વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સર્વસ્વીકાર
૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી પ્રભુની સાધનાનો નીચોડ એક શબ્દમાં આપવો હોય, તો એ એક શબ્દ છે સર્વસ્વીકાર. આ એક શબ્દ પ્રભુની સંપૂર્ણ સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. જે પણ ઘટના ઘટે એનો સ્વીકાર. પછી ન કોઈ ઘટનાથી રતિભાવ થાય કે ન કોઈ ઘટનાથી પીડા થાય.
કોઈ ઘટના ઘટી ગઈ, તો ઘટી ગઈ! એ ઘટના એ ક્ષણે ઘટવાની જ હતી; ઘટી ગઈ. હવે એ ઘટનાને યાદ કરીને પીડિત થવાનો શો અર્થ? તમે ગમે તેટલા વિચારો કરો, ઘટના આમથી આમ બદલાવાની છે ખરી? જે ઘટના ઘટી ગઈ એને ફરીથી તમે જુદી રીતે ઘટાવી શકવાના નથી. માટે કોઇ પણ ઘટના ઘટે, ત્યાં એક જ ઉપાય છે: સ્વીકાર.
કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર એ તીર્થંકર પ્રભુની તમે કરેલી આશાતના છે અને બધા જ જીવોને તમે પ્રેમ આપો, ચાહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા છે. થોડા આગળ જઈએ – શુદ્ધની ધારામાં – તો સ્વને છોડીને પરમાં તમે જાવ, તમારી ચેતના પરમાં હોય, એ તમે કરેલી પ્રભુની આશાતના છે. અને તમે તમારામાં રહો, સ્વરૂપમાં રહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૧૭
પાંચ ચરણોવાળી પ્રભુની મજાની સાધના.
પહેલું ચરણ આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ. મને પોતાને અહોભાવ પર ઘણી શ્રદ્ધા છે. એક તમારો અહોભાવ, એક તમારી શ્રદ્ધા તમને પ્રભુની સાધનાના હાર્દ સુધી પહોંચાડી આપશે. અહોભાવ શુભની ધારા છે. પણ, એ શુભની ધારા દ્વારા આપણે શુદ્ધમાં જવું છે. તો, starting point અહોભાવ.
મને એક ઘટના યાદ આવે. ડીસાની બાજુમાં આર્ખી નામના ગામમાં મારું ચાતુર્માસ નક્કી થયેલું, કદાચ એ ગામમાં ૧૦૦-૧૫૦ વર્ષ સુધી કોઈ પણ મહાત્માનું ચાતુર્માસ થયેલું નહિ. એટલે લોકોમાં ખુબ જ ઉલ્લાસ હતો. મુંબઈ અને દિલ્લી રહેનારા લોકોએ કારોબારને સમેટીને, કારોબારને આમ-તેમ કરીને પણ આર્ખીમાં ચાર મહિના રોકાવાનું નક્કી કર્યું. ચાતુર્માસ પ્રવેશ થઇ ગયો. પ્રવેશના બીજા દિવસે એક શ્રાવિકા માતા મારી પાસે આવ્યા. મને ખ્યાલ હતો; એ મુંબઈથી આવેલા. મુંબઈમાં ઘરે નાનકડી દીકરી હતી. પતિ ઓફિસે જાય. વંદન જ ઘર ઘાટીઓને અને નોકર-ચાકરને સોંપીને એ બહેન ભક્તિ માટે આરખી આવેલા. મારી પાસે આવ્યા. ૧૫ પણ પૂરું કરી શક્યા નહી! આંખમાં આંસુ, ગળે ડુસકાં. મેં પૂછ્યું, શું થયું? થોડી વારે ડુસકાં સમ્યા, એમણે કહ્યું સાહેબ! હમણાં જ ટેક્ષી લઈને અમદાવાદ જાઉં છું. અને ત્યાંથી flight પકડીને મુંબઈ જાઉં છું. મેં પૂછ્યું, શું થયું? મારા મનમાં એમ કે સંઘની કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ માથાકૂટ થઇ હશે. મેં પૂછ્યું, આટલા ઉલ્લાસથી તમે ચાતુર્માસ માટે આવેલા, જાઓ છો કેમ? મને કહે, સાહેબ! આપને ખ્યાલ છે, મુંબઈમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં મહાત્માઓનો યોગ નથી. એટલે મને એ જ વિચાર આવેલો, કે મારા ગામની અંદર આચાર્ય ભગવંતનું ચાતુર્માસ ૨૫-૩૦ ઠાણા જોડે છે, તો મને પુરતો લાભ મળે. પણ આજે મને ખ્યાલ આવ્યો કે તમે લોકો તો નક્કી કરો છો, કે એક મહાત્મા આ ગલીમાં જાય, બીજા આ ગલીમાં જાય, મને તો એ પાલવે નહિ. એ બહેને કહ્યું, સાહેબ! આપ આચાર્ય ભગવંત છો. આપ જો આજ્ઞા કરી શકતા હોવ, કે જેટલા પણ મહાત્મા સાધુ-સાધ્વીજી વહોરવા માટે નીકળે, એ મારે ત્યાં આવે જ. આટલું આપ આજ્ઞાપૂર્વક કહી શકતા હોવ તો હું રહું, બાકી મારે રહેવું નથી. કેવી એ ભાવના…! મેં કહ્યું, આજે જ બધા સાધુ- સાધ્વીઓને order કરી દઈશ કે બીજી જે પણ ગલીમાં જવું હોય એ ગલીમાં જાવ, પણ તમારા ત્યાં તો આવે જ. મેં સાધુ-સાધ્વીઓને કહ્યું, કે એ બેનની આટલી બધી ભાવના છે. તમારે દરેકે જેટલા પણ વહોરવા જાય એ બધાએ, એમના ઘરે લાભ આપવાનો. કેટલું લેવું, કેટલું ન લેવું એ આપણા વિવેકની વાત છે. પણ એમના ત્યાં પગલાં તો બધાએ કરવાના. બે દિવસ પછી એ બેન આવ્યાં, ચહેરા પર આનંદ હતો, કે સાહેબ હવે બસ, હવે મને પુરતો લાભ મળે છે. પછી એ બેને માસક્ષમણ શરૂ કર્યું. માસક્ષમણમાં પણ ત્રણેય time વહોરાવવાની ભક્તિ પોતે જ કરવાની. પછી તો સંબંધીઓ આવ્યાં, સગાં-વહાલાંઓ આવ્યાં, ઘર આખું ભરાઈ ગયું, પણ એક જ વાત, આ વહોરાવવાનો જે લાભ છે, એ તો હું જ લઈશ. લાગે કે શું પ્રભુનું શાસન છે! કેવું પભુનું શાસન રગ-રગમાં પરિણમ્યું હશે, કે આ વાતો આવી શકે.
તો અહોભાવ એ સાધનાનું પ્રારંભ બિંદુ છે. અહોભાવ અનુષ્ઠાન પરમાત્મા ઉપર, વેશ પરમાત્મા પર આપણને આવે. એ અનુષ્ઠાન પરમાત્મા અને વેશ પરમાત્માનું લક્ષ્ય એક જ છે; પ્રભુએ કહ્યું છે એવી રીતે આરાધના કરવી.
કલ્પસૂત્ર સામાચારીમાં એક સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રભુ તમે આરાધક કોને કહો છો? હું એમ માની લઉં કે હું આરાધક છું, એ વાત તો બરોબર નથી. તમે મારી આરાધનાને પ્રભુ સર્ટીફાઇ કરો છો? રામાયણની એક સરસ ઘટના છે; હનુમાનજી રામચંદ્રજીને પૂછે છે; કે પ્રભુ ! આખી દુનિયા મને તમારા ભક્ત તરીકે સમજે છે, પણ ખરેખર હું તમારો ભક્ત છું? અને તમારા ભક્ત હોવા માટે શું સજ્જતા હોવી જોઈએ? ત્યારે રામચંદ્રજીએ જે કહ્યું, એને તુલસીદાસજી રામચરિત માનસમાં લઇ આવે. તુલસીદાસજી કહે છે કે પરમાત્મા ને જોતાં તમારી આંખોમાં આંસુ આવે, પરમાત્માનું દર્શન કરતાં તમારો રોમ-રોમ ખીલી ઉઠે, પરમાત્માનું દર્શન કરતાં તમારે ગળે ડુસકાં બાઝે રહે, તો તમે પ્રભુના ભક્ત છો!
તો કલ્પસૂત્રમાં પ્રભુને પૂછ્યું, કે પ્રભુ ! હું તમારો આરાધક છું કે નહિ? એ વખતે પ્રભુએ કહ્યું; “जो उवसमइ तस्स अत्थि आराहणा, जो ण उवसमइ तस्स णत्थि आराहणा” જે ક્ષમા માંગી શકે છે, અને ક્ષમા આપી શકે છે એ મારો આરાધક છે; એની આરાધનાને હું સર્ટીફાઇ કરું છું.
આ જ વાતને આપણા યુગમાં સાધના મનીષી પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકર વિજય મ.સા. પોતાના લયમાં લઈને આવ્યા. એમણે કહ્યું, કે એક પણ વ્યક્તિ પ્રત્યે તમને તિરસ્કાર હોય, તો એ તિરસ્કાર એક વ્યક્તિ તરફનો નથી; એ પ્રભુની, તીર્થંકર પ્રભુની તમે કરેલી આશાતના છે! દેરાસરમાં તમે જાવ, થાળીમાં પરમાત્મા હોય, તો સહેજ પડી જાય, કેટલું દર્દ તમને થાય? તમે આંખમાં આંસુ સાથે એનું પ્રાયશ્ચિત લેવા માટે આવો. કે સાહેબજી! પ્રભુ થાળીમાં હતાં, અને સહેજ આમ ઢળી ગયા. તીર્થંકર પ્રભુની પૂજા આપણે કરવી છે. આશાતના કરવી નથી.
તો પંન્યાસજી ભગવંત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર એ તીર્થંકર પ્રભુની તમે કરેલી આશાતના છે. ધ્રુજી ન જઈએ? તીર્થંકર પ્રભુની આશાતના..! અને એ આશાતના થઇ હોય, તો કયા જન્મે આપણે છૂટીએ? અને એની સામે એમણે કહ્યું; કે બધા જ જીવોને તમે પ્રેમ આપો, બધા જ જીવોને તમે ચાહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા છે.
થોડા આગળ જઈએ શુદ્ધની ધારામાં… ત્યારે એવું કહેવાય, કે સ્વને છોડીને પરમાં તમે જાવ, તમારી ચેતના પરમાં હોય, તો એ તમે કરેલી પ્રભુની આશાતના છે. કારણ, પ્રભુએ કહ્યું છે કે તારે તારામાં જ સ્થિર થવાનું છે. એટલે તમે તમારામાં રહો, નિજ સ્વરૂપમાં રહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા. આપણે ચંદનની વાટકી લઈને તો પૂજા કરવા નહિ જઈએ! આપણી પૂજા કઈ? આપણો ઉપયોગ, આપણી ચેતના ચોવીસે કલાક સ્વમાં રહેવી જોઈએ. પરમાં ક્યાંય જવું જ નથી! તો આશાતનાના બે પ્રકાર થયા. એક શુભના સ્તર પર, એક શુદ્ધના સ્તર પર. તો બરોબર ખ્યાલમાં આવી ગયું?
એક પણ વ્યક્તિ પ્રત્યે તમે તિરસ્કાર કરો, એ તમે કરેલી પ્રભુની આશાતના છે. તમે કહેશો, સાહેબ પણ એ વ્યક્તિ કોઈ કારણ વિના ગાળોનો વરસાદ વરસાવે તો એ વખતે તિરસ્કાર ન આવે તો શું આવે?! બહુ મજાની વાત છે, તમે વ્યક્તિને નથી જોતાં, એના કાર્યોને જોવો છો. વ્યક્તિ તરીકે, ગાળો આપનાર વ્યક્તિ પણ ભવિષ્યનો સિદ્ધ છે. તમે બધા જ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છો. અમે ‘નમો સિદ્ધાણં’ કહીએ ને એમાં તમારો ય નંબર લાગી જ જાય હો! ભવિષ્યના સિદ્ધ તમે છો.
ભીલડીયાજી તીર્થમાં ઉપધાન તપનું આયોજન હતું. આયોજકે મેનેજમેન્ટવાળાને કહેલું, કે મારા પ્રદેશના જેટલા પણ આરાધકો હોય, એને તો સમાવવા પડશે. બહારવાળાને ના પાડી. સંખ્યા વધી ગઈ. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં રાખેલા, બહેનોને ધર્મશાળાની રૂમોમાં, રૂમો નાની એ વખતે. એટલે એક-એક રૂમમાં ૧૦-૧૦ સાધકોને રાખેલાં. એ બહેનો મેનેજમેન્ટવાળા પાસે ગઈ કે તમે શું મેનેજ કરો છો? એક રૂમમાં ૧૦ સાધક! પાંચના સંથારા માંડ થઇ શકે, ત્યાં દસ?! અમે સૂઈએ શી રીતે? મેનેજમેન્ટવાળાઓએ હાથ જોડીને કહ્યું, કે તમે કહેતાં હોવ તો V.V.I.P ટેન્ટ એક દિવસમાં ખડો કરી આપીએ. નીચે લાકડાની ફરસ હશે, તંબુની ભીંત ખરેખર ભીંત જેવી હશે. V.V.I.P ટેન્ટ બનાવી દઈએ, તમે નામ લખાવો કે ટેન્ટમાં કેટલા જણાને રોકાવવું છે. ટેન્ટમાં રોકાવવા કોઈ તૈયાર થાય નહિ.
એ બહેનો મારી પાસે આવી. કે સાહેબ! જુઓ તો ખરા, મેનેજમેન્ટવાળાઓએ આ રીતે મેનેજમેન્ટ કર્યું છે. મને પ્રભુએ નાનપણથી positive attitude આપેલો છે. અને એથી સંઘના કોઈ પણ સભ્યો સાથે માત્ર ને માત્ર પ્રેમ જ છલકાતો હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય એના ઉપર પણ પ્રેમ. આ બહેનો તો ઉપધાનની આરાધના કરવા આવે. મેં ખુબ પ્રેમથી એમની વાત સાંભળી. પછી મેં કહ્યું; કે તમે આજે મારું પ્રવચન સાંભળ્યું હતું? તો કે હા, સાંભળ્યું હતું. મેં કહ્યું; મેં પ્રવચનમાં કહેલું કે તમે બધા જ ભવિષ્યના સિદ્ધો છો. આ વાત બરોબર યાદ છે? એટલે પેલા લોકો કહે, હા, યાદ છે. મેં કહ્યું; તો તો મેનેજમેન્ટવાળાનો તમારે આભાર માનવો જોઈએ. સિદ્ધ ભગવંતોનું દર્શન કરવું એવી આપણી ઈચ્છા હોય. તમને તો સિદ્ધ ભગવંતોનો સ્પર્શ આપી દીધો! નાની રૂમ એવી રીતે સુઈ જવાનું હોય કે એકબીજાને touch થઇ જવાય. મેં કહ્યું; એ સ્પર્શ કોનો છે? સિદ્ધ ભગવંતોનો એ સ્પર્શ છે!
તમારા માટે મારી અપેક્ષા એ છે, કોઈ પણ uncle અડધો કલાક સુધી વિના કારણે non-stop ગાળોનો વરસાદ તમારા ઉપર વરસાવે, તમે પ્રેમથી એને સાંભળો. અને પછી ધીરેથી કહો, કે uncle તમારો આભાર. તમારા માટે મારી આ અપેક્ષા છે. કારણ, એક પણ વ્યક્તિનો તિરસ્કાર તમે કરો, તો તીર્થંકર ભગવંતની આશાતના થઇ ગઈ. આપણે તીર્થંકર ભગવંતની ભક્તિ જેટલી કરી શકીએ એટલી કરીએ. પણ એમની આશાતના તો ક્યારે પણ ન કરીએ. આ સૂત્ર તો જડાઈ જાય ને, તો તમારું જીવન બહુ મજાનું બની જાય.
લગભગ તમે મૂડલેશ કેમ થાવ? આમ બેઠા હોવ.. શું થયું? પેલાએ મને આમ કહ્યું..! અરે કહ્યું તો કહ્યું.! એ વાત પુરી થઇ ગઈ! હવે યાદ ક્યાં સુધી રાખવાનું?!
એક જણાને પગે થોડું વાગ્યું. ડોકટરે પ્લાસ્ટર માર્યું, અને કહ્યું; કે એક મહિનો બેડરેસ્ટ તમારે કરવાનો. ક્રેક છે સંધાઈ જશે. પેલા ભાઈ બેડરેસ્ટમાં છે. દસેક દિવસ થયા હશે. અને એનો એક મિત્ર આવ્યો. મિત્રે કહ્યું, અરે મને તો હમણાં સમાચાર મળ્યાં. તું કેવી રીતે પડી ગયો? એટલે પેલો ઉભો થયો, અને રિહર્સલ કરીને બતાવ્યું..! ક્રેક પહોળી થઇ, ફરી ડોક્ટર પાસે, ફરી પ્લાસ્ટર… ફરી દસ-બાર દિવસ થયા, અને એક મિત્ર આવ્યો, મને તો હમણાં જ સમાચાર મળ્યાં કે તું પડી ગયો હતો. કેવી રીતે પડી ગયો હતો? પેલાએ રિહર્સલ કરીને પાછું બતાવ્યું…! તમે તો આવું ન જ કરો ને?
એક ઘટના ઘટી. તમારા માટે કોઈએ બહુ જ ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો. તમને પણ થોડીવાર પીડા પણ થઇ. અઠવાડિયું થયું એટલે શું થયું? એ પીડા ધીરે ધીરે ઓછી થઇ અને ત્યાં કોઈ આવે, અરે મેં તો હમણાં સાંભળ્યું; તારા માટે આવા આક્ષેપો થયા! તારા માટે આવું કહેવામાં આવ્યું! હું તો સાંભળીને સળગી ગયો! અલ્યા તું સળગ્યો, ત્યાં સુધી બરોબર છે, આને શું કરવા સળગાવે છે…?! હું તો સાંભળીને સળગી ગયો…! આ સાંભળીને પેલાને શું થાય? ઘા પાછો ઉપડ્યો. યાદ આવે. એ પણ પછી ગાડીમાં ચડી જાય કે હા, એટલી બધી ગાળો આપી. એટલા બધા આક્ષેપો મારા ઉપર કર્યા. શું વાત કરો છો?! પીડા શરૂ.. પીડામુક્ત જીવન તમારે જોઈએ?
ભગવાન તમને ગેરંટી આપે કે તું જો મારી આજ્ઞાનું પાલન કરે, તો એક ક્ષણ માટે, એક સેકંડ માટે તને પીડામાં હું નહિ જવા દઉં. પીડા ગમે એવું તો નથી ને…? પીડા ગમે નહિ ને? તો પ્રભુ વચન આપે છે કે તું જો મારા આજ્ઞા પથ ઉપર બરોબર ચાલે તો સહેજ પણ પીડા ક્યારેય પણ તને ન થાય. અમે લોકો ever fresh, ever green છીએ કારણ શું? કારણ એક જ, અમે પ્રભુના આજ્ઞા પથ ઉપર છીએ. કોઈ ઘટના ઘટી તો ઘટી ગઈ. એ ઘટના એ ક્ષણે ઘટવાની હતી; ઘટી ગઈ. હવે એ ઘટનાને યાદ કરીને પીડિત થવાનો શો અર્થ? ચાલો, તમે ગમે તેટલા વિચારો કરો. આણે આમ કેમ કર્યું? આણે આમ ન કરવું જોઈતું હતું…! પણ તમારા ગમે તેટલા વિચારો હોય, ઘટના આમથી આમ બદલાવાની છે? જે ઘટના વીતી ગઈ, એ ઘટનાને ફરીથી તમે જુદી રીતે વિતાવી શકવાના નથી. તો પછી આવી કોઇ પણ ઘટના ઘટે ત્યાં એક જ ઉપાય છે. સ્વીકાર… જે પણ ઘટના ઘટી; સ્વીકાર કરી લો.
મને એકવાર પૂછવામાં આવ્યું; કે પ્રભુની સાધના ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી છે. એનો નીચોડ કઈ રીતે આપવો? એનો નીચોડ, એક શબ્દમાં લાવવો હોય, તો એ એક શબ્દ કયો? એ વખતે મેં કહ્યું કે સર્વસ્વીકાર. એ એક શબ્દ એવો છે કે જે પ્રભુની સંપૂર્ણ સાધનાનું પ્રતિનીધીત્વ કરે છે. અમે મજામાં છીએ એનું કારણ આ સૂત્ર છે: સર્વસ્વીકાર. જે પણ ઘટના ઘટે એનો સ્વીકાર. ઘટના કેમ ઘટી, કેમ ન ઘટી એનો કોઈ જ વિચાર નહિ. ન ઘટનાથી રતિભાવ – સુખ થાય, ન કોઈ ઘટનાથી પીડા થાય.
રમણ મહર્ષિ બહુ મોટા સંત. પ્રભુના ભક્ત. અને પ્રભુના ભક્ત એટલે ઘટનાઓથી અપ્રભાવિત. બે શબ્દો છે. ઘટનાથી પ્રભાવિત હોવું. ઘટનાથી અપ્રભાવિત હોવું. આપણે જો પ્રભુના ભક્ત છીએ તો આપણે ઘટનાઓથી અપ્રભાવિત છીએ. સારી ઘટના ઘટી, સરસ… ખરાબ થયું, સરસ… જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી; ઘટી ગઈ; સ્વીકાર કરી લો.!
રમણ મહર્ષિ આટલા મોટા સંત. સર્વ સ્વીકારની યાત્રામાં ચાલનારા. એકવાર એક ભક્તે પૂછ્યું; કે ગુરુદેવ! આપ જ્યાં પણ જાઓ છો ત્યાં લોકો આપનો સત્કાર કરે છે. ફૂલહારથી આપના ગળાને લાદી દે છે. આટલા બધા લોકો આવી રીતે સ્વાગત કરતા હોય. આટલા બધા ફૂલોના હાર તમારા ગળા પર મૂકાતાં હોય એ વખતે તમારી ફિલિંગ્સ શું હોય? એ વખતે રમણ મહર્ષિ કહે છે; કે રથયાત્રા હોય અને પ્રભુના રથને બળદ દ્વારા હેકાંવાના હોય, તો એ બે બળદોને પણ આપણે ફૂલના હાર ચડાવીએ છીએ. પણ બળદ માટે એ ફૂલના હાર વજનથી વધારે કંઇ ખરું? ભાર વધે. રમણ મહર્ષિ કહે છે; કે આ ઘટનાની કોઈ અસર થતી નથી. કારણ પ્રભુનો ભક્ત ઘટનાથી અપ્રભાવિત છે. કેટલી મજા આવે બોલો.? અત્યારે દિવસની અંદર કેટલી ઘટનાઓ ઘટે, જે તમારા આનંદને ખતમ કરે.. સામાન્ય ઘટના.! કો’કે કંઇ કહ્યું; અને બસ ટેમ્પરેચર અપ થઈ ગયું.! સંસારમાં રહો છો; ઘટનાઓ ઘટવાની જ છે. ઘરે પણ ઘટવાની છે. બહાર પણ ઘટવાની છે. પણ એ ઘટના ઘટે ત્યારે એ ઘટનાથી અપ્રભાવિત રહેવું છે. એટલે સર્વ સ્વીકાર એ પ્રભુની સાધનાનો એક મંત્ર છે. જે પણ ઘટના ઘટે એનો પ્રેમથી સ્વીકાર કરો.. શરબત કોઈએ આપ્યું તો પ્રેમથી પીવો; અને લીમડાનો રસ આપ્યો તો પણ પ્રેમથી પીવો… ઘટના, ઘટના છે..
ઘણીવાર એવું બને તમે એકદમ લમણે હાથ દઈને બેઠા હોવ. તમારા ઘરે. કોઈ મિત્ર તમારો આવ્યો. દસ મિનિટ ત્યાં બેશે. તમને ખબર ન પડે કારણ કે તમે વિચારોમાં ખોવાઈ ગયેલા છો. દસ દિવસ પછી પેલો મિત્ર ફરી આવે. અને પુછે; યાર અઠવાડિયા પહેલા હું આવેલો, દસ મિનિટ તારી જોડે બેઠો, તને ખબર જ ન પડી.! તું કયા વિચારોમાં મશગુલ હતો? એ વખતે પેલાને યાદ કરવું પડે છે. દસ દિવસ પહેલા, સવારે દસ વાગે મને યાદ નથી આવતું કયા વિચારોમાં? જે વિચારોને, જે વિકલ્પોને, જે ક્રોધના વિચારોને, રાગના વિચારોને અઠવાડીયા પછી તમે ભૂલી જાઓ છો. એ વિચારોમાં એ વખતે એટલા બધા ગરકાવ થઈ જાઓ…! કે તમે કર્મબંધની યાત્રામાં પહોંચી જાઓ છો..!
સવાસો ગાથાનું સ્તવન ગુજરાતીમાં લખાયેલી એક મજાની સાધના કૃતિ છે. એમાં એક કડી આવે છે: “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો” કર્મ આવે છે, આવે છે, આવે છે. ક્યાં સુધી? તમે વિચારોમાં, વિકલ્પોમાં છો ત્યાં સુધી. જે ક્ષણ તમારો ઉપયોગ નિર્વિકલ્પ થયો, કર્મનું આગમન બંધ થયું. કારણ, રાગ અને દ્વેષમાં તમે જાઓ શી રીતે? જો તમે તમારા conscious mind ને off કરી દો તો રાગ અને દ્વેષમાં જાય કોણ? ફલાણો આવો છે. આણે આમ કર્યું, આણે આમ કર્યું. આ બધું જ record conscious mind ની છે. conscious mind ને થોડીવાર માટે off કરતા શીખી જાઓ. જે વખતે આવી ઘટના ઘટે, conscious mind ને off કરી દો. કોઈ વિચાર નહિ. અને શક્ય હોય તો તમારા વિચારોને, તમારા ઉપયોગને, તમારા મનને શુભ તરફ વાળી દેવું. કોઈ સ્તવનની કડી એ વખતે લઈ લેવી અને સ્તવનની કડીની અંદર મનને રોકી દેવું.
આજે જમવા બેસો કે નાસ્તો કરવા બેસો. બની શકે કે ગરમ નાસ્તો સારો છે, ચા ટેસ્ટી છે, આસક્તિ થવાની સંભાવના છે. એ વખતે બહુ મજાનો short cut કે મનને ચા અને નાસ્તામાંથી ઊંચકીને સ્તવનમાં મૂકી દેવું. કોઈ મજાનું સ્તવન. એમાં મન જતું રહે. પછી તમે નાસ્તો કરીને ઉભા થાઓ. કોઈ પૂછે, શું હતું નાસ્તામાં? ભાઈ મને કંઇ ખબર નથી. વેઈટરને પૂછો. હું તો સ્તવનની અંદર હતો. હું નાસ્તામાં નહતો. કેટલી મજાની આ યુક્તિ છે!
રાગમાં કે દ્વેષમાં, અહંકારમાં મન જતું હોય, એ વખતે મનને આવા સરસ ઉપયોગમાં મૂકી દેવું. એથી કર્મબંધ થતો અટકી જાય. તો બહુ મજાની સાધના આપણને મળી. જે અહોભાવથી શરૂ થાય છે અને શુદ્ધની અંદર પરિપૂર્ણ થાય છે.