Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 20

14 Views
15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરભાવે મત રાચો રે

નિશ્ચયથી પ્રભુનો ધર્મ પામવા માટેનું સૂત્ર છે: આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે. કોઈ પૂછે કે આ જન્મમાં જે પણ સાધના તમે કરો છો, એ સાધના દ્વારા તમારે શું મેળવવું છે? તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે પરભાવમાંથી હું મુક્ત થાઉં અને સ્વભાવની ધારામાં હું સ્થિર થાઉં – એટલું જ મારે જોઈએ છે.

પરભાવ. રાગ-દ્વેષ-અહંકારમાં સુખની બુદ્ધિ અનંતકાળથી ચાલી આવી છે. ખરેખરમાં સુખ શેનાથી મળે? પદાર્થોથી કે ભીતરના આસ્વાદથી? અનંત જન્મોથી જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના આપણે કરીએ છીએ. અને એથી અનંતા જન્મોથી રખડવા છતાં આપણો મોક્ષ થતો નથી.

પર પદાર્થોના ઉપભોગથી સુખ મળ્યું એવી જે કલ્પના થાય છે એ સુખાભાસ. ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય અને જે આનંદ આવે એનું નામ સુખ. અને તમે મનને પેલે પાર જાવ અને પરમતત્ત્વને જોતા, પરમચૈતન્યને જોતા તમે પણ એ પરમચૈતન્યની અનુભૂતિ કરી શકો એ ક્ષણો આનંદ ની ક્ષણો છે.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૨૦

ગઈકાલે એક મજાનું સૂત્ર આપણી સામે હતું. “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે”

૪૫ આગમગ્રંથોનો સાર મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ શબ્દોમાં આપણને આપ્યો. કોઈ પૂછે; કે આ જન્મમાં જે પણ સાધના તમે કરો છો, એ સાધના દ્વારા તમારે શું મેળવવું છે? તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે પરભાવમાંથી હું મુક્ત થાઉં. અને સ્વભાવની ધારામાં હું સ્થિર થાઉં, એટલું જ મારે જોઈએ છે.

પરભાવ, વિભાવ. રાગ અને દ્વેષમાં, અહંકારમાં, સુખની બુદ્ધિ એક અનંતકાળથી ચાલી આવી છે. સુખ શેનાથી મળે? પદાર્થોથી કે ભીતરના આસ્વાદથી? જમવા માટે બેઠા. ચાર રોટલી અને શાક ખવાઈ ગયું. પેટ લગભગ ભરાઈ ગયું છે. હવે દાળ-ભાતની થોડી જગ્યા છે. એ વખતે પાંચમી રોટલી, છટ્ઠી રોટલી, સાતમી રોટલી તમને આપવામાં આવે તો? ભુખ લાગેલી હતી, ચાર રોટલી તમે ખાધી, ત્યાં સુધી તમને સુખનો અનુભવ થયો. એ જ રોટલી છે, એ જ શાક છે, હવે કેમ? રોટલી બદલાઈ ગઈ કે તમે બદલાઈ ગયા? કોણ બદલાઈ ગયું? હકીકત એ હતી, કે રોટલી અને શાક દ્વારા સુખ નહિ મળે. પણ, ભૂખનું જે દુઃખ હતું એ ઓછું થયું.

તો અનંતજન્મથી જ્યાં સુખ નથી, ત્યાં સુખની કલ્પના આપણે કરીએ છીએ. અને એથી અનંતા જન્મોથી રખડવા છતાં આપણો મોક્ષ થતો નથી.

ત્રણ શબ્દો મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ પહેલાં સ્તવનની પહેલી કડીમાં આપ્યા. “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહી આનંદ લાલ રે” શબ્દની અંદર બે શબ્દો આપ્યા. સુખ અને આનંદ. પણ, અશબ્દની અંદર સુખાભાસ શબ્દ પણ વાપર્યો તો ત્રણ ચરણો થયા; સુખાભાસ, સુખ અને આનંદ.

પરપદાર્થોના ઉપભોગથી સુખ મળ્યું એવી જે કલ્પના થાય છે એ સુખાભાસ. ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય, અને જે આનંદ આવે એનું નામ સુખ. “મુખ દીઠે સુખ ઉપજે” તો આનંદ ક્યારે મળે? સુખ અને આનંદને અહીંયા  છુટ્ટા પડ્યા છે. ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય ત્યાં સુધી સુખ. અને તમે મનને પેલે પાર જાવ, અને પરમતત્વને જોતાં, પરમચૈતન્યને જોતાં તમે પણ  પરમચૈતન્યની અનુભૂતિ કરી શકો, એ ક્ષણો આનંદની ક્ષણો છે. તમારે ક્યાં જવું  છે? બોલો.. સુખાભાસમાં છો. સુખમાં અને આનંદમાં તમારે જવું છે. સુખમાં તમે જઈ શકો, એના માટે કેટલી મજાની પરંપરા આપણને મળી. કેટલા ભવ્ય  જિનાલયો, કેટલા ભવ્ય પરમાત્મા જોઇને જ આંખો ભીની બને.

અહીંયા શીતલનાથદાદા છે, પણ પાલવાળા કહેશે; અમારા દાદા છે. શીતલનાથદાદા નહિ, અમારા દાદા છે. એક બહુ મજાનો short cut આપું? બહુ જ મજાનો short cut કે તમે સીધા ઉચકાઈ જાવ. અત્યાર સુધી મારાપણાનો સંબંધ ઓફીસ જોડે, ઘર જોડે, પરીવાર જોડે રાખ્યો. મારો પરિવાર, મારું ઘર, મારી  ઓફીસ. એ જે મારાપણાનો સંબંધ છે એ સંબંધ પ્રભુની સાથે જોડાઈ જાય, એટલે તમે ઉચકાઈ ગયા. મારા ભગવાન, મારા સદ્ગુરુ, મારા પ્રભુનું શાસન.

હકીકતમાં તમારો જે અહોભાવ છે, તમારી પાસે જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને અહીંયા પહોંચતા વાર નહિ લાગે. મારા પ્રભુ, મારા પ્રભુનું જિનાલય. મારા સંતો, એક સાધ્વીજી ભગવતીની ત્યાં વિહારની અંદર કોઈએ છેડતી કરેલી હોય, તમે ઉકળી ઉઠો. મારા પ્રભુની સાધ્વી, અને એનું અપમાન, કોઈ હિસાબે હું ચલાવી ન લઉં.

ધોળકાની અંદર આચાર્ય ભગવંત મોટા વૃંદ સાથે પધારેલા, સ્વાગત યાત્રા થઇ. પ્રવચન થયું. ગુરુદેવ ઉપાશ્રયમાં બિરાજમાન છે. બપોરના સમયે એક બાલમુનિએ સુપડીની અંદર કચરો લીધો. કાજો… એ પછી વિધિપૂર્વક એને પરઠવાનો હતો. એને બદલે બાલમુનિએ સીધો જ ઉપરથી એ કચરો નીચે નાંખ્યો. એ વખતે રાજાના મામા ત્યાંથી પસાર થતાં હતા. બરોબર કચરો એ મામાના માથા ઉપર પડ્યો. આમ જોયું ઉપર બાલમુનિ હતાં. એ રાજાનો મામો ધર્મને પામેલો નહિ. સીધો જ ઉપર આવ્યો અને બાલમુનિને એક લાફો ઠોકી દીધો અને ધડધડાટ સીડી ઉતરીને ચાલ્યો ગયો. ઉપાશ્રયમાં એક શ્રાવક, એણે આ દ્રશ્ય જોયું. પણ, રાજાના મામાની સામે પોતે કંઈ કરી શકે એમ નથી. એ દોડ્યો વસ્તુપાલને ત્યાં. અને વસ્તુપાલને કહ્યું; કે આ રીતે રાજાના મામાએ બાલમુનિના ગાલ પર થપ્પડ ઠોકી દીધો. આ વસ્તુપાલ… ઉકળી ઉઠ્યા. મારા સદ્ગુરુના ચહેરા ઉપર લાફો મારનારનો હાથ મૂળ માંથી ઉડી જવો જોઈએ. આજે એ હાથ રહી શકે નહિ. રાજાના મામાને ultimatum આપ્યું; મામા આવી જાવ મેદાનમાં, લડવા માટે. આજે તમારા હાથને તોડ્યા વગર હું રહીશ નહિ. કીડીને પણ બચાવનાર વસ્તુપાલ એક પોતાના ગુરુના ભક્તિભાવ માટે અહીં સુધી તૈયાર થઇ ગયા. રાજાના મામાને થયું; કે રાજાની પાસે જાઉં, અને રાજા મને રક્ષણ આપશે. મામા તો ગયા રાજાની પાસે કે વસ્તુપાલે આવો સંદેશો મોકલ્યો છે કે, તમારો હાથ આજે જડમૂળથી ઉખડી જશે. તું મને બચાવ! એ વખતે વસ્તુપાલ કહે છે: મામા! ધર્મનો મામલો જ્યાં છે ત્યાં વસ્તુપાલ મારું પણ કહ્યું સાંભળશે નહિ. રાજા એ જ્યારે વસ્તુપાલને આમંત્રિત કરેલા; કે તમે ગુજરાત રાજ્યના મહામંત્રી બનો. એ વખતે વસ્તુપાલે કહેલું; કે તમારી આજ્ઞા હું માનીશ. અને તમારી આજ્ઞા ઉઠાવવા માટે કદાચ માથું આપવું પડે તો પણ આપીશ. પણ એક વાત તમને કહું; કે તમારી નોકરી આજે હું સ્વીકારીશ. એના પહેલાં જન્મતાંની સાથે મારા પ્રભુ અને મારા સદ્ગુરુની નોકરી મેં સ્વીકારેલી છે. એટલે ધર્મનો મામલો આવશે ત્યારે વસ્તુપાલ તમારું કીધું નહિ માને. અને આ condition ઉપર રાજાએ વસ્તુપાલને મહામંત્રી તરીકે બિરાજમાન કર્યા. વસ્તુપાલ કહે છે: પહેલો મારો ધર્મ પછી સંસાર.

આ એક નાનકડું સૂત્ર તમારી પાસે આવી જાય, કલ્યાણ થઇ જાય. પહેલા ધર્મ પછી સંસાર. સેંકડો પ્રવચનો સાંભળ્યા એનો સાર શું? સાર આટલો જ. પહેલા નંબરે ધર્મ, પછી મારો સંસાર. તો રાજાએ કહ્યું; કે વસ્તુપાલ આ બાબતમાં મારું કહ્યું માનશે નહિ. તો હવે શું કરવું? રાજાએ કહ્યું; મામા! એક કામ કરો. પાછળના બારણેથી ઉપાશ્રયમાં પહોંચી જાવ. આચાર્ય ભગવંતની માફી માંગો. આચાર્ય ભગવંત ઉદાર છે. તમને માફી આપી દેશે. પછી વસ્તુપાલનું કંઈ પણ ચાલશે નહિ. મામા ઉપાશ્રય ગયા, ગુરુના ચરણોમાં પડ્યા, કે ગુરુદેવ! મારી ભૂલ થઇ ગઈ. મને ક્ષમા આપો. ગુરુદેવે ક્ષમા આપી. વસ્તુપાલ શોધી રહ્યા છે, કે મામા છે ક્યાં? ખબર પડી કે ઉપાશ્રયમાં ગયા છે. વસ્તુપાલ ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયમાં સદ્ગુરુને જોયાં, ચરણોમાં પડ્યા, એ વખતે સદ્ગુરુએ કહ્યું; કે વસ્તુપાલ! આ પણ તારો સાધર્મિક બન્યો છે. એને હવે તારે આંગળી પણ અડાડવાની નહિ. કેટલો બધો ગુસ્સો હતો, મારું કે મરું? એ ગુસ્સા ઉપર ઢાંકણ ક્યાંથી લાગ્યું? સદ્ગુરુની આજ્ઞા; મારા ગુરુદેવ કહે છે, ગુસ્સો ન કર. વસ્તુપાલે એને માફી આપી દીધી.

શું મજાનું શાસન આપણને મળ્યું છે, ગુસ્સો આવ્યો, પણ મારા પ્રભુ શું કહે છે? મારા પ્રભુ કહે છે: “उवसमेण हणे कोहं” તારા ક્રોધની જગ્યાએ તું ક્ષમાને લાવી દે. ક્રોધને ઘણી રીતે દૂર કરી શકાય છે. કાલની વાત તો ગમી ગઈ હતી ને આમ, ગઈકાલે કહેલું; કે પહેલું નિમિત્ત મળે, એમાં શાંતિ રાખવાની. ગમી ગયેલું? તમે અનુપ્રેક્ષા, ચિંતન કરો, તો પણ તમે ક્રોધને કાઢી શકો.

ભગવાન બુદ્ધ બોધિ સત્વ રૂપે એક જન્મમાં પાડાના અવતારે છે. શેઠને ત્યાં એ પાડો બંધાયેલો છે. દૂરથી પાણી લાવવાનું હતું, તો પાડા ઉપર પખાલ મૂકી અને પખાલી પાણી લઇ આવે. બીજો સમય ચોગાનની અંદર એક વૃક્ષ હતું. એની નીચે એ બંધાયેલો રહે. ખાય-પીએ. એ વૃક્ષ ઉપર એક કાગડો હતો. કાગડાની જાત આમેય અટકચાળી હોય જ. એ પાડાના શરીર ઉપર બેસે. ચાંચ મારે, ક્યારેક તો આંખ પાસે ચાંચ મારી. પણ પાડો કોઈ reaction ન આપે.

શ્રાવણ મહિનો શરૂ થયો એટલે આપણા માટે પર્વાધિરાજનો – પ્રારંભનો મહિનો શરૂ થયો. અત્યારથી તૈયારી કરવી છે; કે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ action આપે, reaction નથી આપવું. કોઈએ કંઈક કહ્યું; પ્રેમથી સાંભળી લો. આખરે, તમે જો સાધક હોવ, તો શબ્દોથી શું થાય? ગાળના શબ્દો એ પૌદ્ગલિક ઘટના છે. પૌદ્ગલિક ઘટનાથી તમને શું થાય? પુદ્ગલ,પુદ્ગલ છે. તમે, તમે છો. ગાળો બોલવી એમ નહિ. બિનજરૂરી બોલવાનું હોય, એની પણ શાસ્ત્રોએ ના પાડી છે.

દેવચંદ્રજી મ.સા. એ અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં કહ્યું છે: “ભાષાવર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાય, કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાર” એમણે કહ્યું; કે બોલતી વખતે તમે શું કરો છો? ભાષાવર્ગણાના પુદ્ગલોને પકડો અને છોડો. પણ એ પકડવામાં અને છોડવામાં આત્મ-શક્તિ વપરાય છે. તો પુદ્ગલોને પકડવા માટે અને પુદ્ગલોને છોડવા માટે શું આત્મ-શક્તિ વાપરી શકાય ખરી? તમારો ઉપયોગ, તમારી આત્મ-શક્તિ સતત ક્યાં વહેતી હોય? પ્રભુની આજ્ઞાના અનુપ્રેક્ષણમાં. તમારો ઉપયોગ યોગો પર નિયંત્રણ લાદનારો છે. તો Action ની સામે reaction એ દુનિયાનો નિયમ. તમારો નહિ. બરોબર ને. એક જૈન તરીકે Action ની સામે reaction એ તમારો સિદ્ધાંત નહિ. Action ની સામે non – Action. મેં એને ગત જન્મની અંદર કંઈક હેરાન કર્યો હશે, માટે એ મને હેરાન કરે છે. એ ખરાબ નથી. મારું કર્મ ખરાબ છે.

અંજનાસતીએ પોતાના પતિને ખરાબ કહ્યા? યુદ્ધના મેદાન ઉપર પતિ જાય, અંજના સતી કુમકુમથી વધાવવા માટે જાય, અને પવનંજય પાટું મારીને ફેંકી દે છે. ભાનમાં આવે અંજના, સખીઓ કહે છે કે આવો માણસ હોય? હૈયા – ફુટુ?  ૨૨-૨૨ વર્ષ સુધી તારી સામે જોયું નહિ. અને આજે તું કુમકુમથી એને વધાવવા ગઈ અને એણે પાટું માર્યું. એ વખતે અંજનાસતી શું કહે છે? મારા પતિનો કોઈ વાંક નથી. મારા કર્મનો વાંક છે. ક્યારેપણ કોઈપણ પ્રક્રિયા જીવનમાં ઘટે એ વખતે સામે કોઈ વ્યક્તિને નહિ જોવી, સામે આપણા કર્મને જોવા.

એક નાનો દીકરો હોય, પાંચ-સાત વર્ષનો, દોડતો હોય, પડી જાય. પડી તો જાય, ઉભોય થઇ જાય એની મેળે, ધૂળ ખંખેરી નાંખે, પછી જુએ કે આજુબાજુ કોઈ છે નહિ, એટલે એમ ને એમ ચાલે. કારણ? દોષ કોના ઉપર ઢોળવો? પોતે જ પડી ગયો છે. પણ ક્યાંક જાય, અને કોઈ અંકલ ટપલી લગાવે ને, તોય ભેંકણો તાણે, કે અંકલે મને માર્યું. ત્યાં બીજું સામે દેખાય છે. તમને જૈન તરીકે એક પણ વ્યક્તિ તમારા તરફ ખરાબ કાર્ય કરનારી લાગવી ન જોઈએ. એ વ્યક્તિ ખરાબ કામ નથી કરતી. મારું કર્મ જે છે એ આ કામ કરે છે. શરીરમાં તકલીફ થઇ, કર્મને કારણે. પેલાએ ગાળો મારી, એ પણ કર્મને કારણે. નિમિત્ત રૂપે કોઈ વ્યક્તિને હવે લાવતાં નહિ, પછી જુઓ તમે કેટલી મજામાં રહો છો… ભાઈ આપણું કર્મ હતું થઇ ગયું. થોડુક પુણ્ય વધારી દઈએ, થોડી આરાધના વધારી દઈએ. પણ, વ્યક્તિ સામે દેખાશે તો? એણે આમ કર્યું સાલાએ. તક મળે ત્યારે વાત છે, એનો પણ ટોટો પીસી નાખું. આ આર્ત્ત અને રૌદ્ર ધ્યાનમાં તમે સતત રહો છો. કારણ શું? નિશ્ચયથી પ્રભુશાસન આપણને જે રીતે મળવું જોઈએ એ રીતે મળ્યું નહિ.

મારી એક વ્યાખ્યા છે: દુનિયાના બધા જ માણસો સારા જ છે. ખરાબ હોય તો એકમાત્ર હું છું. આ વિચાર જેના હૃદયમાં દ્રઢ થયેલો હોય, એને જ પ્રભુશાસન નિશ્ચયથી મળેલું કહેવાય. યાદ રહી ગયું આમ.. દુનિયાના બધા જ માણસો સારા જ છે ખરાબ હોય તો એક હું છું. આ વિચારણા દ્રઢ બની તો તમે નિશ્ચયથી પ્રભુશાસનમાં આવી ગયા.

કેવું અદ્ભુત શાસન મળ્યું છે. અને એમાં આપણો આંતર પ્રવેશ  ન થાય તો ચાલે કેમ? પેલો પાડો reaction આપતો જ નથી. એ ઝાડ ઉપર એક વ્યંતર દેવ પણ રહેતો હતો. એ વ્યંતર દેવે પાડાને એકવાર કહ્યું; એની ભાષામાં કે આ કાગડો તને આટલો હેરાન કરે છે; એકવાર નીચે બેઠેલો હોય ને કાગડો, એક પાટું માર ને એને, ખો ભુલી જાય. એ વખતે પાડો કહે છે; કે ગુરુને પાટું કેમ મરાય? ગુરુને પાટું કેમ મરાય? અરે કાગડો તારો ગુરુ ક્યાંથી? શું એનું આંતર-નિરીક્ષણ છે! પાડો કહે છે: કે મારામાં સમભાવ છે કે નહિ એની પરીક્ષા આ કાગડો કરે છે. અને પરીક્ષક હોય તો ગુરુ જ હોય. મારામાં ક્ષમા છે કે નહિ, સમભાવ છે કે નહિ, એની પરીક્ષા આ કાગડો કરે છે. તો એ કાગડો તો મારો ગુરુ છે, અને ગુરુને પાટું કેમ મરાય? કેટલી મજાની વિચારણા. પોતાને આ રીતે હેરાન કરનારને પણ ગુરુ તરીકે બિરાજમાન કરવો આ જિનશાસન જેને મળેલું હોય એ જ કરી શકે.

આપણે આ રીતે નિશ્ચયથી પ્રભુ ધર્મને પામવો છે. અને એ નિશ્ચયથી પ્રભુનો ધર્મ પમાય એના માટે સૂત્ર છે: “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” તમે કહો ને કદાચ, પૂછો; મ. સા. આટલા શાતામાં તમે કેમ? આટલી મજામાં તમે કેમ છો? તો કોઈ પણ મુનિરાજ જવાબ એક જ આપશે; પ્રભુની કૃપા. પણ એ પ્રભુની કૃપા કઈ રીતે ઉતરી? કે પરભાવમાંથી મુક્તિ મળી. અને આત્મભાવમાં સ્થિર થઇ.

તમારે પ્રભુની કૃપા કેવી જોઈએ? સદ્ગુરુ પાસે આવો. વાસક્ષેપ લો. રોજ લો. વાંધો નહિ. પણ તમારી ઈચ્છા એક જ હોય કે નિશ્ચયથી આ પ્રભુનું શાસન મને મળે અને ભવોભવની અંદર આ જ પ્રભુનું શાસન મને મળે. એટલે પ્રભુની કૃપા દ્વારા સદ્ગુરુની કૃપા દ્વારા આ એક point ઉપર આપણે પહોંચવું છે, કે આપણે આત્મભાવમાં સ્થિર બનીએ અને પરભાવમાંથી મુક્ત બનીએ. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *