Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 30

31 Views
15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો

અનંતા જન્મોથી પર એવા શરીરને હું માનીને બેસી ગયો અને શરીર, મન, નામને પેલે પાર જે આનંદઘન તત્ત્વ છે એનો પરિચય ન થયો. માસક્ષમણ તપ શેના માટે? ભેદજ્ઞાનના અભ્યાસ માટે. હું એટલે શરીર નથી; હું આનંદઘન આત્મા છું. રોટલી અને દાળ શરીરને જોઈએ છે; મને નહિ. એ બધાય વગર મારી ભીતર હું ડૂબી શકું છું. આવો આત્મસાક્ષાત્કાર કરવો છે.

આત્મસાક્ષાત્કાર માટે જોઈએ સાધકની સજ્જતા અને સદ્ગુરુનો શક્તિપાત. સાધકની છેલ્લી સજ્જતા: પ્રભુની કૃપાનો અનુભવ. માનવિજય મ.સા.એ કહ્યું: કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો. અનંત જન્મોની અંદર જેવો રસ ચાખવા ન મળ્યો હોય, એવો રસ મને પ્રભુની કૃપાથી ચાખવા મળ્યો છે.

અંતરંગ સુખ પામ્યો. એક તો છે બહિરંગ સુખ – ઇન્દ્રિયોના સ્તરનું – અને બીજો છે ભીતરનો આનંદ. ભીતરી આનંદ કેવો હોય એનો ખ્યાલ આ જન્મમાં કરવો છે. એ પરમરસને પીવા માટે શું કરવાનું એની વાત આનંદઘનજી ભગવંતે કહી: સગરા હોય તે ભર-ભર પીવે.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૩૦

“આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” એક લક્ષ્ય છે કે મારે આત્મસાક્ષાત્કાર કરવો છે. હું મને જ ન ઓળખું, હું મારાથી જ અપરિચિત હોઉં, તો એ ચાલે કેમ?

અનંત અનંત જન્મો વીતી ગયા. આત્મસાક્ષાત્કાર નહિ થયો. પર એવા શરીરને ‘હું’ માનીને બેસી ગયો. શરીરને પેલે પાર, મનને પેલે પર, નામને પેલે પાર જે આનંદઘન તત્વ છે, એનો પરિચય અનંતા જન્મોમાં નહતો. માસક્ષમણ તપ શેના માટે? ભેદજ્ઞાનના અભ્યાસ માટે. ‘હું’ એટલે શરીર નથી. ‘હું’ એટલે આનંદઘન આત્મા છું. રોટલી અને દાળ શરીરને જોઈએ છે. મને રોટલી કે દાળ જોઈતા નથી. હું એ બધાય વગર મારી ભીતર ડૂબી શકું છું. તો એ આત્મસાક્ષાત્કાર કરવો છે.

એક બૌદ્ધ ભિક્ષુક રડતાં હોય છે. આંખમાં આંસુ છે. કો’કે પૂછ્યું; તમારી આંખમાં આંસુ કેમ? તમારી આંખોમાં આંસુ ક્યારે ક્યારે ઝરે? પ્રભુની આજ્ઞાનું પાલન થયું હોય તો આનંદના અશ્રુ ઝરે. અને પ્રભુની આજ્ઞાની વિરાધના થઇ હોય તો વેદનાના આંસુ અહીંથી ટપકતાં જાય. બૌદ્ધ ભિક્ષુ રડે છે. કો’કે પૂછ્યું; કેમ રડો છો? ત્યારે એમણે કહ્યું; કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ, બુદ્ધ ભગવાન મને પૂછશે, કે તું આનંદ જેવો જ્ઞાની સાધક કેમ ન બન્યો? તો હું કહીશ; કે પ્રભુ! તમે બનાવો એવો હું બનું ને !

દિક્ષાના સમયથી એક જ ઈચ્છા, total choiceless તમે થઇ ગયા, હવે એક જ વાત, ગુરુ બનાવે તેવા બનવું. કોઈ ઈચ્છા નથી. સદ્ગુરુ ભક્તિની ધારામાં મોકલે તો ભક્તિની ધારામાં જવું છે. એ વૈયાવચ્ચની ધારામાં મુકે તો ત્યાં જવું છે. કોઈ choices નથી. તમે choiceless હોવ, તો જ અમે તમને ઘાટ આપી શકીએ. શિષ્ય કહે મારે આમ બનવું છે. ગુરુ કહે; બન તો પછી. મારી પાસે શું કરવા આવ્યો… તું કહે છે; મારે આવા બનવું છે. તું choice લઈને આવ્યો છે. હવે તું બની જા. મારી પાસે આવવાની જરૂરત ક્યાં હતી. તો શિષ્ય એ છે જે બિલકુલ choiceless થઇ સદ્ગુરુના ચરણોમાં બેઠો છે. સદ્ગુરુ બનાવે તેવા બનવાનું. કેવી મજા આવી જાય. કેવી મજા! સદ્ગુરુ બનાવે તેવા બનવું છે.

તો ભિક્ષુ કહે છે; કે ભગવાન પાસે સાંજે જઈશ. અને ભગવાન મને પૂછશે, કે તું આનંદ જેવો જ્ઞાની ભિક્ષુ કેમ ન બન્યો? તો હું કહીશ; કે પ્રભુ તમે મને નહિ બનાવ્યો. પણ, જો પ્રભુ મને પૂછશે; કે તારું ચિત્ત સ્થિર કેમ નથી? તો હું શું જવાબ આપીશ? કારણ… ગુરુએ દીક્ષા વખતે સ્થિરચિત્ત નામ મને આપ્યું છે. તમને દીક્ષા વખતે જે નામ મળે છે, એમાં સદ્ગુરુનો શક્તિપાત હોય છે.

ષોડશકમાં કહ્યું; હરીભદ્રસૂરિ ભગવાને: “नामन्यास: एव शक्तिपात:” તમને નવું નામ આપવામાં આવ્યું એ જ શક્તિપાત થયો. બની શકે કે નિમિત્ત મળે અને ક્રોધમાં જનારો સાધક હોય, ગુરુ પાસે આવે, સાહેબ મને દીક્ષા આપો. ગુરુને એની બાયોડેટા ખ્યાલ છે, કે નિમિત્ત મળતાં જ આ ભભૂકી ઉઠે છે. પણ ગુરુ જુએ છે; કે મારા શક્તિપાતને એ ઝીલી શકે એમ છે. ગુરુ કહે; ok આવી જા. અને દીક્ષા વખતે ગુરુ એને નામ આપે છે; પ્રશમરતિ વિજય.

એ શક્તિપાત ઝીલાઈ ગયો. હવે એની તાકાત છે કે ગુસ્સો કરે. ગુરુએ શક્તિપાત કરી દીધો. પ્રશમરતિ વિજય. એ ક્ષણોમાં અહોભાવ ખુબ હતો. અને અહોભાવની તીવ્રતાને કારણે શક્તિપાત ઝીલાઈ પણ ગયો. હવે એ સાધક ક્રોધ કરે તો કરે શી રીતે? તાકાત જ નથી એની. તમારા દરેકના નામમાં સાધના મુકાયેલી છે. હવે હું સાધુ-સાધ્વીજીઓના નામ અલગ રીતે પાડું છું. કોઈ રાશિનો સંબંધ રાખતો નથી. મને એની સાધના જેટલી ઉંચકાય એવી લાગતી હોય એ પ્રમાણે હું એને નામ આપી દઉં છું.

હમણાં તો અનુભૂતિનો આખો સેટ બહાર આવ્યો છે. સ્વાનુભૂતિ શ્રી, આત્માનુભૂતિ શ્રી, કેટલી બધી અનુભૂતિઓ આવી ગઈ છે. કારણ કે મારી ઈચ્છા છે કે હવે એ આત્માનુભૂતિમાં જ ડૂબે. અને ઘણીવાર એને પૂછું કે તારું નામ તો યાદ છે ને? બીજું બધું ભલે ભુલાઈ ગયું. શાસ્ત્રો ભુલાઈ ગયા. તારું નામ તો યાદ છે ને? તારું નામ આત્માનુભૂતિ છે. પછી સામેથી મને કહે સાહેબ નામ તમે આપ્યું છે, તો તમારે મને ત્યાં લઇ જવાની, કારણ કે હું તો તૈયાર જ છું. તું તૈયાર જોઈએ.

તો ભિક્ષુ કહે છે; કે ભગવાને મને દીક્ષા વખતે સ્થિરચિત્ત નામ આપેલું. હવે મારું ચિત્ત સ્થિર ન હોય. ડામાડોળ હોય, તો શું થયું? ‘હું’ ‘હું’ ન રહ્યો. આ એક વેદના સમજો ! ‘હું’ બીજા સ્વરૂપે હોઉં, એવી તો મારી ઈચ્છા નથી. પણ ‘હું’ ‘હું’ ન હોઉં તો કેમ ચાલે? તમે, તમે ન હોવ તો શું હોવ?

આત્મસાક્ષાત્કાર માટે સાધકની સજ્જતા, સદ્ગુરુનો શક્તિપાત. સાધકની છેલ્લી સજ્જતા આપણે જોઈ રહ્યા છીએ. પ્રભુની કૃપાનો અનુભવ. માનવિજય મ.સા.ને પૂછવામાં આવ્યું; કે પ્રભુની કૃપાનો અનુભવ તમે માણ્યો, જરા એની વાત તો અમને કરો. એ વખતે એમણે કહ્યું; “ કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો” અનંત જન્મોની અંદર જેવો રસ ચાખવા ન મળ્યો હોય, એવો રસ મને ચાખવા મળ્યો છે.

ત્રણ ભાઈઓ હોય. એક દીકરો સ્કુલેથી આવી ગયો વહેલા. અને એને ચ્વીંગમસ, ચોકલેટસ, ચબાયા જ કરી. અને એનો રસ મોઢામાં વ્યાપેલો છે. એના ચહેરા પર પણ આનંદ દેખાય છે. એ એના ચહેરા પરનો આનંદ જોતાં બીજા બે ભાઈઓ આવે છે, એ મમ્માને કહે છે; કે મમ્મા! આને શું આપ્યું તમે? જુઓ તો ખરા કેવા ટેસ્ટથી ચબાવી રહ્યો છે. એને આપ્યું અમને આપો, તમે ક્યારેય કહ્યું?

એક મહાત્મા અમારી પાસે આવે. અને એના ચહેરા ઉપર જે આનંદ દેખાતો હોય. હું એને પૂછું; બેટા! શાતામાં? અને એ કહે; ગુરુદેવ! પરમ શાતામાં. આપ મને લઈને આવ્યા. તમે એ વખતે ત્યાં બેઠેલા હોવ. તમને થાય કે નહિ? કે સાહેબ! આમને તમે શું આપી દીધું? શું ચખાડી દીધું? તો એ કહે છે; કે શાતામાં નહિ, પરમ શાતામાં. તો મને પણ આપો ને. કીધું કોઈવાર?

અને પછી માનવિજય મ.સા કહે છે; “પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો” એક તો બહિરંગ સુખ, ઇન્દ્રિયોના સ્તરનું. અને બીજું ભીતરનું સુખ. ભીતરનો આનંદ. તો માનવિજય મ.સા. કહે છે; “પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો” ભીતરી આનંદ કેવો હોય એનો ખ્યાલ આ જન્મમાં કરવો છે. અને એટલે લાગે છે, કે અનંતા જન્મોની અંદર જે રસ, આસ્વાદવા નહતો મળ્યો એ રસ આ જન્મની અંદર આસ્વાદવા મળી જશે. અને એના માટે શું કરવાનું?

એ પરમ રસને પીવા માટે શું કરવાનું એની વાત આનંદઘનજી ભગવંતે કીધી. “સગરા હોય તે ભર-ભર પીવે, નગરા જાય પ્યાસા”, “સગરા હોય સો ભર-ભર પીવે” પ્યાલા ને પ્યાલા ઉડાવો. મસ્તીથી. તમે સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થઇ ગયા છો. પછી તમારે માત્ર પરમ રસના ઘૂંટડા જ ભરવાના છે. તો એ અનુભવ પરમ રસનો અનુભવ, પરમ ચૈતન્યનો અનુભવ.

રામકૃષ્ણપરમહંસ આપણા યુગના શ્રેષ્ઠ હિંદુ સંત. પ્રભુનો સાક્ષાત્કાર કરેલો, એવું એમના માટે કહેવાતું. એકવાર એવું બન્યું; એમના જ ગામનો એક નાસ્તિક માણસ કેશવ મિશ્ર રામકૃષ્ણ પાસે ચર્ચા કરવા માટે જાય છે. ચર્ચા એ કે ઈશ્વર છે નહિ. લોકોને તો જોવાની મજા આવી ગઈ. એક આસ્તિક. એક નાસ્તિક. જોઈએ તો ખરા. રામકૃષ્ણ આરામથી બેઠા છે. કેશવ મિશ્ર આવ્યાં. એમને પણ યોગ્ય આસન આપવામાં આવ્યું. કેશવ મિશ્રએ કહ્યું; ઈશ્વર છે જ નહિ. ઈશ્વર હોય તો આ ગરબડ ગોટાળા બધા કેમ ચાલે. કોઈ સુખી, કોઈ દુઃખી આ બધું કેમ ચાલે? ઈશ્વર છે જ નહિ. પછી ઈશ્વર કંઈ કરે છે કે નથી કરતાં એ બે નંબરની વાત છે. છે જ નહિ તો…! જાત-જાતની દલીલો કરે. અને મજાની વાત એ થઇ કે રામકૃષ્ણ પરમહંસ એટલા જ પ્રેમથી હસતાં હોય. વાહ! તું બહુ સરસ બોલ્યો. ક્યારેક તો એને ભેટી પડે. વાહ! તારી બુદ્ધિ જોરદાર છે. પેલો વિચારમાં પડી ગયો, કે આ  પરમ આસ્તિક, લાખો લોકોનો ગુરુ પ્રબુદ્ધ તો હોય જ. હવે હું કહું છું કે ઈશ્વર નથી. તો એ કહે છે કે વાહ! બહુ સરસ. અને એ પરમ આસ્તિક છે. એટલે કેશવ મિશ્રએ પૂછ્યું; કે તમને મારી વાત પલ્લે પડે છે ને? હું કહું છું; કે ઈશ્વર નથી. અને રામકૃષ્ણ જે બોલ્યાં છે. એક ઈંટ એવી ખેંચી, પેલાનો મહેલ આખો તૂટી ગયો. રામકૃષ્ણ પરમહંસ કહે છે; તું ક્યાં બોલે છે? એ બોલે છે. એ કહે છે કે હું નથી. પણ, હું એને કહી દઉં કે તું કેશવ મિશ્રના મોઢેથી બોલે ત્યાં સુધી એ ઠીક છે. સાક્ષાત્ તું આવીને કહે ને કે હું નથી તો પણ હું ક્યાં માનવાવાળો છું…! પણ આના મોઢેથી કેમ બોલે છે? સાક્ષાત્ આવી જા. કહી દે હું નથી. મેં તને અનુભવ્યો છે, હવે તું કહે કે હું નથી. તો હું માનું કેમ?

એક માણસ અમેરિકામાં કોઈક સિટીમાં જઈ આવ્યો. અઠવાડિયું રોકાઈ આવ્યો. કોઈ પછી કહે કે આવું તો શહેર અમેરિકામાં છે જ નહિ. પેલો હસવા માંડે. કે આને સાલાને ખબર જ નથી. રામકૃષ્ણ કહે છે; મેં એનો અનુભવ કર્યો છે. તો એ આવીને કહી દે કે હું નથી, તો પણ હું ક્યાં માનવાવાળો છું.

કલાપૂર્ણસૂરિ દાદા. આપણે કહીએ કે એમણે પરમાત્માનો, આત્મ-તત્વનો સાક્ષાત્કાર કરેલો. સાહેબજીની એક વાચનામાં, પાલીતાણામાં હું પણ બેઠેલો હતો. એક ભક્તે સવાલ કર્યો કે ગુરુદેવ! આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો. તો અમને પણ કરાવો ને, પ્રભુ ક્યાં છે? અમારે એને મળવું છે. એ વખતે ગુરુદેવે પોતાની કોમળ હથેળીને ફેલાવી. આંગળીઓને ફેલાવી અને કહ્યું; પ્રભુ આ રહ્યા! એ જ સાંજે એક સંગોષ્ઠી હતી અને એમાં મેં કહેલું કે દાદાએ જ્યારે પોતાની હથેળી લંબાવી અને કહ્યું; પ્રભુ આ રહ્યા. એ વખતે જો આપણે દાદાની હથેળી તરફ જોયું હોય તો આપણે ચુકી ગયેલા માણસ છીએ. એ વખતે આપણે દાદાની આંખમાં જોયું હોત, તો દાદાના નિર્મળ પ્રેમની પૃષ્ઠભૂ ઉપર આપણને પરમાત્માની છબી  દેખાય.

સદ્ગુરુની આંખોમાં પ્રભુ હોય, ભક્તની આંખોમાં પ્રભુમિલન માટેની તડપન હોય અને સદ્ગુરુની આંખોમાં સાક્ષાત્ પ્રભુ હોય. આવો અનુભવ કલાપૂર્ણસૂરિ દાદાને થયો. તમને નથી થયો. નથી થયો ત્યાં સુધી પણ માનીએ. પણ એ મને થાય એના માટેની પ્રબળ ઝંખના ખરી?

શહેરના બહુ જ પોશ એરિયામાં, લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં બહુ મોટો ફ્લેટ મને મળે એવી ઈચ્છા ભલે ઘણાની હોય. મળે થોડા ને જ, ઈચ્છા ઘણાની હોય. એમ પ્રભુ મળ્યા ન મળ્યા એ બાજુની વાત છે. એ પ્રભુનું મિલન આ જન્મમાં કરવું જ છે, આવો નિર્ધાર છે?

એક સુચના – આવતીકાલથી વાચના માંગલિક છે. માસક્ષમણ તપના મહોત્સવના સંદર્ભમાં વાચના માંગલિક છે. જન્માષ્ટમીએ ૧૬ તારીખે વાચના શરૂ કરવાનો ઈરાદો છે. બે હાથે તાળી પડશે… જોઈએ હવે…  આ હાથ તો તૈયાર છે. મારી એક ઈચ્છા છે; કે જન્માષ્ટમીથી અગિયારસ સુધી ૪ દિવસોમાં પ્રભુ મહાવીર દેવની સાડા બાર વર્ષની સાધના ઉપર આપણે કંઈક વિચાર કરીએ. પ્રભુની સાધના પદ્ધતિની બે ધારાઓ છે. એક ધારા ત્રિષષ્ઠીશલાકામાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યએ લખી. અને જેને કલ્પસૂત્રની ટીકામાં વિનયવિજય મહારાજે લીધી. એમાં માત્ર માત્ર બહિરંગ સાધના છે. અહીંથી અહીં ગયા. ને અહીંથી અહીં ગયા. ને અહીંથી અહીં ગયા. અંતરંગ સાધનાની વાત, અંતરંગ સાધનાની વાત પરમપાવન આચારાંગ સુત્રના પહેલા શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં છે. એ આખું બ્રહ્મચર્ય અધ્યયન જે છે, એ ખોલીને મારે બેસવું છે. નાના નાના સુત્રો છે. “વિસોગે અદક્ખો” આખી જ પ્રભુની દ્રષ્ટાભાવની સાધના ઘૂંટી લેવાની. અઠવાડિયું તમને સમય મળ્યો છે, તો તમે એ બ્રહ્મચર્ય અધ્યયનને બરોબર જોઈ લેજો. ટીકા સાથે. ગુજરાતીમાં એના ઉપર પણ વિવેચનો હોય, એક આચાર્ય રત્નસુંદરસૂરીજીનું; આ છે મહાવીર અમારા. અને બીજું મારું પુસ્તક આવ્યું; રોમે રોમે પરમસ્પર્શ. આ પણ તમે વાંચી શકશો. એ વાંચીને તૈયાર થઈને આવો. એટલે આપણે પ્રભુની સાધના ઉપર વાતો કરીએ.

તો જન્માષ્ટમીના દિવસે સવારે સાત થી સવા આઠ. સાત થી સાડા સાત પ્રવચન રહેશે. દેવશ્રમણવિજયનું. અને સાડા સાત થી સવા આઠ મારી વાચના રહેશે. અને ૧૬મી તારીખે તમારો બધાનો રિસ્પોન્સ કેવો છે. એના ઉપર આપણે આગળ જોઈશું. મારે તો પર્યુષણ પછી ઘણી બધી વાચના શ્રેણી ચલાવવી છે. ધ્યાન અને કાયોત્સર્ગની વાચના શ્રેણી, નવપદ ઓળી વખતે એક-એક પદના ઊંડાણમાં જવાની આખી જ વાચના શ્રેણી, આવી રીતે ઘણું બધું આપવું છે. જોઈએ… ધીરે ધીરે પ્રભુની ઈચ્છા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *