વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : विसोगे अदक्खु
કાયોત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહેતા, ત્યારે અંતર્લીન રહેતા. ધ્યાન પૂરું થાય અને પ્રભુ બહાર આવે, પછી જે પણ દેખાય તે ઉદાસીનભાવથી જોતા. માત્ર જોતા. માત્ર જોવાનો અર્થ એ છે કે તમે જોઈ રહ્યા છો; પણ એમાં તમારો ગમો કે અણગમો ભળતા નથી.
પ્રભુ જે પણ જોતા હતા, તે માત્ર ઉદાસીનભાવે. કોઈ દ્રશ્ય પ્રભુને સહેજ પણ સ્પર્શતું ન હતું. એટલે પ્રભુની ઉદાસીનદશા વધુ ને વધુ પુષ્ટ થતી ગઈ. છદ્મસ્થકાળમાં પણ ઉદાસીનદશા એટલી ગહેરી બનેલી કે કોઈ દ્રશ્ય સાથે, કોઈ શબ્દ સાથે, કોઈ પુદ્ગલ સાથે પ્રભુનો સંપર્ક થતો નથી. પુદ્ગલ, પુદ્ગલ છે; આત્મા, આત્મા છે – આ ધારામાં પ્રભુ વિહરતા હતા.
આંખ એ માત્ર camera ના lens જેવી છે. Lens ખુલ્લો હોય, તો અંદર પ્રતિબિંબ પડે. આંખ ખુલ્લી છે એટલે કોઈ રૂપનું પ્રતિબિંબ પડી જાય. પણ જે પ્રતિબિંબ પડ્યું એ સારું કે ખોટું; એ તમે નક્કી તમે કરો છો; તમારું મન નક્કી કરે છે. કોઈ પણ દ્રશ્ય જોઈને તમે રાગ કે દ્વેષ કરો, એમાં આંખ ગુનેગાર નથી; તમે ગુનેગાર છો.
નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે – પાલ ચાતુર્માસ વાચના – ૩૨
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની આંતરકથા.
એકવાર પ્રભુ વિહારમાં છે અને હળવો વરસાદ ચાલુ થયો. બાજુમાં એક યાત્રિક ભવન જેવું હતું. પ્રભુ ત્યાં પધારે છે. ત્યાં ગયા પછી સીધા જ પ્રભુ ધ્યાનમાં ઉતરી જાય છે. સેંકડો લોકો ત્યાં છે. વાતો કરી રહ્યા છે લોકો. ગપ્પા મારી રહ્યા છે. પણ, પ્રભુ introvert બની ગયા છે, અંતર્લીન બની ગયા. કાયોત્સર્ગ ધ્યાન આપણને અંતર્લીન બનાવે. આપણી ચેતના, આપણું મન માત્ર અને માત્ર ભીતર સ્થિર થઇ જાય. ધ્યાન પૂરું થયું અને પછી પ્રભુ ઉભા છે. એ વખતે મજાની ઘટના ઘટે છે. ધ્યાનમાં પ્રભુ હતાં, ત્યારે તો અંતર્લીન બની ગયેલા. ધ્યાન પૂરું થયું છે. પ્રભુ બહાર આવ્યા છે. બધું જુએ છે. પણ, કેવી રીતે જુએ છે? ઉદાસીનભાવથી.. કશું જ એમને સ્પર્શતું નથી.. આ લોકો ગપ્પા મારી રહ્યા છે, કેટલો સમય બગાડી રહ્યા છે.. કોઈ વિચાર પ્રભુને આવતો નથી. તો બહુ મજાનું સૂત્ર આવ્યું: “गढिए मिहुकहासु समयंमि, णायसुए विसोगे अदक्खु” લોકો વાતો કરી રહ્યા છે, લોકો હસી રહ્યા છે, પ્રભુ જુએ છે, ‘માત્ર જુએ’ છે. ‘માત્ર જોવાનો’ મતલબ એ છે; કે તમે જોઈ રહ્યા છો; પણ, એમાં તમારો ગમો કે અણગમો ભળતાં નથી. ‘માત્ર જોવાનું.’ ‘માત્ર કંઈક કરવાનું’.
આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજનો માણસ ફક્ત કશું જ કરતો નથી. એ એક ક્રિયા કરે, ત્યારે બીજી ક્રિયા જોડે એની ચાલુ હોય છે. એ દસ વાગે ભોજન લેતો હોય છે અને મનમાં ઓફીસ સવાર થયેલી હોય છે. ઓફિસેથી સાંજે ઘરે આવે છે; પણ, ઓફિસની ફાઈલ એ બંધ કરી શકતો નથી, અને એથી ઘરે આવ્યા પછી પણ ન બાળકો જોડે પ્રેમથી વાત કરી શકે છે, ન પત્ની પૂછે એનો સરખો ઉત્તર આપી શકે છે. ઘરે છે, ત્યારે ઓફિસમાં મન છે; ઓફિસે ગયો છે, ઘરનું મન છે.
સાધનામાં પણ આ જ વાત છે. જે વખતે જે ક્રિયા કરો, એ વખતે મનને એમાં પૂરેપૂરું હાજર રાખો. એટલે જ હું એક સૂત્ર આપું છું: There should be the totality. જે પણ તમે કરો, એ સમગ્રતયા કરો. હું નથી કહેતો કે પ્રવચનમાં તમે પહેલેથી આવીને બેસી જાવ. છેલ્લી દસ મિનિટ તમે આવો તો પણ ચાલશે; પણ એ દસ મિનિટ પુરેપુરી પ્રભુના શબ્દોને અપાયેલી હોવી જોઈએ. તો તમે લોકો કોઈ પણ કામ ફક્ત કરી શકતાં નથી. એના માટે બીઝનેસ મેનેજમેન્ટમાં અને ઘણી બધી જગ્યાએ યોગનો પ્રવેશ થયો.
વર્ષો પહેલાં ગુરુદેવ અરવિંદસૂરિદાદાની જન્મભૂમિ મનફરામાં ચાતુર્માસ માટે અમે જઈ રહ્યા હતા. કટારિયા તીર્થે ગયેલા. બીજા દિવસે સામખિયાળી જવાનું હતું. સામખિયાળી ગામથી એક-દોઢ કિલોમીટર દૂર હાઈવે પર એક ફેક્ટરી હતી, પાલનપુરવાળા ભાઈની. એમને ખ્યાલ આવ્યો કે સાહેબજી સામખિયાળી જ પધારે છે. એ દોડતાં કટારિયા આવ્યાં કે સાહેબ! કાલે સવારે મારે ત્યાં પધારો, નવકારશીનો મને લાભ આપો. આમેય સામૈયું નવ વાગે છે, એટલે આપ સમયસર પહોંચી શકશો. પછી એમણે કહ્યું; કે 800 કર્મચારીઓ મારી ફેક્ટરીમાં કામ કરે છે અને એ બધાને જમવાનું ત્યાં જ હોય છે. એટલે નવકારશીમાં આપના માટે મારે કાંઈ જ બનાવવાનું નથી, બધું જ નિર્દોષ છે. ત્યાં ગયા. માંગલિક સંભળાવ્યું. હું નવકારશી વાપરીને બહાર આવ્યો. બીજા બધા મુનિઓ તૈયાર થતાં હતા. એ વખતે પેલા ભાઈ મારી પાસે આવ્યાં. મને કહે સાહેબ! આપ તો યોગના પ્રસ્તુતા છો. એટલે આપને તો યોગની, ધ્યાનની મહત્તાનો ખ્યાલ છે. અત્યારે એક યોગના પ્રશિક્ષક આવ્યાં છે અને 800 એ 800 કર્મચારીઓને ફરજીયાત એમના lesions attend કરવાના હોય છે. પછી એમણે કહ્યું કે સાહેબ! એ યોગ, એ એકાગ્રતા એમને મળશે, તો મને પણ લાભ અને એમને પણ લાભ. મારું કામ વધુ ચીવટથી, વધુ સરસ રીતે કરશે; અને એમના ઘરની અંદર પણ એ સારી રીતે રહી શકશે. તો બીઝનેસ મેનેજમેન્ટમાં, સૈન્યમાં અને ઘણી બધી જગ્યાએ આજે યોગનો પ્રવેશ થયો છે.
Motivational speakers પણ એટલા બધા થયાં. Motivational speakers કેમ થયાં? માણસો નિરાશાની ગર્તામાં ડૂબ્યા કરતાં હોય છે, અને એથી એમને બહાર લાવવા માટે આ બધા જ પ્રેરણાદાયી પ્રવચનકારો હોય છે.
સુરતમાં અઠવાલાઈન્સમાં મારું ચોમાસું હતું. એ વખતે રોજ morning walk માટે માટે હું જતો; બે-ત્રણ મુનિવરો સાથે આવે, ચાર-પાંચ શ્રાવકો સાથે આવે. એ વખતે સુરતમાં શિવખેરા આવવાનાં હતાં. Motivational speakers એમનું બહુ મોટું નામ છે. એક speech આપવાનાં 8 થી 10 લાખ રૂપિયા લે છે. પ્લેનમાં આવવા-જવાનું આયોજકે ગોઠવવાનું. 5 star hotelમાં રહેવાનું આયોજકે ગોઠવવાનું. માત્ર દોઢ કલાકની speech આપી અને એ ચાલ્યાં જાય અને 10 લાખ રૂપિયાની ફી હોય. તો હવે આટલી મોટી હસ્તી આવવાની હોય, એટલે મીડિયામાં ચર્ચા હોય જ. શિવખેરા આવીને ગયા. બીજી સવારે morning walk માં એક ભાઈએ મને પૂછ્યું; કે સાહેબ! આપને ખ્યાલ છે, શિવખેરા આવીને ગયા? મેં કહ્યું; હા, એ તો ખ્યાલ જ હોય. પણ તમે ગયેલા? મને કહે; હા, હું ગયેલો. મેં કહ્યું; કેવું પ્રવચન રહ્યું? મને કહે સાહેબ! આટલી બધી તગડી ફી લેતો હોય જે માણસ, અને પુરા ભારતના સ્તર પર જેનું નામ હોય, એની speech અદ્ભુત તો હોય જ. પણ, પછી એ ભાઈએ કહ્યું; કે આપના જેવા પ્રવચનકારોને રોજ જે સાંભળતો હોય, એને એમાં કંઈ નવાઈ લાગે એવું નહતું. એટલે અમે વગર ફી એ પ્રવચન આપી દઈએ.
“विसोगे अदक्खु ” આ એક જોવાની કળા છે. તમારા મનમાં ઘણી બધી અવધારણાઓ બેઠેલી છે. આ આમ જ જોઈએ. આ આમ જ જોઈએ. દીકરાએ આમ જ કરવું જોઈએ. પત્નીએ આમ જ કરવું જોઈએ. આ તમારી બધી અવધારણાઓ છે. એ અવધારણા પ્રમાણે કોઈ ન ચાલે, એટલે તમને ગુસ્સો આવે છે. પણ તમે એવું પણ વિચારી શકો છો, કે જે મારી અવધારણા છે, એમ એની પણ હોઈ શકે. હું જ કંઈ boss છું, એવું નથી. એની પણ અવધારણા હોય.
અને એના માટે હું એક બહુ સરસ practical approach બતાવું છું. મહાનગરોમાં સવારે તો તમારે ભાગમ-ભાગ હોય છે, રાત્રે બનાવો; રાત્રે એક ટાઈમ નક્કી રાખો, નવ-સવા નવ-સાડા નવ, કોઈ પણ, ઘર દેરાસર છે, તો પ્રભુનું ચૈત્યવંદન અને આરતી કરો, અને એ પછી કુટુંબ મેળાવડો રાખો. તમે બીજાના મનને સમજવાની કોશિશ કરો. આમ પણ, આ યુગમાં તમે એમ માનો કે મારો અભિપ્રાય બધા ઉપર ઠોકી બેસાડું તો એ શક્ય નથી. એનો અભિપ્રાય તમે જાણો. દીકરાની શું ઈચ્છા છે બાપ પ્રત્યેની? પત્નીની પતિ પ્રત્યેની શું ઈચ્છા છે? નિર્બંધ વાર્તાલાપ. કોઈ પુસ્તકમાંથી વાંચી શકાય સારું. કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકે. અને એ રીતે બધાના મન હળવા રહે. विसोगे अदक्खु : ‘જુઓ’ – પણ, ઉદાસીનદ્રષ્ટિથી.
પરમપાવન દશવૈકાલિક સૂત્રમાં એક મુનિ, એક સાધ્વી, ઉદાસીન દ્રષ્ટિએ કઈ રીતે રહે છે; એનું મજાનું ચિત્ર આપ્યું છે: “बहुं सुणेहिं कन्नेहिं बहुं अच्छीहिं पिच्छइ, ण य दिट्ठं सुयं सव्वं भिक्खू अक्खाउमरिहइ” આંખ ખુલ્લી છે, તો આંખમાં કોઈ રૂપના પ્રતિબિંબો પડી ગયા. તમને ખ્યાલ છે? કોઈ પણ દ્રશ્ય દેખીને તમે રાગ કે દ્વેષ કરો, એમાં આંખ ગુનેગાર નથી; તમે ગુનેગાર છો. આંખ તો માત્ર કેમેરાના લેન્સ જેવી છે. લેન્સ ખુલ્લો હોય, અંદર પ્રતિબિંબ પડે; પણ, એ પ્રતિબિંબ પડ્યું એ સારું કે ખોટું; એ નક્કી તમે કરો છો, તમારું મન નક્કી કરે છે. એટલે ગુનેગાર તમે છો. સાધુ માટે કેટલી સરસ વાત કરી! આંખ ખુલ્લી છે, કંઈક દેખાઈ જશે. કાન ખુલ્લા છે, કંઈક સંભળાઈ જશે.
પછી અદ્ભુત વાત કરી; “ण य दिट्ठं सुयं सव्वं भिक्खू अक्खाउमरिहइ” તમે શું અર્થ કરો, જે જોયું કે જે જોવાઈ ગયું; જે સંભળાઈ ગયું, એને સાધુ બીજાને કહેતો નથી. હવે તો કોઈ પણ સજ્જન પણ ન કહે. કોઈની વાત સાંભળી હોય તો ઢંઢેરો લઈને પીટે નહિ. તો એમાં શું તમે નવાઈ કરી?! ત્યાં એનો અર્થ એ છે, કે કંઈક જોવાઈ ગયું. કંઈક સંભળાઈ ગયું. પછી કોઈ તમારી પાસે આવે, અને પૂછે; કે પેલા ભાઈ તમને શું કહેતાં હતા? ત્યારે તમે કહો, કે હા, એ કંઈક કહેતાં હતા ખરા; પણ, કંઈ ખ્યાલ નથી. જ્યાં તમારો રસ નથી, ત્યાં તમારું મન જોડાતું નથી. પરમાં તમારો રસ નથી તો પરમાં તમારું મન નહિ જોડાય.
Newspaper મારી પાસે પડેલું હોય. આંખોને એક કુટેવ પડેલી છે. એના તરફ એ જોયા કરે. તો મેં એ હેડિંગ આજનું દસ વખત વાંચેલું હોય, પણ એ પછી હું પોતે વિચાર કરું કે આજનું હેડિંગ શું હતું? મને ખ્યાલ નથી. પણ એક પાનામાં નાના ચોકઠાં ઉપર જૈન શાસનના અનુમોદનીય સમાચારો છે, તો હું કોઈને કહું કે ૮મું પાનું જોજે, એમાં સરસ સમાચાર છે.
તો તમે કહી શકતાં નથી. જોવાઈ ગયું, શું જોવાયું? ખ્યાલ નથી.. દુનિયાને વિશે તમે બેખબર બનશો તો જ પ્રભુની સાધનામાં તમે આગળ વધી શકશો. તો કેટલી મજા આવે..? કંઈ અંદર ગયું જ નથી… એક સવાલ તમને પૂછું; મ્યુનિસિપાલટીની કચરાની મોબાઈલ વાન તો જોયેલી જ છે.. એ મોબાઈલ વાનમાં સુકો કચરો-ભીનો કચરો લોકો નાખે. તમારા કાન એ શું છે? પ્રભુએ આપેલી એક ભેટ છે. પાંચેય ઇન્દ્રિયો શરીર, મન અને બુદ્ધિ એ પ્રભુએ આપેલી ભેટ છે. પુણ્યના ઉદયથી મળ્યું; પણ, એ પુણ્યને બતાવનાર પ્રભુ છે. નવતત્વ પ્રભુએ બતાવ્યા છે. તો કાન પ્રભુની ભેટ…! એમાં કોઈની નિંદા કોઈ સંભળાવે, તો કાન અભળાઈ જાય કે નહિ? તમે કહી દો, please નહિ. કોઈની પણ અનુમોદનાની વાત હોય તો કહો. કોઈની પણ નિંદાની વાત મારે સાંભળવાની નથી; અને પછી મનમાં કહેવું, કે આ મારો કાન એ કંઈ કચરાની મોબાઈલ વાન છે? શું સમજી બેઠો છે તું? જેનો ને તેનો કચરો તું અંદર નાંખે છે.
બાજુ-બાજુમાં બે ફ્લેટ હોય, અને એક ફ્લેટવાળી પડોશણે ફ્લેટ સાફ કર્યો. સુપડીમાં ધૂળ ભરી- કચરો, અને બીજા ફ્લેટમાં નાંખે તો શું થાય? બહેનોને પૂછું છું; શું થાય? તારા ઘરનો કચરો, મારા ઘરમાં નાંખવા આવે છે?! આ બરોબર યાદ રહેશે હવે…? કોઈ-કોઈની નિંદાની વાત કરવા આવે ને, ભાઈ આ કચરો મારા કાનમાં નહિ નાંખ.! મારા કાન પ્રભુની વાતો સાંભળવા માટે છે, નિંદા સાંભળવા માટે નથી; અને કોઈ તમારી નિંદા કરે તો એથી પણ અકળાવો નહિ. તમે કાનો-કાન કદાચ સાંભળ્યું; કે તમારા માટે ખરાબ બોલે છે. તો પણ પ્રભુનો શ્રાવક પ્રેમથી એણે enjoy કરી શકે છે..
એક ફિલોસોફરને એના એક મિત્રએ કહ્યું; કે ફલાણા ભાઈ તમારી ગેરહાજરીમાં તમારી બહુ જ નિંદા કરતાં હતાં. ફિલોસોફર ખરેખર ફિલોસોફર હતો, મસ્ત મનનો. એણે જવાબ આપ્યો કે મારી ગેરહાજરીમાં મારી નિંદા કરે છે ને, અને મારી ગેરહાજરીમાં મને મારી નાંખે તો ય શું ફરક પડે છે! મસ્ત જવાબ છે ને?
ગુર્જિયેફ આજના યુગના યોગાચાર્ય. એકવાર એમને કહેવામાં આવ્યું કે મિસ્ટર વાય તમારી બહુ જ નિંદા કરે છે. ગુર્જિયેફ એકદમ હસતાં હસતાં કહે છે; અચ્છા એ કરતો હશે, પણ મેં સાંભળ્યું નથી. પણ, તમારે લિજ્જત ભરી મારી નિંદા સાંભળવી હોય તો મિસ્ટર એક્સ પાસે જવાનું. શું છોલે છે મારી! શું એની અભિવ્યક્તિ..!આપણે ખુશ થઇ જઈએ! ગુર્જિયેફ કહે છે; એકવાર હું કોફી હાઉસમાં ગયેલો, ખાલી ચિંતન કરવા માટે, એકાંતમાં બેસવા માટે. એક અંધારા ખૂણામાં જઈને બેઠેલો, ત્યાં મિસ્ટર એક્સ અને એમના મિત્રો આવ્યાં. એ લોકો દોઢ કલાક સુધી કોફી પીતાં રહ્યા અને મારી છોલતાં રહ્યા. પણ, મિસ્ટર એક્સ જે કુશળતાથી મારી નિંદા કરતાં હતાં ને, એનાથી હું પોતે પ્રભાવિત થઇ ગયો! કે વાહ! અદ્ભુત! આ પણ એક દ્રષ્ટિકોણ છે ને?
તમારા ઉપર શું થયું છે; એક માસ હિપ્નોટીઝમ થયું છે. સોસાયટી જે માને છે, એ જ તમે માનતા થઇ જાવ છો. ‘જૈનમ જયતિ શાસનમ્’ આપણે કરીએ છીએ; પણ મન સોસાયટી ને જ આપેલું છે, પ્રભુને નહિ. તો સોસાયટીને અપાયેલું મન તમને પીડા આપશે. પેલાએ મારી નિંદા કરી, પેલાએ આમ કર્યું. તમારી હાલત કેવી થાય; ખબર? ટેલરને ત્યાં પંદર ધક્કા ખાઈ અને સુટ બનાવડાવે. સરસ પ્રસંગ હતો અને સુટ ચડાવ્યો. તમે તો માનો છો કે વાહ! આપણો વટ પડી જવાનો. નીકળ્યા બહાર. પહેલો મિત્ર મળ્યો; આ ઘઘ્ઘા જેવું શું પહેરીને આવ્યો છે? સાલા ઢંગ-ધડો કંઈ નથી આમાં… તો ય થોડી હિંમત રાખી.. કે ના, કઈ નહિ, હવે તો એક જણાએ કીધું છે ને.. બીજો મળ્યો; બીજાએ પણ એ જ કીધું. ત્રીજો મળ્યો; ત્રીજાએ પણ એ જ કીધું. પછી ચોથાને સાંભળવાની રાહ નહિ જોવાની, ઘરે જઈ સુટ બદલી નાંખવાનો.
તમારું જીવન લોકોના ઇશારે ચાલે છે, અને આ સૂત્ર કહે છે; કે પ્રભુ જે રીતે જીવ્યા, એ તો એક અદ્ભુત ઘટના હતી, અને એ તો આપણે માત્ર સાંભળી જ શકીએ. પણ, એમાંથી એક નાનકડો દ્રષ્ટિકોણ પણ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો? विसोगे अदक्खु યાદ રહી ગયું? આમ તો આંખ ખુલ્લી રાખવી એવું પણ કંઈ કહ્યું નથી. જરૂરત ન હોય તો આંખો બંધ રાખવાની. પણ, આંખો ખુલે અને કંઈક જોવાય તો પણ ત્યાં ઉદાસીનદશા ભળેલી હોય.
તીર્થંકર પરમાત્મા જન્મથી છટ્ઠી દ્રષ્ટિમાં હોય છે. પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન મળે અને છટ્ઠીમાં ઉદાસીનદશા મળે. એટલે અત્યારના ક્રમ પ્રમાણે પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન અને પાંચમું – છટ્ઠું બેય ગુણઠાણું છટ્ઠી દ્રષ્ટિમાં આવી જાય. તો પ્રભુ જન્મથી છટ્ઠી દ્રષ્ટિમાં હતા, કારણ ઉદાસીનદશા હતી. કોઈએ કંઈક કર્યું, તો કર્યું.. કોઈએ પથ્થર માર્યા, તો એનો વિષય છે, મારો વિષય નથી; મારે તો માત્ર જોવાનું છે. એ ખરાબ છે એવું મારે માનવાની જરૂર ક્યાં છે? કોઈએ ગાળો ચોપડાવી, તો એ એનો વિષય છે. તમારો વિષય છે? સંભળાઈ ગયું, બીજા કાનથી નાંખી દીધું. અત્યારે તકલીફ તમારી શું છે? પ્રવચનના શબ્દો યાદ ન રહે. પણ, કોઈએ જો એક શબ્દ પણ ખરાબ કહ્યો હોય, તો એ દિવસો સુધી યાદ આવે.
શ્રાવિકા ઘરે હોય, વ્યાખ્યાનમાં આવી શક્યા ન હોય, અને પૂછે આજે મ.સા. એ શું કીધું? અરે બહુ સરસ કીધું! અરે એ તો બહુ સરસ જ હોય, મ.સા. બોલે એ. પણ શું કહ્યું હતું? એટલે પેલા ભાઈ માથું ખંજવાળે. હવે એ તો મ.સા. જાણે. विसोगे अदक्खु – માત્ર જોવાનું, આ જ વર્તમાનયોગ. ભૂતકાળ ગયો. ભવિષ્યકાળ આવશે ત્યારે. માત્ર વર્તમાનકાળ તમારી સામે છે. એક મિનિટ, અને એ મિનિટને પ્રભુની આજ્ઞાના પાલનથી, આનંદથી ભરી દો.
પરમ પાવન આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું; ‘खणं जाणाहि पंडिए’ એનો મુક્તઅનુવાદ હું એ કરું છું, કે બેટા! તારી એક ક્ષણ તું મને આપીશ? આપણે તો ઓવારી જઈએ..! પ્રભુએ જીવન આપ્યું છે અને એ પ્રભુ માંગી-માંગીને માત્ર એક ક્ષણ માંગે છે.! તમે ના પાડો? બહુ જ ભલા માણસો છો. પ્રભુ આપી ક્ષણ ! પણ આચારાંગજીમાં પ્રભુ કુશળ ગુરુ રૂપે છે. હું કુશળ ગુરુની વ્યાખ્યા કરું છું- તમે આંગળી આપો તો પોહચો પકડે, પોહચો આપો તો હાથ પકડે; અને તમે હાથ આપો તો આખા ને આખા ગયા.! આ સદ્ગુરુ.!
સદ્ગુરુ પાસે એક સંમોહન છે. અમારા ચહેરા પર સ્મિત છે, અંદરથી આવેલું. પણ એ સ્મિત તમારી તરફ સદ્ગુરુના સંમોહનમાં ફેરવાઈ જાય. અને તમે સદ્ગુરુની નજીક આવો છો, સદ્ગુરુ તમને પ્રભુ સાથે જોડી આપે છે. કોઈ સદ્ગુરુ તમને આંગળીએ વળગાળીને રાખવા ઈચ્છતા નથી. સદ્ગુરુની ઈચ્છા એક જ છે, તમને પ્રભુ સાથે જોડી દેવા. તો તમે સદ્ગુરુની નજીક આવ્યા, સદ્ગુરુ તમને પ્રભુ સાથે જોડી આપે.
આજીવન તો જ સાર્થક છે, જો પ્રભુ સાથે એ જોડાય, જો સદ્ગુરુ સાથે એ જોડાય. તમે કોની જોડે? કોની જોડે? ગુરુ અને શિષ્ય જંગલમાં જતા હતા. સાંજનો સમય થયો. ગુરુ માટે નિત્ય ક્રમ હતો. જે સમયે જે પ્રાર્થના કરવાની હોય એ કરવાની છે. ગુરુ બેસી ગયા, પ્રાર્થના કરવા. એ બેઠા એટલે અંદર ખોવાઈ ગયા. શિષ્ય બાજુમાં બેઠો, પણ એની પ્રાર્થના તમારા જેવી હતી. અને તમારા જેવી હતી એટલે શું થયું? કે એક વાઘની ડણક સંભળાઈ. જંગલનો મામલો હતો. અને એ પછી એમ લાગ્યું કે ધીરે ધીરે એ વાઘ આવી રહ્યો છે નજીક, શિષ્ય કહે કે માર્યા ઠાર! એને ગુરુના કાનમાં કીધું બાપજી! પ્રાર્થના પછી ય થશે, ઝાડ ઉપર આપણે ચડી જઈએ. પણ, સાંભળે કોણ? ગુરુ ભીતર ડૂબેલા હતા. આવી થોડી ક્ષણો તમને મળે ને, ભીતર ઉતરવાની; શ્રાવિકા કંઈ કહેતી હોય, દીકરો કંઈ કહેતો હોય, તમને ખબર ન હોય! અને એથી પણ વધુ ઘરે પ્રતિકુળ સંયોગો હોય કદાચ, તો જ્યાં બોલવાનું ચાલુ થાય, ત્યાં અંદર જવાનું ચાલુ થઇ જાય. સાંભળે કોણ? ગુરુ તો સાંભળે એમ નથી, પ્રાર્થનામાં ડૂબી ગયા છે. શિષ્ય ઉપર ચડી ગયો ઝાડ ઉપર. દસ જ મિનિટમાં, હજી તો અંધારું થયું પણ નથી, વાઘ આવ્યો. ગુરુના શરીર પાસે આવ્યો; પણ, ગુરુના શરીરમાંથી મૈત્રીભાવના આંદોલનો નીકળતા હતાં, અને એનો સ્પર્શ વાઘને પણ થયો; એ જતો રહ્યો. શિષ્ય સમજી ગયો, હવે મામલો સેફ છે. નીચે ઉતરી ગયો. ગુરુની પ્રાર્થના પુરી થઇ. હવે ત્યાં જ સુવાનું હતું.
ક્યારેક મૂછાળા મહાવીર જઈએ, જંગલમાં આવેલ તીર્થ અને ત્યારે અમને અમારા પૂર્વજોની ઈર્ષ્યા આવે કે આવા જંગલમાં રહેતા હશે.. કેવી મજા આવતી હશે ! તો ગુરુ અને શિષ્ય સુવાની તૈયારી કરે છે. પણ, ત્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા, એટલે મચ્છર બહુ હતા. મચ્છર કરડવા લાગ્યા. તો ગુરુ કહે છે શિષ્યને; કે અહીં તો મચ્છર બહુ છે, કરડે છે. શિષ્ય વાસ્તવિક શિષ્ય નહતો, ખાલી એમ જ બની ગયેલો હતો. ગુરુની ઉદારતા.! તમને લાગે? એક માત્ર ગુરુની ઉદારતાથી ઘણા બધા અહીંયા આવી ગયા. પણ, આવ્યા પછી, હવે ઉચકાઈ જાવ.! તો શિષ્ય ગુરુને કહે છે; કે ગુરુદેવ! તમે વાઘથી ગભરાયા નહિ, અને મચ્છરથી ગભરાવો છો? ત્યારે ગુરુ કહે છે; વાઘથી નહિ ગભરાયો, કારણ એ વખતે હું પ્રભુ સાથે હતો; અને મચ્છરથી ગભરાવું છું, કારણ કે અત્યારે તારી જોડે છું…! તમે કોની જોડે છો?
તો ‘विसोगे अदक्खु’ પ્રભુ કંઈક જોતાં હતાં; પણ માત્ર ઉદાસીનભાવ.! એ કોઈ દ્રશ્ય સહેજ પણ પ્રભુને સ્પર્શતું ન હતું, અને એક પણ દ્રશ્ય પ્રભુને સ્પર્શતું નહતું, એટલે પ્રભુની ઉદાસીનદશા વધુ ને વધુ પુષ્ટ થતી ગઈ. તેરમાં ગુણઠાણે આવ્યાં પછી તો બધું બરોબર છે, કે વિતરાગદશા છે; આ તો છદ્મસ્થકાળ છે; પણ ઉદાસીનદશા એટલી ગહેરી બનેલી છે કે કોઈ દ્રશ્ય સાથે, કોઈ શબ્દ સાથે, કોઈ પુદ્ગલ સાથે પ્રભુનો સંપર્ક થતો નથી.! પુદ્ગલ, પુદ્ગલ છે.. આત્મા, આત્મા છે. તો એ ધારામાં પ્રભુ વિહરે..
એટલે મારી પ્રભુની અંતરંગ સાધનાની વાત કરવી છે. બાહ્ય સાધના તો સાંભળી કે અહીં ગયા ને પારણું થયું. અહીં ગયા ને આમ થયું. પણ, અંતરંગ સાધના શું હતી? અંતરંગ સાધના આ હતી. તો આ દ્રષ્ટાભાવની સાધના, આ વર્તમાનયોગની સાધના, એ ઊંડાણમાં જાય ત્યારે તમે પણ કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એની વાત અવસરે.