વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શબ્દ પરમાત્મા
સાધનાના પાંચ ચરણો. શ્રેષ્ઠ શુભ નિમિત્તો મળવા – એ પહેલું ચરણ. નિમિત્તોના મળવાથી conscious mind ના સ્તરે આનંદ થવો – એ બીજું ચરણ. ત્રીજા ચરણે નિમિત્તોને એકદમ ઊંડાણથી જોવાની દ્રષ્ટિ મળે છે. એના કારણે જે અસ્તિત્વના સ્તરનો આનંદ ભીતર છલકાય – એ ચોથું ચરણ અને પાંચમા ચરણે અસ્તિત્વના સ્તરની સાધના.
પહેલા ચરણમાં એવા વિશિષ્ટ સાધનો મળે કે જે આપણને અહોભાવમાં, સામાન્ય આનંદમાં, conscious mind ના level ના સુખમાં લઇ જઈ શકે. આપણી આનંદની સૃષ્ટિ, અહોભાવની એ સૃષ્ટિને ઊભારવા માટે આપણને ચાર પરમાત્મા મળ્યા: શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા.
શબ્દ પરમાત્મા. પ્રભુના શબ્દો: તું ઘટના ઉપર સારા / ખરાબનું label લગાવે છે. પણ કોઈ પણ ઘટના સારી નથી કે ખરાબ નથી; ઘટના માત્ર ઘટના છે. જેમ ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે; તેમ એ ઘટનાના કારણે તું પીડામાં ન જાય એ રીતે એનું પૃથક્કરણ કરવાની સ્વતંત્રતા તને પણ છે!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૭
અતીતની યાત્રામાં ક્યારેક તો આપણે પભુના સમવસરણમાં ગયા હોઈશું.. યાદ આવે છે? હું અને તમે, આપણે બધા પ્રભુના સમવસરણમાં જઈ આવ્યા છીએ. ક્યારેક ભક્તિને વશ સમવસરણમાં ગયા ત્યારે મીઠી મૂંઝવણ હૃદય પર સવાર હતી. મૂંઝવણ એ હતી, કે પ્યારા પ્યારા પ્રભુને જોવા કે એમના શબ્દોને સાંભળવા? તમે કહેશો આમાં શું વાંધો આવે? પ્રભુનું રૂપ જોવાય પણ ખરું, પ્રભુના શબ્દો સંભળાય પણ ખરા.. પણ ના! ઇન્દ્રિયોની ચેનલમાં એક નિયમ છે કે તમારે કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં, ઊંડાણમાં જવું હોય તો એ વખતે તમે એક વખતે એટલો જ ઉપયોગ રાખી શકો છો. મારી વાચનાઓમાં મેં ઘણા શ્રોતાઓને જોયા છે, સુખાસને કે વિરાસને બેઠેલા હોય, આંખો બંધ હોય અને સદ્ગુરુના મુખેથી પ્રભુના જે શબ્દો વહી રહ્યા છે, એને એ સાંભળતો હોય.
તો આપણે પણ સમવસરણમાં ગયા, મૂંઝવણ આ થઇ કે પ્રભુને જોવા કે પ્રભુને સાંભળવા..? એક બાજુ પ્રભુનું રૂપ! “કોટિ દેવ મિલકર ન કર સકે, એક અગુંષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો” કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠો કરે, તો પણ પ્રભુના ચરણના અંગુઠા જેટલું એ રૂપ થતું નથી! ત્યારે વિચારો એ રૂપ કેવું હશે !
રૂપની extreme point..! ઇન્દ્રાણી માઁ આ જ પ્રભુના રૂપ પર તો મોહાઈ ગયેલા. મેરૂ પર્વત ઉપર પ્રભુ મહાવીર દેવનો જન્માભિષેક. અભિષેક પછી ઇન્દ્રાણી માઁ એકદમ સરસ મજાના વસ્ત્રથી પરમાત્માના દેહને લુછી રહ્યા છે; એકદમ નજીક પરમાત્મા આવે.. એ વખતે બહુ મજાની એમને અનુભૂતિ થઇ; એ અનુભૂતિની વાત સ્નાતસ્યા સ્તુતિની પહેલી સ્તુતિમાં છે. ઇન્દ્રાણી માઁ પ્રભુને જોઈ રહ્યા છે, હાથ પ્રભુના શરીરને લૂછવાનું કામ કરે છે, આંખો પ્રભુને જોઈ રહી છે… એ વખતે આંખો ભીની ભીની બને છે, ઇન્દ્રાણી માઁ ની; પણ, એ ભીનાશનું પ્રતિબિંબ પ્રભુના ચહેરા ઉપર પડ્યું. ભીની છે ઇન્દ્રાણી માઁ ની આંખો; પણ, ઇન્દ્રાણી માઁ ને લાગે છે, કે પ્રભુનો ચહેરો ભીનો છે, ભીનો છે, લૂછ્યા કરે છે!
“વક્ત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ” તો રૂપનું extreme point પરમાત્મા. સમવસરણમાં એમને જોવાનો અવસર આવ્યો અને એમના અદ્ભુત શબ્દોને સાંભળવાનો પણ અવસર મળ્યો. તો મૂંઝવણ એ થઇ, કે કઈ ઇન્દ્રિયમાં મનને કેન્દ્રિત કરવું? ઇન્દ્રિય તો ખાલી કેમેરાના લેન્સ છે. આપણી આંખના ડોળા, એ માત્ર કેમેરાના લેન્સ છે; એ લેન્સ અંદર માહિતી પહોંચાડે. એ માહિતીને જોયા પછી સામેની વ્યક્તિ કે સામેનો પદાર્થ સારો છે કે ખરાબ… એ નક્કી કરનાર આપણું મન હોય છે. તો મન એક વખતે એક વિષયમાં focus થશે. તો પ્રભુને જોવા કે પ્રભુને સાંભળવા? ઉકેલ શું આવે..? દેખીતી રીતે વીડિઓ વિઝન, અને ઓડિયો વિઝન બેઉ ચાલુ હોય, તો માણસની નજર વિડિયો વિઝન ઉપર વધુ આકર્ષિત થવાની, એમ એ વખતે પ્રભુનું રૂપ જોવાયું, પ્રભુના પ્યારા પ્યારા શબ્દો છૂટી ગયા.
અત્યારે એવો એક અનુભવ થવો જોઈએ, કોઈ પણ મહાપુરુષ બોલતા હોય ત્યારે, કે સમવસરણની અંદર જે શબ્દો છૂટી ગયેલા હતાં, એનું અનુસંધાન હું કરી દઉં. કોઈ પણ મહાપુરુષને પોતાના ઘરની વાત કહેવાની હોતી નથી; પ્રભુની જ વાત કહેવાની છે.
અમેરિકામાં એક બહુ સારા પ્રવચનકાર હતાં. એમનું નામ પડે ને auditorium છલકાઈ જાય. પાલનો અનુભવ મારે આના પછીના ચોમસામાં કહેવો પડશે હો… આજે મેં પૂછ્યું કે સવારે તો આપણે વિધિ કરી, માસક્ષમણ ઉચરાવવાની, લોકો પોણા સાત આસપાસ તો અહીંથી છુટેલા હતા, મેં કહ્યું; auditorium પેક છે કે નથી પેક…? મને કહે, પેક થઇ ગયું.. એ તો કહે ! એટલે આ તમારી શ્રવણ રૂચિ બતાવે છે; પણ, આ જ શ્રવણ રૂચિ ઉપર મારે તમને અંદર લઇ જવાના છે.
આજથી આપણે એક પંચસુત્રીય સાધનાની વાત કરી રહ્યા છીએ. આપણે હો..! માત્ર મારે કરવાની એમ નહિ! તમારે ભેગી કરવાની.. પાંચ સુત્રો છે, પાંચ ચરણો… પહેલું ચરણ એ કે મહાપુરુષોને જોઈએ, પ્રભુને જોઈએ; ભીતર આનંદ છલકાય. તો એ જે સામગ્રી મળી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એ પહેલું ચરણ. એના દ્વારા તમને જે આનંદ મળ્યો એ બીજા ચરણમાં. પણ એ આનંદ conscious mind ના લેવલ ઉપર છે. આપણે એથી આગળ જવાનું છે. તમે પણ ત્યાં અટકી ગયા છો. conscious mind ના લેવલ ઉપર તમારી સાધના અટકી ગઈ છે. આપણી સાધનાને જન્માન્તરો સુધી લઈ જવી હોય તો આપણી સાધના કેવી જોઇશે? અસ્તિત્વના સ્તર પર ગયેલી, માત્ર conscious mind ના લેવલ ઉપર ગયેલી સાધના જન્માંતરોની અંદર આપણને વિષય-કષાયને પેલે પાર નહિ લઇ જઈ શકે. એટલે બીજા ચરણમાં આનંદ થાય છે; પણ, એ conscious mind ના લેવલ પરનો છે.
ત્રીજા ચરણે નિમિત્તો એ જ છે… પણ, એને એકદમ ઊંડાણથી જોવાની એક દ્રષ્ટિ મળી. ઉપાધ્યાય યશોવિજય મહારાજ પ્રભુનું દર્શન એક સામાન્ય સાધકને કરાવશે, ત્યારે શું કહેશે… “જગજીવન જગવાલહો” અને દેવચંદ્રજી મહારાજ ઊંચકાયેલા સાધકને પ્રભુનું દર્શન કરાવશે, કઈ રીતે? “દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો હો લાલ” સમાધિ રસથી ભરપૂર પ્રભુનું દર્શન..! એટલે નિમિત્ત એ જ હતું. પણ, સદ્ગુરુ દ્વારા તમારી દ્રષ્ટિમાં ઊંડાણ આવ્યું. એટલે તમારી દ્રષ્ટિમાં ઊંડાણ આવ્યું એ ત્રીજું ચરણ. એના કારણે જે આનંદ ભીતર છલકાય છે, એ અસ્તિત્વના સ્તરનો આનંદ છે. અને પાંચમાં સ્તરે છે અસ્તિત્વના સ્તરની સાધના.
તો આપણે ક્રમસર એક-એક પગથિયાં પર ચડવાનું છે. પાંચ જ પગથિયાં છે હો.! ગિરિરાજના તો ૩૬૦૦ લગભગ પગથિયાં છે. અહીંયા ખાલી પાંચ પગથિયાં.. મારી સાથે ચડવાનું.. તૈયાર?
તો પહેલું ચરણ : વિશિષ્ટ એવા સાધનોનું મળવું કે જે આપણને અહોભાવમાં, સામાન્ય આનંદમાં, conscious mind ના લેવલના સુખની અંદર લઇ જઈ શકે. પેલા પ્રવચનકાર એટલી સરસ રીતે વાતો કરતાં કે નામ પડે auditorium pack થઇ જાય. પણ, એ પ્રવચન શરૂ કરે; ત્યારે ડાબો હાથ ઉંચો કરે, પ્રવચન પૂરું થાય; એટલે જમણો હાથ ઉંચો કરે. એકવાર એમના એક મિત્રએ પૂછ્યું કે તમે આ શું કરો છો? આ બાજુ હાથ ને આ બાજુ હાથ…? એ વખતે એ પ્રવચનકારે કહ્યું કે મારે મારા તરફથી એક પણ શબ્દ બોલવાનો નથી; બધા જ શબ્દો પ્રભુના છે. કોઈ વાર્તામાં કે ગમે ત્યાં ફલાણા એ આમ કહ્યું, પછી શું આવે….? ઉદ્ધરણ ચિહ્ન આવે; કે એ શબ્દો મારા નથી, એ શબ્દો પેલાના છે. એમ એ પ્રવચનકાર કહે છે કે આ ઉદ્ધરણ ચિહ્ન હું દોરું છું, જેથી કરીને એક કલાકનું મારું પ્રવચન, પણ એનો એક પણ શબ્દ પ્રભુની આજ્ઞાની બહાર ન જાય.
તો આપણી આનંદની સૃષ્ટિ અહોભાવની સૃષ્ટિને ઉભારવા માટે, આપણને ચાર પરમાત્મા મળ્યા; રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા.
આ પહેલું ચરણ- શબ્દ પરમાત્મા. પ્રભુનો શબ્દ વાંચો, સાંભળો, મનની હાલત શું હોય? શું હાલત હોય મનની..? મારા પ્રભુના શબ્દો…! મારા પ્રભુએ મારા માટે કહ્યું ! Personally for me..! આચારાંગ સૂત્ર વાંચીએ તો એમાં કેટલાય સુત્રો આપણી દ્રષ્ટિ સામે આવે, જેને વાંચતા લાગે, કે પ્રભુએ personally for me, personally for us આ સુત્રો લખ્યા છે.
કેટલો પ્રેમ..! પ્રભુના શબ્દોની અંદર આચારાંગમાં જે પ્રેમ વહી આવ્યો છે, એની કલ્પના ન થાય.. પ્રભુએ આપણા ઉપર એક શ્રદ્ધા મૂકી છે કે મારી ચાદર જેણે ઓઢેલી હોય, એ કેવો હોય.. પ્રભુને પૂછીએ તો; કે પ્રભુ! તમારી ચાદર જેને ઓઢી હોય એ કેવો હોય? પ્રભુએ આખું વર્ણન આપ્યું; આવો મારો સાધુ હોય..
ઉત્તરાધ્યયન સૂત્રમાં તો આખું અધ્યયન આવ્યું, “स भिक्खू” (સ એવ ભિક્ખુ). આ જ મારો ભિક્ષુ છે. “जो कसिणं अहिआसए स भिक्खू” જે બધે-બધાનો સ્વીકાર કરે છે; એ મારો ભિક્ષુ છે! સારું હોય તો acceptance; ખરાબ હોય તો rejection. આ ડાયમંડવાળા માટે… કેમ? હીરો સારો હોય તો accept કરવાનો; નબળો હોય તો reject કરવાનો. પ્રભુ કહે છે, કોઈ પણ ઘટના ખરાબ નથી, ઘટના, ઘટના છે.! તું એના ઉપર લેબલ લગાવે છે- આ ઘટના સારી, આ ઘટના ખરાબ. હું ઘણીવાર એક વાત કહું છું, ઘટનાને ઘટિત થવાની પુરી સ્વતંત્રતા છે. ગમે ત્યારે ઘટી જાય. આપણે ચાલતા હોઈએ, નીચે લપસણી ભૂમિ નથી તો ય સ્લીપ થઈને પડી જઈએ. ઘટના કોઈ પણ સમયે ઘટિત થઇ શકે છે. તો ઘટનાને ઘટવાનો અધિકાર છે. તો એ ઘટનાનું પૃથક્કરણ કેમ કરવું એનો અધિકાર મારી પાસે ખરો કે નહિ?
લોકમાન્ય તિલક રાજનેતા તો હતા જ.. ધાર્મિક ક્ષેત્રે પણ બહુ જ ઊંડા ઉતરેલા હતા. બ્રિટીશરોએ જેલમાં નાંખ્યા, તો જેલમાં રહ્યા – રહ્યા, ભગવદ્દગીતા ઉપર પુસ્તક લખી દીધું! એ વખતે કોંગ્રેસમાં બે ભાગ હતા, ઉદ્દામ અને મવાડ. એ વખતના છાપા, newspapers તિલક ઉપરની ગાળોથી ભરાઈને આવે. ‘તિલક હરામખોર છે’ આવું એક નેતાએ કહ્યું. ‘તિલક ચોર છે’ આવું કો’કે કહ્યું. આવી ગાળોથી ઉભરાઈને છાપા આવી રહ્યા છે. એક સવારે તિલક ગરમ ગરમ ચા પીતા હતા. છાપા પણ બધા બાજુમાં જ હતા. અને એક-એક છાપાની હેડીંગમાં તિલક જ તિલક; બીજું કઈ નહિ. ત્યાં એક મિત્ર આવ્યો એનો, મિત્રએ જોયું છાપા બધા, મિત્ર કહે છે; અમે તમારા હિતચિંતક, અમે આ હેડિંગ્સ વાંચીએ છીએ, અમારું લોહી ઉકળી જાય છે.. કે તમારા જેવા માણસ માટે આવી ગાળો! તો તમે આ પથારો પાથરીને શું બેઠા છો? તિલક હસ્યા; એમણે કહ્યું, ચા-નાસ્તો કરીને આવ્યો? તો કહે, કે હા. વાંધો નહિ; ચા તો આપણે ગમે ત્યાં ચાલતી જ હોય છે. વેવાઈને ત્યાં જાવ એટલે અડધી-અડધી ચાલ્યા જ કરે. ચા આવી ગરમ. થોડી તિલકે પીધી, થોડી પેલો પી લે છે. એ વખતે લોકમાન્ય તિલકે એને પૂછ્યું, આજે શેનો નાસ્તો કર્યો? તો કહે કે પૌઆનો કર્યો. તો કહે, કે જો, તમે લોકો છો ને ચા ની સાથે ગરમ ગરમ પૌઆનો નાસ્તો કરો; હું ચા ની સાથે ગરમ ગરમ ગાળોનો નાસ્તો કરું! મારો નાસ્તો આ છે! ક્યારેક કોઈ પણ છાપામાં હેડ લાઈન પર મારું નામ ન હોય ને તો મને મજા નથી આવતી. આ શું થયું? ઘટના ઘટી તો ઘટી; પણ, ઘટનાને કઈ રીતે જોવી એ તમારે નક્કી કરવાનું.
મયણાસુંદરી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરી ચુકેલી. એટલે ઘટનાઓનો અભ્યાસ એ કરી શકે છે. પિતા એને કોઢિયા પતિ સાથે પરણાવે છે. એક મિનિટ જેની સાથે બેસી ન શકાય. માખીઓથી જેનું શરીર બણબણી રહ્યું છે, દુર્ગંધ શરીરમાંથી વહી રહી છે, એક મિનિટ કોઈ બેસી ન શકે; એની સાથે આખું જીવન પસાર કરવાનું.! કઈ રીતે થાય? પણ, મયણાસુંદરી એ જ લિજ્જતથી, એ જ મજાથી, એ જ આનંદથી લગ્નની ચોરીમાં બેઠા. રાસકારે લખ્યું; “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” મયણા એના મુખની રેખા બદલાતી નથી. હૃદયમાં વિષાદ આવતો નથી. કેમ? કારણ આપ્યું; “જ્ઞાનીએ દીઠું હુએ રે” જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય, એ બન્યા કરે.
આજ સાંજે ૪ વાગે તમે ચાલતાં-ચાલતાં પડી જવાના છો, અને ક્રેક તમારા પગે આવવાની છે, એ તમને ખ્યાલ નથી, પણ અનંત કેવલજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં એ ઘટનાને જોયેલી ખરી કે નહિ? હવે ૪ વાગે એ ઘટના ઘટી, તમે જો એ ઘટનાને કારણે પીડિત થાવ તો તમે અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનની આશાતના કરી કહેવાય. જ્ઞાની ભગવંતે જોયેલું જ હતું, એ જ પ્રમાણે થયું છે; હું જો આ ઘટનાનો ઇનકાર કરું, ઘટનાનો અપલાપ કરું, તો હું અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનની આશાતના કરનારો થાઉં. આવી રીતે ક્યારે જોયું છે? આમ થઇ ગયું; અરે થઇ ગયું! તો થઇ ગયું!
પ્રોફેસર એક જગ્યાએ ભાષણ આપવા માટે જવાના હતા. દિવસો પહેલાં કુપેની, રેલ્વેની ટિકિટ લેવાઈ ગયેલી. બધું જ વ્યવસ્થિત થઇ ગયેલું. પ્રતિષ્ઠાના સીમા ચિહ્ન જેવું એ ભાષણ હતું. એ પરિસદમાં ભાષણ કરવા મળે, એ માણસ આખા ભારતમાં નહિ, પુરા વિશ્વમાં છવાઈ જાય. તો પ્રોફેસરને નિમંત્રણ મળ્યું. પ્રોફેસરે બધી જ તૈયારી કરી લીધી. પણ, પ્રોફેસર હતાં, રોજ કોલેજ તો જવાનું જ હતું. એટલે સમય એટલો ફાળવી શક્યા નહિ. પણ, journey લાંબી હતી, ૨૦-૨૨ કલાકની; એટલે વિચાર્યું કે મુસાફરીમાં થોડું કામ બાકી છે, એ touch કરી લઈશ. કૂપેમાં ગયો, સદ્ભાગ્યે એક જ બેન આવેલા, બીજું કોઈ આવેલું નહિ. પોતે પ્રોફેસર ઉપર ચડી ગયા અને પુસ્તકો બધા ખોલ્યાં. ત્યાં જ નીચેથી બેનનો અવાજ આવ્યો, બાથરૂમમાં પાણી નથી, આ લોકો શું વ્યવસ્થા કરે છે? પાણી નથી, પાણી નથી, તરસ લાગી છે.. પ્રોફેસરને થયું, આ બાઈને પાણી નહિ મળે ત્યાં સુધી મારું કંઈ કામ થઇ જાય એવું લાગતું નથી. પ્રોફેસર નીચે ઉતર્યા. એક મોટું સ્ટેશન આવ્યું, ગાડી ઉભી રહી. પ્રોફેસર પોતાનું થર્મોસ અને બેનની વૉટરબોટલ મોટી હતી એ ભરીને લાવી અને બેનને આપી દીધી. હવે પ્રોફેસરને થયું કે હવે આખી રાત મારી છે, બીજો કોઈ મુસાફર છે નહિ. બેનને પાણી મળી ગયું, સુઈ જશે પછી, એ સુઈ જાય અને આપણું કામ શરૂ થઇ જાય.
ભગવદ્દગીતામાં કહ્યું; “या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी” “या निशा सर्व भूतानां” લોકો માટેની રાત.. લોકો સુઈ જાય રાત્રે, તમારે સુઈ જવાનું? સંથારાપોરસીમાં સુત્રો હોય ને, એ સૂત્ર એવું છે? ‘એગોSહં નત્થિ મે કોઈ’ ‘એગો મે સાસઓ અપ્પા’ હું એકલો જ છું, અને એ રીતે પોતાની એ એક્ત્વતાની ધારાને પુષ્ટ કરવાની અને હું જ્ઞાન-દર્શન આદિથી પરિપુષ્ટ છું, એ રીતે પોતાની ધારાને આગળ વધારવાની. કોઈ પણ જગ્યાએ દોડનારા ભેગા થયેલા હોય ને, runners, ત્યાં લક્ષ્મણ રેખા દોરાયેલી હોય, રેફરી 1-2-3 કહે એટલે બધા જ પગ ઉપાડે, દોડે.
આપણને કેવું હોય… સંથારાપોરસીમાં રેફરી 1 – 2 – 3… સંથારામાં પડી જવાનું.! સંથારાપોરસી ભણાવવાના ટાઈમે સંથારાપોરસી ભણાવવાની. પ્રતિક્રમણ કરવાના સમયે પ્રતિક્રમણ કરવાનું. પછી જે સમય વધે છે, એમાં સ્વાધ્યાય અને ધ્યાન બે કરવાનું છે. અડધો કલાક – કલાક સ્વાધ્યાય કરો, અડધો કલાક – કલાક ધ્યાન કરો.
“या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी” પ્રોફેસરને થયું કે હવે વાંધો નહિ આવે. દસ જ મિનિટ શાંતિ રહી. અગિયારમી મિનિટે નીચેથી બેનનું રેકોર્ડીંગ ચાલુ થઇ ગયું. હે ભગવાન! કેવી તરસ લાગી હતી, પહેલાં શું હતું..? હે ભગવાન કેવી તરસ લાગી છે… પણ તરસ લાગી છે કીધું તો એનો ઉપાય મળી આવ્યો. હવે કહે છે હે ભગવાન! કેવી તરસ લાગી હતી…! હવે આનો ઉપાય? કેવી તરસ લાગી હતી?! એટલે ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે; એ જ રીતે ઘટનાનું પૃથક્કરણ કેવી રીતે નક્કી કરવું, એ આપણે નક્કી કરવાનું છે.
દાદા ગુરુદેવ ભદ્રસૂરિ દાદાની એક આંખ મિથ્યા જામરામાં ગઈ, બીજી આંખ મોતિયામાં ગઈ. શિષ્યોના મનમાં પીડા, પણ ગુરુ હસતાં હતાં. ગુરુ કહે છે કે આમાં તો મને પ્રભુનો સંકેત લાગે છે. ૮૫ વર્ષની વય સુધી મેં સ્વાધ્યાય કર્યો. હવે ભગવાન કહે છે કે તું ધ્યાનની ધારામાં જા. જાપની ધારામાં જા. આંખ નથી તો ધ્યાનમાં શું વાંધો છે…! જાપમાં શું વાંધો છે? એટલે મારા માટે ભગવાને નવી દુનિયા ખોલી આપી. ધ્યાનની અને જાપની.
તો આજે આપણે પંચસુત્રીય સાધનાના એક ક્રમ પર સ્વાધ્યાય કરવો છે. સ્વાધ્યાય ભલે ૪૫ મિનિટ હોય, પણ એની પાછળનું હોમ વર્ક કોને કરવાનું? મારે કે તમારે? સાહેબ બહુ ઉદાર છો આપ, આટલું બધું કરો છો તો હોમ વર્ક પણ તમે જ કરી આપો ને…
મહાત્મા વહોરવા માટે ગયેલા. ધર્મલાભ કીધો, શ્રાવિકા હતા નહિ, શ્રાવક હતા, સાહેબ પધારો પધારો… રસોઈ તો થઇ નહતી. પણ એક ગ્રહસ્થનું ઘર. મીઠાઈ, ખાખરા, પાપડ, આ બધું તો હોય જ. એટલે એને વિચાર કર્યો કે ખાખરા ચોપડી અને ઘી સાથે સાહેબને વહોરાવું… પણ ખાખરાનો ડબ્બો ન જડ્યો. તમને એમ જ ને…. કામ ન પડે ને કાંઈ… મ.સા. કામ બહુ પડેલું હોય. મ.સા. કહે જો તારે ખાખરો વહોરાવવો છે ને, પેલું મગ લખ્યું છે ને, એ ડબ્બામાં ખાખરા છે. ખરેખર એમાંથી ખાખરા નીકળ્યા… હવે ઘી… ઘી મળે નહિ.. મ.સા. કહે તારે ઘી વહોરાવવું છે? તો પેલો ડબ્બો છે એમાં ઘી છે. એ ડબ્બો ઉતાર્યો, ખરેખર ઘી નીકળ્યું… હવે મ.સા. એ કહ્યું; ૨-૩ ખાખરા પર ઘી નાંખી દે, હું રવાના થાઉં. નહિ, સાહેબ મારે ખાખરા બરોબર આમ ચોપડીને વહોરાવવા છે. લુખ્ખા વહોરાવું? પણ ખાખરા પાતળા, અને ઘી થીજી ગયેલું, અને જ્યાં ઘી ચોપડવા જાય ત્યાં ખાખરો ભાંગી જાય. પેલાની આંખમાં આંસુ અવી ગયા, એ કહે સાહેબ તમે કેટલા ઉપકારી છો, ખાખરાનો ડબ્બો જડતો નહતો, એ ડબ્બો તમે શોધી નાંખ્યો. ઘી નો ડબ્બો નહતો મળતો, એ તમે શોધી આપ્યો. હવે…. થોડી દયા ઓર કરો… ઘી ચોપડી આપો….
એટલે ઘટનાનું હોમવર્ક તમારે કરવાનું ને…? આજે કરીને કાલે આવજો.