Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 15

14 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સમર્પણથી દોષમુક્તિ

ગુરુચેતના અને પરમચેતના એકાકાર થયેલી સંઘટના છે. તમે જ્યારે ગુરુના શરીરને જુઓ છો, ત્યારે ગુરુ-વ્યક્તિને જુઓ છો. પણ એ ગુરુ-વ્યક્તિ ભીતરથી માત્ર ગુરુચેતના છે. ગુરુચેતનાનો મતલબ આ કે જે પરમચેતનામાં ડૂબેલ હોય. સદ્ગુરુએ પોતાના હૃદયને ખાલી કર્યું; રાગ-દ્વેષ-અહંકારથી શૂન્ય બનાવ્યું અને પરમચેતનાનું અવતરણ એમાં થઇ ગયું.

જે પ્રભુમાં ભળેલા છે, મળેલા છે, વિલીન થયેલા છે એવા કલાપૂર્ણસૂરિ દાદા જેવા સદ્ગુરુની નિર્મળ દશાને તમે જુઓ તો એ નિર્મળ ચેતના તમને ગમ્યા વગર રહે નહિ. તમને એમની એ દશા જો ગમી જાય; તીવ્ર રીતે ગમી જાય, તો તમે પણ એવા નિર્મળ બની શકો એમ છો. આ જન્મના છેડે નહિ, અત્યારે તમે એવા નિર્મળ બની શકો એમ છો; if you desire.

જે સદ્ગુરુ કૉલ આપતા હોય કે તારા બધા જ દોષોને હું લઇ લઈશ, એવા સદ્ગુરુના ચરણોમાં તમે જીવનને સમર્પિત ન કરી શકો?! operation theatre માં તમારું શરીર ડૉક્ટરોના હવાલે કરનારા તમે તમારું જીવન સદ્ગુરુના ચરણે સમર્પિત ન કરી શકો, તો આનાથી મોટી બીજી કઇ વિડંબના હોઈ શકે?

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૫

પાંચ ચરણોવાળી પ્રભુની મજાની સાધના. પહેલા ચરણમાં આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીઓની પ્રાપ્તિ થવી. શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા એ ચારેય પરમાત્માઓની પ્રાપ્તિ થવી એ પહેલું ચરણ. શબ્દ પરમાત્માની વાત આપણે જોઈ રહ્યા છીએ.

ચિદાનંદજી મહારાજે પ્રભુના શબ્દોને કોટ કરીને કહ્યું કે રૂપસ્થ ધ્યાન એટલે શું? “રહત વિકાર સ્વરૂપ નિહારી” તમારી અંદર જે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે એને તમે જુઓ. જોયા પછી દ્રષ્ટાભાવમાં જવાની પણ એક સાધના છે. અને દોષોને જોયા પછી દોષોમાંથી મુક્ત થવા માટે સદ્ગુરુ સમર્પણ એ એક માર્ગ છે. સદ્ગુરુ તૈયાર છે. તમારો એક નહિ, બે નહિ, પાંચ નહિ, હજાર દોષો હોય, સદ્ગુરુ તમને બધા જ દોષોમાંથી મુક્ત કરવા તૈયાર છે. માત્ર તમારી પાસે એ દોષોમાંથી મુક્ત થવાની ઈચ્છા જોઈએ. દોષોમાંથી મુક્ત થવાની ઈચ્છા આવી એટલે સદ્ગુરુ સમર્પણ આવી જ જવાનું.

એક બાજુ સદ્ગુરુ કોલ આપતાં હોય કે તારા બધા જ દોષોને હું લઇ લઈશ ! અને છતાં તમે એ સદ્ગુરુના ચરણોમાં જીવનને સમર્પિત ન કરી શકો, તો આનાથી મોટી કોઈ વિડંબના હોઈ શકે ખરા? જે સદ્ગુરુ તમારા બધા જ દોષોને લેવા તૈયાર છે. એ સદ્ગુરુના ચરણોમાં તમે જીવનને સમર્પિત ન કરી શકો? ડોક્ટરને શરીર સમર્પિત કરનારા તમે, ઓપરેશન થિયેટરમાં તમને લઇ જાય પછી કોઈ સંબંધીને અંદર આવવા દેતાં નથી. શરીર ડોક્ટરને હવાલે હોય છે. શરીર ડોક્ટરને હવાલે કરનારા તમે, જીવન સદ્ગુરુને ચરણે ન સમર્પિત કરી શકો?!

તો પહેલી વાત દોષો ડંખ્યા છે? આંતર નિરીક્ષણ કરો, અને જુઓ કે જે દોષો છે, એ ખટક્યા છે ખરા? તમે બહુ જ પ્રબુદ્ધ માણસો છો. તમને કંઈ ખ્યાલ ન આવે એવું ન બને. બીજાનો અહંકાર તમે તરત પકડી લો છો. સાલો એ તો અહંકારી માણસ છે. એની પાસે કોણ જાય! બીજાના ક્રોધને તમે જોઈ શકો છો, તમારા ક્રોધને જોયો? આજે સીધો જ સવાલ તમને પૂછું? આ ગુસ્સો તમને ખટક્યો છે? ગુસ્સો કરો, પછી શું થવાનું? સામાવાળાનું જે થવું હોય તે થાય, તમને તો પીડા થવાની જ છે. તો ગુસ્સો ખટક્યો?

અનાદિની ભવભ્રમણાને ક્રોધ વધારે એ વાતે બાજુએ રાખો; તમારા ધંધાને પણ ક્રોધ અટકાવે છે. ગુસ્સાવાળો સ્વભાવ તમારો હશે, તમારા ક્લાયન્ટ ખસવા માંડશે. તમારો ગુસ્સાવાળો સ્વભાવ હશે, તમારા દીકરા તમારાથી દૂર ભાગશે. તમારી પત્ની તમારાથી દૂર ભાગશે. આ ગુસ્સો જે ઘરમાં, સમાજમાં બધે જ તમને પીડા આપનારો છે, એ ગુસ્સો ખટક્યો છે? આજે ઓપરેશન કરી નાંખીએ. હું તો mind transplantation ના ઓપરેશનો કરું છું. જુનું મન લાવો, નવું મન લઇ જાઓ. બોલો આજે offer ખુલ્લી. જે તમારું જુનું મન છે, રાગ-દ્વેષથી ખરડાયેલું, એ આપી જાવ. નવું મન લઇ જાઓ. આજે જોઉં છું કેટલા આવે છે….?

સમર્પણ. સમર્પણમાં શું છે? શું આપવાનું છે? માસક્ષમણ કેટલી અઘરી તપશ્ચર્યા છે. એટલા બધા તપસ્વીઓ છે, પિત્તને કારણે vomiting થાય છે. પેટમાં દર્દ થાય છે. પણ એ કહે છે; બધું જ છે, પણ માસક્ષમણ તો કરવું જ છે. આ એક સંકલ્પ એમને મૃત્યુંજય તપની ઉપર સિદ્ધિ આપનારો થઇ જશે. તમે આજે સંકલ્પ કરો, કે ગુસ્સો ન જ જોઈએ. અને તમારા માટે તો આખું ને આખું જુનું મન ન જોઈએ. Fresh mind મળતું હોય, તો જુનું મન કોણ રાખે.!

સમર્પણ. ૫૦૦ વર્ષ પહેલાંની ઘટના છે. એક હિંદુ સદ્ગુરુ પોતાના આસન ઉપર બેઠેલા હોય છે. એક સાધક વંદના માટે આવે છે. વંદના કરી અને પૂછ્યું, ગુરુદેવ! કોઈ કામ સેવા? એ વખતે ગુરુ કહે છે કે પેલી સામે જગ્યા દેખાય છે ને ત્યાં એક ધ્યાન માટે કુટીર બનાવવી છે. સાધકે કહ્યું, તહત્તિ ગુરુદેવ. સવારના ૧૦ વાગેલા. માટી લઇ આવ્યો એ, પાણી લઇ આવ્યો, અને પછી ધોમધખતા તડકામાં એણે કામ શરૂ કર્યું. ચાર વાગ્યા સુધી લગાતાર એણે કામ કર્યું. ભીંત ખભા જેટલી લગભગ આવી ગઈ. બીજા દિવસે થોડી ઉપર અને પછી ઢાંકી દેવાની. ચાર વાગે એ સાધક ગુરુ પાસે ગયો. ગુરુદેવના ચરણોમાં વંદન કરીને કહ્યું કે ગુરુદેવ! આપે જે કાર્ય મને આપેલું, એમાંથી આટલું કામ થઇ ગયું છે.

આ આપણી એક મજાની પરંપરા છે. ગુરૂવંદન ભાષ્યમાં પણ લખ્યું, એક કાર્ય સદ્ગુરુએ તમને સોંપ્યું. એ કાર્ય પૂર્ણ થયા પછી, તમારે સદ્ગુરુ પાસે જવું જોઈએ; અને વંદના કરીને કહેવું જોઈએ, કે ગુરુદેવ! આ કાર્ય, આ રીતે સંપન્ન થયું છે. એ જણાવવાનો મતલબ શું, તમને ખ્યાલ છે? એ જણાવવાનો મતલબ એ છે, કે એ કાર્ય મેં સદ્ગુરુના ચરણોમાં સમર્પિત કર્યું. હવે એ કાર્ય જોડે મારે કોઈ સંબંધ નથી. સદ્ગુરુની આજ્ઞા હતી, સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું. સદ્ગુરુના ચરણોમાં એ કાર્યને સમર્પિત કર્યું. હવે એ કાર્ય જોડે મારે કોઈ સંબંધ નથી.

પેલાએ વિનંતી કરી, બેઠો ત્યાં, સાડા ચાર વાગેલા, પેલો ભક્ત બેઠો જ છે,  ત્યાં એક બીજો સાધક આવ્યો. એણે પણ વંદન કરીને કહ્યું, સાહેબજી! કંઈ કામ સેવા? ત્યારે ગુરુ કહે છે, પેલી ભીંત ચણાયેલી દેખાય છે, અડધી ચણાયેલી, એ ભીંતને તોડી નાંખ, જમીન-દોસ્ત કરી નાંખ. પેલો સાધક બેઠો છે, એને કોઈ વિચાર નથી આવતો. મેં કાર્ય સદ્ગુરુને સમર્પિત કર્યું. હવે એ કાર્યનું શું કરવું એ સદ્ગુરુ જાણે! મારે એ બાબતમાં કોઈ વિચાર કરવાનો છે નહિ. આ સમર્પણ..

આમ જુઓ તો કેટલી નાનકડી વાત. સીધી રીતે જુઓ તો તમને ક્યાંય અવરોધ નહિ આવે. સદ્ગુરુએ આજ્ઞા કરી, કાર્ય સોંપ્યું? કાર્ય થયું? મેં કાર્ય કર્યું એમ નહિ, કાર્ય થઇ ગયું અને સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થઇ ગયું. હવે વચ્ચે તમે આવ્યા નહિ, મેં ભીંત કરી..! દસ થી ચાર સુધી ધોમધખતા તડકામાં ઉભા રહીને..! અને ગુરુ કહે છે, એને તોડી નાંખો..! જો સમર્પણ ન હોય તો સદ્ગુરુ પ્રત્યે એ વખતે દ્વેષ થાય.

એક વાત કહું; તમારો ‘હું’ મોટો કે સદ્ગુરુ મોટા? ગાંધીજી લંડન ગયેલા, એ વખતે ગાંધી ભક્તો પણ ઘણા જોડે હતા. એક ગાંધી ભક્તે Bertrand Russell ને પૂછ્યું; કે તમે ગાંધીજીને નજીકથી જોયા. તમને લાગતું હશે કે ગાંધીજી બહુ મોટા સંત છે. Bertrand Russell બહુ જ મોટા લેખક. સાહિત્યકાર. અને મજાના હળવા માણસ. ખરેખરો જ્ઞાની હોય ને, એ હળવો જ હોય છે. અધુરો જ્ઞાની હોય ને એ ટાઈટ થઈને ફરે. મજાના માણસ. પેલાએ પૂછ્યું, ગાંધીજી મોટા સંત છે એવું તમને લાગતું હશે. તો Bertrand Russell કહે છે, કે જરૂર. ગાંધીજીને બે નંબર ઉપર જરૂર મુકીશ. તો પેલા ગાંધી ભક્તને થયું, કે આ ક્રિશ્ચયન માણસ છે, એના ભગવાન ઇસુ ખિસ્તને પહેલાં નંબરે મુકે. અને ગાંધીજીને બીજા નંબરે મુકે, એ તો બહુ મોટી વાત થઇ ગઈ! પણ એનાથી પૂછ્યા વિના રહેવાયું નહિ. એણે કહ્યું, બીજા નંબરે ગાંધીજી, તો પહેલા નંબરે કોણ? Bertrand Russell કહે છે કે પહેલો નંબર હું મારા માટે જ રાખું છું, બીજાથી જ શરૂઆત કરું છું.

કેન્દ્રમાં તમે..! સદ્ગુરુ આ જન્મમાં નહિ, અતિતની યાત્રામાં અનંતીવાર મળ્યા. પણ ગરબડ ક્યાં થઇ? કેન્દ્રમાં તમારું હું હતું. ગુરુ પરિઘમાં રહે. પછી નિયમ એ છે કે પરિઘે કેન્દ્રને અનુસરવું પડે. તો સદ્ગુરુ મળ્યા, કેન્દ્રમાં તમારું હું બેઠેલું. એટલે ગુરુ સારા પણ કયા? મારા હું ને પંપાળે તે. સીધી વાત છે ને? ગુરુ સારા કયા? તમને પૂછવામાં આવે જાહેરમાં તમે ગમે તેમ બોલો, અને ખાનગીમાં તમને પૂછું, કે સારા ગુરુ કયા? એક જ વાત છે, મને જે સારો કહે તે સારો. તો સદ્ગુરુ તમને પંપાળે કે તમને ઠોકે?

ખામણામાં શું બોલો? ‘સારીયો, વારીયો, ચોઈઓ, પડીચોઈઓ.’ પછી શું કહ્યું; ચીયત્તામે પડીચોઈણા’ તમને વધારે ને વધારે શું ગમે? ગુરુની થપ્પડ. બોલો. ગુરુએ સ્મરણા કરી. ગુરુએ ક્યાંક ના પાડી, સ્વીકારી લીધી. ગુરુ કડક શબ્દોથી બોલ્યા, એ પણ સ્વીકારી લીધું. અને ગુરુની થપ્પડ એ પણ પ્રેમથી સ્વીકારી. પણ ચારેયમાં સૌથી વધારે ગમ્યું શું? ગુરુની થપ્પડ.. મેં તો છે ને પ્રભુની થપ્પડ ખાધેલી છે.

આપણે ત્યાં બે શબ્દ છે: અનુગ્રહ કૃપા, અને નિગ્રહ કૃપા. અનુગ્રહ કૃપા એટલે પ્રભુ આપણા અસ્તિત્વને પંપાળે, નિગ્રહ કૃપા એટલે શું? પ્રભુ આપણા અસ્તિત્વ પર જોરદાર થપ્પડ લગાવી દે. મેં પ્રભુનો પ્રેમ પણ ખુબ ખુબ ખુબ માણ્યો છે. અને પ્રભુની થપ્પડો પણ ખાધી છે. પણ પછી હું કહી શકું કે પ્રભુની એ થપ્પડ, તમાચ મીઠી મીઠી હોય છે. મારા મોઢું દેખાય છે, પ્રભુની થપ્પડ એવી મીઠી લાગે કે દુનિયામાં એવું મીઠું બીજું કોઈ હોય પણ નહિ. ખાવી છે? ખાવી છે?

એકવાર હું જુના ડીસામાં હતો ચોમાસા માટે, શ્રીસંઘે એક આયોજન કર્યું કે ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોનો એક શિબિર રાખવો. જાહેરાત થઇ, શિબિર શરૂ થવાના આગળના દિવસે પંડિતો આવવા લાગ્યા. ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોની શિબિર હતી. પણ, એમાં મુંબઈ, દિલ્લી, કોલકાતા બધે થી પંડિતો આવેલા. એટલે યશોવિજયનો અહંકાર થોડો ઉછળ્યો. કે મારું નામ કેટલું તો પ્રભાવશાળી બની ગયું! કે બોલાવ્યા છે ઉત્તર ગુજરાતના શિક્ષકોને પણ, મને સાંભળવા માટે આટલા મોટા પંડિતો આવી ગયા! પ્રભુને મારા ઉપર દયા આવી કે આ છોકરો અહંકારમાં જતો રહેશે. એક થપ્પડ લગાવું! શિબિરના આગળના દિવસ સુધી ગળું એકદમ બરોબર. જે દિવસે શિબિર હતી, સવારે ઉઠ્યો, ગળું ઠપ્પ. એવું ઠપ્પ કે અડધો ફૂટ દૂર રહેલો માણસ એને હું કંઈ કહું તો પણ એ સમજી શકે નહિ. પણ, એ પ્રભુની લપડાકને મેં enjoy કરી. મજા આવી. મારા માટે આ જરૂરી હતું. પહેલો દિવસ એમાં ગયો. પંડિતોએ પ્રવચનો કર્યા. બીજી સવારે ગળું ખુલ્લું!

તો હું કેન્દ્રમાં કે ગુરુ કેન્દ્રમાં? સદ્ગુરુને જીવનની અંદર ક્યાં સુધી લઇ જવા છે? આપણા અસ્તિત્વ સુધી. તમે પણ ગઈ કાલે અતિચારમાં બોલેલા, ગુરુવચન તહત્તિ કરી પડીવજ્યું નહી. સદ્ગુરુ કયું વચન આપે, કઈ આજ્ઞા આપે, એ સદ્ગુરુએ જોવાનું છે. તમારી તરફ તો માત્ર સ્વીકાર હોય. આજે અમારે પણ અમારા શિષ્યોને પૂછવું પડે છે, કે ભઈલા ! અહીંયા જવાનું છે ચોમાસા માટે તને ફાવશે? એ વખતે એ શિષ્યની આંખમાં આંસુ આવવા જોઈએ, કે ગુરુદેવ! તમે મને પૂછો છો કે તને આ ફાવશે? ગુરુદેવ! આપે તો આજ્ઞા કરવાની હોય! ખરેખર તમે choiceless બનો, તો સદ્ગુરુની આજ્ઞાના પાલનનો જે આનંદ છે, એને તમે enjoy કરી શકશો. નહિતર અંદર ઈચ્છા અલગ હશે, ગુરુની આજ્ઞા અલગ હશે, ગુરુની આજ્ઞા પ્રમાણે શરીર જશે, મન પેલી બાજુ રહેશે. અને એથી સદ્ગુરુની આજ્ઞાના પાલનનો આનંદ તમને નહિ મળે. ચોમાસું ઉતરે ને બે શક્યતાઓ હોય, કે ગુરુદેવ! પોતાની જોડે વૃંદમાં પોતાને લઇ જાય અથવા તો વૈયાવચ્ચની ટુકડીમાં અહીં રાખે. અને તમે તો કેવા સમર્પિત કે કાર્તિક સુધી ચૌદસની રાત સુધી તમને ખબર ન હોય કે તમારે ક્યાં જવાનું છે…! સદ્ગુરુ જાણે.. અરે ભાઈ! સદ્ગુરુ ચિંતા કરવા તૈયાર છે. તો તમે શું કરવા ચિંતા કરો છો? સોંપી દો.!

તો અનંતા જન્મોમાં પ્રભાવશાળી સદ્ગુરુઓ મળ્યાં. એક માત્ર સમર્પણના અભાવે આપણે એ સદ્ગુરુઓના આજ્ઞા સ્વીકારથી વંચિત રહ્યા. ગુરુએ પેલાને કહ્યું, ભીંત તોડી નાંખ. ભીંત તોડવા ગયો, તોડી નાંખી. હવે નવાઈની વાત તો હવે આવે છે. બીજી સવારે પાછો એ ભીંત ચણનારો સાધક ગુરુ પાસે જાય. ગુરુના ચરણોમાં વંદન કરે ભાવથી. સાહેબજી! કંઈક કાર્ય સેવા? અને ગુરુ કહે છે કે પેલી ઝુંપડી ત્યાં બનાવવાની છે, બનાવી દે. ગુરુ- સદ્ગુરુ કારણ પણ આપતાં નથી! કે ભઈલા! તે ભીંત ચણી કાલે, મેં એને તોડાવી નાંખી. એ વખતે મને થયું કે એ વચ્ચે નડશે, પણ રાત્રે મને લાગ્યું કે એના સિવાય બીજી કોઈ appropriate જગ્યા નથી, એટલે હવે ત્યાં બનાવજે; આવું પણ સદ્ગુરુ કહેવા તૈયાર નથી! સદ્ગુરુને જો કારણ આપવું પડે, તો તમારું શિષ્યત્વ તળિયે ગયું..

સદ્ગુરુ કહે છે, ઝુંપડી બનાવ. એ જ લગનથી પેલો મંડી પડે છે.! ગઈ કાલે જે ઉત્સાહ હતો, એવો જ ઉત્સાહ આજે છે. સદ્ગુરુની આજ્ઞા..! એ પાછી ખભા જેટલી ભીંત ચણાઈ. ગુરુની પાસે આવ્યો, બેઠો, બીજો એક સાધક  આવ્યો, સાહેબ! કંઈ કાર્ય-સેવા? પેલી ભીંત તોડી નાંખ! શું કરતાં હતાં ગુરુ? ગુરુ એના સમર્પણની પરીક્ષા લેતાં ન હતા. સામાન્યતયા આપણને એમ લાગે કે એનામાં સમર્પણ કેટલું છે, એની ગુરુ પરીક્ષા કરતાં હશે. એ વાત ન હતી. સદ્ગુરુ તો face reading માસ્ટર. Third aye reading ના master. સદ્ગુરુ ને તો ખ્યાલ જ છે એ ક્યાં છે? પણ આજુબાજુવાળાઓને ખબર પડે ને, તમારા જેવાઓને, એટલા માટે આ કરે.!

સદ્ગુરુ તો face reading master. Third eye reading ના master. આજ્ઞા ચક્ર જે છે ને, એની નીચે સંસાર છે. આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. સદ્ગુરુ એ આજ્ઞાચક્રને push કરે છે. દબાવે છે. મહોપાધ્યાયજીએ સ્તવનામાં એક મજાની પંક્તિ કહી, “જશ કહે સાહેબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” પ્રભુએ મારા કપાળમાં મુગતિનું તિલક કર્યું. આ મુક્તિનું તિલક એટલે શું? આજ્ઞાચક્રને push કરવાની ક્રિયા. પણ, પ્રભુ એ કામ કરતાં નથી. સદ્ગુરુ કરે છે. તો ત્યાં સદ્ગુરુ ચેતના, અને પરમચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે વર્ણવી.

સદ્ગુરુ કોણ? જેનું હૃદય totally vacant થઇ ગયું. અને એ vacancyની અંદર પરમ ચેતનાનું અવતરણ થઇ ગયું. એટલે સદ્ગુરુએ આજ્ઞાચક્રને push કર્યું છે.મહોપાધ્યાયજી કહે છે; કે પ્રભુએ મારા કપાળમાં તિલક કર્યું છે. ગુરુચેતના અને પરમચેતના ક્યારેક એકાકાર થયેલી સંઘટના છે.

આપણે ત્યાં બે શબ્દો છે: ગુરુવ્યક્તિ, ગુરુચેતના. તમે શરીરને જુઓ છો, તો ગુરુ વ્યક્તિને જુઓ છો પણ, એ ગુરુ વ્યક્તિ ભીતરથી ગુરુ વ્યક્તિ નથી, એ ભીતરથી ગુરુ ચેતના છે; અને ગુરુ ચેતનાનો મતલબ આ કે જે પરમચેતનામાં ડૂબેલ હોય. સદ્ગુરુએ પોતાના હૃદયને ખાલી કર્યું, રાગ-દ્વેષ અહંકારથી શૂન્ય બનાવ્યું, અને પરમ ચેતનાનું અવતરણ એમાં કર્યું. તમારી ભીતર પણ પ્રભુ અવતરિત થવા તૈયાર છે. જરૂર, રાગ અને દ્વેષથી તમારું હૃદય અત્યારે નિર્મળ નથી, એની પણ ચિંતા કરવાની નથી. સદ્ગુરુ તમારા હૃદયને નિર્મળ બનાવી દેશે. અમે શેના માટે બેઠા છીએ? એટલા માટે જ તો અમે બેઠા છીએ. તમને નિર્મળ કરવા માટે.! તમે નિર્મળ બહુ ઝડપથી થઇ શકો એમ છો.

એક સદ્ગુરુને જોયા, કલાપૂર્ણસૂરિ દાદા જેવા, જે પ્રભુમાં ભળેલા છે, મળેલા છે, વિલીન થઇ ગયેલા છે. એવી નિર્મળ ચેતનાને તમે જુઓ તો એ નિર્મળ ચેતના તમને ગમ્યા વગર રહે નહિ! અને એ નિર્મળ ચેતના ગમી, એટલે તમારી નિર્મળ ચેતના થવાનું પગથિયું પહેલું મંડાયું. રાગ ગમતો નથી, દ્વેષ ડંખે છે, પહેલું પગથિયું મળી ગયું.

તો સદ્ગુરુને આ રીતે જોવા છે. એમની નિર્મળ દશાને જોઈએ અને તરત જ થાય કે હું પણ આવો નિર્મળ બની શકું એમ છું. તમે આ જન્મમાં નહિ, આ જન્મમાં છેડે નહિ, અત્યારે નિર્મળ બની શકો એમ છો! But if you desire. તમે આ પામી શકો છો.! વાત આટલી જ છે; If you desire.! તમને ગમે, તીવ્ર રીતે ગમે.! હજુ બધી જ ઇચ્છાઓ બહિર્મુખી છે. સાધનાની અંદર પણ જે ઇચ્છાઓ છે, એ ઇચ્છાઓ બહિર્મુખી છે. કોઈ મને સાધક તરીકે જાણે, કોઈ મને ભક્ત તરીકે ઓળખે, આ અહંકાર અંદર બેઠેલો છે. એટલે કરીએ છીએ સાધના, પ્રાપ્ત કરવો છે અહંકાર. અહંકારથી વિલીન થવા માટેની જે સાધના હતી, એને આપણે અહંકાર ઉભો કરવા માટે કરી. એટલે જ કહ્યું કે તમારી સાધના તમારે ગુપ્ત રાખવાની. ૧૦૦મી ઓળી ચાલે છે, બે જ દ્રવ્યથી ચાલે છે. પણ તમારે કોઈને કહેવું નથી. કહેશો, એ પ્રશંસા કરશે. તમને અહંકાર આવી જશે તો?

એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના કરો, પણ એ પ્રભુને સામે રાખીને; લોકોને સામે રાખીને નહિ. જે મળ્યું છે, તમને અને અમને, અદ્ભુતથી પણ અદ્ભુત છે. આવું કદાચ કોઈને ન મળી શકે. પણ એ મળ્યા પછી શું? આટલી અમૃતમય સાધના, અને એનો ઉપયોગ આપણે અહંકારને વધારવા માટે કરવો છે! તો નિર્મલ ચેતના સદ્ગુરુની એ જોઇને શું વિચાર આવે…?

એક સાધુ ભગવંત મને મળેલા. મને કહે, સાહેબ! કલાપૂર્ણસૂરિ દાદા મુંબઈમાં તો આવ્યા નહિ, મુંબઈની બહારથી પસાર થયા, પણ સાહેબ જે રોડ પરથી પસાર થવાના એ રોડ ભરચક. દોઢથી બે લાખ માણસ સાહેબના દિદાર જોવા માટે રોડ પર ખડા થયા. પછી એ મહાત્મા મને કહે, સાહેબ! શિબિરની ગમે એટલી જાહેરાત કરીએ, ગળા તોડી-તોડીને થાકી જઈએ, તો ય ૨૦૦૦ માણસ માંડ આવે છે. મેં એમને કહ્યું, દાદાનો પ્રભાવ એ તો ઉપરની વાત છે, દાદાની નિર્મળતાને જુઓ.! અને એ નિર્મળતાને પ્રાપ્ત કરો તો તમે ચમકી ઉઠશો!

એક ભાઈ મને એકવાર કહે, કે કલાપૂર્ણસૂરિ દાદાનું મિશન કેટલું સરસ ચાલતું હતું, અને દાદા અધવચ્ચે જતાં રહ્યાં. મેં કહ્યું કે પ્રભુ જ્યારે મળ્યાં, ત્યારે દાદાનું મિશન પૂરું થઇ ગયેલું; પછી પ્રભુનું મિશન ચાલુ થઇ ગયું, કે મને જે મળે છે, એને બહારથી અને ભીતરથી એવો ચમકાવું છું, એ જોઈ લો.! પછી કલાપૂર્ણસૂરિ દાદા પ્રભુનું સેમ્પલ હતાં.

તો આટલા બધા સદ્ગુરુઓને જોયા, નિર્મલ ચેતનાથી યુક્ત, સ્વાનુભૂતિ સંપન્ન સદ્ગુરુઓને જોયાં, જોયા પછી શું થયું? સાહેબ તો બહુ મોટા છે, ગાડીઓની લાઈનની લાઈન લાગે છે. અને ગાડીઓની લાઈન લાગે એના માટે ગુરુ નથી બન્યા. ગુરુની ઈચ્છા એક જ છે તમે નિર્મળ બનો.

ગુરુએ પેલાને બીજીવાર કહ્યું, તોડી નાંખ! તોડી નાંખી પેલાએ! અને છતાં એને કંઈ થતું નથી.! કેમ? ગુરુની આજ્ઞાને એ સમર્પિત હતો. તો સમર્પિત થયા તો દોષમુક્ત થઇ ગયા. બોલો કેટલો easiest way છે! સરળમાં સરળ.! હું ઘણીવાર કહું, it is so easy…. It is easy નહિ, it is sooo easy… બહુ સરળ છે. એક વાર અનુભવ કરો, એ અનુભવની યાત્રા ઉપર ચાલો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *