Niranjan Nath Mohe Kaise Milenge – Vachana 9

15 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : શબ્દ પરમાત્મા

આજે તમારા માટે એક practical શબ્દસ્પર્શની વાત. શ્રીપાળરાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ ૪૫ આગમોનો સાર અડધી કડીમાં આપ્યો: આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે. આત્મભાવમાં સ્થિર થવું; પરભાવમાં જવું નહિ. એની શરૂઆત ક્યાંથી કરવાની? પરભાવમાં ઓછું જવાય કે ન જવાય એના દ્વારા આની શરૂઆત કરવાની છે

તમે ચા પીતા હોવ અને તમને ચા સારી લાગે છે; ચા માં તમને આસક્તિ થાય છે. એ આસક્તિને જો તમે જુઓ છો; તો ચિદાનંદજી મહારાજ એને પણ રુપસ્થ ધ્યાન કહે છે! કારણ? એક ગણિત નક્કી થયું કે આસક્તિ જુદી ચીજ છે અને હું જુદો છું.

રાગ બેઠેલો જ છે અંદર; પણ અત્યાર સુધી – એ રાગ મારું સ્વરૂપ છે – એવું તમે માની બેઠેલા હતા. આજે તમને ખ્યાલ આવે કે તમે આસક્તિને, રાગને જોઈ શકો છો. અને એટલે આસક્તિ દ્રશ્ય થઈ; તમે દ્રષ્ટા છો. દ્રષ્ટા અને દ્રશ્ય બે ક્યારેય એક ન થાય. તો આજે જો ચા પીતા બરોબર આવડે ને, તો પણ ધ્યાન લાગી જવાનું!

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે પાલ ચાતુર્માસ વાચના – ૯

પંચસૂત્રમયી પ્રભુની મજાની સાધના. એ સાધનાની વાત તમે સાંભળો અને તમારું હૃદય આનંદથી ભરપુર બની જાય. એ સાધનાને માર્ગે એક-એક ડગલું ચાલવાનું થાય, અને એવો એક અલૌકિક અનુભવ તમને થાય, કે તમે એને શબ્દોમાં કહી ન શકો. આ જન્મ આ અનુભવ માટે છે. અત્યાર સુધી પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને સાંભળ્યા, પ્રભુએ કહેલી પ્યારી પ્યારી સાધનાને આચરી. પણ એનો જે દિવ્ય આનંદ હતો એ અત્યાર સુધી મણાયો નહિ.

મારી પોતાની વાત કરું. વર્ષોથી પ્રભુના પ્યારા શબ્દોનો સ્વાધ્યાય ચાલુ જ હતો. અગિયાર વર્ષની વયે એ જે સ્વાધ્યાય યાત્રા ચાલુ થયેલી, આજે પણ ચાલે છે. પણ, એ સ્વાધ્યાય યાત્રા શરૂઆતમાં માત્ર સ્વાધ્યાય યાત્રા રહી. પછી એમાં દિવ્ય આનંદ ઉમેરાયો. એકવાર મહાભારત વાંચતો હતો. મહાભારતની એક પ્યારી ઘટના અસ્તિત્વને સ્પર્શ કરી ગઈ; અને એ જ ક્ષણથી સ્વાધ્યાય યાત્રા આનંદયાત્રામાં ફેરવાઈ ગઈ.

બહુ પ્યારી ઘટના હતી. ઉદ્ધવજી વૃંદાવન ગયેલા, રથ વૃંદાવન પહોંચ્યો, ગોપીઓ એકટ્ઠી થઇ ગઈ. ઉદ્ધવજીને અનુભવ હતો, કે જ્યાં રથ વૃંદાવનમાં દાખલ થશે, અને રથની ધજાને ગોપીઓ જોશે એટલે શ્રીકૃષ્ણ આવી રહ્યા છે, એમ માનીને ગોપીઓ એકટ્ઠી થઇ જશે; એવું જ બન્યું; ૫૦-૬૦ ગોપીઓ ભેગી થઇ ગઈ. ઉદ્ધવજી નીચે ઉતર્યા. એમણે કહ્યું, કે શ્રીકૃષ્ણ આ વખતે આવી શક્યા નથી. પણ, એમના જ હાથે લખાયેલ એક પત્ર લઈને હું આવ્યો છું. એ પત્ર તમારા નામ ઉપર છે. ઉદ્ધવજીએ પોતાના હાથમાં એ પત્રને ખુલ્લો કરીને બતાવ્યો. નવાઈની વાત, એક પણ ગોપી પત્રને લેવા માટે નજીક આવતી નથી… અરે ભાઈ! તમારા પ્રાણપ્રિય પ્રભુ કૃષ્ણ, એને તમારા ઉપર લખેલ પત્ર, અને તમે એને હાથમાં લેવા તૈયાર નથી! એક પણ ગોપી આગળ નહિ આવી! ઉદ્ધવજી પંડિત છે, જ્ઞાની છે, ભક્ત નથી. ભક્ત જે હૃદયથી પ્રભુને પામે છે, એ હૃદય આખું અલગ હોય છે. ભક્ત પ્રભુને ઝડપથી પામી જાય છે. જ્ઞાનીને પામતા વાર લાગે છે. તથાકથિત જ્ઞાની વિકલ્પોમાં અટવાતો હોય છે; ભક્તની પાસે કોઈ વિકલ્પ જ નથી. મારા ભગવાન એટલે મારા ભગવાન. ઉદ્ધવજી જ્ઞાની છે, પંડિત છે, એમને ખ્યાલ નથી આવતો કે કૃષ્ણે ગોપીઓના નામે લખેલો પત્ર; અને એક પણ ગોપી પત્રને લેવા માટે નજીક ન આવે..

સુરદાસજીએ પોતાના એક પદની અંદર ગોપીઓનો મનોભાવ વ્યક્ત કર્યો છે. ઘણું ન ભણીએ તો પણ ચાલશે. જે શ્રદ્ધા, જે ભક્તિ, જે સમર્પણ તમારી પાસે છે, એ તમને પેલે પાર ઊંચકીને મુકી દેશે. તમને જોઇને મને એ આનંદ થાય છે, કે તમે લોકોએ short cut પકડી લીધો છે. બુદ્ધિમાન પાસે long cut છે. ભક્ત પાસે short cut છે. ભક્ત જલ્દી પ્રભુને પામી જાય. સુરદાસજી ભક્ત છે. એમને ખ્યાલ આવ્યો કે ગોપીઓ પત્ર લેવા માટે જતી કેમ નથી…? તમને ખ્યાલ આવે છે?

તમારા ઉપકારી ગુરુદેવ એમણે તમારા ઉપર પત્ર લખેલો હોય, અને એ પત્ર તમને કોઈ આપે, અને તમે ન લો, આવું બને ખરું? અહીંયા તો આ ઘટના ઘટી! સુરદાસજીને ખ્યાલ આવી ગયો. કારણ, સુરદાસજી ભક્ત હૃદય કવિ છે. સુરદાસજીને જ્યારે આંખો હતી; ત્યારે એમણે પ્રભુને એક મજાની પ્રાર્થના કરેલી, કે પ્રભુ! તું રૂપનું extreme point! અને તને જોવા માટે મારી પાસે માત્ર બે આંખો! અને એ બે આંખો પણ વારંવાર મીંચાય; તો એનાથી દર્શનનો આનંદ મને શી રીતે મળે? એ વખતે સુરદાસજીએ પ્રભુની આગળ પ્રાર્થના કરી, “લોચન રોમ-રોમ પ્રતિ માંગું” પ્રભુ મારે એક-એક રૂંવાડે, એક-એક આંખ ઉગી જાય! બસ, તને જોયા જ કરું.. જોયા જ કરું…!

આ અનુભવ પ્રભુએ મને આપ્યો છે; અને એ અનુભવ મારે તમને આપવો છે. એકવાર અનુભવ મળી ગયો ને, પછી તમે દોડતાં થઇ ગયા. પછી અમારે કોઈ પ્રેરણા આપવી નહિ પડે. વીસ વર્ષના છોકરાને રોજ એના પિતાએ એક કલાક લેક્ચર આપવું પડે? કે ભાઈ જો, આ દુનિયામાં પૈસા સિવાય કશાની કિંમત નથી. પૈસા માટે ધંધો અથવા જોબ જોઇશે. સારામાં સારી જોબ કે સારામાં સારા બીઝનેસમાં તું વળગી જા. આવું લેક્ચર એક કલાક રોજ તમારે તમારા દીકરાને આપવું પડે? આ તો તમારા અનુભવની વાત છે. જે ક્ષણે દીકરાને ખ્યાલ આવી ગયો, કે પૈસા વિના બહારની દુનિયામાં ચાલી શકે એમ નથી, એ દોડવા લાગ્યો. એમ જ્યારે તમને લાગશે, કે અનુભવ વિના, અનુભૂતિ વિના સાધના જેવું કંઈ છે જ નહિ. પછી યા તો માત્ર શબ્દો છે, યા તો માત્ર શારીરિક ક્રિયા છે. જ્યાં સુધી તમારો અનુભવ અશબ્દોમાં ન ભળે, ત્યાં સુધી શબ્દો સપ્રાણ ન થાય.

દેરાસરે તમે પા કલાક બેસો કે અડધો કલાક; કોઈ ફરક નથી. પણ, મારું એક સૂત્ર છે; There should be the totality. There should be the totality. દસ મિનિટ પ્રભુની પાસે તમે બેઠા, પણ એ વખતે તમે માત્ર પ્રભુના છો. કોણ આવ્યું ને કોણ ગયું, તમને ખબર નથી. તમે માત્ર ને માત્ર પ્રભુમાં એટલા ડૂબી જાવ, કે આજુબાજુની દુનિયાથી તમે cut off થઇ જાવ. હું મારા પ્રવચનમાં ઘણીવાર કહું, કે છેલ્લે પા કલાક આવશો તો પણ વાંધો નથી. But there should be the totality. તમે તમારું સંપૂર્ણ મન પ્રભુને, પ્રભુના પ્યારા શબ્દોને આપી દો. તો શું થશે.. એક પ્રવચન પણ તમારા માટે અસરકારક થશે.!

સુરદાસજી પાસે અનુભવ હતો. કે પ્રભુ તને મારે જોવો છે. પણ આવી બે આંખો દ્વારા હું તને કેમ જોઈ શકું? એક-એક રૂંવાડે એક-એક આંખ ઉઘાડી આપ ! બીજું કંઈ જ મારે જોઈતું નથી.! તો એ સુરદાસજી પદની અંદર ગોપીઓના મનોભાવને પ્રગટ કરે છે: “પરસે ઝરે” ગોપીઓ પત્ર લેવા માટે નજીક કેમ નથી આવતી? “પરસે ઝરે” શું અદ્ભુત કલ્પના છે ! ગોપીઓને થાય છે, કે ભક્ત માટે બે જ ભૂમિકા હોય છે. એક પ્રભુના મિલનની ભૂમિકા, બીજી પ્રભુના વિરહની અવસ્થા. આ બે સિવાય ત્રીજી કોઈ અવસ્થા ભક્ત માટે હોતી નથી. અત્યારે પ્રભુ મળ્યા નથી, એટલે પ્રભુના વિરહમાં અમે છીએ, અને વિરહને આગ કહેવાય છે, તો અમારા પુરા શરીરની અંદર વિરહની આગ દોડી રહી હોય, અને અમે એ આંખથી પત્રને ગહણ કરીએ, તો પત્ર બાળી ન જાય?! શું કલ્પના છે.! પુરા શરીરમાં, પુરા અસ્તિત્વમાં માત્ર વિરહ છે; પ્રભુ મળ્યા નથી… પ્રભુ મળ્યા નથી… ક્યારે મળશે..? ક્યારે મળશે…? અને એ વિરહની આગ સંપૂર્ણ શરીરનો કબજો લઈને બેસી ગઈ છે, હવે એ શરીર દ્વારા, એ હાથ દ્વારા પત્રને લેવામાં આવે, તો પત્ર સળગી જ જાય ને…! ચાલો, પત્રને હાથમાં ન લો, નજીક આવીને પત્રને જુઓ તો ખરા કે તમારા માટે તમારા પ્રાણપ્રિયે શું લખ્યું છે?

પોથીનું પૂજન કરનારા તમે, પોથીનું અધ્યયન કરનારા કેટલા? રોજ અમારી પાસે આવો, જ્ઞાનની થાળી પડી હોય, ત્યાં તમે વાસક્ષેપથી પૂજા કરી દો. જ્ઞાનનું પૂજન કરો છો; પણ એ જ્ઞાન તમારા જીવનમાં ઉતરે એના માટે તમે શું કર્યું? તમારા માટે એક બહુ સરસ વ્યવસ્થા જિનવાણી શ્રવણની છે. કોઈ પણ મહાપુરુષ એક પ્રવચનની અંદર ૨-૫ ગ્રંથોનો સાર તમને આપી દેતાં હોય છે.! તમે સંસ્કૃત ભણ્યા નથી. પ્રાકૃત ભણ્યા નથી. અને છતાં તમને ગ્રંથોનો સાર મળે પ્રવચનો દ્વારા. પણ, એ પ્રવચનોને પણ એક સ્વાધ્યાયની જેમ સાંભળો, એ અંદર પ્રવેશે જ, સવાલ જ નથી. એક પદાર્થ ગમી ગયો તો એને વારંવાર ઘૂંટો. એને વારંવાર સાંભળો. વારંવાર ઘૂંટો. તો બહુ મજાની વાત આવી કે ચાલો પત્રને હાથમાં ન લો, નજીક આવીને વાંચી તો લો.. કે તમારા પ્રાણપ્રિયે તમારા માટે કયો સંદેશ મોકલ્યો છે? અને એ વખતે શું ગોપીઓની મનોભાવના છે! સુરદાસજીએ પદમાં એને ખોલી, “બીલૌકે ભીંજે” નજીક આવીશું, એ પ્રાણપ્રિયના અક્ષરોને જોઈશું, આંખમાંથી આંસુની ધાર નીકળશે, અને એ આંસુની ધાર દ્વારા, પેલા અક્ષરો ચહેરાઈ જશે, અક્ષરો ભૂંસાઈ જશે.

કલ્પસૂત્ર. પવિત્ર કલ્પસૂત્ર સાંભળતા ક્યારે આ વિચાર આવ્યો? આંખોની અંદર આંસુ સાથે, ગળાના ડુંસકા સાથે, પવિત્ર કલ્પસૂત્ર કેટલી વાર સાંભળ્યું? તમે મનના સ્તર પર છો. એટલે કલ્પસૂત્ર શ્રવણમાં શું થાય? આ તો આવેલું છે, આના પછી આ આવશે, આના પછી આ આવશે. પણ, કલ્પસૂત્ર શ્રવણમાં beyond the mind જવું છે. શબ્દો કયા હતા? એ વર્ણન કયું હતું? એની જોડે સંબંધ નથી. એ પવિત્ર અક્ષરોનું શ્રવણ થયા કરે છે, અને રાગ-દ્વેષ શિથિલ થયા કરે છે. એ પવિત્ર કલ્પસુત્રનો એક-એક શબ્દ, એક-એક અક્ષર મંત્ર જેવો છે; અને એ મંત્ર રાગ અને દ્વેષને શિથિલ કરી નાંખે છે.

તો મેં જ્યારે મહાભારતની આ વાત વાંચી ત્યારે મને થયું કે ગોપીઓને એમના ભગવાન ઉપર, એમના ભગવાનના પત્ર પર, આટલો બધો આદર હોય તો મારા પ્રભુના જે શબ્દો છે, એના પર મને કેટલો આદર હોવો જોઈએ…? એટલે મારી સ્વાધ્યાય યાત્રા, આનંદ યાત્રામાં અને અશ્રુ યાત્રામાં ફેરવાઈ ગયી! આચારાંગ સૂત્ર દર વર્ષે એક મહિનો સ્વાધ્યાયમાં લેતો, અને ત્યારે એ એક મહિનો એવો જતો કે સતત આંખો ભીંજાયેલી રહે! કોઈ મને પૂછે પણ નહિ, કે મ.સા. શું થયું છે? કેમ રડો છો? મારા પ્રભુએ મારા માટે આવી સરસ વાતો કરી છે! અને હું ક્યાં છું….!

આજે તમારા માટે એક પ્રેક્ટીકલ શબ્દસ્પર્શની વાત. રૂપ પરમાત્માનો અનુભવ તમારી પાસે છે. શબ્દ પરમાત્માનો અનુભવ… તમે કહેશો સાહેબ ! ૪૫ આગમ ગ્રંથોમાંથી આગમગ્રંથો અમે સાંભળી શકીએ અમુક, પણ અમને વાંચવાનો અધિકાર તો છે નહિ. તો અમારા માટે શું? અમારા માટે વ્યવસ્થા નહિ…! એક સરસ વ્યવસ્થા આજે આપું. શ્રીપાળરાસમાં ૪૫ આગમોનો સાર અડધી કડીમાં આપ્યો; એક કડી નહિ; અડધી કડીમાં.. અડધી કડીમાં ૪૫ આગમગ્રંથોનો સાર.!

મહોપાધ્યાય યશોવિજય મહારાજા કહે છે ,‘આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’. ગુજરાતી તો આવડે છે ને? તમારી ભવિષ્યની પેઢીને ગુજરાતી નથી આવડવાનું. હજુ સુરતમાં સ્પીડ ઓછી છે. મુંબઈમાં તો એટલી બધી સ્પીડ છે કે ઘરની અંદર પણ પિતા કે માતા દીકરા જોડે ગુજરાતીમાં બોલવા તૈયાર નથી. દીકરાની કેરિયરનું શું થાય, એમ કહે છે…! એ ગુજરાતી બોલતો થઈ જાય તો એની કેરિયર ઉપર પથ્થર વાગી જાય. તમને ગુજરાતી આવડે છે. સરસ. તમારા માટે તો જલસો. દર વરસે બે વાર જે શ્રીપાળરાસનું તમે ગાન કરો છો, એની જ આ કડી છે. અને તમે દર વરસે શ્રીપાળરાસમાં જે કડી સાંભળો છો, એ જ કડી!

શિષ્યે પ્રશ્ન એ કર્યો છે કે ગુરુદેવ ! ૪૫ આગમનો સાર, આપ અમને આપો ને? અમે ક્યારે દીક્ષા લઈશું, ક્યારે યોગોદ્વહન કરીશું અને એક પછી એક સુત્રોનો અભ્યાસ કરીશું. આપ અમને ૪૫ ગ્રંથોનો સાર આપી દો. ગુરુ તૈયાર છે, તમે તૈયાર થાવ એટલી જ વાર છે. ગુરુ તૈયાર.. ગુરુએ તો એ exchange offer ને એકદમ ધમાકામાં ફેરવી નાંખી. ગુરુએ કહ્યું; માત્ર ૪૫ આગમ ગ્રંથોનો સાર નહિ, એ તો શબ્દોનો સાર થયો. એની સાથે આખી સાધનાપદ્ધતિ ‘નોઆગમ’ એનો પણ સાર તને કહી દઉં. અને અડધી કડીમાં એ સાર આવ્યો.. યાદ રહેશે? ખાલી અડધી કડી. યાદ રહેશે? “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે”.

હવે બે સાધના આવી: “આત્મભાવમાં સ્થિર થવું. પરભાવમાં જવું નહિ.” તો શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત પરભાવમાં ઓછું જવાય, ન જવાય એના દ્વારા કરવાની છે.

વાચના પૂરી થશે. ઘરે જશો. માસક્ષમણ હશે એને તો મજા. જલસો. એ કહે કે હાલો હવે પૂજા કરવા. પણ માસક્ષમણ નથી, એને ચા-પાણીનો પનારો પડશે. ચા આવી. ચા ટેસ્ટી પણ હોઈ શકે. અનટેસ્ટી પણ હોઈ શકે. ટેસ્ટી હોય તો રાગ ભાવ થશે. બહુ મજાની છે હો…. એ ચા ને પીતા, ટેસ્ટી (ચા)ને પીતા કદાચ બે મિનિટ લાગેલી હોય. પણ, બે કલાક સુધી એને યાદ કરે.! બહુ મજા અવી..! બહુ મજા આવી..! સામાયિકમાં એવું બને ખરું? સામાયિક પરાઈ ગયું; પછી પણ સામાયિકનો કેફ, એનો ટેસ્ટ કેટલો મજાનો હોય?! તો ચા પીધી.. ટેસ્ટી છે, એનો અનુભવ અલગ પડવાનો, અનટેસ્ટી છે, તો આજ મજા નહિ આવી.

ચિદાનંદજી મહારાજે આ ક્ષણોને પણ ધ્યાન કહ્યું છે! તમે ચા પીતા હોવ, તમને ચા સારી લાગે છે; ચા માં તમને આસક્તિ થાય છે, એ આસક્તિને તમે જુઓ છો; એ રુપસ્થ ધ્યાન છે. કારણ, એક ગણિત નક્કી થયું કે આસક્તિ જુદી ચીજ છે અને હું જુદી ચીજ છું. અત્યાર સુધી શું થતું હતું? ભાઈ શું કરીએ હવે, રાગ બેઠેલો જ છે અંદર; પણ એ રાગ મારું સ્વરૂપ છે, એવું તમે માની બેઠેલા છો.! આજે તમને ખ્યાલ આવે કે તમે આસક્તિને, રાગને જોઈ શકો છો; એટલે આસક્તિ દ્રશ્ય થઈ, તમે દ્રષ્ટા છો. મારી સામે ઘડિયાળ છે, એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. તો દ્રષ્ટા અને દ્રશ્ય બે એક થવાના ખરા? તો આજે જો ચા પીતા બરોબર આવડે ને તો પણ ધ્યાન લાગી જવાનું.

ક્રોધ એ મારું સ્વરૂપ નથી. એક સાધક ગુરુ પાસે આવ્યો. કહે, સાહેબ શું કરું? ક્રોધ એવો સ્વભાવ થઈ ગયો; કે ઈચ્છું કે ન ઈચ્છું ગુસ્સો આવી જ જાય છે. ગુરુ પણ મજાના માણસ હતા. ગુરુએ કહ્યું, અચ્છા! ક્રોધ તારો સ્વભાવ છે એમ? તો ચલ જો હું વન, ટુ, થ્રી, કહું છું. થ્રી કહું એ સાથે ગુસ્સો તારો બહાર ફાટી પડવો જોઈએ. ગુરુએ કહ્યું, વન, ટુ, થ્રી; પણ ગુસ્સો થાય શી રીતે? પેલો કહે, એમ તો ગુસ્સો કેમ આવે પણ?! ગુરુ કહે, હરામખોર! તું કહે છે કે મારો સ્વભાવ છે અને સ્વભાવ હોય એને શોધવા જવો પડે? પાણીને ગરમ કરવું હોય તો ગેસ ઉપર મુકવું પડે અને ઠંડુ કરવું હોય તો? ઠંડુ ઓટોમેટીકલી થવાનું છે કારણ કે ઠંડુ રહેવું એ પાણીનો સ્વભાવ છે. એમ તમારો સ્વભાવ શું? ઠંડો રહેવાનું કે ગરમ રહેવાનું? તમારો સ્વભાવ કયો? છુટું પાડો… ગુસ્સો છે મારામાં. પણ ગુસ્સો મારો સ્વભાવ નથી… હું ગુસ્સો નથી… પણ મારામાં ક્રોધનો ઉદય થાય છે, એ વખતે હું અજ્ઞાનથી એ ઉદયમાં ભળી જાઉં છું..

બંગાળના એક પ્રોફેસર હતા. પ્રોફેસર પણ ખરા. સમાજસેવક પણ ખરા. ઘરે આવવાનો સમય નક્કી નહિ. પત્ની રોજ કહે કે બાજુવાળાને ત્યાં ફોન છે અને બાજુવાળા બહુ ભલા માણસ છે, એને કહેવડાવી દો, હું બે વાગે આવીશ, ત્રણ વાગે આવીશ, ચાર વાગે આવીશ. પણ પતિને સમાજ સેવાનો એવો નશો લાગેલો કે એવું કામ મળે એટલે ભૂલી જ જાય. એકવાર તો સાંજે છ વાગ્યા ઘરે આવતાં! અને પત્ની ગરમા-ગરમ.. શું માંડ્યું છે તમે? મારે બીજું કંઇ કામ જ ન હોય એમ?! ભાત ગરમ કર્યા જ કરું એમ તમારાં માટે? લો આ ઠંડા ભાત છે, ખાવા હોય તો ખાવ; નહિતર સુઈ જાઓ એમને એમ.! પત્ની ગરમ હતી; પણ પતિ નરમ હતો. આપણે ત્યાં એક શબ્દ છે, ગરમા-ગરમ. ગરમ+અગરમ. એક ગરમ હોય અને બીજું અગરમ હોય તો વાંધો નહિ. બેય ગરમ ભેગા થયા તો તકલીફ થાય. તો આણે, પ્રોફેસરે તો ભાતની થાળી હાથમાં લીધી; પત્નીના માથામાં મૂકી. પત્ની કહે શું કરો છો? કહે તારું માથું બરોબર તપેલું  છે. ગેસ-બેસ સળગાવવાની જરૂર નથી! મારા દાળ-ભાત ગરમ થઇ જશે. ક્રોધ તમારો સ્વભાવ છે? આવતી કાલે આપણે અહીંથી શરૂઆત કરવાની કે ક્રોધ તમારો સ્વભાવ છે? નથી? તો આવે છે કેમ? આવી ગયો, તમે એમાં ઝડપાઈ કેમ જાવ છો? કાલે તમારા ક્રોધનું આખું પૃથ્થકરણ કરી લઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *