વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુ નિર્મલ દરિશન કીજીએ
ભક્તના સ્તર પર નિર્મલ દર્શન એટલે શું? સામે પ્રભુ બિરાજમાન હોય, ભક્તની આંખોમાંથી આંસુ વહ્યા કરતાં હોય અને એક-એક અશ્રુબિંદુ દ્વારા રાગ અને દ્વેષ બહાર નીકળી રહ્યા હોય. આ ભક્તના સ્તરનું નિર્મલ દર્શન.
ઊંચકાયેલા સાધકનું નિર્મલ દર્શન છે નિર્વિકલ્પતાના સ્તર પર થયેલું દર્શન. પ્રભુની પાસે જવાનું થયું; કોઈ વિચારો નથી. માત્ર પ્રભુને જોવાનું થયું. માત્ર જોવાનું… માત્ર જોવાનું. એની વીતરાગદશા જોવાની. એનો પ્રશમરસ જોવાનો. આ સાધકના સ્તરનું નિર્મલ દર્શન.
આત્મજ્ઞાનનું અનુભૂતિના સ્તર ઉપર દર્શન એ સમ્યગ્દર્શન. શબ્દોના કે વિચારોના નહિ, પણ અનુભૂતિના સ્તર પરનું દર્શન એ જ સમ્યગ્દર્શન. સવાલ થાય કે તો પછી અરિહંતો મહ દેવો માં કયા સમ્યગ્દર્શનની વાત કરી? અનુભૂતિરૂપી સમ્યગ્દર્શન થાય, એ પછી પ્રભુ, સદ્ગુરુ અને એમણે આપેલી સાધના પ્રત્યે જે અત્યંત અહોભાવ જાગે છે, એ અહોભાવરૂપી સમ્યક્ત્વની ત્યાં વાત છે.
આબુ ઓળી વાચના – ૬
સમ્યગ્દર્શનપદની પૂજામાં પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. એ ત્રણ ચરણો આપ્યા છે. પહેલું ચરણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાંનું, બીજું ચરણ સમ્યગ્દર્શન પ્રાપ્તિનું, અને ત્રીજું ચરણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીની ભાવકની મનોભાવના.
બહુ જ પ્યારા શબ્દો છે; હું આ ત્રણ ચરણોને ક્રમસર અરુણોદય, સૂર્યોદય, અને સૂર્યોદય પછીની સ્થિતિ એ રીતે વર્ણવું. અરુણોદય શું છે? સૂર્ય ઉગ્યો નથી, ઉગવાનો છે, પણ એનો પ્રકાશ બહાર રેલાતો હોય, એ છે અરુણોદય. તો અરુણોદયનું ચરણ આ છે – ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીયે.’ પહેલીવાર એ પૂજા વાંચી, ત્યારે આશ્ચર્ય થયું, કે પ્રભુ દરિશન કીજીએ એ વાત તો બરોબર, પણ ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ નિર્મલ દર્શન કેવું હોય? પછી નિર્મલ દર્શનના બે અર્થો સમજાયા. એક ભક્તના સ્તર પર, એક સાધકના સ્તર. ભક્તના સ્તર પર નિર્મલ દર્શન એટલે શું? સામે પ્રભુ બિરાજમાન હોય, આંખોમાંથી આંસુ વહ્યા કરતાં હોય. અને એક-એક અશ્રુ બિંદુ દ્વારા રાગ અને દ્વેષ બહાર નીકળી રહ્યા હોય. તો ભક્ત પ્રભુના દર્શન સમયે આંખોના આંસુ દ્વારા નિર્મલ દર્શન પ્રાપ્ત કરી શકે છે.
શ્રીપાળ રાસની એક મજાની આંતર કથા છે. રાજકુમારી પૂજા કરવા ગઈ છે, પૂજા કરીને એ ગભારામાંથી બહાર નીકળે. રાસકારે બહુ જ મજાનું વર્ણન એ ક્ષણોનું આપ્યું. ‘ઓસરતી પાછે પગે જે, જોતી જિન મુખ સાર’ પ્રભુનું મુખ દેખાય એ રીતે ધીરે ધીરે પાછી હટી રહી છે. પ્રભુને જોયા જ કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. એને પ્રભુનું દર્શન કરતાં તૃપ્તિ થતી જ નથી. પણ જ્યાં એ ગભારાની બહાર નીકળી, ગભરાના દરવાજા બંધ થઇ ગયા. એ વખતે એ રાજકુમારી છાતીફાટ રડે છે. શબ્દો આવ્યા; ‘દાદા દરિશન દીજીએજી, એ દુઃખ મેં ન ખમાય’ પ્રભુ મને દર્શન આપો. તમારા અદર્શનની પીડાને હું કોઈ પણ રીતે સહન નહિ કરી શકું. ભક્તની પીડા એક જ છે – પરમાત્માનું અદર્શન. બાકી કોઈ પીડા એને નથી. અને એટલે જ રામવિજય મહારાજાએ એક સ્ત્વનામાં કહ્યું: ‘તુમ દીઠે દુઃખ સવિ વીસર્યા રે’, ઘણી બધી પીડાઓ હતી અને બધી જ પીડાઓ તમારા અદર્શનની હતી. તો એ રાજકુમારી છાતીફાટ રડે છે. ‘દાદા દરિશન દીજીએજી, એ દુઃખ મેં ન ખમાય’ આ જે આંસુની ધારા હતી, એ આંસુની ધારા દ્વારા નિર્મલ દર્શન પ્રભુનું થાય. ભક્ત પ્રભુનું દર્શન કેવી રીતે કરે? ભીની ભીની આંખે. સપોઝ આંખો ભીની થતી નથી. અને પ્રભુના ભીના રૂપનું દર્શન કરવું છે, તો શું કરવું? એવી કોઈ ઘટના ઘટે નહિ, કે ઘટનાની સ્મૃતિને કારણે ભીનાશ આવતી નથી પણ ઈચ્છા એક જ છે કે પ્રભુના ભીના ભીના રૂપનું દર્શન કરવું.
ત્યારે શાસ્ત્રોએ એક સરસ માર્ગ બતાવ્યો; કે સદ્ગુરુની આંખમાં જોવાનું. એમની આંખની તરલતા પર, ભીનાશ ઉપર પ્રભુ તમને દેખાશે. ભીના ભીના પ્રભુ. તો ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ તમે ક્યાં છો? ભક્તમાં કે સાધકમાં? ભક્તની વ્યાખ્યા શું ખબર છે? ૯૯% grace, ૧% effort. આવી સાધના જેની પાસે હોય એ ભક્ત. ૯૯% પ્રભુ જ કરે છે. પણ હું બી થોડો પ્રયત્ન કરું છું. પણ સાધક આ રીતે આગળ વધશે, ભક્ત તો કહી દેશે મારે કશું કરવાનું છે જ નહિ. તન, મન, ધન સોંપ્યું તમને. બધું જ તમને સોંપી દીધું છે, હવે કામ તમારે કરવાનું છે, મારે શું કરવાનું? ભક્તોની પણ એક અનોખી દુનિયા છે.
બે વર્ષ પહેલાં જ અંતરીક્ષ તીર્થની યાત્રાએ ગયો. ત્યારે મહર્ષિ નારદના ભક્તિ સુત્રો ઉપર લખ્યું. એ વખતે રીતસર મારી આંખો ભીની થતી. મહર્ષિ નારદે એટલા તો મજાના ભક્તિસુત્રો આપ્યા છે, કે આપણે એને વાંચતા જ ભાવવિભોર બની જઈએ. ક્યારેક થોડા સુત્રો તમારી પાસે મુકીશ, તમને ખ્યાલ આવશે કે કેટલી ઉંચી ભૂમિકા ઉપર એ હતા. તો ભક્તોની દુનિયા અનોખી છે. તો ભક્ત કહી દેશે ૧૦૦% grace, I am effortless person. મારે કશું કરવાનું છે નહિ. જે પણ કરવાનું હોય તારે કરવાનું છે. માં અને દીકરો માસીને ત્યાં ગયા, શિયાળો હતો, નાસ્તો થઇ ગયો, પછી માસીએ દીકરાને કહ્યું: બેટા! આ કાજુ ખિસ્સામાં ભરી લે, અહીં ખાઈ લે પછી ખિસ્સામાં ભરી લે. પેલાએ તો બરોબર ખાધા. છ-સાત વર્ષનો દીકરો હતો, બસ સ્ટેન્ડથી ચાલતો આવેલો. પેટ થઇ ગયું ફૂલ. મમ્મીએ કહ્યું, ચાલ બેટા હવે, મમ્મીએ આમ આંગળી કરી, પેલો આમ કરે છે. મને ઊંચકી લે, મારે ચાલવું નથી. અને મમ્માને જવું છે શું કરે? ઊંચકીને… રવાના.
ઉપમિતિમાં વિમલ સ્તુતિમાં સિદ્ધર્ષી ગણિએ કહ્યું: ‘અપાર ઘોર સંસાર, નિમગ્ન જન તારક’ પ્રભુ અપાર ઘોર સંસારમાં રહેલા લોકોને તારવાની તારી એક પ્રતિષ્ઠા છે. તારી એક નામના છે. અચ્છા, તું મને છોડીને કેમ મોક્ષમાં જતો રહ્યો. તું મારી માં છે. ભક્તનો સંબંધ પ્રભુની સાથે એક માં અને બાળકનો છે. તું મને છોડીને કેમ ગયો? બીજું બધું તું છોડી શકે. મને કેમ છોડી શકે? હવે વાત એ રહી, કે ઉંચકાયેલો સાધક જે છે, એનું નિર્મલ દર્શન અલગ છે. અને એનું નિર્મલ દર્શન એ છે, કે નિર્વિકલ્પતાના સ્તર પર થયેલું દર્શન. પ્રભુની પાસે જવાનું થયું. કોઈ વિચારો નથી. માત્ર પ્રભુને જોવાનું, માત્ર જોવાનું, માત્ર જોવાનું… એની વિતરાગદશા જોવાની, એનો પ્રશમરસ જોવાનો. માત્ર જોવાનો.
એક ફિલોસોફરે લખેલું કે આજનો માણસ માત્ર ક્રિયા એક પણ કરતો નથી. એ એક ક્રિયા કરે તો બીજી ક્રિયાને ભેગી રાખે છે. ઓફિસેથી ઘરે આવે, અને ઓફિસની ફાઈલ ખુલ્લી રાખે અને ઘરે દીકરાઓ જોડે બરોબર વાતચીત ન કરી શકે. ઘરેથી ઓફિસે જાય, અને ઘરની ફાઈલ ખુલ્લી રાખે, એટલે ઓફિસનું કામ બરોબર ન કરી શકે. અમારે મનફરામાં ચાતુર્માસ હતું. ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની જન્મભૂમિ. તો અમે ત્યાં જતાં હતા, વચ્ચે એક ફેક્ટરી આવતી હતી. પરિચિત ભક્તની હતી, એના પછી તરત ગામ શરૂ થતું હતું. એ ભાઈ આવી ગયેલા, કે સાહેબ મારી ફેકટરીમાં પધારો, ૮૦૦-૧૦૦૦ કર્મચારીઓ છે. અને બધાનું જમવાનું ત્યાં જ બને છે. એટલે આપના માટે બધું નિર્દોષ છે. આપ પધારો અને સામૈયું નવ વાગે છે. અને આમ પણ ગામ બહાર એ લોકો ક્યાંક વ્યવસ્થા કરશે, એના કરતાં મને જ લાભ આપી દો. હા પાડી. ત્યાં ગયા અમે. ૮૦૦ – ૯૦૦ કર્મચારીઓ એના માટે નાસ્તો બનાવેલો. નાસ્તો વાપર્યો, પછી એ ભાઈ મારી જોડે બેઠેલા. એ કહે સાહેબ આપ તો ધ્યાન – સાધનાની વાત કરો જ છો. મેં પણ અત્યારે યોગના આચાર્યને બોલાવ્યા છે. ૯૦૦ એ ૯૦૦ કર્મચારીઓને ફરજીયાત એ યોગના કલાસીસ કરવાના. અને એમણે સરસ કહ્યું, કે સાહેબ અત્યારે સૈન્યમાં, બીઝનેસ મેનેજમેન્ટમાં બધી જ જગ્યાએ યોગનો પ્રવેશ થયો છે. એક સૈનિક નિશાન બરોબર ક્યારે તાકી શકશે? એ નિર્વિકલ્પ હશે ત્યારે, ઘરથી પત્ર આવ્યો છે, પત્ની માંદી છે, એ વિચારમાં છે તો નિશાન તાકી નહિ શકે. એટલે સૈન્યમાં પણ યોગનો પ્રવેશ થયો છે. બીઝનેસ મેનેજમેન્ટમાં પણ યોગનો પ્રવેશ થયો છે. કારણ… એ યુવાન જો બરોબર કામ કરશે તો કંપનીને પણ લાભ છે. વધુ કામ કરશે તો અમે એને બોનસ વધારે આપશું. એટલે એને પણ આર્થિક લાભ છે. પણ જો એનું મન સ્થિર નહિ હોય, તો એ કાર્યમાં દક્ષતા નહિ લાવી શકે. તો આજે યોગ, ધ્યાન એનો બહુ જ પ્રચાર – પ્રસાર થયો છે.
અમેરીકાની અંદર આપણા યોગીઓ જે ગયેલા છે, એક યોગના સેશનના ૫૦૦૦ ડોલર લેતા હોય છે. સાત દિવસનું સેશન. અને એના માટે રજીસ્ટ્રેશનની લાઈન લાગેલી હોય છે. અને એ લોકો માત્ર શારીરિક સ્વાસ્થ્ય, બોડી બિલ્ડીંગ અને મેન્ટન પીસ માટે યોગ કરે છે, આપણે તો આત્માની નિર્મલતા માટે યોગ કરવાના છે. ‘મુક્ખેણ જોયણાઓ જોગો.’ પણ આપણે એ ધ્યાન કરતા નથી, કરાવતા નથી, એને કારણે શું થયું? કે આપણો વર્ગ વિપશ્યનામાં જતો રહ્યો. તમે ન આપો તો જ્યાં મળશે ત્યાં જઈશું. અમારે જોઈએ છે. એ લોકોને પણ ખ્યાલ આવ્યો – બૌદ્ધિક વર્ગને કે માત્ર શબ્દોથી આધ્યાત્મિક વિકાસ થતો નથી. જ્યાં સુધી મન બદલાય નહિ, ત્યાં સુધી ગમે એટલું સાંભળીએ, મનની ચાલ તો એની એ જ રહેવાની.. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. મનની ચાલમાં ફરક ધ્યાનથી જ પડી શકે. એટલે આપણા લોકોને ધ્યાન જોઈએ છે. આપણે એમને આપી શકતા નથી, એટલે એ બીજે જાય છે, તો આ સંદર્ભમાં આપણે બધા પ્રભુના બહુ મોટા અપરાધી છીએ. કેટલા પ્રહર ધ્યાન હતું? ‘પઢમે પોરિસી સજ્ઝાય, બીએ ઝાણ ઝિયાયએ’ બરોબર… બીજા પ્રહરમાં ધ્યાન. રાત્રિમાં પાછું બીજા પ્રહરમાં ધ્યાન. છ કલાકનું ધ્યાન તો આપણને સામાન્યતયા આપ્યું છે. અને રાત્રિના કાર્યક્રમમાં લખ્યું, ‘તઈયાએ નિદ્દમોક્ખં તુ’ ત્રીજા પ્રહરમાં જો નિદ્રા જતી રહી, તો ત્રીજા પ્રહરમાં પણ ધ્યાન કરવાનું. હવે ઘણા લોકો પૂછે, કે ધ્યાનમાં શું વિચારવાનું? અરે ભાઈ ધ્યાન ને વિચારવાનું? શબ્દ પર, વિચારના પુદ્ગલો પર હવે તું પરમાં રહે ને ધ્યાન કરે? તો સાધક પાસે નિર્મલ દર્શન છે. નિર્વિકલ્પતાની પૃષ્ઠ ભૂમિકા ઉપરનું દર્શન. તમારે બધાએ પણ ધ્યાન શીખવાનું છે, સમજ્યા? નહિ શીખો તો, પ્રભુના અપરાધી.
હવે નિર્વિકલ્પતા લાવવી શી રીતે? શરૂઆતમાં છે ને મુશ્કેલી પડે છે. પણ પછી એવી એક ભૂમિકા આવે છે, કે વિચારો સાથેનું જોડાણ તૂટી જતું હોય. હું ઘણીવાર આમ બેઠો હોઉં ને એમનેમ, વાંચતો ન હોઉં કે કંઈ કરતો ન હોઉં, તો લોકો મને પૂછે શું વિચારો છો? ત્યારે હું કહું કે ભાઈ! વિચારવાનું ગયું હવે. હવે અનુભૂતિ છે. વિચાર નથી.
આત્મતત્વની અનુભૂતિ છટ્ઠા ગુણઠાણે આપણી પાસે ન હોય, તો કોની પાસે હશે? તો નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિકા ઉપરનું દર્શન એ નિર્મલ દર્શન. હવે સમ્યગ્દર્શન એટલે શું? ‘આતમ જ્ઞાન કો અનુભવ દરિશન, સરસ સુધારસ પીજીએ’ આત્મજ્ઞાન જે છે, એનું અનુભવના સ્તર પર દર્શન. શબ્દોના સ્તર પર નહિ, વિચારોના સ્તર પર નહિ, અનુભૂતિના સ્તર પર એ સમ્યગ્દર્શન. એટલે પદ્મવિજય મહારાજ બહુ સ્પષ્ટ છે, ‘આતમ જ્ઞાન કો અનુભવ દરિશન, સરસ સુધારસ પીજીએ’ તો આત્મજ્ઞાનનું અનુભૂતિના સ્તર પર દર્શન. હું એટલે કોણ? હું એટલે કોણ… શરીર એટલે હું, આ વાત એટલી ઘૂંટાયેલી છે. અડધી રાત્રે ઉઠાડીને પૂછે, કદાચ કોઈ ખોવાઈ ગયું હોય, કોણ છો ભાઈ તમે? શું નામ? મારું નામ આ છે. નિદ્રાવસ્થા હતી થોડી, એની અંદર પણ એટલી ઘુંટામણ થઇ છે. કે હું એટલે આ નામ. હવે નામ તો સોસાયટીએ આપ્યું છે. આ નામ ખતમ થવાનું છે. એ નામ જોડે નિસ્બત શું? શરીર પણ મળ્યું છે ખબર છે, જવાનું છે એ પણ ખબર છે. તો એની જોડે attachment કેમ?
એકવાર એકદમ બૌદ્ધિકોની સભા હતી, મેં એમને પૂછ્યું, કે અગણિત જન્મોની અંદર ઘણા બધા શરીરો મળ્યા, ક્યારેક ઘોડાનો, ક્યારેક હાથીનો, ક્યારેક આનો… તમને આ વાતનો ખ્યાલ છે. છતાં આ શરીરમાં તમે હુંપણાનો બોધ કેમ કરી શકો છો? જ્યારે તમને ખ્યાલ છે, કે શરીરો બદલાય જ છે. આ માત-પિતા દ્વારા શરીર મળ્યું, અગ્નિમાં એ ખલાસ થઇ જવાનું છે. આવતાં જન્મમાં કયું શરીર મળશે એ ખ્યાલ નથી. ગયા જનમમાં કયું શરીર હતું એ ખ્યાલ નથી. તો મેં કહ્યું શરીરોની આટલી બધી બદલાહટ ચાલે છે, છતાં પણ તમે આ શરીરમાં હું નો બોધ કેમ કરી શકો? એકદમ બૌદ્ધિક શ્રોતાઓ હતા, એટલે એમને થયું વાત તો સાચી છે. થવું ન જોઈએ આ, પણ કેમ થાય છે? એ લોકોએ મને જ પૂછ્યું, સાહેબ તમે જ કહો, તો મેં કહ્યું, next to soul, body છે. આત્મા પછી તરત શરીર છે. આત્મતત્વ પકડાય નહિ, તો શરીર પકડાશે. જે ક્ષણે આત્મતત્વ પકડાયું, અને એમાં હું પણાનો બોધ થયો, આ છૂટી જવાનું છે. આ સમ્યગ્દર્શન.. સમજ્યા. હવે સવાલ થાય, કે અરિહંત પરમાત્મા મારા દેવ છે, અરિહંતો મહ દેવો, જાવજજીવં સુસાહુણો ગુરુણો, જિણ પન્નત્તં તત્તમ્, ઈઅ સમ્મત્તં મએ ગહિઅં’ હવે એ તો સમ્યગ્દર્શન ની અવસ્થા ન કહેવાય. ત્યાં અહોભાવ રૂપી સમ્યક્ત્વ આવ્યું. અહીંયા અનુભૂતિ રૂપી સમ્યક્ત્વ લેવાનું. તો વાત એ છે, એ અનુભૂતિ રૂપ સમ્યગ્દર્શન થાય છે, એ પછી પ્રભુ, સદ્ગુરુ અને એમણે આપેલી સાધના પ્રત્યે અત્યંત અહોભાવ જાગે છે. ઓહોહો મારા પ્રભુની કૃપા મને સમ્યગ્દર્શન મળ્યું. મારા સદ્ગુરુની કૃપા કે એમણે સમ્યગ્દર્શન શું એની પીછાણ કરાવી. તો સમ્યગ્દર્શનની કેટલી સરસ વ્યાખ્યા આપી. તો ત્રીજું ચરણ એ છે, ‘એહથી હોવે દેવગુરુ ફૂની… એહથી હોવે દેવગુરુ ફૂની, ધર્મરંગ અટ્ઠિ મજ્ઝી’ આ અનુભૂતિ રૂપ સમ્યગ્દર્શન પામ્યા પછી દેવ-ગુરુ ફૂની એટલે પળ, પુનઃ નું ફૂની થયું છે. દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેનો રાગ અસ્થિ મજ્ઝા સુધી જાય. ઓહોહો આવા પ્રભુ, આવા પ્રભુ, આવા પ્રભુ. અને અનુભૂતિ થોડો સમય રહેશે. અનુભૂતિમાંથી એ પાછો આવશે એટલે અહોભાવ.. અહોભાવ.. અહોભાવ.
જેમ ભાવના ધ્યાન થાય, અહોભાવ ધ્યાન થાય, તો આવું સમ્યગ્દર્શન આપણને મળો એવી પ્રાર્થના આપણે પ્રભુને કરવાની.