વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આગમધર
સદ્ગુરુનું પહેલું વિશેષણ આગમધર. આગમજ્ઞાતા નહિ, આગમધર. માત્ર આગમોના જ્ઞાતા હોવું – એ તો અભવિનો આત્મા પણ છે. પણ પ્રભુના પ્યારા શબ્દોને જેણે પોતાના અસ્તિત્વમાં ઓગાળી નાંખ્યા છે, એ શબ્દો સાથે પોતાની જાતની એકરૂપતા જેણે કરી છે, તે આગમધર.
તમે તો માત્ર સ્થૂળની તાકાત જ જોઈ છે કે ગુરુ બહુ સારું બોલે છે; પણ શબ્દોમાં તો કાંઈ જ નથી. ગુરુ જે આપવા માંગે છે, એ પોતાના પ્રેમથી આપવા માંગે છે. ગુરુના પ્રેમથી, ગુરુની કરુણાથી તમારું હૃદય ભરાઈ જાય અને રાગ-દ્વેષ-અહંકારથી તમે એકદમ છૂટા પડી જાવ.
તમને ઇન્દ્રિયોના સુખોમાંથી બહાર ખેંચી લાવવા છે. એ માટે સદ્ગુરુ તમને તમારી ભીતર જે સહજ આનંદની એક ધારા ચાલી રહી છે, એની સાથે જોડી આપે. તમારી ભીતર રહેલ એ આનંદનો અનુભવ તમને થાય, અને તમને લાગે કે ઇન્દ્રિયજન્ય સુખોમાં કશું જ નથી.
આબુ ઓળી વાચના – ૪
અવધૂત ગીતામાં એક બહુ મજાનો શ્લોક છે, જે ગુરુતત્વના મહિમાનું ગાન કરે છે. સદ્ગુરુઓ શું કરે છે, ‘યે દત્વા સહજાનન્દં, હરન્તિન્દિન્દ્રિય જં સુખં સેવ્યાસ્તે ગુરવ: શિષ્યૈ રણ્યે ત્યાજ્યા પ્રતારક:’ સદ્ગુરુઓની એક મજાની આ trick, ઇન્દ્રિયોના સુખો જે સાધકને ગમે છે, એ સાધકને ઇન્દ્રિયોના સુખોમાંથી બહાર ખેંચી લાવવો છે. પણ તમે બહાર ક્યારે ખેંચી શકો? ઝુંપડામાંથી કોઈને મહેલમાં જવાનું તમે કહો, તો પેલો માણસ ઝુંપડાને છોડી શકે. એમ ઇન્દ્રિયજન્ય સુખોને છોડવા છે, પણ એના માટે સદ્ગુરુ શું કરે? યે દત્વા સહજાનન્દં – તમારી ભીતર જે સહજ આનંદની એક ધારા ચાલી રહી છે, એ ધારા સાથે તમને જોડી આપે. અને તમારી અંદર રહેલ એ આનંદનો અનુભવ તમને થાય, તમને લાગે કે ઇન્દ્રિયજન્ય સુખોમાં કશું જ નથી. સદ્ગુરુ તમારો સહજ આનંદ તમને શી રીતે આપે? શ્રેષ્ઠ માર્ગ સદ્ગુરુની ઉર્જાને પકડવાનો છે. સદ્ગુરુના ચરણોમાં કોઈ ભાવુક જાય, ૫-૧૦-૧૫ મિનિટ એકદમ ખાલી થઈને સદ્ગુરુના ચરણોમાં બેસે, એનું હૃદય સહજ આનંદથી ઉભરાઈ જાય. ગુરુએ સહજ આનંદની એક ધારા એને આપી. એ ધારાને કારણે એની અંદર રહેલ સહજ આનંદની ધારા બહાર આવી ગઈ. જેમની પાસે તમે જાવ, અને સહજ આનંદનો અનુભવ ન થાય, તો તમારે માનવું પડે, કે મારી receptivity બહુ જ ઓછી છે. એવા સદ્ગુરુ પાસે તમે ગયા તો આનંદ મળવાનો જ છે. તમે કહેશો કે, સાહેબ! ગુરુ આનંદથી ભરી આપે, પણ એ આનંદ કેટલો સમય રહેશે? રાગ, દ્વેષ, અહંકારની ધારા અંદર ચાલુ જ છે. નિમિત્ત મળ્યું નથી કે રાગ-દ્વેષ અહંકાર છલકાયા નથી. તો આવી મારી સ્થિતિમાં મારો સહજ આનંદ કેટલો સમય ટકશે? ત્યારે સદ્ગુરુ dual action કરશે. તમારા વિભાવોને ખેંચી લેશે, અને સ્વભાવની ધારા સાથે તમને જોડી આપશે.
બાયજિત એક સિદ્ધ પુરુષ હતા. ઘણી બધી સિદ્ધિઓ એમની પાસે હતી, પણ સિદ્ધિઓ હોવી એ કોઈ ચમત્કાર નથી, સિદ્ધિઓ હોય અને એનો અહંકાર ન હોય, એ ચમત્કાર છે. એક સંતની વાત આવે છે, બહુ જ સાત્વિક સંત, એકવાર એક દેવે એમને કહ્યું, કે હું આપને શક્તિ આપવા માંગું છું, કે આપ જ્યાંથી પણ પસાર થાવ, ત્યાંના લોકોના તમામ રોગો જતાં રહે. સંતે કહ્યું: મારા કારણે લોકોના રોગો જતાં હોય તો મને કોઈ વાંધો નથી. પણ તારે એટલું ઉમેરવું પડે, શું? એવા સાંયોગિક કારણો ઉભા થવા જોઈએ કે હું નીકળ્યો એના કારણે એ સ્વસ્થ બન્યો એવો એને ખ્યાલ પણ ન આવે. નહિતર ભીડ મારી પાછળ એવી પડશે… તો બાયજિત સિદ્ધ પુરુષ પણ અહંકાર એટલો જ. એકવાર બાયજિત જંગલમાંથી પસાર થઇ રહ્યા છે, એક વૃક્ષ નીચે એક સાધિકા સ્ત્રી બેઠેલી, એમની નજર બાયજિત ઉપર પડી, સિદ્ધ સ્ત્રી હતી. બાયજિતને જોતાં ખ્યાલ આવી ગયો, કે આ માણસ પાસે સિદ્ધિ ઘણી છે, પણ એનો અહંકાર, એની સિદ્ધિઓ ઉપર ચોકડી મારી દે છે. મારે એના અહંકાર ને આજે કાઢવો જોઈએ. સદ્ગુરુની કરુણા કેવી હોય છે, જે માત્ર અને માત્ર ભીતર ડૂબેલા છે, એ સદ્ગુરુ તમારા માટે બહાર આવે છે. ભીતરનો આનંદ મણાઈ ગયો. પણ સદ્ગુરુ પાસે પ્રભુની આજ્ઞા છે. તને સિદ્ધિ થઇ છે તારે વિનીયોગ કરવાનો છે. તો એ પ્રભુની આજ્ઞાને સ્વીકારીને ભીતર ગયેલા સદ્ગુરુ તમારા માટે બહાર આવે છે.
બહાર આવી જાય પછી શું કરે? તમને પ્રભુ તરફ ખેંચવા માટે શું કરી શકાય? કાલે સાંજે જ મેં સંગોષ્ઠીમાં કહેલું, કે પદાર્થો પરનો રાગ, વ્યક્તિઓ પરનો રાગ, અને શરીર પરનો રાગ, શિથિલ બનેલો હોય, તો પ્રભુનો રાગ અત્યંત ઝડપથી તરત થઇ જાય. તો સદ્ગુરુને આ કામ કરવું પડે છે. તમારા કચરાને સાફ કરવાનું કામ સદ્ગુરુની ફાળે આવે છે. તમે શુદ્ધ થઈને આવો અહીંયા તો, ગુરુનું એટલું કામ બચે. નહિતર તમારા હૃદયને નિર્મળ કરવામાં વર્ષોના વર્ષો લાગી જાય. તો તમને સાધના ક્યારે આપવાની પછી? હૃદય નિર્મળ ન થાય ત્યાં સુધી કોઈ સાધના અસરકારક બની શકતી નથી. વિભાવો શિથિલ બનવા જ જોઈએ. તો પેલી જે ગુરુણી હતી, એના મનમાં કરુણા ઉભરાઈ. તમે બધા અહીંયા આવી ગયા છો ને, એ માત્ર ગુરુની કરુણાને કારણે, લાગે છે બરોબર? તમે પોતે વિચારો કે તમારી સજ્જતા તમને કેટલી લાગે છે? પણ સદ્ગુરુની કરુણાએ તમને અહીં ખેંચી લાવ્યા, સદ્ગુરુએ જોયું, કે ભલે દીક્ષા વખતે એની સજ્જતા પુરી ખીલી નથી, પણ એની સંભાવનાઓને હું ખોલી આપીશ. સદ્ગુરુની એ ઈચ્છા હોય છે. અને તમે એ ઈચ્છાને support આપો, એટલે તમારું કામ થઇ જાય. તો સદ્ગુરુની ઈચ્છા એક જ છે કે દીક્ષા વખતે તમારી જે સંભાવનાઓ ખુલી નહોતી, એ દીક્ષા પછી પણ ખોલી આપે. તો ગુરુની કરુણા, ગુરુનો પ્રેમ… એકવાર પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ માણી લો, દુનિયાના બધા જ રાગ છૂટી જશે. છોડવા નહિ પડે, છૂટી જશે. બે રીત છે, કાં તો રાગ-દ્વેષ ને અહંકાર ને શિથિલ કરો, અને ગુરુના શક્તિપાતને ઝીલો. અથવા તો પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ જાય, પછી બીજાનો એમાં પ્રવેશ રહે જ નહિ. માર્ગ બે છે, choice is yours.
એ ગુરુણી બાયજિત ને કહે છે, અહીં આવ, હવે બાયજિતનો અહંકાર એટલો મોટો હતો, એક સામાન્ય દેખાતી સ્ત્રી, એને કહે અહીં આવ. અને બાયજિત જાય? પણ ગુરુની પાસે સૂક્ષ્મની તાકાત બહુ મોટી હોય છે, તમે તો ખાલી સ્થૂળની તાકાત જ જોઈ છે. ગુરુ બહુ સારું બોલે છે. શબ્દમાં કાંઈ નથી. ગુરુ જે આપવા માંગે છે, એ પોતાના પ્રેમથી આપવા માંગે છે. ગુરુના પ્રેમથી, ગુરુની કરુણાથી તમારું હૃદય ભરાઈ જાય અને બસ રાગ-દ્વેષ અહંકારથી તમે એકદમ છુટા પડી જાવ. ગુરુની શક્તિ એવી હતી, અહીં આવ, પેલા મદારીના મંત્રોને કારણે સાપને આવવું પડે ને, એ રીતે બાયજિત ને આવવું પડે છે. આવ્યો, શિષ્ટાચાર કર્યા, અને એ વખતે પેલા ગુરુ કહે છે કે આ પોટકું છે, એને પૂવ દિશામાં આવેલ મઠમાં પહોંચાડી આવ. આટલો મોટો સિદ્ધ પુરુષ મજુરનું કામ કરે? પણ એને પોટકી લેવી પડી. સદ્ગુરુના aura field માં હતો. જ્યાં aura field ની બહાર ગયો, પાછો અહંકાર એકદમ આગળ આવી ગયો. હું મજુરનું કામ કરું? ત્યાંથી એક વાઘ પસાર થતો હતો, બાયજિત પાસે સિદ્ધિ છે, વાઘને રોક્યો, વાઘની પીઠ ઉપર પોટલી બાંધી, પૂર્વ દિશાનો ઈશારો કર્યો અને પોતાના કપડાં બતાવ્યા. વાઘ સમજી ગયો, પોટકી આપવા માટે ચાલી નીકળ્યો. પેલા ગુરુ આ જ જોતા બેઠા હતા, ફરી બાયજિતને બોલાવ્યો, અને એ ગુરુએ જે શબ્દો વાપર્યા છે, કારણ બાયજિતના અહંકારને તોડવા માટે એ શબ્દો જરૂરી હતા. ગુરુ કહે છે: તારા જેવો નાલાયક હરામ હાડકાંનો માણસ જોયો નથી. નાલાયક, તું મારી પાસે તારી સિદ્ધિનું પ્રદર્શન કરે છે, કે વાઘ પણ મારા અંકુશમાં છે. તું કોની સામે સિદ્ધિનું પ્રદર્શન કરે છે? અને હરામ હાડકાનો તારા પગ નહોતા ચાલતાં, કેમ વાઘને હેરાન કર્યો? એક જ વાક્ય; તારા જેવા નાલાયક હરામહાડકાનો માણસ બીજો જોયો નથી. એવો શક્તિપાત થયો કે અહંકાર ખરી પડ્યો. એટલે સદ્ગુરુ બેઉ કામ કરવા તૈયાર છે. તમારા વિભાવોને ખોતરી ખોતરીને કાઢવા માટે પણ તૈયાર છે, અને તમને દિવ્ય આનંદ આપવા પણ તૈયાર છે. સદ્ગુરુ તૈયાર છે, પાટ પર બેઠા બેઠા રાડો પાડે છે. અને તમે વ્યાખ્યાન સાંભળીને સુઈ જવાનું. સાચું આયંબિલ કરીને આવ્યા, આયંબિલમાં કેટલી કેટલી વાનગી હતી, એ ખબર હોય ને? કોઈને આયંબિલ કરવા જવાનું બાકી હોય આજે શું છે? આજે આ છે, આ છે, આ છે… પછી પેલો પૂછે કે આજે હું વ્યાખ્યાનમાં પણ આવી શક્યો નહોતો, તો વ્યાખ્યાનમાં શું આવેલું? અરે બહુ સરસ આવેલું કહે છે, વ્યાખ્યાનમાં બહુ સરસ આવેલું, હા પણ બહુ સરસમાં શું આવેલું? એ તો ભાઈ મ.સા.ને ખબર.
આપણે તો માત્ર શબ્દો સુધી કે એના ચિંતન સુધી અટકવું નથી. અનુભૂતિ એ જ આપણા આ જીવનનો મુદ્રા લેખ છે. મને મારી અનુભૂતિ ન હોય તો કેમ ચાલી શકે? એક સાધક ગુરુ પાસે આવ્યો, ૧૦ વર્ષ પહેલાં એ ગુરુ પાસે આવેલો, ત્યારે ગુરુએ એને આખી સાધના આપેલી, કે you are the nameless person. તારું નામ એ તું નથી. આ નામ સાથે તમે conditioning કર્યું ને તમારું એમાં તમે બહુ ચુકી ગયા. મારું નામ, લોકો મારા નામને જાણે. એટલે નામ સાથેનું conditioning માત્ર ને માત્ર અહંકારને વધારે. તો ગુરુએ એકાદ મહિના સુધી એને આ વસ્તુ સમજાવી. દસ વર્ષે ફરી એ સાધક ગુરુ પાસે આવ્યો. વંદના કરી, ગુરુ પૂછે છે તું કોણ? તારું નામ શું એમ પૂછતાં નથી. તું કોણ? પેલો કહે કે સાહેબ હું જોટાન. એનું નામ જોટાન હતું. અને ગુરુ લાલ આંખ કરે છે, દસ વર્ષ પહેલાં પણ જોટાન હતો, આજે પણ જોટાન છે? તે દસ વર્ષમાં કર્યું શું?
તમે મુંબઈ કે અમદાવાદમાં રહેતા હોવ, તમારા સંઘમાં એક ગુરુદેવનું ચોમાસું થયું, અને એ ગુરુદેવે આ વાત ઘૂંટી ઘૂંટીને સમજાવી, કે તમે માત્ર આનંદઘન આત્મા છો, પરની જોડે તમારે કોઈ સંબંધ નથી. ફરી દસ વર્ષે એ સદ્ગુરુનું ચોમાસું તમારા સંઘમાં થાય, પૂછે તમને, શું કહો તમે? ભાઈ દસ વર્ષ પહેલાં તું હતો ત્યાં જ છે કે આગળ વધ્યો? પહેલાં ગુરુ પાસે જવાનું એક વર્ક શોપના રૂપમાં હતું. સદ્ગુરુ પાસે તમે ગયા, સદ્ગુરુએ જોયું, કે આનો રાગ વધારે છે કે દ્વેષ વધારે છે કે અહંકાર વધારે છે. તો સદ્ગુરુ એ રાગને, દ્વેષને, અહંકારને શિથિલ કરે. દસ વર્ષ થઇ ગયા, એ સદ્ગુરુની છાયામાં તમે ૪-૪ મહિના રહેલા, દસ વર્ષે પાછા આવીને ગુરુ પૂછે, કે તું ક્યાં છે? શું જવાબ આપશો? તો વર્ક શોપના રૂપમાં એ રીતે ચાલવું છે, તમે આવ્યા, તમારું અત્યારનું સાધનાનું અથવા વિભાવોનું stand point જોયું, પછી ગુરુ તમારા માટે એક સાધના આપે, સાધના personally જ આપી શકાય છે, તમને માસમાં – સમુહમાં સાધના માટે લલચાવી શકીએ, પણ સાધના personally જ આપી શકીએ. મુંબઈ જવું છે એક જણાને, વડોદરા છે, તો વડોદરાથી મુંબઈનો રસ્તો અલગ છે. એક જણો નાશિક છે, એને મુંબઈ આવવું છે. એનો રસ્તો અલગ છે. તમારું અત્યારનું stand point કયું છે? એના આધારે ગુરુ તમને સાધના આપે. અને પછી ડોક્ટર કહે ને કે, અઠવાડિયે પાછું બતાવવા આવજો. એમ ફરી ગુરુ પાસે જવાનું. સદ્ગુરુ ફરી પૂછે, શું થયું તારો રાગ ઓછો થયો? આવી રીતે સદ્ગુરુ તમને personally સાધના આપવા માટે તૈયાર છે. સદ્ગુરુ તૈયાર, તમે? સાહેબ વ્યાખ્યાન બે ટાઈમ નહિ, ત્રણ ટાઈમ આપો ને બેસી જઈશું, અમારે તો સાંભળવું જ છે ને…
વેવાઈને ત્યાં ગયા, જમવાનો સમય થયો, ભાણામાં બધું મુકાય, ના – ના કરશો ને બસ હવે નહિ, કારણ ભાણામાં મુકાય એ ખાવાનું છે. વ્યાખ્યાનમાં આવે એ તમારે… અનુભૂતિમાં લેવાનું હોય છે? તો તમે કહો સાહેબ બસ, ખાલી અડધો કલાક પ્રવચન આપો, મને એના ઉપર ચિંતનનો, અને ચિંતન પછી હું ક્યાં અટકું છું એ જોવાનો આખો ચાન્સ આપો મને. માત્ર અડધો કલાક આપ પ્રવચન આપો, બાકીનો સમય હું મારી સાથે બરોબર introspection કરીશ. કેમ ન કહ્યું? કારણ કે તમે સમજ્યા કે વ્યાખ્યાન સાંભળવાની ચીજ છે. જે વસ્તુ સાંભળતા આટલી મીઠી લાગે, એનો આસ્વાદ કેટલો મીઠો હોય? તો સદ્ગુરુ તમને આપવા માંગે છે.
એ સદ્ગુરુના છ ગુણોની વાત આનંદઘનજી ભગવંતે કહી. પહેલો ગુણ, પહેલું વિશેષણ – આગમધર. આગમજ્ઞાતા લખ્યું નથી, આગમધર લખ્યું છે. માત્ર આગમો ના જ્ઞાતા હોવું એ તો અભવિ નો આત્મા પણ છે. આગમધર – એ ભક્તિથી, શ્રદ્ધાથી મારા ભગવાનના શબ્દો છે આ, એવી ભૂમિકા સાથે આગમોનું વાંચન થયેલું હોય, એ આગમો ઉપર અનુપ્રેક્ષણ થયેલું હોય, તો ગુરુ આગમધર. શાસ્ત્રોને વાંચવા માટે અલગ દ્રષ્ટિ જોઈએ છે. હું લગભગ ૩૦ વર્ષ સુધી દર વર્ષે આચારાંગ સુત્રમાંથી પસાર થતો. આચારાંગ સુત્રમાંથી પસાર થતો પણ એટલી ભીનાશ મારી પાસે નહોતી, પ્રભુની કેવી કૃપા કે, એ વખતે મહાભારતની એક ઘટના મારા વાંચવામાં આવી. બહુ જ મજાની ઘટના છે, ઉદ્ધવજી વૃંદાવન જવાના છે, ઉદ્ધવજીને થયું; કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણની ભક્તા ગોપીઓ ઘણી છે, શ્રી કૃષ્ણ આવવાના નથી, તો શ્રી કૃષ્ણનો પત્ર લઈને જાઉં, ઉદ્ધવજી એટલે કૃષ્ણના મિત્ર. એમણે કહ્યું શ્રી કૃષ્ણ ને; ગોપીઓના નામ ઉપર એક પત્ર લખી આપો. શ્રી કૃષ્ણે પત્ર લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા, રથને આવતો જોયો, ગોપીઓને થયું શ્રી કૃષ્ણ આવતાં લાગે છે. ૫૦-૬૦ ગોપીઓ ભેગી થઇ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યા, એમણે ગોપીઓને કહ્યું: આ વખતે શ્રી કૃષ્ણ આવી શક્યા નથી. પણ એમનો પત્ર હું લઈને આવ્યો છું. પત્ર પોતાના હાથમાં આમ રાખ્યો, કે આ લ્યો આ પત્ર. તમે લઇ લો અને વાંચો. એક પણ ગોપી પત્રને લેવા માટે આગળ આવતી નથી. ઉદ્ધવજી પંડિત છે, ભક્ત નથી, એટલે એમને ખ્યાલ નથી આવતો કે આ ગોપીઓ, શ્રી કૃષ્ણની ભક્તાઓ શ્રી કૃષ્ણનો પત્ર હાથમાં રાખું છું, કોઈ લેવા માટે આગળ નથી આવતું. ભક્ત હૃદય જેવી છે, પંડિત મસ્તિસ્ક જેવી છે.
આપણા દેશમાં બુદ્ધિજીવિતાનું કોઈ જ મહત્વ નથી. માત્ર શ્રદ્ધાજીવિતા. વીરવિજય મહારાજે નવ્વાણું પ્રકારની પૂજામાં લખ્યું; ‘શ્રદ્ધા વિણ કુણ ઇહાં આવે રે’ એ શત્રુંજય ગિરિરાજની પણ વાત છે, પ્રભુ શાસનની પણ વાત છે. શ્રદ્ધા નથી, તો તમે શું કરો? અને કદાચ કોઈ શ્રદ્ધા વગર આવી ગયો તો? સરસ કીધું – ‘લઘુજળમાં કિમ તે નાવે રે’ બુદ્ધિના ખાબોચિયામાં એ સ્નાન કરી રીતે કઈ શકે? ઉદ્ધવજીને ખ્યાલ નથી આવતો.
સુરદાસજીએ એમના એક પદની અંદર આ વાત મૂકી છે, કે ગોપીઓ પત્રને લેવા કેમ નથી આવતી? શબ્દો છે ત્યાં ‘પરસૈ ઝરૈ’. ગોપીઓને થાય છે, કે શ્રીકૃષ્ણ નથી આવ્યા, વિરહ વ્યથા અમારી ભીતર બહુ જ છે, વિરહને અગ્નિ કહેવાય છે. તો અમારા પુરા શરીરમાં વિરહની આગ દોડી રહી છે, આ પત્ર હાથમાં લઈશું બળી તો નહિ જાય? ચાલો પત્ર હાથમાં ન લો, નજીક આવીને વાંચી તો લો. વાંચવા માટે પણ કોઈ તૈયાર નથી. કેમ? ‘વિલૌકે ભીંજે’ નજીક આવશું અને જ્યાં એ પરમ પ્રિયના શબ્દોને જોઈશું, અક્ષરોને જોઈશું, આંખોમાંથી આંસુની ધાર વહેશે. અને આખો પત્ર જે છે એના અક્ષરો ચિરાઈ જશે.
આ ઘટના મેં વાંચી, અને મને થયું કે ગોપી એના આરાધ્ય દેવની આ રીતે ભક્તિ કરી શકે છે. તો હું મારા આચારાંગ ભગવાનની કઈ રીતે સેવા કરું? નિર્યુંકતીકાર આચારાંગને ભગવાન કહે છે, ભગવાન આચારાંગ. બસ એ ઘટના વાંચ્યા પછી જેટલી વાર આચારાંગ વાંચ્યું, બસ એ પંદર દિવસ સુધી, વીસ દિવસ સુધી આંખો સતત ભીંજાયેલી જ રહે. મારા ભગવાને personally for me આટલું બધું કહ્યું છે. તો સદ્ગુરુ આગમધર છે. પ્રભુના પ્યારા શબ્દોને એમણે પોતાના અસ્તિત્વમાં ઓગાળી નાંખ્યા છે, એ શબ્દો સાથે પોતાની જાતની એકરૂપતા એમણે કરી છે. આપણા યુગમાં પૂજ્ય જયઘોષસૂરિ દાદાને આપણે જોયા, મોબાઈલ યુનીવર્સીટી. પંક્તિ કોઈ મળી છે, પણ કયા ગ્રંથની એ ખબર નથી, અને મહાત્મા આવે સાહેબજી આ પંક્તિ છે, કયા આગમની? આગમનું નામ આપે, એના અધ્યયનનું, અને ક્યારેક તો પાનાં નંબર પણ કહી આપે. આ પાનાં ઉપર છે આ. પણ એ આગમો, એ પરમાત્માના શબ્દો આત્મસાત્ થયેલા, એટલે જીવન કેટલું મધુર બની ગયેલું.
એકવાર સાહેબજી પટ્ટ ગણવા માટે તૈયાર થઇ ગયેલા, રેશમી વસ્ત્ર પહેરાઈ ગયું, પટ્ટની પૂજા થઇ ગઈ. અને નવકારવાળી હાથમાં લઇ અને મંત્ર ગણવાના છે. એ વખતે એક મુનિરાજ સાહેબની રૂમમાં આવે છે, મુનિએ વંદન કર્યું. સાહેબ તો અત્યંત પ્રાજ્ઞ છે. એના ચહેરાને જોઇને સમજી ગયા કે કંઈક પૂછવા આવ્યો છે. બોલ, શું પૂછવું છે તારે? સાહેબજી આપ પટ્ટ ગણો છો હમણાં, પટ્ટ ગણી લો પછી હું આવું. તો કહે નહિ, પહેલાં તારો પ્રશ્ન બોલ. મુનિરાજ પ્રેમથી કહે, સાહેબ આપ ગણી લો, મારા પ્રશ્નમાં એવું કંઈ નથી. નહિ, તારે તારો પ્રશ્ન કહેવાનો જ અત્યારે જ. અને એ વખતે સાહેબજી એ કહ્યું: કે તું જીવંત પરમેષ્ઠી છે, જીવંત પરમેષ્ઠીની અવગણના હું કરું તો પટ્ટ માં રહેલા પરમેષ્ઠી બેસે ખરા? તું જીવંત પરમેષ્ઠી છે. આજે ચોથા પરમેષ્ઠીનું ગુણગાન થાય, આવતી કાલે પાંચમાં પરમેષ્ઠીનું. તમે બધા પરમેષ્ઠી છો ને? પરમેષ્ઠી કોને કહેવાય? ‘પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી’ જે પરમમાં રહે, માત્ર પરમમાં જ રહે. એ પરમેષ્ઠી. પરમાં જાવ તો પરસ્ત થઇ જાવ. પરમેષ્ઠી વિશેષણ ના રહે પછી.
પણ ડોકટરના ત્યાં ઘણીવાર એક બોર્ડ હોય છે doctor is out, doctor is in. બહાર ગયેલા હોય તો તકતી ઉપર આવી જાય. એમ તમે પરમેષ્ઠી કેટલીવાર? પરમાં જવું હોય, વાતો કરવી હોય, even કોઈની નિંદા કદાચ કરવી હોય, તો out નું પાટિયું લગાડી દેવાનું. અત્યારે પરમેષ્ઠી out થઇ ગયા છે. તો આવતી કાલે તમારી જ વાત આવવાની છે હોં.. પાંચમાં પરમેષ્ઠી કેવા હોય, અને પાંચમો પરમેષ્ઠી શું કરે? એની વાત આપણે આવતી કાલે જોઈશું.