock જેવું છે; તમારે ઊંઘવું જ હોય, તો તમે alarm વાગે તેમ છતાં એનું બટન દબાવીને ઊંઘી જ જશો! પણ સદ્ગુરુને જો તમે સમર્પિત હોવ, તો સદ્ગુરુ તો તમને ઢંઢોળીને પણ જગાડી દેશે. અને આગળ જતા તમારી જાગૃતિ સૂક્ષ્મ બને, ત્યારે તમે જાતે તમારા દોષોમાંથી મુક્ત બની શકો.

સારીયો, વારીયો, ચોઈઓ, પડિચોઈઓ. સદ્ગુરુ તમને પ્રેમથી યાદ કરાવે. રોકવાનો પણ પ્રયત્ન કરે. જરૂર લાગે, તો કઠોર શબ્દોનો પ્રયોગ કરે. અને ક્યારેક ગાલ પર ચમચમતી તમાચ પણ ઠોકી દે! સતત આત્મભાવમાં રહેનાર સદ્ગુરુએ તમારા દોષોમાંથી તમને મુક્ત કરવા માટે કેટલું નીચે આવવું પડે?! તમને સદ્ગુરુની આ વેદનાનો સ્પર્શ થાય છે?

તમારામાં કેવા પણ દોષ હોય, સદ્ગુરુની નજરે તમે ધિક્કારને પાત્ર નથી; કરુણાને પાત્ર છો. તમારાથી ભૂલ થઇ જાય એનો વાંધો નથી. તમે સ્વચ્છ બનવા માંગો છો એના માટે તમે ધન્યવાદને પાત્ર છો. ભવ-આલોચના દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આખા જીવન દરમિયાન જે કંઈ ભૂલો થઇ એનું પ્રાયશ્ચિત. અને પછી વર્ષે-વર્ષે મહત્ત્વના પાપો થયા હોય એની નોંધ રાખીને પ્રાયશ્ચિત્ત લઇ લેવું.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૪

પાંચ ચરણોવાળી પરમાત્માની મજાની સાધના. એ સાધનાના માર્ગ પર એક-એક ડગલું ચાલો, અને આનંદનો ફુવારો ભીતરથી ઉઠે.

પહેલું ચરણ: શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા, અને અનુષ્ઠાન પરમાત્માનો સંયોગ.

શબ્દ પરમાત્મા શું કહે? ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યા આપતાં કહ્યું, “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય” તમારી ભીતર રાગ ઉઠે છે; તો એને જુઓ. દ્વેષ ભીતર ઉઠે છે; તો એને જુઓ. જોશો એટલે શું થશે.. જેને તમે જુઓ છો, એ દ્રશ્ય બની જશે; તમે દ્રષ્ટા બની જશો. દ્રશ્ય અને દ્રષ્ટા એક નથી, અલગ છે. તો મને રાગ થયો એમ નહિ, મને ગુસ્સો આવ્યો એમ નહિ, મારા મનમાં રાગ આવ્યો. મારા મનમાં ક્રોધ આવ્યો. રાગ કે દ્વેષનો ઉદય થયો, એ ઉદયની પહોંચ ક્યાં સુધી? મન સુધી, ચિત્ત સુધી, લેશ્યા સુધી. તમારા મૂળભૂત સ્વરૂપમાં નથી રાગ, નથી દ્વેષ. હું રાગ અને દ્વેષથી પર છું, આ વિભાવના એ જ નિશ્ચયનયથી આત્મ-સ્વરૂપની વિભાવના. દ્વેષ છે, ગુસ્સો છે ભીતર, કારણ શું? અહંકાર. સદ્ગુરુ તમને બધા જ દોષોમાંથી મુક્ત કરવા માટે તૈયાર છે.

એક સાધક સદ્ગુરુ પાસે આવ્યો. સદ્ગુરુના ચરણોમાં વંદના કરી. સદ્ગુરુ Face reading ના master છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારી સાધના ક્યાં સુધી પહોંચી એની કેફિયત, એનું વર્ણન તમારે આપવાની જરૂર નથી. સદ્ગુરુ તમારા ચહેરાને જોઇને તમે ક્યાં પહોંચ્યા છો, એ નક્કી કરી દેશે. સદ્ગુરુએ જોયું કે બીજા એક વૃંદના એક મુનિએ અયોગ્ય કાર્ય કરેલું હતું, એ સમાચાર આને મળ્યા છે અને એ મને આપવા માટે આવે છે. માત્ર ચહેરાને જોઇને નક્કી કર્યું. હૃદયનું પૂરેપૂરું પ્રતિબિંબ ચહેરા પર અને આંખો પર પડે છે. તમારા હૃદયમાં કોઈના પ્રત્યે પ્રેમ ઉભરાયેલો છે, તમારા ચહેરા ઉપર એ દેખાય છે. તમારા હૃદયમાં કોઈના પ્રત્યે ધિક્કાર છે, તો એ ધિક્કાર દેખાય છે.

એક વક્તૃત્વ કલાના શિક્ષકે પોતાના students ને મજાની વાત કરી, વક્તૃત્વ કલાના શિક્ષક students ને કહે છે કે તમે જ્યારે સ્વર્ગની વાત કરો, ત્યારે તમારા ચહેરા ઉપર આનંદ પ્રગટેલો હોવો જોઈએ. શ્રોતાને ખ્યાલ આવે કે સ્વર્ગ એટલે શું છે. પણ પછી એમણે જે comment કરેલી બહુ જ મજાની હતી. શિક્ષકે કહ્યું કે પણ, હા, તમારે નરકની વાત કરવી હોય તો તમારો અત્યારનો original face ચાલશે! તમારે કોઈના પ્રત્યેના પ્રેમની વાત કહેવી હોય તો તમારા ચહેરા ઉપર પ્રેમ આવી જશે. પણ ધિક્કારની વાત કરવી હશે તો? એ તો છે જ!

સ્વપ્ન શેનું આવે તમને, એ તો કહો? સ્વપ્ન શેનું આવે? શંખેશ્વર ગયો, અભિષેકનો લાભ મળી ગયો, ખુબ ભાવથી અભિષેક કર્યો. આવું સ્વપ્નું આવે? શંખેશ્વરમાં હોવ,અને રાત્રે ત્યાં ધર્મશાળામાં સુઈ ગયા હોવ તો, સ્વપ્ન શેનું આવવાનું? જે તમારા ચિત્તમાં conscious mind માં ઊંડે-ઊંડે સુધી ધરબાયેલું છે, એનું સ્વપ્ન આવશે. મને સંપત્તિ મળી, મને આ થયું. મને આ થયું.

ગુરુએ શિષ્યના ચહેરાને જોયો, એક શિષ્યના ચહેરા ઉપર કયો ભાવ હોય છે…? શિષ્ય જ્યારે પણ સદ્ગુરુની પાસે આવે છે, ત્યારે એની આંખો ભીની હોય છે, સારીયો, વારીયો, ચોઈઓ, પડિચોઈઓ. ગુરુદેવ! તમે મારા માટે શું કરવામાં બાકી રાખ્યું છે..! મને યાદ કરાવ્યું કે કે બેટા! તારો સ્વાધ્યાય થઇ ગયો? કેમ વાતો કરે છે તું? સ્મારણા. ક્યારેક કોઈ વાતની ના પણ પાડી. ક્યારેક મેં ન માન્યું, તો કડવા શબ્દો પણ કીધાં અને ક્યારેક ગાલ પર ચમચમતી ઠોકી પણ દીધી. મારા દોષમાંથી મને મુક્ત કરવા માટે સદ્ગુરુએ કેટલું નીચે આવવું પડ્યું! તમને અમારી વેદના ક્યારે પણ સ્પર્શે? સતત આત્મભાવમાં રહેનાર સદ્ગુરુને તમારા દોષોને ઉલેચવા માટે આવવું પડે.

મ્યુનિસિપલ કર્મચારી હોય એને એક જ કામ આપેલું હોય, એના work hours માં, કે જ્યારે પણ call આવે કે ક્યાંક ગટર ચોક-અપ થઇ છે, તો તમારે ત્યાં જવાનું અને ગટરને સાફ કરવાની. જ્યાં સુધી call ન આવે, એ માણસ મ્યુનિસિપલ ઓફિસમાં ખુરશી પર બેઠો હોય, છાપું વાંચતો હોય, ચા પીતો હોય. અને મોબાઈલ રણકે. કઈ જગ્યાએ ગટર ચોક-અપ થઇ છે, એ જુએ; અને તરત જ એનું બાઈક લઈને ત્યાં દોડે; અને સીધો ગટરમાં! ક્યાં ૫ મિનિટ પહેલાં મ્યુનિસિપલ ઓફિસમાં સરસ કપડાં પહેરીને બેઠેલો માણસ! અને ક્યાં ગટરની અંદર ડૂબેલો એ માણસ!

તમારા દોષોને જોવા માટે, ઉલેચવા માટે સદ્ગુરુએ તમારા દોષોની ગટરમાં આવવું પડે! તમને કેવું લાગે ! સારીયો, વારિયો, ચોઈઓ, પડિચોઈઓ. ગુરુદેવ! તમે મારા માટે આટલા બહાર આવ્યા! આટલા નીચે ઉતર્યા! હું જ્યાં હતો ત્યાં તમે મને મળવા માટે આવ્યા! પ્રભુ તમને મળવા આવે છે, અને સદ્ગુરુ ચેતના પણ તમને મળવા આવે છે.

દર છ મહિને ઓછામાં ઓછો એક કેવલી સમુદ્ઘાત તો થાય જ. એ કેવલી સમુદ્ઘાત – એક સમયે જ્યારે એ કેવલી આત્મા પોતાના આત્મ-પ્રદેશોને- નિર્મળ આત્મ-પ્રદેશોને પુરા વિશ્વમાં ફેલાવી દે, ત્યારે આપણા આત્મ-પ્રદેશો જોડે એમના નિર્મળ આત્મ-પ્રદેશો ટકરાતા હોય એવું બની શકે..

કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં, કે આ એમનો સમુદ્ઘાત નથી, કેવલી ભગવંત આપણને મળવા માટે આવે છે! પ્રભુ તમને મળવા આવે ! સદ્ગુરુ તમને મળવા આવે! કેવલી ભગવંતો તમને મળવા આવે ! કેટલો મોટો તમારો મહિમા ! સાચું કહેજો… તમારો મહિમા કેટલો મોટો?

ગુરુએ જોઈ લીધું, કે આના ચહેરા ઉપર આ વાત છે કે પેલાએ બરોબર નથી કર્યું, એ વાત મારે ગુરુને કહેવી. પણ, ગુરુ પાસે તો સમાચાર આવી ગયેલા હતા. ગુરુએ એ સમાચાર સાંભળેલા. સાંભળ્યા પછી શું થયેલું? કંઈક કર્મની સ્થિતિ વિચિત્ર છે. એ કર્મની ચુંગાલમાં પકડાઈ ગયો. બહાર નીકળી ન શક્યો. સદ્ગુરુની નજરે એ વ્યક્તિ કરુણાપાત્ર છે. તમારે માટે જે-જે વ્યક્તિઓ ધિક્કારને પાત્ર છે, એ બધા જ સદ્ગુરુના પ્રેમને લાયક છે! સદ્ગુરુ માત્ર એમના ઉપર પ્રેમ વહાવશે! એવી કોઈ વ્યક્તિ છે, સમાજમાં આગળ પડતી, અને એના દ્વારા યુવાવસ્થામાં કોઈ અકાર્યો થઇ ગયા છે, એ ભવ – આલોચનાની નોંધમાં અમને લખીને આપે, અમને એક સેકંડ માટે પણ એ ભાવ ન આવે, કે આવો બહારથી ધાર્મિક દેખાતો માણસ અને એણે આવા કાર્યો કરેલા! અમે એ વ્યક્તિને ધન્યવાદ આપીએ, કે તે પ્રભુની આજ્ઞા માની; આલોચના લીધી, અને તારી જીવનની ચાદર એ શુદ્ધ થઇ ગઈ! કોઈ પણ વ્યક્તિને ધિક્કારની નજરે તમે કઈ રીતે જોઈ શકો?

એક દ્રષ્ટિબિંદુ અમારી પાસે છે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ મહાત્મા પણ છે, મહાત્માએ આલોચના લીધી. એ વખતે અમને એ મહાત્મા પ્રત્યે તિરસ્કાર નથી થતો. કારણ શું? અમે લોકો માનીએ છીએ કે અત્યારે અમે આ સુધર્મા પીઠ ઉપર બેસી ગયા છીએ, પણ અમારો પણ ભૂતકાળ કેવો હતો…! અમે અમારા ભૂતકાળમાં પ્રભુની આજ્ઞા નથી માની, ત્યારે જ અમારો સંસાર આટલે સુધી ગયો.. એટલે એ વ્યક્તિએ ભૂલ કરી, એવું અમને ક્યારેય દેખાતું જ નથી. ભૂલ થઇ ગઈ એનો વાંધો નથી. એ સ્વચ્છ બનવા માંગે છે, એના માટે એ ધન્યવાદને પાત્ર છે. ભવ-આલોચના દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આખા જીવન દરમિયાન જે કંઈ ભૂલો થઇ એનું પ્રાયશ્ચિત. અને પછી વર્ષે-વર્ષે મહત્વના પાપો થયા હોય એની નોંધ આપી અને પ્રાયશ્ચિત્ત લઇ લેવું.

ગુરુએ જોયું કે પેલો આ વાત કરવા આવે છે, તો ગુરુએ એને કહ્યું, કે તું શું કહેવા આવ્યો છે, એ મને ખબર છે. પણ મારો એક પ્રશ્ન છે કે જે વાત તું મને કહેવા માંગે છે, અને જે વાત તે કેટલાનેય કહી પણ નાંખી છે, એ ઘટનાને તે નજરે જોયેલી ખરી? પેલો કહે, ના! ગુરુ કહે છે કે તે નજરે જોયું નથી, સાંભળેલું છે, સાંભળેલી ઘટના ખોટી ન હોઈ શકે? તો કહે, કે સાહેબ! હોઈ શકે! તો જે ઘટના થયેલી ન પણ હોઈ શકે, એનો ધજાગરો લઈને તું નીકળ્યો છે..!

બીજી વાત: એ વાત તું બીજાને કહે; એનાથી બીજાને શું લાભ થાય? કોઈના ગુણોની વાત તમારી પાસે કરે, તમે હરખાવો. પણ કોઈના દોષની વાત કરશે તો… તું બીજાને વાત કરીશ, એથી બીજાને શું લાભ થશે…! ઘણીવાર બની શકે કે કોઈ મહાપુરુષ પણ કર્મના ઉદયને કારણે ગુસ્સામાં જતાં રહેતા હોય, તમે એમના જ્ઞાનને ન જુઓ. એમની પરિણતીને ન જુઓ. એમનું બીજું કંઈ જ ન જુઓ, માત્ર એમના ગુસ્સાને જુઓ. પછી તમે શું કરવાના? આટલા મોટા મ.સા. એ પણ ગુસ્સો કરે, તો આપણે ગુસ્સો કરીએ એમાં વાંધો શું? જોઈ-જોઇને, આ જોયું! બીજાના દોષો જોયા, એ જોવાથી તમને શું લાભ થાય?

ઘણા સાધકોને પૂછીએ ને, કે સાહેબ જોવા નથી હોતાં, જોવાઈ જાય છે. પછી હું એને હસતાં હસતાં પૂછું કે દોષો જ જોવાઈ જાય? ગુણો જોવાઈ જાય એમ નહિ! હકીકતમાં સહેજ ઊંડા ઉતરો. ક્યારેક તમને લાગે કે તમે ગુણાનુરાગી છો. પણ એ વાત પણ ખોટી હોઈ શકે. એક વ્યક્તિ તમને ગમે છે, એનામાં ગુણ છે, એ ગુણની તમે પ્રશંસા કરો છો, એવી જ વ્યક્તિ એનાથી પણ ચડિયાતા ગુણવાળી બાજુમાં છે, તમે એની વાત કરવા તૈયાર નથી! તો, તમે જેને ગુણાનુરાગ સમજતાં હતાં, એ વ્યક્તિ અનુરાગ હતી. એ ભાઈ જે છે એ તમને સારા કહેતાં હતાં, તમારા ‘હું’ ને પંપાળતા હતા એટલે તમને એ વ્યક્તિ સારી લાગે. એટલે ગુણાનુરાગના મૂળમાં શું આવ્યું? ‘હું’ નું રાગ. એ વ્યક્તિ સારી છે, સારી કેમ છે? મને સારી કહે છે માટે!

તમે લોકોએ છે ને આખી દુનિયાને બે ભાગમાં વહેંચી નાંખી છે. સારા અને ખરાબ માણસો. સારાની વ્યાખ્યા શું? બહુ મજાની વ્યાખ્યા છે તમને ખબર છે? તમારા ‘હું’ ને જે પંપાળે, તમને જે સારા કહે, અરે વાહ! શું તમે તો સાધના કરો છો! તમારા ‘હું’ ને જે ઊંચકે એ તમને સારા લાગે છે. તમારા ‘હું’ ને ખોતરે એ તમને ખરાબ લાગે છે. ત્યાં તો આવું છે, આપણે અહીંયા શું છે? અહીંયા શું છે? સારા મહાત્મા કોણ? તમારા ‘હું’ ને જે પંપાળે એ! અને તમારા ‘હું’ ને ખોતરે એ બધા નાત બહાર!

ગુરુ પૂછે છે કે તું આ વાત બીજાને કહીશ, અને કહી ચુક્યો છે, એનાથી સાંભળનારને શું લાભ થાય? શિષ્ય વિચારમાં પડી ગયો, કે સાહેબ સાંભળનારને કોઈ લાભ ન થાય. કારણ કે એ પણ એક મહાત્મા હતાં. ઉંચી કક્ષાના હતા, અને એમના હાથે અકાર્ય થઇ પણ ગયું. પણ, મેં એમના સારા પાસાંને તો જોયું જ નથી! માત્ર નબળા પાસાંને જોઈ લીધું! અને હું એ વાત pass on કરું, સાંભળનારને કોઈ લાભ નથી! ગુરુએ આગળ પૂછ્યું, સાંભળનારને લાભ નહિ, તું એ ઘટના બીજાને કહેવા માટે જાય છે તને શું લાભ? સદ્ગુરુ આવા ગમે ને? તમને સદ્ગુરુ તો ગમે ને? કેવા સદ્ગુરુ ગમે આમ? માણસોમાં તો તમે રાખ્યું કે મારા ‘હું’ ને પંપાળે તે સારા. સદ્ગુરુઓમાં પણ આ લઈને આવ્યાં! સારા સદ્ગુરુ કયા? તમારા ‘હું’ ને પંપાળે એ! અહીંયા તમારાં ‘હું’ ને પંપાળવા અમે બેઠા છીએ?!

ઉપનિષદના ઋષિ કહે છે: ‘આચાર્યો હિ મૃત્યુ:’ સદ્ગુરુ એટલે વિભાવો માટે મૃત્યુ. તમારા એક-એક વિભાવને અમારે જોઈ-જોઇને ખતમ કરવાના છે. અમે તો આ કરવાના જ છીએ. પણ, તમને સદ્ગુરુ કેવા ગમે? અને ડોક્ટર કેવા ગમે, સાચું કહેજો? પીડા જોરદાર છે, ઇન્જેક્શન, પેઈન-કીલર્સ, બધું લેવા છતાં સહેજ પણ દુઃખાવો ઓછો થતો નથી. અને કોઈ ડોક્ટર પાસે ગયા, એ કહે, કાંઈ નથી આ તો, વા નો દુઃખાવો છે, ગરમ પાણીનો શેક કરો મટી જશે. પેલો કહે, ગરમ પાણીનો શેક તો ૧૫ દિવસથી કરું છું, પણ દુઃખાવો મટતો નથી. અને એક ડોક્ટર એવો હોય, જે બરોબર એના રોગના મૂળને જાણી લે, અને દવા દ્વારા એને દૂર કરે.. તમને કયા ડોક્ટર ગમે? આમ ડોક્ટરની વ્યાખ્યા શું હોય? ડોક્ટર હેન્ડસમ હોવો જોઈએ! ડોક્ટરની વ્યાખ્યા શું? ફેમીલી ડોક્ટર રાખો ને? એની વ્યાખ્યા શું? હેન્ડસમ હોવો જોઈએ? દેખાવડો? નહિ! એ એના વિષયમાં એવો નિષ્ણાંત જોઈએ કે દર્દ આવ્યું નથી કે એણે ભગાવ્યું નથી. તમને આવા સદ્ગુરુ ગમી જાય, એ જ દિવસે તમારી મોક્ષની યાત્રાનો પ્રારંભ. એ જ દિવસે.! On that very day.!

સદ્ગુરુ તો તૈયાર છે, તમારા દોષોને લેવા માટે; તમે તૈયાર થઇ જાવ, કે સદ્ગુરુ પાસે હું એટલા માટે જાઉં છું કે મારી સારણા, વારણા, ચોયણા, અને પડિચોયણા કરે. એવા શિષ્યો જોયાં છે કે ૧૫ દિવસમાં એકવાર ગુરુએ એને ફટકાર્યો ન હોય, અને એ શિષ્ય આંખમાં આંસુની ધાર સાથે ગુરુ પાસે આવે કે સાહેબ મારો શું વાંક? મારી શું ફરિયાદ કે તમે મને લડતાં નથી? હું તો દોષોથી ભરેલો છું જ; તમે મને લડતાં કેમ નથી? આવા શિષ્યો આજે છે! અને તમે આવી કક્ષાએ આવ્યા, એટલે બેડો પાર.!

પેલો શિષ્ય સમજી ગયો, કે હું જે વાત કરવા ચાહું છું, એ બીજાને પણ મેં વાત કરી છે આ, એ ખરેખર મેં ખોટનો ધંધો કર્યો છે. તો સદ્ગુરુ તમને દોષમુક્ત કરે. પરમાત્મા પણ તમને દોષમુક્ત કરે. સદ્ગુરુ પણ તમને દોષમુક્ત કરે. અને આગળ જતાં તમારી જાગૃતિ સૂક્ષ્મ બને ત્યારે તમે પણ તમારા દોષોમાંથી જાતે મુક્ત બની શકો. પ્રભુ દોષોમાંથી મુક્ત કરે.

આચારાંગજી તમે વાંચતા રહો. ભીની ભીની આંખો હોય તમારી અને ત્યાં સૂત્ર આવ્યું; “एत्थ अगुत्ते अणाणाए” જે ગુપ્તિ બાહ્ય છે, એ મારી આજ્ઞાની બહાર છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ જેની પાસે નથી, એ અગુપ્ત સાધક જે છે, એ મારી આજ્ઞાની બહાર છે. પ્રભુ આપણને આજ્ઞાની બહાર કરી નાંખે! સદ્ગુરુ પણ એ કામ કરે. ફરક એ પડે કે પ્રભુનું કાર્ય કેવું? એલાર્મ ક્લર્ક જેવું. ચાર વાગ્યાનો સવારનો ટાઈમ મુક્યો છે, એ વખતે એલાર્મ બજ્યું, હવે પેલાને સુઈ જ જવું હોય તો બટન દબાઈને પાછો સુઈ જાય. બોલો પ્રભુના વચનો માટે શું કહ્યું?

ઉત્તરાધ્યયન સૂત્ર આખું ન કરો, તો પણ “स भिक्खू” અધ્યયન તો ખાસ કરજો. “असिप्पजीवी अगिहे” મારો સાધુ, મારી સાધ્વી કેવી હોય? પ્રભુએ આખી વાતો કરી.. તો પ્રભુનું આપણને દોષમુક્ત કરવાનું કામ એલાર્મ ક્લાર્ક જેવું છે. પણ સદ્ગુરુને જો તમે ઓફર કરી હોત તો સદ્ગુરુ ઢંઢોળીને તમને જગાડત..!

એક પ્રોફેસર હતાં. નિષ્ણાંત પ્રોફેસર. એકવાર એમને એક પ્રતિષ્ઠાના ભાષણ માટે જવાનું હતું. ચાર વાગે ગાડી સવારે ઉપડવાની. ત્રણ વાગે ઉઠાય, બાથરૂમમાં જઈને તૈયાર થવાય. સાડા ત્રણે ટેક્ષી આવી જાય. સ્ટેશને પહોંચી જાય. ટિકિટ તો રીઝર્વ કરાવેલી છે. અને ગાડીમાં બેસી જવાય. પ્રોફેસરે પોતાના નોકરને કહ્યું કે કાલે સવારે any how ત્રણ વાગે તારે મને જગાડી જ દેવાનો. પેલો કહે, સાહેબ હું તો તૈયાર છું, પણ તમને જગાડું શી રીતે? ઢંઢોળું? જગાડું? તમે બેઠા થાવ, અને પાછા સુઈ જાવ. Morning college હોય ત્યારે તમને સવારે ચાર વાગ્યાથી ઉઠાડ- ઉઠાડ કરતો હોઉં, ત્યારે ૬-૬.૩૦ એ result મળે. તો ત્રણ વાગે જગાડવા કેમ? એ વખતે પ્રોફેસરે કોરો ચેક નોકરને આપ્યો, કે any how તારે મને જગાડવાનો છે. મને પાંચ તમાચા ઠોકી દઈશ ને એ વખતે, તો ય વાંધો નહિ! હું ગુસ્સે થવાનો તારા ઉપર, મારે નથી ઉઠવું; તારે પાંચ તમાચા ઠોકી દેવાના.. ઠંડા પાણીની બાલટી મારા ઉપર રેડી દેવાની.. પણ કોઈ પણ રીતે તારે મને ઉઠાડી દેવાનો.! પેલો કહે, હા સાહેબ હવે વાત કંઈક બની. ત્રણ વાગે ગયો પ્રોફેસરની રૂમમાં, રૂમ ખુલી રાખેલી પ્રોફેસરે, ઉઠે શી રીતે?! સીધી ઠંડા પાણીની બાલટી લીધી. ઠોકી દીધી! બીજી બાલટી.. અને પ્રોફેસર ગુસ્સાથી આમ ઉભા થયા, નાલાયક, હરામખોર, મારો નોકર આવા ધંધા તું કરે.! એ કહે સાહેબ! તમે જ કહ્યું છે, કે ત્રણ વાગે તમને જગાડવાના. ઓહોહો વાત બરોબર, તારી વાત બરોબર. પ્રોફેસર બાથરૂમમાં ગયા, નાહી- ધોઈને તૈયાર થઇ ગયા. નોકરે ચા બનાવેલી પીધી. સાડા ત્રણે ટેક્ષી આવી ગઈ. ટેક્ષીમાં બેઠા. નોકર પણ જોડે જાય છે. સ્ટેશને પહોંચ્યા. અને ગાડીમાં બેસી પણ ગયા. નોકર કહે હાશ હવે વાંધો નથી. આ ગાડી સાંજના ૬ વાગે ત્યાં પહોંચવાની છે. એટલે ત્યાં સુધીમાં સાહેબ જાગી જ જવાના છે. સાહેબ એકવાર જાગે પછી કંઈ વાંધો હોતો નથી. એટલે ૮ વાગે, ૯ વાગે, ૧૦ વાગે જ્યારે પણ જાગે, નાસ્તો – બાસ્તો કરી લે શેઠ, અને પછી ઊંઘવાના નથી. તો પ્રોફેસરે કોરો ચેક આપેલો, any how તારે મને જગાડવાનો. તમારો કોરો ચેક ખરો?

સાહેબ ગમે તેમ કરો, મને ગુસ્સાથી મુક્ત બનાવો. તમારે તો આમ તો કોરો ચેક હોય જ ને? દીક્ષા લીધી ત્યારે શું કર્યું? જીવનનું સમર્પણ, પ્રભુને અને સદ્ગુરુને કર્યું..! ગરબડ ક્યાં થઇ? શરીર પ્રભુને સોંપાયું, શરીર પ્રભુની આજ્ઞાને સોંપાયું, મન પોતાની પાસે છે. આટલું જ કરવાનું છે – મન પ્રભુને સોંપી દો! અત્યાર સુધી એક સૂત્ર ઘૂંટી રાખેલું હતું, “મને આ ગમે. મને આ ગમે. મને આ નહિ ફાવે.” હવે એક માત્ર કાનો ઉમેરવાનો, માઁ ને આ નહિ ગમે, માઁ ને આ ગમશે. પ્રભુ માઁ ને, સદ્ગુરુ માઁ ને જે ગમે, એ જ મારે કરવું છે. હવે મારા માટે, પોતાના માટે ગમવા – ન ગમવાની વાત નીકળી ગઈ. હું છું જ નહિ તો મને ગમવાની વાત ક્યાંથી હોય? તમે છો? નામ બદલાઈ ગયું. વેશ બદલાઈ ગયો. મન બદલાઈ ગયું.

આજે એક કામ કરજો. બધા પ્રભુને મન સોંપી આવજો! કે આ પ્રભુ! આ મન મારું નહિ, પણ તારું! તારી આજ્ઞામાં જ મને આનંદ આવશે; મારી ઈચ્છામાં નહિ.! Totally choiceless બનવું.! ઈચ્છામાં તો પીડા જ પીડા છે. ઈચ્છા પુરી થઇ તો પીડા.! ન પુરી થઇ તો પણ પીડા! ઈચ્છા પુરી થઇ; કરોડો – અબજો રૂપિયા મળ્યા, રાત્રે ઊંઘ નથી આવતી. રાત્રે બાર વાગે કોલ બેલ વાગે, સાલું ed વાળા આવ્યા કે it વાળા આવ્યા. મળ્યું ઘણું, શાંતિ નથી.! ઈચ્છા દ્વારા જે પણ મળે, એમાં શાંતિ ન હોય; ન મળે તો પણ શાંતિ ન હોય; અને પ્રભુ દ્વારા જે મળે એમાં આનંદ જ આનંદ હોય! હવે તમે ક્યાં જશો બોલો? એક મનને પ્રભુને સોંપી દેવું. અઘરું લાગે છે આમ?

શ્રી કૃષ્ણ ભગવદ્દગીતામાં અર્જુનને કહે છે, તારું મન મને આપી દે ! અર્જુન સામે પૂછે છે, હું તમને મન આપી દઉં, મને શું મળે? એ વખતે શ્રી કૃષ્ણ કહે છે; “निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः” જો તું તારા મનને મને સોંપી દે, તો તું મારી ભીતર જ હોઈશ, બહાર દુનિયામાં ક્યાંય હોઈશ નહિ! મન સોંપી દીધું; આપણે પ્રભુના થઇ ગયા! અત્યાર સુધી સંસારના રહ્યા, એ સંસારના રહ્યા, તો લાકડીઓ ઉપર લાકડી પડી! નરક અને નિગોદમાં જવું પડ્યું! હવે મન પ્રભુને સોંપી દઈએ, પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું કરીએ, તો શું થાય? આનંદ જ આનંદ.! મજા જ મજા.! એટલે જે પણ મજા તમારી પાસે છે, કે અમારી પાસે છે એનું કારણ શું? દેવ- ગુરુ. પ્રભુની અને સદ્ગુરુની કૃપાને કારણે આપણે બધા મજામાં છીએ. જૈનો બીજા કરતાં વધુ સુખી છે. વધુ સુખી છે એટલે વધુ પૈસાવાળા છે એમ નહિ. પણ, જૈનોની પાસે મન પરમાત્માને સોંપવાની ટેકનીક છે અને એથી કરીને પ્રભુની આજ્ઞા પ્રમાણે એ લોકો ચાલી શકે છે, માટે સુખી છે. સંતુષ્ટ. આટલું મળ્યું, ઘણું થયું; વધારે જરૂર નથી. આખરે ગમે એટલું વધારે થાય, પહેલાં બે – ચાર કરોડ હતાં, પછી ૨૦૦ – ૫૦૦ કરોડ થયા, ખાવામાં ફરક પડે છે ક્યાંય? પહેલાં ઘઉંની રોટલી ખાતાં હતાં. હવે ચાંદીની રોટલી ખવાય? સોનાની રોટલી? સોનાનું બિસ્કીટ હોય ને, ખાવાનું…?!

તો અદ્ભુત પ્રભુનું શાસન મળ્યું છે, આવા સદ્ગુરુ અને પ્રભુ આપણને મળ્યા છે. આપણે દોષ મુક્ત થઇ આગળ વધીએ…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *