વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુની સાધનાયાત્રા
જ્ઞાતાભાવ એટલે જે સ્વરૂપે જે છે, એને માત્ર જાણો; એમાં તમારું projection ઉમેરો નહિ. આ કાળું વસ્ત્ર છે અને આ સફેદ વસ્ત્ર છે – આમ બસ જોઈ લેવું, તે જ્ઞાતાભાવ. આપણા મનમાં અવધારણા હોય કે કાળું વસ્ત્ર ખરાબ અને સફેદ વસ્ત્ર સારું અથવા તો સફેદ વસ્ત્ર એટલે શોકનું વસ્ત્ર – આવી અવધારણાઓથી મનનું મુક્ત થવું એટલે જ્ઞાતાભાવ મળવો.
અને દ્રષ્ટાભાવ એટલે બધું માત્ર જોવાનું છે; કંઈ જ કરવાનું નથી. આપણે નાનકડા વેંતિયા માણસો અને આપણું કર્તૃત્વ તો એથી પણ નાનું હોવાનું! એના બદલે બધા જ કાર્યો પ્રભુને સોંપી દઈએ, તો! પછી મજા જ મજા. એટલે જ મારો તો શિલાલેખ છે કે I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી; પ્રભુ જ બધું કરે.
તમે તમારા ઉપયોગને સ્વરૂપદશામાં મૂકી દો અને અંદરના આનંદનો અનુભવ તમને થાય ને, તો તમે બહાર પણ ન આવી શકો. કોઈ પણ ઘટના ઘટતી હોય શરીર પર, એનાથી તમે બેખબર હોવ. અને જો ઘટના સમયે તમે ઘટનામાં હાજર જ ન હોવ, તો પાછળથી સ્મરણ પણ કોણ કરે!
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૩૧
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાયાત્રા.
પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા છે. અનાડી લોકો પ્રભુના પરમપાવન દેહ પર લાકડીઓનો વરસાદ વરસાવે છે. શિકારી કુતરા પરમાત્માની પાછળ દોડાવી પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે-લોચાં કઢાવી રહ્યા છે. પ્રભુ ગામની બહાર પધારે છે. જંગલ શરૂ થયું. પ્રભુને કાયોત્સર્ગ ધ્યાનમાં જવું છે. એ વખતે આચારાંગ સૂત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો; કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી છે. હમણાં જ, પા કલાક-અડધો કલાક જ થયો છે, અને પ્રભુને હવે ધ્યાનમાં જવું છે; હજી પ્રભુ ધ્યાનમાં નથી ગયા, એ ક્ષણોમાં આ જે ઘટના ઘટી ગઈ, એનું સ્મરણ હોય કે ન હોય?
બહુ પ્યારું સૂત્ર આવ્યું; “एयाइं से उरालाइं गच्छइ णायपुत्ते असरणाए” असरणाए – પ્રભુને કશું જ યાદ નથી! અરે! પણ હમણાં તો લાકડીઓનો વરસાદ વરસ્યો છે, શરીર પર! હમણાં તો શિકારી કુતરાઓએ પગની પિંડીમાંથી માંસના લોચે-લોચાં કાઢી નાંખ્યા છે! અને આવી ઘટનાનું સ્મરણ નથી?! હા, સ્મરણ નથી! How it is possible? કઈ રીતે આ શક્ય બને? અમને તો કોઈએ એક કડવો શબ્દ કહ્યો હોય ને, તો ય મહિનાઓ સુધી ચચરે છે! મહિનાઓ સુધી અમે એને ભુલી શકતાં નથી; અને આટલી મોટી ઘટના ઘટી, અને છતાં પ્રભુને સ્મરણ નથી! णायपुत्ते असरणाए – પ્રભુને આ ઘટનાનું કશું જ સ્મરણ નથી.. કઈ રીતે આ બની શકે? મજાની વાત કરી, કે જે ક્ષણે ઘટનાઓ ઘટી, એ ક્ષણે પ્રભુ ઘટનાઓમાં નહતા; પોતાની ભીતર હતાં.. ઘટના વખતે તમે હાજર હોવ, તો પાછળથી તમે ઘટનાનું સ્મરણ કરી શકો. પણ, ઘટના વખતે ગેરહાજર હોવ તો…? જે ક્ષણે આ ઘટનાઓ ઘટી, પ્રભુ ગેરહાજર છે. પ્રભુ નથી ઘટનામાં, નથી શરીરમાં, નથી ક્યાંય… પ્રભુ માત્ર સ્વમાં છે…. આખી જ પ્રભુની સાધનાનો નિચોડ, આ એક સૂત્રમાં ભગવાન સુધર્મા સ્વામીએ આપ્યો. ઉપયોગને સ્વ-કેન્દ્રિત બનાવવો.
શરીરમાં પીડા થાય છે; પણ એ પીડા છે, માટે તમને એનો બોધ થાય છે એ વાત નથી; એ પીડામાં તમારો ઉપયોગ જાય છે, માટે તમને પીડા થાય છે. ઉપયોગને પીડામાંથી લઇ લો.. ચાર ડીગ્રી તાવ આવેલો છે. હેડેક, બોડીએક બધું જ ચાલુ છે. ડોલો અને બીજી બધી દવાઓ લેવા છતાં વેદનામાં કોઈ ફરક પડતો નથી. અસહ્ય વેદના છે. અને એ વખતે એને સમાચાર મળે છે કે કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ. કરોડ રૂપિયાની લોટરી લાગી, આ સાંભળે છે; તરત જ એનો વિચાર કરોડ રૂપિયામાં જાય છે. Tax કાપતાં 60 લાખ જેટલાં તો બચશે. એમાંથી આ કરશું, આ કરશું, આ કરશું, આ કરશું. શું થયું? વિચાર બદલાઈ ગયો. ઉપયોગ જે શરીરમાં હતો, એ કરોડ રૂપિયામાં આવી ગયો. એટલે તમને પણ ઉપયોગ ફેરવતાં આવડે છે. ઉપયોગ એટલે વિચાર. વિચારને ફેરવતાં તમને પણ આવડે છે.
કાશીના મહારાજા, પેટમાં દુઃખાવો ઉપડ્યો. ડોકટરોની પેનલ તૈયાર હતી. ડોકટરોએ જોઇને નક્કી કર્યું; કે એપેન્ડીક્સ છે, અને તાત્કાલિક એને ઓપરેટ કરવું પડે એમ છે. મહારાજા હોસ્પિટલમાં એડમીટ થયા. એમણે જ બનાવેલી હોસ્પિટલ હતી. ટેસ્ટીંગ બધા થઇ ગયા. બીજી સવારે એમને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા. ઓપરેશન થીયેટરમાં લઇ જવાયા પછી પહેલું કામ એનેસ્થેસિયા આપવાનું હોય છે. દર્દીને બેભાન બનાવી દે. એનેસ્થેસિયા આપવાની વાત આવી, મહારાજાએ ના પાડી; હું બેભાન કોઈ પણ સંયોગોમાં ન થાઉં. ડોકટરોએ કહ્યું; સાહેબ! અમને અમારું કામ કરવા દો. આ કોઈ તમારો વિષય છે? મહારાજા કહે છે; તમારે ઓપરેશન જે રીતે કરવું હોય તે રીતે કરો, એમાં હું કોઈ દખલ નહિ કરું; પણ, એનેસ્થેસિયા તો નહિ જ! બેભાન તો હું કોઈ પણ સંયોગોમાં નહિ થાઉં! બીજો પેશન્ટ હોય ને, તો ડોકટર કહી દે- ઉઠી જા, ઉભો થઇ જા, ઘર ભેગો થઇ જા. આ શું લવારા માંડ્યા છે! પણ, આ તો VVIP પેશન્ટ છે! છેવટે નક્કી કરવામાં આવ્યું, કે બેભાન નહિ કરીએ, એક પેટમાં ચીરો મુકીએ, ચીરો મુકતાંની સાથે જ ખબર પડી જશે, કે ભાઈ આ આપડાથી સહન થાય એમ નથી. પછી એનેસ્થેસિયા આપી દઈશું.
મહારાજાએ કહ્યું; મારા સામાનમાં ભગવદ્ગીતાનું પુસ્તક છે એ લાવો. પુસ્તક આવ્યું. સ્થિતપ્રજ્ઞ અધ્યાયનો સ્વાધ્યાય કરવા માંડ્યા. એ સ્વાધ્યાય અનુભૂતિમાં ગયો. પુસ્તક હાથમાંથી ઢળી પડ્યું. ઓપરેશન શરૂ થયું, અને ઓપરેશન પૂરું થયું. No anesthesia! ઓપરેશન પૂરું થયું. ટાંકા લેવાઈ ગયા, કે સાહેબ ઓપરેશન પૂરું થઇ ગયું; ચાલો ત્યારે આપણે રૂમમાં, કહે છે!
આ શું હતું? એમણે ઉપયોગને શરીરમાંથી કાઢી અને પોતાના સ્વરૂપદશામાં મૂકી દીધો. આપણને તો આ કામ બહુ સરસ રીતે આવડે.
ભગવાનની સાધનાના આની પહેલાંના ત્રણ સુત્રો છે. પહેલું સૂત્ર એ સમયનું છે, જ્યારે ભાઈના આગ્રહથી પ્રભુને રોકાવવું પડે છે. માત-પિતા ગયા. દીક્ષા લેવા માટે પ્રભુ તૈયાર થયા. ભાઈ ના પાડે છે, કે હું તારા વિના રહી નહિ શકું. ભાઈના આગ્રહથી બે વર્ષ પ્રભુ રહ્યા. એ બે વર્ષમાં પ્રભુએ કઈ સાધના કરી?
પ્રભુ આપણને કહે છે; કે દીક્ષા લેવી હોય તો એની પહેલાં બે વર્ષ સુધી આ સાધના કરો, પછી દીક્ષાની વાત. સૂત્ર છે: “एगत्तगए पिहियच्चे अहिन्नायदंसणे संते” આ પ્રભુની સાધનાનું વર્ણન મને પોતાને એટલું બધું ગમે છે, કે વાંચતો હોઉં અને આંખમાંથી આંસુ ટપકતાં હોય.. કે શું મારા ભગવાને સાધના કરી! અને અમને આપી.!
“સાડા બાર વર્ષ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો” સાડા બાર વર્ષ સુધી પ્રભુ એક ક્ષણ માટે પલાઠી વાળીને બેઠા નથી! સાડા બાર વર્ષ વિહાર, ક્યારેક પારણું; બાકીનો પૂરો સમય ધ્યાન, કાયોત્સર્ગ ધ્યાન. એ સાડા બાર વર્ષની સાધના પ્રભુએ કરી. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને આપણા માટે સાધનાનો કુંભ પ્રભુએ આપ્યો. કેવી પ્રભુની કૃપા…!
તો આ સાધનાને સાંભળતી વખતે પણ આપણું હૃદય ભીનું ભીનું થઇ જાય. ગ્રહસ્થપણાની અંદર પ્રભુ કઈ સાધના કરે છે? ત્રણ સાધના પ્રભુએ કરી. પહેલું “एगत्तगए” – પ્રભુ એકાંતમાં રહેતા હતાં અને એકાંતને બરોબર ભીતર લઇ જતા હતાં. એકાંત પ્રારંભિક સાધક માટે બહુ જ કામનું છે. એકાંત અને મૌન.
નડિયાદમાં અત્યારે પણ મૌન મંદિર છે. તમે આજે registration કરાવો, તો છ મહિને કદાચ તમારો નંબર લાગે. એટલી લાઈન ત્યાં લાગેલી હોય છે. ત્યાં બહુ સરસ વ્યવસ્થા કરી છે. આપણે આપણા તીર્થોમાં આવી વ્યવસ્થા કરી શકીએ. વ્યવસ્થા એવી છે; કે તમે ત્યાં ગયા, એટલે તમને તમારા રૂમની ચાવી આપી દેવામાં આવે. તમે રૂમ ખોલીને અંદર જાવ. અઠવાડિયું કે પંદર દિવસ તમારે રોકાવવાનું છે. એટલે બહારથી દરવાજો lock થઇ જાય. અઠવાડિયા સુધી દરવાજો ખુલવાનો નહિ. નાસ્તાનો અને જમવાનો સમય થાય ત્યારે પણ વ્યવસ્થા એવી રાખેલી છે, એક બારી છે. બારીને બે શટર છે. વેઈટર એક શટર ઊંચું કરી અને નાસ્તાની થાળી અને બધું મૂકી દે, પછી એની બાજુનું શટર બંધ કરે, પછી જ આ બાજુનું શટર ખુલે. એટલે અઠવાડિયામાં એક પણ વ્યક્તિનો ચહેરો જોવાનો નહિ! મોબાઈલ ફોન તમે લઇ જઈ શકો નહિ. એક પુસ્તક તમે લઇ જઈ શકો નહિ. અઠવાડિયું શું કરવાનું? મૌનમાં રહેવાનું.. તમે મૌનમાં જાવ; એટલે ભીતરની આખી જ વાણી પ્રગટ થાય.
એક ભાઈ ત્યાં જઈને આવેલા. 15 દિવસની એમની સાધના હતી. મારી પાસે આવેલા. મને કહે સાહેબ, Excellent.! અદ્ભુત.! એક-બે દિવસ તો મને જરાક લાગ્યું. એકલાપણું. પણ પછી એકાંત એવું ગમી ગયું, એવું ગમી ગયું, કે અત્યારે હું ભીડની અંદર બરોબર adjust થઇ શકતો નથી. તો પ્રભુએ પહેલી સાધના આ કરી. તમારે પણ કરવાનું ને?
ધન્ના-શાલીભદ્રજી વૈભારગિરિની ગુફામાં સાધના કરતાં હતા. ઉપાશ્રયનો એક રૂમ એટલે વૈભારગિરિની ગુફા. હું 30 વર્ષ સુધી આવી વૈભારગિરિની ગુફામાં રહ્યો છું. 30 વર્ષ.. 30 years.. સવારે દર્શન કરી આવું. મારું માંડલીનું કામ હોય એ કરી લઉં. બાકી મારી વૈભારગિરિની ગુફામાં. પુસ્તકોનો ખડકલો પડેલો હોય. સ્વાધ્યાય કરું. ધ્યાન કરું. એ 30 વર્ષ એકાંતમાં રહ્યો. મોટો benefit મને એ મળ્યો કે આજે ભીડમાં પણ હું એકાંતમાં છું. હવે ભીડ કે એકાંત બે અલગ લાગતા નથી. ભીડ બહાર છે. હું મારી અંદર છું. હવે તો તમારા માટે બહાર આવી જઈએ; પણ આમ અંદર જ હોઈએ..
કબીરજીએ કહ્યું છે.. કબીરજી બજારમાં બેસીને; “કબીરા બેઠા બાજાર મેં, લિયે લકુઠી હાથ” લાકડી હાથમાં જ છે, કોઈને મારવા નહિ. શું કહે છે- “જો ઘર-બારે આપના, વો ચલે સંગ હમાર.” આ વિભાવનું પરભાવમાં attraction નું, attachment નું જે ઘર છે, એને ખતમ કરવા જે તૈયાર હોય, ચાલો મારી સાથે. ચાલવામાં તકલીફ પડે તો લાકડી આપી દઈશ..
તો “एगत्तगए” – પ્રભુ એકાંતમાં હતા. “पिहियच्चे” – પ્રભુને અવધિજ્ઞાનથી ખ્યાલ હતો, કે સાડા બાર વર્ષ કાયોત્સર્ગ ધ્યાન કરવાનું છે. એટલે આ બે વર્ષમાં એમણે પોતાના શરીરને સાધ્યું. पिहियच्चे – પ્રભુ કાયગુપ્તિથી યુક્ત હતા. એ બે વર્ષમાં પણ પ્રભુ લગભગ કાઉસ્સગ ધ્યાને જ રહેતાં. અને “अहिन्नायदंसणे संते” પ્રભુ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં લીન હતા.
જ્ઞાતાભાવ બહુ મજાની વસ્તુ છે. અત્યાર સુધી શું થયું? પદાર્થોને જાણ્યા, વ્યક્તિઓને જાણ્યા; રાગ અને દ્વેષ કર્યો. હવે જ્ઞાતાભાવ આવે, એટલે પદાર્થોને માત્ર જાણવાના છે; રાગ-દ્વેષ કરવાનો નથી. આ કાળું લુઘડું છે અને આ સફેદ લુઘડું છે; જે છે, એ જોઈએ લો! તો જ્ઞાતાભાવ, એટલે જે સ્વરૂપે જે છે, એને જાણવું; એમાં આપણું projection ઉમેરવું નહિ. આપણા મનમાં એમ થાય, એક projection હોય, અવધારણા. કાળું વસ્ત્ર એટલે ખરાબ ગણાય, ને સફેદ સારું ગણાય. સફેદ પણ શોકનું વસ્ત્ર ગણાય એટલે એ બરોબર નહિ. આવી ઘણી બધી અવધારણા હોય છે. પણ, એ બધી જ અવધારણાઓથી મુક્ત મન, એ જ્ઞાતાભાવ મળવો. અને દ્રષ્ટાભાવ- બધું જોવાનું છે.
આપણા કવિ કહે છે; હું ક્યાં કંઈ કરવા માટે આવ્યો છું? હું તો કેવલ ફરવા માટે આવ્યો છું! તમે ફરવા માટે જાવ ને તો attachment ન થાય. ધર્મશાળામાં ઉતર્યા. તમારી રૂમમાં પ્લાસ્ટર ઉખડેલું છે, ને કડિયાને બોલાવવા જવાના? બાથરૂમમાં પાણી બરોબર નથી આવતું, એટલે પ્લમ્બરને બોલાવવા જવાના? “હું તો કેવલ ફરવા માટે આવ્યો છું.” કંઈ જ કરવું નથી. મારું તો સ્પષ્ટ શિલાલેખ છે- I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી. પ્રભુ બોલે. પ્રભુ કરે. આપણે નાનકડા વેતિયા માણસો. આપણું કર્તૃત્વ એથી પણ નાનું હોવાનું. એના બદલે પ્રભુને સોંપી દઈએ તો? મજા જ મજા.!
તો ત્રણ સાધના પ્રભુએ ગ્રહસ્થપણામાં બે વર્ષમાં ઘૂંટી. બરોબર ને? એટલે તમારી પાસે હવે આવે ને, એ બધાને આ ત્રણ સાધના ઘૂંટાવજો. એકાંતમાં રહેવાનું, કાયોત્સર્ગ ધ્યાને રહેવાનું, 2-4 કલાક, અને જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવનું આંશિક અનુભવ કરવાનો.
એ પછી તરત પ્રભુની દીક્ષાનું સૂત્ર આવ્યું; “अहुणा पव्वइए रिइत्था” મેં 30 વર્ષ સુધી આચારાંગજીનો સ્વાધ્યાય કર્યો. દર વર્ષે એકવાર. સ્વાધ્યાય છૂટી ગયો, ત્યારે આચારાંગજી છૂટી ગયું. આદિ કેવળ ધ્યાનદશા હોય છે, એટલે સ્વાધ્યાય પણ હવે લગભગ રહ્યો નથી. પણ જ્યાં સુધી સ્વાધ્યાયની દશા હતી, ત્યાં સુધી ૩૦ વર્ષ સુધી લગાતાર આચારાંગજી નો સ્વાધ્યાય કર્યો. એકેક સુત્રો એટલા બધા મજાના છે.
પર્યુષણ પછી ક્યારેક આપણે એની પણ પ્રવચનમાળા રાખીશું. તો તમને ખ્યાલ આવશે કે તમને શું આપવામાં આવ્યું છે.. અદ્ભુત સાધના આચારાંગજી માં છે… અને એનું શિરમોર જેવું પહેલા શ્રુતસ્કંધનું આ નવમું બ્રહ્મચર્ય અધ્યયન છે. જેમાં પ્રભુની સાધનાની જ કેવળ વાતો છે. ચાર ઉદેશક છે, પણ ચારે-ચાર ઉદેશકમાં માત્ર પ્રભુની સાધનાની જ વાત છે. એક જગ્યાએ લખ્યું છે; પ્રભુ ક્યાં-ક્યાં વિચરતાં, ક્યાં-ક્યાં રહેતાં.. સ્મશાનમાં… કોઈ પડી ગયેલું ઘર હોય ત્યાં… પ્રભુ ક્યાં-ક્યાં ક્યાં વિચરેલા…!
તેરાપંથના આચાર્ય યુવાચાર્ય મહાપ્રજ્ઞ. એ એમના શિષ્યવૃંદ સાથે એમના પહેલાં આચાર્ય ભિક્ષુજીએ જ્યાં સાધના કરેલી, એ સ્થાને ગયા. રાજસ્થાનમાં આવેલું એ નાનકડું ગામ. અને ત્યાં આવેલું એક ઘર. જેમાં ભિક્ષુજીએ સાધના કરેલી. તો ઘર એવું, કે ત્રણે બાજુથી pack, અને ચોથી બાજુએ એક ખાલી બારણું, અંદર જવા-આવવાં. મહાપ્રજ્ઞજી એ ત્યાં પ્રવચન આપ્યું અને પોતાના શિષ્યોને પૂછ્યું; કે આપણા આચાર્ય અહીંયા મહિનાઓ સુધી સાધના કરવા માટે રહેલાં. તમારામાંથી કેટલા, કેટલા દિવસ અહીંયા રહી શકે? તો બધા સાધુઓએ કહ્યું; કે એકેય દિવસ અમે અહીંયા રહી ન શકીએ. તો પ્રભુ એવી રીતે વિચારેલા, ક્યાંક ખેતરોમાં, ક્યાંક આવા ઘરોમાં, ક્યાંક સ્મશાનમાં. કારણ? કોઈ ભેદભાવ રહ્યો જ નહતો.! આ સારું ને આ ખરાબ, એ વાત તો રહી જ નહતી.! જે છે એનો સ્વીકાર..
તો “अहुणा पव्वइए रिइत्था” આ સુત્રો છે ને મોઢે કરવા જેવા છે. “अहुणा पव्वइए” – હમણાં જ દીક્ષા લીધી અને પ્રભુ વિહાર કરે છે. બહિર્ભાવ ને છોડી દે છે. Attachment હતું જ નહિ, પણ થોડું ઘણું હશે એ પણ ગયું. Total detachment. દીક્ષાની પહેલી ક્ષણથી, કરેમિ સામાઈયં પ્રભુ બોલ્યાં, એ ક્ષણથી total detachment. ક્યાંય કોઈ સંબંધ નથી. અમે મજામાં કેમ બોલો? અમે શાતામાં કેમ? અમારી નજર પ્રભુ સામે છે. તમારી નજર અમારી સામે હોય તો વાંધો નથી. તમે ભોગમાં પડેલા છો. તો ત્યાગીની સામે તમારી નજર જાય તો ત્યાગને આદર્શ તરીકે તમે જીવનમાં સ્થાપી શકો. એટલે તમારી નજર અમારી સામે હોય એ બરોબર છે. પણ, અમારી નજર તો 24 કલાક પભુની સામે જ હોય; અને માટે અમે સુખી છીએ. જો તમારા તરફ અમારી નજર જાય ને, તો અમે પણ મજામાં ન રહીએ. આવ્યાં, ધર્મલાભ, જાઓ. કોઈ attachment અહીં કરવું નથી. ક્યાંય સંબંધ બાંધવો નથી.
તો પ્રભુએ પોતાના ઉપયોગને, વિચારને સ્વરૂપદશામાં મૂકી દીધોલો. હવે અંદર તો આનંદ જ આનંદ છે. એ આનંદનો અનુભવ તમને થાય ને, તો તમે પણ બહાર ન આવી શકો.! એટલે મારી ઈચ્છા એક જ છે; તમને એ આનંદનો આસ્વાદ થોડો પણ લગાવી દેવો. એકવાર એ આનંદ આવ્યો, શ્રામણ્યનો; પછી તમે ક્યાંય પરમાં જાવ જ નહિ. પરભાવમાં, કદાચ રતિ હોય તો 2%, 98% અરતિ જ છે. એટલે તમે સ્વભાવમાં જાવ, ત્યારે આનંદ જ આનંદ છે! તમારું સ્વરૂપ જ આનંદમય છે! એટલે જ હું વારંવાર પૂછું છું, કે અમને જોઇને ઈર્ષ્યા થાય છે? અહોભાવ તો no doubt તમને છે, એમાં સવાલ જ નથી કોઈ… પણ એ અહોભાવને સઘન બનાવવા માટે એમાં ઈર્ષ્યાભાવને ઉમેરો.
આ બાલમુનિ દસ વર્ષની વયમાં એમને આ આનંદ મળી ગયો. જુઓ તો ખરા, એમના ચહેરા ઉપર કેટલી મસ્તી છે! પછી અમારી પાસે ન આવો? સાહેબ! આટલા બધાને રજોહરણ આપ્યું, અમને કેમ નહિ આપ્યું? તમને છે ને ઝઘડો ક્યાં કરવો એ મારે શીખવાડવું પડશે. ઝઘડો બે જ જગ્યાએ થાય; એક દેરાસરમાં ને એક ઉપાશ્રયમાં.
દેરાસરમાં ઝઘડો કરવાનો. વીરવિજય મહારાજે પૂજામાં બતાવ્યું; “સુલસાદિક નવ જણને જિનપદ દીધું રે” પ્રભુ સુલસાજીને તમે તીર્થંકર પદ આપ્યું, રેવતીજીને આપ્યું, શ્રેણિકજીને આપ્યું; તો મને કેમ બાકાત રાખ્યો? લાવો મને પણ આપો.! નહિતર સીધો ઝઘડો માંડી દો. અને બીજો ઝઘડો અમારી જોડે કરવાનો, ઉપાશ્રયમાં. સાહેબ! આટલા બધાને દીક્ષા આપી. અમને કેમ બાકી રાખ્યા? સમજી ગયા? એટલે ઘરે ઝઘડો હવે નહિ કરવાનો, ઝઘડો બે જ જગ્યાએ કરવાનો, દેરાસરે અને ઉપાશ્રયે.
તો પ્રભુ અંદર પ્રવેશી ગયા છે. એવા આનંદમય લોકમાં પ્રભુ પધાર્યા છે કે શરીરમાં કંઈક થઇ રહ્યું છે, એનો પણ પ્રભુને ખ્યાલ નથી! હું ઘણીવાર કહું છું; કોઈ મહાત્મા હોય અને કોઈ આ રીતે પરિષહ કરે, અને એમને ખબર પણ ન હોય, તો એ મસ્તી કેવી?! પોતાના શરીર પર લાકડીઓનો વરસાદ વરસે, અને પોતાને ખબર ન હોય, એ મસ્તી કેવી?!
પેલું મજાનું ગીત છે ને; મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, જહાં મેરે અપને સિવા કુછ નાહી” એવી એક મસ્તી પ્રગાઢ… કે જ્યાં એક માત્ર હું જ હોઉં.! પણ હું એટલે કોણ એ પછી ગરબડ કરશો.! હું એટલે કોણ? હું એટલે હરેશ… હું એટલે રમેશ… પાછો લોચો માર્યો.! હું એટલે આનંદઘન ચૈતન્ય.! નામ તો એક વ્યવહારની વસ્તુ છે કે આટલા બધા લોકો હોય, એટલે કોઈને બોલાવવો છે તમારે, કઈ રીતે બોલાવવો? આમ… પણ કોને આમ…? તો નામ છે તો કહી શકો કે પ્રવિણભાઈ આવો, એટલે પ્રવિણભાઈ આવી જાય. તો નામ તો ખાલી વ્યવસ્થા માટે છે. હોસ્પિટલમાં તમે જાવ તો નંબરમાં ફેરવાઈ જાવ. પેશન્ટ નંબર 47. તો નામ, નંબર એ વ્યવસ્થાની વાત છે. તમે કોણ? Who are you?
રમણ મહર્ષિ કહેતાં, કે એક ડુંગળીનો દડો કોઈના હાથમાં હોય, તો ડુંગળી શું? ફોતરું છે ઉપર, એક ફોતરું કાઢો, હવે ડુંગળી શું? પાછું ફોતરું છે કાઢો. ફોતરું છે કાઢો. જે બચે તે હું. એક નામનું ફોતરું. એક રૂપનું ફોતરું. એક સામાજિક પ્રતિષ્ઠાનું ફોતરું. આ બધા જ ફોતરાઓને પેલે પાર તમારું મૂળ સ્વરૂપ છે. અને એ મૂળ સ્વરૂપ કેવું છે? આનંદઘન..
તો પ્રભુનું આ સાધનાસૂત્ર આપણી સામે છે. “एयाइं से उरालाइं गच्छइ णायपुत्ते असरणाए” ગમે તેવી ઘટના ઘટતી હતી શરીર પર, પ્રભુ એનાથી બેખબર. અને બેખબર હતા- એ વખતે જ ઘટનામાં ન હતા, તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના વખતે તમે હાજર હોવ તો, પાછળથી તમે એનું સ્મરણ કરો. પણ, ઘટના વખતે ગેરહાજર હોવ તો? તો પ્રભુ શરીર પર આવી ઘટના ઘટી, ત્યારે પણ એનાથી બેખબર.!
ને असरणाए – અસ્મરણ. કાંઈ જ સ્મરણ નથી. દીક્ષા લીધા પહેલાંની એક પણ અવસ્થાનું સ્મરણ તમને ન જોઈએ. હું આમ કરતી હતી પહેલાને, અને હું આમ કરતો હતો, આ સ્મરણ જ ન હોય. કારણ કે તમે અત્યારે એટલા બધા સઘન આનંદમાં જતાં રહ્યા હોવ, કે એ ઘટનાઓનો સ્મરણનો અર્થ જ ન રહ્યો. તમે એ ઘટનામાં જાવ, તો સ્મરણ થાય. જતાં જ નથી, તો સ્મરણ થતું નથી.
તો અદ્ભુત પ્રભુની સાધના છે. સાડા બાર વર્ષની આ સાધના આચારાંગજીમાં આપેલી છે. આપણે એનો સ્વાધ્યાય કરવાનો છે. આજે તડકામાં 15 મિનિટ ઉભા રહો. Practical કરો. શું અસર થાય છે? હું શરીર નથી. તો શરીરમાં કંઈ થાય તો એની જોડે મારે સંબંધ શું? ગરમી લાગે છે, પણ ગરમી જોડે મારે કોઈ સંબંધ નથી. આપણે પ્રભુની તપ સાધનાનું અનુકરણ કરીએ. પણ હવે પભુની આ સાધનાનું અનુકરણ આપણે કરવું છે, કે આવી રીતે નાની-નાની ઘટનાઓની અંદર હું જાઉં; અને એ વખતે એ ઘટનામાં હું ન હોઉં તો પાછળથી સ્મરણ ન થાય.
તો असरणाए. પ્રભુ ઘટનાઓમાં હતા, અને ઘટનાઓને પેલે પાર હતા. ઘટનાઓની અસર પ્રભુને કાંઈ જ થતી ન હતી. ચાલો, 15 મિનિટ તડકામાં ઉભા રહો, તો પણ શરીરને થોડી અસર થાય. કો’કે 2 મિનિટ, 1 મિનિટ કડવા શબ્દો કીધાં, તો શું થાય?
હું ઘણીવાર પૂછું છું; કે કોઈ થપ્પડ લગાવે ને તો ગાલ સુજી જાય. કોઈ પીઠ પર ધોકો મારે તો પીઠ સુજી જાય. પણ કોઈ તમને કડવા શબ્દો કહે તો શું થાય? કાનમાં સોજો આવે? કેમ તકલીફ શું પડે છે તમને? એણે કહ્યું; તમે સાંભળી લીધું. વાત પુરી થઇ ગઈ. તમે એને અંદર જવા જ શું કરવા દો છો? અંદર જવા જ નથી દેવું એને. હું પૂછું ઘણીવાર કે ભાઈ કાનમાં સોજો આવે? તો કહે કે સાહેબ! કાનમાં નહિ, મનમાં સોજો આવે. ‘હું’. અને ત્યાં પ્રભુના પ્યારા શબ્દો યાદ આવે, મારો સાધક ભીંત જેવો નથી, આકાશ જેવો છે. ભીંત કોઈને પસાર નહિ થવા દે; આકાશ બધાને પસાર થવા દેશે. કોઈ પણ ઘટના ઘટે, આવી જાવ, પસાર થઇ જાવ. મુક્ત ગગન હું છું. તો પ્રભુ કહે છે; કે મારો સાધક ભીંત જેવો નથી, આકાશ જેવો છે.
બે વાતો કરવી છે- પ્રભુની સાધનાની; અને પ્રભુની, સદ્ગુરુઓની તમારા માટેની કઈ અપેક્ષા છે, એની પણ વાત કરવી છે. અને એ રીતે માત્ર પ્રભુની સાધના સાંભળવી નથી. તમને તૈયાર પણ કરવાં છે. બરોબર…? પહેલાં 7.30 પહેલાં આવશો એટલે તૈયારી નંબર 1. પછી બરોબર સાંભળશો એટલે નંબર 2. પછી એના ઉપર ચિંતન કરશો, thinking તો ત્રીજું-3. અને re-thinking કરશો, વારંવાર ચિંતન કરશો તો ચોથું-4 step આવશે.