Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 16

54 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિર્મળ હૃદયની પ્રાપ્તિ

નિર્મળ ચેતનાના સાંન્નિધ્યમાં તમને રહેવાનું મળે, ત્યારે એ નિર્મળ ચેતનાના પ્રભાવને જોશો? કે એના સ્વભાવને જોશો? મહારાજ સાહેબ પાસે તો ભક્તોની ગાડીઓની લાઈનો લાગી છે – સદ્ગુરુનો આવો બાહરી પ્રભાવ તમે જોશો? કે સદ્ગુરુનો સ્વભાવ જોશો? સદ્ગુરુ પાસે ગયા પછી એક જ ઈચ્છા હોય કે ગુરુદેવ! આપે આપના હૃદયને નિર્મળ બનાવી દીધું છે; મારા હૃદયને પણ નિર્મળ બનાવી આપો.

જ્ઞાન, દર્શન આદિ ગુણો એ આપણી ભીતર તાદાત્મ્ય સંબંધે રહેલા છે. રાગ અને દ્વેષ માત્ર સંયોગ સંબંધે રહ્યા છે. નિમિત્ત મળ્યું, ગુસ્સો આવી પણ ગયો; એ ગુસ્સાને જોઈ લો અને તરત એને delete કરી દો. એ નિમિત્તની અસર તમારા મનમાંથી તરત જ ભૂંસાઈ જાય.

મારી દ્રષ્ટિએ આ જન્મનું આપણું બધાનું કોઈ કાર્ય હોય તો એ એક જ છે: નિર્મળ હૃદયની પ્રાપ્તિ. તમે જો સમર્પિત છો, તો તમે સદ્ગુરુને challenge આપી શકો કે સાહેબ! મારામાં આવો રાગ કે આવો દ્વેષ હોય, તો શરમાવવાનું મારે કે તમારે?! જે ક્ષણે તમે સમર્પિત થયા, બધી જ જવાબદારી સદ્ગુરુની છે.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૧૬

પાંચ ચરણોવાળી પ્રભુની મજાની સાધના.

પહેલું ચરણ – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ. દેરાસરે ગયા, રૂપ પરમાત્માના સાનિધ્યમાં આપણે હોઈએ. પ્રવચન શ્રવણ કરીએ અથવા સ્વાધ્યાય કરીએ, આપણે શબ્દ પરમાત્માના સાનિધ્યમાં હોઈએ છીએ. વેશ પરમાત્મા તો અહીં દેખાઈ રહ્યો છે. અને તમે બધા અનુષ્ઠાન પરમાત્મા છો.

ચિદાનંદજી મહારાજે શબ્દ પરમાત્માના વૈભવની વાત કરી. એમણે એક મજાની પદ્ધતિ આપી: “રહત વિકાર સ્વરૂપ નિહારી” એ કહે છે કે તારી અંદર ઉઠતાં વિકારોને / વિભાવોને તું જો! જે ક્ષણે તમે રાગને જોશો, જે ક્ષણે તમે દ્વેષને જોશો; રાગ અને દ્વેષ દ્રશ્ય બની ગયા; તમે દ્રષ્ટા બની ગયા, બંને અલગ થઇ ગયા! એટલે રાગ સાથેનો તમારો સંબંધ માત્ર સંયોગ સંબંધ છે; તાદાત્મ્ય સંબંધ નથી.

જ્ઞાન, દર્શન આદિ ગુણો એ આપણી ભીતર તાદાત્મ્ય સંબંધે રહેલા છે. રાગ અને દ્વેષ માત્ર સંયોગ સંબંધે રહ્યા છે. જ્યાં કર્મ શિથિલ બન્યું, રાગ અને દ્વેષ ઉચાળા ભરીને ચાલવા લાગશે.. ક્રોધ છે, અને વારંવાર આવે છે, એ જોઈ લો, અને જોયા પછી સદ્ગુરુની પાસે આવો, અને સદ્ગુરુને કહો, કે ગુરુદેવ! મારી ભીતર આ દ્વેષ હોય એ ચાલી શકે ખરું?

મેં પહેલાં પણ કહેલું કે તમે લોકો સદ્ગુરુને ચેલેન્જ આપી શકો કે સાહેબ! મારામાં આવો રાગ કે આવો દ્વેષ હોય તો શરમાવવાનું મારે કે તમારે? તમે જો સમર્પિત છો, અને તમારી ભીતર રાગ અને દ્વેષ વારંવાર ઉછળે છે, તો જવાબદારી અમારી છે. તમારી પાસે માત્ર એક સમર્પણની જરૂરિયાત છે. જે ક્ષણે તમે સમર્પિત થયા બધી જ જવાબદારી અમારી.

ચોથા પંચસુત્રમાં પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મહારાજે કહ્યું, “આયઓ ગુરુબહુમાણો” શિષ્ય પૂછે છે કે મને મોક્ષ ક્યારે મળશે? મારો મોક્ષ ક્યારે? સદ્ગુરુ કહે છે, કે તું ગુરુની ભક્તિ કરે છે, એ તારી ગુરુની ભક્તિ તને મોક્ષ સુધી પહોંચાડશે. એક સમર્પણ, અને પછી You have not to do anything absolutely. બીજું કાંઈ જ તમારે કરવું નથી.

બહુ જ પ્યારી આપણી પરંપરાની કથા છે, મૃગાવતીજી રાજરાણી હતા. પરમાત્માના વચનોથી પ્રતિબુદ્ધ થઈને એમણે દીક્ષા સ્વીકાર કરી. આર્યા ચંદનાજીના એ શિષ્યા હતા. એકવારની બહુ જ મજાની ઘટના છે. પ્રભુનું સમવસરણ ત્યાં જ હતું, જ્યાં આર્યા ચંદનાજીનો મુકામ હતો. પ્રભુનું સમવસરણ, પ્રભુની દેશના…! મેં એકવાર તમને પૂછેલું, કે સમવસરણમાં ગયેલા છો? યાદ આવે છે કાંઈ? હું અને તમે આપણે બધા જ સમવસરણમાં જઈને આવ્યા છીએ. એ પ્રભુનું અદ્ભુત રૂપ! એ પ્રભુના અનુપમ શબ્દો! જીવન ધન્ય ધન્ય બની જાય!

મૃગાવતીજી પ્રભુની દેશનામાં. પ્રભુની દેશના ચાલતી હોય, સમયનો ખ્યાલ ક્યાંથી રહે ! એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો; જાણે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ…  સમવસરણમાંથી ઉપાશ્રય આવતાં સહેજ મોડું થઇ ગયું, અંધારું થઇ ગયું. ઉપાશ્રયમાં જઈને પહેલું જ કામ શું કરવાનું હોય? દાંડા વિગેરેને યથાસ્થાને મુકીને પછીનું કામ શું? સદ્ગુરુના ચરણો પર મસ્તકને ટેકવવું. બહારથી આવેલો શિષ્ય કે શિષ્યા અને એમાં પણ સહેજ અતિચાર દોષ સેવાઈ ગયેલો હોય, તો એ શિષ્ય અને એ શિષ્યા સૌથી પહેલાં આવીને સદ્ગુરુના ચરણો પર પોતાનું મસ્તક ટેકવે. સદ્ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જા શિષ્યને-શિષ્યાને purify બનાવે. સદ્ગુરુનું ચરણ સ્પર્શ અને ચરણ સ્પર્શ ન મળે, દૂરથી એમની ઉર્જાનો સ્પર્શ આપણા જનમ-જનમનાં પાપને નષ્ટ કરી નાંખે.!

ગઈ કાલે જ મેં કહેલું કે નિર્મલ ચેતનાના સાનિધ્યમાં તમને રહેવાનું મળે, ત્યારે એ નિર્મલ ચેતનાના પ્રભાવને જોશો કે સ્વભાવને જોશો? શું મોટા મ.સા. છે ! ગાડીઓની તો લાઈનની લાઈન લાગી છે! સદ્ગુરુનો આ બહારી પ્રભાવ તમે જોશો..? કે સદ્ગુરુનો સ્વભાવ જોશો? એ સદ્ગુરુ પાસે ગયા પછી એક જ ઈચ્છા હોય, કે ગુરુદેવ! આપે આપના હૃદયને નિર્મલ બનાવી નાંખ્યું છે, બસ મારી એક જ ઈચ્છા છે, મારા હૃદયને નિર્મલ બનાવી આપો.

મારી દ્રષ્ટિએ આ જન્મનું આપણું બધાનું કાર્ય હોય તો એક જ છે, નિર્મલ હૃદયની પ્રાપ્તિ. નિમિત્ત મળ્યું, ગુસ્સો આવી પણ ગયો; ખ્યાલ આવ્યો, તરત એ ગુસ્સાને delete કરી દીધો. એ નિમિત્તની અસર તમારા મનમાંથી તરત જ ભૂંસાઈ જાય. બોલો, ગુસ્સો આવે છે, ખટકે છે? ડંખે છે?

એક ભાઈ સદ્ગુરુ પાસે ગયેલા, કે ગુરુદેવ મને ગુસ્સો બહુ આવે છે. મારા ગુસ્સાને ખતમ કરવા માટે તમે શું કરવાના? સદ્ગુરુ… એમણે જોયું, અને ઉપાય બતાવ્યો કે એક કામ તું કરી શકે? સાહેબ! બોલો. ગુસ્સાથી હું કંટાળી ગયો છું. તમે કહો તે કરવા તૈયાર છું. ત્યારે ગુરુએ કહ્યું, કે જેના ઉપર તને ગુસ્સો આવે એને તારે ૧૦૦ રૂપિયા આપવાના. જેના ઉપર તને ગુસ્સો આવે, તારે એને ૧૦૦ રૂપિયાની નોટ પકડાઈ દેવાની. ખરેખર ડંખ હતો અને એટલે નિયમ લીધો એણે. ઉપાશ્રયની બહાર ગયો, માર્કેટમાં જવું હતું, ટેક્ષી પકડી, ટેક્ષીવાળાને કહ્યું, અહીંયા જવું છે. ટેક્ષીવાળાને લાગ્યું, કે આ શેઠ મુંબઈના લાગતા નથી. બહારના ક્યાંકના લાગે છે. તો ટેક્ષીને ઘુમાવી નાંખીએ આપણે. એટલે થોડું આપણને બિલ વધારે મળે. એણે ઉંધી દિશામાં ટેક્ષીને વાળી. પેલા ભાઈ તો મુંબઈના જ હતા. ખબર પડી ગઈ, ગુસ્સો આવી ગયો. એય, શું કરે છે? જવાનું છે આમ, ટેક્ષી આમ ઘુમાવે છે? પેલો સમજી ગયો કે શેઠ મુંબઇના છે. ટેક્ષી સાચા રસ્તે વાળી. ટેક્ષીમાંથી નીચે ઉતર્યા. ૫૬ રૂપિયાનું બિલ થયેલું, શેઠને નિયમ યાદ આવ્યો, શેઠે ૧૫૬ રૂપિયા એને આપ્યાં. પેલો ડ્રાઈવરે કહે, સાહેબ! 56 rupees, ૫૬ રૂપિયા મારું બિલ છે. આ ૧૫૬ કેમ આપ્યા? તો કહે, ભાઈ ગુરુ મહારાજે મને નિયમ આપ્યો છે, કે જેના ઉપર હું ગુસ્સે થાઉં એને ૧૦૦ રૂપિયા મારે આપવાનાં. એટલે ટેક્ષીવાળાને થયું કે આવા શેઠ તો બહુ સારા. સાહેબ! આવતી કાલે ટેક્ષી લઈને ક્યાં આવું? સદ્ગુરુએ શું કર્યું? ક્રોધની સામે લોભને ટકરાવ્યો. તમે નિયમ લો, કે ગુસ્સો આવશે દસ ખમાસમણ દઈ દઈશું, પછી હિસાબ કરો, પાંચવાર ગુસ્સો આવ્યો, ચાલો પચાસ ખમાસમણ દઈ દો. પણ, પેલામાં તો એક-એક જણ પર ગુસ્સે થાવ. ૧૦૦ ની નોટ સીધી કાઢો. આ નિયમ ગમી ગયો, સાચું કહેજો? આ નિયમ ગમી ગયો? જેના ઉપર ગુસ્સો આવે, એને ૧૦૦ની નોટ પકડાવી દેવાની. એ ઘાટી હોય તમારો, રસોઈયો હોય, કે દુકાનનો મુનીમ હોય..

મૃગાવતીજી સીધા જ ગુરુણીજી ચંદનાના ચરણોમાં પડ્યા. ગુરુ એમના મસ્તકને પંપાળે છે. ગુરુનો પ્રેમ ક્યારેય જોયો છે? માણ્યો છે? સદ્ગુરુનો પ્રેમ આજના યુગમાં બહુ મોટા યોગી થયેલા યોગાનંદજી. એ યોગાનંદજી નાના હતા, ૧૮-૧૯ વર્ષના. અને એમને એમના ગુરુ – કુલગુરુ – કુટુંબના ગુરુ મુક્તિશ્વરગિરિ પાસે મુકવામાં આવ્યા. યોગાનંદજી નાનપણથી જ એકદમ talented. સદ્ગુરુના ચરણોમાં બેઠા. સદ્ગુરુ પ્રેમથી એમને ભણાવે છે. તમે જ્યારે સદ્ગુરુના ચરણોમાં જાવ છો, ત્યારે તમારે કશું જ નક્કી કરવાનું હોતું નથી. તમને એ ભણાવે, ન ભણાવે, વૈયાવચ્ચના કામો સોંપે, સદ્ગુરુ જે કહે એ તમારે કરવાનું હોય છે. તમારે કાંઈ જ વિચારવાનું હોતું નથી. પણ યોગાનંદજી તમારા બધાના જેવા talented. હોશિયાર. બહુ હોશિયારનું અહીંયા કામ નહિ હો..! અહીંયા તો જ્ઞાન ઓછું હોય તો ચાલે; સમર્પણ જોઈએ..

એક ડોક્ટર S.S.C થાય, 12th માં જાય, M.B.B.S થાય, પછી એના વિષયનો નિષ્ણાંત બને. ૨૦ વર્ષ સુધી એ અભ્યાસમાં કાઢે. પછી ૧૦-૧૫ વરસ એના અનુભવના થયેલા હોય. ૩૫ વર્ષના એ ડોક્ટર પાસે તમે જાવ, તમને એના ૩૫ વરસના જ્ઞાનનો તરત જ લાભ થઇ જશે. તમારે એક પણ મેડીકલ બુલેટિંગ વાંચવા જવાનું નથી. પણ એ ડોક્ટરે જે જ્ઞાન મેળવ્યું છે, એ બધું જ તમને આપી દેશે. એટલે સમર્પણ જો હોય તો જ્ઞાનનો કોઈ વાંધો જ નથી. હોસ્પિટલમાં તમે જાવ છો, એડમીટ થાવ છો. પછી ત્યાંના તંત્રને તમે આધીન થઇ જાવ છો. ડોકટર કહે તેમ ખાવાનું. ડોકટર કહે તેવી રીતે લાઈફ જીવવાની. એ સમર્પણ તમારી પાસે છે. તો ડોકટરનું જ્ઞાન તમને મળી જાય. પણ, સમર્પણ તમારી પાસે ન હોય તો? ડોકટરે કહ્યું, ડાયાબીટીસ છે, બહુ જ વધી ગયેલું છે. અત્યારે દવાથી થોડું ઓછું કર્યું છે. આ દવાઓ રોજ લેવાની ઘરે ગયા પછી, અને મીઠાઈને અડકવાનું નહિ, તળેલાની સામે જોવાનું નહિ, માત્ર રોટલી-શાક ખાવાનાં. પેલો ઘરે આવે, અને સીધો જ જલેબી અને ફાફડા ઉપર મારો ચલાવે, તો ડોકટર શું કહે? ડોકટરનું જ્ઞાન, પણ તમારું સમર્પણ હોય તો.

યોગાનંદજીને લાગ્યું કે ગુરુ મને ધીમે ધીમે ભણાવે છે. અને આટલી ધીમી સ્પીડથી ભણાવે તો યોગના શિખર ઉપર હું ક્યારે પહોંચું? એટલે એક રાત્રે ત્યાંથી નીકળી ગયા. બીજા ગુરુના આશ્રમે, ત્યાં પણ મજા ન આવી, ત્રીજા ગુરુના આશ્રમે, બે મહિનામાં સાત ગુરુ ફેરવી નાંખ્યા.. છેવટે લાગ્યું કે મારા ગુરુ જ બરોબર હતાં. એક રાત્રે ચુપચાપ પોતાના ગુરુના આશ્રમમાં આવી ગયાં. અને સવારે ગુરુના ચરણોમાં. ગુરુ એ જ પ્યાર ભરી નજરોથી એને જોવે છે! અને જ્યાંથી એનો પાઠ બાકી હતો, ત્યાંથી શરૂ કરાવી દે છે. યોગાનંદજી ને થયું કે ગુરુ આજે લડ્યા નથી, પણ આવતી કાલે તો જરૂર લડશે. બીજો દિવસ થયો, એ જ પ્રેમ! ત્રીજો દિવસ થયો અને એ જ પ્રેમ! અને એ વખતે યોગાનંદજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.! કે ગુરુદેવ! સંયમી જીવનમાં સદ્ગુરુના ચરણોનો સ્વીકાર એ મહત્વની વસ્તુ છે, હું તમારા ચરણોને છોડીને ભાગી ગયેલો, તમે મને લડતાં કેમ નથી? અને એ વખતે સદ્ગુરુએ કહ્યું, કે બેટા! ગુરુના પ્રેમની નદીને કિનારો હોતો નથી.. સદ્ગુરુનો આ પ્રેમ…

ચંદનાજીએ માથે હાથ ફેરવ્યો, અને પછી ઝાડ્યા, મૃગાવતીજીને, જાહેરમાં.. તમારા જેવી ખાનદાન સાધ્વી આટલી મોડી રાત્રે ઉપાશ્રયમાં આવે! આ તમને શોભે છે? આ ચાલી શકે ખરું? મૃગાવતીજીને એ સાંભળતા એટલો બધો આનંદ થાય છે કે સદ્ગુરુ પળે પળે મારું યોગ અને ક્ષેમ કેવું કરે છે.!

ભગવદ્દગીતામાં બે વાક્ય કહ્યું છે; એક છે અર્જુનનું, એક છે શ્રીકૃષ્ણનું. અને આ બે વચનોમાં આખી ગીતા પુરી થઇ જાય છે. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે; “करिष्ये वचनं तव” પ્રભુ તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. અને શ્રી કૃષ્ણ કહે છે; “योगक्षेमं वहाम्यहम्” પળે પળે તારી care હું લઈશ.

ભગવદ્દગીતાના બે પાત્રો: શ્રીકૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ ગુરુ પદે છે. અર્જુન શિષ્ય છે. કૃષ્ણ, કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે. તો તમારા conscious mind ને જે ખેંચી લે, એ ગુરુ. હું નબળો પુરવાર થયો કેમ? તમારા conscious mind ને તમે આપ્યા નથી, અને મેં હજી છીનવી પણ લીધા નથી. સદ્ગુરુ પાસે એક એવી મોહકતા હોય છે- સંમોહન..! કે તમે એમના સંમોહનમાં જાવ, અને બીજું બધું છોડી દો! conscious mind નહિ, જે પણ તમારું છે, એ બધું જ તમે છોડવા તૈયાર થઇ જાવ. સદ્ગુરુના સંમોહનને કારણે..! પરમાત્માનું સંમોહન અને સદ્ગુરુનું સંમોહન. એ સંમોહન તમને મળી ગયું, બેડો પાર..

તો શ્રી કૃષ્ણ તમારા conscious mind ને પૂરું ખેંચી લે. અને અર્જુન, ઋજુ શબ્દ ઉપરથી અર્જુન શબ્દ બન્યો, જે એકદમ સરળ છે; Crystal clean hearted, એ શિષ્ય છે. શિષ્યનું હૃદય સ્ફટિકની દીવાલથી જડેલું છે, એથી અંદર કોઈ પણ હિલચાલ થાય એને સદ્ગુરુ જોઈ શકે. અર્જુન જે ઋજુ ઋજુ છે, સદ્ગુરુને સમર્પિત છે. અર્જુન જે ઋજુ છે, સદ્ગુરુને સમર્પિત છે.

મૃગાવતીજીને કેટલો તો આનંદ થયો છે, કે આવા સદ્ગુરુ મને મળ્યા.! તમને પણ આવા જ ગમે છે ને? હું તો હસતાં મોઢાવાળો છું, અને હસતું મોઢું જ કાયમ રહેવાનું છે. પણ એ હસતાં મોઢાના સંમોહનમાં આવો તો પણ મને વાંધો નથી. યશોવિજયના સંમોહનમાં મારે એક પણ વ્યક્તિને લાવવી નથી. પણ, ગુરુચેતનાના સંમોહનમાં તમે બધા જ હોવ એવું હું ઈચ્છું છું.

સંસારનો સંમોહન, રાગ અને દ્વેષનો સંમોહન અનંત જન્મોથી ચાલે છે. એ સંમોહનમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? પ્રભુનું અને ગુરુનું સંમોહન. અમે લોકો આ માર્ગ ઉપર કઈ રીતે આવ્યા? પ્રભુના સંમોહનથી. પ્રભુને જોયા, પ્રભુની આજ્ઞાને જોઈ. એટલો બધો પ્રેમ ઉપજ્યો.. થયું કે આના સિવાય દુનિયામાં બીજું કાંઈ જ કરવા જેવું નથી.. સંસાર છૂટી ગયો! છોડવો ન પડ્યો! મારી પાસે મુમુક્ષુઓ ઘણા બધા હોય. હું એ બધાને કહું કે સંસારને છોડવાની પળોજણમાં પડતો નહિ. નહિતર છોડનારો પાછો બાકી રહી જશે! મેં છોડ્યું આટલું….!

એક હિંદુ ભાઈ હતા. કરોડોપતિ. એકલા. પત્ની expired થયેલી. સંતાન પણ ન હતું. કરોડો રૂપિયા છોડી અને સંન્યાસ લઇ લીધો. સંન્યાસ લીધો, સરસ રીતે આચરણા પાળે, પણ ક્યારે પણ પાંચ જણાને પણ સંબોધિત કરવાના હોય ત્યારે એક જ વાત આવે. શું તમે સંસારમાં પડ્યા છો.! આ કરોડો રૂપિયા હતાં, અને બધું છોડીને નીકળી ગયા. એમ કરતાં કરતાં એકવાર એક જ્ઞાની પુરુષ મળ્યા. આ પણ હોશિયાર છે, જ્ઞાની પુરુષ પાસે કેમ બોલાય એનો એને ખ્યાલ છે. તો ચરણોમાં પડીને એને કહ્યું, કે ગુરુદેવ! શું આપની કૃપા! આપની કૃપા ઉતરી, કરોડો રૂપિયા હતાં, બધા છોડીને હું નીકળી ગયો.. તો જ્ઞાની પુરુષ કહે છે, શું કરેલું? અરે સાહેબ! એક મારી લાત, કરોડોને રૂપિયાને, સંપત્તિને અને સંન્યાસી થઇ ગયો. પેલા ગુરુએ ધીરેથી કહ્યું; લાત તો મારી હતી તે, પણ બરોબર લાત વાગી ન હતી. એટલે કરોડ રૂપિયા પાછળ ને પાછળ ચાલ્યા આવે છે! છોડ્યા તો છોડ્યા! છૂટી ગયા..કાંકરા જ હતા, અને કાંકરાને ફેંકી દીધા, એમાં કોઈ સંખ્યા ગણવાની હોય?! કે આટલા કાંકરા મેં ફેંક્યા!

મૃગાવતીજી ધ્રુસકે ધ્રુસકે રડે છે. એક સમર્પણ.! નથી બુદ્ધિ.. નથી અહંકાર.. બુદ્ધિ હોત, આપણી જેમ.. તો તરત જ કહે, પણ મારો શું અપરાધ આમાં? પ્રભુની દેશના ચાલતી હતી અને એ દિવસે સૂર્ય, ચંદ્ર મૂળવિમાને આવેલાં, ઝળહળાહળ રોશની હતી, મારી પાસે થોડી ઘડિયાળ હતી, મને ખબર પડે? આમાં મારો અપરાધ શું, એ મને કહો? અને ક્યારેક રંગાયેલા હાથે પકડાઈ જઈએ, અને ગુરુ આપણને કહે, તો પણ કહીએ મને ખાનગીમાં કહો, તમારે કહેવું હોય તો, જાહેરમાં નહિ. આ અહંકાર.. મૃગાવતીજી પાસે બુદ્ધિ અને અહંકાર ન હતો. માટે કેવલજ્ઞાન એમને મળી ગયું. મારું અને તમારું કેવલજ્ઞાન કેમ રોકાઈ ગયું? માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે.. બુદ્ધિ અને અહંકાર ફેંકાઈ જાય, સમર્પણ આવી જાય, બસ, મજા જ મજા.

તો ક્રોધ છે, નિમિત્ત મળતાં ગુસ્સો આવે પણ છે, પણ એ ગુસ્સો ખટક્યો? ખટક્યો તો ૧૦૦ ની નોટનો નિયમ આપી દઉં. જેને ગુસ્સો ખટક્યો હોય ને એ મારી પાસે આવજો ઉપાશ્રયમાં. સરસ રસ્તો બતાવીશ. સદ્ગુરુનું કામ જ એ છે, તમને દોષમુક્ત બનાવવા. કારણ મેં પહેલાં કહ્યું, નિર્મલ હૃદયની પ્રાપ્તિ એ જ આપણા આ જન્મનું અંતિમ ધ્યેય છે. એવું નિર્મળ હૃદય કે જેમાં રાગ-દ્વેષ આવે અને જતાં રહે. આવે અને જતાં રહે. થોડો ટાઈમ પણ ટકે નહિ. એવું નિર્મલ હૃદય આપણને જોઈએ છે.

અને સંતોની પાસે, સદ્ગુરુઓની પાસે, આપણે જ્યારે જઈએ છીએ ત્યારે શું જોઈએ છીએ? તમે શું જોવો? અમારી પાસે આવો. અમે લોકો એકદમ હસતાં હોઈએ. પ્રસન્ન. અરે અમારા કોઈ પણ મુનિ પાસે આવો, પ્રસન્ન જ હોય. તો તમે એ પ્રસન્નતાને જોઈ? કે સાહેબ આટલા નિશ્ચિત કેમ છે? પ્રસન્ન કેમ છે? આ બધા શિષ્યો અને બધી શિષ્યાઓ નિશ્ચિત. કેમ? કાલે શું કરવું? ગુરુ જાણે. કોઈ ચિંતા તમારા માટે નહિ, અને મારા જેવો ગુરુ હોય તો પણ હું નિશ્ચિત. બધું પ્રભુને ભળાવી દઉં. મારે ક્યાંય કરવું નથી. પ્રભુ બધું કરે.

સાધનામાર્ગમાં એક પણ ડગ આપણે ભરીએ એ પ્રભુની કૃપાથી, સદ્ગુરુની કૃપાથી ભરાય છે. એ પ્રભુ અને એ સદ્ગુરુ આપણને મળ્યા છે, આપણે એમના સંમોહનમાં આવીએ, અને સંમોહનમાં આવીને સંસારના મોહને તિલાંજલિ આપી, પ્રભુની આજ્ઞાની ધારામાં આગળ વધીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *