વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આતમભાવે સ્થિર હોજો
આત્મભાવમાં સ્થિર થવા માટે બે વસ્તુ જોઈએ: સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત. મને પોતાને શક્તિપાત ઉપર બહુ વિશ્વાસ છે. રાગ-દ્વેષ-અહંકારમાં સતત ગોથા ખાતા આપણે શી રીતે સાધનાની ટોચે પહોંચીએ? સદ્ગુરુનો શક્તિપાત ન મળે, તો એ અશક્ય છે.
શક્તિપાત એટલે શક્તિનું સંક્રમણ. ગુરુની જે શક્તિ છે, એનું શિષ્યની અંદર સંક્રમણ; પ્રતિબિંબન. સદ્ગુરુ ચાર રીતે શક્તિપાત કરે. આંખથી કરે, હાથથી કરે. શબ્દથી પણ કરે; સદ્ગુરુના માત્ર થોડાં શબ્દો અને શક્તિપાત થઇ જાય. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ શક્તિપાત સદ્ગુરુ પોતાની body માંથી નીકળતા આંદોલનો દ્વારા કરે. તમે તૈયાર થયેલા હોવ, તો ગુરુએ એક શબ્દ પણ બોલવાની જરૂર નથી હોતી; તમે ગુરુના ચરણોમાં માત્ર બેસો અને તમને બધું જ મળી જાય.
સાધક તરીકેની તમારી પહેલી સજ્જતા: સૂરત નિરત કો દીવલો – પ્રભુની નિરંતર સ્મૃતિરૂપી કોડિયું. હૃદય, મન, અસ્તિત્વ પ્રભુમય બનેલું હોય. પ્રભુ અને સદ્ગુરુ તમને સતત યાદ રહે. અને જો એમ થાય, તો તમારી પાસે માત્ર આનંદ જ હોય.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૧
મજાની પંક્તિ આપણી સામે છે: “આતમભાવે સ્થિર હોજો,પરભાવે મત રાચો રે”
૪૫ આગમગ્રંથોની અંદર પ્રભુની જે આજ્ઞા અપાયેલી છે, એનો સાર શ્રીપાલ રાસમાં મહોપાધ્યાય યશોવિજયમહારાજે આપ્યો: “આતમભાવે સ્થિર હોજો,પરભાવે મત રાચો રે.” રાગમાં, દ્વેષમાં, અહંકારમાં જવું નથી. અને આત્મભાવમાં સ્થિર થવું છે. ભગવાને બહુ સરસ વાત કરી; ‘પરભાવે મત રાચો રે’ પરમાં ન જાવ, પરનો ઉપયોગ ન કરો,એવું પ્રભુ કહેતાં નથી. પ્રભુ કહે છે; પરભાવમાં તારે જવાનું નથી. શરીર છે, તો સાધુને પણ વાપરવું પડશે. રોટલી અને દાળનો ઉપયોગ કરવો પડશે. ઉપયોગ થાય ત્યાં સુધી વાંધો નથી. પણ, એ ભોજનના દ્રવ્યો ઉપર ગમો કે અણગમો થાય એનો વાંધો છે.
કેટલી મજાની વાત. પ્રભુ નથી કહેતાં કે તું માસક્ષમણ કર, સોળભત્તું કર, ભલે તું રોજ જમે. પણ જમતી વખતે એમાં આસક્તિ ન હોય. એવું તારે કરવું છે. એના માટે એક practical approach વચ્ચે બતાવેલો, કે સ્તવન તો તમને ઘણા બધા આવડે છે. ઘણા બધા આવડે ને? શીતલનાથદાદા મૂળનાયક હોય, કે ક્યાંક મહાવીર સ્વામી ભગવાન મૂળનાયક હોય, તમને તમારા દેરાસરના મૂળનાયક પ્રભુના કેટલા સ્તવન આવડતાં હોય? બોલો? ૩૬૦ બરોબર ને? કેમ? પ્રભુને રોજ નવું સ્તવન નહિ સંભળાવો. ચાલો discount કરીએ ૩૦. મહિનાની દરેક તારીખે પ્રભુને અલગ-અલગ સ્તવન સંભળાવવાના.
તમારે ત્યાં મહોત્સવ હોય. અષ્ટાન્હિકા મહોત્સવ. ત્રણે ટાઈમ જમણવાર હોય. પહેલા દિવસે બપોરે જમવામાં મોહનથાળ અને ફૂલવડી. દાળ – શાક. બીજા દિવસે પણ મોહનથાળ, ત્રીજા દિવસે મોહનથાળ. તમે શું કહો? આ કંદોઈ ક્યાંથી પકડી લાવ્યાં છો? આ રસોઈયો ક્યાંથી લઈને આવ્યા છે. સાલાને કંઈ આવડતું નથી. એમ ભગવાન ન કહે. તો practical approach એ છે, કે જમવાનું શરૂ થાય. શરીર જમવાનું કામ કરશે. મનને તમે સ્તવનમાં મૂકી દો. શરીર આમ, મન આમ.
સરદારજી ટ્રેનમાં બેઠેલા. ટ્રેન દિલ્હી જતી હતી. સરદારજીને પણ દિલ્હી જવું હતું. ગાડીમાં બેઠા. ઉપરની સીટ ખાલી હતી. તો ઉપરની સીટ પર જમાવી દીધું. ત્યાં સ્ટેશન ઉપર બીજા સરદારજી હતા. એમને અમદાવાદ જવાનું હતું. એમણે કો’કને પૂછ્યું; કે યે ગાડી કહાઁ જા રહી હૈ? પેલાએ ભૂલથી કહી દીધું. અમદાવાદ. સરદારજી જઈને બેસી ગયા અંદર. એ જ ડબ્બામાં, જ્યાં ઉપર સરદારજી હતા. નીચેવાળા સરદારજીએ ઉપરવાળા સરદારજીને જોયા, પૂછ્યું: અજી, કહાં જા રહે હો? તો ઉપરવાળાએ કહ્યું: હમ દિલ્હી જા રહે હૈ. નીચેવાળા સરદારજી વિચારમાં પડી ગયા, વિજ્ઞાન કીતની તરક્કી કર ગયા હે, કી ઉપરવાલી બર્થ દિલ્હી જાતી હૈ. નીચેવાલી બર્થ અમદાવાદ જાતી હે. વિજ્ઞાને આટલો વિકાસ નથી કર્યો. પણ, આપણે આ વિકાસ કરી શકીએ. શરીર ભોજનમાં જાય, મન સ્તવનમાં છે.
“આતમભાવે સ્થિર હોજો” આત્મભાવમાં સ્થિર થવા માટે બે વસ્તુ જોઈએ. સાધકની સજ્જતા. અને સદ્ગુરુનો શક્તિપાત. સદ્ગુરુને શક્તિપાત કરતાં સેકંડો લાગશે. પણ સાધકની સાધના મોટી જોઇશે. એકવાર ભગવાન બુદ્ધની પાસે એક સાધક આવ્યો. બુદ્ધ મહામૌનમાં હતાં. એમની આંખો બંધ છે. ધ્યાનમાં ઊંડે ઉતરી ગયા છે. પેલો સાધક એમની નજીક થોડી મિનિટ બેઠો. અને પછી ઉભો થયો. અને એણે કહ્યું; કે ભગવાન તમે મને ખુબ આપ્યું. અને એ રવાના થયો. પાછળથી પટ્ટશિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું; કે ભગવાન! તમારી તો આંખો બંધ હતી. તમે મહામૌનમાં હતા. પેલી વ્યક્તિને તમે એક પણ શબ્દ આપ્યો નથી. અને એ વ્યક્તિ કહે છે: કે ભગવાન તમારો આભાર. તમે ખુબ આપ્યું. તો તમે શું આપેલું? ત્યારે બુદ્ધે કહ્યું: કે એ વ્યક્તિની સજ્જતા, સાધક તરીકેની પુરેપુરી હતી, માત્ર એની જરૂરિયાત સદ્ગુરુના શક્તિપાતની હતી. એ મારી જોડે બેઠો.
સદ્ગુરુ શક્તિપાત ચાર રૂપે કરે છે: આંખથી કરે, હાથથી તો કરે જ છે. શબ્દથી પણ કરે છે. મારા શબ્દો ક્યાં સુધી પહોંચે છે? મારે મારા શબ્દોને તમારાં અસ્તિત્વ સુધી પહોંચાડવાના છે. જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, ત્યાં પ્રભુના શબ્દો પહોંચે એટલે રાગ અને દ્વેષને બિસ્તરા બાંધીને ચાલવું જ પડે. તો શબ્દથી પણ સદ્ગુરુ શક્તિપાત કરે. ક્યારેક આખું વ્યાખ્યાન પણ જરૂરી નથી હોતું. બે શબ્દો અને શક્તિપાત થઇ જાય.
એક સાધક ગુરુ પાસે ગયેલો. ગુરુને એણે વિનંતી કરી; ગુરુદેવ! મને કંઈ હિતશિક્ષા આપો. ગુરુ તૈયાર હતા, પણ ગુરુની હિતશિક્ષાને ઝીલવા માટે સાધક તૈયાર નહતો. એટલે ગુરુ કંઈ બોલતાં નથી. પેલાને જવું પડે એમ છે. એ પાંચ મિનિટમાં ગુરુ પાસેથી, ગુરુને વંદના કરીને રવાના થાય છે. એ વીસ ડગલાં જેટલો ગયો. અને ગુરુએ કહ્યું; ઉભો રહે! પાછો ફર!. પહેલા તો એ સાધક સમજ્યો કે ગુરુ મને બોલાવી રહ્યા છે. ઉભો રહે! પાછો ફર! એ પાછો બોલ્યો; about turn. ગુરુની સામે એનું મુખ થયું. ગુરુ હસતાં હતાં અને એ વખતે એ શબ્દ શક્તિપાત થઇ ગયો. કે ગુરુ મને કહે છે; કે પરભાવમાં તું જઈ રહ્યો છે. ઉભો રહે ! અને પાછો ફર!. એ સાધક પરભાવથી મુક્ત બની ગયો. તમે પણ થોડા થોડા તો આજે થઇ જવાના.
તો સદ્ગુરુ આંખથી શક્તિપાત કરે. હાથથી કરે, શબ્દથી કરે અને સુક્ષ્મમાં સુક્ષ્મ શક્તિપાત સદ્ગુરુ પોતાની બોડીમાંથી નીકળતા આંદોલનો વડે કરે. તમે તૈયાર થયેલા છો. ગુરુએ એક શબ્દ બોલવાની જરૂર નથી. તમે ગુરુના ચરણોમાં બેઠા, તમને બધું જ મળી જાય.
બ્રિટિશરો પહેલાં ભારતમાં આવ્યા. ત્યારે એમને એક વસ્તુની નવાઈ લાગી. એક મોટા ગુરુ હોય. એમના દર્શન માટે લાઈન લાગેલી હોય. એ ગુરુ પાસે જાય, દર્શન કરે. તરત જ એને રવાના થવાનું હોય. તો બ્રિટિશરોને નવાઈ લાગી. સદ્ગુરુ ઉપદેશ આપતાં હોય તો બરોબર છે. આપણે બેસીએ. ખાલી સદ્ગુરુ પાસે જવાનું. અને રવાના થવાનું. એના માટે બે-બે કલાક લાઈનમાં ઉભા રહેવાનું, તડકામાં. આ લોકો શું કરે છે? પછી ખ્યાલ આવ્યો; કે એ લોકો સદ્ગુરુની ઉર્જાને લે છે. આપણે ગુરુ પાસે કેમ જઈએ છીએ? ચરણસ્પર્શ થાય તો બરોબર. નહિતર ઉર્જા સ્પર્શ તો થાય જ. હોલમાં તમે છેડે બેઠેલા હોય, તો પણ સદ્ગુરુની ઉર્જાનો સ્પર્શ તમને થાય.
હવે આનંદ પૂછે છે, કે આપે શક્તિપાત બે મિનિટમાં કર્યો. પેલાની સજ્જતા શું હતી? બુદ્ધે બહુ સરસ રીતે સમજાવ્યું. બુદ્ધ કહે છે; કે એ માણસ પાસે કોડિયું હતું. તેલ એમાં પુરાયેલું હતું. અને વાટ પણ મુકાયેલી. હવે શું જોઈએ? એક જીવંત દીપ. એ દીપ સાથે તમારી વાટ touch થાય એટલે તમારો દીપ પ્રજ્વલિત થાય. તો એની પાસે આ સજ્જતા હતી. વાટ તૈયાર હતી. કોડિયું તૈયાર હતું. બધું જ તૈયાર હતું. તેલ પુરાયેલું હતું. અને એ મારી પાસે આવ્યો. મારી ઉર્જાને એણે લીધી, અને મારી ઉર્જા દ્વારા શક્તિપાત થઇ ગયો. હું જીવંત દીપ છું. પેલાએ એ જીવંત દીપ સાથે પોતાની વાટને touch કરી. એનો દીવો પ્રજ્વલી ઉઠ્યો.
તો હવે તમારી પણ ભીતરનો દીવો પ્રજ્વલિત કરવો હોય, તો ત્રણ વસ્તુ તમારી પાસે છે. મીરાંએ એ ત્રણ વસ્તુ શું હોય, એની વાત કરી. “સુરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી; અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દિન-રાત” સુરત નિરત કો દિવલો જોયો – નિરંતર પ્રભુની સ્મૃતિ એ કોડિયું છે. ‘મનસા પૂરન બાતી’ – પૂર્ણ મન એ વાટ છે. ‘અગમ ઘાણી કો તેલ સિંચાયો’ – પરમાત્માની કૃપા રૂપી તેલ છે. આ ત્રણ મળ્યા, સદ્ગુરુનો શક્તિપાત મળ્યો. મીરાં કહે છે; ‘બાલ રહી દિનરાતી’ – હવે દિવસ અને રાત મારું દીપ પ્રજ્વલિત થયા જ કરે છે.
પહેલી વાત; આપણે કામ કરવું છે ને? દીવો પેટાવવો છે ને? બસ કોડિયું, વાટ, અને તેલ લઈને આવો અને મારે ક્યાંય નથી જવું. સદ્ગુરુ તૈયાર છે. તમે તૈયાર છો? શક્તિપાત શબ્દ બહુ મજાનો છે. શક્તિનું સંક્રમણ. શક્તિ – પાત. ગુરુની જે શક્તિ છે, એનું શિષ્યની અંદર સંક્રમણ, પ્રતિબિંબન એ છે શક્તિપાત.
એક સદ્ગુરુ ૭૫ વર્ષના દીક્ષા પર્યાયના હોય, તમે જો શક્તિપાત લેતાં શીખી જાવ, તો ૭૫ વર્ષમાં એમણે જે સાધના કરી છે, એ સાધનાનો અંશ તમને મળે. એટલે જ હું વારંવાર કહું; મને પોતાને શક્તિપાત ઉપર બહુ જ વિશ્વાસ છે. રાગ અને દ્વેષમાં, અહંકારમાં સતત ગોથા ખાતાં આપણે શી રીતે સાધનાની ટોચે પહોંચવાનું? સદ્ગુરુનું શક્તિપાત ન મળે તો આ વસ્તુ અશક્ય છે. તો સદ્ગુરુ તૈયાર છે. તમને તૈયાર કરવાના છે. Dual action. સદ્ગુરુ Dual action કરે છે. તમને તૈયાર કરે, જે ક્ષણે તમે તૈયાર થઇ જાવ, એ જ ક્ષણે શક્તિપાત કરી દે. તો પહેલી વાત “સુરત નિરત કો દિવલો જોયો” કોડિયું શું છે? નિરંતર સ્મરણ.
ચંદનાજીએ કહેલું; “એક શ્વાસ માંહી સો વાર, સમરું તમને રે” પ્રભુ! તમે મારા દ્વારેથી પાછા કેમ જઈ શકો? એક શ્વાસમાં સો વાર હું તમારું સ્મરણ કરું. વિચાર તો કરો, એક શ્વાસ માંહી સો વાર, સમરું તમને રે – એક શ્વાસ લેવાય અને મુકાય, એટલી વખતમાં પ્રભુનું સો વારનું સમરણ. પૂરું મન પ્રભુમય બનેલું હોય ત્યારે જ આ શક્ય બને.
રામકૃષ્ણ પરમહંસ રોજ સવારે સ્નાન કરી, અને મંદિરે જાય. મંદિરે ગયા પછી બહાર નીકળવાનો સમય નક્કી ન હોય. ક્યારેક બપોરના ૧૨ વાગે. ક્યારેક બપોરના ૪ વાગે. ક્યારેક આવું બને ને. રોજ ન બને. ક્યારેક તો બને ને. કોઈક તીર્થમાં ગયા, ભોંયરામાં મોટા ભગવાન. તમે ભક્તિમાં એવા લીન બની ગયા, કે કલાકો વીતી ગઈ ખબર ન પડી.
તો પરમહંસ મંદિરમાં જાય, પછી બહાર ક્યારે નીકળશે એ નક્કી નહિ. તો જે લોકો રાત્રે આવેલા હોય, અને જેમને સવારની ગાડીમાં પાછું જવું હોય, એ લોકો નક્કી કરે કે સ્નાન કરીને તળાવેથી આવતાં હોય પરમહંસ ત્યારે રસ્તામાં જ દર્શન કરી લઈએ. મંદિરે ગયા પછી તો શક્ય છે નહિ. લાઈન લાગેલી હોય. એક સવારે લાઈન લાગેલી, અને એથી ઓફીસના માઈક્રોફોન પરથી જાહેરાત થાય કે સંત તમારી નજીક આવે, ત્યારે પ્રભુના નામની ઉદ્ઘોષણા કરતાં નહિ. રામકૃષ્ણ પરમહંસે પહેલાં જ કહેલું કે મારી જય ક્યારે બોલાવવાની નહિ. પ્રભુની બોલાવો. ઓફિસમાંથી સુચના પ્રસારિત થાય છે કે, સંત તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે તમારે પ્રભુનો જયઘોષ પોકારવાનો નહિ. એક માણસને નવાઈ લાગી કે સંતે કહ્યું છે એમ એમનો જયઘોષ ન ઉચ્ચારીએ, પણ પ્રભુની જય બોલીએ એમાં શું વાંધો? એ ઓફિસમાં ગયો, ઓફીસ બેરરને એણે પૂછ્યું; કે તમે ના કેમ પાડો છો? ત્યારે એણે જે કહ્યું ને આપણને સાંભળીને થાય કે કેવા એ ભક્ત હશે ! ઓફીસ બેરરે કહ્યું; કે પ્રભુનું નામ ઉચ્ચારાય અને પ્રભુનું નામ સંત સાંભળે એ જ વખતે સંતને સમાધિ લાગે છે. શરીરનું ભાન એ વખતે એમને રહેતું નથી. એક વાર તળાવેથી નાહીને આવતાં હતા. એક ભક્ત સામે ગયો, ભગવાનનો જયઘોષ ઉચ્ચાર્યો. તરત જ સંત પોતાનું દેહ-ભાન ગુમાવી બેસે છે. ત્યાં ચટ્ટાન હતી – શિલા, જો શિલા ઉપર દેહ પડ્યો હોત તો સંતને કેટલું નુકશાન થાત. પણ, પાંચ-સાત સેવકો બાજુમાં હતાં, એમણે સંતને ઝીલી લીધા. એટલા માટે અમે કહીએ છીએ કે સંત બાજુમાંથી પસાર થાય ત્યારે પ્રભુનો જયઘોષ ઉચ્ચારવાનો નહિ. કેવી આ પ્રભુમયતા હશે! એટલે પહેલી શરત આ છે, હૃદય, મન, અસ્તિત્વ પ્રભુમય બનેલું હોવું જોઈએ.
જંબુવિજય મ.સા. શંખેશ્વરમાં બિરાજમાન. આપણા ભાગ્યેશવિજયસૂરિ પણ એ વખતે શંખેશ્વરમાં. તો જંબુવિજય મ.સા. એ ભાગ્યેશવિજયસૂરિને કહ્યું; કે ભાગ્યેશવિજય! એક મહાત્મા અમદાવાદથી આવવાના છે, અને એમને સંશોધનની સારી સૂઝ છે. તો એ મહાત્મા આવે ને ત્યારે મારો ભેટો કરાવજે. ભાગ્યેશવિજયે કહ્યું; સાહેબ બરોબર. એમાં અચાનક સાહેબજીને બાજુના ગામ આદરીયાણા જવાનો પ્રોગ્રામ નક્કી થયો. સાંજે બોલેરા, સવારે આદરીયાણા. તો સાહેબજી ૪ વાગે સાંજે પ્રભુની ભક્તિ માટે ગયા. અને ૬ વાગે નીકળીને નજીકમાં જ બોલેરા છે ત્યાં પહોંચવાનું હતું. સાહેબજી ભક્તિમાં બેઠા, ડૂબી ગયા. છ – સવા છ, ઘડીયાળનો કાંટો આગળ વધે જાય. સાહેબ પ્રભુમાં ડૂબી ગયા છે. છેવટે સાહેબ ઉઠ્યા, બહાર ગયા. છેલ્લી ચોકીમાંથી પ્રભુ દેખાય, એટલે પાછા ખમાસમણા આપવા મંડી પડ્યા. નીચે ચોકમાં ગયા, અત્યારે ચોક છે એ બંધ છે. એ વખતે ત્યાં રેતી જ હતી. એ ધૂળની અંદર પ્રભુ દેખાય છે સામે, ખમાસમણા દેવા મંડી પડ્યા. સાડા છ વાગી ગયેલા, મોડું થઇ ગયું છે. ફટાફટ વિહાર શરૂ કરી દીધો. ૩-૪ દિવસ પછી ભાગ્યેશવિજયસૂરિ આદરીયાણા આવ્યા. ત્યારે સાહેબે પહેલો સવાલ પૂછ્યો; કે ભાગ્યેશવિજય! પેલા જે મહાત્મા શંખેશ્વર આવવાના હતાં, એ આવી ગયા? કે હજુ હવે આવવાના છે? ભાગ્યેશવિજય નવાઈમાં ડૂબી ગયા, એ કહે કે સાહેબ! જે દિવસે આપનો અચાનક વિહાર નક્કી થયો, એ જ દિવસે ૯-૯.૩૦ વાગે એ મહાત્મા શંખેશ્વર આવી ગયા. થાકી ગયેલા એટલે વિચાર્યું, મારે પણ રોકાવવાનું છે. સાહેબ પણ અહીંયા છે. આરામથી કાલે મળશું. ત્યાં એમને સમાચાર મળ્યા, કે સાહેબ તો વિહાર કરે છે. અને સાહેબ ૪ વાગે દેરાસરમાં ભક્તિ માટે આવવાના છે. એટલે સાહેબ આપ ભક્તિમાં પધાર્યા. પછી તરત જ એ આપની પાસે આવેલા, આપની જોડાજોડ સવા બે કલાક બેઠેલા. પછી તો આપ ઝડપથી નીકળી ગયા. એટલે મહાત્મા મળી શક્યા નહિ. પણ, દેરાસરની અંદર સવા બે કલાક એ આપની જોડે બેઠેલા. આપને ખ્યાલ નથી? એ વખતે સાહેબે કહ્યું; ભાગ્યેશવિજય! હું તો સામેવાળાને જોઉં કે બાજુવાળાને… શું મજાનો ઉત્તર – હું સામાવાળા દાદાને જોઉં કે બાજુમાં બેઠેલા કોઈને જોઉં. ભાગ્યેશવિજય છક થઇ ગયા. આ ભક્તિ! સવા બે કલાક અડોઅડ કોઈ મહાત્મા બેઠેલા છે પણ, સાહેબને ખ્યાલ નથી. આ પ્રભુમયતા.
આપણે દેરાસરે જઈએ ને, પછી માત્ર પ્રભુ દેખાય ને? હું ઘણીવાર કહું છું, તમે દેરાસરમાં જાવ, પહેલી ૧૫ મિનિટ સુધી તમે અને ભગવાન બે. બરોબર સાંભળજો. દેરાસરમાં ગયા પછી પહેલી ૧૫ મિનિટ તમે અને પ્રભુ બે. ૧૬મી મિનિટે તમે છૂ થઇ જાવ. તમે પ્રભુમાં વિલીન થઇ જાવ. પછી માત્ર પ્રભુ રહે. ૧૦ મિનિટ થઇ. મંદિરમાં ગયા ને, કોઈ કારણસર બહાર નીકળવું પડ્યું. કોઈ પૂછે; કે આજે સિદ્ધચક્ર પૂજન ભણાવવાનું હતું, શરૂ થઇ ગયું? કેટલા લોકો આવ્યા છે? ત્યારે એ કહી દે, કે મેં તો માત્ર પ્રભુને જોયા હતા. એ સિવાય દેરાસરમાં શું થતું હતું, મને કોઈ ખ્યાલ નથી. ભક્તિને આપણે જો એકદમ પ્રભાવશાળી બનાવવી હોય, તો પ્રભુમાં ડૂબવું જ પડશે. આપણે તો બહુ રહ્યા બહાર. આપણે તો બહુ રહ્યા. હવે પ્રભુને આપણે ભીતરથી પ્રગટવા દેવા છે. તમે તો બહુ પ્રગટી ગયા. તમે બધા બહુ પ્રગટી ગયા ને. હવે પ્રભુને પ્રગટાવવા છે. પ્રભુ જ હોય. દેરાસરમાં તમે ગયા છો, અને પ્રભુ સિવાય બીજો કોઈ વિચાર આવે ખરો?
તો તમારી ત્રણ સજ્જતા છે. “સુરત નિરત કો દિવલો જોયો” પહેલી સજ્જતા છે. કરશો તો ખરા પણ યાદ તો રહેશે ને પાછું. કે મારે પ્રભુનું નિરંતર સ્મરણ કરવાનું. ઓફિસે જાવ ને, ત્યારે કોની યાદ આવે આમ?
૧૨ વ્રતની પૂજામાં વીરવિજય મહારાજ લખે છે; ‘વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે’ ઇન્દ્ર સભામાં બેસે ત્યારે વિરતિધરોને પ્રણામ કરે. તમે પણ દેરાસરમાં (ઓફીસમાં) પ્રભુના અને સદ્ગુરુના ફોટા રાખેલા છે. એ પ્રભુ અને સદ્ગુરુ સતત તમને યાદ રહે તો તમારી પાસે માત્ર આનંદ હોય. ધંધો નબળો પડ્યો. મારું પુણ્ય ઓછું છે. મારે મારું પુણ્ય વધારવું છે. પ્રભુનો ભક્ત ક્યારે પણ નીરાશ ન થાય. પરિસ્થિતિ આર્થિક ખરાબ છે મને ખ્યાલ છે. પણ, તમારે નિરાશ થવું નથી. કારણ પ્રભુ તમારી જોડે છે. પ્રભુ જેની સાથે હોય, એ નિરાશ બને? માસક્ષમણ શરીરના બળથી થાય છે? પ્રભુના બળથી થાય છે.
મહોપાધ્યાયજીએ કહ્યું; “હારીએ નહિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે” પ્રભુ બળ જેને મળી ગયું એ દુનિયામાં ક્યારે પણ હારતો નથી, એનો વિજય જ વિજય હોય.
તો પહેલું ચરણ – “સુરત નિરત કો દિવલો જોયો” સુરત એટલે સ્મૃતિ. નિરત એટલે નિરંતર, પ્રભુનું નિરંતર સ્મરણ એ કોડિયું છે. વાટ શું? અને તેલ શું? એની વાત કાલે અવસરે.