વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : He is waiting for you!
પ્રભુ તમારી રાહ જુએ છે! પરમચેતનાને તમારી ભીતર ઊતરવું છે; અવતરિત થવું છે. એટલા માટે પરમચેતના પહેલા ગુરુચેતનાને મોકલે છે કે પહેલા જાઓ અને આને બરોબર સાફ-સુફ કરો; અને પછી હું આવી જાઉં! પ્રભુ તૈયાર છે. Initial stage નું કામ કરવા સદ્ગુરુ પણ તૈયાર છે. બસ, તમે તૈયાર થઇ જાઓ!
સદ્ગુરુ પાછા ફરી શકતા નથી. કારણ? પ્રભુએ જે કામ સોંપ્યું છે એ કામ એમણે કરવાનું છે. અને એ જ લયમાં હું કહેતો હોઉં છું કે પરમચેતના પરમ સક્રિય; ગુરુચેતના પરમ નિષ્ક્રિય. અને તમારી સાધના છે માત્ર ભીના-ભીના બની જવું. માટીનો લોન્દો ભીનો-ભીનો હોય, પછી એને કુશળ શિલ્પમાં ફેરવતાં શિલ્પીને વાર ક્યાં લાગે?!
બે શબ્દો આપણી પરંપરામાં છે: વ્યક્તિત્વ અને અસ્તિત્વ. પ્રભુથી આપણે વિખુટા છીએ, ત્યાં સુધી આપણી પાસે આપણું પોતાનું વ્યક્તિત્વ છે. અને જે ક્ષણે પરમચેતનાની ધારામાં આપણે પૂરેપૂરા ઓગળી જઈએ છીએ, એ વખતે અસ્તિત્વનો આનંદ આપણને મળે છે. અનંત જન્મોથી વ્યક્તિત્વની ધારામાં આપણે રહ્યા છીએ; આ જન્મની અંદર અસ્તિત્વની ધારા જોઈએ છે.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૪
પરમકરુણાવતાર પરમાત્મા મહાવીરદેવના એક શિષ્ય હતા – સિંહ એમનું નામ. એકવાર એમણે પ્રભુને પૂછ્યું: કે પ્રભુ! મારી સાધનાને ઊંડાણનો આયામ આપવા માટે હું જંગલમાં જઈ શકું? આપણી સાધનાના ત્રણ આયામ છે – લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ.
તમે ક્રિયા કરો છો, એ સાધનાની લંબાઈ છે. એ સુત્રોના, અર્થના ઊંડાણમાં તમે જાવ છો, એ સાધનાની પહોળાઈ છે. પણ, ઊંડાઈ એટલે શું? What’s the depth? કોઈ પણ સાધનાની અનુભૂતિ એ જ સાધનાનું ઊંડાણ છે. સામાયિક કર્યા, બહુ સરસ. પ્રભુએ કહેલી અમૃતક્રિયા તમે કરી. તમારી પાસે એ સાધનાની લંબાઈ પણ હતી, પહોળાઈ પણ હતી. હવે એ સાધનાના ઊંડાણને પ્રાપ્ત કરવું છે! સામાયિક થાય અને સમભાવની અનુભૂતિ ન થાય એવું કેમ બને? હું ઘણીવાર કહેતો હોઉં છું; ચા નો શોખીન માણસ હોય, ટેસ્ટી ચા મળી ગઈ, પીધી, પીતા તો બે મિનિટ થઇ, પણ પછી અડધો કલાક સુધી એનો કેફ રહે છે. ચા મજાની હતી, ચા મજાની હતી! એવો જ કેફ સાધનાનો રહેવો જોઈએ. અને એ કેફ રહે, એ ઊંડાણ મળે, એના માટે સિંહ અણગાર પ્રભુની પાસે જંગલમાં જઈને સાધનાને ઘૂંટવાની અનુમતિ માંગે છે. કોઈ પણ સાધક હોય, એણે શરૂઆતમાં તો એકાંતની અંદર જ સાધનાને ઘૂંટવી પડે. પણ, આ રીતે જંગલમાં જઈ શકે કોણ? ગીતાર્થ સાધુ હોય એ જ જઈ શકે.
આપણે ત્યાં સાધનાની બે યાત્રા છે. એક ગીતાર્થની યાત્રા. બીજી ગીતાર્થની નિશ્રાની યાત્રા. તમે ગીતાર્થ થયા છો, તમે જ્ઞાની બન્યા છો, તો તમને એકાકી વિચરવાની છૂટ મળી શકે છે. નહિતર તમારે ગીતાર્થની નિશ્રામાં જ રહેવું પડે. પ્રભુએ જોયું કે સિંહ અણગાર ગીતાર્થ છે. અનુમતિ આપી. સિંહ અણગાર જંગલમાં ગયા. થોડા સમય પછી પ્રભુના પરમ પાવન શરીરમાં ગોશાલકે જે તેજોલેશ્યા ફેંકેલી, એના કારણે થોડીક પીડા શરૂ થઇ. એ પીડાને કારણે પ્રભુનું શરીર થોડુંક દુબળું પડ્યું. તીર્થંકરોનું શરીર એવું ને એવું જ રહે, કોઈ ફેરફાર પડે નહીં પણ એક આશ્ચર્ય રૂપે પ્રભુના શરીરમાં દુર્બળતા દેખાવા લાગી. એ વાત આગળ ફેલાઈ, કે પ્રભુ માંદા છે. પછી આગળ ફેલાઈ; પ્રભુ તો બહુ જ માંદા છે. અને સિંહ અણગાર પાસે વાત આવી કે પ્રભુ આ દુનિયા ઉપર હવે નથી. જ્યાં સાંભળ્યું, પ્રભુ આ દુનિયા ઉપર નથી, સિંહ અણગાર ધ્રુસકે ધ્રુસકે રડે છે. પ્રભુ એટલે જીવનનો આધાર, પ્રભુ એટલે પ્રાણ, એ પ્રાણ ચાલ્યો જાય, શી રીતે રહી શકાય? આંખોમાંથી આંસુની ધારા ચાલી જાય છે. ગળે ડુસકાં જ ડુસકાં છે. આ દ્રશ્ય પ્રભુએ પોતાના કેવલજ્ઞાનમાં જોયું. પ્રભુએ ગૌતમસ્વામીને બોલાવ્યા અને કહ્યું, કે બે મુનિવરોને જલ્દીમાં જલ્દી સિંહ અણગાર સાધના કરે છે ત્યાં મોકલો અને સિંહ અણગારને કહો, કે પ્રભુ તને બોલાવે છે. બે મુનિવરો જંગલ તરફ ચાલ્યા. સિંહ અણગારે દૂરથી આવતાં બે મુનિવરોને જોયા. જોતાંની સાથે નક્કી કર્યું કે ખરેખર પ્રભુ નથી. અને એ જ સમાચાર મને આપવા માટે આ બે મુનિવરો આવી રહ્યા છે. પણ, બે મુનિઓ આવ્યા, એમના ચહેરા ઉપર આનંદ હતો અને પ્રભુ ગયેલા હોય તો ચહેરા ઉપર આનંદ શેનો હોય? બે મુનિવરોએ વંદન કર્યું અને પછી કહ્યું: પ્રભુ તમને બોલાવે છે.
કોઈ તમને કહે કે, પ્રભુ તમને યાદ કરે છે, પ્રભુ તમારી રાહ જુએ છે, તો શું થાય? શું થાય? સાચી જ વાત હોય કે પ્રભુ તમારી રાહ જોતાં હોય, પ્રભુ તમારી પ્રતિક્ષા કરતાં હોય અને આ સમાચાર તમે સાંભળો, શું થાય? નાચો, કૂદો.. શું કરો? પ્રભુ! મારા જેવાને યાદ કરે છે. પ્રભુ મને યાદ કરે?
સંત દાદુ ભક્ત રૈદાસને આંગણે ગયેલા. રૈદાસ જૂત્તા સાંધી રહ્યા છે. ગુરુ દ્વાર પર આવીને ઉભા છે. રૈદાસને ખ્યાલ નથી કે, સદ્ગુરુ મારા દ્વાર પર આવીને ઉભા છે. એક મિનિટ, બે મિનિટ, અઢી મિનિટ. રૈદાસને ખ્યાલ જ નથી આવતો. અને એથી રૈદાસ પલકોને ઉંચી ઉઠાવતો પણ નથી. અઢી મિનિટ થઇ ભક્તને ખબર પડતી નથી, ગુરુ પાછા જતાં નથી. મારા લયમાં કહું કે ગુરુ પાછા ફરી શકતા નથી. પ્રભુએ ગુરુચેતનાને જે કામ સોંપ્યું છે એ કામ ગુરુ ચેતનાએ કરવાનું છે. પ્રભુએ કહ્યું છે, કે મારો પ્રેમ તે આકંઠ માણ્યો છે, એ જ પ્રેમની અનુભૂતિ તું બધાને કરાવ.
સદ્ગુરુ પાછા ફરી શકતા નથી. કારણ? પ્રભુએ જે કામ સોંપ્યું છે એ કામ એમણે કરવાનું છે. અને એ જ લયમાં હું કહેતો હોઉં છું, કે પરમચેતના પરમસક્રિય ગુરુચેતના પરમ નિષ્ક્રિય. અમારે અમારી ઇચ્છાથી કશું જ કરવું નથી. જે પ્રભુની આજ્ઞા છે એ પ્રમાણે જ અમારે કરવું છે. અઢી મિનિટ થઇ, રૈદાસને ખ્યાલ નથી આવતો. કરુણામય ગુરુ ખોંખારો ખાય છે. ખોંખારાનો અવાજ, રૈદાસે આંખોને ઊંચી ઊઠાવી. જોયું, સદ્ગુરુદેવ! પછી તો જૂત્તા એક બાજુ, સોય-દોરો બીજી બાજુ, શાષ્ટાંગ દંડવત્ થઈને રૈદાસ ગુરુના ચરણમાં પડી ગયો. ગુરુને આસન પર બેસાડ્યા, અને એ પછી રૈદાસ ધ્રુસકે ધ્રુસકે રડે છે. રૈદાસ કહે છે: ગુરુદેવ! આપ મારે આંગણે આવ્યાં, મને ખ્યાલ શુદ્ધા ન રહ્યો.. હું કેવો પ્રમાદી માણસ.
આજે જલસો ગુરુને પડ્યો. એવું નહતું કે ગુરુ પહેલાં રૈદાસને આંગણે ન ગયેલા હોય. એવું પણ નહતું કે રૈદાસ ગુરુના આશ્રમે પહેલાં ન ગયેલા હોય! આજે રૈદાસે ભીની ભીની ક્ષણોને આપી. તમારી ભીની ક્ષણો, અમારું કામ શરૂ અને પૂરું. આમ પણ તમારી સાધના શું? ૯૯% grace, ૧% effort. એક પ્રતિશત તમારી સાધના છે. અને એ સાધના છે ભીના ભીના બની જવું. માટીનો લોંદો ભીનો ભીનો હોય, એને કુશળ શિલ્પમાં ફેરવતાં શિલ્પીને વાર કેટલી લાગે? ગુરુએ વિચાર્યું કે આજે રૈદાસ ભીનો ભીનો થયો છે, આજે કામ કરી લઉં. ગુરુ રાહ જોતાં હોય છે હો! ગુરુ રાહ જોતાં હોય છે કે ક્યારે તમે એકદમ ભીના બનો. અને ક્યારે તમારામાંથી સશક્ત શિલ્પનું સર્જન થઇ જાય. તમે બધા તો ભીના ભીના છો જ. ભીનાશ તમારી પાસે છે. અને એ ભીનાશ મને બહુ જ ગમે છે. પણ એ ભીનાશ પ્રભુના પ્રેમ સુધી જઈ શકે, એવું ક્યારે બને? મારે તમારી ભીનાશ અને પ્રભુના પ્રેમનો સંયોગ કરવો છે. એવી એક ભીનાશ તમને મળી જાય, કે પ્રભુનો પ્રેમ તમે અમારી જેમ માણી શકો. અમને શાતા પૂછવા આવો ને? અમે કેવા શાતામાં છીએ…?
પાલના મજાના ઉપાશ્રયમાં તો શાતામાં હોઈએ, વિહારમાં હોઈએ, પતરાંવાળો ઉપાશ્રય હોય તો પણ મજા. કેમ? મજા ક્યાંથી આવે? મજા ક્યાંથી આવે? દેવ-ગુરુ પસાય. તમે પણ યાદ રાખો! તમને પણ જે આનંદ મળી શકે એ આનંદ માત્ર અને માત્ર પ્રભુ અને ગુરુની કૃપાથી મળી શકે. સંપત્તિ મળી પણ જાય. પણ એ સંપત્તિ મળ્યા પછી પણ સુખ તમારી પાસે હશે એવું કંઈ નક્કી નહિ. પ્રભુ મળે, પ્રભુની કૃપા મળે, પ્રભુનો પ્રેમ મળે તો જરૂર તમે સુખી હોવ.
એક ભાઈ અમદાવાદમાં રહેતાં હતાં. ત્યાં એક લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં બહુ મોટો ફ્લેટ એમને બુક કરાવ્યો. ફ્લેટ તૈયાર થઇ ગયો, ફર્નીચર થઇ ગયું પછી વાસ્તુપૂજા ભણાવવાની હોય ને… બધા આવો. અને મારે ત્યાં ભગવાન છે એના દર્શન કરી જાવ, એમ નહિ, મારા ફ્લેટના દર્શન કરીને જાવ! તમારી પાસેની જે સંપત્તિ છે, એમાંથી તમારા પોતાના ઉપયોગની કેટલી? અને સમાજને દેખાડવા માટેની કેટલી? અને હું તો આગળ વધીને કહું, કે તમે તમારી સંપત્તિ સમાજને દેખાડવા માટે રાખો છો કે સમાજને દઝાડવા માટે? એક ઓફિસર ઘરે આવ્યો, બહુ સરસ એપાર્ટમેન્ટમાં એ લોકો રહેતાં હતાં. જ્યાં પગથિયાં પર કે કોરીડોરમાં ક્યાંય કચરાનું સહેજ નામનિશાન ન હોય. એકદમ clean and neat. એ ઓફિસર બપોરે જમવા માટે આવે છે, જુએ છે, પોતાનાં ફ્લેટની બહાર કેરીના ગોટલા અને છોતરાં પડેલાં. એનું તો માથું ફરી ગયું, આવા એપાર્ટમેન્ટમાં અમે રહીએ અને અહીંયા મારા ફ્લેટની સામે કેરીના ગોટલા અને છોતરાં…. કોણ એવો હરામખોર હશે… ડસ્ટબિન તો ઠેકઠેકાણે છે. સારું થયું, એને સદ્દબુદ્ધિ સુજી કે અંદર જરા પૂછી તો લઉં… ઘરમાં ગયો, શ્રાવિકાને પૂછ્યું, આ કેરીના ગોટલાં અને છોતરાં આપણા ફ્લેટની બહાર કોણ ફેંકી ગયું? તને ખબર છે? તો પેલી કહે છે: મેં ફેંક્યા છે. તું… તારામાં અક્કલ બિલકુલ નથી.. આવા એપાર્ટમેન્ટમાં આપણે રહીએ, એક તણખલું ક્યાંય દેખાય નહિ. Neat and clean એપાર્ટમેન્ટ છે. એમાં ખુલ્લાની અંદર ગોટલાં અને છોતરાં નાંખ્યા, માખીઓ બણબણી રહી છે. પેલી કહે છે: તમે ઓફીસના મામલામાં ભલે હોશિયાર હોવ, ઘરના મામલામાં તમે ઢબુના ઢ જેવા છો. બરોબર ને? ત્યાં તમારી હાલત કેવી થાય છે એ અમને ખબર છે. અને છતાંય ત્યાં રહો છો, એની નવાઈ લાગે છે. પેલી કહે છે: સીઝનની પહેલી કેરી, આપણે ત્યાં આવી છે. એપાર્ટમેન્ટમાં બીજા કોઈના ત્યાં આવી નથી. આજે રસ-પુરી આપણે ખાવાના છે, પણ બીજાઓને ખબર શું પડે…
જો કે એ તો એનું ગણિત હતું, તમારે ત્યાં તો ગણિત આખું અલગ હોય. સીઝન કેરીની ચાલુ થાય, એટલે પહેલો કેરીનો કરંડીયો દેરાસરે. કરંડિયો ને કે કેરી? પછી બીજા નંબરે રસ કાઢેલો હોય, ફ્રીજમાં ન મુકેલો હોય, મ.સા. વહોરવા આવે, અને કૃપા કરીને લાભ આપે. તો બીજા નંબરે સુપાત્રદાનનો લાભ મળે. પહેલા નંબરે પ્રભુ ભક્તિ. બીજા નંબરે સુપાત્ર ભક્તિ. અને ત્રીજા નંબરે સાધર્મિક ભક્તિ. તમારા એપાર્ટમેન્ટમાં, આજુબાજુના એપાર્ટમેન્ટમાં જેટલા પણ સાધર્મિકો છે એ બધાને ત્યાં કેરી પહોંચાડી પછી જ તમે કેરી ખાવ. બરોબર? શું ત્રીજા નંબરમાં ગરબડ થઇ? ગરબડ ક્યાં થઇ? પહેલો નંબર બરોબર? બીજો નંબર બરોબર? ત્રીજા નંબરમાં?
એકવાર એક પ્રવચનમાં મેં વાત કરી, એક ભાઈ મારી સામે બેઠેલા. મને કહે: સાહેબ ok. તમે કહો છો એમ… ત્રીજો નંબર સાધર્મિકો નો જ છે. અને હું તો એવું માનું છું. મેં કહ્યું: કઈ રીતે? મને કહે: મારે ઘરે બધા સાધર્મિક જ છે ને…
પેલા અમદાવાદવાળા ભાઈએ વાસ્તુપૂજા ભણાવી. ત્યાં રહેવા માટે આવી ગયા. પછી ડોકટરે કહેલું એટલે morning walk કરતાં હતાં. તો અડધો કિલોમીટર દૂર એક બહુ મોટો બંગલો બની રહ્યો હતો. હશે કોઈનો આપણે શું? એકવાર એ બંગલા પાસેથી એ પસાર થાય, એ જ વખતે એક મોટી ગાડી ત્યાં આવીને અટકી. અને એમાંથી આનો ક્લાસમેટ, બેંચમેટ છગન નીકળ્યો. બે ભેટી પડ્યા. છગને કહ્યું: આ મારો બંગલો છે. ચાલ, હું જોવા જ આવ્યો છું. તું પણ સાથે ચાલ. પેલો કહે: તું તો મુંબઈ રહે છે. હા, મુંબઈ રહું છું. પણ દીકરાઓ કારોબાર સંભાળે એમ છે. એટલે હવે આપણે કારોબારમાંથી મુક્તિ મેળવી છે, અને વિચાર્યું કે અમદાવાદ આવી શાંતિથી આરાધના કરીએ. અંદર ગયા. દશ બેડરૂમ, મોટા-મોટા હોલ.
મુંબઈ હું હતો ને ત્યારે એક અપાર્ટમેન્ટમાં ગયેલો. સવાસો કરોડનો એક અપાર્ટમેન્ટ. એક ફ્લેટ. રહેનારા કેટલા એમાં? બે જણા. પતિ-પત્ની. કારણ કે આટલા સુખી માણસો હોય, એમનાં દીકરા ભારતમાં ભણે કેવી રીતે? એ વિદેશમાં જ ભણે. અને વિદેશ ગમી જાય. ત્યાં સ્થાયી થઇ જાય. રહેનાર બે જણા. દશ બેડરૂમવાળો બંગલો. તો છગને બંગલો બતાવ્યો, અને પછી કહ્યું: હવે ઇન્ટીરીયર ડેકોરેશનનો ઓર્ડર આપ્યો છે. દશ કરોડમાં. આ સાંભળ્યા પછી પેલા ભાઈને શું થાય? એ મને કહો…. શું થાય એને? એનો ફ્લેટ તો એવો ને એવો રહ્યો ને? એકેય ઇંચ ઓછો નહિ થયો ને? તો ફ્લેટ મળ્યો ત્યારે રાજી-રાજી થઇ ગયેલો. આજે નારાજ. કારણ શું?
જો એણે માન્યું હોત કે સંપત્તિ દ્વારા સુવિધા મળી શકે. સંપત્તિ દ્વારા સુખ ન મળી શકે. તો વાંધો ન આવત. સુખ પ્રભુ જ આપે. અને વિચાર કરત કે એનું પુણ્ય છે તો એના પુણ્યથી એ કમાય છે. હું પણ પુણ્ય કરું તો મારા પુણ્યથી મને પણ મળે. તો અમે લોકો એકદમ મજામાં. EVERGREEN – EVERFRESH.
રૈદાસ ધ્રુસકે – ધ્રુસકે રડે છે. ગુરુદેવ! હું કેવો પ્રમાદી? કે તમે આંગણે આવ્યા મને ખ્યાલ ન રહ્યો, અને ગુરુને લાગ્યું કે આ જ અવસર છે કે પ્રભુ સાથે આને જોડી દઉં. એ વખતે ગુરુએ કહ્યું: કે બેટા! હું તો અઢી મિનિટથી તારે દ્વારે ઉભેલો, પણ પ્રભુ તારે દ્વારે ઉભા રહીને ક્યારની તારી રાહ જોઈ રહ્યા છે, તને ખ્યાલ છે? ચોંક્યા… રૈદાસ. પ્રભુ મારી રાહ જોવે છે? હા, પ્રભુ તારી રાહ જુવે છે! એ જ ક્ષણે રૈદાસ પ્રભુને ભેટવા માટે ગુરુની પાછળ ખુલ્લું ઘર છોડીને નીકળી ગયા. રૈદાસ ચોંકેલા… ઉછળેલા આનંદથી… પ્રભુ મારી રાહ જુવે છે! HE IS WAITING FOR YOU. SHEETALNATH DADA IS WAITING FOR YOU. અને મજાની વાત એ છે કે પરમચેતનાને તમારી ભીતર ઉતરવું છે. અવતરિત થવું છે. એટલા માટે પરમચેતના પહેલા ગુરુચેતનાને મોકલે છે, કે પહેલા જાઓ આને બરોબર સાફ-સુફ કરો. અને હું પછી આવી જાઉં… પ્રભુ તૈયાર છે… તમારી બધાની ભીતર અવતરિત થવા માટે. એના માટેનું ઇનિશ્યલ સ્ટેજનું કામ કરવા સદ્ગુરુ તૈયાર છે. બસ તમે તૈયાર થઇ જાઓ, એ જ ક્ષણે પ્રભુનું અવતરણ તમારી ચેતનામાં થઇ જાય.
સિંહ અણગાર આશ્ચર્યમાં આવી ગયા! પ્રભુ મને બોલાવે છે ? હા, પ્રભુ તમને બોલાવે છે. એટલે કે પ્રભુ છે? પ્રભુ છે.. સમવસરણમાં દેશના આપે છે અને તમને બોલાવે છે. સિંહ અણગાર પ્રભુની પાસે આવે. પ્રભુને જુએ. આંખમાંથી આનંદના આંસુની ધારા.. મારા ભગવાન છે.. મારા પ્રભુ એ જ મારું અસ્તિત્વ! બે શબ્દો આપણી પરંપરામાં છે. વ્યક્તિત્વ અને અસ્તિત્વ. પ્રભુથી આપણે વિખુટા છીએ ત્યાં સુધી આપણી પાસે આપણું પોતાનું વ્યક્તિત્વ છે. અને જે ક્ષણે પરમચેતનાની ધારામાં આપણું પૂરેપૂરું વિગલન થાય છે. આપણે પુરેપુરા ઓગળી જઈએ છીએ. એ વખતે અસ્તિત્વનો આનંદ મળે છે.
અનંત જન્મોથી વ્યક્તિત્વની ધારામાં આપણે રહ્યા છીએ. આ જન્મની અંદર અસ્તિત્વની ધારા જોઈએ છે. અને એટલે જ મીરાં ગુરુની પાસે ગયેલી. દ્વાર બંધ છે આશ્રમના, મીરાંએ દ્વાર ખટખટાવ્યા. અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાંએ કહ્યું, હું મીરાં, પ્રભુ ચરણોની દાસી. કેટલી સરસ રીતે મીરાંએ પોતાને INTRODUCE કરેલી. હું મીરાં, પ્રભુ ચરણોની દાસી. દ્વાર ખુલ્યું, મીરાં અંદર ગઈ, ગુરુના ચરણોમાં શાષ્ટાંગ દંડવત્ થઈને પડી. એ પછી ગુરુએ મીરાંને પૂછ્યું: કે મીરાં! બેટા! તે હમણાં કહ્યું; કે હું મીરાં, પ્રભુના ચરણોની દાસી. પણ બેટા! આ બે વસ્તુ સાથે કેમ હોઈ શકે? તું પણ હોય, મીરાં તરીકે અને પ્રભુના ચરણોનું દાસીપણું પણ હોય. આ બે સાથે કેમ હોઈ શકે? મીરાંને ખ્યાલ નથી આવતો કે ગુરુ શું કહેવા માંગે છે? ત્યારે ગુરુએ કહ્યું: કે આકાશમાંથી વરસતું પાણીનું એક ટીપું દરિયા પર પડે, થોડીવાર પછી કોઈ કહે: કે પેલું ટીપું હમણાં જે પડ્યું અંદર મીઠું-મીઠું હતું પાણી એનું, એને જરા દરિયામાંથી ખેંચીને બહાર લાવજો… અસંભવ. જે ક્ષણે ટીપું દરિયામાં પડ્યું એ જ ક્ષણે એણે પોતાની IDENTITY ખતમ કરી નાંખી. અને બિંદુએ, એ ટીપાંએ પોતાની Identity ખતમ કરી, તો આખો ને આખો દરિયો એને મળી ગયો. દરિયામાં જે ગુણધર્મો છે, દરિયાના પાણીમાં જે ગુણધર્મો છે એ બધા જ એક ટીપાંમાં આવી ગયા. એટલે વ્યક્તિત્વનું વિલોપન એટલે Identity ખતમ કરવી. અને અસ્તિત્વની પ્રાપ્તિ એટલે પરમચેતનાની ધારામાં આપણે એકરૂપ થઇ જઈએ.
તો અનંત જન્મોથી, પરમ ચેતનાની ધારાથી આપણે વિખુટા પડેલા છીએ. એક ટીપું રણમાં પડશે, ક્યાં સુધી રહેશે? સંસારની આ મરૂભૂમિ, ક્યાં સુધી આ બિંદુ ટકશે? પણ, એ જ બિંદુ પરમચેતનાના દરિયામાં પડશે તો? પણ એના માટેની વિધિ કઈ? ગુરુએ મીરાંને વિધિ સમજાવી છે, મીરાંને વિધિ ગમી ગઈ છે. તમને શું ગમે આમ? તમને પ્રભુ ગમે છે, અને પ્રભુનો પ્રેમ કઈ રીતે મળે એ તમારા મનની અંદર છે. અને એટલે જ વહેલી સવારે દોડી-દોડીને તમે આવો છો. મારે એક જ કામ કરવું છે, પ્રભુનો પ્રેમ જે અઢળક વરસી રહ્યો છે, એને ઝીલીને તમારા તરફ એને મુકવો છે. તમે બધા જ એ પરમ પ્રેમથી તૃપ્ત બની જાવ.
સિંહ અણગાર પ્રભુ પાસે આવ્યા. પછીની ઘટના બહુ જ મજાની છે. મેં જે કાલે કહેલું: He loves you. પ્રભુ તમને ચાહે છે. સિંહ અણગારની બાબતમાં આવતી કાલે આપણે જોઈશું અને લાગશે કે પ્રભુ સિંહ અણગારને કેવા ચાહે છે. અને પ્રભુને કોઈ ભેદભાવ નથી કે સિંહ અણગારને ચાહવા.. પ્રભુ બધાને ચાહે છે. પ્રભુ એટલે પ્રેમનો સાગર.
તો સિંહ અણગારને પ્રભુએ કઈ રીતે ચાહ્યા? અને આપણને પ્રભુ કઈ રીતે ચાહે છે એની વાત આપણે આવતી કાલે જોઈશું…