Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 5

23 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુ સર્વશક્તિમાન છે!

એક વાત આજની બરોબર યાદ રાખી લેજો કે કોઈ પણ મુકામે – સાધનાના કે સંસારના – તમે થાકી જાવ, હારી જાવ તો ના શરણે જતા રહો. નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી; માત્ર એને યાદ કરજો. એ સર્વ શક્તિમાન પરમાત્મા તમારા બધા જ દુઃખોને દૂર કરશે.

સેંકડો લોકો અત્યારે આ ધારામાં જોડાયેલા છે કે મારે કંઈ કરવું નથી; પ્રભુ જ બધું કરશે. આમ પણ રાગ અને દ્વેષમાં અનંતા જન્મોથી રંગાયેલા આપણે કરી-કરીને કરીશું પણ શું? સાધનામાર્ગે આવશું, તો ત્યાં પણ અહંકારને લઈને આવશું કે મેં આ તપ કર્યો; મેં આ જપ કર્યો.

પ્રભુની કૃપા વિના, એના પ્રેમ વિના એના માર્ગ ઉપર જવાનો કોઈ ઉપાય નથી. There is only one way. એક જ માર્ગ છે. તમારે પૂરું તમારું કર્તૃત્વ, તમારો અહંકાર એના ચરણોમાં ઢાળી દેવો છે. એટલે નિરાશ પણ થવું નથી અને કર્તૃત્વને પોતાની પાસે રાખવું પણ નથી.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૫

ભક્ત અગણિત સમયથી પ્રભુને ચાહતો રહ્યો છે. ભક્ત પ્રભુને ચાહે, પ્રભુ ભક્તને ચાહે, એક વર્તુળ પૂરું થયું.

કલિકાલ સર્વજ્ઞ શ્રી એ વિતરાગ સ્તોત્રમાં લખ્યું, કે પ્રભુ વર્તુળનો વાંધો નથી, પણ એ વર્તુળનો પ્રારંભ તારે કરવાનો છે, મારે નહિ. હું તને પ્રેમ કરીશ એ કેવો હશે? અને તું મને ચાહીશ ત્યારે…! પ્રભુ! તું મને ચાહે છે. એવું શાસ્ત્રો કહે છે, સદ્ગુરુઓ કહે છે, પણ મારી અનુભૂતિમાં આ વાત ઉતરી નથી. તો પ્રભુ મારી અનુભૂતિમાં આ વાત ઉતરવી જોઈએ કે, તું મને ચાહે છે. પુરાવો વિતરાગ સ્તોત્રમાં જ આવ્યો, કલિકાલ સર્વજ્ઞશ્રી કહે છે: કે જો પ્રભુ તને ચાહતા ન હોત તો તું અહીંયા હોત જ નહિ. મનુષ્ય જીવન તને મળ્યું, ઇન્દ્રિયો તને મળી પાંચ, મન અને બુદ્ધિ તને મળ્યા, શી રીતે મળ્યા? પ્રભુ તને ચાહે છે માટે મળ્યા.

દીક્ષા તમે લીધી એવું તમે માનો છો? ક્યારેય પણ એવું માનતા નહિ. ઘણા ના મનમાં એવી એક વિચારણા હોય, અને એ વિચારણાને શબ્દદેહ પણ આપે કે, મને તો ઘરેથી રજા મળે એમ હતી જ નહિ. દીક્ષા લેવા માટે હું તૈયાર હતી, ઘરવાળા તૈયાર નહતા; એ વખતે મેં છ વિગઈનો ત્યાગ કર્યો; અને મને દીક્ષા મળી. તમારા કારણે દીક્ષા નથી મળી, પ્રભુના કારણે દીક્ષા મળી છે. પ્રભુએ મને ચાહ્યો છે એનો પુરાવો મારું સંયમી જીવન છે. પ્રભુ મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યા. તો મનુષ્ય જીવન મળ્યું, પાંચ ઇન્દ્રિયો મળી, મન અને બુદ્ધિ મળ્યા, પ્રભુના પ્રભાવે; અને એટલે જ અમારા મનમાં એક વિચાર આવ્યો, કે જો પ્રભુએ શરીર, મન, ઇન્દ્રિય અને બુદ્ધિ આપેલ હોય તો એના ઉપર અધિકાર પ્રભુનો છે. મારો નથી. અને જો પ્રભુનો અધિકાર છે, તો એ એક-એક વસ્તુ પ્રભુની આજ્ઞા પ્રમાણે વપરાવી જોઈએ. સંસારની અંદર પ્રભુની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે શરીરને યુઝ કરવું શક્ય નથી. એકમાત્ર સંયમી જીવન એ એવું જીવન છે, જ્યાં પ્રભુની આજ્ઞા પ્રમાણે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો ઉપયોગ થઇ શકે. મારો તો અનુભવ છે; કે પ્રભુ મને અહીં સુધી લઈને આવ્યા છે. પ્રભુ અહીં સુધી લઈ આવ્યા એટલું નહિ, જે જે તબક્કે મારે એમની જરૂરિયાત હતી, એ તબક્કે પ્રભુ હાજર થયા છે.

એકવાર વિચાર થયેલો, ૩૦ એક વર્ષનું વય મારું. થયું કે મારે તો યોગની દિશામાં જવાનું છે. પણ યોગ અને ધ્યાનમાં જે મહાપુરુષો ઊંડા ઉતરેલા છે એમની પાસે જવું સંયમી જીવનને કારણે શક્ય નહતું. તો એક દિવસ વિચાર આવ્યો, કે પ્રભુ મને અહીં તો લઇ આવ્યા, પણ હવે મારે યોગની દિશામાં જવાનું છે, તો એના માટે શું થશે? આ એક વિચાર આવ્યો. બપોરનો સમય, શરીર સહેજ થાકેલું, ઝપકી આવી, સૂઈ ગયો. સ્વપ્નમાં આભાસ થયો. સ્વપ્નની અંદર આભાસ થયો કોઈક જાણે કહી રહ્યું છે કે, તારે ક્યાં બહાર જવાનું જરૂર છે. હું તારી જોડે જ છું ને. ઉઠ્યો, એ વખતે મારી ભૂમિકામાં બે વસ્તુ હતી, એકબાજુ યોગની ઝંખના હતી. અને બીજી બાજુ બૌદ્ધિક પુરુષ હતો – Rationalist. પ્રભુએ એવી કૃપા કરી કે એક Rationalist વ્યક્તિને શ્રદ્ધાથી તરબોળ બનાવી નાંખ્યો. મેં કશું જ કર્યું નથી. મારી બુદ્ધિને ખંખેરવાનું કામ પણ એણે જ કર્યું છે. હું સામાન્યતયા એક composition આપું છું: 99% grace, 1% effort. 99% પ્રભુની, સદ્ગુરુની કૃપા. એક પ્રતિશત તમારો પ્રેમ. પણ આ વાત પણ સાધકો માટે છે, જે એમ માને છે કે મારે કંઈક કરવું છે. તો એના માટે એક પ્રતિશત effort છે. મારા માટે પ્રભુએ 1% effort રાખ્યો નથી. I have not to do anything absolutely. મારે મારા માટે કશું જ કરવાનું નથી. એ કરે.

બાળક થાકે તો મમ્મા ઊંચકી લે. શત્રુંજય ગિરિરાજ પર માઁ અને બાળક ગયા. બાળક કહે છે મારે ચડવું છે. માઁ એને ચડવા દે છે. જે ક્ષણે બાળક થાક્યું, એ કહે છે: મમ્મા ! હવે ચલાય એવું નથી. તરત જ મમ્મા એને ઊંચકી લે છે. જો તમે પ્રભુના પ્રેમનો અનુભવ કરો, તો તમે પણ આ ભૂમિકાએ પહોંચી શકો છો. તમારા જીવન માટે તમારે કશું જ કરવાનું રહેતું નથી. પણ તમે જ્યાં સુધી કહો ને કે થોડું હું કરું ત્યારે પ્રભુ શું કહે? કરવા દો એને. પેલો બાળક કહે મારે પગથિયાં ચડવા છે, તો માઁ એને ચડવા દે. તમે કહો કે મારે કરવું છે. પ્રભુ કહે: કર બેટા. પણ જે ક્ષણે થાકો એ ક્ષણે નિરાશ નહિ થતાં. જે ક્ષણે થાકો એ ક્ષણે પ્રાર્થના કરજો. કે પ્રભુ! હું ચાલી શકું એમ નથી. તું મને ઊંચકી લે. તમારા સાંસારિક જીવનમાં કે સાધના જીવનમાં કોઈપણ તબક્કે, તમે ક્યાંયપણ થાકો, હારો, નિરાશ નહિ થતાં. એ ક્ષણે પ્રભુની કોર્ટમાં પ્રાર્થનાનો બોલ ફેંકી દેજો. પછી બધું મજાનું થઇ જશે. ખૂટે છે આપણી શ્રદ્ધા.

એક શ્રદ્ધા હોય, હું કહું છું એ કામ અત્યારે થઇ શકે છે. અને સેંકડો લોકો આ ધારામાં જોડાયેલા છે, કે મારે કંઈ કરવું નથી. પ્રભુ બધું કરશે. અને રાગ અને દ્વેષમાં અનંતા જન્મોથી રંગાયેલા આપણે કરી-કરીને શું કરશું? સાધનામાર્ગે આવશું, અને ત્યાં અહંકારને લઈને આવશું. મેં આ તપ કર્યો. મેં આ જપ કર્યો. અહંકાર આપણે લઈને આવશું. પ્રભુની કૃપા વિના, એના પ્રેમ વિના એના માર્ગ ઉપર જવાનો કોઈ ઉપાય નથી. There is only one way. એક જ માર્ગ છે. તમારે પૂરું તમારું કર્તૃત્વ, તમારો અહંકાર એના ચરણોમાં ઢાળી દેવો છે. એટલે નિરાશ પણ થવું નથી. અને કર્તૃત્વને પોતાની પાસે રાખવો પણ નથી.

હું ઘણીવાર એક રૂપક કથા કહું છું; એક હાથી હતો. રોડ પર ચાલતો હતો. ત્યાં વચ્ચે નદી, નદી ઉપર પુલ હતો. પુલ જુનો થઇ ગયેલો. હાથીભાઈની સવારી ધમધમ ચાલે. એટલે પુલ ધ્રુજવા લાગ્યો. પણ સદ્ભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો, રોડ પર પાછી સફર ચાલુ થઇ. એ વખતે હાથીને તો ખબર પણ નહતી, એક માખી હાથીના કાન પાસે બેઠેલી, અને એ માખીએ કહ્યું: કે હાથીભાઈ, હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો.. સમજ્યા? તો એ આપણા કરતાં વધુ ઈમાનદાર ખરી કે નહીં? હાથીને પણ credit આપી. આપણે કોઈને credit આપીએ? મેં કર્યું, શું તે કર્યું? તું કરવા ગયો તો ઊંધું જ મારત. આ સીધું થયું છે, એ પ્રભુના પ્રભાવે થયું છે.

એક શ્રદ્ધા, પ્રભુ મને મનુષ્ય જીવનમાં લાવ્યા છે. પ્રભુએ એનું શાસન મને આપ્યું છે. તો હવે મને આગળ કેમ વધારવો એ પણ પ્રભુ કરશે. સદ્ગુરુ ચેતના આવે, તમે સદ્ગુરુના ચરણોમાં પડો, સદ્ગુરુ તમને માર્ગ બતાવે, તમે ચાલો. મને કહેવામાં આવ્યું: કે બેટા! તારે ક્યાં વિચારવાની જરૂર છે, હું તારી જોડે છું. આજે આ મંત્ર મારા હૃદયમાં કોતરાયેલો છે. “હું તારી સાથે છું”. પ્રભુ, એક-એક ક્ષણે મારી જોડે છે. અથવા એમ કહું કે હું પ્રભુની જોડે છું. પ્રભુ તમને એક-એક ક્ષણ માટેનું, એક-એક સેકન્ડ માટેનું માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. He is ready. આપણે આટલું જ કરવાનું છે; ઝુકી જવાનું છે. પ્રભુ હું હારી ગયો, હું થાકી ગયો, હું કાંઈ કરું શકું એમ નથી, તું કર. અને તમે તમારા જીવનમાં અનુભવશો, જે ક્ષણે તમે કહો છો પ્રભુને કે પ્રભુ હું કરી શકું એમ નથી. તું કર. ગાડી સડસડાટ દોડશે. પછી ડાયમંડમાં હોવ,કે ટેક્ષટાઈલમાં હોવ, ક્યાંય અટવાયેલા હોવ, એક માત્ર પ્રભુને પ્રાર્થના કરવી. અને એ પ્રાર્થના ભીતરથી, સાચા હૃદયથી કે પ્રભુ! હું નથી જાણતો કે, મારું ભવિષ્ય શું હોય! મારું ભવિષ્ય તારા હાથમાં છે. તારે જેવું ભવિષ્ય મારું દોરવું હોય એવું દોર, હું તૈયાર છું. હું સંપૂર્ણતયા તને વળગીને રહીશ. મારા મનમાં ક્યારે પણ, સહેજ પણ વિચાર નહિ આવે.

એક નાનો દીકરો મંદિરે ગયો. Conventમાં ભણતો હતો, હમણાં જ દાખલ થયેલો. પ્રભુની આગળ એણે આખી ABCD ગાઈ નાંખી. A to Z. એક અંકલ બાજુમાં હતાં, એ અંકલે પૂછ્યું: કે બેટા! તારી માઁ એ કોઈ પ્રાર્થના શીખવી નથી? આ ABCD ભગવાનની આગળ મુકાય? દીકરો ચબરાક હતો. એણે કહ્યું: અંકલ, મારે શું કરવાનું, મારે શું નહિ કરવાનું હું કંઈ જ જાણતો નથી. તો મારા માટેની પ્રાર્થના શું હોય એ પણ મને શું ખબર પડે? પુરી ABCD પ્રભુના ચરણોમાં મૂકી દીધી. મારા માટેની પ્રાર્થના પ્રભુ બનાવશે. તમારા માટેની પ્રાર્થના અમે બનાવી આપી. બાકી તો રાડો જ પાડવાની છે, “શિવગામી ભવથી ઉગારજો”

એક દેરાસરમાં ગયેલો. એક ભાઈનો કંઠ બહુ સારો. સ્તવન ગાય – “શિવગામી ભવથી ઉગારજો” એટલે કે હે પ્રભુ! મને આ સંસારમાંથી બહાર કાઢીને તારી પાસે લઇ આવ. આ કડી તો રીપીટ કરી-કરીને ગાય. મારી પાસે જ બેઠેલો. મેં એને આ ઓઘો બતાવ્યો, કે ભઈલા! આ રજોહરણ વિના મુક્તિ નથી. તારી આટલી બધી ઝંખના છે આટલી બધી તારી ઉતાવળ છે, તો હમણાં જ ઉપાશ્રયમાં આવી જા, આપણે વિધિ શરૂ કરીએ. પેલો તો એવો ભડક્યો, સીધો દેરાસરની બહાર. હું દસ મિનિટ પછી ભક્તિ કરીને નીકળ્યો, એ ભાઈ કો’કની જોડે વાતો કરતો બેઠેલો હતો. પણ દસ મિનિટ થઇ ને… હોશિયાર માણસ હતો, જવાબ શોધી કાઢ્યો. હું બહાર નીકળ્યો અને એ ઉભો થયો એ, વંદન કર્યું, મેં એને પૂછ્યું: તું ભગવાનની આગળ દર્દથી ગાતો હતો, કે “શિવગામી ભવથી ઉગારજો” અને એ ભવથી બહાર નીકળવા માટે રજોહરણ સિવાય કોઈ વહાણ નથી. એ રજોહરણ તને આપવાની વાત કરી, તું ચમક્યો કેમ? મને કહે સાહેબ! હું હોલસેલનો માણસ છું. એટલે મારે બધું હોલસેલમાં જોઈએ. ચાલો તમારી પાસે દીક્ષા લઉં, તમે ગેરંટી આપો છો કે આ જન્મમાં કેવલજ્ઞાન અને આ જન્મમાં મોક્ષ તમે આપશો? મને વળગે…! મને કહે હું તો હોલસેલનો વેપારી, એ મહાવિદેહમાં જવાનું દીક્ષા, કેવલજ્ઞાન, મોક્ષ બધું સાથે. મેં કહ્યું: વાહ! તું પણ મારો ગુરુ. તો પ્રભુ પરની  આસ્થા, પ્રભુ પરની શ્રદ્ધા, પ્રભુ તું નહિ તો હું નહિ.

કવિએ કહ્યું છે: “તમારા વિનાના, અમે અમારા વિનાના”. પ્રભુ અમારા જીવનમાં તું જો ન હોય, તો અમારા જીવનનું, અમારા હોવાનો કોઈ અર્થ નથી. “પ્રભુ મારી સાથે છે!” આ અનુભવ જોઈએ.

હમણાંની એક ઘટના કહું. નાના ગામો, એક બેનનું પિયર આ ગામમાં, સાસરું આ ગામમાં. ત્રણ-ચાર ગાઉનો ફાસલો, વચ્ચે થોડું જંગલ આવે. એકવાર બેન સાસરામાં હતી, ફોન-બોન તો ત્યાં હતો નહિ. ઉડતાં સમાચાર મળ્યા કે ભાઈના દીકરાને પડી જવાથી બહુ જ વાગ્યું છે. અને બધા મુંઝાઇ ગયા. આ સમાચાર સાંભળીને એને થયું; કે મારી ફરજ છે કે મારે ભાઈ પાસે જવું જોઈએ. સુખમાં, સુખના પ્રસંગે તમે બીજાની પાસે જાવ છો એટલા માટે કે સુખ વધે. અને દુઃખના પ્રસંગમાં તમે એના માટે જાવ છો કે એનું દુઃખ ઓછું થાય. બેને નક્કી કર્યું; જાઉં… પતિ બહાર ગયેલ, ગામ એવું કે બધા લોકો ખેતરમાં જ રહે. કોઈ મજુર મળ્યો નહિ કે જે સાથે આવવા તૈયાર હોય. એક કલાક તપાસ કર્યા પછી છ વાગે બેન નીકળી ગઈ, અને ૯ વાગે પહોંચી. ૯ વાગે અંધારાની અંદર, જંગલને પાર કરીને એક બેન પોતાના ભાઈને ત્યાં ગઈ. પહેલાં તો ભાઈ-બહેન ભેટ્યાં. પછી ભાઈએ પૂછ્યું: તું કોની જોડે આવી છે? કોણ છે તારી જોડે? ભાઈને ધ્રાસકો પડ્યો; કે એકલી તો નથી આવી ને, તું એકલી તો નથી આવી ને? તો કહે કે ના, અમે બે જણા હતાં. દીકરાને તો સારું હતું, હાર્ડવૈદ્ય આવી ગયા, પાટો બાંધી દીધેલો, અને બેડ રેસ્ટમાં હતો. બીજી કોઈ તકલીફ નહતી. હવે ભાઈએ કહ્યું: કે  થોડું જમી લો તમે, અને તારી જોડે જે આવેલો હોય એ માણસને પણ બોલાવ. તો બહેન કહે: એ આવશે નહિ. એ નહિ આવે. કારણ તમે સમજ્યા? જ્યાં તમારે બહુ જ જરૂર છે ત્યાં એ આવી જાય છે. તમારે જરૂરત નથી, ત્યાં એ આવતો નથી. બહેન ભાઈના ઘરે પહોંચી ગઈ. જે અદ્રશ્ય શક્તિ હતી, એ વિદાય લીધી. પણ બેનની પાસે એક અનુભવ હતો, કે હું એકલી નહતી. એ મારી સાથે હતો. આ experience, આ અનુભવ તમારી પાસે છે? અને આ અનુભવ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે સહેજ પણ નિરાશ થવાના નથી.

જગન્નિયંતા, ત્રિલોકેશ્વર, અખંડ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મારી જોડે છે, પછી મારે નિરાશ થવાનું શું હોય? પ્રભુ બધું કરશે. હવે પેલો સંકેત તો મને મળ્યો, પણ હું rationalist, તો વિચાર્યું, ઓટોસજેશન હોય, પણ એ જ દિવસે સાંજે છ વાગે એક ભાઈ મારી પાસે આવ્યા. મને કહે સાહેબ! આ પુસ્તક તમે વાંચ્યું છે? મેં હાથમાં લીધું. મેં કહ્યું: ના, નથી વાંચ્યું. એ વખતે અંગ્રેજીમાં જેને Book Worm  કહેવાય, એવો પુસ્તકિયો કીડો હું હતો. મારા રસના સેંકડો, હજારો પુસ્તકો મેં વાંચી કાઢેલા. અને આ પુસ્તક મેં વાંચેલું નહતું. મેં કહ્યું; આ પુસ્તક મેં વાંચ્યું નથી. પેલો ભાઈ કહે; હું તમારા માટે જ લાવ્યો છું. મેં પુસ્તક આમ મુક્યું. આમ જોઉં તો કોઈ દેખાય નહિ. કોણ આપવા આવ્યું? તમે હજુ rationalist, હજુ બુદ્ધિવાદી છો. એ આવ્યો હશે એવું માનવા તમે તૈયાર નથી.

આ જ લયમાં આપણે ત્યાં અરિહંત અને આર્હન્ત્ય આ બે શબ્દો આવ્યા. અરિહંત પ્રભુ વિતરાગી થઇ સિદ્ધાવસ્થામાં ગયા, પણ આર્હન્ત્ય સક્રિય છે અત્યારે.. અને એ આર્હન્ત્ય જે છે એ શું કરે? જો કે પ્રશ્ન ખોટો છે… એ શું કરે એમ નહિ, એ શું ન કરે. તમારી કલ્પનામાં પણ ન હોય, એવું કાર્ય તમારા હાથે થાય. એ કરાવી આપે. આર્હન્ત્ય અદ્ભુત વસ્તુ છે. આપણે કોઈ સેશનમાં એની ચર્ચા કરીશું.

મેં એ પુસ્તક વાંચ્યું, તો જ્યાં હું ઉભો હતો, અને જ્યાં હું અટવાતો હતો, ત્યાંથી જ પુસ્તક શરૂ થયું. એ પુસ્તક પ્રમાણે હું ચાલ્યો. પુસ્તક પૂરું થયું. હવે આગળની કડી કઈ? મારે ક્યાં વિચારવાનું હતું? એને જોવાનું છે. લેશન થયું કે નહિ એની ખબર મમ્મા રાખે. દીકરાનું મન તો રમવામાં હોય. જ્યાં એ પૂરું થયું, એક ભાઈ મને મળવા માટે આવ્યા, મને કહે તમને યોગમાં રસ છે, માટે હું તમારી પાસે આવ્યો છું. તો મેં એમને પૂછ્યું; તમારી સાધના શું છે? તો એમણે પોતાની સાધનાની વાત કરી. હું જ્યાં અટકેલો આ પુસ્તકમાં, ત્યાંથી જ એમની સાધના શરૂ થતી હતી. મેં કહ્યું: વાહ! શું પ્રભુની અકળ લીલા છે.

અને આ રીતે પ્રભુએ મને યોગના શિખર ઉપર પહોંચાડી દીધો. તમારે શું જોઈએ છે એ નક્કી કરો. પ્રભુ પાસે પ્રાર્થના કરો, ok. વાત પુરી થઇ ગઈ. કેટલો સરળ માર્ગ છે. નક્કી કરો તમે, સાધનાના કયા પડાવે પહોંચવું છે, એ નક્કી કરો. પરમાત્માની કૃપા માટે આજે જ એ કરો. તમારી સાધના શરૂ થઇ જશે.

એક વર્તુળ છે. ભક્ત પ્રભુને ચાહે, પ્રભુ ભક્તને ચાહે. તો હેમચંદ્રાચાર્ય એ કહ્યું: વિતરાગ સ્તોત્રમાં, કે પ્રભુ, વર્તુળમાં સામ-સામે બે જણા છે. શરૂઆત મારે કરવાની હોય તો એ બરોબર નથી. કારણ કે મારી શરૂઆત બરોબર નહિ હોય. ઝંઝાવાતી નહિ હોય. પણ તારી બેટિંગ હશે તો ઝંઝાવાતી જ હશે. તું શરૂઆત કર. આ જે વર્તુળ છે, એ વર્તુળ સિંહ અણગારની કથામાં આપણને લઇ જશે. કે ભક્ત એક ડગલું આગળ વધે કે ન વધે, પ્રભુ એને બાહોમાં ઊંચકી લે.

ભગવદ્ગીતામાં બે પરસ્પર વિરોધી વચનો આવે છે, એક વચનમાં કહેવામાં આવે છે કે સાધનામાં તારે આગળ જવાનું છે. અને બીજામાં કહ્યું, કે તારે કશું કરવાનું નથી. પછી એનું conclusion એ આવ્યું, કે તું બસ, શ્રદ્ધાથી ભરેલા હૃદયે ઉભો રહે. પ્રભુ તને મળવા માટે આવશે. તને પ્રભુની દિશાનો ખ્યાલ નથી. કોઈ વાંધો નથી. એ દિશામાં ડગલાં ભર, પ્રભુ કઈ દિશામાં છે, અને પ્રભુ તને મળવા માટે આવશે. પણ એ વર્તુળની જે ધરી છે, એ ધરી છે શ્રદ્ધા. જેટલી શ્રદ્ધા તમારી વધારે મજબુત એટલું જ એ વર્તુળ ઝડપથી ચાલે. અને એક સક્રિયતા તમને મળે.

તો એક વાત આજની બરોબર યાદ રાખી લેજો, કે કોઈ પણ મુકામે, સાધનાના કે સંસારના, કોઈ પણ મુકામે થાકી જાવ, હારી જાવ એના શરણે જતા રહો. એને યાદ કરજો. નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી. એ સર્વ શક્તિમાન છે. અને સર્વ શક્તિમાન પરમાત્મા તમારા બધા જ દુઃખોને દૂર કરશે, એટલે જૈન તો ક્યારે પણ નિરાશ હોય જ નહિ. બરોબર… ‘જૈનમ જયતિ શાસનમ્’ એ બોલવાનું અને નિરાશ થવાનું બેય નહિ ચાલે હવે. જે એમ કહી દે, કે જિનશાસન જય પામે. તો જિનશાસન જય પામે છે તો તું પણ જય પામે છે. તારો પણ જય થઇ ગયો. બહુ મજાની વાતો છે ધીરે ધીરે આગળ જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *