વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : તપ તે એહી જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે
ઇન્દ્રિયોની આસક્તિને સૂકવવી, મનની આસક્તિને સૂકવવી, એ બાહ્ય તપ. અને આત્મા પોતાના ગુણોની અંદર રમતો હોય, પોતાના ગુણોની અંદર સતત એ યાત્રા કરતો હોય, એ અભ્યંતર તપ. બાહ્ય તપ એ અભ્યંતર તપનું ઉદ્દીપક છે.
અભ્યંતર તપની પહેલી ત્રિપદી; પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ. રડતી આંખે તમે પાપોનું પ્રાયશ્ચિત કરો, તો એ ક્ષણોમાં તમારા રાગ-દ્વેષ થોડા શિથિલ બને છે. તેમ છતાં અહંકાર તો ટટ્ટાર જ હોય છે. એ અહંકારને શિથિલ કરવા માટે વિનય અને વૈયાવચ્ચ.
તમારા રાગ-દ્વેષ-અહંકાર શિથિલ થાય, એ પછી સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન. સ્વાધ્યાય થકી તમને ખ્યાલ આવે કે તમે ખરેખર કોણ છો. ધ્યાન અને કાયોત્સર્ગ માં જાવ એટલે એ તત્ત્વની અનુભૂતિ તમને થાય, આનંદનો અનુભવ થાય, નિજગુણનો ભોગ થાય.
આબુ ઓળી વાચના – ૯
મુંબઈમાં એક ભાઈના યુવાન દીકરાએ સોળ ભત્તું કરેલું. સોળ ભત્તાનું પારણું પારણા પાંચમના દિવસે હતું. પત્રિકાઓ છપાઈ. સંબંધીઓને મોકલવામાં આવી. એક સંબંધી પાલનપુર રહેતા હતા, ત્યાં પણ પત્રિકા પહોંચી. પર્યુષણના દિવસોમાં, એ ભાઈ ચૌસઠ પ્રહરી પૌષધમાં હતા અને એ સંઘના અગ્રણી હતા. એટલે પારણા પાંચમની વ્યવસ્થા, વરઘોડાની વ્યવસ્થા, તપસ્વીઓના બહુમાનની વ્યવસ્થા, ચૈત્યપરિપાર્ટી આ બધી જ વ્યવસ્થા એમને કરવાની હતી. એટલે અઠવાડિયા સુધી તો એ બહાર જઈ શકે એમ હતું નહિ. એટલે વિચાર્યું કે ૮-૧૦ દિવસે free થાઉં અને મુંબઈ જઈ એમની શાતા પૂછી આઉં.
દસેક દિવસ પછી પાલનપુરથી એ મુંબઈ જાય છે. મુંબઈ સેન્ટ્રલની બાજુમાં પેલા ભાઈનું ઘર છે. સેન્ટ્રલે ઉતર્યા. રાતના ૯ વાગેલા. ટેક્ષી કરી, એ ભાઈના ઘરે પહોંચ્યા, સાડા નવ વાગેલા, એ વખતે જેણે સોળ ભત્તું કરેલું એ યુવાન routine life માં આવી ગયેલો એટલે ૯ વાગે ઓફિસેથી આવેલો, હાથ-મોઢું ધોઈને સવા નવ-સાડા નવે dinning table પર બેઠેલો અને ગરમાગરમ ભાખરી-શાક ખાતો હતો. પેલા ભાઈ સોળભત્તાની શાતા પૂછવા માટે આવે છે. અને આ રાત્રે સાડા નવ વાગે ભાખરી-શાક ખાઈ રહ્યો છે. એમણે શું કર્યું એ પછી કહું, તમને શું વિચાર આવે? જો, આ સોળ ભત્તું કર્યું કે લજવ્યું? હજી તો ૮-૧૦ દિવસ થયા નથી, રાત્રે ભાઈસાબ ઠોકવા મંડી પડ્યા છે…! આજ વિચાર આવે ને, એ પાલનપુરવાળો ભાઈ લીટરલી પેલા યુવાનના પગમાં પડે છે, અને કહે છે અદ્ભુત! શું પ્રભુશાસન મળ્યું છે. પ્રભુની કૃપા કેવી ઉતરી તમારા ઉપર! સદ્ગુરુએ તમને પચ્ચક્ખાણ આપ્યું, સોળ ભત્તું તમે કરી લીધું! નમન છે મારા! વંદન છે મારા!
આ એક બહુ મજાની દ્રષ્ટિ છે. પેલી દ્રષ્ટિ દોષ જોવાની આપણને અનંત કાળથી મળેલી છે. હવે માત્ર અને માત્ર બીજામાં રહેલા ગુણોને જોવા છે. હરીભદ્રસૂરિ મ.સા. મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય છે. એટલે પંચસૂત્રમાં કે યોગદ્રષ્ટિમાં પ્રારંભિક ગુણ તરીકે એમણે ગુણાનુરાગને આપ્યો છે. તમે ગુણી હોવ ન હોવ બહુ ફરક નથી. તમે ગુણાનુરાગી છો કે નહિ? ગુણી હોવ પણ તમે ગુણાનુરાગી ન હોવ, તો તમારા ગુણો જે છે એ તમારા માટે નકામા બની જશે.
યુવાને જમી લીધું, બધા બેઠા, એ વખતે પાલનપુરવાળા ભાઈએ કહ્યું, તમે સવારે નાસ્તો કરી અને અહીંથી ગયા હશો. ૧૨-૧૨.૩૦ ગરમાગરમ ટીફીન આવ્યું હશે, રોટલી-શાક તમે ખાધા હશે. ત્રણ વાગે ચા પીધી હશે. પાંચ વાગે fruits/હળવો નાસ્તો લીધો હશે. અને છતાં તમારે રાત્રે જમવું પડે છે, અને એ તમે સોળ ભત્તું કર્યું! અદ્ભુત!
ગુલાબની અંદર બે વસ્તુ હોય, કાંટા પણ છે, અને એની પાંખડીઓની કોમળતા પણ છે. આપણે શું જોઈશું? કાંટા જોઈએ તો એમ થાય કે આવા તીક્ષ્ણ કાંટા આ પાંખડીઓને વીંધી નાંખશે. પણ માત્ર કોમળ પાંખડીઓને જોઈએ તો..? ગુણી બનવા માટેની પહેલી શરત છે, ગુણાનુરાગી બનવું પડે. અને એ ગુણાનુરાગ એ પણ તપ છે. સ્વાધ્યાય પછી જે અનુપ્રેક્ષા આવે છે એ અનુપ્રેક્ષા તમે બરોબર કરો, તો તમને પણ ખ્યાલ આવે કે ગુણાનુરાગ વિના તમે ક્યારે પણ આગળ વધી ના શકો.
મહોપાધ્યાયજી ભગવંતે નવપદ પૂજામાં કહ્યું; ‘તપ તે એહી જ આતમાં, વર્તે નિજગુણ ભોગે રે’ તપની એમણે અદ્ભુત વ્યાખ્યા આપી. ઇન્દ્રિયોને આસક્તિને સૂકવવી, મનની આસક્તિને સૂકવવી, આવી કોઈ વાત એમણે કરી નથી. એમણે સીધો જ અભ્યંતર તપ પકડ્યો અને કહ્યું, ‘તપ તે એહી જ આતમાં, વર્તે નિજગુણ ભોગે રે’ જ્યારે આત્મા પોતાના ગુણની અંદર રમતો હોય, પોતાના ગુણોની અંદર સતત એ યાત્રા કરતો હોય, ત્યારે એ તપ છે. બાહ્ય તપ એ અભ્યંતર તપનું ઉદ્દીપક છે. બાહ્ય તપ પણ આપણી પાસે કેટલા સરસ છે! ઉણોદરી.
વિપશ્યના આજની internationally spread out સાધના છે. એમાં બપોરે રોટલી, દાળ, શાક, ભાત, તમે જમી લો, સવારે દૂધ અને પૌઆ, સાંજે કશું જ ખાવાનું નહિ. કેમ? સાંજે તમે ન ખાવ, બપોરે તમે ખાધેલું છે, તો બપોરે ખાધેલું ધીરે ધીરે પચવા માંડશે. મધ્યરાત્રિ થતાં તો લગભગ પચી જશે. અને સવારે ૪ વાગે એ સાધક ધ્યાનમાં બેસશે, તો એને ધ્યાનની અંદર સરસ જવાનું થશે. એટલે જ આપણે ત્યાં પ્રભુએ કહ્યું, ‘એગભત્તં ચ ભોયણમ્’ એકાસણું. આયુર્વેદ પણ કહે છે, કે જઠરાગ્નિ જે છે ને એ સૂર્યની જોડે સંબંધિત છે. સૂર્ય ઉગે ત્યારે જઠરાગ્નિ આમ સુષુપ્ત હોય છે, સૂર્ય ધીરે ધીરે ધીરે એકદમ ઉદ્દીપ્ત બને ત્યારે જઠરાગ્નિ ખુલે. એટલે ૧૦-૧૦.૩૦, ૧૧ વાગે જઠરાગ્નિ જે છે એ ખુલે. એ વખતે તમે થોડું નાંખી દો. જલ્દી પચી જાય, અને પછી ખાવાનું લો. તો બાહ્ય તપ પણ સાધનાને પરિપુષ્ટ કરનારું છે. અભ્યંતર તપની બે ત્રિપદી, પ્રાયશ્ચિત, વિનય, ને વૈયાવચ્ચ. પ્રાયશ્ચિત સદ્ગુરુ પાસે લેવા ગયા તમે. રાગ કે દ્વેષના કારણે જે પાપો થઇ ગયા, એની રડતાં આંખે તમે પ્રાયશ્ચિત લો, તો પ્રાયશ્ચિતની ક્ષણોમાં તમારો રાગ ને દ્વેષ થોડો ઓછો બને છે. પણ અહંકાર તો ટટ્ટાર રહે છે. એ અહંકારને શિથિલ બનાવવા માટે બે ચરણો આપ્યા. વિનય અને વૈયાવચ્ચ.
પહેલું વિનય. સદ્ગુરુ છે ઝૂકો, વડીલ છે ઝૂકો. પણ લાગ્યું કે ભારતીય સંસ્કારોથી ઘડાયેલું મન વડીલના ચરણોમાં તો ઝુકશે, પાછો અહંકાર તો રહેશે જ. એટલે વૈયાવચ્ચ આપી. આજનો દીક્ષિત સાધુ હોય એની સેવા કર. ગ્લાન છે સેવા કર. ભગવાને કહ્યું, જો ગિલાણં પડિવજ્જઈ, સો મે પડિવજ્જઈ’ જે ગ્લાનની સેવા કરે છે, એ મારી સેવા કરે છે. એટલે વૈયાવચ્ચ અહંકારને તોડવા માટે છે. એ રાગ, દ્વેષ ને અહંકાર ઓછા તમારા થયા પછી સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ.
સ્વાધ્યાય- સ્વનું અધ્યયન. અત્યાર સુધી હું એટલે શરીર, હું એટલે નામ, વૈયાવચ્ચથી એ ધારા તૂટે, હવે એક ઉહાપોહ થાય છે, સાચો હું કોણ? Nameless, bodyless, mindless experience કઈ રીતે મને મળે? તો એના માટે સ્વાધ્યાય. ગ્રંથોનું વાંચન કરો, એટલે તમે કોણ છો એનો તમને ખ્યાલ આવે, ધ્યાન અને કાયોત્સર્ગમાં જાવ એટલે આત્મતત્વની અનુભૂતિ તમને થાય. અને એ સંદર્ભમાં મહોપાધ્યાયજીએ કહ્યું, ‘તપ તે એહી જ આતમાં, વર્તે નિજગુણ ભોગે રે’ ધ્યાનમાં ગયા, આનંદ જ આનંદ, કાયોત્સર્ગમાં આનંદ જ આનંદ. તો નિજગુણનો ભોગ તપ દ્વારા થાય છે.
આયંબિલની ઓળી આજે પરિપૂર્ણ થઇ, પ્રભુની નિશ્રામાં બહુ સરસ ઓળી થઇ. ખુબ સરસ લાભ લીધો લલિતભાઈએ, કાલે પારણું થશે પણ આ આયંબિલની સ્મૃતિ રહેવી જોઈએ. રોજ એક રોટલી લુક્ખી ખાવી. અને એ રીતે પણ આયંબિલની સ્મૃતિ જાળવી રાખવી.
તો ખુબ સરસ આરાધના થઇ. એ આરાધના પ્રભુના ચરણોમાં આજે આપણે સમર્પિત કરીએ.