વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : મનસા પૂરન બાતી
ભક્ત માને છે કે એક-એક ડગલું સાધનામાર્ગે કે ભક્તિમાર્ગે હું ભરું છું એની પાછળ માત્ર પ્રભુની કૃપા છે. તમે આ મંડપમાં પ્રવચન સાંભળવા આવ્યા એ પણ પ્રભુની કૃપા. પ્રવચન બરોબર સંભળાય એ પણ એની કૃપા. અને એમાં જે વાતો આવી એ પ્રમાણે ડગલાં ભરાય એ પણ એની કૃપા. સંસારની અંદર પણ એની કૃપા વિના ચાલતું નથી.
surrender ની સામે care. પ્રભુની આજ્ઞા પ્રત્યેનું જેટલું તમારું સમર્પણ વધારે, એટલી તમારી કાળજી વધારે લેવાશે. પ્રભુની આજ્ઞા છે કે તું તારામાં રહે અને જો તમે એ આજ્ઞાનું પાલન કરીને તમારામાં રહો છો, તો કઈ ઘટના તમને અસર કરશે? surrender ની સામે care મળી ગઈ!
પ્રભુ તમને પૂર્ણ મન આપવા માંગે છે. એવું પૂર્ણ મન કે જેમાં માત્ર આનંદ જ આનંદ હોય. પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામાન્ય માણસને અકળાવી મૂકે; પ્રભુના ભક્તને નહિ. પ્રભુનો ભક્ત તો કહેશે કે જે પરિસ્થિતિ મળી, એમાં આનંદથી રહેવાનું. એક-એક ઘટનાની અસર જેના ઉપર થાય, એ મન અપૂર્ણ મન છે અને એ આનંદપૂર્ણ ન રહી શકે. એક પણ ઘટના તમારી ઇચ્છાથી વિપરીત બને, તમે નિરાશ થઇ જ જવાના.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૩
એક મજાની પંક્તિ આપણી સામે છે. આપણી સામે કહું, કે મારી સામે કહું? તમને બધાને એ કડી યાદ રહી ગઈ? “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે”
આત્મભાવમાં સ્થિર થવું છે. એના માટે સાધકની સજ્જતા + સદ્ગુરુનો શક્તિપાત જોઈએ છે. સદ્ગુરુ તૈયાર છે. શક્તિપાત કરવા માટે. તમારી જે સજ્જતા છે, એને ઉભારવા માટે, તમારી સજ્જતા તમને આપવા માટે પણ સદ્ગુરુ તૈયાર છે.. આ વાચનાઓ દ્વારા અમે લોકો તમને તૈયાર કરવા માંગીએ છીએ. તમે એવા તૈયાર થઇ જાવ, કે સીધો જ શક્તિપાત તમારા ઉપર થઇ જાય. માસક્ષમણવાળા તપસ્વીઓ એમણે શક્તિપાતને ઝીલી લીધો. શરીરની શક્તિથી માસક્ષમણ થતું નથી. પણ, સદ્ગુરુનો શક્તિપાત; માસક્ષમણ પૂરું.
તો સજ્જતાની વાત કરે છે: “સૂરત નિરત કો દીવલો જોયો, મનસા પૂરન બાતી; અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દીનરાતી.” ભક્તિમતી મીરાંના આ શબ્દો છે. મીરાં કહે છે, કે પ્રભુની કૃપાથી, સદ્ગુરુની કૃપાથી, સદ્ગુરુના શક્તિપાતને ઝીલવાની મને સજ્જતા મળી.
ભક્ત માને છે કે એક-એક ડગલું સાધનામાર્ગે કે ભક્તિમાર્ગે હું ભરું છું, એની પાછળ પ્રભુની કૃપા છે. તમે આ મંડપમાં પ્રવચન સાંભળવા આવ્યા એ પણ પ્રભુની કૃપા.. પ્રવચન બરોબર સંભળાય એ પણ એની કૃપા.. અને એમાં જે વાતો આવી; એ પ્રમાણે ડગલાં ભરાય એ પણ એની કૃપા.. સંસારની અંદર પણ એની કૃપા વિના ચાલતું નથી. અને એટલે જ માસક્ષમણ કે સોળભત્તું ન હોય, તો પણ શાતા પૂછે, તો તમારો જવાબ એક જ હશે, દેવ-ગુરુ પસાય. સંસારની અંદર પણ તમે મજાથી રહી શકો, એની પાછળનું કારણ પ્રભુની કૃપા છે.
પૈસા ઘણા ય હોય, પણ શરીરમાં તકલીફ હોય. પૈસા ઘણાય હોય, સંતાન ન હોય. આ બધી પરિસ્થિતિઓ સામાન્ય માણસને અકળાવી મુકે. પણ, પ્રભુના ભક્તને નહિ. પ્રભુનો ભક્ત તો કહેશે; કે જે પરિસ્થિતિ મળી, એમાં આનંદથી રહેવાનું. ઘટના, ઘટના છે. તમે, તમે છો.
‘મનસા પૂરન બાતી’ પૂર્ણ મન એ વાટ છે. એક-એક ઘટનાની અસર જેના ઉપર થાય, એ મન અપૂર્ણ મન છે. કારણ કે એ આનંદપૂર્ણ રહેવાનું નહિ. ઘટના તમારી ઇચ્છાથી વિપરીત બની, તમે નિરાશ થઇ જવાના. પ્રભુ તમને પૂર્ણ મન આપવા માંગે છે, એવું પૂર્ણ મન કે જેમાં માત્ર આનંદ જ આનંદ હોય. બોલો જોઈએ? આ રજોહરણ જોઈએ એમ કહું ને તો બધાની હા નહિ આવે. મનથી ઈચ્છા હોય જ કે ક્યારે આ મળે; પણ, અત્યારે તૈયારી ન પણ હોય. પણ, પૂર્ણ મન પ્રભુ તમને આપવા માંગે છે. અમારા લોકોની પાસે પૂર્ણ મન છે. એટલે મજા જ મજા છે.
એક ઘટના યાદ આવે, આબુ દેલવાડામાં ભક્તિ માટે દાદા ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમે લોકો બધા હતા. એ સવારે પ્રભુની ભક્તિ કરીને અમે લોકો આવ્યા. સીધા દાદાના રૂમમાં ગયા. દ્વાદશાવર્ત વંદન કર્યું. સાહેબ એ જ આનંદ પૂર્ણ મુદ્રામાં બેઠેલા હતા. મેં પૂછ્યું, સાહેબ શાતામાં? મને કહે; પરમ શાતા! એ કહે ભગવાનના માર્ગમાં અશાતા હોય જ ક્યાંથી? બરોબર ને? અમે લોકો ક્યારેક મુડલેશ થઈને બેઠેલા હોવ ખરા? આમ લમણે હાથ દઈને? પ્રભુના માર્ગમાં અશાતા હોય જ નહિ. ઘટના આમ ઘટી, તો ય શાતા. આમ ઘટી, તો ય શાતા. હવે આ માણસને અશાતામાં કોણ મૂકી શકે?!
દાદાની શાતા પૂછી હું મારા રૂમમાં ગયો. ત્યાં મારા શિષ્ય નમનયશ વિજય આવ્યા. મને કહે સાહેબ ! આપ તો દેરાસરે ગયેલા. અહીંયા દાદાને પગે બ્લીડીંગ થયેલું. બહુ જ લોહી નીકળ્યું. શું થયું ખ્યાલ નહતો આવ્યો. પણ, દાદાના શરીરની કોમળ, પતળી, ચામડી ક્યાંક ઘર્ષણમાં આવી ગઈ, લોહી ટપકવાનું શરૂ થયું. ખુબ લોહી ટપકી ગયું. પછી ડ્રેસિંગ કર્યું. હું તો તરત દાદાના રૂમમાં ગયો. મેં કહ્યું, દાદા! શું થયેલું? પગેથી આટલું બધું લોહી નીકળી ગયું! એ વખતે દાદાએ જે જવાબ આપેલો, આજે પણ મને યાદ છે. દાદા કહે છે, શરીર આવું જ છે અને આવું જ રહેવાનું.. શરીરમાં કંઈક ઘટના ઘટે, તો એની નોંધ નહિ લેવાની.. આપણું ધ્યાન આત્માની તરફ ૨૪ કલાક જોઈએ, શરીર તરફ આપણે ધ્યાન આપવાનું નથી. શરીર છે તો લોહી વહી ગયું, શું થયું એમાં? ફરક શું પડે. થોડું લોહી અંદર હતું તો થોડું લોહી બહાર આવ્યું. હવે આવા મહાપુરુષોને કોઈ પણ ઘટના શું કરી શકે?
મારું સદ્ભાગ્ય રહ્યું કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષોના ચરણોમાં મારું જીવન વીત્યું. ભગવદ્દગીતા જ્યારે મેં વાંચ્યું પણ નહતું. સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવો હોય, એ મને ખ્યાલ પણ નહતો. એ વખતે હું સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના ચરણોમાં હતો. ભદ્રસૂરિ દાદાએ અમને લોકોને કહેલું; કે આ શરીર તમને સોંપું છું. દાદાના શબ્દો યાદ રાખજો. દાદા કહે છે; શરીર તમને સોંપું છું. શરીરને દવા આપવી હોય એ આપ્યા કરજો, શરીરને ખોરાક આપવો હોય એ આપ્યા કરજો, મને મારામાં રહેવા દો.. મારી સાધના ચાલતી હોય ત્યારે તમે ક્યારે પણ મને Disturb કરતાં નહિ. શરીર તો છે, જવાનું છે. મારે મારી સાધનાને અસ્તિત્વના સ્તર સુધી પહોંચાડવાની છે. આવા મહાપુરુષો આપણને સંદેશ આપી જાય, કે ઘટનાઓ તો ઘટ્યા કરે. એ ઘટનાઓની અસર તમારા ઉપર ન થવી જોઈએ.
૫૦ ડીગ્રી ગરમી હોય, અને તમે તમારા ac રૂમમાં બેસો, બહાર ૫૦ ડીગ્રી ગરમી છે. તમે ૨૫ ડીગ્રીની ઠંડકની અંદર રહેતાં હોવ. તો ઘટનાઓ બહાર છે. એ ઘટનાની અસર તમારા ઉપર ન થાય, એ માટે જિનશાસન છે. જેને પ્રભુશાસન મળ્યું, એ ઘટનાથી અપ્રભાવિત હોય.
રાબિયા બહુ મોટા સંત હતા. એક શ્રીમંત એકવાર રાબિયાના દર્શન માટે આવે છે. એ શ્રીમંતની કલ્પના એવી હતી કે મોટો આશ્રમ હશે, ઘણા બધા શિષ્યો હશે. ત્યાં આવીને જોયું, એકમાત્ર ઝુંપડી! અને એમાં રાબિયા રહે છે. કોઈ શિષ્ય નથી. કોઈ આશ્રમ નથી. ચલો ઝુંપડી તો ઝુંપડી. પણ ઝુંપડીનું પણ ઠેકાણું નહિ. ઉપરથી પતરાં હલી ગયેલા. એક પલંગ એનો એક પાયો તૂટી ગયેલો. ત્યાં પથ્થર ગોઠવેલા. એક માટલું હતું, એમાં અધવચ્ચે કાણું. એટલે બે લોટાથી વધારે પાણી નાંખો એટલે નીકળવા માંડે. શ્રીમંતને એ ખ્યાલ હતો કે આ બહુ મોટા ગુરુ છે. અને એમના ભક્તો પણ કરોડોપતિ, અબજોપતિ છે જ. એટલે ભક્તોએ તો વિનંતી કરી જ હશે. સરસ મજાના આશ્રમની. પણ રાબિયાએ માની નહિ હોય. એટલે એ શ્રીમંતે નીચેથી શરૂઆત કરી. કે સાહેબ! આ માટલીમાં કાણું છે, તો નવી માટલી ત્યાં મૂકી શકું? શ્રીમંતનો વિચાર હતો કે એકવાર હા પાડે માટલીની, પછી પલંગ નવો કરી દઉં. અને પછી આશ્રમ નવો બનાવી દઉં. એ પૂછે છે; માટલી નવી મૂકી દઉં? રાબિયા ના પાડે છે. અરે, પણ આમાં શું વાંધો છે? માટલી આમે ફૂટી જવાની છે. તો નવી માટલી મૂકી દઉં? ના કેમ પાડો છો?
એ વખતે રાબિયાએ કહ્યું; કે પહેલા મારા બે પ્રશ્નોનો જવાબ તું આપ. પછી તારી વાત સાંભળીશ. રાબિયા કહે છે; કે ઈશ્વર સર્વજ્ઞ છે એવું તું માને છે? હવે હિંદુ હોય કે કોઇપણ હોય. પ્રભુ સર્વજ્ઞ છે એવું તો માનતા જ હોય. ઈશ્વર સર્વજ્ઞ છે એવું તું માને છે? પેલાએ કહ્યું; જી, માનું છું. બીજો સવાલ – is he almighty? પ્રભુ સર્વશક્તિશાળી છે? ના, કેમ પડાય આમાં? હા પાડી.. અને એ વખતે રાબિયા કહે છે; પ્રભુ તું બધું જ જાણે છે, અને છતાં તે આ માટલી બદલી નથી. કારણ, મારી નિસ્પૃહતાને તારે ખીલવવી છે! એ ઘૂંટળીયે પડે. ધ્રુસકે-ધ્રુસકે રડે, કે પ્રભુ એક-એક ક્ષણે તું મારી care કેવી કરે છે!
મેલા કપડાં હોય ને એમાં પણ પ્રભુની care દેખાય. હું તો વારંવાર કહું છું. અહિયાં શ્રામણ્યમાં આવ્યા પછી પ્રભુની કેર, પ્રભુની કાળજી, ક્ષણે ક્ષણે તમે અનુભવી શકો. એક સૂત્ર છે, surrender ની સામે care. Surrender ની સામે care. સમર્પણ; આ બાજુ – કાળજી. તો સુત્રનો વિચાર કરીએ. તમે જેટલું સમર્પણ વધારે કરો, એટલી પ્રભુ કાળજી વધારે કરે. તો એનો મતલબ શું થયો? એ તો મેં સમર્પણ કર્યું અને કાળજી મને મળી. મારું સમર્પણ ન હોય અને એની કાળજી અનુભવું. ત્યારે હું કહું; કે એ એવો છે કે તમે ઝૂકો નહિ એક ટશું, તો પણ તમને ન્યાલ કરી દે!
તો બે સુત્રો હશે. એક surrender ની સામે care. પહેલું સૂત્ર. તમે શ્રાવકત્વની ભૂમિકા ઉપર છો. આપણે શ્રામણ્યની ભૂમિકા ઉપર છીએ. પ્રભુની આજ્ઞા પ્રત્યે જેટલું સમર્પણ વધારે એટલી કાળજી વધારે. મને તો અનુભવ થાય કે એક-એક ક્ષણે પ્રભુ મારી કાળજી કરે. તમને પણ એ અનુભવ થાય. એક સેકંડ તમે વિભાવમાં જઈ ન શકો! કઈ રીતે જાવ? પ્રભુની કેરનું બખ્તર આવી ગયું. એ બખ્તરને ભેદીને વિભાવ જાય શી રીતે?
તો પહેલું સૂત્ર આ surrender ની સામે care. જેટલું સમર્પણ વધારે એટલી કાળજી વધારે. પણ બીજું સૂત્ર એ છે; you are surrender less; and you have the full grace, full care. તમારી પાસે સમર્પણ નથી, છતાંયે કાળજી..! આપણે નરક અને નિગોદમાં હતા. કોઈ સમર્પણ આપણી પાસે હતું નહિ, છતાં પ્રભુએ આપણને ઊંચકી લીધા!
વિતરાગસૂત્રમાં બે statement આવે છે. બેઉ statement એક-બીજાના વિરોધી છે. એક statement માં કલિકાલ સર્વજ્ઞશ્રી કહે છે ‘भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्’ પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો. નરક-નિગોદમાં હું હતો, ત્યાંથી પણ તારી કૃપાએ, તારા પ્રેમે મને ઊંચક્યો, અને હું અહીં સુધી આવ્યો. પ્રભુના એ પ્રેમનો અનુભવ થાય છે? પ્રભુ તમને ઊંચકીને મનુષ્ય જન્મ સુધી લઇને આવ્યા. એનું શાસન એણે તમને આપ્યું.. એની સાધના એણે તમને આપી.. આ પ્રભુનો પ્રેમ અનુભવાય છે?
માસક્ષમણવાળા તપસ્વીઓને પૂછું; પ્રભુનો પ્રેમ ક્ષણે-ક્ષણે અનુભવો છો? ઉબકાં આવે છે, માથું દુઃખે છે, બધું જ છે; પણ પ્રભુનો પ્રેમનો સ્પર્શ પણ છે. અને એ પ્રભુના પ્રેમનો સ્પર્શ એવો જીતી જાય કે માસક્ષમણ પૂરું થઈ જાય. તો એ પ્રભુના પ્રેમનો અનુભવ થાય છે? હું વારંવાર આ વાત કરવાનો. કારણ, કે મને પોતાને સતત એના પ્રેમનો અનુભવ થાય છે.
તો વિતરાગસ્તોત્રમાં એક statement આ આવ્યું. બીજું statement એ આવ્યું; કે ‘रत्नत्रयं मे ह्रियते’ પ્રભુ તારું શ્રામણ્ય લીધું અને છતાં રાગ અને દ્વેષ મારી પાછળ પડેલા છે. તો તું શું કરે છે? નરક અને નિગોદમાં જે તારા પ્રેમમય હાથે મને ઊંચકેલો. એ તારો પ્રેમમય હાથ અદ્રશ્ય ક્યાં થયો? નરક અને નિગોદમાં તું મને આવીને ઊંચકે! અને તારું શ્રામણ્ય લીધું અને છતાં હું અસુરક્ષિત! આખાં ય વિતરાગસ્તોત્રમાં શબ્દમાં આનો જવાબ નથી. અશબ્દમાં જ જવાબ મળે કે તમે જ્યાં સુધી અસહાય છો, ત્યાં સુધી એની કરુણા તમને મળે છે. નરક અને નિગોદમાં તમે અસહાય હતાં. શ્રાવક જીવનમાં અને શ્રામણ્યમાં પણ તમે અસહાય હોવ તો પ્રભુનો પ્રેમ સતત તમને મળે છે.
તો અસહાયતા એટલે શું? મેં કશું જ કર્યું નથી.. માસક્ષમણ પ્રભુએ કરાવરાવ્યું. હું સંયમયોગોની પાલના કરું છું, એ પાલના ‘એ’ કરાવે છે. હું કશું જ કરતો નથી. હું બિલકુલ અસહાય છું.. અને જે ક્ષણે તમે અસહાય છો, એ જ ક્ષણે એની સહાય આવી જાય છે. ‘નિર્બલ કે બલ રામ.’ તમે નિર્બળ થયા એટલે એનું બળ મળી ગયું! તો સાધનામાર્ગમાં આવ્યા પછી અસહાય બનવાનું છે.
૨૦ ગાથા એક કલાકમાં થઈ ગઈ. ૨૦ ગાથા એક કલાકમાં થઈ ગઈ. શું કહેશો? મેં ૨૦ ગાથા કરી એમ કહેશો? પ્રભુનો ફોટો છે, ત્યાં જશો. તમારી આંખમાં આંસુ હશે, અને કહેશો કે પ્રભુ ૨૦ ગાથા તે કરાવી, તને સમર્પિત કરું છું. ચાલો ગાથા થઈ અને સમર્પિત કરી. એક કલાક ગોખ્યું અને એક પણ ગાથા ન થઇ તો શું કરશો? તો પણ પ્રભુની પાસે જજો. આંખમાં આંસુની સાથે કે પ્રભુ એક કલાક જ્ઞાનાચારની તે સાધના કરાવી.
કબીરજીએ પણ કહ્યું; “નિરાધાર ભયે પાર.” જે લોકોએ પોતાની જાત પર આધાર ન રાખ્યો, પેલે પાર પહોંચી ગયા! તો surrender ની સામે care- આ પહેલું સૂત્ર. જેટલું તમારું સમર્પણ વધારે પ્રભુની આજ્ઞા પ્રત્યેનું, એટલી તમારી કાળજી વધારે લેવાશે. પ્રભુની આજ્ઞા હતી, તું તારામાં રહે! અને તમે તમારામાં છો, તો કઈ ઘટના તમને અસર કરશે? Surrender ની સામે care મળી ગઈ?
ગુંડો આજુબાજુમાં હોય અને હેરાન કરતો હોય. ક્યારેક ખંડણી માંગતો હોય- એક લાખ રૂપિયા આપી દે. પણ એ જે માણસ છે. એને પણ પોલીસ ઇન્સ્પેકટર જોડે સારો સંબંધ છે. રોજ ચા-પાણી પીવાનો સંબંધ છે. એટલે એ ગુંડાથી ડરતો નથી. તરત જ પોલીસ ઇસ્પેક્ટર ને ફોન કરે છે કે સાહેબ ગુંડો માણસ છે. આ રીતે ફોન ઉપર વાતો કરે છે, લાખ-લાખ રૂપિયા મારી પાસે માંગે છે. ઇસ્પેક્ટર એટલું જ કહે છે, તું ચિંતા નહિ કર. બધી વ્યવસ્થા થઇ જશે. ગુંડાને ઉપાડી લીધો, જેલમાં મૂકી દીધો અને ૪ પોલીસ કાયમી પેલાના ત્યાં સુરક્ષા માટે મૂકી દીધા.
તો પ્રભુ જેવા સુરક્ષા આપનાર હોય આપણને કઈ ચિંતા? પ્રભુ કહે છે; આવી જા. ભગવદ્ગીતામાં કહે છે, પરમચેતના, “सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज”. તું બધું જ છોડી દે! એક માત્ર મારા શરણે આવી જા! એ પ્રભુની આજ્ઞાનું શરણ મળે, આનંદ જ આનંદ.. તમે ઘટનાથી અપ્રભાવિત બનો.
તો આપણી સજ્જતા શું છે? “સૂરત નિરત કો દીવલો જોયો, મનસા પૂરન બાતી” પૂર્ણ મન એ વાટ છે. દીવાને પ્રજ્વલિત તો કરવો જ છે આપણે, બરોબરને? વાટ જોઇશે. પૂર્ણ મન એ વાટ.
ઉપનિષદના ઋષિ તો કહે છે; पूर्णमद: पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते” ઋષિ કહે છે; पूर्णमद: पूर्णमिदं – આ પણ પૂર્ણ છે અને પેલું પણ પૂર્ણ છે. હું પણ પૂર્ણ છું અને સામેવાળા પણ પૂર્ણ છે. મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હશે; તો મને ફરસ પર ડાઘ દેખાશે, તમારા કપડાં ઉપર ડાઘ દેખાશે. પણ કપડાં ઉપર ડાઘ છે જ નહિ, ફર્સ પર ડાઘ છે જ નહિ; ડાઘ તારા ચશ્માના ગ્લાસમાં છે. મને એ ખ્યાલ સૂરત નિરત કો દિવલો જોયો,આવે કે ચશ્માના ગ્લાસને લુંછી નાંખું, હવે બધું વ્હાઈટ વ્હાઈટ છે. ક્યાંય ડાઘ નથી. તો દુનિયા મજાની છે. લોકો બધા જ સારા જ છે. માત્ર એમને જોવાનું vision આપણી પાસે બરોબર નથી. એટલે તમારા ચશ્માના ગ્લાસ મારે લુછવા છે. તમે લૂછો તો બહુ સારું! એટલે આવતી કાલે તમારા ચશ્માના ગ્લાસ લુછવાના છે. બહાર ભલે ચશ્મા ન હોય, ચશ્મા પહેરીને નહિ આવતાં. અંદરના ચશ્મા જે છે – vision, એને સાફ કરવાના છે.