વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : નિર્મદા
શુદ્ધ સ્વરૂપમાં રમણતા માટે બે તત્ત્વો જોઈએ: દેહની નિર્મમતા અને અહંકાર શૂન્યતા. અહંકાર શૂન્યતાનું સુખ, સમર્પણનું સુખ આ જન્મમાં મેળવવું જ છે. અને તમને guarantee આપું કે એક વાર તમે એ સુખ માણી લો, પછી એ છૂટવાનું નથી; પછી અહંકાર ક્યારેય આવવાનો નથી.
પ્રભુ અને સદ્ગુરુ મળ્યા, એમના ચરણોમાં તમે સમર્પિત થઈ જાઓ એટલે અહંકાર છૂટી જાય. અહંકાર કેમ આવે છે? તમારી જાતને બતાવવા માટે કે હું કંઈક છું! પણ જ્યાં તમે સમર્પિત થયા, અને તમે નથી એનો આનંદ અનુભવ્યો, પછી હું છું એનો દેખાડો કરવાની ઈચ્છા ક્યાંથી થશે!
પરની દુનિયામાં જે બેખબર હોય, એ જ સ્વની દુનિયામાં અગ્રણી થઇ શકે. પરની દુનિયામાં જે ચાલાક હોય, દસ-વીસ જણા જેને પૂછવા આવતા હોય, જવાબો આપીને પોતે બુદ્ધિશાળી છે એવો અહંકાર વધતો હોય, એવો ચાલક વ્યક્તિ સ્વની દુનિયામાં ક્યારેય પણ આવી નહિ શકે.
આબુ ઓળી વાચના – ૮
એક સ્વાનુભૂતિ સંપન્ન સંત ચાલી રહ્યા છે. સ્વાનુભૂતિ જ્યારે મળી જાય છે ત્યારે એ વ્યક્તિની આખી જીવન ચર્યા ફરી જાય છે. ખાવામાં એનો રસ નથી, પીવામાં એનો રસ નથી, શરીર છે તો ખવાઈ જાય, પીવાઈ જવાય. આવા જ એક આત્મજ્ઞાની સંતને પૂછવામાં આવેલું કે તમે સાધનાની શરૂઆતમાં પણ ખાતા હતા, પીતાં હતાં, સુતાં હતા. આજે તમારી સાધના ટોચ પર પહોંચી ગઈ છે છતાં પણ શરીર છે, આ ખાવ છો, આ પીવો છો. તો ફરક શો પડ્યો? એ વખતે એ સંતે કહ્યું, કે પહેલાં હું ખાતો હતો, હું પીતો હતો, હવે ખવાય છે, પીવાય છે. કર્તા ઉડી ગયો. પહેલાં હું ખાતો હતો, હું પીતો હતો, હવે કર્તા ગયો, કારણ કર્તા અંદર છે, ખાવાની ક્રિયા બહાર છે. તો હવે ખવાય છે, પીવાય છે, સુવાય છે.
જાપાનના સમ્રાટે પોતાના ગુરુ રીન્ઝાઈ ને પૂછેલું, કે આપ તો સદ્ગુરુ છો, પણ એક ભિક્ષુ, એક સંત ઉંચકાયેલો છે કે નહિ, એનો ખ્યાલ અમને શી રીતે આવે? એ વખતે ગુરુએ કહેલું કે એના ઉઠવાને જુઓ, એના બેસવાને જુઓ, એના ચહેરાને જુઓ, તમને ખ્યાલ આવી જશે કે એ ઉંચકાયેલો છે કે નથી ઊંચકાયેલો..
ચારિત્રપદનો આજે દિવસ છે. દેવચંદ્રજી મ.સા. એ નવપદ પૂજામાં બહુ મજાની વાત કરી; મુનિવરો કેવા હોય છે? પ્રભુની સાધ્વીજીઓ કેવી હોય છે? ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા’ ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે – જેમનો ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં પહોંચી ગયો; એ મુનિરાજ, એ પ્રભુની સાધ્વીજી. તમે પૂછો, કોણ આવ્યું હતું હમણાં? ખબર નથી. એમને કાંઈ જ ખબર નહિ રહેવાની. ભીતર ડૂબેલા હોય છે.
એક સાધ્વી વૃંદ વિહાર કરી રહ્યું હતું, સામેથી એક સાધ્વી વૃંદ મળ્યું, રસ્તા વચ્ચે મેળાપ થયો. વંદન વિગેરે વિધિ થઇ. સામેથી જે લોકો આવતાં હતા, એ પૈકીના એક સાધ્વીજી ભગવતીને ગરમીની બહુ તકલીફ હતી, સહેજ ગરમી વધી જાય એટલે શરીરે ફોડલા- ફોડલા-ફોડલા થઇ જાય. તો એમણે આવનાર સાધ્વી વૃંદને પૂછ્યું, કે તમે જ્યાંથી આવો છો, ત્યાં જ અમારે જવાનું છે. તો ઉપાશ્રય કેવો હતો? એના બારી-બારણાં કેવી રીતે ખુલતાં હતા, ઠંડક કેવી હતી? સામેની સાધ્વીજીના વૃંદના અગ્રણી સાધ્વીજી એ કહ્યું, સાહેબજી કોઈ ખ્યાલ રહ્યો નથી. અમે તો સવારે ગયા, કાજો લીધો, ઉતર્યા, સૂત્ર પોરસી કરી, પાત્રા પ્રતિલેખન કર્યું, અર્થ પોરસી કરી, દેરાસરે ગયા, ગોચરીએ ગયા, વાપર્યું, પડીલેહણ કર્યું, ફરી સ્વાધ્યાય, એટલે સાહેબજી આપ કહો છો એ વાતનો અમને ખ્યાલ નથી. પણ એક વસ્તુનો ખ્યાલ છે કે પ્રકાશ સુર્યાસ્ત સુધી આવતો હતો, કારણ કે અમે ઠેક સુધી સ્વાધ્યાય કરી શક્યા અને પારિષ્ઠાપનીકા ની જગ્યા બરોબર છે. ઉપાશ્રયની અંદર બારીઓ કેવી હતી, કેવી નહિ. હવા આવતી હતી કે નહોતી આવતી, એનો પણ ખ્યાલ એમને નહોતો. બસ સ્વાધ્યાય લીધો ભીતર ઉતરી ગયા, અર્થાનુપ્રેક્ષા લીધી ધ્યાનમાં ઉતરી ગયા. માત્ર ભીતર ઉતરવાની વાત છે.
સાડા ત્રણસો ગાથાનું સ્તવન મહોપાધ્યાય યશોવિજય મહારાજનું એના ઉપર પદ્મ વિજય મ.સા. નો ટબો છે. એમાં એક સરસ કડી છે. પૃષ્ઠ ભૂમિકા એવી છે, કે ૧૧ વાગ્યાનો સમય થયો છે, એક મુનિરાજ અર્થાનુપ્રેક્ષા કરી રહ્યા છે. અર્થાનુપ્રેક્ષા એવી રીતે થતી કે એક શબ્દ એના ઊંડાણમાં જાવ, ઊંડાણમાં જાવ, અશબ્દ ખુલે તમે ધ્યાનમાં જતાં રહો. પહેલાં માત્ર ધ્યાન હતું. ૩૦૦-૪૦૦ વર્ષથી આ પરંપરા ચાલી કે અર્થનું અનુપ્રેક્ષણ કરવાનું, પણ એવી રીતે કરવાનું કે છેલ્લે સ્વમાં ડૂબી જવાય. ૧૧ વાગે એ મુનિરાજ અર્થાનુપ્રેક્ષા કરી રહ્યા છે. મનની ભૂમિકા એવી છે કે ભીતર ડૂબું, ડૂબું એ થઇ રહ્યા છે. ધ્યાનદશામાં પહોંચી જવાય એવું છે. ત્યાં જ ગોચરી નિયામક ની આજ્ઞા આવી, તમારે વહોરવા અત્યારે જવાનું છે. આજ્ઞા એ તો આજ્ઞા છે. ઝોળી લીધી, પાત્રા લીધા, વહોરવા માટે જાય છે. એ વખતે ત્યાં સ્તવનમાં લખ્યું, કે બે વિકલ્પો છે, ગોચરી નિર્દોષ જે રીતે લાવવાની છે, એ રીતે દૂર-દૂરથી ગવેષણા કરીને લાવે, તો કલાક-દોઢ કલાક થઇ જાય. અને તો કદાચ બેસે તો પણ ધ્યાનની ધારા ન પકડાય. એને બદલે બાજુના ૫-૭ ઘરોમાંથી ભિક્ષા લઇ આવે, એ ગોચરીના સ્થાન પર મૂકી દે, ગોચરી આલોચી લે, પોતાના સ્થાન પર બેસે, ઈરિયાવહિયા કરી અને અંદર ઉતરી શકે એમ છે. તો એ મુનિએ શું કરવું જોઈએ? તો ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, કે આધાકર્મી ગોચરી હોય તો પણ વાંધો નથી. પણ ધ્યાન એ સાધનાનો મુખ્ય પાયો છે. તો ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે’ જવું છે ને?
આબુને હવે છોડવાનું છે. ભગવાને શું આપ્યું એ તો કહો? ભગવાનને છે ને આનાથી ઓછું આપવું નથી. તમારે ઓછું લેવું છે? તમે કાચા છો કે પાક્કા? આના સિવાયનું મારે કાંઈ ખપે નહિ. શુદ્ધ સ્વરૂપ રમણતા મને આપી દો. પછીની વાત બહુ મજાની લખી, ‘જેહ, દેહ નિર્મમ નિર્મદા’ શુદ્ધ સ્વરૂપની રમણતા માટે શું જોઈએ? બે તત્વો જોઈએ, દેહની નિર્મમતા, અને અહંકાર શૂન્યતા. આપણો અહંકાર તો દીક્ષા વખતે જ શૂન્ય થયેલો હોય ને? રજોહરણ સ્વીકારની ક્ષણને હું રોમે રોમે પરમાત્માના સ્વીકારની ક્ષણ કહું છું. રોમે રોમે પરમાત્મા આવી જાય. એક રૂવાળું પરમાત્માના સ્પર્શ વિનાનું ન હોય. ભીતર પરમાત્મા છે, અહંકાર રહેશે ક્યાં? પ્રભુ, સદ્ગુરુ બે મળ્યા, બે ના ચરણોમાં તમે સમર્પિત થયા, સમર્પણનું સુખ આ જન્મમાં કદાચ પહેલીવાર મળી શકે એમ છે. તમે મેળવ્યું કે નહિ, મને ખબર નથી. સમર્પણનું સુખ એટલું તો અદ્ભુત હોય છે, આપણે બિલકુલ નચિંત. આવતી ક્ષણ માટે શું કરવું? કાંઈ હું જાણતો નથી. પ્રભુ જાણે, સદ્ગુરુ જાણે.
તો બે વાત કરે છે, દેહ નિર્મમ નિર્મદા – દેહની મમતા તો છૂટી, હું છૂટ્યું. ઘણીવાર લોકો મને કહે સાહેબ તમે તો હસતાં હસતાં કહો છો, સમર્પિત થઇ જાવ, એમ સમર્પણ કંઈ થાય?! કેટલું અઘરું છે! ત્યારે હું હસવા માંડું, કે જે હોય એને સમર્પિત કરવાનું હોય. તમારી પાસે બે વસ્તુ છે. ગંદુ શરીર, ગંદુ મન. એ સદ્ગુરુએ સમર્પિત કરો, તો સદ્ગુરુ કહેશે લે, આ મોક્ષ. ‘આયઓ ગુરુબહુમાણો’ અને તમે કહેશો કે મારે તો આ દેહ અને મનની જે માલીકીયત છે એને છોડવી જ નથી. તો? સમર્પણનું સુખ આ જન્મમાં મેળવવું છે. અને તમને ગેરંટી આપું, એકવાર તમે એ સુખ માણ્યું લો, પછી એ છૂટવાનું નથી. પછી અહંકાર ક્યારેય આવવાનો નથી. અહંકાર કેમ આવે છે? You have no option. તમારી પાસે કોઈ વિકલ્પ નથી, તમારી જાતને બતાવવા માટેના, હું કંઈક છું! પણ જ્યાં તમે સમર્પિત થયા, તમે નથી એનો આનંદ અનુભવ્યો, પછી હું છું એનો દેખાડો કરવાની ઈચ્છા કેમ થશે..?! હું નથી એનો આનંદ મેળવ્યો. તમારી પાસે અત્યારે હું છું એનો આનંદ છે. અમારી પાસે હું નથી એનો આનંદ છે. કોનો આનંદ ચડિયાતો બોલો? ચડિયાતો આનંદ કોનો? અમારો…
તો સુફી સંત ચાલી રહ્યા છે. સ્વાનુભૂતિથી તરબતર છે. એ ચાલી રહ્યા છે, એ જ માર્ગ ઉપર બે જણા આગળ બેઠેલા છે. અને એ બેઉ જણા સંત આવે છે ત્યાંથી જ આવેલા છે. એક જણો બહુ થાકી ગયેલો એટલે એણે કહ્યું કે ચાર ગાઉં થઇ ગયા, પેલો કહે નહિ બિલકુલ નહિ, ત્રણ ગાઉં. ત્રણ ગાઉથી ઉપર સહેજ પણ નથી ચાલ્યા આપણે… હવે કિલોમીટર સ્ટોન કે માઈલ સ્ટોન તો હતા જ નહિ. પેલો કહે ચાર ગાઉં. પેલો કહે ત્રણ ગાઉં. આપણે ત્યાં કહે છે, ચર્ચા, મરચાં, અને પછી કરચા. આવા લોકો પહેલાં ચર્ચા કરે, પછી મરચા ઉડે, શું ત્રણ ગાઉની વાત કરે છે? ચાર ગાઉં પુરા આપણે ચાલ્યા છીએ. પેલો કહે ચાર ગાઉંની શું વાત કરે છે? આપણે ત્રણ ગાઉં જ ચાલ્યા છીએ. મરચા ઉડે, અને એમાંથી પછી રોકાણ ન થાય તો કરચા, હાડકાંના કુરચેકુરચા. એટલે આ બેઉ જણા પણ મરચાની ભૂમિકામાં આવી ગયા.
ત્યાં એમણે સંતને જોયા. ગામ તો એક જ હતું, તો કહે આપણે સંતને પૂછીએ, સંત રોજ ચાલતા હોય, એમને ખબર પડે. બેય જણા સંમત થયા કે વાંધો નહિ, સંત કહે ચાર તો ચાર અને ત્રણ તો ત્રણ. સંત આવ્યા, સંતને આ બેઉ જણાએ વિનંતી કરી, કે અમારા વચ્ચે ઝઘડો પડ્યો છે, એને તમે દૂર કરો. એક જણ કહે છે કે આ ગામ ચાર ગાઉ છે. બીજો કહે છે ત્રણ ગાઉં છે. ખરેખર કેટલું? હવે સંત, આત્મસ્થ સંત, પોતાની મસ્તીમાં રહેનારા સંત એને વળી શો ફરક પડે! કેટલું ચાલ્યા? ખબર એ નથી. પરની દુનિયામાં જે બેખબર હોય એ જ સ્વની દુનિયામાં અગ્રણી થઇ શકે. પરની દુનિયામાં જે ચાલાક હોય, એ આ દુનિયામાં ક્યારે પણ આવી નહિ શકે. એ પરની દુનિયામાં ચાલાક હશે. દસ-વીસ જણા પચ્ચીસ જણાને પૂછવા આવતાં હશે. એને જવાબ આપે, બુદ્ધિશાળી છે, અને અહંકાર વધતો જાય. બધા લોકો, કેવા કેવા લોકો મારી સલાહ લેવા માટે આવે છે. મારા વિના આખા ગામને ચાલે જ નહિ.
સંતે કહ્યું, કે પહેલા મારા પ્રશ્નનો એક જવાબ આપો. પછી તમારી વાત. સંતે કહ્યું, એક કુતરું હતું, કુતરાએ હાડકાનો ટુકડો જોયો, સૂકાં હાડકાનો ટુકડો. એણે મોઢામાં લીધો. ત્યાં બીજું કુતરું આવ્યું. એને પણ આના મોઢામાં હાડકાનો ટુકડો જોયો. એને પણ ઈચ્છા થઇ. એટલે પેલાના મોઢામાં હાડકાનો ટુકડો પેલો કુતરો સામે ખેંચે. હાડકાનો ટુકડો એક, કુતરા સામસામે ખેંચે છે. સંત પૂછે છે કે આ બંને કુતરા ખેંચમ – ખેંચ કરી રહ્યા છે, એ વખતે હાડકાંની ભૂમિકા શું હોય? તો પેલા બે કહે સાહેબ હાડકાની શું ભૂમિકા હોય, સુકું હાડકું, નિર્જિવ છે, એને ક્યાં વળી વિચાર હોવાનો હતો. ત્યારે સંતે કહ્યું, પરની દુનિયામાં હું આ હાડકાંના ટુકડા જેવો છું. મારે પરની દુનિયા જોડે કોઈ સંબંધ નથી. એનો વિચાર પણ હું કરતો નથી. હું મારામાં જ રહું છું. ચાલો હું જાઉં છું.
સાધુ જીવનની મસ્તી – એ મસ્તી ક્યારે મળે છે? જ્યારે અમે શુભમાં જઈ અને શુદ્ધમાં જઈએ છીએ ત્યારે. પેલા સ્વાધ્યાય ને એ બધું લઈશું. પછી ધ્યાન લઈશું.
૩૦ એક વર્ષ પહેલાંની એક ઘટના છે. એક મજાનું ગામ, ગામની વચ્ચે દેરાસર ભવ્ય, ઉપાશ્રય સારો, સો એક ઘર જૈનોના, એક જ્ઞાની ગુરુદેવ એકવાર ત્યાં પધાર્યા, લોકો તો એટલા રાજી રાજી થઇ ગયા, ગુરુદેવ અમારે આંગણે, પહેલાં જ દિવસે શ્રી સંઘે વિનંતી કરી, કે સાહેબજી માસકલ્પ કરો, શેષ કાળમાં આપ એક મહિનો તો રોકાઈ જ શકો છો એક ગામમાં. માસકલ્પનો લાભ આપો. ગુરુદેવે જોયું, બધું જ સાધુપણાનું સચવાય એવું હતું. હા,પાડી. કે ક્ષેત્ર સ્પર્શના હશે તો કરીશું. એક નાનકડો દીકરો આઠ વર્ષનો, એ સાહેબ પાસે ભણવા માટે આવે. આખો દિવસ ઉપાશ્રયમાં બેઠો રહે. એની મમ્મી બોલાવવા આવે ત્યારે જમવા માટે જઈ, પાછો ઉપાશ્રયમાં. પૂર્વ જન્મની એવી એક વૈરાગ્યની ધારા એની પાસે હતી કે સાધુ ભગવંતો એને ખુબ ગમવા માંડ્યા. એમાં ૩૦ દિવસ પૂરા થવા આવ્યા, સાહેબનો વિહાર નક્કી થયો. એ દીકરો રડે છે કે સાહેબ તમારા વિના હું રહી નહિ શકું. તમે અહીં રહી શકતા નથી. તમારા નિયમને કારણે, તો મને સાથે લઇ જાઓ. ગુરુદેવે કહ્યું; તારા મમ્મી-પપ્પાને બોલાવી લાવ. એ રજા આપે તો વિચારીએ. ઘરે જઈને મમ્મી-પપ્પાને બોલાવી લાવ્યો. એ બેઉ પણ બહુ જ શાસન સમર્પિત. એમણે કહ્યું ગુરુદેવ આપ લઇ જાવ દીકરાને વિહારમાં, એક મહિનો, બે મહિના, ચાર મહિના વિહારમાં રાખજો, એક વર્ષ સ્કુલનું બગડશે તો વાંધો નથી. ચાર મહિના પછી પણ આપને લાગે કે બરોબર નથી, તો ઘરે મોકલી આપજો. અને આપને લાગે બરોબર છે, તો દીક્ષા અપાવવા હું તૈયાર છું.
એ દીકરો ગુરુદેવ સાથે વિહારમાં ગયો, એટલી બધી ત્યાગ અને વૈરાગ્યની ધારા, જમવા માટે કોઈના પણ ત્યાં જાય, રોટલી-શાક ખાઈને પાછો આવે. પેલા લોકોની એટલી બધી ભાવના હોય, નાનકડો દીકરો દીક્ષા લેવાનો છે, એને આ જમાડીએ, આ જમાડીએ… કાંઈ જ ખાય નહિ. રોજ ગુરુદેવ પાસે ફરીયાદ આવે, સાહેબ દીકરો કંઈ ખાતો નથી, કંઈ ખાતો નથી. એમ કરતાં ચારેક મહિના પૂરા થયા, તીવ્ર વૈરાગ્ય એનો, વૈરાગ્યમાં સહેજ પણ ખામી નહિ. મમ્મી પપ્પા આવ્યા, સાહેબ કેમ છે? સાહેબ કહે દીકરો ૧૦૦% તૈયાર છે, તમારી તૈયારી હોય ત્યારે કહેજો. દીકરાની દીક્ષા પણ થઇ ગઈ.
દીક્ષા પછીનું પહેલું ચોમાસું પાલીતાણામાં હતું. હમણાંની બનેલી ઘટના છે, ઓસવાલ યાત્રિક ભવનમાં ગુરુદેવ ચાતુર્માસ રહેવાના હતા, ત્યારે આ બાલમુનિના મમ્મી-પપ્પાને વિચાર આવ્યો, કે આમ તો ગુરુદેવ ક્યાંય હોય તો આપણે બે-ચાર દિવસ જઈ શકીએ, પાલીતાણામાં ચોમાસું કરવું એ શ્રાવકનું પણ કૃત્ય છે. તો એક રૂમ હું પણ ત્યાં લઇ લઉં, રસોડું કરી લઉં, મને ભક્તિનો લાભ પણ મળે, અને અમારા બાલ રાજા જોડે આખું ચોમાસું રહી શકાય. ગુરૂદેવનો પ્રવેશ થયો, અષાઢ સુદમાં. બહુ લાંબો વિહાર કરીને આવેલા હતા, બધા મુનિઓ થાકેલા પણ હતા. પણ સામી બાજુ ચૌદસ સુધી જ યાત્રા થાય. એટલે યાત્રાનો લોભ એટલો કે રોજ એક-બે, એક-બે યાત્રા કરવી. હવે એવું બન્યું, મમ્મી-પપ્પા આવી ગયા, ભક્તિનું રસોડું ચાલુ થઇ ગયું. મમ્મી જ્યારે ગુરુદેવને વંદન કરવા આવે ત્યારે વંદન કર્યા પછી પોતાના બાલમુનિને જોવે, તો ગુરુદેવે કહેલું, કે હમણાં યાત્રા કરો, અષાઢ વદ બીજથી બધા પાઠો આપણે શરૂ કરીશું. એટલે અત્યારે કોઈ પાઠ હતો નહિ, એટલે બાલમુનિને જોવે, ત્યારે કાં તો એમના હાથમાં વાર્તાનું પુસ્તક હોય, કાં તો કોઈની જોડે વાતો કરતાં હોય, મમ્મીના મનમાં ચિંતા થઇ મેં મારો દીકરો એટલા માટે ગુરુદેવને સોંપ્યો છે કે જિનશાસનનો એક હોનહાર મુનિ બને. પણ એ અભ્યાસ કરશે તો થશે ને, અભ્યાસ તો એ કરતાં જ નથી.
એકવાર મમ્મી આવેલી, ગુરુદેવ પાસે, અને બાલમુનિ બહાર ગયેલા. ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કે સાહેબ મારા બાલ મુનિરાજ એ ભણતાં નથી, ગણતાં નથી આ કેમ ચાલે? ત્યારે ગુરુદેવે કહ્યું, તમારો બાલમુની તો બહુ જ હોનહાર છે. હમણાં યાત્રા કરાવીએ છીએ બધાને, અને અષાઢ વદ બીજથી બધા પાઠો શરૂ થશે એટલે સવારથી સાંજ સુધી અભ્યાસ ચાલુ થઇ જશે. બાકી તમારો દીકરો ખુબ જ હોનહાર છે. એટલે તમે જરા પણ ચિંતા કરતાં નહિ. એમાં એક દીવસ આઠમ આવી, બપોરે બધા જ વાપરવા માટે બેઠેલા, બાલમુનિને વપરાઈ ગયેલું, થોડીક ગોચરી ખૂટતી હતી, તો ગુરુદેવે કહ્યું તમારા મમ્મીને ત્યાં જઈને આટલું લેતા આવો. કપડો-કામળી ઓઢી, દાંડો લઇ, ગયા મમ્મીને ત્યાં, ધર્મલાભ કીધો. મમ્મી ખુશ થઇ ગયા, ઓહોહો મારા બાલમુનિ આવ્યા આજ તો! બાલમુનિ અંદર ગયા, એટલા બધા brilliant છે, હજી તો પહોંચ્યા છે, મમ્મીની થાળી ઉપર નજર ગઈ, મમ્મી જમી રહી છે. એકાસણું કરે છે મમ્મી, પણ મમ્મીની થાળીમાં જોયું, બધું લુક્ખું, લુક્ખું. રોટલી લુક્ખી. બધું લુક્ખું. મમ્મીએ કહ્યું, શું વહોરાવું બોલો? વહોરવાની વાત પછી, આજે તમારે શું છે એ કહો? એકાસણું છે. એકાસણું છે તો બધું લુક્ખું લુક્ખું કેમ છે? માં ને થયું, કે બાલ મુનિરાજ ભણતા નથી. એટલા માટે મેં મનોમન સંકલ્પ કર્યો છે, કે એ બરોબર ન ભણે ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. તો આજે કહી જ દઉં એમને પછી, એકાસણું છે પણ છ વિગઈનો ત્યાગ છે. છ વિગઈનો ત્યાગ! કેમ? તમે અભ્યાસ નથી કરતાં માટે. ઓહોહો એ વાત છે ને… વાંધો નહિ.
વહોરીને ગયા અને જે ધૂણી ધખાવી છે. પાંચ દિવસમાં ૩૦૦૦ ગાથા! અને એ ૩૦૦૦ ગાથા સવારે ૧૧ વાગે પુરી કરી. એટલા માટે કે મમ્મીનો છ વિગઈનો ત્યાગ છુટે. ૧૧ વાગે મમ્મીને ત્યાં ગયા, મમ્મીને લઈને ગુરુદેવ પાસે આવ્યા, મમ્મીને કહે છે, ગુરુદેવને પૂછો, તમારે ત્યાં વહોરવા હું આવેલો, એ પછી મેં ૩૦૦૦ ગાથા નવી કરી છે કે નહિ? ગુરુદેવે કહ્યું, તમારા ત્યાંથી વહોરીને આવ્યા પછી એને ૫ દિવસમાં ૩૦૦૦ ગાથા નવી કરી છે. ત્યારે એ માં ને આનંદ થયો. કે વાહ! મારો દીકરો આટલો હોનહાર છે. અને તમે પણ તમારા દીકરાને આપો ને, તમે શું સાચવો? તમે શું પ્રેમ આપો? એથી પણ વધારે પ્રેમ અમે આપીએ. એક વાત બહેનો જોડે કરું, એક દીકરો હોય તો તમારો, બે હોય તો ૫૦-૫૦. એક તમારો, એક પ્રભુ શાસનનો.
આ ચારિત્ર પદની આરાધનાનો આજનો દિવસ. ચારિત્ર ન લઇ શકો ત્યાં સુધી વધારેમાં વધારે સામાયિક, પૌષધ આદિ કરવા. એવું આજે મનમાં સંકલ્પ કરજો.