વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો
અતીતની યાત્રામાં હેમચન્દ્રાચાર્ય કે હરિભદ્રાચાર્ય જેવા સદ્ગુરુઓ આપણને મળેલા. ત્યારે સદ્ગુરુ હતા, પણ શિષ્ય નહોતો! આ કાળની અંદર પણ શ્રેષ્ઠ સદ્ગુરુઓ આપણને મળે છે એ આપણું સદ્ભાગ્ય છે. પણ એ સદ્ભાગ્ય ખરેખર સાકાર ક્યારે બને? જ્યારે તમે એમના ચરણોમાં ઝૂકી શકો, ત્યારે.
સુહગુરુજોગો. પ્રભુ! મને સદ્ગુરુ આપ – એટલું નહિ, સદ્ગુરુના ચરણોમાં મને ઝૂકાવી આપ. સદ્ગુરુ તો કેટલાય જન્મોમાં મળ્યા પણ મારું કામ થયું નહિ કારણ કે ત્યારે હું શિષ્ય નહોતો. આ વખતે માત્ર સદ્ગુરુ નહિ, સદ્ગુરુયોગ તું મને આપ. તમે ન રહો, તમારી ઇચ્છાઓ ન રહે, માત્ર સદ્ગુરુની આજ્ઞા રહે – એ સદ્ગુરુયોગ.
સદ્ગુરુના છ વિશેષણ. એ આગમના જાણકાર હોય. નિશ્ચય સમ્યગ્દર્શનને પામેલા હોય. માત્ર સંવરમાં એટલે કે સ્વમાં રહેલા હોય. આટલી ઊંચી ભૂમિકાએ હોવા છતાં પરંપરાને વફાદાર હોય. જેને કશું જ જોઈતું નથી, એવા અવંચક હોય. અને પવિત્ર એવા આત્માના અનુભવને ધારણ કરનારા હોય.
આબુ ઓળી વાચના – ૩
લીચી નામનો એક યુવાન સદ્ગુરુ પાસે આવ્યો, સદ્ગુરૂના ચરણોમાં ઝૂક્યો, પહેલી જ વાર એ એક સદ્ગુરુ પાસે આવી રહ્યો છે. સદ્ગુરુ face reading ના master હતા. લીચીના ચહેરાને જોતા એમણે નક્કી કર્યું કે, જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું આ વ્યક્તિત્વ છે. એટલે સદ્ગુરુએ એક પ્રશ્ન કર્યો; પહેલી જ વાર સંતો ની પાસે આવનાર માણસ એને સદ્ગુરુ પૂછે છે કે, દીક્ષા ક્યારે લેવી છે? અને લીચીએ કહ્યું: ગુરુદેવ! દીક્ષા તો લેવી છે, પણ ક્યાં લેવી? કોની પાસે લેવી? કેવી રીતે લેવી? એના અવઢવમાં છું. સદ્ગુરુએ એક master stroke લગાવ્યો. સદ્ગુરુ કહે છે, વાહ! તું ખરો માણસ, જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોની અંદર નરક અને નિગોદની ભેટ આપી, એ જ બુદ્ધિથી તારે આગળ વધવું છે… એ જ બુદ્ધિ ઉપર હજુ તને વિશ્વાસ છે.. ગુરુનું એક જ શબ્દ પ્રહાર, લીચીની બુદ્ધિ, લીચીનો અહંકાર નીચે ઢળી પડ્યો. સદ્ગુરુના ચરણોમાં ઝૂકીને એણે કહ્યું, ગુરુદેવ! આપના ચરણોમાં આજથી સમર્પિત છું. આપને જ્યારે મારી યોગ્યતા લાગે ત્યારે આપ દીક્ષા આપી શકો છો. અને સદ્ગુરુએ એને તરત જ દીક્ષા આપી પણ દીધી. સદ્ગુરુ શું કરે એમ નહિ, શું ન કરી શકે…
આજે આપણે આચાર્ય ભગવંતના ગુણોની વાત કરવી છે, ભાગ્યેશવિજયસૂરીજી એ પણ સરસ વાતો લખી છે, કરી છે… એ જ ધારામાં આપણે આગળ ચાલીએ. સદ્ગુરુ મળવા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણું સદ્ભાગ્ય. આ કાળની અંદર પણ શ્રેષ્ઠ સદ્ગુરુઓ આપણને મળે છે, એ આપણું સદ્ભાગ્ય છે, પણ એ સદ્ભાગ્ય ખરેખર સાકાર ક્યારે બને? જ્યારે તમે એમના ચરણોમાં ઝુકી શકો ત્યારે, આપણે ત્યાં દરેક જગ્યાએ આજે ગુરુના ગુણગાન ગવાતા હશે, સદ્ગુરુ તો બધું જ કરે છે પણ એ શક્તિપાતને ઝીલનારો તૈયાર ખરો? તો આપણું સદ્ભાગ્ય છે કે આ કાળમાં પણ આપણને શ્રેષ્ઠ સદ્ગુરુઓ મળ્યા છે. પણ જો આપણે એમના ચરણોમાં ઝુકી ન શકીએ, તો આપણા માટે એ સદ્ભાગ્ય પણ સદ્ભાગ્ય રહેતું નથી. અગણિત જન્મોમાં કેટલા સદ્ગુરુઓ મળ્યા, કેટલા મળ્યા? એટલા બધા સદ્ગુરુઓ મળ્યા, અને દરેક સદ્ગુરુના હૈયામાં પ્રેમ હતો, એક કરૂણા હતી કે આ આત્માને હું ઊંચકી લઉં. હેમચન્દ્રાચાર્ય જેવા કે હરીભદ્રાચાર્ય જેવા સદ્ગુરુઓ અતિતની યાત્રામાં આપણને મળેલા, સદ્ગુરુ હતા, શિષ્ય નહોતો. શિષ્યનું હોવું એ મજાની ઘટના છે.
એક સદ્ગુરુની વાત આવે છે, કે એક વિધિ – ગુપ્ત વિધિ એમને પોતાના અનુગામીને આપવી હતી, શ્રેષ્ઠ શિષ્ય એક જ હતો. પણ, એ પણ આ વિધિ લેવા માટે પરિપક્વ બનેલો નહિ. ગુરુ રાહ જોવે છે કે જે ક્ષણે આ પરિપક્વ થાય એ જ ક્ષણે એને આ ગુપ્ત વિધિ આપી દઉં. એમ કરતાં કરતાં ગુરુની આ જીવનની અંતિમ પળો આવી ગઈ. છેલ્લી ક્ષણ સુધી ગુરુ જોવે છે, પણ શિષ્ય પરિપક્વ થયો નથી. અનધિકારીને કોઈ પણ ગુરુ વિદ્યા આપી શકતા નથી. છેલ્લી ક્ષણ સુધી જોયું, શિષ્ય પરિપક્વ બન્યો નથી, ગુરુએ ચિર વિદાય લીધી. સ્વર્ગમાં ગયેલા ગુરુ શિષ્ય ઉપર નજર રાખે છે, ગુરુની ચિર વિદાય પછી ચાર મહિને શિષ્ય તૈયાર થયો. જે રાત્રે શિષ્ય તૈયાર થયો, એ જ રાત્રે ગુરુ સ્વર્ગલોકમાંથી નીચે આવે છે, અને એને વિદ્યા આપી દે છે, પહેલાં ગુરુ હતા, શિષ્ય નહોતો, હવે શિષ્ય છે, ગુરુ નથી. તો સવાલ થયો કે બેમાંથી એક ઘટના સ્વીકારવી પડે એવી હોય તો કઈ ઘટના સ્વીકારવી? તો કહ્યું પાછળની ઘટના સ્વીકારવી. કે ગુરુ ભલે ન હોય પણ શિષ્ય પરિપક્વ થયેલો હોય. સંપૂર્ણ સમર્પણ એ જ પરિપક્વતાની સૌથી મોટી નિશાની છે. ક્યારે પણ તમે તમારી જાતને પૂછ્યું? કે આટલા બધા સદ્ગુરુઓ મને મળ્યા, હું કોરો-ધાકોર કેમ રહ્યો? એટલે જ જયવીયરાય સૂત્રમાં આપણે સુહગુરુને માગ્યાં નથી. મને સદ્ગુરુ આપ, એવું આપણે પ્રભુને કહ્યું નથી. શું માંગ્યું? ‘સુહ ગુરુજોગો’ પ્રભુ મને સદ્ગુરુ આપ એટલું નહિ, સદ્ગુરુના ચરણોમાં મને ઝુકાવી આપ. સદ્ગુરુ કેટલાય જન્મોમાં મળ્યા, મારું કામ થયું નહિ, કારણ કે હું શિષ્ય નહોતો. આ વખતે સદ્ગુરુ નહિ, સદ્ગુરુયોગ તું મને આપ. સદ્ગુરુયોગની મારી વ્યાખ્યા છે, ૧+૧ = ૧ એક વત્તા એક બરોબર એક. તમે ન રહો, તમારી ઇચ્છાઓ ન રહે, માત્ર સદ્ગુરુની આજ્ઞા રહે, એ સદ્ગુરુયોગ. તમારું હોવું, એ જ મોટામાં મોટી દુર્ઘટના છે. વૈભાવિક રૂપે અહંકારના લયમાં ‘હું’ તરીકે તમે રહો છો, એ તમારા જીવનની મોટામાં મોટી દુર્ઘટના છે. તમે ન હોવ, અમારું કામ શરૂ. તમે છો ત્યાં સુધી ગમે તેવા સમર્થ ગુરુ હશે, કાંઈ જ કરી શકશે નહિ, એમના હાથ બંધાયેલા રહેશે. તો સદ્ગુરુઓ મળ્યા, આપણે ઝૂકવા તૈયાર નહોતા.
ગાંધીજી Round table conference માટે London ગયેલા, ઘણા દિવસો રહેવાનું થયું, ગાંધી ભક્તો પણ થોડા જોડે હતા. એક બહુ મોટા ફિલોસોફર, એક ગાંધી ભક્તે એ ફિલોસોફરને પૂછ્યું કે તમે ગાંધીજીને નજીકથી જોયા, હવે તમને લાગતું હશે કે ગાંધીજી મોટા સંત છે, ત્યારે એ ફિલોસોફરે કહ્યું: કે હા, ગાંધીજી મોટા સંત છે, અને એમને બીજા નંબર ઉપર મૂકી પણ શકાય. તો પેલાએ વિચાર્યું, ક્રિશ્ચયન માણસ છે એના ભગવાન ઈસુને પહેલાં નંબરે મુકે અને મારા ગુરુ ગાંધીજીને બીજા નંબરે મુકે એ તો બરોબર જ છે. પણ થોડી જિજ્ઞાસા જાગી, કે પહેલે નંબરે કોણ? ત્યારે એ ફિલોસોફર Bertrand Russell એ કહ્યું: કે પહેલો નંબર તો હું મારા માટે જ રાખું છું. બીજાથી શરૂઆત કરું છું. તમારે બધાને આમ જ છે ને? પહેલાં નંબરે કોણ? મારું ‘હું’. ગુરુ મારા ‘હું’ ને પંપાળે તો બીજા નંબર ઉપર બધા… કેટલી નાની બાબત માટે કેટલી મોટી ઘટનાથી આપણે વંચિત રહ્યા… મોક્ષ એ તો મોટી ઘટના છે જ. પણ સમર્પણનો આનંદ બહુ મોટામાં મોટી ઘટના છે. સમર્પણનો આનંદ માણ્યો છે. પ્રભુના ચરણોમાં, સદ્ગુરુના ચરણોમાં બધું જ સમર્પિત કરી દીધું. બિલકુલ નિર્ભાર છું આજે. આવતી ક્ષણની કોઈ ચિંતા નથી. આવતી ક્ષણ માટે કોઈ મનમાં commitment નથી. વ્યવહારથી પાંચ-પાંચ વરસના કાર્યક્રમો નક્કી થયેલા છે, પણ નિશ્ચયથી આવતી ક્ષણ માટે uncommitted માણસ છું. વરઘોડો ચાલશે ત્યાં સુધી ચાલવા દઈશું. ક્યારે વરઘોડો અટકી જાય તો અટકી જશે.
તો એક ‘હું’ ને સાચવવામાં તમે સમર્પણના આનંદને ચુકી ગયા છો. ઝૂકો એટલે શું? શરીર તો ઝુકે છે, માથું ઝુકે છે ગુરુના ચરણોમાં, મન ઝૂક્યું? કોઈ વિચાર નહિ. એક શિષ્ય હોય, એક શિષ્યા હોય એને પૂછો આવતી ક્ષણે તમારે શું કરવાનું છે? એ કેહશે મને ખ્યાલ નથી મારા સદ્ગુરુ જાણે.
એકવાર હું વિહાર કરતાં ચાણસ્મા ગયેલો, હું પાટણથી ચાણસ્મા ગયેલો, અને મહેસાણાથી ચાણસ્મા આચાર્ય યશોરત્નસૂરિ અને એ બધા આવેલા, એમના એક મુનિરાજ મારી પાસે આવ્યા, કે સાહેબ થોડાક પ્રશ્નો છે, ઉત્તર જોઈએ. મેં ટાઈમ આપ્યો, એ ટાઈમે આવી ગયા. ઉત્તરો મળી ગયા. પછી મેં એમને એક પ્રશ્ન કર્યો, કે આવતી કાલે તમારો વિહાર છે કે નહિ? તમે બધા કેવા હોવા જોઈએ, એની આ વાત છે. મેં પૂછ્યું આવતી કાલે તમારો વિહાર છે? સાંજનો સમય હતો, એ કહે ગુરુદેવ! મને કોઈ ખ્યાલ નથી. ૪ વાગ્યે સવારે જો ગુરુદેવ મને ઉઠાડશે, તો હું માનીશ કે વિહાર છે. સાડા ચાર-પોણા પાંચે ઉઠાડશે તો હું માનીશ કે વિહાર નથી. આવતી કાલે સવારે વિહાર છે કે નહિ, એના માટે સાંજે એ મુનિરાજ અપ્રતિબદ્ધ છે. ગુરુદેવ જે કહેશે એમ કરશું. I have not to think absolutely. મારે કશું જ વિચારવાનું નથી. મન ગુરુદેવને સોંપી દીધું, વિચાર હું કરું? આપણે ગઈ કાલે જોયું હતું ને, ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો’ મન પણ પ્રભુને, સદ્ગુરુને, સમર્પિત કરવાનું છે.
પહેલા સ્તવનના છેડે આનંદઘનજી ભગવંતે એક વાત કરી, એમણે કહ્યું કે, પ્રભુ સાથેનો તમારો પ્રેમ કેવો છે? પ્રભુ સાથેનો તમારો પ્રેમ કેવો હોવો જોઈએ? તો ત્યાં એમણે કહ્યું, કે એ સંપૂર્ણ હોવો જોઈએ. શરીર તમે પ્રભુને સોંપો, મન પ્રભુને ન સોંપો, તો કેમ ચાલે? તો એક સમર્પણ તમારી પાસે આવી ગયું, એ સમર્પણનો દિવ્ય આનંદ આ જન્મમાં મેળવી લો, અને અસ્તિત્વના સ્તર પર એ આનંદને લઇ જાવ, આવતાં જન્મમાં સમર્પણ માટે મહેનત નહિ કરવી પડે,
તો આપણે બે વાત પેરેલલ જોઈશું, સદ્ગુરુનો મહિમા પણ ગાશું અને શિષ્યનો મહિમા પણ. તમે ઓછી માયા છો? સદ્ગુરુ કેવા હોય, એની વાત આનંદઘનજી ભગવંતે સોળમાં સ્તવનની એક કડીમાં કહી. ‘આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે.’ સદ્ગુરુ કેવા હોય? છેલ્લા વિશેષણમાં કહ્યું, ‘શુચિ અનુભવ ધાર રે’ આત્માનુભૂતિ સંપન્ન, સ્વાનુભૂતિ સંપન્ન ગુરુદેવ હોય છે. શ્રીપાલ રાસનો એક મહત્વપૂર્ણ પોર્સન એ છે જ્યાં મહોપાધ્યાય યશોવિજય મહારાજ પોતાને થયેલ અનુભૂતિની વાત કરે છે. બહુ પ્યારા શબ્દો છે, તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો, મારા પર પ્રભુનો પ્રસાદ ઉતર્યો, એ શ્રીપાળનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુઠો રે’ આ શ્રીપાળનો રાસ કરતાં આત્માનુભૂતિનો પ્રસાદ પ્રભુ તરફથી વરસ્યો. મને એમ લાગે છે, કે શ્રીપાળજીના સમભાવને ઉલ્લેખિત કરતાં કરતાં મહોપાધ્યાયજી સમભાવની પ્રગાઢ ધારામાં પહોંચી ગયા. તમારા ગુણની અનુભૂતિ થાય, કે તમારા નિર્મળ સ્વરૂપની અનુભૂતિ થાય, એ બેઉને આપણે ત્યાં આત્માનુભૂતિ કહી છે. તો એ સમભાવની પ્રગાઢ ધારામાં મહોપાધ્યાયજી પહોંચી ગયા, એવો એ વખતનો આનંદ હતો, એ નાચી ઉઠ્યા. અને એમણે કહ્યું: તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો, એ શ્રીપાળનો રાસ કરંતા, અનુભવ અમૃત રસ વુઠો રે’ પછી અનુભૂતિનો મહિમા બતાવે છે. ‘પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો, જ્ઞાનમાંહિ તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે’ ખીર નાનકડી પાત્રીમાં લાવેલી પણ ગૌતમસ્વામી ભગવાનનો અંગુઠો અંદર પડ્યો, એટલે ખીરની ગંગા વહી ગઈ. પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો. એ જ રીતે તમારી પાસે જે પણ જ્ઞાન છે, એ જ્ઞાન સાર્થક ક્યારે? જ્ઞાનમાંહિ તિમ અનુભવ જાણો – અનુભવ આવશે તો આત્મજ્ઞાન જે છે એ વાસ્તવિક બની જશે. અને પછી છે ને મારા જેવો માણસ પણ ન કહી શકે એવી સુગર કોટેડ નહિ, પણ અન-સુગર કોટેડ વાત કહી દીધી. તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે – અનુભૂતિ નથી, જ્ઞાન નકામું. અભવિ નો આત્મા ૯ પૂર્વનો જ્ઞાતા છે, જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની કોણ? ખબર છે? પૂજામાં આવ્યું; ‘જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મનો છેહ’ પણ એનું મૂળ જે ‘સીરીસીરી વાલકહા’માં છે, એ બહુ સરસ છે, ‘નાણી તિહિં ગુત્તો’ એક શ્વાસોશ્વાસની અંદર આટલા બધા કર્મોને ખપાવી શકે, જ્ઞાની, પણ એ જ્ઞાની કેવો – તિહિં ગુત્તો એટલે ધ્યાની થઇ ગયો. ત્રણ ગુપ્તિ એ જ આપણું ધ્યાન. ત્રણ ગુપ્તિ એ જ કાયોત્સર્ગ. તો મૂળમાં ‘નાણી તિહિં ગુત્તો’ છે. એ ગુજરાતીમાં છૂટી ગયું છે. એટલે ગુજરાતીમાં એવું આવ્યું, ‘જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મનો છેહ’ એટલે તમારા માટે જલસો. જ્ઞાની – જ્ઞાની તો બની ગયા છીએ. હવે એક – એક શ્વાસે કર્મનો ક્ષય. એટલે સીધા ઉપર. મોક્ષમાં. ‘પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો, જ્ઞાનમાંહિ તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જુટ્ઠો રે’ પછી આગળ કહે છે, ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને’ શ્રુતજ્ઞાનથી આત્મ વિષયક કોઈ સંદેહો દૂર થતાં નથી. આત્મા અરૂપી, આત્મા આટલા ગુણવાળો, પણ એનો બરોબર ખ્યાલ ક્યારે આવે? અરે કેરી ન મળે તો છોતરાં મળે તો ખ્યાલ આવે કે ભાઈ આ કંઈક મજાની વસ્તુ છે. પણ કેરીનું ચિત્ર જ હોય તો… ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને’ અને પછી બહુ મજાની વાત લખે છે, ‘હરવ્યો અનુભવ મોહ હતો જે, મોહ મલ્લ જગ બાઠો, પરી પરી તેહના મર્મ દાખવિ, ભારે કીધો ઉપરાઠો રે’ મોહ હતો અનંત જન્મોથી, એ મોહને દૂર કરે કોણ? અનુભૂતિ. દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય એટલે આત્મા શું છે એ ખ્યાલ આવે. આત્મતત્વ ઉપર શ્રદ્ધા થાય, ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય એટલે આત્મસ્વરૂપનું અનુભવન તમે કરતાં થઇ જાવ. તો ‘હરવ્યો અનુભવ જોર હતો જે, મોહ મલ્લ જગ બાઠો – મોહરૂપી મલ્લ જે જોરદાર હતો એને પણ અનુભવે હરાવી નાંખ્યો. પરી પરી તેહના મર્મ દાખવિ, એ મોહમાં શું ત્રુટી છે, શું ખામી છે? શું દોષો છે? એ તમને કઈ રીતે હેરાન – પરેશાન કરે છે, આ બધી વાતો અનુભૂતિ પછી જ સ્પષ્ટ થાય છે. અનુભૂતિ નથી હોતી અને તમે આત્મ વિષયક સેંકડો પુસ્તકો વાંચ્યા છે, એથી બીજાને લાભ થઇ શકે, તમને શું? તમે બીજાને કહો અને કદાચ બીજો એ ધારામાં પહોંચી જાય, તમને શું? આપણી ગુજરાતીમાં કહેવત છે, કે ‘રાંધનારી ને ધુમાડો ન હોય’ બેન રસોઈ કર્યા જ કરે, રોટલીનો થપ્પો કર્યો, દાળ, શાક કર્યું, મહેમાન એટલા આવ્યા કે બધું સફાચટ એટલે ધુમાડો જ રહ્યો. રાંધનારી ને ધુમાડો ન હોય. તો તમે શબ્દ દ્વારા આત્મજ્ઞાની બની ગયા. એથી શું થાય? બીજાને તમે આત્માની વાત કરી શકો.
એક બહુ મજાના ગુરુ હતા, એમને ખ્યાલ હતો, કે એમનો એક શિષ્ય આત્મતત્વ ઉપર બહુ સરસ રીતે બોલે છે. એ શિષ્ય એકવાર આવેલો, વંદન કરવા, ગુરુ કહે તું આત્મતત્વ ઉપર સરસ બોલે છે, જરા બોલ તો મારી પાસે. ગુરુ પાસે બોલવાનું છક્કા છૂટી જાય. પણ હિંમત રાખી એણે. દોઢ કલાક સુધી વેદોના, ઉપનિષદોના બીજા ગ્રંથોના, references ટાંકી – ટાંકી ને આત્મતત્વ ઉપર એ બહુ જ જોરદાર રીતે બોલ્યો. પણ ગુરુ એના શબ્દોની સામે જોતા નહોતા. એના ચહેરા સામે જોતા હતા. પ્રવચન પૂરું થયું, અને શિષ્યને હતું કે ગુરુ મને બાહોમાં લેશે. પણ ગુરુએ એક જ વાક્ય કહ્યું: you can’t feel your stomach with the pictures of the cakes. ગુરુ કહે છે કે ભાખરીના ચિત્રોથી પેટ ન ભરાય, તારી પાસે ભાખરી ક્યાં છે? ભાખરીના ચિત્રો છે. આત્મતત્વની અનુભૂતિ થયેલી હોય, એનો ચહેરો તો કેવો હોય? એનો ચહેરો જ અદ્ભુત હોય, જેને પણ કંઈક જોઈએ છે, આપણે સંસાર છોડ્યો પણ પ્રશંસા જોઈતી હોય. જેને પણ કંઈક જોઈએ છે, એના મુખ ઉપર સહેજ દીનતાની લાગણી હોવાની. પણ જેને કશું જોઈતું જ નથી, એ સમ્રાટ છે. આત્મતત્વની અનુભૂતિ જેને થઇ ગઈ, બસ, કશું જ જોઈતું નથી. પ્રભુ મળી ગયા, આત્માનુભૂતિ થઇ ગઈ. કામ પૂરું થઇ ગયું.
તો છ વિશેષણ સદ્ગુરુના છે. એ આગમના જાણકાર હોય, નિશ્ચય સમ્યગ્દર્શનને પામેલા હોય, એ માત્ર સંવરમાં એટલે કે સ્વમાં રહેલા હોય, આટલી ઉંચી ભૂમિકાએ હોવા છતાં સંપ્રદાયી, પરંપરા ને વફાદાર હોય, અવંચક, કશું જ જોઈતું નથી, તમે ગમે તે આપો, ગમે તે એના ચરણોમાં મુકો, એ કહેશે પેટીમાં નાંખી દો જે હોય તે, તમારી જો નજર જાય ને કે સોનામહોર આણે મુકેલી, તો પણ તમે ગયા. એ કોઈ ધ્યાન આપવા જેવી વસ્તુ છે? જેને તમે છોડીને આવ્યા, અને પેલાની પાસે બીજું નથી એટલે એ મૂકી દે છે. એ સોનામહોરનો ત્યાગ કરે છે અને તમારા મનમાં સોનામહોર આવે છે? સુવર્ણ દ્રવ્યથી પૂજન થયું, શું પણ? તો અવંચક સદા, અને છેલ્લું કહ્યું, શુચિ અનુભવધાર. પવિત્ર એવા આત્માના અનુભવને ધારણ કરનાર. આ એક-એક વિશેષણને આપણે આવતી કાલે ખોલીને જોઈશું.