વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુકૃપા
સાધનાના એક-એક પડાવે લાગે કે પ્રભુ જ મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યા છે. કહેવાય છે કે पंगुम् लंघयते गिरिम्. પ્રભુ પાંગળાને પણ, લૂલાંને પણ સાધનાનો ગિરિ કૂદાવી દે છે. હું થોડોક એમાં ઊમેરો કરું છું કે પ્રભુ પાંગળાને જ સાધનાનો ગિરિ કૂદાવે! તમે જ્યાં સુધી અસહાય ન હોવ, ત્યાં સુધી પ્રભુનો વરદ હાથ તમને દેખાતો નથી.
surrender ની સામે care. પ્રભુ તો આપવા તૈયાર જ છે. તો પછી પ્રભુ surrender ની શરત શા માટે મૂકે છે કે તું મને સમર્પિત થાય, તો હું તને care આપું?! હકીકતમાં એ condition પ્રભુ તરફથી નથી; ભક્તની બાજુ છે. પ્રભુના વરદાનને ભક્ત ઝીલી ક્યારે શકે? Total surrender દ્વારા જ તમે પ્રભુની કૃપાને ઝીલી શકો.
રાજીમતીજીએ દીક્ષા લેતી વખતે પોતાના મન, વચન, કાયાના યોગો પ્રભુને સમર્પિત કરી દીધા; અને તો પ્રભુએ શું આપ્યું? ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર. તમારું મન શુભમાં રહે, એ ધારણ. એ શુભની અંદર તમારું મન અત્યંત વેગપૂર્વક જાય, એ પોષણ. અને શુભના વેગમાંથી તમે શુદ્ધમાં છલાંગો, એ તારણ.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૭
“આતમભાવે સ્થિર હોજો” સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત.
સાધકની સજ્જતાના ત્રણ રૂપોની વાત કરી. પહેલું રૂપ – નિરંતર પરમાત્માનું સ્મરણ, બીજું રૂપ – પૂર્ણ મન, અને ત્રીજું રૂપ છે- પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ. જ્યાં સુધી પ્રભુ તમને select ન કરે, પ્રભુ તમને પસંદ ન કરે; ત્યાં સુધી સાધક તરીકેની તમારી સજ્જતા પુરી થતી નથી.
આમ પણ, કોઈ પણ સાધના સૌથી વધુ મહત્વ પ્રભુની કૃપાનું છે. આપણું આખું જ સ્તવના સાહિત્ય પ્રભુકૃપાની વાતોથી ભરાયેલું છે. ‘આનંદ કી ઘડી આઈ’ સ્તવન પૂરેપૂરું પ્રભુકૃપાની વાતોનું પ્રતિનિધિત્વ કરે છે. “કર કે કૃપા પ્રભુ દરિશન દીજે” પ્રભુએ કૃપા કરી અને એનું દર્શન મને મળી ગયું. “ક્ષપકશ્રેણી મંડવાઈ, ભેદ તિનકાં છેદ કરાય” હું કશું જ કરી શકું એમ નથી, બધું જ પ્રભુ કરાવે છે.
તો સ્તવના સાહિત્યમાં, સ્તોત્ર સાહિત્યમાં, સાધનાની, પ્રભુ કર્તૃત્તાની વાતો ખુબ થયેલી છે. પણ, વચલા ગાળામાં, પરંપરામાંથી એ વાત નીકળેલી. આપણે ઋણી છીએ, પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના, જેમણે આપણા યુગની અંદર સાધનાની, પભુ કર્તૃતાની વાતો બહુ જ સરસ રીતે પ્રસ્તુત કરી.
એકવાર બ્રાહ્મણવાડા તીર્થમાં પંન્યાસજી ગુરુદેવની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. એ યુગના સાધકો માટે ગુરુદેવ ધ્રુવ તારક હતા. જ્યાં જ્યાં ગુરુદેવની સભાઓ હોય, જ્યાં એમના મહોત્સવો હોય, સાધકો વિશાલ સંખ્યામાં ગુરુદેવને પીવા માટે પહોંચી જાય. તો આ ચૈત્રી ઓળીમાં પણ સેંકડો સાધકો સદ્ગુરુના મુખેથી પ્રભુનો મહિમા સાંભળવા માટે આવે છે. મજાની વાત તો એ થઇ, પૂજ્યપાદ અધ્યાત્મયોગી કલાપૂર્ણસૂરિ દાદા પણ ત્યાં હાજર હતાં. કલાપૂર્ણસૂરિ દાદા વર્ષો સુધી પંન્યાસજી ગુરુદેવ પાસે અભ્યાસ માટે રહેલ છે. તો કલાપૂર્ણસૂરિ દાદા હતા અને જંબુવિજય મ.સા. પણ હતા. પણ, બોલવાનું પંન્યાસજી ગુરુદેવને જ હતું. લોકો એમને જ પીવા માટે આવે છે. એ સભાઓની અંદર જે એક બૌદ્ધિક વ્યક્તિ હાજર હતી, એણે મને કહેલું; કે સાહેબજીની એ પ્રવચન સભાઓ પ્રભુના સમવસરણની નાનકડી ઝાંખી કરાવે! એવી રીતે લોકો બેઠેલા હોય, ગુરૂદેવનો એક-એક શબ્દ કાન પર નહિ, હૃદય પર સવાર થઇ જતો હોય!
ચૈત્રી ઓળીનો પહેલો દિવસ. અરિહંત પદના મહિમાની વાત હતી. ગુરુદેવ બોલી રહ્યા હતા, કે તમારી સાધના પ્રભુ કર્તૃત છે. સાધનાના એક-એક ડગલે પ્રભુની કૃપાનો અનુભવ તમને થવો જોઈએ. આ અનુભવ થાય છે? સાધનાના એક-એક પડાવે લાગે કે પ્રભુ જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યાં છે. આમ કહેવાય છે; “पंगुम् लँघयते गिरिम्” પ્રભુ પાંગળાને પણ, લુંલાને પણ સાધનાનો ગિરિ કુદાવી દે છે. હું થોડોક એમાં ઉમેરો કરું છું. પાંગળાને, લુંલાને સાધનાનો ગિરિ પ્રભુ કુદાવે એ તો બરોબર, પણ પાંગળાને જ કુદાવે! તમે જ્યાં સુધી અસહાય ન હોવ, ત્યાં સુધી પ્રભુનો વરદ હાથ તમને દેખાતો નથી.
માઁ જોડે જ છે. શત્રુંજય તીર્થે ગયેલી છે. પાંચ વરસનો દીકરો કહે છે, મારે પગથિયાં ચડવા છે. માઁ પ્રેમથી જોયા કરે છે. જે ક્ષણે દીકરો થાકી જાય છે, મમ્મા હવે હું ચડી શકું એમ નથી. મમ્માની બાહોમાં એ સમાઈ જાય છે. એમ સાધના જગતનું આ સૂત્ર છે, તમે અસહાય બન્યા તો પ્રભુની સહાય તમને તરત મળી જાય. પણ તમારો અહંકાર હોય કે હું જ કરું, તો પ્રભુ પ્રેમથી જોતાં-જોતાં ઉભા રહે.
એટલે જ સાધનામાર્ગમાં સૌથી પહેલાં અહંકારને શિથિલ કરવો પડશે. હું કરું એ વાત જ નથી, પ્રભુની કૃપા કરાવે. મારી શું હેસિયત..? માસક્ષમણના તપસ્વીઓ વાસક્ષેપ લેવા આવે, પણ, એ બધાના ઉદ્ગારો એક જ હોય, ગુરુદેવ! કેવી પ્રભુની કૃપા! કે સપને પણ વિચાર્યું નહતું, અને માસક્ષમણ સહેલાઈથી થઇ રહ્યું છે. ત્યારે હું કહું કે પ્રભુ કરાવે તો મજાનું મજાનું જ હોય ને! તમે કરો તો મજા નહિ આવે. પ્રભુ કરાવશે તો મજા જ મજા..
તો ચૈત્રી ઓળીના પહેલાં દિવસે ગુરુદેવ અરિહંત પદના મહિમા પર બોલી રહ્યા હતાં કે તમારી સાધના પ્રભુ જ કરાવે છે. એ વખતે એક ભાવકે બહુ જ પ્રેમથી, બહુ જ આદરથી પૂછ્યું; કે ગુરુદેવ! આપ કહો છો, એમાં અમને કોઈ સંદેહ નથી. પણ આપની જે આ વાત છે, એ નવી છે. અત્યાર સુધી અમે એમ જ માનતા કે અમે સાધના કરીએ છીએ. પણ, સાધના અમે કરતાં જ નથી, અમે કરી શકીએ જ નહિ; માત્ર પ્રભુની કૃપા કરાવે, આ વિષય નવો છે. તો એના માટે આપ કોઈ શાસ્ત્રાધાર આપી શકો. ગુરુદેવ તો મહાજ્ઞાની છે.
મજાની વાત તો એ થઇ, કે કલિકાલ સર્વજ્ઞશ્રીનો, વિતરાગ સ્તોત્રનો શાસ્ત્રાધાર સામે છે. “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી ‘જ’ હું અહીં સુધી આવ્યો છું. પણ, એમણે જોયું કે આ સેંકડો લોકો અહીંયા બેઠેલા છે, એમના મનમાં પણ આ વાત સ્થિર થાય એના માટે ગુજરાતી ભાષાની કોઈ કડી એમને આપું. તો પ્રભુ જ સાધના કરાવે છે, એના સંબંધમાં એમને શાસ્ત્રાધાર ટાંક્યો.
આનંદઘનજી ભગવંતે રચેલ નેમિનાથ પરમાત્માના સ્તવનની એક કડી, બહુ જ મજાની કડી છે. “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર” પહેલાં કડીનો સામાન્ય અર્થ કરી દઉં, પછી આપણે ઊંડાણમાં જઈએ. ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર – રાજીમતીજીએ શું કર્યું; દીક્ષા લેતી વખતે, એમણે પોતાના મન, વચન, કાયાના યોગો પ્રભુને સમર્પિત કરી દીધા; અને તો પ્રભુએ શું આપ્યું? ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર – મોતીનો હાર કોઈ આપે, એ રીતે પ્રભુએ એક સાધનાની ત્રિપદી આપી. ધારણ, પોષણ, તારણ. શુભમાં તમે રહો, તમારું મન રહે, એ ધારણ. એ શુભની અંદર તમારું મન અત્યંત વેગપૂર્વક જાય એ પોષણ. અને શુભના વેગમાંથી તમે શુદ્ધમાં છલાંગો એ તારણ.
તો surrender ની સામે care, આ સૂત્ર આપ્યું. પ્રભુ તો આપવા તૈયાર હતાં. તૈયાર જ છે. તો પ્રભુ શરત શા માટે મુકે છે? પ્રભુને આપવું જ છે, તો પ્રભુ શરત શા માટે મુકે છે? Conditionally કેમ ખુલે છે? કે તું મને સમર્પિત થાય તો હું તને આપું. સવાલ થયો ક્યારેય? પ્રભુને કશું જ નથી, તમે સમર્પિત થાવ કે ન થાવ. પ્રભુ સ્વમાં ડૂબેલા છે, એમને તમારી જોડે બહુ નિસ્બત નથી. પણ, ભક્તવત્સલ તો પ્રભુ છે જ. તો પ્રભુ condition શા માટે મૂકી? Condition પ્રભુની તરફથી નથી, ભક્તની બાજુ છે. ભક્ત ઝીલી ક્યારે શકે, પ્રભુના વરદાનને? Surrender ness, surrender. Total surrender એ એક વિધિ છે કે જેના દ્વારા તમે પ્રભુની કૃપાને ઝીલી શકો. પ્રભુની કૃપાને કોઈ ભેદભાવ નથી. પ્રભુ તો બધા ઉપર વરસ્યા જ કરે.
ચંડકૌશિક ઉપર પણ વરસ્યા! કેવા વરસ્યા? ચંડકૌશિક શુભભાવમાં આવ્યો. પ્રભુ પોતાના જ્ઞાનથી જોવે છે. એ પછી પ્રભુને થયું; કે લોહી નીકળી રહ્યું છે એના શરીરમાં, હજારો કીડીઓ એના શરીરને પોલી રહી છે, છતાં એ શુભભાવમાં! પણ, આટલી વેદના વચ્ચે એ ખરેખર શુભભાવોને મૃત્યુ સુધી ટકાવી શકશે? એટલે પ્રભુ દિવસો સુધી ત્યાં રહ્યા છે, ચંડકૌશિક સાપને પોતાની ઉર્જા મળે એટલા માટે! અને એ ઉર્જાને કારણે ચંડકૌશિક સાપ શુભભાવમાં જ મૃત્યુ પામ્યો. તો પ્રભુની કરુણાને તો, પ્રભુની કૃપાને તો કોઈ ઓર-છોર નથી; પણ, એને ઝીલવા માટે આપણી પાસે ક્ષમતા જોઈએ.
તો ઝીલવા માટેની ક્ષમતા એ surrender. તમે શ્રાવક તરીકે આવ્યાં છો, અને એથી તમે પણ પ્રભુના ચરણોમાં મન, વચન, કાયાના યોગો થોડાક તો સમર્પિત કર્યા છે. મન કહે છે રાત્રે ૧૨ વાગે ભજીયા ખાવા માટે જવું છે, પણ પ્રભુની આજ્ઞા ના પાડે છે. તો એ રીતે મનમાં જે દ્વન્દ્વ થયું એનું કારણ શું હતું? તમારું મન થોડુક પણ પ્રભુની આજ્ઞાને સમર્પિત હતું. આપણે તો પ્રભુ આજ્ઞાને સંપૂર્ણતયા સમર્પિત; તનથી નહિ, મનથી સમર્પિત બનવાનું..
આનંદઘનજી ભગવંતે પહેલાં સ્તવનની છેલ્લી કડીમાં કહ્યું; સાધક કેવો હોય? અને સાધકે શું કરવું જોઈએ? તો ત્યાં એમણે કહ્યું છે, કે તમારી પાસે એવી પ્રીતિ જોઈએ, પ્રભુ આજ્ઞા પ્રત્યેની જે ક્યારેય તૂટે નહી. તો શરીરથી પ્રભુની આજ્ઞા પળાઈ જાય અને મનમાં રાગ-દ્વેષ થોડા પણ હોય, તો મન આપણે પ્રભુને સમર્પિત નથી કર્યું. રાજીમતીજીએ શું કર્યું? ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર – પ્રભુના ચરણોમાં મન, વચન અને કાયાના યોગો સમર્પિત કર્યા.
એક સવાલ પૂછું; આ મન, અમે લોકોએ પ્રભુને સમર્પિત કર્યું, ખરેખર મજા આવે છે. તમે એટલા અંશે પ્રભુને મન સમર્પિત કરી શક્યા નથી. કદાચ ૮૦%-૮૫% તમારું મન સંસારને સમર્પિત છે, રાગ અને દ્વેષને અને અહંકારને સમર્પિત છે. મારે તમારો અનુભવ જોઈએ છે. અડધો કલાક – કલાક non-stop ગુસ્સો કરો તમે, પછી જે અનુભવ થાય ને એને મારી જોડે share કરો. એક કલાક non-stop ગુસ્સો. શું થાય? લમણાની નસો જે છે, એ તંગ થઇ જાય; એટલે મન પ્રભુને સોંપીએ તો મજા જ મજા.. જલસો.. અને મન સંસારને સોંપો તો સજા જ સજા.. હવે તમારી choice શું? What’s your choice?
એટલે તો હું વારંવાર કહું છું. અમારી મજા જોઇને ઈર્ષ્યા આવે છે? સુરત માટે એક વાત હું બરોબર કહી શકું, કે તમામ સુરતવાસીઓમાં અહોભાવ ઠાંસી-ઠાંસીને ભરેલો છે. એક મહાત્માને જુઓ અને તમારી આંખો ભીની બને. અહોભાવ તમારી પાસે ખુબ છે. હવે એક ડગલું આગળ, ઈર્ષ્યા કરવાનું. અમને જોઇને ઈર્ષ્યા કરવાની.
બાલમુનિ ઉપાશ્રયમાં છે. માતાઓને પૂછું. બાલમુનિઓને જોઇને ઈર્ષ્યા થાય? કે મારો દીકરો ક્યારે આવી રીતે પરમાત્માના શાસનનો મુનિ બને? જો કે અત્યારે પણ એવી માતાઓ છે, જે પોતાના એકના એક દીકરાને પ્રભુશાસનને સમર્પિત કરવા તૈયાર છે. મને પોતાને એમ સમજાયું; કે છેલ્લા થોડા વર્ષોમાં અહોભાવ અને સમર્પણ તમારું ખુબ વધ્યું છે. મુંબઈ ચોમાસું કરીને આવ્યો. પછી અમદાવાદ જઈ આવ્યો. સુરતમાં છું. પણ દરેક મહાનગરોની અંદર જે લોકોનો અહોભાવ છે, ખરેખર અદ્ભુત છે! એટલે મને એમ લાગે છે, કે આપણે એવા કાળમાં છીએ, એક બાજુ પડી શકાય એવા નિમિત્તો પણ ઘણા છે. એની સામે તમે ચડવાની પણ હિંમત પુરેપુરી રાખો.
મુંબઈમાં અમે પહેલી વાર ગયા. વૃંદ મોટું હતું. ૧૦૦ એક ઠાણા હતાં. તો જે ઉપનગરમાં જઈએ, બોરીવલી હોય કે કાંદિવલી હોય, એ ઉપનગરમાં ૫૦-૬૦ દેરાસરો હોય. એક-એક ઉપનગરમાં! તો દરેક સાધુ-સાધ્વીજીઓની ઈચ્છા હોય કે આવ્યા છીએ મુંબઈ, બે દિવસ અહીંયા બોરીવલી રોકાવાનું છે. તો બધા જિનાલયોને જુહારી લઈએ. તો સામેથી લોકો કહે, સાહેબ આપને દર્શન કરવા છે? અમે આવીએ.. સાધુ મહારાજ જોડે ભાઈઓ આવે. દસ વાગે સવારના, સાડા દસ વાગે મહાત્માઓ કહે, તમે હવે જાવ, અમે પૂછતાં પૂછતાં ઉપાશ્રય જતાં રહીશું, તમારે ઓફીસ જવાનું છે; અને એ વખતે એ લોકો કહેતાં, સાહેબ! ઓફીસ તો રોજ છે, આ તમારા નિમિત્તે આ પ્રભુના બધાના દર્શનનો લાભ અમને મળે. અહોભાવ અને સમર્પણ તમારું ખરેખર વધ્યું છે. બસ એને જ હવે આગળ લઇ જવું છે. એ સમર્પણ જેટલું વધશે, એટલું પ્રભુની કૃપાને તમે ઝીલી શકશો. રાજીમતીજી પ્રભુના વરદાનને તત્કાલ સ્વીકારી લીધું. કેમ? સમર્પણ!
તમને કરેમિ ભંતે મળ્યું એ શું હતું? શક્તિપાત. એક સમર્પણ હોય, તમે એવી રીતે એને ઝીલો, કે તમે વિભાવમાં ન જાવ એમ નહિ, વિભાવમાં જઈ શકો નહિ! હું તો ફરીથી કરેમિ ભંતે ઉચ્ચરાવું છું. જેમને એમ લાગે કે ગુરદેવ! આટલું બધું મૂલ્યવાન કરેમિ ભંતે સુત્ર છે! અમને તો ખ્યાલ જ નહતો! હવે અમે પ્રભુને સમર્પિત છીએ, પ્રભુની આજ્ઞાને સમર્પિત છીએ, અને અમને કરેમિ ભંતે ઉચ્ચરાવો. એક તમારા સમર્પણની ભૂમિકા ઉપર કરેમિ ભંતે સૂત્ર મળે, શક્તિપાત થઇ ગયો.!
તમારે ત્યાં પણ શું બોલો, મજાની વાત છે, મ.સા. હોય તો મ.સા. કરેમિ ભંતે ઉચ્ચરાવે. મ.સા. નથી તો શું થાય? બહુ મજાની પરંપરા આપણી છે, એક વયોવૃદ્ધ અગ્રણી હોય, કે સામાયિક પહેલાં લઇ લે, અને એ સામાયિક લીધા પછી બીજાને કરેમિ ભંતે ઉચ્ચરાવે. એટલે હું પ્રભુની આજ્ઞાને સમર્પિત થયો છું, તો જ આ કરેમિ ભંતે સૂત્ર હું તમને આપી શકું. આ સામાયિક કેટલી તો અદ્ભુત પ્રકિયા છે!
પુણિયાની પાસે આ જ કરેમિ ભંતે હતું. આ જ કરેમિ ભંતે સૂત્ર! એક લેખકે લખ્યું છે કે ઈરિયાવહિયા કર્યા પછી મુહપત્તિનું પ્રતિલેખન પુણિયાજી જયારે કરતાં હશે, અને બોલતાં હશે, કે કામ, ક્રોધ પરીહરું. લેશ્યાઓ માટે જ્યારે બોલતાં હશે, કે અશુભ લેશ્યાનો હું પરિહાર કરું છું. ત્યારે રીતસર, લીટરલી એ લેશ્યાઓ ખરી જતી હશે! પુરા સામાયિક દરમિયાન તમને એક પણ અશુભ વિચાર ન આવે, કારણ મુહપત્તિ પલેવતા તમે અશુભ લેશ્યાઓને, અશુભ વિચારોને ખંખેરી નાંખો છો. આ સામાયિક કેટલી અદ્ભુત્ત પ્રક્રિયા!
અને છેલ્લે તમે કયો આદેશ માંગો? ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સજ્ઝાય કરું? સ્વાધ્યાય. સ્વનો અધ્યાય.. હું કોણ છું? સામાયિકમાં પહેલા તો ચિંતન કરવું છે કે હું કોણ? હું શરીર નહિ. હું મન નહિ. તો હું કોણ છું? હું bodyless experience. હું Mindless experience. હું Nameless experience. તો હું કોણ છું? હું આનંદઘન ચૈતન્ય છું. પહેલા આ વિચાર અને એ વિચાર ગહેરો બને એટલે અનુભૂતિ શરૂ થઇ જાય છે.
તમે એવા તો સમભાવમાં સ્થિર થઇ જાવ કે તમારું આનંદઘનત્વ જે છે એ નીખરી ઉઠે. પછી આનંદ જ આનંદ છે. ગમો કે અણગમો નીકળી ગયો, પછી આનંદ જ છે ને! સામયિકમાં શું કર્યું? ગમા અને અણગમાને પેલે પાર તમે ગયા. હવે કાંઈ ગમતું નથી, કાંઈ ન ગમતું નથી; બસ મારે મારામાં જવું છે.
તો રાજીમતીજીએ મન, વચન, કાયાના યોગોથી પ્રભુને પોતાની જવાબદારીનું સમર્પણ કર્યું છે. એની સામે પ્રભુએ જે સાધના ત્રિપદી આપી. એને રાજીમતીજી ગ્રહણ કરી શકે. તમે તૈયાર થઇને આવશો? “ત્રિવિધ યોગ ધરી આદર્યો” આટલું તમે કરીને લાવો એટલે પ્રભુ તરફથી ધારણ, પોષણ, તારણ શરૂ થઇ ગયો.
તો એ ધારણ, એ પોષણ અને એ તારણ શું ચીજ છે? કદાચ શબ્દોના સ્તર ઉપર તો આવતીકાલે તમે સમજી લેશો. પણ મારે માત્ર આ વાતોને શબ્દોના સ્તર ઉપર રાખવી નથી. તમારા મનને એ ઝકઝોળે.
શેરબજારની અંદર જોરદાર ઉછાળો આવે તો શું થાય? હિરાબજારમાં એકદમ ઉછાળો આવી ગયો. ખાલી સાંભળી લો કે આમ અસર થાય? એવી રીતે આની અસર ઝીલવી છે. પણ, એના માટે ભગવાનની condition છે- ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો’. તારે મન, વચન, કાયા મને સમર્પિત કરવી પડશે. તૈયાર? બરોબર તૈયાર છો ને? તૈયાર થઈને કાલે આવજો.