વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો અને તવ્વયણસેવણા
સાધનાના પંચસૂત્રીય કાર્યક્રમનું પહેલું ચરણ છે અહોભાવની ધારામાં આપણને સશક્ત રીતે નાંખે તેવા નિમિત્તોની પ્રાપ્તિ. એવા નિમિત્તો ઘણા બધા છે. પણ મુખ્ય ચાર નિમિત્તો: રૂપ પરમાત્માનું દર્શન. શબ્દ પરમાત્માનો અનુભવ. વેશ પરમાત્માનું દર્શન. અને અનુષ્ઠાન પરમાત્માનું દર્શન.
એક વસ્તુ નક્કી થઈ જવી જોઈએ કે સદ્ગુરુ વિના સાધના નથી અને સાધના વિના મોક્ષ નથી. એટલે મને મોક્ષ આપનાર માત્ર ને માત્ર મારા સદ્ગુરુ છે. એ સદ્ગુરુના ચરણોમાં હું સમર્પિત થઇ જાઉં.
એક સદ્ગુરુયોગ થઇ ગયો, પછી તમારે બીજું કંઈ જ કરવાનું નથી. તવ્વયણસેવણા એ જ તમારી સાધના છે. જે વખતે સદ્ગુરુ તમને જે સાધના આપે, એ તમારા માટેની સાધના. વિચાર તો કરો, ભીતર ઊતરેલા આટલા મોટા સદ્ગુરુ તમારી personal care રાખે છે!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૮
સાધનાનો એક પંચસુત્રીય કાર્યક્રમ. પહેલું ચરણ છે, અહોભાવની ધારામાં આપણને સશક્ત રીતે નાંખે તેવા નિમિત્તોની પ્રાપ્તિ.
એ નિમિત્તો ઘણા બધા છે. પણ મુખ્ય કયા? ચાર નિમિત્તો. રૂપ પરમાત્માનું દર્શન, શબ્દ પરમાત્માનો અનુભવ, વેશ પરમાત્માનું દર્શન અને અનુષ્ઠાન પરમાત્માનું દર્શન.
શબ્દ પરમાત્માનો અનુભવ..
એક ઘટના યાદ આવે. રાજસ્થાન જયપુર- જશવંતપુરામાં અમારું ચાતુર્માસ. એકવાર દેરાસરે પ્રભુના ચરણોમાં હું એક મજાની પ્રાર્થના પેશ કરી રહ્યો હતો. ‘ભક્તિ એવો રંગ ગાતાં’ પદ્મવિજય મ.સા. એ રચેલી એક સ્તવના હતી, એને હું ગાતો હતો. એક કડી બહુ મજાની આવી, “આશ ધરીને હું પણ આવ્યો; નિજ કર પીઠ થપેટીને” એક બાળક માઁ ની પાસે જાય ત્યારે એની ઈચ્છા હોય છે કે માઁ એની પીઠ ઉપર પોતાનો કોમળ હાથ પસરાવે. આ જ લયમાં પ્રાર્થના આવી, “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીને”એ કડી બોલતાં એક વેદનાની ટીસ મારા મનમાં ઉદ્ભવી. મારી આંખો એ વખતે ભીની ભીની હતી. મેં પ્રભુને કહ્યું, કે પ્રભુ! પદ્મવિજય મ.સા. બહુ જ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા, એમણે કહ્યું હશે અને તે એમની પીઠ ઉપર તારો કોમળ હાથ પસવાર્યો પણ હશે. પણ મારું શું?
પ્રભુની કોર્ટમાં એક પ્રાર્થનાનો બોલ મેં ફેંક્યો, કે પ્રભુ! જેવો તારો સ્પર્શ પદ્મવિજય મ.સા.ને મળ્યો, એવો જ મને મળવો જોઈએ. પહેલાં પણ મેં કહેલું; સાધના જગતમાં કે સંસારના જગતમાં ક્યાંય પણ તમે અટવાવો, નિરાશ થવાની જરૂર નથી. એ વખતે પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના મૂકી દેવાની. પછી શું કરવું… એ પ્રભુને જોવાનું છે.
એક બહુ મજાની પ્રાર્થના – અજીતશાંતિ સ્તવનામાં છેડે નંદીષેણ મુનિએ મૂકી. “મમ ય દિસઉ સંજમે નંદિં” પ્રભુ! રત્નત્રયી તારી કૃપાથી મળી; હવે એ રત્નત્રયીની પ્રાપ્તિનો આનંદ પણ તારે જ આપવાનો. તમારા માટે એ પ્રાર્થના, એક શબ્દ ફેરવીને આપું. “મમ ય દિસઉ સાહણાએ નંદિં” પ્રભુ! તારી સાધના તે આપી. આપણે ક્યાં લેવા ગયા? અરે આપણે સદ્ગુરુને શોધવા પણ ક્યાં ગયેલા? સદ્ગુરુ આપણને શોધતાં આવ્યા! સદ્ગુરુ આપણને શોધતાં આવેલા.! સદ્ગુરુએ આપણને સાધના આપી.. હવે, એ સાધનાનો આનંદ, એ પણ સદ્ગુરુ આપે.!
એક મજાની ઘટના છે, એક ભાઈને ખ્યાલ હતો કે સાધના સદ્ગુરુની કૃપા વિના મળતી નથી. પહેલાં સદ્ગુરુ મળે, પછી સદ્ગુરુ આપણને સાધના આપે. અત્યારે પણ તમારા બધાની જે સાધના છે, એ સાધના ગુરુદત્ત છે કે નહિ એ નક્કી કરવું જોઈએ. તમારી શ્રદ્ધા જે સદ્ગુરુના ચરણોમાં સ્થિર થયેલી છે, એ સદ્ગુરુને પૂછો, કે ગુરુદેવ! મારા માટે સાધના કઈ? પેલા ભાઈને ખ્યાલ હતો, કે સદ્ગુરુ જ સાધના આપે. પણ, મારા સદ્ગુરુ કોણ? મને શું ખ્યાલ આવે? પણ એને થયું કે જંગલમાં ઘણા બધા ઋષિઓ રહેતાં હોય છે. કોઈ પણ ઋષિને પૂછી લો. ગયો જંગલમાં, એક ઋષિ મળ્યા, ચરણોમાં પડ્યો, અને પૂછ્યું, કે ગુરુદેવ! મને મારા સદ્ગુરુ ક્યાં મળશે? ઇન્ડિયન ફિલોસોફી પ્રમાણે દરેક વ્યક્તિના સદ્ગુરુ નક્કી થયેલા હોય છે. તમને ખ્યાલ નથી, પણ, તમારા સદ્ગુરુને ખ્યાલ છે કે તમે એના ગુરુ છો. ઋષિને પૂછ્યું, કે મારા સદ્ગુરુ મને ક્યાં મળશે? તમે પણ સદ્ગુરુ જ છો. પણ, મને મારા સદ્ગુરુ જોઈએ.
મેં પહેલાં પણ એક નાનકડો લીટમસ ટેસ્ટ આપ્યો. કોઈ પણ સદ્ગુરુ પાસે તમે જાવ, વંદન કરો, એક મિનિટ બેસો, અને તમારી ચેતના પ્રજ્વલિત બની જાય. તમને ભીતરથી આનંદની એક સરવાણી ચાલી રહી છે એવો અનુભવ થાય; અને આવો અનુભવ થાય, ત્યારે તમે નક્કી કરી શકો, કે જન્માન્તરીય ધારાના આ મારા સદ્ગુરુ. પછી તમારે ક્યાંય જવાની જરૂરત નથી, એ સદ્ગુરુ બધું જ કરી આપશે. પેલાએ પૂછ્યું, મારા સદ્ગુરુ ક્યાં મળશે? ઋષિએ કહ્યું, કે જંગલની અંદર એક ઝાડ છે, એના પીળા પત્તા છે, લાલ એના ફૂલ છે, અને એની ડાળો આવી રીતે ઝુકેલી હોય, આવા વૃક્ષની નીચે તને તારા સદ્ગુરુ મળશે. એટલી બધી તડપન હતી કે સદ્ગુરુ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે…?! કારણ, ખ્યાલ આવી ગયો, સદ્ગુરુ મળી ગયા, પછી, I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી.
જય વીયરાય સૂત્રમાં આપણે બોલીએ, “સુહગુરુજોગો, તવ્વયણ સેવણા” એકવાર સદ્ગુરુયોગ થઇ ગયો, પછી તમારે બીજું કંઈ જ કરવાનું નથી. ‘તવ્વયણ સેવણા’ એ જ તમારી સાધના છે. એ જે વખતે એ સદ્ગુરુ તમને જે સાધના આપે, એ તમારા માટેની સાધના. વિચાર તો કરો, ભીતર ઉતરેલા, આટલા મોટા સદ્ગુરુ તમારી Personal care રાખે છે.! તમે જો સંપૂર્ણ તયા સમર્પિત થયા, તો તમારો ફૂલ ડેટા અમારી પાસે હોય છે. તમે અત્યારે સાધનાના કયા stand point પર છો, અને તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે, આ બધું અમારા ખ્યાલમાં આવી જાય છે અને એ પ્રમાણે અમે તમને માર્ગદર્શન આપીએ છીએ.
‘તવ્વયણ સેવણા’ તો by product છે. ‘સુહગુરુજોગો’ થયો, તો ‘તવ્વયણ સેવણા’ મળવાની જ છે. એટલે ગુરુનું જે કાર્ય છે, એ તો સતત ચાલુ જ છે; તમારે થોડું કામ કરવાનું છે. ઝુકી જવાનું. ત્યાં મોટી ગરબડ છે. સાહેબ મારા વતી બીજો ઝુકાવનાર મૂકી દઉં ચાલે? ચાલે કે નહિ? કે તમારે ઝૂકવું પડે? શું પેલા માણસની તડપન…! દોડ્યો છે, દોડ્યો છે, જંગલમાં…! ન ખાવાનું ભાન, ન પાણી પીવાનું ભાન, કલ્પનામાં ન ઉતરે આપણને, પાંચ વર્ષ સુધી એ માણસ લગાતાર જંગલમાં રખડતો રહ્યો! એક-એક વૃક્ષને, એક-એક વૃક્ષના પત્તા-પત્તાને છાણી નાંખ્યું.! ક્યાંક આવું વૃક્ષ મળે છે, તો નીચે કોઈ હોતું નથી. નીચે કોઈ સદ્ગુરુ છે, તો ઉપર આવું વૃક્ષ નથી. મને તો કહેવામાં આવ્યું છે, આવા વૃક્ષ નીચે તને તારા સદ્ગુરુ મળશે. ત્યારે એને થયું કે ક્યાંક મારી સમજવામાં ભૂલ તો થઇ નથી ને…? પણ, સમજવામાં ભૂલ થઇ હોય તો પૂછવું કોને? જે ગુરુ વૃક્ષ નીચે બેઠેલા હતા, એ પાંચ વર્ષ સુધી વૃક્ષ નીચે બેઠેલા હોઈ શકે?! છતાં એને થયું, For a chance, એકવાર ત્યાં જઈ આવું, જ્યાંથી મારી journey શરૂ થઇ છે. કદાચ એ સદ્ગુરુ મળી જાય, તો બરોબર પૂછી લઉં કે સાહેબ! પાંચ-પાંચ વર્ષ સુધી રખડ્યો, પણ મને સદ્ગુરુ ન મળ્યા.! ત્યાં આવ્યો; જ્યાંથી journey શરૂ કરેલી. એની નવાઈ વચ્ચે એ સદ્ગુરુ ત્યાં જ હતા, એ જ વૃક્ષ નીચે, અને ધારીને જોયું તો ખબર પડી કે વૃક્ષ પણ એવું જ હતું, જેવા વૃક્ષની વાત ગુરુએ કરેલી.! એ કહે સાહેબ! હું તો નિપટ અજ્ઞાની માણસ હતો, તમને તો ખ્યાલ હતો, કે હું તમારો શિષ્ય છું; તો એ વખતે મને કહી એમ ન દીધું…? પાંચ વર્ષ મારા ટાટીયાની કઢી થઇ ગઈ.! ગુરુ કહે છે: હરામખોર! તું તારી માંડે છે, મારી વાત તો કર.! તારા માટે મારે પાંચ વર્ષ મારે અહીંયા ચોટીને બેસી રહેવું પડ્યું.! દીક્ષા મળી ગઈ. પછી એકવાર એ શિષ્યે પૂછેલું કે ગુરુદેવ! આપને તો ખ્યાલ હતો કે હું આપનો શિષ્ય છું, તો પાંચ વર્ષ મને રખડાવ્યો કેમ? ગુરુએ જે શબ્દો કહ્યા, એને યાદ રાખજો. ગુરુ કહે છે: પાંચ વર્ષે નહિ, પાંચસો વર્ષે નહિ, પાંચ હજાર વર્ષે નહિ, પાંચ હજાર જન્મે પણ સદ્ગુરુ મળી જાય તો સોદો સસ્તામાં છે.!
એટલે જ કબીરજીએ કહ્યું; કે જ્યાં સુધી માથું ઉતારીને મુકવાની તૈયારી હોતી નથી; ત્યાં સુધી સદ્ગુરુ એ દૂરની વાત છે. આજે જો એક વસ્તુ નક્કી થઇ જાય, કે સદ્ગુરુ વિના સાધના નથી, સાધના વિના મોક્ષ નથી, એટલે મને મોક્ષ આપનાર માત્ર ને માત્ર મારા સદ્ગુરુ છે. એ સદ્ગુરુના ચરણોમાં હું સમર્પિત થઇ જાઉં, એ જ ક્ષણે મારું કાર્ય પૂરું થઇ ગયું. તમે જે ક્ષણે સદ્ગુરુને સમર્પિત થાવ છો, એ ક્ષણે તમારું કામ પૂરું થઇ ગયું! પછીનું કામ અમારું છે. We are ready. અમે તૈયાર છીએ. એક-એકને ઉચકીને લઇ જવા માટે અમે તૈયાર છીએ. તમારી પાસે માત્ર સદ્ગુરુ સમર્પણ જોઇશે.
તો રૂપ પરમાત્મા, શબ્દ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા.
વેશ પરમાત્મા – એ દિવસે પ્રભુને મેં પાર્થના કરી, કે પ્રભુ! પદ્મવિજય મ.સા, ને તારો સુકોમળ હાથ, મજાનો સ્પર્શ સુખ રૂપે માણવા મળ્યો હશે, મારું શું? તમારી પ્રાર્થના ઘેરી બને, દુનિયાનું કોઈ કાર્ય અશક્ય નથી. અહીં વાચના માટે આવતો હતો, નાના-નાના ટાબરીયાઓ, સ્કુલે જનારા, દસ-સાડા દસ વર્ષની વયના, એ આવેલા, ઉપવાસનું પચ્ચખ્ખાણ લેવા માટે, ગઈ કાલનો ઉપવાસ સરસ થઇ ગયો છે, આજનો ઉપવાસ પણ સરસ થઇ જવાનો છે. અને એક જ વાત – મારે ક્યાં માસક્ષમણ કરવાનું છે?! કોને કરવાનું? મારે કરવાનું? હું તો વાપરીને આવ્યો.!
માસક્ષમણ કરો છો તમે, પણ એ આખું જ કૃત્ય પરમ ચેતના પર જાય છે. કારણ, સાધનામાર્ગમાં એક ડગ, એક ઇંચ સરકવાનું આપણા માટે શક્ય નથી. એની કૃપાથી એક ડગલું સાધનામાર્ગે આપણે મૂકી શકીએ. ઉપવાસ તો નહિ, બેસણું પણ આપણા માટે શક્ય નથી, એ પણ ‘એ’ કરાવે. સાધના એ આપે; સાધનાનું સમ્યક્ પાલન એ કરાવે; અને સાધનાનો સમ્યક્ આનંદ પ્રભુ આપે.! પ્રભુ તૈયાર છે.. સદ્ગુરુ તૈયાર છે… તમે તૈયાર થઇ ગયા પાલવાળા, તમે પણ તૈયાર થઇ ગયા ને?
મેં પ્રભુને પ્રાર્થના કરી, કે પ્રભુ! તારા હાથનો સ્પર્શ મને કેમ ન મળે? તું શું ભેદભાવ રાખે છે? એ જરા મોટા માણસ હતા એટલે એમને આગળ બોલાવવાના.. ઉપાશ્રય ગયો, પુરી શ્રદ્ધા હતી, કે આજ તો એને મને સ્પર્શ આપવો જ પડશે. તમે પ્રાર્થના કરો, પણ એક શ્રદ્ધા તમારી પાસે નથી.! મેં પ્રભુને પ્રાર્થના કરી છે. મારી પાસે સમર્પણ છે, તો પ્રભુએ આ કામ કરવું જ પડશે.! કારણ પ્રભુ તૈયાર છે.. આર્હન્ત્ય! પરમચેતના! પરમશક્તિ હર ક્ષણે તૈયાર છે! હું ઉપાશ્રય ગયો, ઈરિયાવાહિયા કર્યા, આસન ઉપર બેઠો, એ વખતે આચારાંગ સુત્રનો સ્વાધ્યાય મારો ચાલતો હતો. લગભગ ૩૦ વર્ષ સુધી, દર વર્ષે એકવાર આચારાંગ સુત્રનો સ્વાધ્યાય કરવો એવું નક્કી કરેલું.
તો એ ક્ષણોમાં આચારાંગજી નો સ્વાધ્યાય મારો ચાલતો હતો. આસન પર બેઠો, આચારાંગજી નું પુસ્તક ટેબલ પર હતું, આમ જ પુસ્તકને ખોલ્યું. ડાબા હાથે જે પહેલું સૂત્ર આવ્યું, એ સૂત્ર વાંચતા હું નાચી ઉઠ્યો.!
દીક્ષા વખતે નાચેલા, દીક્ષા વખતે નાચેલા ને? એ પછી ક્યારે નાચેલા? દીક્ષા પછી ક્યારે નાચેલા? એવી કોઈ વિશિષ્ટ ઘટના ઘટી, પ્રભુ તરફથી દિવ્ય આનંદનો વરસાદ વરસે, તમે નાચી ઉઠો.! અને એ વખતે બે ચરણથી નાચવાનું ન થાય, પણ, સાડા ત્રણ કરોડ રૂંવાળા નાચશે.! શું મારા પ્રભુની કૃપા.! રોજ સવારે ઉઠીએ અમે, ત્યારે સૌથી પહેલાં રજોહરણને મસ્તકે લગાડીએ. એ વખતે અમારી આંખો ભીની બની જાય; અને અમારી આંખની એ ભીનાશ પ્રભુને ખેતી હોય કે પ્રભુ! મારી કોઈ સજ્જતા નહિ, મારી કોઈ હેસિયત નહિ, મારી કોઈ પાત્રતા નહિ, અને તારું આ અદ્ભુત વરદાન મને મળી ગયું! એમ લાગે કે સવારના પહોરમાં પ્રભુ સ્પર્શ આપવા માટે આવ્યા! તમે પણ ચરવળા મુહપત્તિનો સ્પર્શ કરો, એકદમ નાચી ઉઠાય! મારા પ્રભુની આ પ્રસાદી મને મળી ગઈ! કેટલો હું બડભાગી છું.!
સૂત્ર એ હતું, “अणाणाए एगे सोवट्ठाणा, आणाए एगे णिरुवट्ठाणा. एयं ते मा होउ” પ્રભુ કહે છે કે કેટલાક સાધકો મારી આજ્ઞાને સ્વીકાર્યા પછી પણ પાળવામાં ઉદ્યમશીલ હોતા નથી. આજ્ઞાનો સ્વીકાર કરી લીધો, પાલન નથી. કેટલાની પાસે આંશિક શરીરના ક્ષેત્ર ઉપર પાલન હોય, મનમાં એનો કોઈ ભાવ નથી.
પણ પછી પ્રભુ જે કહે છે, પૂર્વાર્ધમાં તો આ કહ્યું; પછી જે ઉત્તરાર્ધમાં કહ્યું, લાજવાબ.! “एयं ते मा होउ” (એતં તે માહોતું) બેટા! આ બીજા બધાની વાત છે, તારી વાત નથી! “एयं ते मा होउ” ( “એતં તે માહોતુ”) તારા માટે આ વાત નથી. કારણ, you are my beloved one.! પ્રભુ કહે છે, you are my beloved one.! તું મારો પ્રીતિપાત્ર છે.! ભગવાન એમ કહે કે તું મારો પ્રીતિપાત્ર છે?! હું તને પ્રેમ કરું છું! શું થાય એ વખતે?
ચાલો અત્યાર સુધી ખ્યાલ નહતો, આજે ખ્યાલ આવી ગયો. પ્રભુ તમને કહે છે, “एयं ते मा होउ” ( “એતં તે માહોતું”) તારા માટે આ બને જ નહિ કે તું આજ્ઞાને સ્વીકારીને એના પાલનમાં ઉત્સાહ વગરનો હોય. કારણ, તું મારો પ્રીતિપાત્ર છે.! “ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો” એ ભક્તની બાજુથી થયેલ યાત્રા છે; આ પ્રભુની બાજુથી થયેલ યાત્રા છે કે બેટા! તું મારો પ્રીતિપાત્ર છે! ભગવાન એમ કહે..! કે તું મારો પ્રીતિપાત્ર છે! તો એક – એક રૂંવાળું ટટ્ટાર ન થઇ જાય?! આંખમાં હોય આંસુ, ગળામાં હોય ડૂસકાં, પ્રભુ તું અખિલ બ્રહ્માંડેશ્વર, પુરા જગતનો સ્વામી, તું મને પ્રીતિપાત્ર તરીકે લેખે છે?! પ્રભુ! મારા સૌભાગ્યની અવધિ નથી.!
આજે ઓફિસે જવાના ને? જવાના. અરે ભગવાનનો પ્રીતિપાત્ર જાય? ચાલો, જવાના, પણ મોઢું હસતું હશે. કોઈ પૂછે કે કેમ ! સવારના પહોરમાં તડકો પડી ગયો કે શું? તો કહે કે હા, વાચનામાં ગયો હતો, અને સાહેબે કહ્યું કે તું પ્રભુનો પ્રીતિપાત્ર છે.! મારે તો લોટરી લાગી ગઈ.! જમવા માટે જાવ, મોઢું હસતું હસતું હોય, રોજ મોઢું કેવું હોય આમ? દીવેલ પીધું હોય એમ…!
આપણે ત્યાં જૂની એક કથા આવે છે, શેઠ જમવા માટે બેઠેલા. શેઠાણી પંખાની હવા નાંખે છે. અને એક-એક કોળિયો કરી શેઠના મોઢામાં મુકે છે. તો ય શેઠનું મોઢું દીવેલ પીધું હોય એમ! શેઠાણી કહે, પણ હવે તમને શું તકલીફ? રોટલી મારે વણવાની, એ તાજી રોટલીને ઘી માં ઝબોળી દઉં, ઘી માં ઝબોળી દઉં પછી એનો કટકો કરું, શાક થોડું અંદર નાંખું, અને તમારા મોઢામાં મુકું.. રોટલી મારે વણવાની, તૈયાર મારે કરવાની, એમાં શાક મારે નાંખવાનું, ટુકડો રોટલીનો કરી તમારા મોઢામાં મારે મુકવાનો; તમારે તો આવું નહિ હોય ને…?! મોઢામાં ટુકડા કરીને મુકું છું; હવે તો મોઢું હસતું રાખો.! હવે તમારે શું તકલીફ છે? પછી પેલા શેઠ કહે છે કે ચાવવું તો મારે પડે છે ને…! એટલે રોજ તમારું મોઢું ગમે તેવું હોય, આજ તો મોઢું પણ હસતું હશે ને? તો શ્રાવિકાને પૂછવાનું મન થઇ ગયું, શું આજે પણ? કોઈ દિવસ નહિ, અને આટલું સરસ મોઢું તમારું…? ત્યારે તમે કહો, કેમ વાચનામાં નહતી આવી… ? સાહેબે શું કહ્યું? સાહેબે એમ કહ્યું, કે પ્રભુ આપણને પોતાના પ્રીતિપાત્ર તરીકે જોવે છે.!
મને ખ્યાલ છે; જશવંતપૂરામાં એ દિવસો માં હતો હું, એ આખો દિવસ આંસુ ઉભરાતા જ હોય. બીજું કશું જ ન થઇ શકે. માત્ર આંસુઓ છલકાતા રહે… એક જ વાત.. શું પ્રભુ મને આ રીતે ચાહે છે?! અને પ્રભુ તો અનંતા જન્મોથી મને ચાહતા હતા..! હું એને ચાહતો જ નહતો.! બસ, અહીં જ પ્રેમનું વર્તુળ થશે.. આપણે ઘણીવાર એમ માનીએ કે હું પ્રભુને ચાહું છું, પ્રભુ મને ચાહતા નથી; હકીકત એ છે, કે એ આપણને ચાહી રહ્યો છે, આપણે એને ચાહતા નથી, અને એટલે વર્તુળ પૂરું થતું નથી.!
એકવાર શંખેશ્વર મહાતીર્થમાં ગયો. સંગીતકાર ભાઈ સરસ મજાનું ગીત ગાતા હતા. “યુગોથી હું તને પુકારું છું, તારો પ્રતિસાદ નથી પ્રભુ” પ્રભુ તને યુગોથી પુકારું છું. તું આવ! તું આવ! મારા હૃદયમાં આવ! પણ તારો પ્રતિસાદ મને સંભળાતો નથી. એ વખતે મેં કહ્યું, કે ભાઈ! આ તો સ્તવન ભગવાને ગાવાનું, તું ક્યાં ગાવા મંડી પડ્યો? ભગવાન કહે છે, કે યુગોથી હું તને યાદ કરું છું, તું ક્યાં ખોવાઈ ગયો છે? હવે તો કહેશો ને ક્યાંય ખોવાઈ ગયા નથી.! સવારે માસક્ષમણ, બપોરે પણ માસક્ષમણ, સાંજે પણ માસક્ષમણ. ખોવાવાનું શેમાં છે? માસક્ષમણની યાદમાં. માસક્ષમણની ભક્તિમાં. જે નથી કરી શક્યા, એ માસક્ષમણ વાળાઓની ભક્તિ કરશે. અને એટલે આખી આ સુરતની ધરતી, ઘણા બધા મહાત્માઓ જ્યાં બિરાજમાન છે, એ આ ધરતી, માસક્ષમણની હવાથી ગુંજી ઉઠે. અને તમારી ભીતર ‘હું એને પ્રીતિપાત્ર લેખું છું’ એ પ્રભુનું વચન ગુંજવા લાગે.