Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 26

13 Views
13 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુનું કાર્ય

સદ્ગુરુના તમારા તરફ ખુલતાં બે જ કાર્યો છે: તમને પ્રભુની પ્યાસ નથી, તો એ જગાવી દેવી અને પ્યાસ જાગેલી છે, તો પ્રભુ સાથે તમારું મિલન કરાવી દેવું. આ સિવાયનું કોઈ કામ અમારું નથી!

કેટલાય જન્મો પહેલા આપણે સદ્ગુરુ પાસે પહેલી જ વખત પરમચેતનાની વાતો સાંભળી અને આપણે પ્રભુના પ્રેમમાં ડૂબી ગયા. આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ! તું આવો મજાનો છે; તો મને કેમ ન મળે?! એક ક્ષણની આપણી એ પ્રાર્થના પર પ્રભુએ આપણને select કર્યા. અને સદ્ગુરુને કામ સોંપ્યું કે ભાઈ! પ્રારંભિક સ્તરનું કામ તમે કરી આપો.

સદ્ગુરુએ અપાર મહેનત કરી આપણા રાગને, દ્વેષને, અહંકારને શિથિલ કરવા માટે. જ્યારે એ શિથિલ થયા અને પરમાત્માનો આસ્વાદ આપણને મળ્યો, આપણે પ્રભુમાં ડૂબી ગયા. પણ ક્યારેક ક્યારેક રાગ-દ્વેષનું સામ્રાજ્ય વધી જાય, તો પ્રભુ છૂટી પણ જાય. હવે એવી રીતે પ્રભુ સાથે મિલન કરવું છે કે ક્યારેય પણ એ મિલન છૂટે નહિ.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૨૬

મજાનું પદ આપણી સામે છે. “આતમભાવે સ્થિર હોજો” આપણી પુરી સાધનાનું લક્ષ્ય આ એક જ ‘આત્મભાવમાં સ્થિર થવાનું’ એ સ્થિરતા શી રીતે મળે? એના માટે બે વાત છે- સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત.

સાધકની સજ્જતાની વાત આપણે જોઈ રહ્યા છીએ કે નિરંતર સ્મરણ પ્રભુનું. પૂર્ણ મન- “પૂરન મન પૂરન સબ દિશે” જે ક્ષણે મન પૂર્ણ બન્યું, પુરી દુનિયા તમને પૂર્ણ લાગે છે. અત્યારે તમને અધૂરપ લાગે છે. ક્યાં? બીજામાં! તમે તો સર્વગુણ સંપન્ન છો જ..! પણ, બીજામાં તમને અધૂરપ દેખાય છે. તમે એવું સમજો છો કે એનામાં અધૂરપ છે, માટે મને અધૂરપનો અહેસાસ થાય છે. હકીકતમાં તમારું vision બરોબર નથી, માટે તમને બીજામાં અધુરપનો અભ્યાસ થાય છે. અમને લોકોને કેટલી તો મજા છે… કે જે પણ વ્યક્તિ સામે આવે, એ પૂર્ણ જ લાગે છે! પ્રભુ એક જ ઝાટકે તમારી બધી જ ફરિયાદોનો નિકાલ કરી નાંખે. કેટલી બધી ફરિયાદો તમારી બીજાઓ માટેની છે. તમારામાંથી કોઈને પણ પૂછીએ, કે સંપૂર્ણ સુખી કોણ? તમારી પાસે ફરિયાદો જ ફરિયાદો છે. દીકરો આવો છે, શ્રાવિકા આવી છે, ધંધામાં ઠીક નથી. બધી જ ફરિયાદો… આ બધી જ ફરિયાદોનો નિકાલ એક ઝાટકે લાવવો હોય, તો પ્રભુની કૃપા જોઈએ છે. પ્રભુની કૃપા.. પ્રભુની કૃપાનું અવતરણ.. અને આનંદ જ આનંદ…! આખી દુનિયા ફરી જાય છે…! પછી કોઈ વ્યક્તિ માટે ફરિયાદ કરવા જેવું રહેતું નથી. તો પૂર્ણ મન.

પ્રખર હિંદુ સંતો નામદેવ, જ્ઞાનદેવ અને મુકતાબાઈ યાત્રા માટે નીકળે છે. વચ્ચે એક ગામ આવતું હતું. જ્યાં ગોરો કુંભાર રહેતો હતો. કામ એ કુંભારનો કર્તા. પણ, પ્રખર તત્વજ્ઞાની. તો આ ત્રણે સંતો ગોરા કુંભારને ત્યાં જાય છે. કુંભારે આગતા-સ્વાગતા કરી. ડેલિમાં ઉતારો આપ્યો. જ્ઞાનદેવ અને મુકતાબાઈ ભીતર ઉતરેલા હતાં. જે વ્યક્તિ ભીતર ઉતરી ગઈ. એણે બહારની દુનિયા જોડે કોઈ સંબંધ રહેતો નથી. પણ, નામદેવ નવદીક્ષિત હતાં. એટલે થોડુક કુતુહલ થયું. કુંભારને ત્યાં પેલું ટપલું પડેલું, જેનાથી ઘડાને એ લોકો ટીપે. તો નામદેવે ટપલાને હાથમાં લઈને પૂછ્યું; ગોરા કુંભારને, કે આ શું કામમાં આવે? ત્યારે ગોરા કુંભારે કહ્યું, કે ઘડો પાક્કો છે કે કાચો એની ખબર આ ટપલાથી પડે; અને શિષ્ય પણ કાચો છે કે પાકો એની ખબર આનાથી પડે. એમ કહીને ગોરા કુંભારે ટપલું પોતાના હાથમાં લીધું. એ વખતે મુક્તાબાઈ ત્યાંથી પસાર થઇ રહ્યા છે. ગોરા કુંભારે મુક્તાબાઈને ટપલું સહેજ touch કર્યું, અને નામદેવ ગુસ્સે થઇ ગયા. એક સંત, અને એ સંતને તમે ટપલું લગાવો! તમે છો કોણ? ગોરો કુંભાર હસે છે કે જો આ ટપલાથી ખબર પડી ગઈ કે આ શિષ્ય કાચો છે. તને ગુસ્સો આવ્યો, માટે તું કાચો છે. બરોબર ને?

બોલો તમારો ક્રોધ કેવો હોય? જલરેખા જેવો હોય ને.. સંજ્વલન ક્રોધ એટલે કેવો? જલરેખા. કોઈ બાલમુનિ હોય, થાળમાં પાણી ઠારેલું હોય, અને એ રમત ખાતર પાણીમાં લખતાં હોય, ‘અ’ પણ ‘અ’ નું પાખડું આવે ત્યાં આગળનો ભાગ તો અદ્રશ્ય થઇ ગયો હોય. તમારે પણ એવું થાય ને? આમ ગુસ્સો શરૂ થયો, અને અધવચ્ચે પૂછો કે અરે મેં શેના માટે આ ગુસ્સો શરૂ કર્યો તો? તમને યાદ ન હોય, કે તમે શેના માટે ગુસ્સો કરેલો! જલરેખા.. પાંચ મિનિટ થઇ અને આગળનો ભાગ અદ્રશ્ય થઇ ગયો. હવે આગળનો ભાગ અદ્રશ્ય થઇ ગયો; તમે તરત વિચારમાં પડશો, કે હું શેના માટે ગુસ્સો કરતો હતો.

પૂર્ણ મન હોય, ત્યાં આવી કોઈ તકલીફ હોતી જ નથી. ગોરા કુંભારે નામદેવને કહી દીધું; તું કાચો ઘડો છે. તમને ખ્યાલ છે? તમે ભીનું માટીનું પિંડ હોવ, તો સદ્ગુરુને કુંભાર બનવું પડે છે! તમારા માટે સદ્ગુરુ શું ન કરવા તૈયાર છે? બધું જ કરવા તૈયાર છે!

કબીરજીએ કહ્યું, “ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ; અંદર હાથ સંવાર રે, બાહિર મારે ચોટ” સદ્ગુરુ કુંભાર છે; તમે જો ભીનો માટીનો પિંડ હોવ તો.. શું કરશે સદ્ગુરુ? ઘડી-ઘડી કાઢે ખોટ. એક આકાર બનાવશે. ઘડાનો આકાર બની ગયો. હવે એ આકારને સુરેખ બનાવવો છે. તો એના માટે શું કરવાનું? બે વાત કરવાની.. ઉપરથી ટપલું લગાવવાનું જેના કારણે આકાર વ્યવસ્થિત થઇ જાય; પણ, ભીનો માટીનો લોંદો છે, જોશથી ટપલું વાગી જાય તો માટીનો લોંદો નીચે પડી જાય. એટલે ગુરુ duel action માં કામ કરે છે. ‘અંદર હાથ સંવાર રે, બાહિર મારે ચોટ’ જ્યાં આગળ ટપલું લગાવવાનું છે, ત્યાં ઘડાની અંદર પોતાનો હાથ રાખે. એ હાથને કારણે માટીનો પિંડ જે છે એ ઢળી ન પડે, અને ટપલાને કારણે એને આકાર મળે.

ગુરુ પ્રેમ પણ આપે અને લાલ આંખ પણ બતાવે. બેઉ સાથે ચાલતું હોય. ગુરુનો પુણ્ય પ્રકોપ એ શું છે? ત્યાં બહારથી ગુરુની આંખો લાલ લાગે, અંદરથી એ હસતાં હોય. એકવાત તમને કહું, લાલ આંખવાળાનો જમાનો અમારે ત્યાં હજુ છે, તમારે ત્યાં નથી. ૫૦ વર્ષ પહેલા તમારા ત્યાં પણ લાલ આંખવાળાનો જમાનો હતો. ૫૦ વર્ષનો દીકરો હોય, અને ૭૫ વર્ષના એના પિતા ગુસ્સાથી કહે; તો પેલો થથરી જતો. આજે તમારે ત્યાં પણ લાલ આંખવાળાનો જમાનો નથી; Smiling face વાળાનો જમાનો છે. પણ, અમારે ત્યાં લાલ આંખ ચાલે છે. ચાલે છે ને ભાઈ? ચાલે કે નહિ? ગુરુ કેવા ગમે? લાલ આંખવાળા! તો ગુરુનો પુણ્યપ્રકોપ.

બહુ પ્યારી ઘટના છે. ભગવાન બુદ્ધ ઉપર બેઠેલ. એક શિષ્યે કોઈ અકાર્ય કરેલું છે; અને બુદ્ધ ગુસ્સે થઈને લડે છે. પટ્ટશિષ્ય આનંદ તો ભગવાનના ગુસ્સાને જોઈ જ રહ્યો છે! પી રહ્યો છે! મારા ભગવાન, અને ગુસ્સે થાય?!બુદ્ધ પા કલાક સુધી લાલ આંખ કરીને પેલાને કડવા શબ્દો કહે છે. એ શિષ્ય ચરણોમાં નમી, માફી માંગીને ગયો. એ પછી પટ્ટશિષ્ય આનંદે પૂછ્યું; કે ભગવાન! તમે અને ગુસ્સે થયેલા? હજુ મને સપનું લાગે છે. તમે તો માત્ર હસતાં ને હસતાં જ હોવ. તમારો બીજો ચહેરો મેં ક્યારે પણ જોયો નથી. પહેલી જ વાર તમારા ચહેરા ઉપર આ ગુસ્સો દેખાયો. એ વખતે બુદ્ધ હસ્યા, બુદ્ધે કહ્યું; કે આનંદ! મેં ગુસ્સો કર્યો એવું નથી. મેં ગુસ્સાનો ઉપયોગ કર્યો છે. મેં ગુસ્સો નથી કર્યો. ગુસ્સાનો ઉપયોગ કર્યો છે. પછી બુદ્ધે કહ્યું; વૈદ્ય પાસે એક દર્દી જાય છે, એને ડાયાબીટીસ છે. એ યુગમાં ૨૫૦૦ વર્ષ પહેલાં પણ ડાયાબીટીસ હતું. એનું નામ મધુપ્રમેહ હતું. આર્યભીશકમાં પણ એનું નામ મળે છે.

તો બુદ્ધ કહે છે; કોઈ વ્યક્તિ દર્દી તરીકે વૈદ્યને ત્યાં જાય છે, એને ડાયાબીટીસ છે, એ વખતે વૈધ એને કડવા ઔષધો પાય, કડવો ઉકાળો પાય, કારેલાંનો રસ એને પાય. તો બુદ્ધ કહે છે આનંદને કે વૈદ્ય કડવો થઇ ગયો? કે વૈદ્ય કડવાશનો ઉપયોગ કરે? બે વસ્તુ થઇ ને… વૈદ્ય કડવો થતો નથી; વૈદ્ય મીઠો જ છે. પણ, પેલા માટે કડવાશ જરૂરી છે. તો કડવાશનો ઉપયોગ કરે છે. એમ હું તો મીઠો જ છું. પણ, પેલા શિષ્ય માટે કડવાશનો ઉપયોગ જરૂરી હતો માટે એને કડવાશ આપી દીધી. એટલે બુદ્ધ કહે છે; હું ગુસ્સે થતો નથી. આપણા એક પણ સદ્ગુરુઓ ક્યારેય પણ ગુસ્સે થતાં નથી. એમના ગુસ્સાને પણ ક્યારેક પીવાનો. એ પુણ્યપ્રકોપ.

પુણ્યપ્રકોપની વ્યાખ્યા શું છે? કે બહારથી તમને ગુરુ એકદમ ગરમ ગરમ લાગે. તો અંદરથી એકદમ ઠંડા. તો સદ્ગુરુ તમારા માટે બધું જ કરવા તૈયાર છે એમ નહિ. અગણિત જન્મોથી સદ્ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે.

એક મજાની ઘટના કહું, કે તમે લોકો ભુલી ગયા છો. કે આજથી ૪૦૦-૫૦૦ કે ૧૦૦૦ જન્મ પહેલાં તમે બિલકુલ કોરી સ્લેટ જેવા હતા. પ્રભુ એટલે શું એ તમને ખ્યાલ નહતો. પણ, એમાં તમારું સૌભાગ્ય રહ્યું કે તમે એક સદ્ગુરુના ચરણોમાં બેઠા. સદ્ગુરુના તમારા તરફ ખુલતાં બે જ કાર્યો છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી, તો એ જગવી દેવી; અને પ્યાસ જાગેલી છે, તો પ્રભુ સાથે તમારું મિલન કરાવી દેવું. આ સિવાયનું કોઈ કામ અમારું નથી.

ઉપધાન કરાવવા છે, તો ભાઈઓને ક્યાં રાખવા, બહેનોને ક્યાં રાખવી, મેનેજમેન્ટવાળાને પૂછો. અમારું કામ તો એક જ છે. એ આવે એટલે ફેરાં ફરાવી દઈએ. અગ્નિની સાથે ફેરાં ફર્યા છે, આમ ભગવાન રાખી અને ફેરો ફર્યો છે? ભગવાન કેન્દ્રમાં હોવ, અને તમે પ્રદક્ષિણા દેતાં હોવ. ઉપધાનની અંદર એ દ્રશ્ય જોવા મળે.

તો સદ્ગુરુના તમારી તરફ ખુલતાં બે જ કારણ. તો આપણે સદ્ગુરુ પાસે બેઠેલા અને સદ્ગુરુએ પરમચેતનાની બહુ જ મોહક વાતો કરી. પહેલી જ વાર પરમચેતનાની વાતો સાંભળી. આપણે પ્રભુના પ્રેમમાં ડૂબી ગયા. આ ૧૦૦૦ જન્મ પહેલાંની તમારી બતાવું. તમારી બધાની અને મારી પણ. એક પ્રભુના મહિમાને સાંભળતા, એટલો બધો પ્રેમ જન્મ્યો કે જે પ્રેમે – એ ભક્તિએ, આપણને પ્રભુમાં ડુબાવી દીધા. યાદ આવે છે? તો એ વખતે આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ! તું આવો મજાનો છે. તો મને કેમ ન મળે? તમને ક્યારેય થયું આવું? આ સદ્ગુરુને પ્રભુ મળી જાય તો અમને કેમ ન મળે? ક્યારેય આમ પીડા થઇ છે? પ્રભુ વિના જીવન અધૂરું લાગે છે? એકવાર પ્રભુનો આસ્વાદ તમને મળી જાય પછી ગેરંટી સાથે કહું, કે પ્રભુ વિના તમે રહી શકવાના નથી. એક જ વાર પ્રભુનો આસ્વાદ મારે કરાવવો છે. ચારે ચાર મહિના સુધી મારો પરિશ્રમ એક જ રહેશે, કે એકવાર તમે પરમાત્માનો આસ્વાદ માણો. મેં આસ્વાદ લીધો; હું ડૂબી ગયો.! હવે એના વિના એક ક્ષણ રહેવાનું હોય, તો શક્ય નથી.

આનંદધનજી ભગવંતે કહેલું; “ આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીયે” હું કરોડો ઉપાયો કરું, તો પણ પ્રભુ વિના એક ક્ષણ રહી શકું એમ નથી. તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ; કે પ્રભુ! તું મને ન મળે? એક ક્ષણની આપણી પ્રાર્થના, પ્રભુએ આપણને select કર્યા. Select કર્યા પછી એ initial stage નું કામ સદ્ગુરુનું હતું. એટલે પરમચેતનાએ આપણને સદ્ગુરુ ચેતનાને હવાલે કરી દીધા કે ભાઈ! પ્રારંભિક સ્તરનું કામ તમે કરી આપો. તો આપણા હૃદયમાં રાગ-દ્વેષ અને કષાય સામ્રાજ્ય જમાવીને બેઠેલા છે, એ રાગ, દ્વેષ, અહંકારને શિથિલ કરવાનું કામ સદ્ગુરુનું છે.

સદ્ગુરુએ અપાર મહેનત કરી, આપણા ઉપર, આપણા રાગને, આપણા દ્વેષને, આપણા અહંકારને શિથિલ કરવા માટે અને જ્યારે એ શિથિલ થયા, અને પરમાત્માનો આસ્વાદ મળ્યો, આપણે પ્રભુમાં ડૂબી ગયા! પણ, ક્યારેક ક્યારેક રાગ-દ્વેષનું સામ્રાજ્ય વધી જાય, તો પ્રભુ છૂટી પણ જાય. અત્યાર સુધી હજારો જન્મોની અંદર આ લુકા-છુપીની ચાલ ચાલુ રહી. પ્રભુ મળે પણ ખરા. પ્રભુથી આપણે વિખુટા પણ પડી જઈએ. હવે એવી રીતે પ્રભુ સાથે મિલન કરવું છે, કે ક્યારેય પણ એ મિલન છૂટે નહિ.

આનંદઘનજી ભગવંતે કહ્યું, પહેલા જ સ્તવનની પહેલી જ પંક્તિ, “રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે” પ્રભુ રીઝે, હું જો કહું ને તો, હું એમ કહું, કે તમે રીઝો ને, તો સંગ ન પરિહરે; પ્રભુ તો રીઝેલા જ છે! પ્રભુ રીઝ્યા નથી એવું છે જ નહિ.. પ્રભુ રીઝેલા છે.. આપણે એકમાત્ર પ્રભુને મેળવવાના લક્ષ્ય સાથે આગળ ચાલીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *