Shree Navpad Shashvati Oli 2025 – Gyan Pad

69 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વીર પ્રભુનું જન્મ કલ્યાણક

પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે પ્રભુના ચરણોમાં આપણે શું અર્પિત કરી શકીએ? આપણે કહી શકીએ કે પ્રભુ! તેં આપેલા પાંચ મહાવ્રતો જ્યાં પણ હશે, ત્યાં મારું માથું ઝૂકવાનું. જો મારું માથું ત્યાં ન ઝૂકે, તો પછી એ મારું માથું તારા ચરણોમાં પણ ઝૂકાયેલું ન કહેવાય.

જે મારા પ્રભુના, એ બધા મારા. મારા પ્રભુના જે હોય, મારા પ્રભુ જેને ચાહતા હોય, એને હું ધિક્કારું, તો હું મારા પ્રભુનો સેવક ખરો? પ્રભુએ કોઈ ભાગ નહોતા પડ્યા કે આ સારા માણસો, આ ખરાબ માણસો. એમની તો એક જ વાત હતી: જ્યાં ચૈતન્ય, ત્યાં સિદ્ધત્વ. અને જ્યાં સિદ્ધત્વ, ત્યાં મારું નમન છે.

સ્વાધ્યાય માટેના અકાળ સમય જે છે – સવાર, બપોર, સાંજ – એમાં તમે ભણો, તો અતિચાર લાગે. એ સિવાયના સમયમાં ન ભણો રોજ, તો પણ અતિચાર લાગે! રોજ કમસેકમ અડધો કલાક સ્વાધ્યાય કરીને જ્ઞાનાચારનું પાલન કરવું જ જોઈએ.

આબુ ઓળી વાચના –

રાજસ્થાનમાં તીર્થયાત્રાએ જવાનું થયું. બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ છે. અમે ત્યાં ગયા, પૂજ્યપાદ ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યુવાનોનું શિબિર ચાલતું હતું. ત્યાં પહોંચ્યા, પ્રભુનું દર્શન કર્યું. એ વખતે એક નજર પડી, એક ખુણામાં એક મુનિરાજ બેઠેલા, અમે આવ્યા ત્યારથી જોયું, પ્રત એમના હાથમાં અને એ સ્વાધ્યાય કરે જતાં હતા. બપોરે એ મહાત્મા મારી પાસે આવ્યા. મોક્ષરત્નવિજયજી કોલકાતા યુનિર્વિસટીના ગ્રેજ્યુએટ. પરમ વિરાગી. મને એમણે પૂછ્યું, કે સાહેબ હવે હું શેનો સ્વાધ્યાય કરું? મેં પૂછ્યું: કયા કયા ગ્રંથો વંચાઈ ગયા છે? એની વાત કરો. હરીભદ્રસૂરિદાદાના, હેમચંદ્રસૂરિદાદાના, સિદ્ધસેન દિવાકરસૂરિજીના, મહોપાધ્યાયજીના, બધા જ ગ્રંથો એમણે બરોબર વાંચી લીધેલા. મને કહે હવે શેનો સ્વાધ્યાય કરું? મેં એમને કહ્યું, કે તમારે યોગોદ્વહન તો બધા થયા નથી. પણ તમારા ગુરુદેવ જો અનુમતિ આપે, તો ૪૫ આગમ ગ્રંથો સટીક તમે વાંચી લો. આગમ ગ્રંથો. એક પાનું અમારા હાથમાં હોય આગમગ્રંથનું, અને આંખમાં આંસુ હોય. મારા પ્રભુએ personally for me આટલું બધું આપ્યું… પ્રભુએ અંતિમ દેશના સોળ પ્રહરની – ૪૮ કલાકની આપી. કેટલી કરુણા… બોલે જ ગયા, બોલે જ ગયા. બોલે જ ગયા.

એક પિતા અંતિમ સમયે પુત્રોને જે રીતે માર્ગદર્શન આપે, એ રીતે માર્ગદર્શન આપતાં જ ગયાં, આપતાં જ ગયા. એ ગ્રંથો અમારા હાથમાં આવે અમારી આંખમાં આંસુ હોય છે, હૃદયમાં આનંદ પણ હોય છે, વેદના પણ હોય છે. આનંદ એટલા માટે કે આટલા મજાના શબ્દો, આટલી મજાની પ્રસાદી પ્રભુની અમને મળી. વેદના એ સંદર્ભમાં હોય છે, કે પ્રભુની એ આજ્ઞા ને અમે પાળી શકતા નથી. હમણાં હમણાં એક વાત હું વારંવાર કહું છું, પ્રભુની બધી જ આજ્ઞા હું પણ પાળી શકતો નથી. તમે પણ પાળી શકતા નથી. પણ એક વાત ભીતર નક્કી થયેલી હોવી જોઈએ, કે પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર આપણો હોય. એ તીવ્ર આદર અનુષ્ઠાનમાં જરૂર ફેરવાશે. હું જ્યારે કહું ને ત્યારે મને જવાબ મળે, કે સાહેબ પ્રભુની આજ્ઞા પર આદર હતો તો જ અહીં આવ્યા ને… મેં કહ્યું, કે આપણે જાત જોડે cheating કરવી નથી. તમે નક્કી કરો કે પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તમને આદર છે? આદર છે, તો એની પારાશીશી શું? પારાશીશી એક જ છે કે પ્રભુની આજ્ઞાના દરેક પાલકો એક સરખા ગમે. મારા સમુદાયના કે મારા ગચ્છના એ વાત નહિ. પ્રભુના પાંચ મહાવ્રત જ્યાં કણે હોય ત્યાં આપણો આદર થવો જોઈએ. તમે પણ માથું ઝુકાવતા પહેલાં પૂછતાં નહિ, મ.સા. કઈ તિથિના છો? આ વેશને માથું ઝુકાવજો.

હું નાનો હતો ને વહોરવા જતો, તો એ વખતે ઘણીવાર ગામડામાં લોકો પૂછે, મ.સા. તમે એક તિથિના કે બે તિથિના? ત્યારે હું કહેતો કે હું ૧૫ તિથીવાળો સાધુ. આજે પ્રભુનું જન્મ કલ્યાણક. પ્રભુના ચરણોમાં આપણે શું અર્પિત કરી શકીએ? આપણે કહી શકીએ કે પ્રભુ તે આપેલા પાંચ મહાવ્રતો જ્યાં પણ હશે ત્યાં મારું માથું ઝૂકવાનું. એ તારી આજ્ઞાને ઝુકેલું માથું છે, અને જો મારું માથું ન ઝુકે તો પછી એ મારું માથું તારા ચરણોમાં પણ ઝુકાયેલું નથી. તું મને ગમે છે અને તારી વાત મને ન ગમે તો કેમ ચાલે? પ્રભુ ગમે? પ્રભુ ગમે? હા, પ્રભુના પ્યારા શબ્દો ગમે? પ્રભુએ જેને ચાહ્યા એ બધાને તમે ચાહી શકો? પ્રભુએ કોઈ part નહોતા પડ્યા હો, કે આ સારા માણસો, આ ખરાબ માણસો. એક જ વાત હતી, જ્યાં ચૈતન્ય છે ત્યાં સિદ્ધત્વ છે. અને જ્યાં સિદ્ધત્વ છે ત્યાં મારું નમન છે.

ક્યારેક સામાન્ય માણસોની ભક્તિને જોઈએ, આપણું માથું ઝુકી જાય, પાલીતાણાથી શંખેશ્વર આવીએ, વચ્ચે લખતર આવે, લખતરમાં બે ઉપાશ્રય, દેરાવાસી અને સ્થાનકવાસી. અમે લોકો હમણાં મહારાષ્ટ્રમાં ફરીને આવ્યા, પુરા મહારાષ્ટ્રમાં જોયું, કે સ્થાનકવાસી જેવો ભેદ ત્યાં છે જ નહિ. આપણને ખબર જ ન પડે કે આ સ્થાનકવસી છે. અહમદનગર અમે ગયેલા, સોસાયટીમાં ગયા, ઘરે-ઘરે ગહુંલીઓ થતી જાય, મારી સાથે ભાઈ હતા, એ કહે સાહેબ આ બધા ઘર સ્થાનકવાસીઓના છે. તો લખતરમાં બે ઉપાશ્રય. આપણો ઉપાશ્રય ભરાયેલો હોય તો આપણે સ્થાનકવાસી ઉપાશ્રયમાં રહીએ. એ દિવસે એવું જ થયેલું, આપણો ઉપાશ્રય ભરાયેલો હતો, અમે સ્થાનકવાસી ઉપાશ્રયમાં ઉતર્યા. ઉપાશ્રયની સામે રોડ પર ફૂટપાથ ઉપર એક મોચી ભાઈ બેઠેલા. નાનકડું બોક્ષ. જ્યારે એમણે જોયું, ઉપાશ્રય ખુલ્લો થયો છે… નવ વાગે આવ્યા, બધા મહાત્માઓને વિનંતી કરી કે આપના મોજાં આપો, મને લાભ આપો. પાલીતાણાથી આવ્યા છો, મોજાં ઘસાઈ ગયા હશે, હું તળિયા બરોબર કરી આપું. કોઈએ ના પાડી, કોઈએ હા પાડી, પણ પરાણે બધાયના એ લઇ ગયા. અને ખ્યાલ હોય કે સાંજે લગભગ વિહાર હોય, એટલે સાંજે ૪ વાગે પાછા આપવા માટે આવ્યા. જે-જે મહાત્માનું મોજું હતું એટલો ખ્યાલ તે-તે મહાત્માને આપી દીધો. આંખોમાં આંસુ, આટલા બધા મહાત્મા આજે, મને આટલો બધો લાભ મળી ગયો. એક ભાઈ વંદન માટે આવેલા, એમણે આ ભાઈની ભાવના જોઈ, એમની આંખોમાં આંસુ આવ્યા. ૨૦૦૦ રૂપિયા સીધા કાઢ્યા, મોચીભાઈના હાથમાં મુકવા માંડ્યા. મોચીભાઈ પાછળ ખસી ગયા, એક પૈસો ન લઉં. સાધુ મહાત્માની ભક્તિ મહાપુણ્યે મળે છે. એવી ભક્તિ મને મળી ગઈ, આજનો દિવસ તો આનંદમાં જશે આમ. ભક્તિના પૈસા હોય? પેલા ભાઈની બહુ જ ઈચ્છા… તો એણે કહ્યું કે મારું બોક્ષ સામે જ છે, હું ત્યાં જ જાઉં છું તમે આવો. તમારા જૂત્તા સાફ કરવાના હોય, પોલીસ કરવાનું હોય કરી આપું, પછી તમે જે આપશો એ હું લઈશ. પણ મહાત્માની ભક્તિ રૂપે એક પણ પૈસો મારાથી લેવાય નહિ. ત્યારે આપણને લાગે કે કેવી ભક્તિ છે… મહારાષ્ટ્રમાં અમે ગયેલા, એક જગ્યાએ એક ભાઈને સમાચાર મળ્યા કે ઘણા બધા મહાત્મા પધારે છે, એ આઠ વાગ્યાથી ઘરની બહાર ઉભેલા, ઉપાશ્રયની બાજુમાં ઘર, જેટલા મહાત્મા આવે, સાહેબ પધારો, સાહેબ પધારો… સાહેબ પધારો. છેલ્લે ૧૦ વાગે નૂતન આચાર્ય કલ્પજ્ઞવિજયસૂરિ આવ્યા. પેલા ભાઈએ એમને પણ વિનંતી કરી સાહેબ પધારો. એમણે કહ્યું: મારે તો એકાસણું છે, મારે અત્યારે વાપરવાનું નથી, પુરિમડ્ઢે વાપરું છું. પણ હું માંડલીમાં પૂછી લઉં, કદાચ કોઈ વાપરતાં હોય, મોડા આવેલા તો એમને પૂછી લઉં. અંદર ગયા પૂછ્યું, થોડો ખપ હતો, વહોરવા માટે આવ્યા. એ ભાઈ, એમની શ્રાવિકા, એમનો દીકરો, શું ભાવ વહોરાવાનો… થોડુંક જ લાવવાનું કીધેલું. દીકરો કહે સાહેબ આ લો, ભાઈ કહે સાહેબ આ લો. ઠીક છે સવારનો ટાઇમ હતો એટલે વાંધો નહિ, એકાસણા વાળા ઘણા હતા એટલે પતી જાય. વહોરી લીધું. વહોરીને મારી પાસે આવ્યા કલ્પજ્ઞસૂરિ, મને કહે સાહેબ આ ગામમાં આજે દેરાસર નથી, એટલે અહીંયા પ્રભુના દર્શન એમ નહિ થયા, સામે ગામથી આપણે કરીને આવ્યા છીએ. અહીંયા પ્રભુના દર્શન નહિ થયા પણ મેં આ ભાઈની આંખમાં પ્રભુનું દર્શન કર્યું. પાછળથી ખબર પડી કે દસ, સાડા દસ સુધી પરિવારના એક પણ સભ્યે નવકારશી પારી નહોતી. એક જ વાત, ભક્તિ કરવી ભક્તિ કરવી છે. તો એની આંખમાં ભગવાન દેખાયા. મને પણ તમારા બધાની આંખોમાં ભગવાન દેખાય છે.

રહીમની એક પંક્તિ હું ઘણીવાર કોટ કરતો હોઉં છું. ‘પ્રીતમ છવિ નયનન બસી, પર છવિ કહાં સમાય?’ પ્રિયતમની છવિ, એ પરમ પ્યારા આદિનાથ પ્રભુની છબી આંખોમાં વસી ગઈ, હૃદયમાં વસી ગઈ, કે આંખોમાં સંસાર કઈ રીતે ઝળકી શકે? ‘પ્રીતમ છવિ નયનન બસી, પર છવિ કહાં સમાય?’ તો આજે પ્રભુના જન્મ કલ્યાણકના દિને આંસુનો અર્ઘ્ય આપવાનું મન થાય. રોજ સવારે ઉઠીએ, રજોહરણને મસ્તકે લગાવીએ, આંખો ભીની બને. પ્રભુ! મારી કોઈ સજ્જતા નહિ, મારી કોઈ પાત્રતા નહિ, મારી કોઈ હેસિયત નહિ અને તે, તારું આવું શ્રેષ્ઠ વરદાન મને આપ્યું. પ્રભુ મહાવીરના ઉપકારમાંથી, ઋણમાંથી ક્યારેય પણ અમે બહાર નીકળી ન શકીએ. કેટલો બધો ઉપકાર, અમને દીક્ષા કોણે આપી? પ્રભુએ આપી, એમનું શાસન સ્થપાયેલું ન હોત તો આ ધર્મ માર્ગ ક્યાંથી ચાલતો હોત? તો પ્રભુ જેને ચાહે છે એ બધાને તમે ચાહો? નહિ, આ મારા, આ પરાયા કેમ? ભગવાને કોઈ વિભાગ નહોતો કર્યો. તમે વિભાગ ક્યાંથી શરૂ કર્યો. આજે અચલગચ્છની, ખરતર ગચ્છની સાધ્વીજી, સ્થાનકવાસી મહાસતીજી, બધા જ મારી વાચનાઓમાં આવતાં હોય છે. અને એટલો બધો અહોભાવ એમની પાસે હોય છે, કે એમની આંખોના અહોભાવને જોઇને આપણી આંખો ભીની બને. બધા જ અમારા છે. જે મારા પ્રભુના એ મારા. જે મારા પ્રભુના એ બધા મારા. કેમ? મારા પ્રભુના જે હોય, મારા પ્રભુ જેને ચાહતા હોય, એને હું ધિક્કારું, તો હું મારા પ્રભુનો સેવક ખરો? મારા પ્રભુ જેને ચાહે એ બધાને મારે ચાહવાના છે.

મોક્ષરત્નવિજયજીને મેં કહ્યું: કે ગુરુદેવ આજ્ઞા આપે તો ૪૫ આગમ સટીક, સનિર્યુક્તી, સચૂર્ણિ વાંચી લેજો. બે વર્ષ પછી મળવાનું થયું. મને કહે સાહેબ! ગુરુમહારાજે અનુજ્ઞા આપી. ૪૫ આગમ સટીક, સચૂર્ણિ, સનિર્યુક્તી વંચાઈ ગયા. હવે શું? આજે સમ્યગ્જ્ઞાનનો પણ દિવસ છે. કેટલી જ્ઞાન માટેની ઝંખના. મેં કહ્યું: હવે સપાટી ઉપરનું જ્ઞાન તમારું પૂરું થયું. હવે ભીતર ઉતરો. હવે એક-એક ગ્રંથને લઈને ભીતર ઉતરો. એક-એક ગ્રંથ આપણી સાધનાને યોગ્ય રીતે પરિવર્તિત કરી શકે એવો છે. એક પંચવસ્તુક ગ્રંથ વાંચો, તમારી બધી જ ક્રિયાઓ સમ્યગ્ બની જશે. યોગવિંશીકા સટીક વાંચો. તમારી ક્રિયા સમ્યગ્ બની જશે. એક-એક ગ્રંથ એક-એક સાધનાના પડાવ સુધી આપણને લઇ જાય છે. એ ગ્રંથોના વાંચનની પરિપાટી સો વરસ પહેલાં ચાલુ હતી. સભાની અંદર પણ, વ્યાખ્યાન સભામાં ગુરુદેવ કોઈ ગ્રંથ જ લેતાં, અને ગ્રંથ લઈને એની પંક્તિઓ ઉપર પ્રવચન આપતાં. આજે તો આ રીતે પ્રવચન આપવા જઈએ ને અડધી સભા ઊંઘમાં હોય. સમાધિમાં પહોંચી જાય.

ભરૂચમાં ૧૦૦ વર્ષ પહેલાં અનુપચંદ શેઠ, બહુ જ આપણા ગ્રંથોના જાણકાર. સતત ગુરુદેવો પાસે વાચના સાંભળનારા. એકવાર એક ગુરુદેવ ભરૂચ પધાર્યા, અનુપચંદભાઈ વંદન માટે આવ્યા, પછી કહ્યું સાહેબજી! આપની અનુકૂળતાએ થોડો સમય વાચના અમને આપશો? ગુરુદેવે હા પાડી. રોજ સવારે વાચના શરૂ થઇ ગઈ, વાચનાની અંદર પણ આખો હોલ ભરાઈ જાય. એક વખત એક પંક્તિનો અર્થ ગુરુદેવે કર્યો. અનુપચંદભાઈ સાંભળી જ રહ્યા છે પ્રેમથી… પરિણત શ્રાવક છે, ગુરુ પ્રત્યે ખુબ ભાવ છે. વાચના પુરી થઇ, ગુરુદેવ પોતાના આસન પર ગયા, સ્વસ્થ બન્યા, પછી અનુપચંદભાઈ ગયા. વંદના કરી અને કહ્યું: સાહેબજી! આપને અનુકુળતા હોય તો થોડું પૂછવું હતું. કેટલો વિવેક હતો. ગુરુદેવે કહ્યું: પૂછો. તો એમણે કહ્યું: સાહેબ! પાંચ વર્ષ પહેલાં આ જ ગ્રંથ એક આચાર્ય ભગવંતના મુખે સાંભળેલો. એ વખતે આ પંક્તિનો અર્થ સાહેબે આ રીતે કરેલો, અને આપે આજે આ રીતે કર્યો. તો મારી સ્મરણશક્તિ બરોબર છે કે નહિ એ મારે ચકાસવું છે. આપ ભૂલ્યા એમ નહિ હો…પાંચ વર્ષ પહેલાં મેં સાંભળેલું, કદાચ મારી સ્મરણશક્તિમાં પણ ભૂલ-થાપ ખાઈ ગયો હોઉં, એ વખતે ગુરુદેવે કહ્યું કે ના, મેં કરેલો અર્થ બરોબર છે. પણ ગુરુદેવ પણ ભવભીરુ હતા, પ્રભુએ કહેલ આગમનો એક શબ્દનો અર્થ ખોટો જો થઇ જાય, તો વિરાધના થઇ જાય. રાત્રે એમને વિચાર કર્યો. અનુપચંદભાઈએ કરેલો અર્થ પણ સાચો લાગે છે. પોતાનો અર્થ પણ સાચો લાગે છે. તો શું કરવું? રાત્રે એમને એક વિચાર આવ્યો, બીજી સવારે વાચના શરૂ થઇ, મંગલાચરણ થયા પછી ગુરુદેવે કહ્યું, કે મને એક વિચાર આવ્યો છે, કાલે વાચના પછી અનુપચંદભાઈ મને મળેલા. એક પંક્તિનો અર્થ એમણે અલગ કહેલો, મને પણ લાગે છે કે કદાચ એ અર્થ સાચો હોઈ શકે. મેં કરેલો અર્થ સાચો ન પણ હોય. પણ હવે એનો ખ્યાલ શી રીતે આવે? ત્યારે એમણે કહ્યું: મને એવું લાગે છે, કે આ સભામાં જેટલા બેઠેલા છે, આવતી કાલથી શક્ય હોય તો અટ્ઠમ કરે, નહિતર ત્રણ આયંબિલ, નહિતર ત્રણ એકાસણા. મુનિસુવ્રત દાદાનો જાપ કરવાનો, અને મનમાં એક સંકલ્પ મુકવાનો કે આ બે અર્થમાંથી કયો અર્થ સાચો એ અમને જણાવો. તો શાસનદેવ અહીંના જાગતા છે. તો સીમંધર પ્રભુ પાસેથી પણ અર્થ જાણીને એ તમને કહેશે. ત્રીજી રાત્રે સ્વપ્નની અંદર તમને બધાને અને મને  પણ કોઈ ભાસ થવો જોઈએ. બધા લોકો આજ્ઞાંકિત હતા. કોઈએ અટ્ઠમ કર્યો, કોઈએ ત્રણ આયંબિલ, કોઈએ ત્રણ એકાસણા, ત્રીજા દિવસે રાત્રે બધાને સ્વપનમાં દેખાય છે, કે અનુપચંદભાઈએ કરેલો અર્થ સાચો છે. આમ લખાયેલો, બધા શ્રાવકોને આજે પારણું છે ચોથી સવારે. દેરાસરમાં આવ્યા, દેરાસરમાં ભેગા થયા, ચૈત્યવંદન કર્યું, બહાર નીકળ્યા, પેલા બધા શ્રાવકો કહે અનુપચંદભાઈ! તમે કરેલો અર્થ સાચો નીકળ્યો. અનુપચંદભાઈ કહે છે: મારો કરેલો અર્થ નહિ, આચાર્ય ભગવંતે આપેલો અર્થ. અને બીજી વાત આપણે અત્યારે ગુરુદેવ પાસે જઈશું, વંદન કરશું અને પચ્ચક્ખાણ લઈશું, કોઈએ પણ ગુરુદેવને કહેવાનું નથી, કે અમને સ્વપ્નમાં આવો ભાસ થયો. એમ લાગે કે જેમ-જેમ જ્ઞાન વધ્યું, તેમ સદ્ગુરુ પ્રત્યેનો ભાવ એકદમ વધી ગયો. કારણ સાધના જગતમાં પૂરેપૂરું સામ્રાજ્ય સદ્ગુરુનું છે. તમારા માટેની appropriate સાધના કોણ આપે? સદ્ગુરુ આપે. તમે તો લેવા જતાં નથી. લેવા જાવ તો આપે. વિનયની સાધના મજાની, વૈયાવચ્ચની સાધના મજાની, સ્વાધ્યાયની સાધના મજાની. પણ એમાં તમારા માટેની સાધના કઈ? એ સદ્ગુરુ નક્કી કરે. તમારી ગયા જનમની સાધનાને જુએ, અને એ સાધનાના ઉપલક્ષ્યમાં તમને આ જન્મની અંદર એ જ સાધનાની ધારામાં આગળ દોડાવે. તો તમને appropriate યોગ્ય સાધના સદ્ગુરુ આપે. એ સાધનાને કેમ ઘૂંટવી એ પણ સદ્ગુરુ સમજાવે. કે તને આ સાધના આપી છે, તારે આ રીતે એ સાધનાને ઘૂંટવાની છે. મેં વચ્ચે પણ કહ્યું, કે પહેલાં આપણે ત્યાં સાધના વર્કશોપના રૂપમાં ચાલતી.

ડોક્ટર પાસે તમે ગયા, ડોકટરે દર્દ નક્કી કર્યું. દવા આપી. તમે અઠવાડિયે  ફરી જાવ, ડોક્ટર જોઈ લે, આ દવાથી શું થયું? અને એમાં ફેરફાર લાગે તો દવામાં ફેરફાર કરી આપે. એ જ રીતે સાધના ચાલતી હતી. ગુરુ પાસે માત્ર શબ્દ લેવા માટે આવવાનું… આ વાત હતી જ નહિ. સદ્ગુરુ પાસે સાધના લેવા માટે જ આવવાનું હતું. આખી વાત ભુલાઈ ગઈ. હવે એમ જ માનીએ છીએ કે સદ્ગુરુ પાસે કેમ જવાનું? શબ્દો લેવા. ગામડામાં પણ આખી અલગ વિભાવના છે. સદ્ગુરુ પાસે કેમ જવાનું? એમની ભક્તિ કરવા. ત્રણ ટાઈમ વહોરાવા બોલાવા આવે. પ્રતિક્રમણ પછી બધા શ્રાવકો મુનિરાજોના પગ દબાવે. મુનિરાજની ભક્તિ કરવી આ મારું લક્ષ્ય. નહિતર શું થઇ જાય… મંગલાચરણ પછી આવ્યા, સર્વમંગલ પહેલા રવાના થયા. કોણ મ.સા. માંદા છે, કોણ સાજા છે, કોઈ ખબર લેવાની વાત નહિ. એક મેનેજર રાખેલો છે એ કરશે બધું. તો સદ્ગુરુ સાધના આપે, સદ્ગુરુ સાધનાને ઘૂંટાવડાવે. કહી દે કે આ રીતે તારે સાધનાને ઘૂંટવાની છે.

એક ગુરુએ એક શિષ્યને સાધના આપી, શું સાધના આપી? તું તારું નામ નથી. તમે તમારું નામ છો? કે અનામી છો? તું તારું નામ નથી. એ શિષ્યનું નામ રમ્યઘોષ હતું. ગુરુએ કહ્યું મારી પાસે બેસ અને બરોબર ઘૂંટ મનમાં કે હું મારું નામ નહિ. હું મારું નામ નહિ. હું મારું નામ નહિ… પેલાએ ૧૫ મિનિટ ઘૂંટ્યું હશે અને ગુરુએ બુમ મારી, રમ્યઘોષ! પેલો કહે જી સાહેબ. ગુરુ હસવા માંડ્યા. પેલાને ટ્યુબલાઈટ થઇ ગઈ કે હું મારું નામ નથી તો આ રમ્યઘોષ ક્યાંથી આવ્યું પાછું. તો ગુરુ આ રીતે સાધનાને ઘૂંટાવડાવે. એ પછી સાધના માટેનું appropriate atmosphere પણ સદ્ગુરુ આપે. તમને એવું વાતાવરણ આપે કે એ વાતાવરણમાં સાધના કુદરતી રીતે આગળ વધતી જાય. અને છેલ્લે તમારી સાધનામાં ક્યાંય પણ અવરોધ આવે, તો અવરોધને સદ્ગુરુ હટાવી દે. એટલે સાધના જગતમાં તમારે કાંઈ જ કરવાનું નથી. A to z સદ્ગુરુ કરે છે.

આ ખ્યાલ એ ભરૂચના લોકોને હતો અને એટલે સદ્ગુરુ પરની શ્રદ્ધા તો ક્યારે પણ ઓછી થવાની નહોતી. એટલે અનુપચંદભાઈએ કહ્યું કે આપણે વંદન કરવા જઈશું, પચ્ચક્ખાણ માંગીશું, ગુરુદેવ પચ્ચક્ખાણ આપશે, પણ સ્વપ્નની વાત કોઈએ કરવાની નથી. ગયા, વંદન કર્યું, પચ્ચક્ખાણ લીધું. એ વખતે ગુરુદેવે કહ્યું: કેટલા હળુકર્મી હશે… અનુપચંદભાઈ તમે કરેલો અર્થ સાચો છે. આવા જ્ઞાની લોકો હતા, ગુરુદેવો તો જ્ઞાની હોય જ. પણ શ્રાવકો પણ આટલા જ્ઞાની હતા. તો આજે સમ્યગ્જ્ઞાનની ઉપાસનાના દિવસે કંઈક નક્કી કરો. અતિચારમાં બોલો અકાલે ભણ્યા, કાલે ભણ્યા નહિ. એટલે શું છે? સ્વાધ્યાય માટેના વિકાલ પીરીયડસ્ જે છે સવાર, બપોર, સાંજ એમાં તમે ભણો તો અતિચાર લાગે. એ સિવાયના સમયમાં ન ભણો રોજ તો અતિચાર લાગે. રોજ અડધો કલાક કમસેકમ ગોખવું જોઈએ. ભલે અડધી ગાથા જ થાય કોઈ વાંધો નથી. જ્ઞાનાચારનું પાલન કરવું જોઈએ. તો આ રીતે જ્ઞાનની દિશામાં આગળ વધી પ્રભુના માર્ગને ખુબ-ખુબ સરસ રીતે પામવું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *