વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : *સાધનામાર્ગના અવરોધો
બધી જ વ્યવહાર ક્રિયાઓ સરસ છે કારણ કે એ વ્યવહાર ક્રિયાઓ જ આપણને નિશ્ચય તરફ લઇ જશે. પણ અવરોધ એ આવે છે કે સાધક પગથિયામાં ઘર કરીને બેસી જાય છે. અહોભાવની ધારા શુભ છે. ભક્તિ સરસ. સ્વાધ્યાય સરસ. વૈયાવચ્ચ સરસ. પણ, આ બધા પગથિયા છે. પગથિયા દ્વારા ક્યાં પહોંચવું છે? આતમભાવે સ્થિર હોજો માં.
સામાયિકની વ્યવહાર ક્રિયા બહુ જ અદ્ભુત છે. પણ એમાંથી તમારે સમભાવરૂપી નિશ્ચય સાધનામાં જવાનું છે. જેમ-જેમ તમારા સામાયિક વધતા જાય, તેમ-તેમ તમારો સમભાવ વધતો જવો જોઈએ. એ ૪૮ મિનિટ તમારી એવા આનંદમાં જાય, કે તમને સામાયિક પારવાનું મન ન થાય! એ જ રીતે વીતરાગ પ્રભુનું દર્શન કરતા કરતા જો તમારો રાગ ઓછો થતો જાય, તો માનવાનું કે નિશ્ચય સાધના મળી.
સાધનામાર્ગમાં બીજો અવરોધ એ છે કે ગઈકાલની સાધના સાથે આજની સાધનાને સાધક compare કરતો હોય છે. જે વખતે જે સાધના થાય, એમાં જો ત્રુટિ લાગે તો એ ત્રુટિને દૂર કેમ કરવી માત્ર એટલું વિચારીને આગળ વધતા રહેવું. આજે કદાચ મન સ્થિર નહતું અને સાધનાનો આનંદ ન આવ્યો, તો મનને સ્થિર કરો. પણ No Comparison.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૪
એક નાનકડી પંક્તિ આપણી સામે છે: “ આતમભાવે સ્થિર હોજો” આપણા આખા જ જીવનનું ultimate goal – અંતિમ લક્ષ્ય આ કડી એ આપણને આપ્યું.
શું કરવાનું છે? આપણી બધી જ ક્રિયાઓ, આપણો સ્વાધ્યાય, આપણી ભક્તિ આ બધું જ આખરે શેના માટે છે? સ્વાધ્યાય એ શુભ. ભક્તિ એ શુભ. જ્યાં અહોભાવની ધારા છે, ત્યાં શુભ છે. પણ, એ શુભ એ પગથિયાં છે. યોગમાર્ગમાં કહેવામાં આવ્યું છે કે યોગમાર્ગમાં બે અવરોધો આવેલા છે. એક અવરોધ તો એ આવે છે; કે સાધક પગથિયાંમાં ઘર કરીને બેસી જાય છે. ભાઈ first floor પર જા.. Second floor પર જા… ત્યાં તને કંઈક મળશે, પગથિયાંમાં શું મળશે? તો યોગમાર્ગમાં પહેલો અવરોધ આ છે કે સાધક પગથિયાંમાં ઘર કરીને બેસી જાય છે.
આપણી જે સાધના પદ્ધતિ છે. એમાં આપણે ચુક્યા ક્યાં? અહીંયા જ ચુકી ગયા! ભક્તિ સરસ.. સ્વાધ્યાય સરસ.. વૈયાવચ્ચ સરસ.. પણ, એ પગથિયાં છે. પગથિયાં દ્વારા આપણે ક્યાં પહોંચવું છે? “આતમભાવે સ્થિર હોજો” પ્રભુનું દર્શન બે રીતે થાય. પહેલું શુભના સ્તર પર પ્રભુને જોઈએ; આંખો નીતરવા લાગે. મારા પ્રભુ ! “ઇતની ભૂમિ પ્રભુ તુમહી આણ્યો” પ્રભુ નરક અને નિગોદમાંથી તું મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો.. પ્રભુ! તારા ઋણમાંથી મુક્ત હું શી રીતે થઈશ ! પહેલું દર્શન આંખોની આંસુધારા સાથેનું.
બીજું દર્શન જે છે શુદ્ધનું એ હવે તમારે કરવાનું છે. બડભાગી છીએ; મજાની પરંપરા મળી. જ્યાં એકાદ જૈનોનું campus થયું, પ્રભુનું દેરાસર તો હોય જ! મજાની આ પરંપરા.. એ પરંપરાએ પ્રભુ સાથે આપણને જોડ્યા. હવે પ્રભુ સાથે વધારે જોડાવવું છે.
એક નાનકડું practical તમને આપું: દર્શન કરવા જાવ કે પૂજા કરવા જાવ, વિધિ પુરેપુરી કરજો; વિધિ કર્યા પછી દસ મિનિટ-પંદર મિનિટ માત્ર પ્રભુને જોતાં બેસી રહો. પ્રભુના મુખને જુઓ. શું દેખાય છે ત્યાં?
શંખેશ્વરમાં મારો શિબિર હતો. સવારે દાદાના દર્શન માટે ગયેલા. પછી પ્રવચન હતું. મેં પ્રવચનમાં પૂછ્યું કે દાદાએ આજે કંઈ કહેલું ખરું? તમે બધા દર્શન માટે જઈ આવ્યા, તો દાદાએ તમને શું કહેલું? એક ભાઈ કહે સાહેબ! દાદાએ કંઈક કહ્યું તો હશે. દાદાની ભાષા અમને પલ્લે પડી નહિ. આપ જ કહો, કે દાદાએ શું કહેલું? મેં કહ્યું; દાદાએ કહેલું કે હું આનંદમાં છું, કારણ કે હું સ્વમાં ડૂબેલો છું. તારે પણ આનંદમાં રહેવું હોય તો પરને છોડી દે અને સ્વમાં ડૂબી જા. શંખેશ્વર દાદા, પૂનમે ૧૦,૦૦૦ માણસ આવશે, એકમના ૨૦૦ માણસ પણ નથી. પ્રભુ કહેશે, એમાં મારે શું લાગે-વળગે? ૧૦,૦૦૦ આવ્યા તો તારી બાજુ નાંખ. ૨૦૦ આવ્યા તો પણ તારી બાજુ નાંખ. મારે શું? હું તો સ્વમાં ડૂબેલો છું.
તો દસ મિનિટ-પંદર મિનિટ રોજ પ્રભુને જોતાં બેસી રહેવું. પ્રભુના મુખ પર તમને શું દેખાય? આનંદ દેખાય? તમને ન થયું કે આ આનંદ મને ક્યારે મળે? ચાલો, સુરતમાં છો, કેટલા બધા મહાત્માઓનું દર્શન તમને મળે છે, એ મહાત્માના મુખ ઉપર તમને શું દેખાય છે? બોલો, અમે મજામાં વધારે કે તમે મજામાં વધારે? એટલે જ મેં કહેલું કે તમારી શાતા પૂછવી પડશે! અમે લોકો ever green, ever fresh. કોઈ પણ તમારા પરિચિત ગુરુદેવને ક્યારેય પણ પૂછ્યું; કે સાહેબ! આટલા આનંદમાં કેમ છો? તમે બધું છોડ્યું, અને છતાં તમારી પાસે આટલો બધો આનંદ કેમ છે? પૂછ્યું? વંદન કઈ રીતે થાય છે? બહારથી કે ભીતરથી? ભીતરથી વંદન કરો તો હલી જાવ! ગઈ કાલે જેમણે દીક્ષા લીધેલી એ મહાત્મા આટલા બધા આનંદમાં છે, અને એવો આનંદ મને તો આખી જીંદગીમાં ક્યારે પણ મળ્યો નથી! તો શું છે દીક્ષામાં? પૂછ્યું ક્યારેય..? હવે પૂછવાના?
ભીતર ઉતરવું છે.. પ્રભુના મુખને જોઇને એમની વિતરાગ દશા ગમી જાય, એમની ઉદાસીનદશા ગમી જાય. અમારી પાસે શું છે? ઉદાસીનદશાનો એક નાનકડો અંશ છે. અને એને કારણે ઘટના આમ ઘટે તો પણ ઠીક છે, આમ ઘટે તો પણ ઠીક. જે ક્ષણે જે પર્યાય વીતવાનો છે, એ જ ક્ષણે એ પર્યાય આવવાની છે. તો પર્યાય આવે એને જોવાના. ઘટના એટલે પર્યાય.
તો દર્શન બે જાતના. એક તમે કરો છો, એ બરોબર જ છે. યાદ રાખો, તમે જે કંઈ કરો છો, બધું સરસ છે. માત્ર એમાં મારે થોડોક ઉમેરો કરવો છે. તમને આમ મળ્યું છે, એ જોઇને મારી આંખો ભીની બને છે કે પ્રભુનું શાસન તમને મળી ગયું! તમને ક્યારેય ગાલ પર લાફો મારવાની ઈચ્છા થાય? એટલા માટે કે હું સપનામાં છું કે જાગતો છું? શું ખરેખર પ્રભુનું શાસન મને મળી ગયું છે?
તો આપણે બધી જ ક્રિયાઓ – વ્યવહાર ક્રિયાઓ સરસ છે. કારણ, એ વ્યવહાર ક્રિયાઓ જ આપણને નિશ્ચય તરફ લઇ જશે. એટલે કોઈ પણ વ્યક્તિ વ્યવહાર ક્રિયાનું સહેજ પણ તિરસ્કાર કરે તો આપણે ત્યાંથી દૂર વહ્યા જવાનું.
મારો એક મુમુક્ષુ હતો. મુંબઈમાં એક પંડિતને એ સાંભળતો હતો. એ પંડિત આત્મ-તત્વની સરસ વાતો કરતો હતો. એક દિવસ એમને વ્યવહારનું ખંડન કર્યું, કે આ દર્શન, પૂજા, પ્રતિક્રમણ આટલું કર્યું; શું મળ્યું તમને? આ બધું નકામું છે. મારો પેલો મુમુક્ષુ ઉભો થયો. એણે કહ્યું; પંડિતજી! દર્શન અને પૂજા પ્રભુની એ વ્યર્થ છે, નકામી છે, કારણ વ્યવહાર બધો જે છે, તે નિરર્થક છે. તો તમે આ ભાષણ કેમ કરો છો? હવે હું તમને જ છોડીને જાઉં છું, ચાલો..
એટલે વ્યવહાર ક્રિયાઓ તમે જે પણ કરો છો. અદ્ભુત છે! કદાચ આવી ક્રિયાઓ દુનિયામાં કોઈને મળી નહિ હોય. મેં બધા જ દર્શનોનો અભ્યાસ કરેલો છે. અને એ પછી ડંકાની ચોટ પર હું કહી શકું, કે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ પ્રભુશાસનમાં જેવું છે, એવું બીજે ક્યાંય નથી. આટલો મજાનો વ્યવહાર! એક પૈસો રાખવાનો નહિ શ્રમણે, ક્યાંય પરમાં ડૂબવાનું નહિ. તમે પરમાં જાવ ને, એ તમારી નબળાઈ છે. પ્રભુએ તમારા માટે પરમાં જવાનું એક પણ દ્વાર ખુલ્લું રાખ્યું નથી. તમે પરમાં જાવ શી રીતે?
લોક-પરિચય તો પ્રભુએ ના પાડી. પ્રભુએ કહ્યું; તું તારામાં ડૂબી જા. આ જ નિશ્ચય સાધના. પ્રતિક્રમણ, પ્રતિલેખન, પૂજા આ બધી જ વ્યવહાર ક્રિયા દ્વારા છેવટે આપણને મળે છે, આ નિશ્ચયની સાધના. તો પ્રભુએ આપણા માટે તો કોઈ દ્વાર ખુલ્લું નથી રાખ્યું કે આપણે પરમાં જઈ શકીએ. શ્રીસંઘ પણ કેવો ભક્તિવાળો છે, તમે સતત સ્વમાં રહો, ગોચરી-પાણી માટે જઈ આવો. ખુબ ભાવથી તમને વહોરાવી દે. એમની તમારી પાસે બીજી કોઈ ઈચ્છા નથી. અપેક્ષા નથી. અને તમારી પાસે તો નહિ જ. અમારી પાસે થોડીક પણ અપેક્ષા હશે. શ્રમણી વર્ગ પાસે શ્રીસંઘની કોઈ અપેક્ષા નથી. એ લોકોની અપેક્ષા હોય તો એટલી જ કે તમે સુક્ષ્મની સાધનામાં લાગી જાવ. કેવા ભાવથી એ લોકો આપણને ગોચરી વહોરાવે છે! એ ગોચરી વહોરતાં આપણી આંખોમાંથી આંસુ ટપકે, કે પ્રભુના આજ્ઞા પથ પર કેટલો હું ચાલુ છું, એ મને ખબર છે. પણ, મારા પ્રત્યે આટલો બધો ભક્તિભાવ, આ ચાદર ઉપર!
તો તમને તો, અમને પણ એવો વિશેષ અવસર મળ્યો છે, કદાચ આવો અવસર અગણિત જન્મોમાં ક્યારેય પણ મળ્યો હશે કે કેમ… ખ્યાલ નથી. મળ્યો હશે તો પણ આપણે એને ગુમાવી દીધો. આ જન્મમાં, આ અવસરને સાર્થક કરવો છે. તમારા મુખને જોઇને, તમારા ચાલવાને જોઈને કોઈ વ્યક્તિ પામી જાય. તમે નીકળેલા હોવ, મોઢે મુહપત્તિ હોય, દાંડો હાથમાં હોય, નીચી નજરે તમે ચાલતાં હોવ, તમારા એ મુખને જોઇને બીજી વ્યક્તિ સાધનાના હાર્દને પામી જાય.
તો પ્રભુએ આપણા માટે પરમાં જવાનું કોઈ દ્વાર ખુલ્લું રાખ્યું નથી; અને એથી આપણે સ્વની સાધના સરસ કરી શકીએ. તો વ્યવહાર ક્રિયા એ સાધન.
એટલે યોગમાર્ગમાં બે અવરોધો હતાં. પહેલો અવરોધ તો આ હતો, કે પગથિયાં માં તમે ઘર કરીને બેસી ગયા. સામાયિક કર્યું; આ અમૃતક્રિયા છે યાદ રાખજો. આ કટાસણું કોઈ સામાન્ય નથી. તમને મળતું કરેમિ ભંતે સૂત્ર કોઈ સામાન્ય ઘટના નથી. આ વ્યવહાર ક્રિયા બહુ જ અદ્ભુત છે. પણ એમાંથી તમારે સમભાવરૂપી નિશ્ચય સાધનામાં જવાનું છે. જેમ-જેમ તમારા સામાયિક વધતાં જાય, તેમ-તેમ તમારો સમભાવ વધતો જાય. એ ૪૮ મિનિટ તમારી, એવા આનંદમાં જાય, કે તમને સામાયિક પારવાનું મન ન થાય..!
એટલે તમને ખબર છે, તમે જે પણ આદેશ માંગો, અમે લીલી ઝંડી આપીએ. સામાયિક સંદિસાહું? સંદિસાવેહ. સામાયિક ઠાઉ? ઠાએહ. પણ, પારવાની વાત આવે ને; તમે કહો ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક પારું? હવે હા તો કહેવાય નહિ, હા કહેવાય અમારાથી? તું સામાયિક પારીને ઘરે જા, એવું તો અમારાથી કહેવાય નહિ. ચાલો હા ન કહે, ના તો કહેવાય કે નહિ? નથી પારવાનું. પણ, અહીંયા એક જિનશાસનની બહુ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ખુલે છે. શ્રાવક માટે પણ સદ્ગુરુની આજ્ઞાનો સ્વીકાર એ વ્રત છે. અને એટલે જ અતિચારમાં એ બોલે છે, ગુરુ વચન તહત્તિ કરી પડીવજ્યું નહિ. પણ, સદ્ગુરુએ એ જેટલું પાળી શકે એટલી જ આજ્ઞા આપવાની છે. ગુરુ ના પાડે, એટલે પેલો કહે મારે તો બહાર જવાનું છે, હું જાઉં છું, તો ગુરુ આજ્ઞા ભંગનું પાપ એને લાગે અને તમને પણ લાગે. તો વચલો રસ્તો કાઢ્યો: ‘પુણો વિ કાયવ્વ’ ન હા, ન ના. ‘પુણો વિ કાયવ્વ’ આ ફરીથી કરવા જેવું છે. ‘કર’ એમ નહિ. આ ફરીથી કરવા જેવું છે. અને તમને થાય કે ખાસ કોઈ કામ ન હોય, તો ફરીથી સામાયિક લઇ લઈએ.
પણ તમારે જવું જ પડે એમ છે. તો તમે બીજો આદેશ માંગો, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક પાર્યું? તો પણ ગુરુદેવ પ્રેમથી શું કહે છે; “આયરો ન મોત્તવ્વો” બે પાઠ છે; “આયરો ન મોત્તવ્વો” “આયારો ન મોત્તવ્વો” પહેલું સૂત્ર કહે છે; કે ભાઈ તારે જવું પડે એમ છે. તું ઘરે જાય છે, પણ આ ક્રિયા પરનો આદર તું છોડતો નહિ. અને જ્યારે સમય મળે, ફરી સામાયિક કરવા આવી જજે. બીજું સૂત્ર છે; “આયારો ન મોત્તવ્વો” મુહપત્તિ ભલે કટાસણામાં pack થઇ જાય, પણ, તે જે ઉપયોગ રાખેલો બોલતી વખતે, કદાચ ચાલતી વખતે એ ઉપયોગને તું સામાયિક પાર્યા પછી પણ સાથે રાખજે. આ વ્યવહાર ક્રિયા અદ્ભુત…!
પણ, આપણે પગથિયાંમાં બેસી રહેવું નથી. આપણે first floor ઉપર જવું છે. આજે જ ને..? નહિતર ચા-પાણી પણ નહિ મળે. પગથિયાંમાં શું મળશે? જવું છે ને first floor પર? તો શું કરવાનું? સમભાવને હૃદયમાં સ્થિર કરવાનો. ઘરે ગયા, ચા માં કંઈ ઠેકાણું નહતું. પૌઆ વઘારેલા અને મીઠું જ ન હતું. ચા માં ખાંડ નહિ, પૌઆમાં મીઠું નહિ; અને છતાં તમને ગુસ્સો ન આવે! બપોરે દાળમાં મીઠું નહિ, છતાં તમને ગુસ્સો ન આવે! આ તમારું ઘર એ જ practice માટેનું સ્થાન થયું. એટલે જેમ-જેમ સમભાવ વધતો જાય, તેમ-તેમ માનવાનું કે નિશ્ચય સાધના મને મળી. પ્રભુ વિતરાગ છે. એ વિતરાગનું દર્શન કર્યા પછી નિશ્ચય સાધના કઈ મળે? તમારો રાગ ધીરે ધીરે ઓછો થાય. પૈસા કમાવવાના પણ કેટલા કમાવવાના? હદ હોય ને? તમારો રાગ ધીરે ધીરે ઘટતો જાય.
તો સાધનામાર્ગમાં પહેલો અવરોધ આ હતો, કે વ્યક્તિ પગથિયાંમાં ઘર કરીને બેસી જાય છે.
બીજો અવરોધ એ છે, કે ગઈકાલની સાધના સાથે આજની સાધનાને સાધક compare કરતો હોય. No comparison. ગઈ કાલની સાધના ગઈ કાલે હતી. આજની સાધના આજે છે. આજે કંઈ મજા નહિ આવી. એટલે શું મજા માટે સાધના છે? તારું મન સ્થિર નહતું તો તને સાધનાનો આનંદ ન આવ્યો. તારે મનને સ્થિર કરવું જોઈએ. એટલે સાધનાને ક્યારેય પણ compare નહિ કરતાં. જે વખતે જે સાધના થાય, એમાં ત્રુટી લાગે, એ ત્રુટીને દૂર કેમ કરવી, એ વિચારી અને આગળ ને આગળ વધતા રહેવું.
તો લક્ષ્ય આપણું સ્થિર થયું. “આતમભાવે સ્થિર હોજો” લક્ષ્ય નક્કી? એ લક્ષ્યને નક્કી રાખી તમે ચાલશો ને તો અવરોધ આવવાનો જ છે. અને અવરોધ આવશે તો તમે સદ્ગુરુને પૂછવા આવશો કે સાહેબ હવે અહીંયા શું કરવું? પણ, આ વાતો સાંભળી અને આપણે હતાં ત્યાં ને ત્યાં રહેવું હોય, તો આ વાતો દ્વારા આપણને કંઈ મળ્યું નહિ. આપણે મેળવવું છે…
આ જનમમાં નક્કી કરો, “આતમભાવે સ્થિર હોજો” ક્યાંય કોઈ વસ્તુ ગમી ગઈ, અરે! આ તો પરભાવ થયો; પરભાવમાં મારે જવાનું નથી..
ડાયાબીટીક પેશન્ટ હોય, ડાયાબીટીસ બહુ જ ઓછું હોય, ડોકટરે કહ્યું હોય; બિલકુલ મીઠાશ ખાવાની નથી. કોઈ જગ્યાએ ગયા. દાળ લીધી. રોટલીનો ટુકડો કરી દાળમાં ડબોળીને મોઢામાં નાંખ્યો. તરત લાગ્યું કે દાળ તો મીઠી છે. એ તરત જ ત્યાં અટકી જાય છે. એ કહે શાક શેનું છે લાવો. આ દાળ નહિ ચાલે. આ alertness, આ જાગૃતિ તમારી પણ શરીર માટે હોય છે, આત્મા માટે કેટલી? કોઈ પદાર્થ સંયમની વૃદ્ધિ કરનાર તમારી પાસે હોય એ ઉપકરણ છે. એ ઉપકરણને આપણે વંદના કરીએ. પણ, આ જ ઉપકરણ ઉપર રાગ આવી જાય તો? દસીઓ એકદમ સ્વચ્છ છે ઉજળી, જ્યાં ગયા, ત્યાં ધૂળ જ ધૂળ નીચે હતી. એ ધૂળમાં કેમ ઓઘો ફેરવું? તો આ ઉપકરણ નહિ, અધિકરણ થઇ ગયું. રાગનું સાધન આ બનવું ન જોઈએ. આ પણ તમને વિતરાગદશા તરફ પહોંચાડે. મુહપત્તિ પણ તમને વિતરાગદશા સુધી પહોંચાડે. એ મુહપત્તિ આવી, ભાષાસમિતિ આવી, વચનગુપ્તિ આવી. સમિતિ અને ગુપ્તિ આવી એટલે ધ્યાન આવી ગયું. અને ધ્યાનની ગાડી આગળ ચાલી એટલે મોક્ષ આવી ગયો.
એક ઓઘો મોક્ષ અપાવે. પણ, ક્યારે? એના ઉપર પણ રાગ ન હોય તો. કટાસણું એકદમ નવું છે, અને મંડપમાં ગયા ને ધૂળવાળી જગ્યા છે. જો એક મિનિટ પણ વિચાર આવે કે ધૂળમાં આ કટાસણું ખરાબ થઇ જશે તો એ તમારું ઉપકરણ અધિકરણ થઇ ગયું.
આપણી વાત મજાની ચાલે છે, કે આત્મભાવમાં સ્થિર થવું હોય તો બે વાત જોઈએ. સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત. સદ્ગુરુ તૈયાર બેઠા છે. હું તૈયાર બેઠેલો છું, અને મારે તમને તૈયાર કરવા છે. મને લાગે છે, આટલાં પ્રેમથી સવારના પહોરમાં સાંભળવા માટે આવો છો, એટલે તમારા હૃદયમાં આ વાતો ઉતરી રહી છે, અને મારે આ વાતોને ઉતારવી છે. જેમ-જેમ તમારા હૃદયમાં આ વાતો ઉતરશે, એમ automatically તમારી વ્યવહાર સાધના નિશ્ચયસાધનામાં ફરી જશે. અને નિશ્ચય સાધના આ જ છે- આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થવું.