વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જે નિર્મમ નિઃસંગ
એક પણ વ્યક્તિનો પ્રવેશ રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે જેના મનમાં નથી, તે નિર્મમ. શરીર માટે પદાર્થનો ઉપયોગ થઈ શકે, પણ મનની અંદર એનો રાગાત્મક કે દ્વેષાત્મક સંગ થતો નથી, તો નિઃસંગ. મુનિનું મન પ્રભુથી, પ્રભુની આજ્ઞાથી ભરાઈ જાય, પછી બીજા માટે જગ્યા જ ક્યાં રહે!
ચોથા ગુણઠાણે રહેલ અવિરત સમયગદૃષ્ટિ માને છે કે આ પાપ છે, ન કરવું જોઈએ અને છતાં એ કરે છે. એટલે કે જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન એને ખોટી પ્રવૃત્તિ કરતાં રોકતું નથી. માટે નિશ્ચયનય આને સમ્યગદર્શન માનતું નથી; નિશ્ચયનય સાતમા ગુણઠાણા પહેલાં સમ્યગ્દર્શન નથી માનતું.
મુનિજીવનમાં આગળ વધે, તેમ તેમ ઉદાસીનદશા વધતી જાય. જેમ જેમ જ્ઞાતાભાવમાં ઉદાસીનદશા ભળતી જાય, તેમ તેમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બનતો જાય. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ. એ જ્ઞાન જ પછી ચારિત્રમાં પલટાઈ જાય.
આબુ ઓળી વાચના – ૫
સુરતમાં એક ઘર દેરાસરમાં નવપદ પૂજા ભણાતી હતી. મારે ત્યાં જવાનું થયું. પાંચમી પૂજા પુરી થઇ, મને કહેવામાં આવ્યું સાહેબ! કંઈક બોલો. મેં કહ્યું: પાંચમાં પદની પૂજાનો પ્રારંભ બહુ મજાનો છે. હવે ‘પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિઃસંગ, દિન દિન કંચનની પરે, દિશે ચઢતે રંગ’ મેં કહ્યું: માત્ર ‘હવે’ શબ્દ, એ જ એટલો બધો પ્રબળ છે, કે બીજા શબ્દોની જરૂરિયાત પડી નહિ. ‘હવે’ શબ્દ ક્યારે વપરાય? આખી દુનિયા ફરીને થાકીને રવળીને આવેલો માણસ પોતાના ઘર તરફનું plane પકડે, ત્યારે કહેશે, ચાલો હવે ઘરે. એમ વિભાવોમાંથી અનંતા જન્મોમાં પસાર થઈને થાકેલો યાત્રિક બોલે, હવે ‘પંચમ પદે મુનિવરા’ હવે… થાકયા. એ થાક ઉતારવા માટે અ મુનિ પદ છે. પરને કારણે થાક લાગે છે. પર જાય, થાક ઉતરી જાય. બે વિશેષણો મુનિને આપ્યા. એટલે તમે આવી ગયા અંદર સાધ્વીજીને આપ્યા. નિર્મમ, નિઃસંગ. નિર્મમ એટલે એક પણ વ્યક્તિ સાથે એમનો સંપર્ક નથી. નિઃસંગ – એક પણ પદાર્થ જોડે એમનો સંગ નથી.
એક સાધ્વી વૃંદ એક ગામમાં ચોમાસા માટે રહેલું. પાંચ સાધ્વીજીઓ હતા. ૫૦ એક ઘરનું ગામ હતું. ખુબ ભક્તિવાળા લોકો. આ જે ભક્તિ તમારી પાસે છે ને, એ તમારી મોટામાં મોટી વિરાસત છે. આ શ્રદ્ધા, આ ભક્તિ, આ સમર્પણ, આપણને બધાને ગળથુથીમાંથી મળ્યું છે. ભક્તિવાળું ગામ. એક સાધ્વીજી નવા હતા. તો એમને બહારનું કોઈ કામ હતું નહિ, મુકામમાં થોડી ભક્તિ કરે, બાકી સ્વાધ્યાય કરે. ઉપાશ્રયની સામે એક ઘર, બહુ જ ભાવુક, એ બહેન ત્રણેય વખત ઉપાશ્રયમાં આવે, સાહેબ લાભ આપો. સાહેબ લાભ આપો. ચોમાસું પૂરું થયું. પછી સાધ્વી વૃંદ આગળ જવાનું હતું, તો શંખેશ્વરની યાત્રા કરીને જવાનું વિચારે છે. શંખેશ્વર આવ્યા, પેલા બહેન પણ શંખેશ્વર આવ્યા છે ઉપાશ્રયની સામેવાળા, પેલા નાના સાધ્વીજી દેરાસરથી પોતાના મુકામે જઈ રહ્યા છે, બાજુમાં જ છે, બહેન ઓળખી ગઈ, કે આ તો આ મ.સા. .આપણા ગામમાં ચોમાસું કરી ગયા હમણાં જ. એટલે એણે પૂછ્યું: મ.સા. મને ઓળખી? સાધ્વીજી ના પાડે છે. મને કંઈ ખ્યાલ આવતો નથી. અરે! મ.સા. તમે હમણાં ચોમાસું કર્યું. દિવસમાં ત્રણવાર તો હું ઉપાશ્રયમાં વહોરવા આવવા માટે વિનંતી કરવા આવતી. અને બાકી પ્રતિક્રમણ માટે, સામાયિક માટે આવતી. તમે મને ઓળખતા નથી? સાધ્વીજીનો સપાટ જવાબ હતો. ના. મને એવો કોઈ ખ્યાલ નથી. પણ તમે કહો છો ત્યારે એવું હશે.
આ જીવન કેટલું મજાનું છે. તમારું મન પ્રભુથી, પ્રભુની આજ્ઞાથી ભરાઈ જાય પછી બીજા માટે જગ્યા જ ક્યાં રહે એમ.. નિર્મમ – એક પણ વ્યક્તિનો પ્રવેશ રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે સાધુના, સાધ્વીજીના હૃદયમાં ન થઇ શકે. અને નિઃસંગ – કપડાં પહેરવાના છે, પણ એ પ્રભુની આજ્ઞા માટે. જેટલા મલિન હોય એટલું વધારે સારું. કપડાં શરીરના સ્તર પર. મનમાં એનો સંગ નથી.
એક સરસ લીટમસ્ટ ટેસ્ટ હું તમારા માટે – શ્રાવકો માટે આપું છું. કે તમે નિઃસંગ કેટલા બન્યા? પૂજા કરી અને તમે ઘરે આવ્યા, સવારના પહોરમાં, તમારા વોર્ડડ્રોબમાં જાત-જાતના ઝબ્ભા અને પાયજામાં પડેલા છે. તમે ઝબ્ભો પહેર્યો, પાયજામો પહેર્યો, નવકારશીનું પચ્ચક્ખાણ પાર્યું. ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા. નાસ્તો કર્યો. એ પછી એક મિનિટ આંખો બંધ કરી દો. અને તમારી જાતને પૂછો, કે આજે ઝબ્ભો કયા કલરનો પહેર્યો છે? મરૂન કલરનો, કોફી કલરનો, એસ કલરનો કયા કલરનો ઝબ્ભો પહેર્યો છે? જવાબમાં ગુપચાંમણ થાય, તો સાધક તરીકે તમે સાચા. અને જવાબ સાચો મળે તો સાધક તરીકે તમને માર્ક્સ ઓછા મળે. ઝબ્ભો શરીરને ઓઢવાનો હતો. તમારે ક્યાં ઓઢવાનો હતો? તમે કેમ ઓઢીને ફરો છો? આ કોફી કલરનો ઝબ્ભો કેવો સરસ લાગે છે… પાછો દર્પણમાં જોઈ લે પાછો.
મુલ્લાજી પોતાના ઘરે બેઠેલા, ચા-નાસ્તો કરીને, ત્યાં એમનો એક ભાઈબંધ ગામડેથી આવ્યો, રહેતો હતો ગામડામાં, પણ બહુ મોટી જમીન અને જાગીર એની હતી. અચાનક વિચાર થઇ ગયો, મુલ્લાજી ને ત્યાં આવ્યો. મુલ્લાજીએ ચા પીવડાવી, નાસ્તાનું પૂછ્યું તો કહે કે નાસ્તો કરીને આવ્યો છું. મુલ્લાજી એકદમ તૈયાર થયેલા, તો પેલો કહે, ક્યાં જવું છે તમારે? તો કહે કે આજે સરકારી ઓફિસરોને મળવા માટે જવાનું છે. પરિચય રાખવો સારો. મને ઘણા બધા ઓળખે પણ છે. તારી ઈચ્છા હોય તો ચાલ તું. તને પણ ઓફિસરોનો પરિચય થશે. પેલાને વાત તો બરોબર લાગી, પણ એ કહે છે કે ભાઈ! મારે તો ગામડેથી તારા ઘરે આવવાનું હતું. જો તો ખરો ઝબ્ભો કેવો મેલો પહેર્યો છે, આવા ઝબ્ભાથી કંઈ ઓફિસરોને મળવા અવાય… મુલ્લાજી કહે મેં હમણાં જ નવો ઝબ્ભો બનાવ્યો છે. મારું અને તારું શરીર સરખું છે. તને ઝબ્ભો ફીટ થઇ જશે. નવો ઝબ્ભો પહેરાવ્યો, ચાલ્યા. પહેલાં ઓફિસરને ત્યાં ગયા, બધી વાત થઇ પછી મુલ્લાજીએ પોતાના મિત્રનો પરિચય આપ્યો. કે આ મારા એકદમ જિગરી મિત્ર છે. ગામડામાં રહે છે, અને બહુ મોટી જમીન અને જાગીર એમની છે. અમે એટલા બધા close friend છીએ કે એમણે જે ઝબ્ભો પહેર્યો છે એ મારો છે. પેલાએ શરીર ઉપર ઝબ્ભો પહેર્યો હતો, મુલ્લાજીએ મનમાં ઝબ્ભો પહેર્યો હતો. બહાર નીકળ્યા, પેલો તો ગુસ્સે થયો, આ રીતે પરિચય અપાય? ઝબ્ભાનો પરિચય આપવા તું આવ્યો હતો. નહિ, નહિ, નહિ હવે ઝબ્ભાની વાત નહિ કરું. મારો ઝબ્ભો છે એમ કહીશ જ નહિ હું. બીજા ઓફિસરને ત્યાં ગયા, બધી વાતચીત થઇ, મિત્રને introduce કર્યા. આ મારા મિત્ર, જિગરી મિત્ર. મોટી જમીન અને જાગીર છે. કેટલી બધી ઘોડાગાડીઓ એમના ઘરે છે. અને હા છેલ્લે કહી દઉં એમને પહેર્યો છે ને એ ઝબ્ભો એમનો જ છે. બહાર નીકળ્યા પેલો મિત્ર એટલો ગુસ્સે થયો સાલા તારા મનમાં ઝબ્ભો જ છે બીજું કંઈ છે જ નહિ. મુલ્લાજીએ પચ્ચક્ખાણ લીધું કે હવે ઝબ્ભાની વાત કરે એ બીજો. ત્રીજા ઓફિસર ને ત્યાં ગયા, બધી વાતચીત થઇ, મારા મિત્ર છે, જમીન, જાગીર મોટી છે, હા એમની બધી વાત કહીશ પણ એમણે ઝબ્ભો જે પહેર્યો છે એ કોનો છે એની વાત નહિ કરું.
મુનિરાજ વસ્ત્રોને ધારણ કરે છે, પણ એ શરીર ઉપર, એમના મનમાં એ વસ્ત્રો ઘુસી જતાં નથી. તમારે પણ આ પ્રયોગ તો કરવાનો જ છે. આખિર future planning તમારું શું પ્રવીણભાઈ? Future planning માં આ જ ને કે બીજું કંઈ? જે નિર્મમ નિઃસંગ. કોઈ વ્યક્તિ જોડે કોઈ પરિચય નથી. કોઈ પદાર્થ જોડે મનની અંદર સંગ પેદા થતો નથી. શરીરે કપડું ઓઢ્યું છે, મનની અંદર એનો રાગાત્મક કે દ્વેષાત્મક સંગ નથી જતો, મારું કપડું સારું છે, મારું કપડું બરોબર નથી. આવી કોઈ વાત ભીતર જતી જ નથી.
પૂજ્યપાદ ડહેલાવાળા સમુદાયના અધ્યક્ષ રામસૂરીમહારાજા. એકવાર એક ભક્ત એમના દર્શન માટે આવ્યો. સાહેબજી બહુ સાદા ચશ્માની ફ્રેમ પહેરતાં, એક દાંડી જે છે એ તૂટી ગયેલી. તો સાહેબજી એ ત્યાં દોરો બાંધ્યો. અને કાન પર આમ દોરો બાંધીને ફીટ કરી દીધો. પેલો ભક્ત વિચારમાં પડી ગયો, આટલા મોટા ગુરુ અને એમના ચશ્મામાં આવું? પણ એને ખબર હતી કે સાહેબને આવી વાત કોઈ કરી શકાય નહિ. એક નાના મહાત્માને કહ્યું, કે મારે સાહેબનો ચશ્માનો નંબર જોઈએ. નાના મુનિ સ્વાધ્યાયમાં હતા, એટલે કોઈ વિચાર ન કર્યો એમણે અને ચશ્માનાં નંબરનું કાગળિયું આપી દીધું. પેલા ભાઈ એકદમ ગોલ્ડન ફ્રેમ, ભારેમાં ભારે અને એમાં સરસ મજાના ગ્લાસ ફીટ કરાવીને બોક્ષમાં લઈને આવ્યા. અને ગુરુદેવના ચરણોમાં મુક્યા, ગુરુદેવ ભડક્યા, શું છે આ, શું લઈને આવ્યા? સાહેબ ચશ્મા છે. બોક્ષ ખોલ્યું, હાથમાં ચશ્મા લીધા, સાહેબ આ પહેરો, આ ચશ્માં, સોનેરી ચશ્માં હું પહેરું? ઘર ભેગો થઇ જા કહે છે. અહીંયા નિઃસંગદશાની સાધના કરવા આવ્યા છીએ. તારી ગોલ્ડન ફ્રેમના ચશ્મા પહેરવા અહીંયા આવ્યા નથી. લઇ જા, ઘર ભેગો થઇ જા. અને હવે પછી આવું કંઈ લાવતો નહિ.
તો જે નિર્મમ, નિઃસંગ. ‘દિન દિન કંચનની પરે વાધે ચડતે રંગ’ દીક્ષિત જીવનમાં જેમ-જેમ તમે આગળ વધો, તમારા મુખની કાંતિ જે છે તે એકદમ ઝગારા મારતી હોય. એ મુખની કાંતિને સાબુ જોડે સંબંધ નથી. એ મુખની કાંતિને તપના તેજ જોડે સંબંધ છે. એક અલિપ્તદશા તમારા ચહેરા ઉપર દેખાય. તમને જોતા લાગે, તમારી આંખોને જોતા લાગે કે આ આંખોની અંદર બીજું કોઈ રૂપ વસી શકે નહિ.
કબીરજીનું એક સરસ પદ છે, ‘જિન આંખીન મેં નવિ રૂપ વસ્યો, ઉન આંખીન સે અબ દેખ્યો ક્યા?’ ‘જિન આંખીન મેં નવિ રૂપ વસ્યો, ઉન આંખીન સે અબ દેખ્યો ક્યા?’ જે આંખોમાં પ્રભુનું રૂપ પડ્યું નથી. એ આંખથી શું દેખશો? કબીરજીએ તો પરમ રૂપ શબ્દ પણ વાપર્યો નથી, ‘જિન આંખીન મેં નવિ રૂપ વસ્યો – કબીરજી ના લયમાં પ્રભુનું રૂપ એ રૂપ. બાકીનું અરૂપ યા કુરૂપ. રૂપ એટલે પરમાત્માનું જ હોય.
Rilke જર્મન કવિ થયા, એમની એક સરસ કવિતાની પંક્તિ છે, put out my eyes, if that can’t see you. આપણા કવિ હરિન્દ્ર દવે એ ગુજરાતી ભાષામાં એનો રસળતો અનુવાદ કર્યો. ‘ઠારી દે આ દીપ નયનનાં, તવ દર્શનને કાજ, જો કાચ નથી આ ખપનાં’ જો તારા દર્શન માટે આ કાચ, આંખ નહિ કાચ, કામમાં નથી આવતી તો એનો કોઈ અર્થ નથી. જે આંખોમાં પ્રભુનું રૂપ ન વિલસે, એ આંખોનો કોઈ અર્થ નહિ. જે હૃદયમાં પરમાત્મા આવીને બિરાજમાન ન થયા હોય એ હૃદયનો પણ કોઈ અર્થ નહિ. પ્રભુ આપણી ભીતર અવતરિત થવા માટે તૈયાર છે. એના માટે સદ્ગુરુને મોકલે છે, કે મારે આ લોકોના હૃદયમાં અવતરિત થવું છે. એમને થોડા નિર્મળ હૃદયથી બનાવી નાંખો. એટલે હું એમાં અવતરણ કરી લઉં. એક જ હૃદયની નિર્મળતા એ પરમાત્માના અવતરણ માટે કાફી છે.
મહાવીર પ્રભુનો જન્મ ત્રિશલા મહારાણીની કુક્ષીએ થયો, સિદ્ધાર્થ મહારાજા પિતા હતા. તો જેની ચેતનામાં સિદ્ધાર્થત્વ પ્રગટે, જેની ચેતનામાં ત્રીશલ્યાતીતત્વ પ્રગટે, એની ચેતનામાં પ્રભુનો જન્મ થાય. ત્રિશલા એટલે ત્રીશલ્યાતીતા. મન, વચન, કાયાના ત્રણ શલ્યો. મનથી કોઈને દુભવીએ, મનથી કોઈના માટે ખોટા વિચારો કરીએ, વચનથી કોઈને પીડિત કરીએ, કાયાથી આરંભ-સમારંભ વિરાધના કરીએ, આ ત્રણેય શલ્યોને પેલે પાર ગયેલી ચેતના જેમની હોય તે સિદ્ધાર્થ, તે ત્રિશલા. અને સિદ્ધાર્થ એટલે… જેના બધા જ કાર્યો પુરા થઇ ગયા છે. પૂર્ણ સાક્ષીભાવમાં જે આવી ગયા છે. સાહેબ હવે શું કરવાનું છે? કંઈ કરવાનું નથી ભાઈ. હું માત્ર being નો માણસ છું. ક્યારે પણ કોઈ પણ પ્રસંગ માટે એક પણ પૈસાની પ્રેરણા કરવી નહિ એ મારો નિયમ છે. કશું જ કરવાનું છે જ નહિ, પ્રભુની આજ્ઞાનું આરાધન કરવાનું છે. અને એ આજ્ઞાનું આરાધન – સાધન કરીએ, એટલી તો મજા આવે છે. છ વિશેષણો સદ્ગુરુના હતા, આ જ મુનિ ગણિ બને, પંન્યાસ બને, આચાર્ય બને, તો જેમ- જેમ એ આગળ વધે, તેમ-તેમ શું થાય? ઉદાસીનદશા એની વધતી જાય. જ્ઞાતાભાવ ચોથે ગુણઠાણે છે, પાંચમે છે, છટ્ઠે છે અને સાતમે છે. ફરક શું પડ્યો? પાંચમે ઉદાસીનભાવ થોડો મળ્યો, છટ્ઠે વધારે મળ્યો, સાતમે વધારે મળ્યો. તો જેમ-જેમ જ્ઞાતાભાવમાં ઉદાસીનદશા ભળી, એમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બન્યો. એટલે અધ્યાત્મ ગીતામાં કહ્યું: ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તે’ ઉદાસીનદશાએ ચારિત્ર, જ્ઞાન તીક્ષ્ણ ક્યારે બને? એમાં ઉદાસીનદશા ભળે ત્યારે, એટલે એ જ્ઞાન જે છે, એ જ ચારિત્રમાં પલટાઈ જાય. જ્ઞાનની તીક્ષ્ણતા ચારિત્ર. એટલે ઉદાસીનભાવ જેમ-જેમ વધુ ઘૂંટણો તેમ-તેમ જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ આ બધું જે છે એ તીક્ષ્ણ બનતા ચાલ્યા. તો પહેલું વિશેષણ હતું આગમધર. બીજું છે સમકિતી. ચોથા ગુણઠાણે સમ્યગ્દર્શન છે, પાંચમે છે, છટ્ઠે છે, સાતમે છે. ફરક શો પડશે? આ જ ફરક પડશે – ઉદાસીનદશા વધશે. એટલે સમ્યગ્દર્શન જે છે એકદમ શાર્પ શાર્પ શાર્પ બનતું જશે. એટલે નિશ્ચયનય તો સાતમા ગુણઠાણા વિના ચારિત્ર માનતું જ નથી. એ કહે છે કે વ્યવહારે જે માનતું હોય તે માને, અમારે તો સાતમા ગુણઠાણે જ સમ્યગ્દર્શન. કારણ એને જ્ઞાન થાય, અને એ કરી ન શકે તો એના જ્ઞાનનો શો અર્થ? એ માને છે કે આ પાપ છે છતાં એ કરે છે. અવિરતિ શું કરશે? સમ્યગ્દ્રષ્ટિ? એને ખબર છે આ પાપ છે, ન કરવું જોઈએ છતાં એ કરે છે. તો જ્ઞાન છે છતાં એ જ્ઞાન એને ખોટી પ્રવૃત્તિ કરતાં રોકતું નથી. માટે નિશ્ચયનય સાતમા પહેલાં સમ્યગ્દર્શન નથી માનતું. આપણે વ્યવહારથી ચોથેથી સમ્યગ્દર્શન માનીએ, ચોથે ગુણઠાણે અલપ-ઝલપ આત્માની અનુભૂતિ થાય, પાંચમે થોડી વધુ તીવ્ર, છટ્ઠે વધુ તીવ્ર, સાતમે વધુ તીવ્ર.
સાતમાની ટોચ ઉપર જે આત્માનુભૂતિ હોય છે, જે ધ્યાનદશા હોય છે, એની વાત મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારના યોગાધિકારમાં આપી છે. ત્યાં એમણે કહ્યું છે કે, એ મુનિ ગુરુની આજ્ઞાથી એકાકી રહેતાં હોય, કોઈ ગુફામાં, કોઈ જગ્યાએ, અઠવાડિયે દસ દિવસે લાગે કે હવે શરીરને ભિક્ષા નહિ આપીએ, તો શરીર કામ નહિ કરે, એટલે વહોરવા માટે નીકળે. વહોરીને આવે, વાપરવા બેસે, અને સ્પષ્ટ લખ્યું, કે વાપરતી વખતે એમનો ઉપયોગ વાપરવામાં નથી, સ્વમાં છે. ધ્યાનદશા એટલી પ્રગાઢ બની છે, કે શરીર ખાવાની ક્રિયા કરે છે, અને મન જે છે એ ભીતર સ્વના ઉપયોગમાં લીન છે. તમે પણ આંશિક સ્તર પર આ કરી શકો. જમવા માટે ગયા, થાળીમાં વાનગી આવે એ પહેલાં એક સરસ મજાની સ્તવનની પંક્તિ મનમાં લઇ લો, અને એના ઉપર ચિંતન કરો. પછી વાનગીઓ પીરસાશે. તમે ખાઈ પણ લેશો. કોઈ પાછળથી પૂછે, શું ખાધું? મને ખબર નથી. આ થઇ શકે છે. ઉપયોગને સતત સ્વમાં રાખવો એ મુનિનું અને સાધ્વીનું કામ. તમારો ઉપયોગ સ્વમાં રહે એ પ્રભુની પૂજા અને તમારો ઉપયોગ પરમાં જાય એ તમે કરેલી પ્રભુ આશાતના. તો કેવી એ ભમિકા હશે સાતમા ગુણઠાણાની કંઈ ખ્યાલ જ નથી આવતો. શરીરના સ્તર પરની ક્રિયા શરીર કરી લે. બહુ, બહુ તો conscious mind કરી લે. તમારા ઉપયોગને બહાર લાવવાની જરૂર નહિ.
એક વાત કહું, એક બહેન છે, રસોઈ કરે છે, હવે રસોઈમાં એવું તો નથી કે એકાગ્ર બની ગયા હોય. નિર્વિકલ્પ બની ગયા હોય. વિચારો તો જાત-જાતના ચાલે છે. વિચારો ચાલે છે અને છતાં એ ક્રિયા ચાલે છે. આ બે એ સાથે કરી શકે છે. વિચારો પણ ચાલે છે અને ક્રિયા પણ ચાલે છે. તમે એક કામ કરી શકો, કે શરીરનું સ્તરનું જે કામ છે, એ conscious mind ને ભળાવી દો. કારણ કે સતત એની practice છે એ પ્રમાણે થયા કરશે. એક પ્રવચનકાર હોય, રાત્રે ૧૨ વાગે જગાડો કે ૫૦૦૦ માણસ છે, ભાષણ કરવાનું છે, તો શરૂઆત કરી દે. એનું conscious mind જે છે વાત ઉપાડી લે છે. ગુરુદેવ ગયા અચાનક, પછી અરવિંદસૂરિ દાદા હતા. એમણે મને સ્પષ્ટ કહ્યું: યશોવિજય! હું કંઈ જ સંભાળવાનો નથી. તારે જ બધું સંભાળવાનું છે. મારા માટે ગુરુ હતા, ગુરુની આજ્ઞા. પણ મને વિચાર આવ્યો કે આટલો બધો એકાંતમાં રહેલો હું, ૩૦-૩૦ વર્ષ સુધી એકાંત મેં માણ્યો છે,અને સીધું પાટ પર આવી જવું – લોકસંપર્કમાં આવી જવું, એ ચાલે કઈ રીતે?
સુરત અઠવાલાઈન્સમાં મારું ચોમાસું, તો મેં સંઘના અગ્રણીઓને બોલાવ્યા, અને મેં કહ્યું કે એક કલાક હું પ્રવચન આપીશ. સાધકો માટે એક કલાક વાચના આપીશ. પણ એ સિવાયના ૨૨ કલાક મારા પોતાના હોવા જોઈએ. હોલની અંદર ૨-૩ વૃદ્ધ મ.સા. ને બેસાડી દઈશ. જે આખો દિવસ પચ્ચક્ખાણ આપશે, વાસક્ષેપ આપશે. પણ મારી રૂમમાં કોઈએ દખલ કરવાની નહિ. પણ એમ કરતાં- કરતાં ઉપયોગને સ્વમાં ઢાળવાની એવી ટેકનીક મળી ગઈ કે આજે બધાની સાથે છું, અને છતાં મારી અંદર. એટલે એકાંત અંદર રચાઈ ગયો. હવે બહારના એકાંતની જરૂર ન રહી.
ત્રીજું વિશેષણ આપે છે, ‘ક્રિયા સંવર સાર રે’ આ જ વાત આવી સંવર – સ્વપ્રતિષ્ઠિતતા. ક્યાંય બહાર જવાનું નથી. માત્ર ભીતર રહેવાનું. ભીતરનો આનંદ તમે પણ માણો એકવાર તો તમે પણ કહી દો, કે હવે બહાર આવવાની જરૂર નથી. ચોથું વિશેષણ છે – સંપ્રદાયી. પરંપરાને વફાદાર. આ એક બહુ મહત્વની વસ્તુ છે, તમે ગમે એટલા આત્મજ્ઞાની થાવ, અને આત્મજ્ઞાની થયા એટલે આ યુનિફોર્મને તમે છોડી દો એ ચાલે નહિ. સાધુ જીવનની બહારની જે વ્યવહારદશા છે, એને તમારે બરોબર પાળવાની છે. એટલે એકલા નિશ્ચયમાં તમે જાવ, અને વ્યવહારને છોડો, તો તમારી પાસે નિશ્ચયાભાસ છે, નિશ્ચય નથી. કારણ કે સમ્યગ્ નિશ્ચય જ્યાં છે, એને વ્યવહારમાં કોઈ વાંધો જ નથી. જેને ઉપયોગને અંદર રાખવો છે, એને રોટી-દાળ ખવાય તોયે શું? અને શીરો ખવાય તો યે શું? શું ખાધું એ જ ખબર નથી. તો આપણે ત્યાં વ્યવહારને બરોબર સાચવીને નિશ્ચયદશામાં આપણે જવાનું છે. એટલે નિશ્ચયદશા પુરી ખીલેલી હોય, આનંદઘનજી ભગવંતની, મહોપાધ્યાયજીની પણ યુનિફોર્મ આ જ હતો. કશી બદલાહટ નહોતી. કારણ કે વ્યવહારને પુરેપુરો એ માનતા હતા, પાળતા હતા. તો સંપ્રદાયી – જે વ્યવહાર છે, જે પરંપરા છે, એને ચુસ્ત રીતે વફાદાર. અવંચક – કોઈની પાસેથી કંઈ લેવાનું નથી. સદ્ગુરુ એટલે આપનારું વ્યક્તિત્વ. અહીંયા આવો અને લઇ જાવ. અને ખજાનો ખૂટે એમ નથી. એટલે જ્ઞાન વસ્તુ એવી છે. ૧૦૦ રૂપિયાના ૧૦૦ સિક્કા હોય, અને ૧૦૦ જણાને પ્રભાવના કરે, તો એની પાસે કંઈ રહે નહિ. પણ જ્ઞાની માણસ હજારોને જ્ઞાન આપે તો પણ એનું જ્ઞાન વધે, ઓછું ન થાય. એટલે અહીંયા તો આપવાનું જ છે, લેવાનું કંઈ છે જ નહિ. એટલે ગુરુ ક્યારેય વંચક બની શકે નહિ. માત્ર હસતાં હસતાં તમને જ્ઞાન આપી દેશે. અને જેને પ્રાપ્તિ થઇ છે ને એનો ખ્યાલ તમને આવી જશે. જો થોડા તમે ઉંચકાયા હશો ને તો એને પ્રાપ્તિ થઇ છે કે નથી થઇ એનો ખ્યાલ તમને આવશે.
જાપાનના સમ્રાટ ગુરુ રીન્ઝાઈ ને પૂછે છે, કે આપ તો મહાન છો મને ખબર છે. પણ આપનો કોઈ ભિક્ષુ ઉંચકાયેલો છે, પણ એની મને ખબર શી રીતે પડે? ત્યારે ગુરુએ કહ્યું: કોઈના પણ ઉઠવાને જો, એના બેસવાને જો, એના સુવાને જો, એના ખાવાને જો, ખ્યાલ આવી જશે. અહંકારી માણસ ચાલશે ને ધમ ધમ, છે ને આમ નજર હશે, કોણ મને જુએ છે? કોણ મને જુએ છે? આટલા અપટુડેટ કપડાં પહેર્યા છે, જુએ છે કોણ? અને સાધક એવી રીતે ચાલશે, કોઈને ખબર ન પડે. તો અહંકારી માણસ બીજાને બતાવવા માટે બધું કરે છે. સાધક પ્રભુને રીઝવવા માટે બધું કરે છે. એટલે આખો ખ્યાલ અલગ છે એટલે એના ચહેરા પરથી પણ ખ્યાલ આવી જશે.
શુચિ અનુભવ ધાર રે, છેલ્લું વિશેષણ. પવિત્ર જે અનુભૂતિ, એ અનુભૂતિને ધારણ કરનાર છે. ૨૪ કલાક એ અનુભૂતિની ધારા ચાલ્યા જ કરે. શબ્દોમાં તો શું વર્ણન કરું હું, તમને થોડી પ્રાપ્તિ થાય ને તો તમને ખ્યાલ આવે. બાકી એ એવી દશા છે – અનુભવની… જ્યાં શબ્દો ખરી પડે છે, વિચારો ખરી પડે છે, કૃત્યો ખરી પડે છે. બધું જ ખરી પડે છે, કારણ કે એક પણ doing નો કશો જ અર્થ નથી એવો સ્પષ્ટ ખ્યાલ એને આવે છે. આપણા સાધુપણામાં આજે આપણે આ વસ્તુ ઉમેરવાની છે. there should be not doing. કશું જ કરવું નથી. કોઈ તીર્થ નહિ, કોઈ ઉપાશ્રય નહિ, કોઈ દેરાસર નહિ. મારે મારી સાધના કરવાની છે… ક્યાંય બહારના પ્રોજેક્ટમાં જવાનું નહિ. તો અનુભવની ધારા ચાલશે.. અંદરનો આનંદ માણશો, એટલે બસ. નિર્મમ નિ:સંગ બની જશો.