વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : अंसुवन जल सींच-सींच
પ્રભુ! તું ક્યારે મને મળીશ? મારા અગણિત જન્મો તારા વગરના ગયા. આ જન્મ તારા વિનાનો જાય, એ હું કોઈ પણ રીતે સહન કરી શકું એમ નથી. હવે એક ક્ષણ પણ તારા વિના રહેવું મારા માટે અશક્ય છે! આવું વિરહ વ્યથાનું extreme point જે છે, એ જ પ્રભુ મિલનનું પ્રારંભ બિંદુ છે.
પ્રભુની પાસે તમે ગયા અને ભીના બન્યા; આંખોમાંથી આંસુ સર્યા: પ્રભુ! આરાધના કરું છું, સાધના કરું છું પણ અહંકાર આવે છે… એ આંસુ એટલા નીકળવા જોઈએ કે અહંકાર ભૂંસાઈ જાય. અહંકાર ભૂંસાઈ જાય એટલે અભિવ્રજ્યા મળે. અને અભિવ્રજ્યા મળે, પછી પ્રભુ મળે.
જે કંઈ સારું મારી પાસે છે એ પ્રભુ શાસનને ચરણે ધરી દઉં – આ શરૂઆતનું સમર્પણ. અને પ્રભુની નિશ્ચય આજ્ઞા છે કે તું તારા સ્વરૂપમાં સ્થિર થા; આ આજ્ઞાને સમર્પિત થવું એ સમર્પણનું શિખર બિંદુ.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૬
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત સવારે ઉઠતાં ત્યારે એમનો સંથારો literally નીચોવાય એટલો ભીનો થઇ જાય. પ્રભુ પ્રત્યેની અદ્ભુત ચાહત છે. પ્રભુ મળવા જ જોઈએ, મળવા જ જોઈએ, મળવા જ જોઈએ, અને મળતાં નથી. એ વખતે આંસુનો ધોધ આંખોમાંથી વરસી પડે છે.
પ્રભુ! તું ક્યારે મને મળીશ? અગણિત જન્મો મારા તારા વગરના ગયા. આ જન્મ તારા વિનાનો જાય, એ હું કોઈ પણ રીતે સહન કરી શકું એમ નથી. વિરહનું, વિરહ વ્યથાનું extreme point જે છે, એ જ મિલનનું પ્રારંભ બિંદુ છે. પ્રભુ મળે… અત્યારે મળે. Now and here. તમારી વિરહ વ્યથા અંતિમ બિંદુ ઉપર પહોંચી જાય, કે કોઈ પણ રીતે પ્રભુ તારા વિના હું રહી શકું એમ નથી. હવે એક ક્ષણ પણ તારા વિના રહેવું મારા માટે અશક્ય છે. આ ભૂમિકા જ્યારે ભક્તને મળે છે, ત્યારે એના પછી તરત જ જે અવસ્થા આવે છે એ પ્રભુ મિલનની અવસ્થા આવે છે. એટલે વિરહ વ્યથાનું અંતિમ બિંદુ એ જ મિલનનું પ્રારંભ બિંદુ છે.
વિરહ વ્યથા. પણ, એ વિરહ વ્યથા પણ સદ્ગુરુ દ્વારા આપણને મળેલી હોવી જોઈએ. એકલી વિરહ વ્યથા હશે તો કામ નહિ ચાલે. શું અગણિત જન્મોમાં પ્રભુ માટે આપણે નહિ રડ્યા હોઈએ? શું લાગે છે તમને? આ જન્મની વાત છોડો, અતિતની યાત્રામાં પણ જ્યારે જ્યારે કોઈ સદ્ગુરુ મળ્યા હશે, અને એમણે પ્રભુના મોહક ઐશ્વર્યની વાત કરી હશે, એ જ સમયે આપણે પ્રભુના પ્રેમમાં ડૂબ્યા હોઈશું. અને લાગલું જ થયું હશે, કે આ પ્રભુ વિના તો કોઈ પણ કાલે રહી શકાય નહિ.
ચોથા પંચસૂત્રમાં હરીભદ્રસૂરિ મ.સા. એ બે શબ્દો આપ્યા: અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. “સ એવં અભિપવ્વઈએ સમાણે સુવિહિ ભાવઓ કિરિઆ ફ્લેણ જુજ્જઈ” બે શબ્દો આવ્યા: અભિવ્રજ્યા, પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું એક સંમોહન, એવું આકર્ષણ થઇ જાય કે તમે પ્રભુ વિના એક ક્ષણ રહી શકો નહિ.
બહુ મજાની વાત હરીભદ્રસૂરિ ભગવાને અહીંયા કહી; કે અનંતા જન્મોની અંદર ઘણીવાર પ્રવ્રજ્યા લેવાઈ, દીક્ષા લેવાઈ. મોક્ષ કેમ ન મળ્યો? પ્રભુની આ પ્રવ્રજ્યા મોક્ષ આપ્યા વગર રહે નહિ. તમને શરૂઆતમાં મેં કહેલું કે પ્રભુની સાધના રાગ-દ્વેષને શિથિલ કર્યા વિના રહે નહિ. પણ તમારી સાધના પણ ચાલતી હોય, અને તમારો અહંકાર પણ ચાલતો હોય, તો તમારે વિચારવું પડે, કે ક્યાંક તમારી સાધના ખોટવાઈ ગઈ છે.
આપણી સાધના આ રીતે ખોળંગાઈ રહી છે, એનું દર્દ મહોપાધ્યાય યશોવિજય મહારાજાને થયું. અને એમણે આપણા વતી પ્રભુને પ્રાર્થના કરી: “તપ, જપ કિરિયા મોહ તોફાને; નાવ ન ચાલે માને રે”. તપ, જપ, મોહ મહા તોફાને… પ્રભુ! સંસારમાં હતો, અહંકાર મારી પાસે હતો. મારી પાસે આટલી સંપત્તિ છે. મારી આવી પ્રતિષ્ઠા છે. સંસારમાં હું હતો ત્યારે અહંકાર ભરપૂર મારી પાસે હતો. એ અહંકારથી જાતને મુક્ત કરવા માટે તારા માર્ગ ઉપર હું આવ્યો. મેં દીક્ષા લીધી. અહીંયા પણ તપ અને જપનો અહંકાર છે. શું શબ્દો વાપર્યા છે. “તપ, જપ, મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે” તપ કર્યો, એનો અહંકાર થયો. એ અહંકાર નું તોફાન એવું તો ઉપડ્યું, કે એમાં મારી સાધનાની નાવ શી રીતે ચાલે? તો સાધના કરીએ છીએ, અને અહંકાર થાય છે, તો જોવું પડે કે આપણે ક્યાંક ખોટા ચાલી રહ્યા છીએ.
સાધના કરીએ અને અહોભાવ વધતો જાય. એક નાનો દીકરો ૧૩-૧૪ વર્ષનો. માસક્ષમણનું ફોર્મ લેવા માટે આવેલો. મને નવાઈ લાગી, મેં કહ્યું: તું માસક્ષમણ કરવાનો? મને કહે: હા, હું કરવાનો. મેં કહ્યું: અટ્ઠાઈ થઇ છે? અટ્ઠમ કર્યો છે? મને કહે: એક ઉપવાસ પણ કર્યો નથી હજુ સુધી. પણ તમે તો સાહેબ કહો છો, કે પ્રભુને પ્રાર્થના કરો એટલે માસક્ષમણ થઇ જાય. એટલે મેં પ્રભુને પ્રાર્થના કરી દીધી છે અને મારું માસક્ષમણ થઈ જવાનું.
સાધનામાં જેમ-જેમ તમે આગળ વધશો તમારો અહોભાવ વધતો જશે. અહીંયા અત્યારે બેઠો છું. એક ક્ષણ, એક સેકન્ડ મારી એવી નથી જતી જે અહોભાવ વગરની હોય. સતત આંખો ભીની રહે છે. સતત હૃદય ભીનું રહે છે. કે પ્રભુએ મને કેવું વરદાન આપ્યું.
મેં દીક્ષા લીધી, ૧૧ વર્ષની ઉંમરે. ત્યારે દીક્ષા એટલે શું એ પણ મને ખબર નહતી. આઠ વર્ષની ઉંમરે ટાઈફોઈડ થયેલો. અમારા ગામમાં મેડીકલ સર્વિસ બરોબર નહિ. બાજુના town ખારા-ઘોડા માં મને મુકવામાં આવ્યો. સાત અઠવાડિયા ગયા, ટાઈફોઈડ મચક ન આપે. તાવ નીચે ન ઉતરે. શરીર હાડપિંજર જેવું થઇ ગયું. એ વખતે માઁ ની આંખમાં આંસુ. મારી જન્મદાત્રી માઁ ની આંખમાં આંસુ. એમને થયું; કે દીકરો રહેશે કે જશે… સાત-સાત અઠવાડિયા થઇ ગયા, તાવ મચક આપતો નથી. શું થશે? માઁ પ્રભુની ભક્ત હતી. એ જ વખતે માઁ એ પ્રભુને પ્રાર્થના કરી, કે પ્રભુ! આ દીકરો મારો જીવી જાય તો તારો.
હું ઘણીવાર બહેનો જોડે એક હિસાબ કરું. એક દીકરો હોય તો ચાલો તમારો. બે હોય તો ૫૦-૫૦. હમણાં ભવ્યનું મુહુર્ત નીકળ્યું દીક્ષાનું, ભવ્ય એના માત-પિતાનો એકનો એક દીકરો છે. અને એકના એક દીકરાને માત-પિતા પ્રસન્નતાથી પ્રભુ શાસનને સમર્પિત કરી દે છે. આ સમર્પણ એ જ જિનશાસન છે. સમર્પણથી જ જિનશાસનનો, જિનશાસનની સાધના પદ્ધતિનો પ્રારંભ થાય છે. અને સમર્પણ એ જ પ્રભુ શાસનની સાધના પદ્ધતિનું શિખર બિંદુ છે. પહેલા સમર્પણનો તમને ખ્યાલ છે. કે જે કંઈ સારું મારી પાસે છે એ પ્રભુ શાસનને ચરણે ધરી દઉં. વર્ષે કરોડો નહિ, અબજો નહિ, ખર્વ અને નીખર્વ ની સંપત્તિ તમે લોકો પ્રભુ શાસનને ચરણે ધરો છો.
આ સમર્પણથી પ્રભુશાસનની સાધનાનો પ્રારંભ થાય છે. અને સાધનાનું શિખર બિંદુ કયું? પ્રભુના વચનો છે: તું તારા સ્વરૂપમાં સ્થિર થા! એ પ્રભુની નિશ્ચય આજ્ઞાને આપણે સમર્પિત થઈએ એ સમર્પણનું શિખર બિંદુ. તમારી પાસે પહેલું સમર્પણ છે, અને બીજું સમર્પણ આવી જવાનું છે. બરોબર ને… પહેલું સમર્પણ છે, કરોડો રૂપિયા તમે અબજો રૂપિયા તમે પ્રભુ શાસન માટે ખર્ચી શકો છો. કોમર્સિયલ માઈન્ડવાળા તમે, દીકરાએ ઉપધાન કર્યું છે, ઉપધાનની માળા પહેરાવવાની છે, અને પહેલી માળ પહેરે, સાડા દસ વાગે આવે, પંદરમી માળ પહેરે તો પોણા અગ્યાર વાગે આવે. તમે કોમર્સિયલ માઈન્ડ વાળા દીકરાને કહેતાં નથી કે બેટા! આમાં બહુ ફરક પડતો નથી, પા કલાકનો જ ફરક પડવાનો છે. પંદરમી માળ તારી લઇ લઈશું. નહિ, ત્યાં તમારી પાસે કોમર્સિયલ માઈન્ડ છે જ નહિ. ત્યાં total surrender mind તમારી પાસે છે. અને મારી દ્રષ્ટિએ આ total surrender તમારી પાસે આવ્યું; એટલે ૧% તમારો થયો. ૯૯% પ્રભુના થયા, ૧૦૦% નું result તમને મળી ગયું. એક માત્ર સમર્પણ. મને જે મળ્યું છે, એ પ્રભુની કૃપાથી મળ્યું છે. અને પ્રભુની ભક્તિમાં મારે એને વાપરવું છે.
તો બે શબ્દો હરીભદ્રસૂરિ મ.સા. આપે છે. અભિવ્રજ્યા, પ્રવ્રજ્યા. પહેલાં પ્રવ્રજ્યા નહિ. પહેલાં સંસાર છોડવાનો નથી. પહેલા અભિવ્રજ્યા. પરમાત્માનો, એની આજ્ઞા પ્રત્યેનો અવિહડ પ્રેમ. કે પ્રભુ! અનંતા જન્મો તારી આજ્ઞાના પાલન વિના નીકળ્યા હશે, આ જન્મમાં તો મારે માત્ર અને માત્ર તારી આજ્ઞાનું પાલન કરવાનું છે. અને એ અભિવ્રજ્યા આવી ગઈ, પછી જે પ્રવ્રજ્યા આવશે, કેટલી મજાની હશે. એક જ વાત, આમાં પ્રભુની આજ્ઞા છે કે નહિ…
દશવૈકાલિક સૂત્રમાં એક સરસ સંવાદ ગુરુ-શિષ્યનો આપ્યો છે. આમ તમે પણ temporary શિષ્ય જ ગણાવો ને આમ, પરમેનેન્ટમાં નહિ પણ, temporary તો ખરા ને? એમાં તો હા પાડો પણ. તો ગુરુ-શિષ્યનો સંવાદ છે; “કહં ચરે, કહં આસે” શિષ્ય પૂછે છે; પંચાવન વર્ષની વયે કદાચ જેણે દીક્ષા લીધી છે, એવો શિષ્ય પૂછે છે ગુરુને; “કઈ રીતે ચાલવું?, કઈ રીતે બેસવું?, કઈ રીતે ખાવું?, કઈ રીતે સુઈ જવું?” તમે બાજુમાં હોવ તો તમને શું થાય? અરે આમાં કંઈ પૂછવાની વાત છે? હાથથી ખાવાનું, પગથી ચાલવાનું, આ પંચાવન વર્ષની ઉંમરના મ.સા. ગુરુને પૂછે છે, કે શી રીતે ચાલવું?, શી રીતે ખાવું?, શી રીતે સુઈ જવું?, શી રીતે બેસવું? પણ, એ પંચાવન વર્ષના શિષ્ય એટલા માટે પૂછે છે કે, ગુરુદેવ! એવું કંઈ રીતે ખાવું, કે પાપકર્મનો બંધ ન થાય. પ્રભુની આજ્ઞાનું પાલન થાય. એવું કઈ રીતે ચાલુ કે પ્રભુની આજ્ઞાનો ભંગ ન થાય.
મુંબઈ ગોવાલિયા ટેંક સંઘમાં આ જ રીતે સવારની વાચના શ્રેણી ચાલતી હતી. એકવાર મેં વાચનામાં કહ્યું; કે ઈર્યાસમિતિ તમે પાળો. જોઇને તમે ચાલો તો કેટલા બધા લાભ તમને મળે. મેં કહેલું; કે ઈર્યાસમિતિ પૂર્વક તમે ચાલો એટલે પ્રભુની આજ્ઞાનું પાલન થાય. બીજું દ્રષ્ટિ સંયમ મળે, આંખ એક જ focus માં બરોબર તણાયેલી રહે. અને ત્રીજી વાત વિચારો બિલકુલ હટી જાય.
હું ઘણીવાર કહું છું ને અમને આમ નિરુપદ્રવી શ્રોતાઓ ઘણા મળે. ઉપદ્રવી શ્રોતાઓ કેવા હોય? સાંભળે, સાંભળ્યા પછી પ્રેક્ટીકલ ફોર્મમાં સાધનાને મુકે. અને પહેલીવાર મુકે પ્રેક્ટીકલ ફોર્મમાં. ત્યારે થોડીક અસુવિધા થવાની જ છે. એટલે તરત દોડતો ગુરુ પાસે આવે. સાહેબ! આમ કર્યું પણ આમ ફાવ્યું નહિ. પણ નિરુપદ્રવી શ્રોતા હોય ને તો ગુરુને મજા. સાંભળ્યું, જઈને સુઈ ગયા. ફરી કાલે સાંભળશું. ફરી સુઈ જઈશું.
સુરતની અંદર તો મારે ઉપદ્રવી શ્રોતાઓ જોઈએ છે. થીયરીકલ ફોર્મની અંદર જે વાત અહીંયા મુકાય એને પ્રેક્ટીકલ ફોર્મની અંદર ફેરવવાની કોશિશ કરો. ગઈ કાલે વર્તુળની વાત કરેલી. ભક્ત પ્રભુને ચાહે! પ્રભુ ભક્તને ચાહે! વર્તુળ થઈ ગયું. અને એ વર્તુળ ઝડપથી ચાલ્યા જ કરે પછી. પ્રભુની બાજુથી કામ ચાલુ જ છે. પ્રભુ તમને ચાહી જ રહ્યા છે. તમે નરક અને નિગોદમાં હતા, હું પણ નરક અને નિગોદમાં હતો, ત્યારે પણ પ્રભુ મને ચાહતા હતા. અને પ્રભુની એ ચાહત, પ્રભુનો એ પ્રેમ, પ્રભુની એ કૃપા મને અહીં સુધી લઇને આવ્યા. મારું કશું જ નથી. માત્ર બધું પ્રભુનું જ છે. આપણે કરી-કરીને શું કરીએ? રાગ અને દ્વેષમાં લપેટાયેલા આપણે. આપણે કરી-કરીને શું કરીએ? પણ પ્રભુ કરે ત્યારે…. તો પ્રભુ તરફથી પ્રેમ ચાલુ છે. અનુભવ થાય છે આમ? પ્રભુ મને ચાહે છે! આ અનુભવ થાય છે? હમણાં ચા પીશો. તરત જ અનુભવ થશે. યા તો ટેસ્ટી છે… અને ખાંડ બરોબર ન હોય તો? સીધો ત્યાં હુમલો. તમારે બીજું કંઇ કામ કરવાનું હોતું નથી. ખાલી રસોઈ કરવાની. એમાંય ઠેકાણું નહિ. ચા તો જો કેવી બનાવી છે? યા તો ચા સારી છે એવો અનુભવ થાય. યા તો ચા ખરાબ છે એવો અનુભવ થાય. પણ અનુભવ થાય ને?
એવી રીતે પ્રભુના પ્રેમનો અનુભવ થયો? હું એ વાત કરતો હતો કે પ્રભુના પ્રેમને એક-એક ક્ષણે હું માણી રહ્યો છું. સતત આનંદમાં. કારણ… પ્રભુએ મને આટલું બધું આપ્યું! મારા જેવા નાચીજ માણસને પ્રભુએ પોતાની સાધના આપી, પોતાનું શ્રામણ્ય આપ્યું, આ પ્રભુના ઋણમાંથી મુક્ત કઈ રીતે થઈશ? ચોવીસે ચોવીસ કલાક. એક-એક ક્ષણ, તમે અપ્રમત્ત રહો. પ્રભુની આજ્ઞાનું પાલન કરો, તો જ તમે પ્રભુના ઋણમાંથી મુક્ત બની શકો.
પેલી સભામાં મેં વાત કરી; કે ઈરીયાવાહિયા પાલનથી શું થાય. ૧૫ દિવસ પછી એક ભાઈ મળવા માટે આવ્યા બપોરે. એમણે કહ્યું; કે સાહેબ! ઈર્યાસમિતિ વાળી વાત. માર્વેલસ, અદ્ભુત્ત હતી. ઓફિસે તો હું કારમાં જાઉં છું. પણ મેં નક્કી કર્યું કે મારું ઘર ઉપાશ્રયની બાજુમાં જ છે. તો ઘરેથી ઉપાશ્રય ચાલતા આવું ત્યારે ઈર્યાપૂર્વક જ એક-એક ડગ ભરાવવો જોઈએ. એ કહે; સાહેબ! નિર્વિકલ્પ થવા માટે, નિર્વિચાર થવા માટે, કેટલી-કેટલી મહેનત મેં કરેલી પણ હું નાપાસ થયેલો. અને ઈર્યાસમિતિનું પાલન. ખાલી ૧૦-૧૦ મિનિટનું અને એ પાલને મને આ રીતે નિર્વિકલ્પદશામાં મૂકી દીધો.
શું પ્રભુની સાધના છે… તો અહીંયા બેઠા-બેઠા સતત આનંદ જે આવે છે મને. એનું કારણ આ જ છે કે, પ્રભુએ આટલું બધું અદ્ભુત્ત મને આપી દીધું. હા, વિષાદ, ખેદ જરૂર ક્યારેક થાય કે, પ્રભુએ આટલું બધું આપ્યું, છતાં હું સમ્યગ્ રીતે એનું પાલન નથી કરી શકતો. પ્રભુ મળે – અભિવ્રજ્યા, પ્રભુની પ્રાપ્તિ. પ્રવજ્યા – પ્રભુના શ્રામણ્યની પ્રાપ્તિ.
પ્રભુ શી રીતે મળે? મીરાંને કો’કે પૂછેલું, કે તું નાનકડી દીકરી. તને પ્રભુ ક્યાંથી મળી ગયા? જેણે પૂછ્યું એની ઈચ્છા પ્રભુ મિલનની હતી. તો એને થયું કે, મીરાં જેટલી નાનકડી છોકરી એ પ્રભુને પામી શકે. ટેકનીક શું છે? તો મીરાંને પૂછ્યું; કે તને પ્રભુ કઈ રીતે મળ્યા? સાચું કહેજો; ગામડા ગામમાં સામાન્ય દુકાનમાં રહેલો માણસ. સુરત આવે. અને ફટાફટ નવો ફ્લેટ લઇ લે. નવી ઓફીસ, કરોડો રૂપિયાનો માલિક થઈ જાય, તમને જાણવાની ઈચ્છા થાય ને? કે આજે આતે કર્યું શું? પણ કોઈ મ.સા ને પૂછવા ગયા કે સાહેબ એવું થયું શું કે પ્રભુએ તમને સિલેક્ટ કર્યા અને અમને સિલેક્ટ નહિ કર્યા. ગયા પૂછવા? પેલો ભાઈ મીરાંને પૂછે છે; કે તું નાનકડી દીકરી, તે એવું તો શું કર્યું કે પ્રભુ તને મળી ગયા… ત્યારે મીરાંએ કહેલું “અંસુઅન સીંચ સીંચ, પ્રેમ બેલી બોઈ”. આંસુના ઘડે-ઘડા ઠાલવ્યા છે, ત્યારે પ્રભુ મળ્યાં. પેલાને ખરેખર પ્રભુ જોઈતા હતા. એણે કહ્યું; ચાલો આંસુઓના ઘડે-ઘડા પ્રભુને આપી દઈએ. કેટલા ઘડા બોલો? કેટલા ઘડા આંસુઓથી પ્રભુ રિઝે? એ વખતે મીરાંએ કહ્યું; કે જેટલા ઘડા આંસુથી તમારો અહંકાર ભૂંસાઈ જાય, વિલુપ્ત થઈ જાય, એટલાં જ આંસુની જરૂર છે. એ પછી વધારાનો એક પણ અશ્રુ બિંદુ જોઈતું નથી.
આજનો ક્રમ સમજાયો? પ્રભુ પાસે ગયા. આંખોમાંથી આંસુ સર્યા. પ્રભુ આરાધના કરું છું, સાધના કરું છું, પણ અહંકાર આવે છે. એ આંસુ એટલા નીકળવા જોઈએ કે અહંકાર ભૂંસાઈ જાય. અહંકાર ભૂંસાઈ જાય એટલે અભિવ્રજ્યા મળે. અને અભિવ્રજ્યા મળે પછી પ્રભુ મળે. તો આંસુથી શરૂઆત કરવાની છે. પ્રભુ આ રહ્યાં. ક્યાં દુર છે, પ્રભુ દુર છે જ નહિ.
એક ફિલોસોફર કહેલું; HE IS CLOSER TO ME. નહિ, મારી જાત કરતાં પણ, મારા નામ કરતાં પણ, વધુ નજીક મારા ભગવાન છે. તો તમારા માટે આજે બહુ સહેલી વાત કરી. ગઈ કાલે પ્રાર્થનાની વાત કરેલી. આજની વાત આંસુની છે. પ્રભુની પાસે ગયા. ખરેખર ભીના તમે બન્યા, શરૂઆત થઇ ગઈ મજાની. જિનશાસન મળ્યું, આટલા સરસ એરિયામાં રહેવાનું મળ્યું, હું તો પહેલાથી જ પાલને પાલીતાણા કહું છું. અત્યારે તો પાલીતાણા જ છે… White and white. તમે પણ બધા white and white માં છો. આ કઠેડો કાઢી નાંખીએ તો શું થઇ જાય… બોલતા નથી. સાહેબ! અમને પ્રમોશન મળી જાય સીધું.
તો જે બહારનું કામ હતું એ થઇ ગયું છે. હવે આપણે અંદર ઉતરવું છે. એ અંદર ઉતરવા માટે શરૂઆત આંસુથી કરવી પડશે. મહારાજ સાહેબને જોયા, ભીની આંખો. ક્યારે મને આ ચારિત્ર મળશે? કોઈ ક્રિયા કરતુ હોય, એને જુઓ અને અંદર આંસુનો સમંદર છલકાય. તો આંસુનો સમંદર ચાર રીતે છલકાઈ શકે છે. આંતરયાત્રામાં સૌથી પહેલા શું જોઇશે? આંસુ. અને એ આંસુઓનો સમંદર ઉછળે, લહેરાય, એની પાછળના ચાર કારણો છે. એ ચાર કારણ દ્વારા તમારો ભીતરનો દરિયો લહેરાય છે. એ ચાર કારણો કયા? એની વાત અવસરે.