વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આત્મભાવમાં સ્થિરતાનું માસક્ષમણ
સાધકની સજ્જતા + સદ્ગુરુનો શક્તિપાત = આત્મભાવમાં સ્થિરતા. સદ્ગુરુને શક્તિપાત કરતા સૅકન્ડ પણ નહિ લાગે; પણ એ શક્તિપાતને ઝીલવા માટે તમને તૈયાર કરતા જન્મો લાગી ગયા. માત્ર કાનના સ્તરે કે conscious mind ના સ્તરે અમારા શબ્દો પહોંચે, તો એનો કોઈ અર્થ નથી. અસ્તિત્વનું જે સ્તર છે, એકદમ ભીતરનું સ્તર, ત્યાં આ શબ્દો જો ઊતરે, તો એક પ્રવચન, એક જ હિતશિક્ષા કાફી છે તમને તૈયાર કરવા માટે.
આત્મભાવમાં સ્થિરતાનું માસક્ષમણ કરવું છે. અને એના માટે ૨૪ કલાકનું મૌન જોઈએ. પછી એ શબ્દોનું મૌન વિચારોના મૌનમાં ભળી જાય. અને વિચારોનું મૌન આવે, એટલે પરભાવમાં જવાનું લગભગ બંધ થઇ જાય અને આત્મભાવની સ્થિરતા મળી જાય. કરવું છે આવું માસક્ષમણ?!
ત્રણ time ખાવાની છૂટ. પણ હું ખાતો નથી, શરીર ખાય છે – આ વિચારણા જોઈએ. મેં ખાધું અને બહુ મજા આવી – આવી વાત નહિ. શરીરને જરૂરિયાત હતી એટલે શરીરને આપી દીધું; તમે માત્ર એના દ્રષ્ટા હતા. કરનાર અને જોનાર – બેઉને છૂટ્ટા પાડો. શરીર ખાનાર છે, તમે જોનાર છો. તમે આત્મા છો; તમારે ક્યાં ખાવાનું છે? શરીર ખાય છે; તમે ઉપવાસ કરો!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૨
એક મજાની પંક્તિ આપણી સામે છે; “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” પરભાવમાં જવું નથી અને આત્મભાવમાં સ્થિર થવું છે.
ગઈકાલે એક composition બતાવેલું. સાધકની સજ્જતા + સદ્ગુરુનો શક્તિપાત = આત્મભાવમાં સ્થિરતા. શક્તિપાત કરતાં સેકંડો લાગશે. પણ, એ શક્તિપાતને ઝીલવા માટે તમે તૈયાર થાવ એના માટે વર્ષો નહિ, જન્મો લાગી ગયા.
ઘણીવાર હું કહેતો હોઉં છું, કે સદ્ગુરુ તમારી રાહ જોઈ રહ્યા છે. ક્યાં સુધી રાહ જોવડાવશો. સદ્ગુરુ વિચારે; આ આજે તૈયાર થાય, આ કાલે તૈયાર થાય, આ પરમદિવસે તૈયાર થાય. જે ક્ષણે તમે તૈયાર થયા, શક્તિપાતને ઝીલવા માટે એ જ ક્ષણે સદ્ગુરુ શક્તિપાત કરી દેશે.
પરંપરામાં એક મજાની ઘટના છે, ગુરુ શિષ્ય પર શક્તિપાત કરવા માંગે છે. પણ શિષ્ય એના માટે તૈયાર થતો નથી. ગુરુ ખુબ મહેનત કરે છે. શિષ્યની સજ્જતા પુરેપુરી વિકસે એના માટે. તમને તૈયાર થતાં કેટલી વાર લાગે? એક પ્રવચન, એક હિતશિક્ષા અસ્તિત્વના સ્તર પર ગઈ, તમે તૈયાર થઇ ગયા. જે શબ્દો ઝીલાય છે અત્યારે, એ કાનના સ્તર પર, conscious mind ના સ્તર પર કે અસ્તિત્વના સ્તર પર? કાન પર અથડાયેલા શબ્દોનો કોઈ અર્થ નથી. conscious mind ના લેવલ ઉપર શબ્દો જશે, તો પણ કોઈ અર્થ નથી. કારણ conscious mind જ રાગ-દ્વેષ, અહંકારથી ભરપૂર છે. અસ્તિત્વનું સ્તર છે, એકદમ ભીતરનું સ્તર, ત્યાં આ શબ્દો ઉતરવા જોઈએ. આપણે આ જીવનમાં આ કામ કરીએ, અનંતા જન્મોમાં ભલે આ કામ ન થયું, આ જન્મની અંદર આ કામ કરવું છે? બીજું કંઈ જ નથી. સદ્ગુરુના શબ્દો જે છે, એ ભીતર સુધી પહોંચવા જોઈએ.
અમારું કામ છે ને રાધાવેધથી પણ અઘરું છે. રાધાવેધની વાત તમે સાંભળી છે. કે અર્જુન જેવો ધનુર્ધારી પાણી ભરેલા કુંડ પાસે ઉભેલો હોય, ઉપર રાધા નામની પુતળી છે, એ ચક્કર ચક્કર ફર્યા કરે છે. એની નીચે એક ચક્કર ઊંધું ફરે છે. બીજું સીધું ફરે છે. એકની ઝડપ ઓછી છે. બીજાની વધારે છે. આ બધા જ ચક્કરો સોંસરવું, બાણ, રાધા નામની પુતળીની આંખને વીંધે તેવું થવું જોઈએ. એ તો સહેલું હતું. અઘરું અમારું કામ છે. conscious mind, subconscious mind, કેટલા બધા ચક્કરો છે. અને એ ચક્કરોને વીંધીને પ્રભુના શબ્દોને તમારા અસ્તિત્વ સુધી પહોંચાડવાના. થોડી મહેનત તમારી, બીજી બધી મહેનત અમારી.
૧% કામ તમારું, ૯૯% અમારા. છો તૈયાર? તૈયાર. ૧ જ પ્રતિશત તમારો. ૯૯ પ્રતિશત અમારા. આગળનું, પાછળનું, બધું જ કામ અમે કરીશું. તમારે માત્ર આ શબ્દોને જેટલી ભીતર સુધી લઇ જઈ શકાય, એટલી ભીતર સુધી લઇ જવાના.
ગુરુ પેલા શિષ્ય માટે મહેનત કરે છે. પણ, શિષ્ય શક્તિપાત ઝીલવા માટે તૈયાર થતો નથી. ગુરુ વૃદ્ધ છે, તબિયત લથડી છે. એ વખતે પણ ગુરુની ઈચ્છા એક જ છે, કે શિષ્ય પર શક્તિપાત કરી દઈએ. Exit નો time આવી ગયો. વિદાયનો સમય આવી ગયો. છેલ્લી ક્ષણ સુધી ગુરુ જોવે છે કે, મારા શક્તિપાતને ઝીલી શકશે? જવાબ ‘ના’ માં આવે છે. ગુરુ કાળધર્મ પામે છે. દેવલોકમાં જાય છે. દેવલોકમાં ગયા પછી પણ એ ગુરુ શિષ્ય તરફ નજર રાખે છે. ગુરુની ચિર વિદાય પછી છ મહિને શિષ્ય પરિપક્વ થયેલો. અને એ જ ક્ષણે ગુરુ સ્વર્ગલોકમાંથી નીચે ઉતરે છે. અને ગુરુ ઉપર જે ઉત્તર દાયિત્વ હતું એને પૂરું કરે છે. શિષ્ય પર શક્તિપાત કરે છે. કેટલી ગુરુની કરુણા. દેવલોકમાં ગયા પછી પણ એમનું ધ્યાન માત્ર પોતાના શિષ્ય ઉપર છે. ક્યારે એ પરિપક્વ બને, અને ક્યારે એને શક્તિપાત કરી દઈએ.
ગુરુના પ્રેમનો અનુભવ તમને છે. ગુરુના પ્રેમનો સ્પર્શ પણ ક્યારેક ક્યારેક થતો હશે, ગુરુની વેદનાનો સ્પર્શ તમને થાય છે? અમારી પાસે એક વેદના છે, કે આવું પ્રભુનું શાસન મળ્યા પછી શું કોરા કટ થઈને જઈ શકાય? શક્તિપાતનો મતલબ એ છે, કે સદ્ગુરુ પોતાની શક્તિ તમારામાં સંક્રમિત કરવા માંગે છે. વિના આયાસે સદ્ગુરુની શક્તિ તમને મળી જાય, એનું નામ શક્તિપાત. તો ‘આતમભાવે સ્થિર હોજો.’
એક સાધક ગુરુ પાસે ગયેલો. એને પણ આ જ સાધના લેવી હતી. ગુરુ પાસેથી. આત્મભાવમાં સ્થિર થવાની. એક વાત તમને કહું; તમે ભીતર સ્થિર થયા, એટલો બધો આનંદ ભીતર છલકાઈ રહ્યો છે, કે તમે બહાર ન આવો એમ નહિ, બહાર આવી શકો નહિ.
વર્ષો સુધી હું એકાંતમાં રહ્યો. અને સાધનાને ઘૂંટતો ગયો. અચાનક ગુરુદેવે ચિર વિદાય લીધી. ગુરુદેવ પછી, વડીલ ગુરુદેવ અરવિંદસૂરિ દાદા હતા. એમણે મને સ્પષ્ટ કહ્યું; કે યશોવિજય! તારે બધું સંભાળવાનું છે, મારે અંદર જવાનું છે. આખરે તો સદ્ગુરુઓને ભીતર જ રહેવું છે. તમારા માટે એ બહાર આવે છે. અનુભૂતિની દુનિયામાં રહેલા ગુરુઓ શબ્દના સ્તર પર ક્યારે આવે?
હરીભદ્રાચાર્યના ગ્રંથો વાંચીએ ત્યારે થાય કે એ સદ્ગુરુ, અનુભૂતિ ની ટોચ પર હતા. અને અનુભૂતિની ટોચ પર રહેલા એ ગુરુ શબ્દોની તલાટી પર શી રીતે મૂકી શકાય. માત્ર આપણી કરુણા માટે એ શબ્દોની તળેટી પર ઉતર્યા છે. તો મારે જવાબદારી સંભાળવાની આવી. પહેલું જ ચોમાસું, અહીંયા જ અઠવાલાઈન્સમાં હતું. મેં ટ્રસ્ટીઓને, અગ્રણીઓને બોલાવ્યા. અને મેં કહ્યું; કે એક કલાક હું પ્રવચન આપીશ, સાધકો હશે, તો એક કલાક વાચના આપીશ. બાકીના ૨૨ કલાક મારા નિતાંત પોતાના રહેશે. ૨-૩ મહાત્મા વૃદ્ધ નીચે રહેશે હોલમાં, પચ્ચક્ખાણ આપશે, વાસક્ષેપ આપશે. પણ હું તો ૨૨ કલાક માત્ર રૂમમાં જ રહીશ. શ્રી સંઘના લોકો બહુ જ મજાના હોય છે. એમણે કહ્યું; ગુરુદેવ! પ્રવચન આપ આપશો. વાચના આપશો. બીજી કોઈ અપેક્ષા અમે આપની પાસેથી રાખતા પણ નથી. ૨-૪ વર્ષમાં એવું થયું; કે ભીડની અંદર પણ એકાંત સર્જાઈ ગયો. આજે હોલમાં રહું છું, સેંકડો લોકોની વચ્ચે તો પણ મારું પોતાનું એકાંત મારી ભીતર છે.
તો સદ્ગુરુ ભીતર રહેવા છતાં તમારા માટે બહાર આવવા તૈયાર છે. તમે કેટલા તૈયાર? હવે તો એક જ વાત મનમાં હોય, “આતમભાવે સ્થિર હોજો” આત્મભાવમાં મારે સ્થિર થવું છે. સાધક ગુરુ પાસે આવ્યો. ગુરુના ચરણોમાં વંદન કરી એણે વિજ્ઞપ્ત્તિ કરી; ગુરુદેવ! મને આત્મભાવમાં સ્થિર કરી દો. તમારામાંથી કેટલા આવ્યા? તમારામાંથી કેટલા આવ્યા? કે સાહેબ! પરભાવમાં છું, પણ, મારે આત્મભાવમાં જવું છે, શક્તિપાત કરી આપો. આજે તૈયાર? આ જ કરવું છે, આ જન્મ એના માટે જ મળ્યો છે. એકવાર અહીંયા અસ્તિત્વનું લય સાધનાનું પકડાઈ જાય, તો જન્મો-જન્મો સુધી એ લય ચાલુ રહેશે. આ જન્મની અંદર અસ્તિત્વના લયની સાધનાને પકડી લો.
એક પ્રોફેસર ધુંઆધાર લેકચરર હોય. મરીને મનુષ્ય જન્મમાં અવતરે. એ ચાર વર્ષનો થાય. અને એને ABCD શીખવાડવી પડે. ભાઈ ગયા જન્મનું શીખેલું ક્યાં ગયું? ગયા જનમમાં જે જ્ઞાન મળેલું હતું, એ conscious mind ના લેવલનું હતું. અને conscious mind ના લેવલનું જે જ્ઞાન હોય છે એ જન્મ બદલાય એટલે નષ્ટ થાય. પણ એ પ્રોફેસર, જે ચાર વર્ષનો દીકરો અત્યારે છે, એને પણ ચમચી આપો તો મોઢામાં નાંખે. રમકડું આપો તો મોઢામાં નાંખે. કારણ? આહારસંજ્ઞા અસ્તિત્વના સ્તરની છે.
માસક્ષમણના તપસ્વીઓને ખરેખર ધન્યવાદ છે. અનંત જન્મોની આ જે ધારા હતી, આહારસંજ્ઞાની એને તોડવા માટે એ બધા તૈયાર થયા છે. સહેલું કામ નથી માસક્ષમણ. કેટલા બધા સાધકો આવે છે, માથું દુઃખે છે, પગ દુઃખે છે, vomiting થાય છે. પણ, એક નિર્ધાર છે કે માસક્ષમણ કરવું છે. આપણે એવું કરીએ આ માસક્ષમણ ન કરી શક્યા ને તો કાંઈ નહિ, “આત્મભાવમાં સ્થિરતાનું માસક્ષમણ”. એના માટે ૨૪ કલાકનું મૌન જોઈએ. પછી એ મૌન શબ્દોનું, વિચારોના મૌનમાં ભળી જાય. અને વિચારોનું મૌન આવે, એટલે પરભાવમાં જવાનું લગભગ બંધ થઇ જાય.
અને આત્મભાવની સ્થિરતા મળી જાય. કરવું છે આ માસક્ષમણ? ત્રણ ટાઈમ ખાવાની છૂટ. પણ હું ખાતો નથી. શરીર ખાય છે. આ વિચારણા જોઈએ. મેં ખાધું, બહુ મજા આવી. આ વાત નહિ. શરીરને જરૂરિયાત હતી, શરીરને આપી દીધું, તમે એના દ્રષ્ટા હતા. બેય છુટું પાડો. કરનાર અને જોનાર. ખાનાર અને જોનાર. એક ખાનાર છે એક જોનાર છે. શરીર ખાનાર છે, તમે જોનાર છો. તમે આત્મા, તમારે ખાવાનું છે? તમારે ખાવાનું છે? શરીર ખાય, તમે ઉપવાસ કરો.
સાધક ગુરુ પાસે ગયો, આત્મભાવમાં એને સ્થિર થવું છે. ગુરુને વિનંતી કરી; ગુરુ ચહેરાને જોઇને પણ એની સજ્જતાને જોઈ શકે છે. પણ આજુબાજુ ઘણા હતાં. એટલે ગુરુએ એ સાધકને એક સવાલ કર્યો; કે તું નગર વીંધીને અહીં સુધી આવ્યો. તે શહેરમાં જોયું શું? તમે શું જોવો? ગુરુ પૂછે છે, શહેરમાં તે શું જોયું? એ શિષ્ય કહે છે; ગુરુદેવ! માટીના પુતળા માટી માટે દોડતાં હતા એ મેં જોયું. સમજી ગયા? આ તમારી વાત થાય છે. એ સાધક કહે છે, માટીના પુતળા માટી માટે દોડતાં હતાં. ગુરુને સંતોષ થયો. પણ હજુ ગુરુ આગળ વધે છે. કારણ બીજા માટે કંઈક માનવું એ અલગ છે. પોતાના માટે કંઈક માનવું એ અલગ છે. લગભગ સાધકને પોતાની સાધના ચડિયાતી લાગતી હોય છે. એટલે ગુરુ પૂછે છે, બધા લોકો વિખેરાઈ ગયા છે. ગુરુ અને શિષ્ય બે જ રૂમમાં બેઠેલા છે. ગુરુ પૂછે છે; આ રૂમમાં અત્યારે શું થઇ રહ્યું છે? એ વખતે સાધક કહે છે; એક માટીનું પુતળું ગુરુ પાસે જ્ઞાનની ઈચ્છાથી બેઠું છે. પોતાની જાત માટેનું over estimation એની પાસે નહતું. એક માટીનું પુતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે.
કદાચ આ સજ્જતા તમને અઘરી લાગે. એના માટે સહેલી સજ્જતાની એક વાત કરેલી. “સૂરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી; અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દીનરાતી” ભક્તિમતી મીરાંના આ શબ્દો છે. એ કહે છે, ‘સૂરત નિરત કો દિવલો જોયો’ નિરંતર પ્રભુ સ્મરણનું કોડિયું મારી પાસે છે. ‘મનસા પૂરન બાતી’ પૂર્ણ મન એ વાટ છે. અને પ્રભુની કૃપા એ તેલ છે. પછી મારા દીપકને હું સતત પ્રજ્વલિત રાખ્યા કરું.
તો હવે વાત એ આવી; ‘મનસા પૂરન બાતી’ પૂર્ણ મન એ વાટ. તમે બધા અપૂર્ણ મનથી જીવી રહ્યા છો. પૂર્ણ મન ક્યારે આવેલું કહેવાય?
મહોપાધ્યાય યશોવિજય મહારાજે જિન સ્તવનામાં કહ્યું; “પૂરન મન, પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” મન પૂર્ણ હોય, ત્યારે બધું જ પૂર્ણ લાગે. અમને બધું મજાનું લાગે. તમને? આનામાં આ ખામી છે ને આનામાં આ ખામી છે. છોકરાની વહુમાં આમ છે, દીકરામાં આમ છે. પૂર્ણ મન તમારી પાસે આવી જાય, તો તમને બધા જ પૂર્ણ, મજાના, મજાના લાગે.
મને પ્રભુએ આ દ્રષ્ટિ આપી. પછી એક પણ વ્યક્તિ ક્યારે પણ અપૂર્ણ લાગ્યું નહિ. બધા જ અનંતા ગુણોથી પરિપૂર્ણ, ભવિષ્યના સિદ્ધ પરમાત્મા. તો “પૂરન મન, પૂરન સબ દિશે” આ એક બહુ જ મહત્વની વાત છે. તમારા જીવાતા જીવનમાં તમારી પાસે પૂર્ણ મન હોય, તો તમે ખુબ આનંદમાં રહેશો. એક પૂર્ણ મન શી રીતે મળે એની વાત કાલે.