વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુના પ્રેમનો અનુભવ
સાધકની ત્રણ સજ્જતા: નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન અને ડગલે ને પગલે પ્રભુની કૃપાનો અનુભવ. જીવન પ્રભુના પ્રેમથી હર્યું-ભર્યું બને. ક્યારેય પણ જીવનમાં તમને શુષ્કતા ન લાગે; જીવન જીવવા જેવું લાગે. કારણ એક જ; પ્રભુના પ્રેમનો અનુભવ. પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે; એને ઝીલવો છે, એનો અનુભવ કરવો છે.
કેટલાય જન્મોમાં અને આ જન્મમાં પણ તમને પ્રભુની કૃપાના અનેક અનુભવો થયા છે. પણ, તમે એ અનુભવોને label જુદું આપી દીધું. તમને એ વખતે અહંકાર આવી જાય, એટલે મેં કર્યું એ વાત મૂળમાં આવી જાય.
પ્રભુએ કહેલા સાધનાના પ્રકારો અસંખ્ય છે; કેમ? સાધકોની patterns અગણિત છે, તો સાધનાની patterns પણ અગણિત જ રહેવાની. તમારા માટે જે સાધના હોય, એ તમારી બાજુવાળા માટે નહિ હોય. તમારી બાજુવાળા પાસે જે સાધના હશે, એ એની બાજુવાળા માટે નહિ હોય. દરેક માટે personal સાધના હોય.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૨૯
“આતમભાવે સ્થિર હોજો” સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત એ બે ભેગા થયા એટલે આત્મસાક્ષાત્કાર થઇ જાય.
સાધકની ત્રણ સજ્જતા. નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન અને ડગલે અને પગલે પ્રભુની કૃપાનો અનુભવ. જીવન પ્રભુના પ્રેમથી હર્યું-ભર્યું બને. ક્યારે પણ જીવનમાં તમને શુષ્કતા ન લાગે. તમને જીવન જીવવા જેવું લાગે. કારણ એક જ પ્રભુના પ્રેમનો અનુભવ. પ્રભુનો પ્રેમ તો સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી. એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુનો પ્રેમ ન વરસતો હોય. પણ, એને ઝીલવો છે, એનો અનુભવ કરવો છે.
શશીકાંતભાઈ મહેતા આપણા અગ્રણી ચિંતક હતા. અને પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવના શિષ્ય હતાં. એકવાર શશીકાંતભાઈ અમેરિકા પ્રવચનો આપવા માટે ગયા છે. એકવાર બોલતાં બોલતાં છાતીમાં સહેજ દુઃખાવા જેવું લાગ્યું. ડોકટરોએ એન્જ્યોગ્રાફી કરી હાર્ટની. અને બધા જ ડોકટરોએ સર્વાનુમતે ઓપીનીયન આપ્યો કે હાર્ટની ઓપન સર્જરી કરવી પડશે. એ યુગમાં open heart surgery risky ગણાતી. બહુ જ જોખમી. હોસ્પિટલમાં ગયેલો માણસ પાછો આવશે કે કેમ, એની શંકા હોય. એ ક્ષણોમાં શશીકાંતભાઈ હોસ્પિટલમાં એડમીટ થયા. જે દિવસે એમને ઓપરેશન થિયેટર માં લઇ જવામાં આવે છે, એ ક્ષણે એ પ્રભુને પ્રાર્થના કરે છે. પણ, પ્રાર્થના કેટલી મજાની છે, એ કહે છે: if I die, I am coming to you. If I die, I am coming to you. પ્રભુ ઓપરેશન નિષ્ફળ ગયું તો તારી પાસે આવું છું. અહીંયા આ જીવનમાં પણ તારી સાથે છું. આવતાં જન્મમાં પણ તારી સાથે જ હોઈશ. અને એ સાથે હોય પછી ચિંતા શું?
અમે લોકો evergreen, everfresh શું કારણ? એ જ, એ સાથે છે. એક સાધુને, એક સાધ્વીને આવતી ક્ષણની ચિંતા નથી. વર્તમાનયોગ – આ ક્ષણને મારા પ્રભુ સાથે હું જીવી રહ્યો છું. આવતી ક્ષણ પણ આવી જ આવશે. એક ગુરુએ શિષ્યને કહેલું; કે તું જો પાંચ મિનિટ શુદ્ધની મને આપી દે તો પછી તું અશુભમાં ક્યારેય પણ ન જાય. આપણે હોય તો સાંભળી લઈએ. જી ગુરુદેવ. પણ, શિષ્ય અનુભવી હતો. યોગમાર્ગમાં આગળ વધેલો હતો. એણે કહ્યું; ગુરુદેવ! આપ કહો તે સત્ય જ હોય. પણ, મારો અનુભવ એવો છે કે પાંચ મિનિટ નહિ, અડધો-અડધો કલાક શુદ્ધમાં રહ્યો હોઉં, અને નિમિત્ત મળે, અને અશુભમાં ગબડી જાઉં… એ વખતે ગુરુએ કહ્યું; કે બેટા! તું જેને શુદ્ધની ક્ષણો કહે છે, એ શુદ્ધની નથી. શુભની ક્ષણો છે. સદ્ગુરુ અનુભૂતિવાન હોય છે. અને અનુભૂતિવાન સદ્ગુરુ આપણને આપણી સાધનાના માર્ગ પર દોરી જાય છે. દરેકની સાધના અલગ હોય છે.
ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; “યોગ અસંખ્ય જિનવર કહ્યા” પ્રભુએ કહેલા સાધનાના પ્રકારો અસંખ્ય છે. કેમ અસંખ્ય છે? કારણ, સાધકોની પેટર્ન અગણિત છે તો સાધનાની પેટર્ન પણ અગણિત જ રહેવાની. તો તમારા માટે જે સાધના હોય, એ તમારી બાજુવાળા માટે નહિ હોય. તમારી બાજુવાળા પાસે જે સાધના હશે, એ એની બાજુવાળા માટે નહિ હોય. દરેક માટે personal સાધના છે.
એક માણસને મુંબઈ જવું હતું, પણ એ વડોદરા છે. તો વડોદરાથી મુંબઈનો રસ્તો અલગ. એક માણસ પુને છે. તો પુનાથી મુંબઈ આવવાનો રસ્તો અલગ છે. મંઝિલ એક. માર્ગ ભિન્ન-ભિન્ન. તમારો માર્ગ કયો એ સદ્ગુરુ નક્કી કરીને આપે. Actually, ડોક્ટર પાસે દર્દી જાય, અને જે પ્રક્રિયા સર્જાય છે, એ જ પ્રક્રિયા અહીંયા હતી. તમને સાધના આપી. અને કહ્યું એક મહિનો ઘૂંટીને પછી આવ. તમે એક મહિનો એ સાધનાને ઘૂંટો. ફરી સદ્ગુરુ પાસે આવો. અને ત્યારે સદ્ગુરુ કહી દે. કે તારા ઘૂંટવામાં આટલી ખામી રહી ગઈ. હવે ફરીથી આ રીતે એને તારે ઘૂંટવાની. તો સદ્ગુરુ એક-એક પડાવે તમને જીવંત માર્ગદર્શન આપવા માટે તૈયાર છે.
પેલા ગુરુ અનુભૂતિવાન હતાં. ગુરુ નિશ્ચયના પારદ્રષ્ટવા છે. તમારામાં નિશ્ચયદ્રષ્ટિ ન ખુલેલી હોય તો પણ કોઈ વાંધો નથી. તમે જે સદ્ગુરુની નિશ્રામાં છો. એમની નિશ્ચયદ્રષ્ટિ બરોબર ખુલેલી હોવી જોઈએ. તો એ સદ્ગુરુ પણ અનુભૂતિવાન હતા. એમણે કહ્યું; હસીને, તું જેને શુદ્ધની ક્ષણો સમજે છે, એ શુદ્ધની ક્ષણો નથી, શુભની ક્ષણો છે. અને શુભની ક્ષણોમાં આમ-તેમ થઇ શકે. 30-70 પણ હોઈ શકે. 40-60 પણ હોઈ શકે. આટલું શુભ. આટલું અશુભ. એમાં અશુભની માત્રા વધી જાય તો તું અશુભની ધારામાં જતો રહે. પણ તું શુદ્ધમાં નહતો. શુભમાં હતો. તો તમે ક્યા પડાવે છો? એ પણ સદ્ગુરુ નક્કી કરે. અને તમને ક્યાં સુધી લઇ જવાય એમ છે, એ પણ સદ્ગુરુ નક્કી કરે.
શું મજાનું આ પ્રભુનું શાસન છે. ઓવારી જવાય. બધા જ દર્શનોનો અભ્યાસ કર્યા પછી પ્રભુના આ શાસન પ્રત્યે, દર્શન પત્યે હું ઓવારી ગયેલો માણસ છું. કે આટલી સરસ વ્યવહાર અને નિશ્ચયના બેલેન્સિંગવાળી સાધના મારા પ્રભુની. તો સદ્ગુરુ આટલી હદે તૈયાર છે. તમારી પાસે આવવા તૈયાર છે. તમે સદ્ગુરુ પાસે આવો. એ તો ઘટના છે જ. ક્યારેક સદ્ગુરુ તમારા દ્વારે આવશે. અને સદ્ગુરુ તમારા ખંડના બારણે ટકોરા લગાવશે કે ક્યાં સુધી ઊંઘવાનું છે? ચાલ ચાલ.
કેટલાય જન્મોમાં અને આ જન્મમાં પણ, તમને પણ આવા અનુભવો થયા છે. પણ, તમે એ અનુભવોને લેબલ જુદું આપી દીધું. મારા જીવનની એક ઘટના કહું. 30 એક વર્ષનો વય હશે. અમદાવાદમાં હતો. પ્રવચનો પણ ચાલતાં હતા. અભ્યાસ પણ ચાલતો હતો. એક યોગના સારા પ્રશિક્ષક મળી ગયા. તો પ્રાણાયામ વિગેરે ઘૂંટવાનું પણ એમની જોડે ચાલતું હતું. મારા પ્રવચન પછી અડધો-પોણો કલાકે યોગના પ્રશિક્ષક આવે. યોગની બાબતોમાં એમની માસ્ટરી હતી. પણ, સાધનાની બાબતમાં એ કશું જાણતા નહતાં. એકવાર મારું પ્રવચન ચાલુ. અને એ આવી ગયા. પ્રવચનમાં એ બેઠા. પ્રવચન પૂરું થયું. અમે બેઉ ઉપર ગયા. હું બેઠો, એ પણ બેઠા. એમણે પહેલો જ સવાલ કર્યો; કે આજે તમારું પ્રવચન મેં સાંભળ્યું, પ્રવચન છે, ક્યારેક સારું પણ હોય, ક્યારેક ફ્લોપ પણ જાય. તો મને એમણે પૂછ્યું; કે તમારું પ્રવચન એકદમ સરસ ગયું હોય, ત્યારે તમારી અનુભૂતિ શું હોય? મેં કહ્યું; એ વખતે રતિભાવ છલકે. અહંકાર છલકાય. બીજો સવાલ એમણે કર્યો; પ્રવચન ફ્લોપ જાય, નિષ્ફળ જાય, તો? મેં કહ્યું; તો ગ્લાની આવે. એ વખતે એમણે જે કહ્યું ને અદ્ભુત. એમની હેસિયતની પણ બહારનું હતું. એમણે મને પૂછ્યું; કે તમારા અહંકારનું કોઈ status ખરું? મેં સામે પૂછ્યું; કે તમે શું કહેવા માંગો છો? મને કહે; એવો પ્રવચનકાર હોય, ૫-૭-૧૦ લાખ માણસોને હસાવી શકતો હોય, રડાવી શકતો હોય, નચાવી શકતો હોય. એના મનમાં સહેજ અહંકાર છલકાય, તો માની લઈએ કે અહંકાર આવી ગયો. પણ, તમારી સભામાં ૧૦૦-૧૫૦ જણા હતાં. હવે રાજી થાય તો પણ શું? નારાજ થાય તો પણ શું? તો ૧૦૦-૧૫૦ માણસની અંદર તમે તમારા અહંકારને પુષ્ટ કરો, એમાં તમારા અહંકારનું status ક્યાં ગયું? એટલી બધી એ વાત ચુભી ગઈ. પણ પછી મને થયું; કે એ યોગના પ્રશિક્ષકના હેસિયતની આ વાત નથી. એમને આવી કલ્પના આવી શકે એવું માની ન શકાય. પણ, એક પેલી વિરાટ ચેતના, એક પરમચેતના… એ જ સદ્ગુરુ ચેતના. પરમ ચેતના કયા-કયા રૂપે તમારી સામે આવે, તમને ખબર પણ ન પડે.
એક બહુ પ્યારી ઘટના છે. ભક્ત ગુરુ પાસે ગયો. હિંદુ ગુરુ હતા. ગુરુને પ્રાર્થના કરી; કે આજે તો મારા ઘરે પ્રસાદ લેવા માટે પધારો…! તમને કોઈ કહે તો તમે શું કહો? હા આવીશ. એમ કહો? શું કહો? વર્તમાનયોગ. એટલે ખાલી ગોચરીમાં જ વર્તમાનયોગ? વર્તમાનયોગ – વર્તમાન ક્ષણ જોડે મને સંબંધ છે. ગઈ ક્ષણ જોડે મને સંબંધ નથી. આવતી ક્ષણ જોડે પણ મને સંબંધ નથી. મને માત્ર આ વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. જો તમે તમારા જીવનને આવું બનાવી દો, તો તમારા બધાના જીવનો આનંદથી છલકાઈ ઉઠે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે. વર્તમાનની એક ક્ષણ, એક મિનિટ છે, એને આનંદથી, ઉદાસીનભાવથી ભરી દો.
હું વર્તમાનનો, હું વર્તમાન ક્ષણના સંબંધ નો છું. એટલે પા કલાક પછી ગોચરી વહોરવા જવાના સમયે તમારે ત્યાં આવીશ કે નહિ એનું commitment અત્યારે હું આપી શકું એમ નથી. અમે લોકો ચાતુર્માસની જય બોલાવીએ ને, તમે જય બોલાવવા આવો. ત્યારે પણ અમે કહીએ, કે ક્ષેત્ર સ્પર્શના હશે, અને જ્ઞાની ભગવંતે દીઠું હશે તો તમારે ત્યાં ચાતુર્માસ થશે. આ કોરોના કાળમાં કેટલાય મહાપુરુષોના ચાતુર્માસ ફરી ગયા. જય બોલાવેલી, એમને એમ રહી ગઈ. એ કોરોના કાળમાં મારા સ્વાસ્થ્યમાં માટે ડોકટરોએ મને સમુહમાં રહેવાની ના પાડેલી. એક ફાર્મ હાઉસ, ડુમસ રોડ ઉપર હતું. એક ભક્તનું. ત્યાં અમે લોકો રહ્યા. ૨-૩ મહિના. પણ, એ સમય આજે પણ યાદ આવે. મોટું ફાર્મ હાઉસ માત્ર વનસ્પતિ, માત્ર તળાવ, પ્રકૃતિના સંગમાં ૪ મહિના, ૩ મહિના રોકાયા.
તો વર્તમાનયોગ, જે ક્ષણે જે જ્ઞાની ભગવંતે જોયું છે જ્ઞાનમાં એ જ બનવાનું છે. એટલે આપણે કોઈ ખોટી વિકલ્પોની જાળમાં પડવાનું જ નથી. આ કેમ આમ થયું, અને આ કેમ આમ થયું? એ થવાનું જ હતું. ક્રમબદ્ધ પર્યાય. પર્યાયો ક્રમમાં બંધાયેલા છે. અને એ જ ક્રમમાં ખુલવાના છે. તો ગુરુને ભક્તે કહ્યું; સાહેબ! પ્રસાદી લેવા મારે ઘરે પધારો. ગુરુએ એમની ભાષામાં કહ્યું; અવસરે જોઈશું. પેલાએ ૧૨-૧-૨ વાગ્યા સુધી રાહ જોઈ. ગુરુ આવે. ગુરુ આવે. ગુરુ આવે. ગુરુ નહિ આવ્યા. બીજે દિવસે ભક્ત ગુરુ પાસે ગયો. કે સાહેબ! આપ તો મારે ત્યાં પધાર્યા જ નહિ ને. ગુરુ હસ્યા. ગુરુ કહે: હું તો આવ્યો હતો. તે મને ના પાડેલી. પેલો વિચારમાં પડી ગયો. ગુરુ ક્યારે આવેલા? ગુરુની તો રાહ જોઈએ બેઠેલો. પલકો બિછાવીને બેઠેલો હતો. સાહેબ! મને સમજાયું નહિ. તો કહે; યાદ કર…! એક વાગે એક ભિખારી જેવો માણસ આવ્યો હતો? તો કહે; કે હા. તે એને ના પાડેલી? તો કહે; કે હા, ના પાડેલી. હવે સમજી ગયો… આ ભક્તને થયું ગુરુ આ રૂપમાં આવેલા. હવે તો એણે નક્કી કર્યું. કોઈ પણ મનુષ્ય આવે, કારણ કે ગુરુ કયા રૂપમાં આવશે, ખબર નથી. કોઈ પણ મનુષ્ય આવે. ભિખારી હોય કે બીજો કોઈ હોય. પણ, આપણે એને પ્રસાદ આપ્યા જ કરો. રાહ જોઈ, ૧૨-૧-૨ કોઈ ભિખારી પણ નહિ એ દિવસે, કોઈ મહેમાન પણ નહિ. ફરી ગુરુ પાસે ગયો. સાહેબ, આપ મારે ત્યાં આવ્યાં નહતાં. ગુરુ કહે હું નહતો આવ્યો? હું તો આવેલો તારે ત્યાં. તે મને પ્રસાદી આપેલી, હજુ સુધી એ પ્રસાદી દુઃખે છે. પેલો તો વિચારમાં પડી ગયો. સાહેબ શું કહો છો? તો કહે; કે બે વાગે એક કુતરું આવેલું? તે એને છૂટી લાકડી મારેલી? તો કહે; કે હા. હવે સમજી ગયો તું…
તમને પણ પરમચેતનાનો, ગુરુચેતનાનો અનુભવ થયો છે. માત્ર એ વખતે અહંકાર આવી જાય, એટલે મેં કર્યું. આ વાત મૂળમાં આવી જાય. પ્રભુ કેટલું આપે છે. તમે જો પ્રભુની આજ્ઞાને સમર્પિત થયા, તો તમારી એક પણ ક્ષણ, એક સેકંડ વિભાવમાં ન જાય એની care પ્રભુ રાખે છે. એવું નિમિત્ત કોઈ આવવાનું હોય, કે જેનાથી તમે રાગ કે દ્વેષમાં જવાના હોવ, તો એ નિમિત્ત જે છે એ બદલાઈ જાય, પ્રભુની કૃપાથી. તમારી એક-એક ક્ષણની ચિંતા પ્રભુ કરે છે. કેટલા બડભાગી છીએ. પ્રભુ બેઉ ચિંતા કરે, બાહ્ય ચિંતા પણ એટલી કરે છે. મોંઘવારી, ધંધાની મંદગી વ્યાપક બની છે. છતાં આપણે વહોરવા જઈએ છીએ, આપણા પાત્રા ભરાઈ જાય છે. એ જે લોકોનો ભાવ છે, એ પ્રભુની બાહ્ય care છે. અને આપણે એ ગોચરી લાવેલી હોય, એમાં એક ક્ષણ પણ આસક્ત ન થઈએ, એ પ્રભુની આંતરિક care. બાહ્ય care થી ગોચરી મળી. અભ્યંતર care થી એક ક્ષણ માટે પણ, એક પણ વાનગી પ્રત્યે આસક્તિ ન થાય.
આપણે ત્યાં એક સૂત્ર છે: “ત્યાગ ન ટકે રે વૈરાગ્યમાં” ત્યાગ હોય પણ, વૈરાગ્ય ન હોય તો? આયંબિલ કર્યું. છ વિગઈનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો, પણ, જો વૈરાગ્ય નથી. આસક્તિ બિલકુલ નષ્ટ નથી થઇ. તો આયંબિલમાં પણ ગરમ ઢોકળાં, ગરમ પૂડલા આ બધું ખાવાનું મન થશે. મહિનામાં એક આયંબિલ કરો. પણ કેવું કરો ખબર છે? એક ગામમાં એક ભાઈ હતાં. આયંબિલ શાળાના ટ્રસ્ટી હતાં પોતે. ગુરુદેવના પ્રવચનમાં આ વાત આવી. કે એક આયંબિલ કરો પણ ભગવાને કહ્યું છે એ રીતે કરો. તો તિથીનો કોઈ દિવસ નહિ. આયંબિલ કર્યું. આયંબિલ કર્યા પછી આયંબિલશાળામાં કીધું પણ નહતું. એક-દોઢ વાગે આયંબિલશાળામાં ગયા. એ આયંબિલશાળામાં ગયા ને, પહેલા તો રસોઈયો સમજ્યો કે ટ્રસ્ટી સાહેબ છે એટલે મુલાકાત લેવા માટે… પણ, એ ટ્રસ્ટી કહે છે, મારે આયંબિલ છે, બોલો હવે શું છે અત્યારે? રસોઈયો તો ગભરાઈ ગયો. આજે આયંબિલ થોડા હતાં. બધી વાનગી પતી ગઈ છે. ખાલી ૫-૭ રોટલી અને કરીયાતાનું પાણી બે વસ્તુ છે. એ કહે સાહેબ! તમે દસ-પંદર મિનિટ ખાલી બેસો ઓફિસમાં, હું ગરમાગરમ બધી રસોઈ તૈયાર કરી આપું. બેસન જલ્દીથી થઇ જાય. રોટલી થોડીક વણી નાંખું. ગરમ રોટલી- ગરમ બેસન. એ વખતે એ ભાઈએ કહ્યું; નહિ. એ જ રોટલી ઠંડી અને કરીયાતાનું પાણી. અને કરીયાતાના પાણીમાં ડબોળી – ડબોળી રોટલી એમણે ખાધી. કેવી મજા આવી હશે? બોલો? કેવી મજા આવી હશે? તો ત્યાગ તો હતો. વૈરાગ્ય પણ હતો.
ત્યાગ બહારી પ્રક્રિયા છે. વૈરાગ્ય આંતરિક પ્રક્રિયા છે. ત્યાગમાં તમે પદાર્થો છોડો. વૈરાગ્યની અંદર અનંત જન્મોથી આપણને પીડતી આહાર સંજ્ઞા, આસક્તિ આ બધાને આપણે છોડી દઈએ. એટલે ત્યાગ હશે પણ, વૈરાગ્ય નહિ હોય તો નહિ બને. એટલે પ્રભુ કેવી care કરે છે. બહારી care પણ એટલી, અભ્યંતર care પણ એટલી.
આપણા શ્રીસંઘમાં અત્યારે ઉત્કૃષ્ટ આયંબિલના આરાધકોમાં હંસકીર્તિ મ.સા. છે સાધ્વીજી. ૩૦૦ ઓળી લગભગ નજીક છે. પહેલીવાર ૧૦૦, બીજીવાર ૧૦૦, ત્રીજીવાર ૧૦૦ થઇ ગઈ અને એનાથી આગળ છે. પણ, એ આયંબિલમાં વાપરે છે શું? ખાલી થોડા ભાત પાણીમાં. એ વખતે થાય કે આટલા અનાજથી શરીર ચાલે કેમ? વિહાર પણ કરે છે. બધું કરે છે. તો શરીર કેમ ચાલે? ત્યારે થાય કે એ શરીરને ચલાવતાં નથી, પ્રભુની શક્તિ શરીરને ચલાવે છે.
તો સાધકની ત્રણ સજ્જતા. અને એમાં ત્રીજી સજ્જતા – પ્રભુ કૃપાનો અનુભવ. આજે જરા આખો દિવસ મંડી પડજો. કે આ જીવનની અંદર પ્રભુકૃપાના તમને કેટલા અનુભવો થયા. દીક્ષાની રજા નહતી મળતી. એ રજા કોણે અપાવી? તમારા છ વિગઈના ત્યાગે નહિ, પ્રભુએ અપાવી. તો આવી રીતે પ્રભુકૃપાના અનુભવ થાય. તો સાધક તરીકેની આપણી સજ્જતા પુરી થાય. સદ્ગુરુ શક્તિપાત કરે. અને આત્મસાક્ષાત્કાર થઇ જાય.