વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : હું નું સમર્પણ
એક સાધક, એક ભક્ત કરીકરીને શું કરશે? એ કહેશે કે પ્રભુ! મારું ગંદુ મન તમને આપું છું; શું તમે સ્વીકારશો? રાગ-દ્વેષથી, અહંકારથી ખરડાયેલા તમારા મનને લઈને એની સામે સમર્પણથી યુક્ત મજાનું મન આપવા પ્રભુ તૈયાર છે.
આખી સાધના શેના માટે છે? હું ને તે માં ડૂબાડવા માટે. અમારી કોશિશ સતત તમારા માટે એ છે કે તમે ન રહો; તમારો હું ન રહે. જે ક્ષણે તમારો હું નથી, એ ક્ષણે પ્રભુ તમારા હૃદયમાં આવીને બિરાજમાન થાય. તમારો હું જ પરમાત્માના આગમનમાં અવરોધરૂપ છે. હું ને છોડો, તો પરમાત્મા મળે અને પરમાત્માને છોડો તો હું સચવાય.
અગણિત જન્મોમાં હું ને સાચવ્યું; પરમાત્મા છૂટી ગયા. આ જન્મમાં શું કરવું છે હવે? હું આમ, હું આમ… આ હું જો ગયું, તો પ્રભુ આવી ગયા. અનંતા જન્મોની અંદર જે ઘટના નથી ઘટી એ ઘટના આ જન્મમાં ઘટાવવી છે?
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૮
“આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત, આત્મભાવમાં સ્થિરતા મળી જાય.
સાધકની સજ્જતાના ત્રણ પ્રકાર. નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન, અને પ્રભુની કૃપાને, પ્રભુના પ્રેમને સતત ઝીલવાની પ્રક્રિયા ચાલુ રાખવી. પ્રભુનો પ્રેમ અઢળક આપણા ઉપર વહી રહ્યો છે. એ પ્રેમ શી રીતે વહે છે, એની મજાની વાત આનંદઘનજી ભગવંતે નેમિનાથ પ્રભુના સ્તવનની એક કડીમાં કહી. બહુ મજાની કડી છે: “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુકતાહાર” સાધક, ભક્ત કરી-કરીને શું કરશે? એ કહેશે કે પ્રભુ! મારું ગંદુ મન તમને હું આપું છું. શું તમે સ્વીકારશો? રાગ અને દ્વેષથી, અહંકારથી ખરડાયેલા મનને પ્રભુ લેવા માટે તૈયાર છે. અને એની સામે સમર્પણથી યુક્ત મજાનું મન આપવા પ્રભુ તૈયાર છે. પ્રભુને મન આપ્યું એટલે શું થયું? તમારા મનમાં રહેલ અહંકાર જે છે એ પણ તમે પ્રભુને આપી દીધો.
મહાભારતની એક મજાની ઘટના છે. શ્રીકૃષ્ણ વેશ બદલીને બપોરે સૂતાં છે. ક્યારેય પણ એ બપોરે સૂતાં નથી. બપોરે શ્રીકૃષ્ણને સૂતેલાં જોયા, પૂછવામાં આવ્યું; કેમ સૂતાં છો? જવાબ મળ્યો; માથું દુઃખે છે. અરે તમને, શ્રીકૃષ્ણને, દ્વારિકાના અધિપતિને માથું દુઃખે છે? વૈદ્યોની આખી પેનલ હાજર, વૈદ્યો આવ્યાં, ઘણી દવા કરી પણ, દુઃખાવો મટ્યો નહિ. એ વખતે શ્રીકૃષ્ણએ કહ્યું; કે આ દુઃખાવો એક જ રીતે મટે એમ છે. કઈ રીતે મટે? કોઈ ભક્ત પોતાના ચરણની રજ મને આપે, અને એ ચરણની રજ હું માથે લગાવું, તો મારા માથાનો દુઃખાવો મટે. સાંભળીને બધા છક થઇ ગયા. શ્રીકૃષ્ણ… ભગવાન! આપણા પગની ધૂળ એમને આપી શકાય? એમના ચરણની ધૂળ આપણે માથે લગાવીએ. આપણા ચરણની રજ શ્રીકૃષ્ણ માથે લગાવે? અને જો લગાવે તો એમનો તો દુઃખાવો મટે, મટે. પણ જેણે ચરણરજ આપી હોય એ તો નિયમા નરકમાં જાય.
હિંદુ પરંપરાની મજાની ઘટના. કોઈ નરકમાં જવા તૈયાર નથી. એ વખતે રાધાને સમાચાર મળ્યાં. રાધાએ કહ્યું; હું તૈયાર છું. જો મારી ચરણરજથી પરમાત્માના માથાનો દુઃખાવો મટી જતો હોય, તો મારે નરકમાં જવું પડે, મને કોઈ વાંધો નથી. રાધાએ ચરણરજ ખરેખર આપી. અને શ્રીકૃષ્ણએ એને મસ્તકે લગાવી. આ શું હતું? રાધા પાસે એક જ્વલંત પ્રેમ હતો. જે જ્વલંત પ્રેમમાં એનો “હું” બળીને ભસ્મ થઇ ગયેલો. હું છે જ નહિ. માત્ર એ છે.
ભક્તનું ગણિત બહુ મજાનું છે. ત્રીજા પુરુષ એકવચનમાં ‘તે’ તે એટલે પ્રભુ. અને પહેલાં પુરુષ એકવચનમાં ‘હું’ એટલે ‘હું’ પછી ‘હું’, ‘તે’ માં ડૂબી જાય વ્યાકરણ પૂરું થઇ ગયું. આખી સાધના શેના માટે છે? ‘હું’ ને ‘તે’ માં ડૂબાડવા માટે. અમારી કોશિશ સતત તમારા માટે એ છે કે તમે ન રહો. તમારો હું ન રહે. જે ક્ષણે તમારૂ હું નથી, એ ક્ષણે પ્રભુ તમારા હૃદયમાં આવીને બિરાજમાન થાય. તમારૂ ‘હું’ જ પરમાત્માના આગમનમાં અવરોધ રૂપ છે. બોલો શું કરીશું? એક બાજુ ‘હું’ ને છોડવું પડે તો પરમાત્મા મળે. અને પરમાત્માને છોડો તો ‘હું’ ને સાચવી શકાય.
અગણિત જન્મોમાં શું કર્યું? હું ને સાચવ્યું. પરમાત્મા છૂટી ગયા. આ જન્મમાં શું કરવું છે હવે? હું ને જ રાખવું છે ને.. ‘હું’ આમ, ‘હું’ આમ… ‘હું’ જો ગયું પ્રભુ આવી ગયા. અનંતા જન્મોની અંદર જે ઘટના નથી ઘટી એ ઘટના ઘટાવવી છે? અનંતા જન્મોમાં આ ઘટના નથી ઘટી. હવે પ્રભુને કહી દઉં, પભુ તમે આવો, વાંધો નથી. પણ, સિંહાસન ઉપર બે જણા બેસીશું. હું પણ સિંહાસન ઉપર રહીશ. તમે પણ સિંહાસન ઉપર રહેજો. પ્રભુ કહે છે; હું નવરો છું? કે તારા એવા સિંહાસન ઉપર હું આવું. એક શ્રમણને, એક શ્રમણીને પ્રભુ શું કહેશે? એ જો શ્રમણ કહેશે, કે પ્રભુ ૯૯% તારી આજ્ઞાને હું પાળીશ. ૧% મારી ઈચ્છાપૂર્વક હું રહીશ. તો પ્રભુ કહી દેશે; મને હમણાં ફુરસદ નથી. તું ૧૦૦% વાળો થાય ત્યારે આવજે. તમારે આમ કેટલા ટકા? ભગવાનની આજ્ઞાના કેટલા ટકા? અને તમારી ઈચ્છાના કેટલા ટકા? મનને અનુકૂળ હોય એ પ્રભુની આજ્ઞા તમે પાળો, એમાં તો શું થયું? તમારી ઈચ્છાને તમે પુરી. સદ્ગુરુને દીક્ષા વખતે offer ન આપી હોય તો વાંધો નહિ. આજે offer આપી દો કે મારી ઈચ્છાને અને ઈચ્છાની પાછળ રહેલા મારા ‘હું’ ને ગુરુદેવ તોડજો. મારી સાચી વાત હોય ને તો પણ કહી દેવાનું; બેસ, બેસ તારે ગપ્પું મારવાની જરૂર નથી. આજ્ઞા કેટલા ટકા? ને ઈચ્છા કેટલા ટકા? ૯૯% ઈચ્છા… ૧% આજ્ઞા.
તો અનંતા જન્મોમાં જે થયું છે એ જ થશે. પણ, અનંતા જન્મોમાં જે ઘટના નથી ઘટી એ ઘટના ઘટાવવી હોય, તો શું કરવું પડે? ‘હું’ નું મરી જવું. ‘હું’ જોઈએ જ નહિ. તમને આમ ગુસ્સો આવે ખરો? ગુસ્સો આવે ક્યારેય આમ? આવે. જે ‘હું’ એ તમને ભગવાનથી દૂર કરી નાંખ્યા, એ ‘હું’ ઉપર ગુસ્સો આવે કે ન આવે? તમને ગુસ્સો કરતાં પણ ન આવડે. મારે એના પણ લેશન શીખવા પડશે. અને શીખવાડવા પડશે તમને. ગુસ્સો કેવી રીતે કરવો, કોના ઉપર કરવો? મિત્રો ઉપર ગુસ્સો કરો. અને શત્રુને પ્રેમથી ઘરમાં લાવો. તો જે ‘હું’ એ અનંતા જન્મોથી પ્રભુથી તમને દૂર રાખ્યા. એ ‘હું’ ઉપર ગુસ્સો આવે કે નહિ? સાલા ભાગ અહીંથી. હરામખોર, નાલાયક તે શું ધંધા કર્યા મને ખબર છે. હવે આવતો નહિ અહીંયા. કહ્યું? તમે તો દુશ્મન કોણ અને મિત્ર કોણ એ ઓળખતાં પણ આવડતું નથી. હવે શું કરશો બોલો… મારે શરૂઆત ક્યાંથી કરવાની? જો પ્રભુ જોઈએ છે? તો પ્રભુમિલનમાં જે સહયોગી હોય તે મિત્ર. એમાં અવરોધક હોય એ દુશ્મન.
તમારે સંપત્તિ જોઈએ છે, એમાં કોઈ અવરોધ ઊભો કરે છે, તો તમને એના ઉપર ગુસ્સો આવે છે. અને એના દ્વારા તમે વધારે કમાવો તો તમને એના ઉપર પ્રેમ આવે. બરોબર? સંપત્તિ જોઈએ છે, તો સંપત્તિ મેળવી આપનાર ઉપર પ્રેમ. અને એમાં અવરોધ નાંખનાર ઉપર દ્વેષ. બરોબર? પ્રભુ જોઈએ છે. પ્રભુમિલનમાં સહયોગી હોય એ મિત્ર. અને પ્રભુમિલનમાં અવરોધ ઉભો કરે એ દુશ્મન. બોલો આટલું નક્કી છે આજે? આટલું નક્કી કરશો આજે? આ જન્મ માત્ર પરમાત્માને મેળવવા માટેનો છે. માત્ર ને માત્ર. બીજો કોઈ હેતુ આ જન્મનો નથી. અને એટલે જ સદ્ગુરુની પાસે તમે આવો, ત્યારે પણ એક જ વાત પૂછો કે ગુરુદેવ! મને પ્રભુ શી રીતે મળશે?
મારે પ્રભુ જોઈએ છે. જ્યારે પ્રભુ જોઈએ છે, ત્યારે મન AUTOMATICALLY બદલાઈ જાય છે. મનનું transplantation થઇ જાય છે. અનાદિનું સડેલું મન જતું રહે છે. નવું fresh મન મળી જાય છે. બોલો અમે આનંદમાં કેમ એકદમ? અમારી પાસે fresh mind છે. એવું fresh mind જેમાં કોઈ દુશ્મન છે જ નહિ. બધા જ મિત્રો. કોઈ ગાળ આપે તો એ પણ મિત્ર. કોઈ પથરાં ઠોકે તો એ પણ મિત્ર.
આ fresh mind ને કારણે… એક બહુ જ પ્યારી ઘટના આજે તમને કહું. સો વર્ષ પહેલાં બનેલી ઘટના છે. એ વખતનો અબજોપતિ શ્રીમંત, પત્ની expired થયેલી, સંતાન હતું નહિ. છતાં ધંધામાં એ રચ્યો-પચ્યો રહે. એ કોના માટે કમાય છે એ એને જ ખબર નથી.
હમણાં એક કાકા IT ઓફિસમાં ગયા. મોટો હોલ, અને બધા કર્મચારીઓ ટેબલ લઈને બેઠેલા. કાકા તો હોલમાં ગયા. એક અધિકારી બહુ સારો હતો. કાકાની પાસે આવ્યો. એ કહે; કાકા તમારે કયા વોર્ડમાં જવું છે? કયા અધિકારીને મળવું છે, હું એને મેળવી આપું? કાકા કહે; ના, ના મારે કોઈને મળવું નથી. અરે પણ તમે અહીંયા આવ્યા, તો કંઈ કારણ તો હશે ને? ત્યારે કાકા કહે; હું જોવા આવ્યો છું કે હું કોના માટે કમાવું છું. Income tax આટલો ભરું છું, તો હું જોવા આવ્યો છું કે હું કોના માટે કમાવું છું.
પેલો શ્રીમંત ધંધામાં રચ્યો-પચ્યો. એકવાર એના મિત્રએ કહ્યું; કે અહીંથી ૨૫ કિલોમીટર દૂર જંગલમાં એક સંત છે, આશ્રમ નથી. માત્ર ૨-૪ ઝુંપડીઓ છે. ત્યાં એ સંત રહે છે. એકવાર તું એ સંતના દર્શન માટે જઈ આવ. પેલો કહે; સારું જઈ આવીશ. પણ, ધંધાની જળો-જથા એટલી કે એક મિનિટનો ટાઈમ ન મળે, પણ, પેલો મિત્ર પાછળ પડી ગયેલો. તું જઈ આવ્યો? તારે જવાનું જ છે ત્યાં. એક વખત એ શ્રીમંતને થયું; ચાલો, જઈ આવીએ. રજાનો દિવસ. ગાડી લઈને નીકળ્યો. ત્યાં પહોંચ્યો. ૪-૫ ઝુંપડીઓ હતી. સંત એક ઝુંપડીમાં. બીજી ઝુંપડીમાં પટ્ટશિષ્ય હતાં. શ્રીમંત ગાડીમાંથી નીચે ઉતર્યો. પટ્ટશિષ્યને મળ્યો; કે મારે ગુરુદેવને મળવું છે. દર્શન કરવા છે. તો પટ્ટશિષ્યએ કહ્યું; કે ગુરુદેવ ધ્યાનમાં છે અને એ ધ્યાનમાંથી ક્યારે બહાર આવશે એ કંઈ નક્કી કહેવાય નહિ. તમારે સત્સંગ ન કરવો હોય, ગુરુ જોડે વાર્તાલાપ ન કરવો હોય, ખાલી તમારે ગુરુના ચરણોમાં બેસવું હોય, તો બેસવાની તમને છૂટ આપું છું. તમારી ઈચ્છા હોય ત્યાં સુધી ગુરુના ચરણોમાં તમે બેસો. પેલો શ્રીમંત ઝુંપડીમાં, નાનકડી ઝુંપડીમાં ગુરુની પાસે બેઠો. એવો કોઈ અહોભાવ એની પાસે નથી. માત્ર મિત્રએ કહ્યું છે; અને દર્શન માટે આવ્યો છું. પણ, થોડીવારમાં સંતની ઉર્જાને કારણે વિચારો ખરી પડ્યા. સૌથી પહેલું કામ આ થયું. વિચારો ખરી પડ્યા. તમે કોઈ પણ સદ્ગુરુ પાસે જાવ. તમારા અહોભાવને તમારે પુષ્ટ કરવો હોય, તો તમારા વિચારોને ખેરવી નાંખો. વિચારથી, મનથી, સદ્ગુરુનું નહિ થાય. તમે દર્શન કરી શકશો. તમારું મન નહિ. તમારું મન તો મને આપ્યું નથી ને હજી સુધી? transplantation માટે? એટલે ગરબડિયું છે. એટલે એ મને જે છે, એ સદ્ગુરુનું દર્શન નહિ કરી શકે. એ મન બાજુમાં જશે. વિચારો ખરેલા હશે. અને તમે હશો, તો તમે સદ્ગુરુનું દર્શન કરી શકશો. સાચું બોલો. કેટલા સદ્ગુરુના દર્શનનો લાભ તમને મળ્યો? પણ, એ બધું તમારું conscious mindના લેવલનું હતું. અને એથી સદ્ગુરુના ચહેરા ઉપર જે આનંદ છે, એ આનંદને તમે જોઈ ન શકો. સદ્ગુરુના પ્રભાવને જોયો. કે સદ્ગુરુ હોય ત્યાં સેંકડો લોકોની લાઈન લાગે છે. સદ્ગુરુ હોય ત્યાં આમ થાય છે. સદ્ગુરુના પ્રભાવને બહુ જોયો. હવે સદ્ગુરુના સ્વભાવને જોવો છે. સદ્ગુરુની પાસે જે આનંદ છે. અને પછી તમને પૂછવાનું મન થાય, કે ગુરુદેવ! આટલો બધો આનંદ તમારી પાસે ક્યાંથી છે! પણ આ ક્યારે બને? વિચારો ખરેલા હોય ત્યારે. પેલા શ્રીમંતના વિચારો ખરી ગયા. વિચારો ખરી ગયા હવે તો બહુ મજા આવી. હવે તો સંતનું દર્શન તો થયું જ. પણ, એમની ઉર્જા પકડાવા માંડી. એ બોડીમાંથી જે નિર્મળ ઉર્જાનો પ્રવાહ નીકળતો હતો, શ્રીમંત બહુ જ બુદ્ધિશાળી હતા. જમાનાનો ખાધેલ હતો. એણે વિચાર્યું કે; આવી નિર્મળ ઉર્જા હજુ સુધી મેં કોઈની જોઈ નથી. પછી તો પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ સદ્ગુરુની ઉર્જાના પ્રવાહમાં એ ડૂબતો ગયો. અને એને લાગ્યું, કે આ નિર્મળ ઉર્જા, પા, અડધો કલાક માટે મળી, અને આટલો આનંદ આવે છે. જિંદગીભર આ ઉર્જા મળે તો કેવું સારું.. થોડીવાર પછી ગુરુએ આંખ ખોલી. હવે કોઈ સત્સંગની જરૂર નથી. ગુરુના એક શબ્દની જરૂરિયાત નથી. શ્રીમંત ચરણોમાં ઢળ્યો. કે ગુરુદેવ! આપ જો દીક્ષા આપતાં હોવ, અને હું લાયક હોઉં, તો અત્યારે આપી દો. જે માણસના શબ્દકોશમાં નહિ, જીવનકોશમાં દીક્ષા નામનો શબ્દ નથી. સંત નામનો શબ્દ નથી. એ માણસ ૧૫-૨૦ મિનિટ સદ્ગુરુની નિર્મળ ઉર્જાના પ્રવાહમાં રહે છે. અને એને લાગે છે કે આના જેવી ચીજ દુનિયામાં બીજી કોઈ છે નહિ. હોઈ શકે નહિ. તો એણે કહ્યું; ગુરુદેવ! મને સ્વીકારો. ગુરુએ કહ્યું; તું બધું છોડીને આવી જા. કેટલો એ ઉર્જાનો એને પ્રેમ લાગે છે, ઘરે ગયો. દીકરો છે નહિ, પત્ની છે નહિ, પોતે એકલો જ છે. કરોડો રૂપિયા સારી-સારી સંસ્થાઓમાં આપી દીધા. પોતાની સાત માળની હવેલી એક શિક્ષણ સંસ્થાને આપી; તમારા બાળકોને અહીં ભણાવજો. સાંજના એની પાસે એક જ અને એક લેંઘો બે વસ્તુ છે. નહતા રૂપિયા, એક રૂપિયો નહિ. એક પૈસો નહિ. એક જ ધૂન. ગુરુએ કહ્યું છે;ખાલી થઈને આવી જા. ગુરુ પાસે ગયો. સાંજના સાડા છ વાગેલા હશે. જ્યાં એણે ઝુંપડી તરફ પગ મુક્યો, ગુરુ કહે છે; get out. Get out. બહાર જતો રહે. ગુરુની આજ્ઞા, બહાર ગયો. લેકિન અબ જાયે તો જાયે કહાં? જાયે તો જાયે કહાં. ઘર આપી દીધું. પૈસા આપી દીધા. કશું જ પોતાનું નથી. નજીકમાં રેલ્વે સ્ટેશન છે. પ્લેટફોર્મ ઉપર બાંકડા પર એ બેસે છે. એક ક્ષણ વિચાર નથી આવતો કે ગુરુના શબ્દ પર કરોડો રૂપિયા મેં વાપરી નાંખ્યા. અને એ ગુરુ કહે છે, get out. એને ગુરુ ઉપર સહેજ પણ અવિશ્વાસ નથી. વિચાર તો કરો!
એને ગુરુ પર સહેજ પણ અશ્રદ્ધા થતી નથી. રાત્રે ભૂખ લાગી છે, પણ ખાવા માટે પૈસા નથી. બાંકડા પર સુતો. પરોઢિયે ૪ વાગે ઉઠી ગયો. ભૂખ હતી તો ઉઠી જવાયું. ઉઠ્યા પછી વિચાર એ કરે છે, કે હું ક્યાં ચુક્યો? આપણામાં અને એનામાં ફરક આટલો જ થયો. આપણે અનંતા જન્મોમાં એ જ જોયું કે ગુરુ ક્યાં ચુક્યા. કારણ કે હું તો સર્વગુણ સંપન્ન છું. મારી કોઈ દિવસ ભૂલ થાય? ગુરુએ કહ્યું; ખાલી થઈને આવ. હું ખાલી થઈને આવ્યો. હવે કહે છે get out. સાહેબ! આવા તો કોઈ ગુરુ હોતાં હશે… આ બધા મારા પૈસાનું શું હવે? બધું ખતમ થઇ ગયું એનું શું? એક ઉર્જા ગુરુની નિર્મળ પા કલાક મેળવી છે. એ કહે છે, કે ગુરુ ક્યાંય ચુકી શકે નહિ. ચુકનાર કોઈ હોય તો હું જ છું. અને ૪ વાગે વિચાર કરવા બેઠો કે મારી ભૂલ ક્યાં થઇ? પછી એને સમજાયું, કે ગુરુએ શું કહ્યું હતું? પૈસા મુકીને આવ એમ નહતું કહ્યું, બંગલો મુકીને આવ એમ નહતું કહ્યું. બધું મુકીને આવ. હું મારો અહંકાર તો લઈને આવ્યો. કારણ? ગુરુનો બાયોડેટા ખબર હતી કે લક્ષ્યાધિપતિ શિષ્યો છે. પણ કરોડોપતિ શિષ્ય એકેય નથી. એટલે કરોડોપતિ શિષ્ય તરીકે મારું તો માન-સન્માન બહુ વધી જવાનું. એટલે હું જઈશ ને ત્યારે ગુરુ મને બાહોમાં સમાવી લેશે. એને બદલે ગુરુએ કહ્યું; get out.
તો ચૂક મારી આ થઇ કે અહંકારને લઈને હું સદ્ગુરુ પાસે ગયો. એકદમ આમ વિચારશો ને તો હૃદયને ઝકઝોળી નાંખે એવી વાત છે. અગણિત જન્મોમાં મેં અને તમે એક જ કામ કર્યું; ચૂક ગુરુની ક્યાં થઇ? ચૂક મારી ક્યાં થઇ આપણે જોયું જ નહિ. આ એ શ્રીમંત નીકળ્યો જેણે પોતાની ભૂલ સુધારી. અને એણે વિચાર કર્યો કે ગુરુ પાસે જાઉં છું. એના ચરણોમાં ઢળવા જાઉં છું. અને અહંકાર લઈને જાઉં છું. એ અહંકારને રેલ્વે ના સ્ટેશન ના પ્લેટફોર્મ ના બાંકડા ઉપર મૂકી દીધો. પછી એ જાય છે. લગભગ ૬ એક વાગ્યા હશે. સૂર્યોદયનો સમય હતો. અજવાળું થઇ ગયેલું. અને એ બિલકુલ નિશ્ચિત પગલે આગળ વધે છે. એના એક પણ ડગલામાં સહેજ શંકા નથી કે ગુરુ મને સ્વીકારશે કે નહિ. મારી ચૂક હતી. ગુરુએ બતાવી. એ ચૂક નીકળી ગઈ. હવે ગુરુ મને સ્વીકારવાના જ છે. અને જાય, સામેથી ગુરુ આવે. ગુરુ એને બાહોમાં લે છે. વાહ! બધું છોડીને આવ્યો. મન આ રીતે અપાય. ‘હું’ ને રાખવું છે અને મનને આપવું છે. ‘હું’ ને રાખીને મન ક્યારેય આપી શકાય નહિ. કારણ કે મનમાં ‘હું’ નો ગંદવાડ છે. અહંકાર એ જ મન છે.
તો “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર” રાજીમતીજીએ મન, વચન, કાયાના યોગો પ્રભુને સમર્પિત કર્યા. તમારે હવે સમર્પિત કરવાના. બરોબર…