વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુ-નિર્ભરતા
કલાપૂર્ણસૂરિ દાદાએ કહેલું કે હું પ્રભુનું અંજન નથી કરતો; પ્રભુ મારી આંખોમાં અંજન કરે છે. આપણા યુગમાં આટલા બધા પ્રભાવશાળી આચાર્ય ભગવંતો થયા પણ કલાપૂર્ણસૂરિદાદા ટોચ પર પહોંચ્યા એનું કારણ શું? કારણ એક જ હતું: પ્રભુ-નિર્ભરતા. મારે કાંઈ જ કરવાનું નથી. જે પણ કરવાનું છે એ પ્રભુએ જ કરવાનું છે.
હું ઘણીવાર હસતા-હસતા કહું કે અમારું આ શરીર દેવદ્રવ્ય છે! એક પૈસો ભંડાર પર મુક્યો, પછી આપણો નહિ; એ નો થઈ ગયો. એમ આ જીવન પ્રભુના ચરણે સોંપ્યું; પછી તમારું કે એનું?! આ જીવન ઉપર અધિકાર તમારો કે પ્રભુનો? તમારી એક-એક ક્ષણ પ્રભુદત્ત હોવી જોઈએ.
આ વિચાર આજે મનમાં સ્થિર કરજો કે બધું જ એણે આપેલું છે; મારું કશું જ નથી. જે કંઇ મળ્યું છે એ એની કૃપાથી મળ્યું છે, મારી આવડતથી, મારી હોશિયારીથી, મારી મહેનતથી નહિ. એની કૃપાથી મળ્યું છે. અને એની કૃપાથી જે મળ્યું છે એને એની જ ભક્તિમાં વાપરવું છે.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૧૮
પાંચ ચરણોવાળી પ્રભુની મજાની સાધના.
પહેલું ચરણ – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ.
એક ઘટના યાદ આવે. મુંબઈ પાસે શાહપુરમાં ઉપધાન તપ. પ્રવેશના આગળના દિવસે એક ભાઈ મારી પાસે આવ્યા. વંદન કર્યું અને પછી એમણે પૂછ્યું: કે ગુરુદેવ! સ્વાધ્યાયનો રસ ઘણો છે. સ્વાધ્યાયમાં કલાકો સુધી ભીતર ઉતરી શકું છું. પણ, ક્રિયાનો રસ નથી. ઉપધાન તપમાં ક્રિયાનું મહત્વ છે. તો મને ઉપધાન તપ ફાવશે કે નહિ ફાવે? મેં કહ્યું; પ્રભુ તમને અહીં સુધી લઈને આવ્યા છે. તો પ્રભુ જ તમને આગળ લઇ જશે. મુંબઈથી શાહપુર તમે આવી ગયા. ઉપધાન તપનું ફોર્મ ભરી દીધું. એ પાસ થયું. તમે અહીંયા આવી ગયા, પ્રભુ તમને અહીં સુધી લઈને આવ્યા, એ જ પ્રભુ તમને આગળ લઇ જશે. દસ દિવસ પછી એ ભાઈ મને મળવા આવ્યા. ઉપધાનમાં પ્રવેશ થઇ ગયેલો છે. એ મારી જોડે બેઠા. એમની આંખમાં આંસુ હતા. મેં પૂછ્યું; કે શેના આંસુ છે? એમ… થોડીવાર તો એ બોલી શક્યા નહિ. ગળે ડૂસકાં, આંખમાં આંસુ, બોલે શી રીતે? થોડીવારે ડૂસકાં થમ્યા, ત્યારે એમણે કહ્યું; કે ગુરુદેવ! પ્રભુએ તો excellent experience આપી દીધો. અદ્ભુત અનુભવ. આવા અનુભવની કોઈ કલ્પના પણ નહતી. મેં પૂછ્યું; શું અનુભવ પ્રભુએ આપ્યો? તમને પણ પરમાત્મા સતત અનુભવો આપે છે. એક સારો વિચાર તમને આવ્યો. એ વિચાર ક્યાંથી સારો આવ્યો? પ્રભુએ એને તમારી તરફ મોકલ્યો, તમે એને ઝીલ્યો. તમારે માત્ર એ વિચારને ઝીલવાનો હતો.
શત્રુંજય ગિરિરાજનો સંઘ કઢાવવો છે. વિચાર આવ્યો, પણ એ વિચાર પ્રભુએ આપ્યો. એ વિચાર પ્રમાણે સંઘ નીકળે એ પણ પ્રભુની કૃપા. લલિત વિસ્તરા સૂત્રની પંજિકામાં બહુ જ સરસ વાત આવે છે: “एकोSपि शुभो भावः, तीर्थकर प्रदत्त दिहा” એક પણ સારો વિચાર તમને આવે, એ પ્રભુએ આપેલો છે.
દાદા ગુરુદેવ ભદ્રસૂરિ દાદા. હું જ્યારે બાળમુનિ હતો, ત્યારે મેં એકવાર દાદાને પૂછેલું: કે દાદા! તમને દીક્ષા કોણે આપી? દાદા કહે છે; પ્રભુએ મને દીક્ષા આપી. તમારા માંથી કેટલા આવા છે? કોઈ વિચાર નહતો. ઉપધાન થયા, પ્રભુએ વિચાર આપ્યો. તમે દીક્ષા લીધી. તો કોણે દીક્ષા આપી? પ્રભુએ દીક્ષા આપી. દાદાએ કહ્યું; કે પ્રભુએ મને દીક્ષા આપી. મેં કહ્યું; પ્રભુ શી રીતે દીક્ષા આપે? આ રજોહરણ આપવાનું. આખરે તો સદ્ગુરુ આપે ને? તો દાદાએ કહ્યું; કે સદ્ગુરુનો હાથ હતો, પાછળ પરમાત્મા હતા. એ રજોહરણનો સ્પર્શ થાય ત્યારે માત્ર સદ્ગુરુની કૃપાનો જ અનુભવ ન થાય. રોમે રોમે પરમાત્માના સ્પર્શનો અનુભવ. મારા પ્રભુ મારા ઉપર રીઝ્યા. અને મને આ અદ્ભુત વરદાન આપ્યું. પછી દાદાએ મજાની વાત કરી. દાદા રાધનપૂરમાં રહેતાં. લગ્ન થઇ ગયેલાં. વિધીકારક પણ હતા. જૈન ધર્મનું ઊંડું જ્ઞાન હતું. પણ દીક્ષાનો વિચાર ક્યારે પણ આવેલો નહિ. એક દિવસ રોજની જેમ ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના પૂજન માટે દાદા ગયા. ફૂલ પૂજા કરવાની હતી. એક ફૂલ દાદાના હાથમાં, એ પ્રભુને સમર્પિત કરવાનું છે. એ વખતે અચાનક એક વિચાર, એક ભાવ પ્રભુએ આપ્યો. અને દાદાએ પ્રભુને કહ્યું; કે પ્રભુ ! એકેન્દ્રિય એવું આ ફૂલ એને હું તારા ચરણોમાં સમર્પિત કરું છું. તું એને સ્વીકારી લઈશ. પણ પંચેન્દ્રિય એવો હું, તું મને સ્વીકારે ખરો? અચાનક જ વિચાર આવેલો. દીક્ષા લેવી એવો વિચાર સપનામાં પણ નહિ. દાદાને એ પ્રાર્થના કરી, કે પંચેન્દ્રિય એવો હું મને તારા ચરણોમાં સ્થાન મળે કે ન મળે? એ જ વખતે દાદાના મુગટમાં, પ્રભુના મુગટમાં એક ફૂલ હતું, ફીટ થયેલું, જે નીકળે એવું હતું નહિ, એ ફૂલ દાદાના હાથમાં આવી ગયું. સીધું જ ખર્યું. દાદા સમજ્યા કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે. પ્રભુએ સ્વીકાર કરી લીધો. હવે સંસારમાં એક ક્ષણ પણ રહી શકાય નહિ. મારા પ્રભુ મને એના માર્ગ ઉપર ચાહતા હોય તો હું એનાથી ભિન્ન માર્ગ ઉપર રહી શકું નહિ. પણ, લાગ્યું કે ઘરવાળા જલ્દી રજા નહિ આપે. પત્નીને કદાચ સમજાવી લેવાશે. પણ, બીજા ઘરવાળા સમજે એવા નથી. શું કમાલની વાત છે! આ વિચાર આવ્યો. અને જાણે કે પ્રભુએ ઉત્તર આપ્યો. એ જ ક્ષણે એમને ઘઉં, ચોખા, ઘી અને ગોળ આ ચારેયનો દીક્ષાનું મુહુર્ત ન નીકળે ત્યાં સુધીનો ત્યાગ કરી દીધો. ૧૨- ૧૨.૩૦ ઘરે આવ્યા. રસોઈ તૈયાર હતી. પત્નીએ કીધું જમવા બેસો. તો કહે; કે મારે રોટલી નહિ ચાલે, ઘઉં ત્યાગ કર્યો છે. ભાત નહિ ચાલે. ઘી નહિ ચાલે. તો તમારે શું ચાલશે? એ દિવસે એમણે બાજરીના લુખ્ખા રોટલા અને દાળ ખાધી. પછી તો રોજની વાત. સવારે નાસ્તામાં શું ખવડાવાનું? બાજરીનો ખાખરો. બે મહિના થયા, ઘરવાળાઓએ કીધું ભાઈ! તું દીક્ષા લઇ લે હવે. આ તું કંઈ ખાય નહિ, પીએ નહિ, અમારાથી જોવાતું નથી. અને દીક્ષા મળી ગઈ. એ વખતે દાદાએ મને પૂછ્યું; કે મને જે અચાનક તે દિવસે વિચાર આવ્યો, દીક્ષાનો, એ વિચાર પણ પ્રભુએ આપેલો. અને એ વિચાર પ્રમાણે એના માર્ગ દોડવાની શક્તિ પણ એણે આપી.
મારી પાસે ઘણા મુમુક્ષુઓ આવે. લગભગ એ age પર હોય કે ઘરવાળા કહી દે, કે ચાર મહિનામાં નિર્ણય કરી નાંખ, કારણ કે અમારે પાછુ આગળ વિચારવું છે. એ થોડી અવઢવમાં હોય. દીક્ષા લેવી ગમે પણ છે. સંસાર પણ ગમે છે. મારી પાસે આવે. સાહેબ! શું કરવું? ત્યારે હું કહી દઉં, પ્રભુને પૂછી લે. પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દે. પ્રભુ જે પણ ઉત્તર આપશે, એ મજાનો હશે. પહેલા પણ મેં કહેલું; સંસારની અંદર પણ, સાંસારિક જીવનમાં કોઈ પણ તકલીફ હોય, પ્રભુની કોર્ટમાં એ સમસ્યાનો બોલ ફેંકી દેવાનો. આપણે કંઈ જ કરવું નથી. અને આપણે કંઈ ન કરીએ, તો જ પ્રભુ કામ કરશે. તમારે પણ કામ કરવું છે, અને પ્રભુ પણ કામ કરે, આ બે વાત નહિ બને. તમે છોડી દો. પ્રભુ! હું અસહાય છું. મારાથી કંઈ જ થઇ શકે એમ નથી. તું મારી નાવને સંભાળજે. પ્રભુ તૈયાર છે. He is ever ready. પરમાત્મા સતત તૈયાર છે. તો તમને એક શુભ વિચાર આવ્યો; એ પ્રભુએ આપ્યો.
સંઘ કઢાવવો છે. એ વિચાર પ્રભુએ આપ્યો. સંઘ સારો નીકળ્યો, પ્રભુની કૃપાથી. એટલે એ સંઘપતિનું હૃદય સતત પ્રભુના ચરણો તરફ ઝુકેલું હોય. કે પ્રભુ! તે કેટલો સરસ વિચાર મને આપ્યો. અને એ વિચારને કેટલી સરસ રીતે તે કાર્યાન્વિત કર્યો. પ્રભુ કરે, આપણે નિમિત્ત. આ સુધર્માપીઠ પરથી પ્રવચન આપીને હું નીચે ઉતરું છું. ત્યારે મારી આંખો ભીની હોય છે. એ મારી આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય છે; કે પ્રભુ! તારી પાસે તો અગણિત sound systems છે. અને છતાં તે મારા જેવા નાચીજ માણસની sound system use કરી. પ્રભુ હું તારો બહુ જ ઋણી છું.
આખા વિશ્વની અંદર આજે આ વિચારો ફેલાયેલા છે. આફ્રિકાના અંધાર ઘેરા ખંડોની અંદર પણ પ્રાર્થનાનું મહત્વ છવાયેલું છે. એક બહુ સારું પુસ્તક હમણાં બહાર આવ્યું હતું. Opening Doors within. એની લેખિકા પ્રસ્તાવનામાં લખે છે; કે આ પુસ્તક મેં લખ્યું નથી. લેખિકા, પ્રભુ કૃપાની ધારામાં ક્યારેય પણ આવેલા નહિ. ઘણા બધા પુસ્તકો લખેલા, અને એનો અહંકાર ઘણો હતો. એકવાર એ ઇઝરાયલ ગયેલા. ઇઝરાયલમાં કિબુત્સો નામની એક વસાહત છે. એ વસાહતના લોકો electricity બિલકુલ આજે પણ વાપરતા નથી. રાત્રે ફાનસનું ટમટમીયું. ખેતી પણ દેશી પદ્ધતિએ કરવાની. ક્યાંય electricity નહિ. લેખિકા ત્યાં ગયા. ઈચ્છા એટલી જ હતી, કે ત્યાંની મુલાકાત લઉં અને એક પુસ્તક પડી જાય. સાંજે પહોંચ્યા, જમ્યા, રાત પડી, અંધારું ઘોર. ૯ વાગે તો બધા ફાનસ પણ બુઝાઈ ગયા. અને એ વખતે લેખિકાના મનની અંદર સરસ વિચારો ઉભરાવવા લાગ્યા. લેખિકા નવાઈમાં પડી ગયા. આ વિચાર પોતાને ક્યાંથી આવે? એ સમજી ગયા, કે પ્રભુ મને આ વિચારો આપી રહ્યા છે. ઈચ્છા થઇ કે આ વિચારોને શબ્દબદ્ધ કરું. અંધારામાં લખવાની ટેવ નહિ. એ લેખિકા દોઢ કિલોમીટર દૂર રોડ ઉપર એક ટોયલેટ હતું, એની બાજુની બત્તીનો, પ્રકાશનો સહારો લઈને, પ્રભુએ જે વિચારો આપ્યા, એને લખે છે. એ પુસ્તક opening doors within વિશ્વના Best seller પુસ્તકોમાં એક છે. પ્રભુ લખે પછી કેવું હોય? આપણે લખીએ ત્યાં જ ગરબડ ગોટાળા થવાના. તમે કંઈ પણ કરો ને એમાં ગરબડ ગોટાળા થવાના જ. હું કરું, હું કરું… પણ તમે પરિઘમાં જતાં રહો. કેન્દ્રમાં પ્રભુને લાવી દો, પછી જુઓ કેવી મજા આવે છે….!
કલાપૂર્ણસૂરિ દાદા આ જ વાત કરતાં. એ કહેતાં હું બોલતો નથી. પ્રભુ બોલે છે. એકવાર એમણે કહેલું; કે પ્રવચન કરવા માટે મારે જવાનું હોય ત્યારે હું વિચાર કરતો નથી કે કયા subject ઉપર બોલવું. ૨૦૦૦ માણસ મને સાંભળવા માટે બેઠું છે. ક્યા વિષય ઉપર બોલવું એ નવમાં પાંચ સુધી નક્કી નથી. અને ૯ વાગે મંગલાચરણ કરવાનું. નવમાં પાંચ ઓછીએ દાદા પ્રભુને પાર્થના કરે. કે પ્રભુ તારી જ વાતો કહેવા માટે જાઉં છું. જેવું વૃંદ છે, એવી વાતો મારા મોઢેથી તું કઢાવજે. મારે તો કંઈ બોલવું છે નહિ. તારે બોલવાનું છે. I have not to speak a single word. He has to speak. અને એ બોલે ત્યારે કેટલી મજા આવે. તમે એકવાર અનુભવ તો કરો. કોઈ પણ કાર્ય છે, એને સોંપી દો. પછી જુઓ એ કાર્ય કેટલું તો મજાનું થાય છે. મેં પ્રભુને બધું સોંપી દીધું. તો પ્રભુ બધું મજાનું કરે.
આ જ સુરતમાં કતારગામ દરવાજામાં અંજનશલાકા પ્રતિષ્ઠા હતી. વિમલનાથ દાદાની. જે રાત્રે અંજનશલાકા હતી, એ સાંજે હું મારા આસન ઉપર બેઠેલો. એક ભાઈ આવ્યા, એમણે મને પૂછ્યું; કે સાહેબ! રાત્રે આપ પ્રભુના અંજન માટે જવાના. અમને તો પ્રવેશ મળવાનો છે નહિ. પણ, પ્રભુનું અંજન કરતી વખતે આપના હૃદયમાં શું ભાવ હશે? અનાયાસે મારા હોઠમાંથી ઉત્તર નીકળ્યો, કે ભાઈ! પ્રભુની અંજનશલાકા પ્રભુ કરે. યશોવિજયનું કોઈ ગજું નથી. યશોવિજયને એ દ્રશ્ય જોવાનો લાભ મળે છે.
કલાપૂર્ણસૂરિ દાદાએ કહેલું; કે હું પ્રભુનું અંજન નથી કરતો. પ્રભુ મારી આંખોમાં અંજન કરે છે. આપણા યુગમાં આટલા બધા પ્રભાવશાળી આચાર્ય ભગવંતો થયા. પણ કલાપૂર્ણસૂરિદાદા ટોચ પર પહોંચ્યા. ટોચ પર પહોંચ્યા એનું કારણ શું હતું? કારણ એક જ આ હતું; પ્રભુ નિર્ભરતા. મારે કાંઈ જ કરવાનું નથી. જે પણ કરવાનું છે એ પ્રભુએ કરવાનું છે.
પેલા ભાઈ મારી પાસે બેઠા. આંખમાં આંસુ ગળે ડૂસકાં. એ કહે સાહેબ! Excellent experience થયો. અદ્ભુત. મેં કહ્યું; શું થયું? મને કહે સાહેબ! પ્રવચનમાં આપે ઇર્યાસમિતિની વાત કરી. કે પૌષધની અંદર ઇર્યાપૂર્વક બરોબર જોઇને ચાલવાનું છે. એ ઇર્યાસમિતિ પૂર્વક ચાલવાનું મેં નક્કી કર્યું. આજે મારી હાલત એ છે કે મારી ધર્મશાળાની રૂમ. તળેટીના દેરાસરે જવું હોય. મને ૨૫ મિનિટ લાગે. મેં કહ્યું; રસ્તો તો ૧૦ મિનિટનો છે. ૨૫ મિનિટ કેમ લાગે? એ વખતે એમણે જે વાત કરી ને. ગજબની વાત. હું પણ પોતે અભિભૂત થઈ ગયો. એમણે કહ્યું સાહેબ! મારી ધર્મશાળાએથી ઈર્યાસમિતિપૂર્વક ચાલવાનું હું શરૂ કરું. ૨૦-૨૫ ડગલાં હું ભરું છું. અને આંખોમાંથી આંસુનો પ્રવાહ વહે છે. મારા પ્રભુએ કેટલી તો સરસ મજાની આ વિધિ બતાવી. હવે આંખમાં આંસુ હોય. દેખાય નહિ. એટલે ચલાય પણ નહિ. એટલે ઉભો રહું. નેપકીનથી આંખ લૂછું. આંખ સ્વચ્છ થાય. પછી આગળ ચાલુ. ફરી ૨૫ ડગલાં ચાલુ. અને આંખો આંસુઓથી ભરાઈ જાય. ફરી નેપકીનથી લૂછું. અને ફરી આગળ વધુ. પૌષધ તો ઘણા કર્યા તમે. આવો અનુભવ ખરો? આવો અનુભવ છે? ઈર્યાપૂર્વક ચાલો અને પ્રભુ પ્રત્યે એટલો બધો અહોભાવ ઉછળતો હોય કે મારા પ્રભુ જ આવી વાત બતાવી શકે. અને તમે થોડા ડગ ચાલો અને આંખો આંસુથી ઉભરાઈ જાય.
તો એ ભાઈએ કહ્યું; કે મારી ધર્મશાળાની રૂમથી તળેટીના દેરાસરે જતા મને ૨૫ મિનિટ લાગે છે. પણ ગુરુદેવ! અદ્ભુત્ત અનુભવ. એ ભાઈ, એમણે પૂરું ઉપધાન કર્યું. માળા પહેરી. પણ એ માળા પહેરતી વખતે નાચતા હતા. કે પ્રભુ! તે જ સાધના કરાવી છે. તને જ હું અર્પણ કરું છું. મારું કંઇ હતું નહિ. મારું કંઇ છે નહિ. બધું જ તારું આપેલું છે. તમારી પાસે જે કંઇ છે. એ તમારું? કે એણે આપેલું? આપણી પાસે, સાધુ-સાધ્વીજીઓ પાસે જે વિચાર શક્તિ છે. જે ભાષા શક્તિ છે. એ બધું જ કોણે આપ્યું? પ્રભુએ આપેલું. તમારી પાસે બધું છે. સંપત્તિથી લગાવીને સારા વિચાર સુધીનું બધું જ. કોણે આપેલું? પ્રભુએ આપ્યું.
પ્રભુએ તમને આપ્યું છે. હું ઘણીવાર હસતાં-હસતાં કહું કે આ શરીર અમારું દેવદ્રવ્ય છે. આ દેવદ્રવ્ય ને? એક પૈસો ભંડાર પર મુક્યો, પછી આપણો નહિ. પછી એનો થઈ ગયો. એમ આજીવન પ્રભુને ચરણે સોંપ્યું. પછી તમારું કે એનું? આ જીવન ઉપર અધિકાર તમારો કે પ્રભુનો? તમારી એક-એક ક્ષણ પ્રભુદત્ત છે. પ્રભુ અદત્તતા આવે તો ત્રીજા મહાવ્રતની અંદર અતિચાર આવે. એક-એક ક્ષણ પ્રભુ દત્ત છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે શરીર અને મન વર્તવા જોઈએ. થોડો ટાઇમ તમને આપું વિચારવા માટે. બધું કોનું? અરે ભાઈ નવકારશી નથી કરી મને ખબર છે? બધું કોનું? પ્રભુનું. પ્રભુને જોઈતું નથી તમારું પાછું હો. જે કંઇ છે. એ પ્રભુનું. પછી શું થશે? પ્રભુની કૃપાથી જે મળ્યું છે એને પ્રભુની ભક્તિમાં વાપરશું.
એવા ભાવકો જોયા છે. ફ્લેટ એમનો નાનકડો હોય. એમણે બનાવેલું દેરાસર અદ્ભુત્ત હોય. એમના ફ્લેટમાં ટાઈલ્સ નાંખેલી હોય. અને એમણે બનાવેલા દેરાસરમાં સારામાં સારી જાતનો માર્બલ વાપરેલો હોય. મણીલક્ષ્મી તીર્થ જે ભાગ્યશાળીએ બનાવ્યું છે. એના ઘરે તમે જાઓ ને તો તમને નવાઈ લાગે. કે ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયા એક તીર્થમાં જેણે ખર્ચ્યા. અને બીજા ચાર તીર્થો એને પાછા બનાવવા છે. એ માણસ કેવા ફ્લેટમાં રહે છે? પૈસા વધે એટલે પ્લાનિંગ શું હોય? પ્લાનિંગ શું હોય? મોટો ફ્લેટ. એરિયા પણ બદલી નાંખવાનો. અરે જે ભગવાનની સેવા તમે વર્ષોથી કરતા આવ્યા છો. એ પ્રભુને છોડીને તમે જઈ શકો? પાલવાળા પાલ છોડીને કયાંય જઈ શકે? પાલીતાણાની ઉપાધિ મળી ગઈ છે. હવે પાલવાળા પાલને છોડવાનો વિચાર નહિ કરે. તો જે કંઇ મળ્યું છે. એ એની કૃપાથી મળ્યું છે. મારી આવડગતથી નહિ, મારી હોંશિયારીથી નહિ, મારી મહેનતથી નહિ. એની કૃપાથી મળ્યું છે. અને એની કૃપાથી જે મળ્યું છે એને એની ભક્તિમાં વાપરવું જોઈએ. બસ આ વિચાર આજે મનમાં સ્થિર કરો કે, બધું જ એણે આપેલું છે. મારું કશું જ નથી. અને એણે જે આપ્યું છે, એ એની આજ્ઞા પ્રમાણેના માર્ગ ઉપર મારે ખર્ચવું છે. તમે બધા એ જ માર્ગ ઉપર છો. કેટલા બધા લોકો આવે છે આ રીતે, કે સાહેબ! દેરાસર બનાવવું છે, સારો એરિયા હોય એ બતાવો. ૫૦-૧૦૦ જણા રોજ પૂજા કરતા હોય. એવી જગ્યાએ મારે સ્વદ્રવ્યથી દેરાસર બનાવવું છે. આવા એક નહિ, અનેક લોકો લાઈનમાં ઉભેલા છે. અને એની પાછળનું કારણ આ છે કે મને જે મળ્યું છે એ એના કારણે મળ્યું છે. આ બધું કોનું? પ્રભુનું. તમારા જીવનની એક-એક ક્ષણ કોની? પ્રભુની… નક્કી? નક્કી.