Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 25

12 Views
13 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પૂરન મન પૂરન સબ દીસે

અનંત અનંત જન્મોથી બધા જ પ્રાણીઓની આપણે આશાતના કરીએ છીએ. હું superior; બીજા બધા નકામા. જે મારા હું ને પંપાળે, એટલા લોકો સારા. અને જે મારા અહંકારને ખોતરે, તે ખરાબ. અનંતા જન્મોની અંદર બધા જ પ્રાણીઓની આપણે આશાતના કરી; એમના સિદ્ધત્વને આપણે ક્યારેય જોયું જ નહિ. એનું પ્રાયશ્ચિત્ત એ છે કે આ જ ક્ષણથી બધા જ આત્માઓને સિદ્ધ પરમાત્મા રૂપે જોતાં શીખી જવું છે.

એક-એક વ્યક્તિ અનંત ગુણોથી પરિપૂર્ણ સિદ્ધ ભગવાન તરીકે દેખાતી હોય, ત્યારે મન પૂર્ણ થયેલું કહેવાય. તમારે તમારી જાતને એવી રીતે જોવાની કે એ અસ્વચ્છ છે, ગંદી છે; પણ બીજા બધાને તો તમારે સિદ્ધ પરમાત્મા રૂપે જ જોવા છે.

પૂર્ણ મન માટે જોઈશે:મેરે પ્રભુ સું પ્રગટ્યો પૂરન રાગ. એક પણ પદાર્થ પર, એક પણ વ્યક્તિ પર રાગ ન હોય, અને માત્ર પરમાત્મા પર પ્રેમ હોય. આ ભૂમિકા તમારી પાસે આવે, ત્યારે જ તમને પૂર્ણ મન મળે છે.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૨૫

મજાની કડી આપણી સામે છે. જે કડીમાં આપણી પુરી સાધનાનું હાર્દ સમાયેલું છે. જે પણ સાધના આપણે કરીએ શા માટે કરીએ છીએ, એની વાત એ કડીમાં છે.

“આતમભાવે સ્થિર હોજો” આત્મભાવને પ્રાપ્ત કરીને એમાં જ ડૂબી જવું છે. પરભાવમાં તો અનંતા જન્મોમાં ખુબ ડૂબ્યા. આ એક અવસર છે; આપણી ભીતર ડૂબવાનો. તમે તો આનંદઘન છો! આનંદનો એક ફુવારો તમારી ભીતરથી સતત ઉડી રહ્યો છે. એ તમારા આનંદનો અનુભવ તમારે કરવો છે. એના માટે બે વસ્તુની વાત કરી હતી. સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત.

સદ્ગુરુ તૈયાર છે. ૫૦૦થી પણ વધારે તપસ્વીઓ માસક્ષમણમાં અત્યારે છે. આ શું થયું? સદ્ગુરુનો શક્તિપાત ઝીલાઈ ગયો. આ પચ્ચક્ખાણ એ પણ શક્તિપાત છે. તો એક બાજુ પુરી તૈયારી છે અને તમને તૈયાર કરી દેવા છે.

ત્રણ સજ્જતાની વાત કરેલી – નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન. પૂર્ણ મન એટલે શું? પૂર્ણ મનની બહુ જ મજાની વ્યાખ્યા ગુજરાતી ભાષામાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનમાં આપી: કે પૂર્ણ મન એટલે શું? તમારી પાસે પૂર્ણ મન આવી ગયું. સદ્ગુરુ શક્તિપાત કરી દે. પણ, પૂર્ણ મન આવે એટલે શું થાય?

પ્યારા શબ્દો છે: “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” પૂર્ણ મન જ્યારે તમારી પાસે છે. ત્યારે તમને બધા જ પરિપૂર્ણ લાગે છે. તમારી શ્રાવિકા તમને કલ્યાણમિત્ર જ નહિ, પણ, અનંત ગુણોથી પરિપૂર્ણ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા રૂપે દેખાય છે. એક-એક વ્યક્તિ અનંત ગુણોથી પરિપૂર્ણ સિદ્ધ ભગવાન તરીકે દેખાતી હોય, ત્યારે આપણું મન પૂર્ણ થયેલું કહેવાય.

એક જગ્યાએ ભક્તિ મહોત્સવ હતો. નાનું ગામ. મોટી ધર્મશાળા નહિ. ભાવુકો ઘણા આવી ગયા. એક હોલમાં બહેનોને રાખી. એક હોલમાં ભાઈઓને રાખ્યા. બપોરના ૨ વાગ્યાનો સમય. જમી કરી અને બધા આરામ કરતાં હતાં. ત્યાં એક દીકરી ૧૮ એક વર્ષની, એને પેલી બાજુ જવું છે. પણ, કોઈ આમ સુતેલું, કોઈ આમ સુતેલું, કોઈ આમ સુતેલું. દીકરી સાચવી-સાચવીને ચાલે છે. તો પણ, એક aunty ને પગ લાગી ગયો, અને એ aunty જોરદાર ભભૂકી ઉઠી; આંધળી છે? ધોળે દિવસે ખબર નથી પડતી! પાટું મારે છે? દીકરી પગમાં પડી, માફી માંગી! પછી એ દીકરી ગઈ.

એ દીકરીના ગયા પછી એ બાઈની બાજુમાં જે બેન હતી, એણે આ બાઈને પૂછ્યું; કે આ દીકરી કોણ હતી તને ખબર છે? તો કહે; ના. આ દીકરી દીક્ષા લેવાની છે, એનું મુહુર્ત્ત જોવાઈ ગયું છે, અને ૧૫ દિવસ પછી એની દીક્ષા છે. આ બેનને એટલો તો આંચકો લાગે છે, કે જે દીક્ષા લેનાર છે, પરમેષ્ઠીના પાંચમાં પદ પર બિરાજમાન થનાર છે, એની મેં આશાતના કરી! બેનની આંખમાં આંસુ છે. એ પેલી દીકરી પાસે જાય છે. દીકરીના પગમાં પડે છે. દીકરી કહે છે: aunty મને કેમ પાપમાં નાંખો છો? તમે તો મોટા છો. હું તમારા પગમાં પડું. અને એ વખતે aunty એ કહ્યું; કે બેટા! આજે તું મોટી છે, કારણ તું દીક્ષા લેવાની છે!

ભવિષ્યમાં દીક્ષા લેનાર હોય, એના પ્રત્યે પણ તમારો આદર કેવો હોય? કેવો હોય? સરસ હોય ને? વાયણા માટે બોલાવો, કેટલા ભાવથી એમને વધાવો! તો ભવિષ્યના દીક્ષિત માટે તમને આટલો બધો આદર, તો ભવિષ્યના સિદ્ધ માટે કેટલો આદર? આ બધા ભવિષ્યના સિદ્ધો છે. તમારી જાતને બાકી રાખવાની. તમારા સિવાયના બીજા બધા જ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે. તમારે તમારી જાતને એવી રીતે જોવાની કે એ અસ્વચ્છ છે. ગંદી છે. પણ, બીજા બધાને તો તમારે સિદ્ધ પરમાત્મા રૂપે જોવા છે; આ vision…

મેં કહ્યું હતું ને,  કે મારા ચશ્માનાં ગ્લાસમાં ડાઘ છે, તો મને ફરસ ઉપર પણ ડાઘ દેખાશે, તમારા કપડાં ઉપર પણ ડાઘ દેખાશે. પણ કરવાનું શું? મારે મારા ચશ્માનાં ગ્લાસ સાફ કરવાનાં. આજે મારે તમારા બધાના ચશ્માંના ગ્લાસ સાફ કરવા છે. અંદરના ચશ્માં છે હો! એટલે બહાર ચશ્માં પહેરીને નથી આવ્યાં, એની ચિંતા નહિ કરતાં.. આખું vision ફેરવી નાંખવું છે.

હકીકતમાં અનંત અનંત જન્મોથી બધા જ પ્રાણીઓની આપણે આશાતના કરીએ છીએ. હું superior, બીજા બધા નકામા. તમે પુરા મનુષ્ય વર્ગને બે ભાગમાં વહેંચી નાંખ્યું- સારા અને ખરાબ. સારા કોણ? જે તમારા અહંકારને પંપાળે, તે સારા; અને જે તમારા અહંકારને ખોતરે તે ખરાબ. એટલે અનંતા જન્મોની અંદર બધા જ પ્રાણીઓની આપણે આશાતના કરી. એમના સિદ્ધત્વને આપણે ક્યારેય જોયું જ નહિ. પ્રાયશ્ચિત્ત એ છે કે આ જ ક્ષણથી બધા જ આત્માઓને સિદ્ધ પરમાત્મા રૂપે જોતાં શીખી જવું છે. કોઈ અંકલે વિના કારણે પાંચ-દસ શબ્દો કહી દીધા; પ્રેમથી સાંભળી લેવાના, અને કહેજો ‘નમો સિદ્ધાણં’.

તો “પૂરન મન પૂરન સબ દિશે’ ચશ્માના ગ્લાસ સ્વચ્છ થઇ ગયા; હવે બધું સ્વચ્છ દેખાય છે. તો તમારું vision સ્વચ્છ થઇ ગયું; તમને બધા જ મજાના મજાના દેખાશે. આવી ભીડમાં તમે હશો, તમારી પાછળ કોઈ અંકલ બેસવા માટે તૈયાર થાય, એ કટાસણું પાથરવાની તૈયારી કરતાં હોય, તમને ખ્યાલ આવી જાય, તમે તરત ઉભા થઇ જાવ, અંકલ મારી પાછળ નહિ, મારી આગળ બેસી જાવ, હું પાછળ બેસી જાઉં. તો પૂર્ણ મનની વ્યાખ્યા આ…

મને તો પ્રભુએ પૂર્ણ મન આપ્યું ને ત્યારથી જલસો પડી ગયો છે. બધા મજાના મજાના લાગે છે.. પ્રભુએ આ vision મને આપ્યું; એ પછી એક પણ વ્યક્તિ ક્યારેય પણ મને ખરાબ લાગી નથી. બધા જ સિદ્ધના પરમાત્મા મને લાગે છે. ખરેખર, પ્રભુનો બહુ જ ઋણી છું! કે પ્રભુએ સદ્ગુરુ દ્વારા આ દ્રષ્ટિ મારી ખોલી આપી!

તો પૂર્ણ મન મળી જાય; એટલે બધા જ પૂર્ણ દેખાય! હવે સવાલ એ થશે; કે પૂર્ણ મન મળે શી રીતે? જોઈએ ને? માત્ર તમે સાંભળીને જતાં રહો, એવી મારી ઈચ્છા નથી. સાંભળી લો. કંઈક તમારા મનમાં hammer કરી જાય, કંઈક અંદર વિસ્ફોટ કરી જાય, તો મને આનંદ થાય. પૂર્ણ મન જોઈએ જ છે, મળી જાય.

મહોપાધ્યાયજીએ એ સ્તવનાની રચના કરી; “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરન રાગ” મારા પ્રભુથી મને પૂર્ણ પ્રેમ થયો છે. પૂર્ણ પ્રેમ એટલે? બીજા કોઈ ઉપર, બીજા કોઈ પદાર્થ ઉપર, બીજી કોઈ વ્યક્તિ ઉપર સહેજ પણ રાગ મને નથી. શરીર છે; ખોરાક ખવાઈ પણ જાય, પાણી પીવાઈ પણ જાય; પણ રાગ ત્યાં નથી, પ્રેમ ત્યાં નથી. પ્રેમ માત્ર પરમાત્માની સાથે છે! અને માત્ર પ્રેમ છે એમ નથી કહેતાં, પૂર્ણ પ્રેમ છે! એક વસ્તુ મને ગમી ગઈ, તો પ્રભુ પ્રત્યેનો ૧૦૦% પ્રેમ જે મારો હતો, એમાં ૧૦% કપાઈ ગયો. એક પણ પદાર્થ પર, એક પણ વ્યક્તિ પર રાગ ન હોય, અને માત્ર પરમાત્મા પર પ્રેમ છે. આ ભૂમિકા તમારી પાસે છે; ત્યારે જ તમને પૂર્ણ મન મળે છે.

પરમાત્માનું શ્રામણ્ય શું છે? આ જ છે..પ્રભુ સાથેનો પરમપ્રેમ…તમને દુનિયાનો એક પણ પદાર્થ આકર્ષી ન શકે! દુનિયાની કોઈ વ્યક્તિ કેવી છે, કેવી નહિ, તમને ખ્યાલ ન હોય. કોઈ પૂછે; હમણાં કોઈ ભાઈ આવેલા? ઉપાશ્રયમાં તમે બેઠેલા છો, અને કોઈ પૂછે, તમે શું કહેશો? મને કંઈ ખ્યાલ નથી. હું મારામાં ડૂબેલો છું.. બહાર કોની ખબર હું રાખું? પરથી તમે જેટલા બેખબર, એટલા જ સ્વમાં અંદર ઉતરી શકશો.

એક મજાની ઘટના છે. આચાર્ય ભગવંત એક ગામમાં પધાર્યા. લોકોએ ખુબ ભાવથી સ્વાગત કર્યું. પ્રવચન થયું. બપોરે એક મુનિરાજ વહોરવા માટે નીકળ્યા. વહોરીને આવ્યાં, અને બીજા મુનિઓ એમના તરફ જુએ છે, અને એકદમ આભા થઇ જાય છે. કો’કે પથ્થર મારેલો હશે ગાલ પર, તો લોહી દદળી રહ્યું છે.. વહોરીને આવી રહે છે ઉપાશ્રયમાં, ગાલમાંથી લોહી દદળી રહ્યું છે. પણ માત્ર લોહી જ દદળી રહ્યું છે એમ નહિ! સ્મિત પણ વહી રહ્યું છે! ઉપાશ્રયમાં આવ્યાં, પાત્રા યથાસ્થાન ગોઠવ્યાં, ડ્રેસિંગ થઇ ગયું. એ પછી ગુરુદેવ એક પ્રશ્ન પૂછે છે; તમારો દીકરો હોય, અને માર ખાઈને આવેલો હોય, તો તમે પહેલો સવાલ શું કરો? કોણે માર્યું? તમારો પહેલો સવાલ શું હોય? કોણે માર્યું? ઊંડાણમાં જુઓ તો ખ્યાલ આવશે, તને કેટલું વાગ્યું એ પ્રશ્ન પછી થાય છે. બીજા પ્રશ્નો પછી થાય છે. પહેલો પ્રશ્ન આ; તને કોણે માર્યું? અને મનમાં એમ છે કે જેણે ઠોક્યું છે, એને બરોબરનો ઠોકી દઉં. એટલે આ જે પ્રશ્ન પહેલો પૂછાયો, એની પાછળ જીવદ્વેષ એ કારણ છે.

પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા કહે છે; કે આપણે પ્રભુના બે અપરાધો કર્યા છે; જડ પ્રત્યે રાગ કર્યો, ચેતના પ્રત્યે શત્રુતા કરી; અને પછી ગુરુદેવ કહે છે, હવે શીર્ષાસન કરો; ચેતના પ્રત્યે મૈત્રીભાવ! Reverence for the life. જ્યાં ચૈતન્ય છે, ત્યાં આદર. અને જડ પ્રત્યે રાગ નહિ પણ ઉદાસીનભાવ. તો જીવદ્વેષ આપણી ભીતર અનાદિનો ધરબાયેલો છે. અને એટલે જ રેલ્વેના ડબ્બામાં હોવ કે ગમે ત્યાં હોવ, પ્રવચન સભામાં હોવ, બીજા પ્રત્યે તમને સહેજ મનની અંદર અભાવ થઇ જવાનો. આ અંકલ ખુરશી લઈને બેઠા છે, અને આગળ બેસી ગયા! મ.સા. નું મોઢું અમને ન દેખાય! અરે ભાઈ આંખો બંધ કરીને પ્રવચન સાંભળો. અને એ રીતે તું જોઇશ તો સાહેબનું મોઢું ભલે નહિ દેખાય, પ્રભુનું મુખ દેખાશે..!

ગુરુદેવ પ્રશ્ન પૂછે છે. ગુરુદેવ સંઘના નાયક છે. એમણે વિચાર કર્યો કે આજે તો આ સાધુ છે, કોઈએ પથ્થર માર્યો. કાલે કોઈ સાધ્વીજી ભગવતી હોય, અને વહોરવા જાય, અને આવો કોઈ માણસ એમને પરેશાન કરે તો? એટલે આવી વ્યક્તિ કોણ છે, એની વાત મારે સંઘને જણાવવી જોઈએ. એટલે ગુરુદેવે પૂછ્યું કે તું ૨-૩ શેરીઓમાં વહોરવા માટે ગયો હોઈશ; કઈ શેરીમાંથી, કયા ઘરમાંથી પથ્થર નીકળી અને તને વાગેલો, એ તું કહી શકીશ…? આવું તો યાદ જ રહે ને..! વ્યાખ્યાનમાં શું આવ્યું એ યાદ ના રહે! પણ કોણે ઠોક્યો એ યાદ ન રહે?! તમને યાદ ન રહે ને? એ વખતે મુનિરાજ કહે છે, ગુરુદેવ! બે મિનિટ આપો, હું જરા વિચાર કરી લઉં કે કયા ઘરમાંથી પથ્થર છૂટ્યો. પથ્થર ક્યાંથી છૂટ્યો, એની જેને ખબર નથી, એ મહાત્માની મસ્તી કેવી હશે! મેં પહેલા એ પૂછેલું, અમે વધુ શાતામાં, કે તમે વધુ શાતામાં? સાચું કહેજો? આપણે પ્રવચન એટલે વાર્તાલાપ, બીજું કંઈ નહિ. અમે વધારે સુખી કે તમે વધારે સુખી? સુખી વધારે કોણ?

એટલી મજાની પરંપરા મળી છે કે ત્યાં-જ્યાં, ત્યાં જ સુખ, આ વાત તમારા હૃદયમાં પણ ઘુમરાયેલી છે. એવા કેટલાય લોકો છે, ૫૦ વર્ષની વયના, ૬૦ વર્ષની વયના આંખોમાં આંસુ સાથે કહે છે; ગુરુદેવ! અમને દીક્ષા ક્યારે મળશે? તો મસ્તી- આનંદ અમારો અપાર છે. ગમી ગયો? આજની પ્રભાવનામાં આપી દઉં?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *