વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સંકલ્પથી દોષમુક્તિ
એક મજાની ત્રિપદી. પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ અને ભક્તનો સંકલ્પ. આ ત્રણ ભેગા થાય, તો કોઈ કાર્ય એવું નથી જે ન થઇ શકે. એમાં પ્રભુની કૃપા તો રાત-દિવસ વરસ્યા જ કરે છે અને અમારો આશીર્વાદ પણ ચાલુ જ છે. હવે જો તમે સંકલ્પ કરો, તો પછી કોઈ કાર્ય એવું નથી જે અશક્ય હોય, અઘરું હોય.
એક સંકલ્પ કરો કે દિવસનું પહેલું જે નિમિત મળે, એમાં ગુસ્સો નથી કરવો; એ નિમિત્તની અસર તમારા ઉપર ન થવી જોઈએ. બધા નિમિત્તોની અસર ન થાય – એવું હું નથી કહેતો; માત્ર પહેલું જે નિમિત્ત મળે, એ નિમિત્તની અસર થવી ન જોઈએ. ક્રોધ જો તમને ડંખતો હોય, તો ક્રોધને દૂર કરવા માટેની આ સહેલામાં સહેલી technique છે.
ક્યારેક એવું બને કે પહેલું નિમિત્ત એકદમ જોરદાર હોય. પણ તમારો સંકલ્પ છે કે પહેલું નિમિત્ત છે એની અસર મારા ઉપર થવી જોઈએ નહિ. એના કારણે શું થાય કે તમારો self-confidence વધી જાય. તમને થાય કે આટલું મોટું નિમિત્ત હતું તો પણ મને અસર ન થઇ; તો નાના નાના નિમિત્તોમાં શું અસર થાય? જો એક સંકલ્પ તમારી પાસે હોય, તો ક્રોધ ગયો!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૧૯
પાંચ ચરણોવાળી પ્રભુની સાધના.
પહેલું ચરણ – આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ.
શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા એ પહેલા ચરણમાં. બહુ મજાની શ્રીપાલ રાસની પંક્તિ છે; “આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” આખી જ આપણી સાધનાનો નિચોડ ગુજરાતી ભાષામાં અડધી પંક્તિમાં આપી દીધો. “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” ક્રોધ પરભાવ છે, એને કાઢવો છે. ક્ષમા સ્વભાવ છે, એને પ્રાપ્ત કરવો છે. ક્રોધ દૂર કરવો છે. શી રીતે દૂર કરવો?
વિનોબાજીએ એક મજાની વાત કરી. એમણે કહેલું; કે પહેલું જે નિમિત મળે, એ નિમિત્તની અસર તમારા ઉપર ન થવી જોઈએ. સવારે ઉઠ્યા, કોઈએ કંઈક કહ્યું; પહેલું નિમિત્ત છે, તો એની અસર તમારા ઉપર ન થવી જોઈએ. આમાં તો અઘરું કંઈ નથી ને? બધા નિમિત્તોની અસર ન થાય, એવું નથી કહેતો. પહેલું જે નિમિત્ત મળે, એ નિમિત્તની અસર થવી ન જોઈએ. હવે તમે મનને થોડુક સુદ્રઢ બનાવો. એક સંકલ્પવાળું બનાવો. કેટલાય નિમિત્તો દિવસમાં મળે છે, માત્ર જે પહેલું નિમિત્ત છે, એની અસર મારા ઉપર ન થાય, આ વાત કંઈ બહુ અઘરી નથી. સંકલ્પ હોય તો માસક્ષમણ પણ અઘરું નહિ.
કેટલાય ભક્તો આવે છે. પિત્ત થયું છે. પાણી ભાવતું નથી. પેટમાં દુઃખે છે. આ બધું છે, પણ માસક્ષમણ કરવું એ પણ છે. શરીરને જે કરવું હોય તે કરે. મારો નિર્ધાર છે, મારે માસક્ષમણ કરવું છે. એક તમારો સંકલ્પ.
એક મજાની ત્રિપદી બતાવું. પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ અને ભક્તનો સંકલ્પ. આ ત્રણ ભેગા થાય તો કોઈ કાર્ય એવું નથી જે ન થાય. ત્રણ તત્વો – પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ અને તમારો સંકલ્પ. હવે પ્રભુની કૃપા તો રાત અને દિવસ વરસ્યા જ કરે છે. એક ક્ષણ એવી નથી કે એક ક્ષણાર્ધ એવી નથી, કે એની કૃપા ન વરસતી હોય. અમારો આશીર્વાદ પણ ચાલુ જ છે. ૨૪ કલાક. પાલમાં આવ્યા, તમારો ઉત્સાહ જોયો. એ ઉત્સાહ જોઇને અમને પણ આનંદ થાય. હું વારંવાર કહેતો હોઉં છું, કે શું લોકોની શ્રદ્ધા છે. વાસક્ષેપની લાઈન લાગેલી હોય એ વખતે મને એ ભીડની અંદર શ્રદ્ધા દેખાય.
પ્રભુની કૃપા સતત વરસી રહી છે. સદ્ગુરુનો આશીર્વાદ સતત વરસી રહ્યો છે. હવે તમારો સંકલ્પ. એ તમારો સંકલ્પ ભળે પછી કોઈ કાર્ય એવું નથી જે અશક્ય હોય, જે અઘરું હોય. પછી તમારે ક્યાં કરવું છે, પ્રભુ બધું કરાવે. સદ્ગુરુ બધું કરાવે. માસક્ષમણવાળા તપસ્વીઓને પૂછો; શાતામાં? એ કહેશે; દેવ – ગુરુ પસાય. પ્રભુની કૃપાથી આ તપ થઇ રહ્યો છે. મારી તાકાત નથી કે એક ઉપવાસ પણ હું કરી શકું. પણ, પ્રભુની કૃપાથી માસક્ષમણ પણ સહેલાઈથી થાય.
તો હવે તમારી સંકલ્પ શક્તિને અહીંયા લાવવી છે, કે દિવસની અંદર પહેલું જે નિમિત્ત મળે, એ નિમિત્તની અસર તમારા ઉપર ન થવી જોઈએ. બોલો અઘરું છે આમાં કંઈ? આમાં કંઈ અઘરું છે? ક્રોધ જો તમને ડંખતો હોય, તો આ ક્રોધને દૂર કરવા માટેની સહેલામાં સહેલી ટેકનીક છે. પહેલું નિમિત્ત મળે, ગુસ્સો નથી કરવો. હવે આ વાત તમે પકડી રાખો. ક્યારેક એવું બને કે પહેલું નિમિત્ત જોરદાર હોય. સીધો જ તમારા ઉપર આક્ષેપ થયેલો હોય, bombardment થયેલું હોય, પણ, તમે ટેવાઈ ગયા છો. કે પહેલું નિમિત્ત છે, એની અસર મારા ઉપર થવી જોઈએ નહિ. એના કારણે શું થાય? તમારો self confidence વધી જાય. તમને થાય, કે આટલું મોટું નિમિત્ત હતું, તો પણ મને અસર ન થઇ. તો નાના નિમિત્તોમાં શું અસર થાય. એક સંકલ્પ તમારી પાસે હોય, ક્રોધ ગયો. ક્રોધની પીડા અનુભવાય છે? ગુસ્સો તમે કરો ને, પેલાને એની અસર થાય કે ન થાય, તમને તો અસર થવાની જ છે. લાગ આવે તો તમને હોસ્પિટલ ભેગા કરવા પડે. હાઈપર ટેન્શન એટલું બધું ઊંચકાઈ જાય, BP ૨૦૦ સુધી પહોંચી જાય. પેલાને તો અસર થઇ કે નહિ, તમને તો અસર થઇ જ જાય. આ ક્રોધ. જે શરીર ઉપર પણ ખરાબ અસરો પાડે, મન ઉપર પણ ખરાબ અસરો પડે. એ ક્રોધની ચુંગાલમાંથી આપણે નીકળવું છે એવું આજે નક્કી કરી દઈએ. તમારા મનની શાંતિને ક્રોધ છીનવી લે છે. શાંતિથી બેઠા હોવ, અને કોઈએ કંઈક કહ્યું; અરે કહ્યું તો કહ્યું. એણે કહ્યું; એમાં તમે શા માટે હેરાન થાવ છો. તમે એટલા એકદમ ગરમ થઇ જાવ, અને તમે ગરમ થાવ તો તમારી શાંતિ જે છે એ છીનવાઈ જાય છે. પહેલી વાત આ, કે દિવસ દરમ્યાન ક્રોધને ઉત્તેજિત કરે તેવું પહેલું જે નિમિત્ત આવે, એની અસર તમારા ઉપર થવા દેવી નહિ. બોલો નક્કી? શક્ય છે? હવે એ ક્રોધને આપણે કાઢી શકીએ. Even ઓછો કરી શકીએ. તો ક્ષમાભાવની પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો.
એવા સાધકો થયા, તમે એમની વાત સાંભળો. અને તમને થાય કે આવી પરિસ્થિતિમાં એ લોકોએ ગુસ્સો ન કર્યો. તો મારી પાસે તો આવી પરિસ્થિતિ છે જ નહિ. તિબેટની અંદર રાતોરાત ચીનનું આધિપત્ય છવાઈ ગયું. તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈલામા આપણા તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના આમંત્રણથી ભારતમાં આવ્યા. એ આજે પણ ભારતમાં છે. થોડા ભિક્ષુઓ તિબેટમાં હતાં, એ ચીનના સૈનિકો દ્વારા પકડાઈ ગયા. એમને જેલમાં નાંખવામાં આવ્યા. અપરાધ કોઈ નહિ, ગુનો કોઈ નથી. તમે બૌદ્ધ ભિક્ષુ છો, માટે જેલમાં. જે ભિક્ષુઓને લોકો પ્રેમથી નવાજે, એ ભિક્ષુઓ આજે જેલની અંદર અપમાનિત થઇ રહ્યા છે. સહેજ ભૂલ થાય, જેલર હન્ટર લઈને તૈયાર થઈને આવે. હન્ટરે – હન્ટરે પીઠ પર ઠોક્યા કરે. ખાવાનું અપૂરતું અને ઠેકાણા વગરનું. રહેવા માટેની ઓરડી – બેરેક, એવી કે ધોળે દિવસે મચ્છર કરડે. આવી પરિસ્થિતિમાં રહેવાનું થયું. ૧૮ વર્ષ સુધી આ રીતે રહેવાનું થયું. ૧૮ વર્ષે ચીનનો એક ઉત્સવ આવ્યો. બધા કેદીઓને છોડ્યા. એમાં ભિક્ષુઓને પણ છોડ્યા. જેલમાંથી છૂટ્યા પછી એક ભિક્ષુ પોતાના ગુરુ દલાઈલામાના ચરણોમાં નમન કરવા માટે ભારત આવ્યો. ભારત આવ્યો, દલાઈલામાના ચરણોમાં પડ્યો, ધ્રુસકે ધ્રુસકે રડ્યો. એના એક-એક આંખોમાં, એક-એક આંસુમાં ગુરુ પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો. તમારા બધાની આંખોમાં છે ને એમ. બસ આંખોમાં પ્રભુ પ્રત્યેનો પરમ હોય, સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ હોય, શ્રી સંઘ પ્રત્યે પ્રેમ હોય. બસ આપણે બીજું કંઈ જોઈતું પણ નથી.
પાલ સંઘ ખુબ જ ઉત્સાહી છે, તમારા આટલા બધા ઉત્સાહનું અમને પણ ખ્યાલ નથી. ઠીક છે ચોમાસું કરી લઈશું. ઉપાશ્રય છે મોટો. પણ, તમારો આટલો બધો ઉત્સાહ કલ્પનાની પણ બહાર હતો. પણ અમે લોકો પ્રસન્ન માત્ર અને માત્ર તમારી શ્રદ્ધાથી. બીજું કશું જ ન જોઈએ, એ જ તમારી શ્રદ્ધા છે. સદ્ગુરુના ચરણોમાં તમે તમારી શ્રદ્ધાનું પુષ્પ સમર્પિત કરો, એથી વધુ સદ્ગુરુને બીજું કંઈ જોઈતું નથી. જે ગુરુએ, ગુરુચેતનાએ આપણને સંસ્કારો આપ્યા. જે ગુરુચેતનાએ આપણને શિક્ષિત અને દિક્ષિત કર્યા, એ ગુરુ ચેતનાના ચરણોમાં તમે ભાવ વિભોર થઇ અને બેસી જાવ.
મુનિચંદ્રસૂરિ મ.સા. આ સંઘના સ્થાપક છે. એમણે જે જહેમત ઉઠાવી છે, તમારા બધાના ઉત્સાહને ભેગો કરીને એમણે મજાના ભવનો, દેરાસર, બનાવી દીધા. હવે અમે તો સંતુષ્ટ. પ્રેરણાથી કામ થયું. અમે એમાંથી નીકળી જઈએ. કેટલાય કામો થયા હોય અમારા કારણે, અમારું કર્તૃત્વ અમે ક્યારેય પણ માનતા નથી. પ્રભુએ કરાવ્યું. સદ્ગુરુ ચેતના ક્યારેય પણ કર્તૃત્વની ભૂમિકા ઉપર આવતી નથી. મેં કંઈ નથી કર્યું. પ્રભુએ કરાવ્યું છે.
સંઘની સ્થાપના થઇ. મજાના ભવનો બની ગયા. તમે લોકો એટલા ઉત્સાહી છો, કે આ સંઘના સાધારણમાં જે પણ જોઈતું હોય, તમે આપવા માટે તત્પર હોવ. ટ્રસ્ટીઓ એ એટલી સરસ વિચારણા કરી છે, કે વાચનાની એક પણ મિનિટ બગડે નહિ, એના માટે સવારે આવતીકાલથી વાચના પહેલાં તમારી પાસે સાધારણની વાત મુકશે. અને મુકે એટલી જ વાર છે. સીધું છલકાઈ જવાનું છે.
કારણ, તમારી પાસે પ્રભુ પ્રત્યેનો, સદ્ગુરુ પ્રત્યેનો અપ્રતિમ ભાવ છે. પેલા ભિક્ષુ ગુરુના ચરણોમાં ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુરુએ એની પીઠ પર હાથ પસવાર્યો, આશ્વાસન આપ્યું, બેઠો. ગુરુએ બધી એની વિતક કથા સાંભળી અને પછી એક સવાલ કર્યો; ૧૮ વર્ષના જેલવાસની અંદર અઘરામાં અઘરી બાબત કઈ? તમને શું લાગે? અરે સાહેબ અઘરું શું નહતું એ કહો ને! ખાવામાં ઠેકાણું નહિ, એ પણ અપૂરતું. દિવસ અને રાત મચ્છર શરીર ફોલી નાંખે. સહેજ ભૂલો થાય, એટલે જેલર હન્ટર લઈને તૂટી પડે, ચાબુક લઈને. સાહેબ અઘરું શું નહતું.. તમે એમ જ બોલો ને? ગુરુ પૂછે છે; ૧૮ વર્ષના જેલવાસમાં અઘરામાં અઘરું શું હતું? એ ભિક્ષુએ જે વાત કરી; અદ્ભુત. ભિક્ષુ કહે છે, ગુરુદેવ! આપે અમને સંસ્કાર આપ્યા છે, કે એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર થવો ન જોઈએ. ગઈ કાલે કહ્યું હતું ને…
પંન્યાસજી ભગવંત કહે છે; આપણા યુગના શ્રેષ્ઠ ગુરુ કહે છે, કે તમે જો એક વ્યક્તિનો તિરસ્કાર કરો, તો એ એક વ્યક્તિનો તિરસ્કાર નથી. તીર્થંકર ભગવંતની તમે કરેલી આશાતના છે. પ્રભુએ બધાને ચાહ્યા કે નહિ ચાહ્યા? પ્રભુએ કોઈને બાકાત રાખેલો? કે એક સુરતવાળો છે, એને બાકાત રાખજો, બાકી આખી દુનિયાનું કલ્યાણ થાઓ. ભગવાને કોઈને બાકી રાખેલા? તો ભગવાને એમને ચાહ્યા. એમને આપણે ધિક્કારી શકીએ? તો શિષ્ય કહે છે; કે ગુરુદેવ! આપે શિક્ષણ આપેલું કે એક પણ વ્યક્તિ પર તિરસ્કાર કરવો નહિ. પરિસ્થિતિ એવી હતી કે રોજ કોઈના ને કોઈના ઉપર ગુસ્સો આવી ગયો. વગર કારણે ચાબુકોનો વરસાદ વરસાવે. ગુસ્સો આવે કે ન આવે? વેઈટર પીરસવા આવે અને ઢોરને નાંખતો હોય એ રીતે રોટલી આમ પટકે તમારી થાળીમાં, તમને કેવું ઘા જેવું લાગે. એક દિવસમાં એક નહિ, અનેક નિમિત્તો એવા મળતાં કે અનેક વ્યક્તિઓ ઉપર તિરસ્કાર થતો, ગુસ્સો આવે.
એટલે ૧૮ વર્ષના જેલવાસમાં અઘરામાં અઘરું એ હતું કે કોઈના પ્રત્યે તિરસ્કાર ન થાય. મારી સાધના આમાં જ હતી. હું જો કોઈના ઉપર ગુસ્સે થઇ જાઉં, તો મારી પાસે કોઈ સાધના જ નહતી. ગુરુ પૂછે છે કે તારો આ વિચાર હતો: કે ૧૮ વર્ષમાં કોઈના પ્રત્યે તિરસ્કાર ન થાય, ગુસ્સો ન આવે. પરિણામ શું મળ્યું? એ વખતે એ ભિક્ષુ કહે છે; ગુરુદેવ! પ્રભુની કૃપા, આપની કૃપા કે ૧૮ વર્ષમાં એકવાર પણ એક પણ વ્યક્તિ પર ગુસ્સો આવ્યો નહિ. પણ એ શું કહે છે? પ્રભુની કૃપા, આપની કૃપા… મારી શક્તિ નથી કોઈ. પણ, પ્રભુની શક્તિનો કોઈ ઓરછોર નથી. એ પ્રભુની શક્તિથી, એ સદ્ગુરુની શક્તિથી આ કામ શક્ય બન્યું. આપણને લાગે, આપણે હલી જઈએ કે ૧૮-૧૮ વર્ષ સુધી આ રીતે અપમાન, તિરસ્કારની છડીઓ વરસતી હોય, અને છતાં એ માણસ કોઈના પ્રત્યે પણ, સહેજ પણ ગુસ્સો ન લાવે. આ કેટલી મોટી સાધના. કેવી સાધના ઘૂંટાઈ હશે. આવા સાધકોની વાત સાંભળવી, વાત વાંચીએ, અને આપણને થાય કે ચાલો એમના જેટલું તો નહિ, પણ, કંઈ શરૂઆત સારી કરીએ. તો આજથી નક્કી?
પહેલું નિમિત્ત મળે એમાં ગુસ્સે થવાનું નહિ. અને ત્યાં કહી દઉં, શ્રાવિકાઓને કહી દઉં કે પહેલું નિમિત્ત જોરદાર આપી દે. તમારી પરીક્ષા કરવા. અહીં તો શીતલનાથ દાદા, અને ચંદન પૂજા કરો ત્યારે શું બોલો? “શીતલ ગુણ જેમાં રહ્યો” “આત્મ શીતલ કરવા ભણી” પ્રભુ તો શીતલ છે જ. ચંદનથી પૂજા કેમ કરું છું? હું ઠંડો પડું એટલા માટે. એ તમે પૂજા કરતાં હોવ, અને ‘આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ’ બોલતાં હોવ, અને શ્રાવિકાજી દર્શન કરવા આવેલા હોય, ત્યારે એમને થાય કે ૪૦ વર્ષથી આ પૂજા કરે છે. અને રોજ ભગવાનને કહે છે, કે ‘આત્મ શીતલ કરવા ભણી’ તો કેટલા ઠંડા પડ્યા જરા જોઈએ તો ખરા. એ એના માટે સ્પેશિયલ ચા બનાવીને પી લે. તમારા માટે છે ને જેમાં ખાંડનું ઠેકાણું નહિ, ચા ઉકળી ન હોય. ખાલી ગરમ પાણી હોય. એ તમને આપી દે. ત્યારે શું થાય? ‘આત્મ શીતલ કરવા ભણી’ શું કરો છો તમે લોકો? એક ચા બનાવવાની એમાં ય તમારું ઠેકાણું નથી. ક્યાં મગજ હોય છે તારું, એનું મગજ તો ગમે ત્યાં હોય, તમારી ઠંડક ક્યાં ગઈ?
પરભાવથી દૂર થવું. અને સ્વભાવની અંદર સ્થિર હોવું. તો આજે નક્કી? આ લોકોને કહી દઉં પરીક્ષા કરે? બરોબર?